શ્રીમદ ભાગવત પુરાણ કથા- સ્કંધ પહેલો – બીજો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

બીજો અધ્યાયભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન

(કથાના પહેલા અધ્યાયમાં ભક્તિનો ભેટો નારદજી સાથે થાય છે અને કળિયુગમાં ભક્તિના પુત્રો જ્ઞાન અને વૈરાગ્યના અકાળ વાર્ધક્યથી હતાશ થયેલી ભક્તિ નારદજીને પોતાની વ્યથા કહે છે. હવે અહીંથી આગળ વાંચો.)

જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ થકી ઉત્પન્ન થઈ શકે પણ, માત્ર જ્ઞાન અને વૈરાગ્ય થકી ભક્તિના આવિર્ભાવની સંભાવના ઘણી અલ્પ છે અને કદાચ ભક્તિ ઉપજે તો પણ એ ક્ષણજીવી હોય છે અથવા તો એક સમયની અંદરની જ હોય છે. આથી જ રૂપક તરીકે, પહેલા અધ્યાયમાં જ નારદજી સાથેના સંવાદમાં આની પૂર્વભૂમિકા આપી દીધી છે. કળિયુગ પણ દરેક યુગની જેમ જ, નીતિમત્તાના ધોરણો, સત્ય, દયા, દાન અને ધર્મ ના આયામો માટે પોતાનો મિજાજ અને આગવી પ્રકૃતિ પોતાની સાથે જ લઈને આવે છે. આ હકીકત બદલાવાની નથી. ભક્તિ દેવર્ષિ નારદની જ રાહ કેમ જોઈ રહી હતી? નારદજી પણ બ્રહ્માના સ્વયંભૂ પુત્ર છે અને ભક્તિના જન્મદાતા સૂક્ષ્મ રીતે બ્રહ્મા છે. જગતની વ્યુત્પતિ સાથે બ્રહ્માજીનો સીધો સંબંધ હોવાથી ભક્તિને વિશ્વાસ હતો કે નારદ એટલે કે નારાયણ તરફ દોરનાર, જ કળિયુગમાં વિલય પામી રહેલા એનામાંથી જ જન્મ પામેલા જ્ઞાન અને વૈરાગ્યની અકાળ મૃતપ્રાયઃ સ્થિતિનો ઉપાય સૂચવી શકશે. Continue reading શ્રીમદ ભાગવત પુરાણ કથા- સ્કંધ પહેલો – બીજો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પરીક્ષા – વાર્તા – અનિલ ચાવડા

પરીક્ષા
અનિલ ચાવડા

ચાદર ખેંચાવાથી હું સફાળો જાગી ઊઠ્યો. મારી ધૂંધળી આંખો આગળ ઘરનો ઝાંપો તરવરવા લાગ્યો. હું આખી રાત ઝાંપે જ સૂઈ રહેલો. મેં આંખો ચોળીને નજર કરી તો ઝાંપે ગાયો કોઈના બેસણામાં આવી હોય તેમ સૂમસામ બેઠી હતી. મારા બાજુના ખાટલામાં મારો ભાઈ ગોદડામાં લોટપોટ થઈને પડ્યો હતો. મારી ધૂંધળાશ ઓછી થઈ અને સામે જોયું તો મમ્મી ઊભાં હતાં. કદાચ તેમણે જ મારી ચાદર ખેંચી હતી. પણ આટલી વહેલી સવારે શું કામ જગાડ્યો હશે? Continue reading પરીક્ષા – વાર્તા – અનિલ ચાવડા

પ્રાર્થનાને પત્રો – [38]  – ભાગ્યેશ જહા

[38] પ્રાર્થનાને પત્રો

પ્રિય પ્રાર્થના, 

હવે હું વિદેશની ધરતી પર છું, ગ્રેટ બ્રિટનની ધરતી પર છું, એ ઇન્ગ્લીશ હવા, જેના પાતળા પોત પર ભારતની એક કથા લખાઇ છે. ક્યાંક ગાંધીજીને જોવા લોકો રસ્તાની બન્ને બાજુએ ભેગા થયેલા અને આશ્ચર્યની જે લાગણી વહી હતી, એનો અણસાર પામવાનો રોમાંચ અનુભવી રહ્યો છું. આ પશ્ચિમની હવાને સમજવાનો મારો મહાયજ્ઞ ચાલું જ છે. એક જમાનામાં ગુજરાતી કવિ ઉમાશંકરે ‘બનું વિશ્વમાનવી’ એવી ખેવના વ્યક્ત કરી હતી, જ્યારે આજે ગુજરાતીકવિ તરીકે હું વિશ્વમાનવી બની ચુક્યો છું. હું સરહદ વિનાની દુનિયાનો કવિ છું, હું મંગળ પર પગરણ પાડતા સપનાઓનો સર્જનહાર સમયનો શબ્દસારથિ છું, એટલે આજની દુનિયા વિશેની નવી સમજ સાથે મારે ગુજરાતી ભાષાની સેવા કરવાની છે. હું લંડનના બહારના પરગણા ‘સરે’ની એક અજવાળી શેરીમાં બેઠો છું, પશ્ચિમનો સૂરજ આજે ખુલ્યો છે, ગઈકાલે ગમગીનીમાં હતો.  Continue reading પ્રાર્થનાને પત્રો – [38]  – ભાગ્યેશ જહા

કોરોના ક્રૂર આ કારમો  – કવિતા – નટવર ગાંધી 

કોરોના ક્રૂર કારમો 

નટવર ગાંધી 

છેલ્લા કેટલાક મહિનાઓથી ટીવી, રેડિયો, અને છાપાંઓમાં દિવસ ને રાત કોરોના વાયરસ સિવાય બીજું કાંઈ દેખાતું કે સંભળાતું જ નથી. પણ ઇતિહાસમાં આવી વિનાશક ઘટનાઓ બનતી જ રહી છે. છેલ્લા સોએક વર્ષોમાં જ કૈંક ભૂખમરાઓ, ધરતીકંપ, જંગલોની આગ, પ્રલય સમા પૂર, અને ભયંકર વાવાઝોડાઓ થયા છે. જો કે આ બઘી હોનારતોમાં કોરોના વાયરસ કૈંક જુદો તરી આવે છે એનું એક કારણ એ છે કે એ વિશ્વવ્યાપી છે. તેમાંથી છટકવું મુશ્કેલ છે. એનાથી બચવા માટે ક્યાં જાવું? Continue reading કોરોના ક્રૂર આ કારમો  – કવિતા – નટવર ગાંધી 

આ માણસ કઈ માટીથી ઘડાયા છે? – જયશ્રી વિનુ મરચંટ

મને થયું કે મારે કોઈક ઘેઘુર વડલા વિષે લખવાનું હોય કે જેની હજારો વડવાઈઓ લીલીછમ બનીને પાંગરી હોય તો હું શું લખું અને ક્યાંથી શરુ કરું? એટલું જ નહીં, પણ એ બધી વડવાઈઓને લીલીછમ રાખવા માટે વડલાએ પોતાના અંતરના અમી કેટલા અને કેવી રીતે સીંચ્યા હશે એના વિશે પણ લખવું જ જોઈએ, તો આ કામ બહુ કપરું છે. આખાયે ઘેઘુર વડલાને જેમ ન તો બાથ ભરીને હાથમાં લઈ શકું છું, બિલકુલ એવી જ રીતે કે જેમ હું આ આકાશની અનંતતાને આંખોમાં ક્યાં સમાવી શકું છું? વડીલબંધુ પૂજ્ય પ્રતાપભાઈ પંડ્યા માટે લખવા બેઠી છું તો થાય છે કે એમનો આકાશની અનંતતા સમા ચેતોવિસ્તારને અને વડલાની શીળી છાંય સાથે સતત હરિયાળી ફેલાવતી એમની હયાતીને, હું કેટલાયે પાનાં ભરીને લખું તોયે અસરકારક રીતે આલેખવા અસમર્થ છું. તો પૂ. વડીલબંધુ પ્રતાપભાઈ પંડ્યા વિષે જે પણ લખું તે વાંચતી વખતે આ મર્યાદાને ધ્યાનમાં લઈને આપ સહુ વાંચો એ જ વિનંતી કરું છું. Continue reading આ માણસ કઈ માટીથી ઘડાયા છે? – જયશ્રી વિનુ મરચંટ

જીવન -મૃત્યુ – સરયૂ પરીખ – રસદર્શનઃ વિજય શાહ

જીવન – મૃત્યુ

રૂઠતી  પળોને  સમેટતી  હું   શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી છું.
ઘૂઘવતા  સાગરમાં   નાનીશી  નાવમાં,
હળવા  હલેસાંથી  હામ  ધરી  બેઠી  છું.

ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં,
રજકણ  બની  અંક  આકાશે  ઊઠી  છું.
અંજળના  આંસુથી  આંખોની   આહમાં,
કરુણાનું   કાજળ  લગાવીને  બેઠી   છું.

ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં,
ઝીણા  ઝણકારને  વધાવીને   બેઠી  છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

સરી  રહ્યો સથવારો  મમતાના  મેળામાં
આજે  અજાણી,  પરાઈ બની  બેઠી  છું.
જીવન  પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો,  પિંજર થઈ  બેઠી  છું.
————      સરયૂ પરીખ

રસદર્શનઃ સરયૂબેનને ભાષાનો વારસો તો માતૃ પક્ષેથી ભરપુર મળ્યો છે અને આવા સુંદર કાવ્યો દ્વારા તેમાં પોતાનો કસબ પણ કેળવ્યો છે અને જાળવ્યો છે. ઢળતી ઉંમરે મૃત્યુ તો આવવાનું જ છે પણ તેનાથી ભય ભીત થયા વિના સમજણથી કહે છે,

રૂઠતી  પળોને….   દુઃખના દીવામાં સુખવાટ વણવી તે વાત કહેતાની સાથે તેમના અંતરમાં વિકસેલ આધ્યાત્મ ઝળકી ઉઠે છે.. આમ જુઓ તો વાત નાની છે પણ તે ઘુઘવતા સાગરમાં નાની શી નાવમાં હામ હળવા હલેસાથી ભરે છે. જે જાગ્રૂતિનું અને સમજણનું ઉંચુ પ્રતિક બને છે.

બીજી  પંક્તિમાં વાત તો એની એજ છે પણ રૂપક બદલાય છે

ભમરાતી ડમરીમાં રજકણ જેવું જીવન ઉંચે આકાશે ચઢી ગયુ છે. ભાઇ ભાંડુરા ,દીકરા દીકરી અને પતિની મમતા (અંજળ) આખોમાં જલન તો લાવે છે.. પણ કરુણાનાં કાજળ લગાવી રાહ જોઉ છું કે ક્યારે ડમરી શમે અને આકાશને આંબતી રજકણ ભોં ભેગી થાય ( મૃત્યુનું કેવું સરસ આલેખન!)

ત્રીજી  પંક્તિ તો ઘણી જ સ્પષ્ટતા થી કહે છે,  

નક્કી છે આવશે… મૃત્યુ તો નક્કી આવશે જ પણ ઉરનાં સન્નાટામાં લાગણીનાં ગીતમાં ઝીણા એ ઝબકારને વધાવીને બેઠી છું..બધી લીલી વાડી છે..ઘણા સુખો અને દુઃખો ને જાણીને હવે મૃત્યુ તુ આવશે તો પણ હું તે ક્ષણને આવકારવા મારી જાતને શણગારીને બેઠી છું. આ તૈયારી જાતને જાણનાર અને મારા તારાથી પર થઈ શકે તેવા ઉચ્ચ સમજ્થી સજ્જ વિદુષી જ કરી શકે.

અને છેલ્લે જાણે મૃત્યુ થી તેઓ ભયભીત નથી તે વાતને ફરી દોહરાવતા કહે છે, સરી  રહ્યો…

જીવન પ્રયાણમાં હંસ ચાલ્યો જશે અને પીંજર અહીનું અહીં રહી જશે કહીને બહુ સાહજીકતાથી મમતાનાં મેળામાં અજાણી કે પરાઇ થઇને સહુને કહી રહ્યા છે કે, “નવ કરશો કોઇ શોક..”

સરયૂબેન સુંદર આત્મલક્ષી કવન રચી ને અમારા સૌનાં આપ માર્ગદર્શક બની રહ્યા છો…સલામ તમારા કવિ કર્મને.. વિજય શાહ.
——-

છિન્ન – (૯) – નવલકથા – રાજુલ કૌશિક

***** ***

વીશ યુ વેરી હેપ્પી મેરેજ એનીવર્સરી, સંદિપ.

શ્રેયાએ ઊંઘતા સંદિપના ગાલે હળવું ચુંબન કરી લીધું. અને, બીજી ક્ષણે સંદિપે બેડમાંથી ઊભી થવા જતી શ્રેયાનો હાથ પકડીને પોતાની પાસે ખેંચી લીધી. Continue reading છિન્ન – (૯) – નવલકથા – રાજુલ કૌશિક

મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૯.ટીએન…એક વિદ્યાર્થીની.

               તારા ઓષ્ઠો હલે ને મારી આંખ સાંભળે. મૃદુ મનના તરંગ અનુકંપ સાંભળે.

                        ૯. ટીએન…એક વિદ્યાર્થીની. સરયૂ પરીખ

Continue reading મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૯.ટીએન…એક વિદ્યાર્થીની.

હવે હદપાર પંખીઓના ટહુકા થઈ ગયા ~ કવિ: ભગવતીકુમાર શર્મા ~ આસ્વાદ: હિતેન આનંદપરા

આ ગતિથી દૃષ્ટિના દીવાઓ ધૂંધળા થઈ ગયા
હું, સ્કૂટર, રસ્તો – અને ચહેરાઓ ઝાંખા થઈ ગયા

લક્સની ફિલ્મી મહેક, ગીઝર ને શાવર બાથ આ
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઈ ગયા

સિક્સ ચૅનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં
કે હવે હદપાર પંખીઓના ટહુકા થઈ ગયા

બારીઓમાંથી સ્કાયસ્ક્રેપર રોજ આવે ખરેખર
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઈ ગયા

વૃક્ષ છોડીને વસાવ્યાં પંખીઓએ એરિયલ
લીલાં લીલાં પાંદડાં તરડાઈ પીળાં થઈ ગયાં

આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઈ ગયા?

અંજલિ અર્પ઼ું પ્રથમ સંવસ્તરીએ હું મને
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઈ ગયા!

~ ભગવતીકુમાર શર્મા

‘અંધારમાંથી આવવું અંધારમાં જવું, કોઈ કરે શું વંશ ને વારસની વારતા?’… જેમણે અંધકારને આકંઠ વેઠયો હતો એવા સમર્થ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માએ 5 સપ્ટેમ્બરે 2018ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. તા. 31 મે તેમનો જન્મદિવસ. સાહિત્ય અને પત્રકારત્વ બંનેમાં ઉચ્ચતમ પ્રદાન કરનાર ભગવતીકુમાર શર્માએ 84 વર્ષની જિંદગીમાં 80થી વધુ પુસ્તકો આપ્યાં.

રઈશ મનીઆરે એમના પર  બનેલા દસ્તાવેજી ચિત્રમાં કહ્યું હતું કે એમણે સંબંધોનું વિશ્વ કદાચ સીમિત રાખ્યું હશે, પણ એમના સંવેદનોનું વિશ્વ અપાર અને અગાધ છે. સુરતના શાયર ગૌરાંગ ઠાકરે કરેલા તારણ પ્રમાણે ભગવતીકુમાર શર્મા કવિસંમેલન, મુશાયરામાં જ્યારે કવિતા રજૂ કરતાં ત્યારે કોઈપણ પ્રકારના નાટકીય અંદાજ વગર, શુદ્ધ ઉચ્ચારો અને છંદોલયની પૂરી સમજણ સાથે કવિતાના ભાવપ્રદેશમાં ભાવકોને આસાનીથી લઇ જઇ શકતા. વક્તા તરીકે વિષયને વળગીને વિગતવાર રજૂઆત કરવાની શૈલી સ્પર્શી જાય એવી હતી. શબ્દનાં પ્રખર ઉપાસક હોવાથી અણીશુધ્ધ ઉચ્ચાર અને શબ્દની જોડણી અનુસાર તેનું ઉચ્ચારણ તેમની વિશિષ્ટતા હતી.

પદ્યમાં સોનેટ, ગીત-ગઝલ, અછાંદસ, તથા ગદ્યમાં નવલકથા, નવલિકા, પ્રવાસકથા, લલિત નિબંધ, હાસ્યલેખો, વિવેચન, આસ્વાદ-અનુવાદ, આત્મકથાલેખન અને પત્રકારત્વમાં કટારલેખન-તંત્રીલેખોમાં તેમની કલમ વિલસી.

‘વીતી જશે આ રાત!’, ‘સમયદ્વીપ’, ‘પડછાયા સંગ પ્રીત’, ‘અસૂર્યલોક’, ‘નિર્વિકલ્પ’ જેવી નવલકથાઓને વાચકો વધાવી. આત્મકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ જેવું પુસ્તક તેમની કલમથી મળેલી ઉત્તમ ભેટ છે. યાદશક્તિ એટલી તેજ કે કોઈ પણ મહત્ત્વની ઘટનાનો સંદર્ભ તેમને હોઠવગો હોય. એમની અભિવ્યક્તિ અત્યંત સંવેદનશીલ છતાં ઠરેલ. પત્નીના અવસાન સમયે તેમણે 72 હૃદયસ્પર્શી સોનેટ લખ્યા હતા.

જન્મજાત નબળી આંખો ધરાવતા આ સર્જક ભણવામાં અત્યંત તેજસ્વી. એક વાર સ્કૂલમાં શિક્ષકે એમને બ્લેકબોર્ડ પર લખેલું લખાણ વાંચવાનું કીધું. એમનાથી કેમે કરીને વંચાયું નહીં. બીજા દિવસે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે આંખો તપાસી સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપી કે કાલે ને કાલે સ્કૂલેથી ઊઠી જાઓ અને આખી જિંદગી પુસ્તકને સ્પર્શ પણ નહીં કરતા. નવ-દશ વર્ષના બાળક માટે આ મોટો આઘાત હતો. પછી તો તેઓ ડાબલા જેવા ચશ્મા ચડાવી આંખોને નીચોવતા રહ્યા. 16 વર્ષની ઉંમરે સુરતની મોટાભાગની લાઈબ્રેરીઓમાં થોકબંધ પુસ્તકો વાંચ્યા. એમની આ વાચનમૂડી છેવટ સુધી તેમનો ભગવદ-સધિયારો બની રહી.

‘અસૂર્યલોક’ એમની અત્યંત નોંધનીય નવલકથા. ભગવતીભાઈએ એક મુલાકાતમાં કહેલું કે મેં મારી આત્મકથાના અંશો જેવી નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો. ‘અસૂર્યલોક’ નવલકથાનું તો થીમ જ એ છે કે સ્થૂળચક્ષુ તો વિલાતા જાય, પણ ચર્મચક્ષુમાંથી પ્રજ્ઞાચક્ષુ, જ્ઞાનચક્ષુ વિકસે એ જ માણસનો સાચો વિકાસ ગણાય!

અનેક પારિતોષિકો ને પુરસ્કારો પ્રાપ્ત કરનાર આ સર્જકે અનેક અભાવો વચ્ચે પણ કાગળનો સતત સામનો કર્યો. ગઝલોમાં પણ તેમણે અનેક પ્રયોગો કર્યા. ચુસ્ત કાફિયાના પ્રયોજન અને નોખી બાની દ્વારા તેમણે શેરિયત હાંસલ કરી બતાવી. અંગ્રેજી શબ્દોનો ગઝલમાં વિનિયોગ કર્યો છતાં ક્યાંય કઠે નહીં એવી એમની રચનારરીતિ હતી. ગીતોમાં પણ તેમણે હરિગીતો દ્વારા ઉલ્લેખનીય પ્રદાન કર્ય઼ું. વાર્તાઓમાં તેમણે વિવિધ સંવેદનોને સુપેરે આકાર આપ્યો. તંત્રીલેખોમાં તેમણે સાંપ્રત સમસ્યાઓ વિશે તટસ્થતાથી લખ્યું. ગુજરાતમિત્રમાં તેમની કટાર ‘શ્રીમાન શ્રીમતી’ અને ‘નિર્વિકલ્પ’ અત્યંત લોકપ્રિય નીવડી હતી.

ભગવતીકુમાર શર્મા એટલે સુરતના સુખે સુખી અને સુરતના દુઃખે દુઃખી થનાર સર્જક. તેઓ પોતાને આશિક-એ-સુરત કહેતા. દસેક વર્ષ પહેલા જ પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમણે કહેલું કે અંતિમ શ્વાસ હું સુરતમાં લઉં અને તાપી નદીના કિનારે મારો અગ્નિસંસ્કાર થાય. ‘મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે, હતા આપણે મૂળ તડકાના માણસ’ લખનાર આ મુઠ્ઠી ઊંચેરા સર્જકને તેમના જ એક હરિગીત દ્વારા સ્મરણાંજલિ આપીએ. 

હરિ, સુપણે મત આવો!

મોઢામોઢ મળો તો મળવું
મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું
આ બદરાથી તે બદરા તક
ચાતકનો ચકરાવો… 

પરોઢનું પણ સુપણું
એનો કબ લગ હો વિશ્વાસ
મોહક હોય ભલે
ફોગટ છે ચિતરેલો મધુમાસ
મુંને બ્રજ કી બાટ બતાવો
હરિ, સુપણે મત આવો!

સુપણામાં સો ભવનું સુખ
ને સંમુખની એક ક્ષણ
નવલખ તારા ભલે ગગનમાં
ચન્દ્રનું એક કિરણ
કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!

***

બીટવીન ધ લાઈન્સ – વાર્તા – અશોક વિદ્વાંસ

(“આપણા ત્રણે વચ્ચે સરસ મૈત્રી છે.  એટલે કાલની વાતની મને ગમે તેવી મીઠી ગેરસમજ કરી લઈ, મૈત્રીને ફટકો મારવાની મારી ઈચ્છા નથી .  પણ સાથે , ગઈકાલે જે બન્યું મને ખૂબ ગમ્યું છે હકીકત પણ મારે તમારાથી છુપાવવી નથી. ” સ્ત્રી પુરુષની મૈત્રી અને આકર્ષણ વચ્ચેની રેખાને આલેખતી સુંદર નવલિકા. વાંચવાનું ચૂકશો નહીં)

બીટવીન  લાઈન્સ 

તે રાત્રે ઘેર આવ્યો ત્યારે કાર્તિક કંઈક ન સમજાય એવા આનંદમાં મસ્ત હતો.  અનુરાધા એને અચાનક મળી ગઈ હતી, ભેટી હતી;  અને દ્રઢ આલિંગનમાં ભેટી પડી હતી.  આ પહેલા આવું કદી બન્યું ન હતું.  એક તો તેઓ ક્વચિત જ મળતા, અને અનુરાધા ઉષાની મિત્ર – બહેનપણી – એટલે કાયમ ઉષા સાથે હોય ત્યારે જ મળવાનું થતું.  તે દિવસે પહેલી જ વાર અનુરાધા એને ઉષાની ગેરહાજરીમાં મળી હતી અને મળતાં જ ખૂબ ઉમળકાભેર આલિંગન આપીને ભેટી પડી હતી.  એ બધું જેટલું મનને ગમી જાય એવું હતું એટલું જ ન સમજાય એવું પણ હતું.  ને એટલે જ કાર્તિક તે દિવસે ન સમજાય એવા આનંદમાં મહાલતો હતો. Continue reading બીટવીન ધ લાઈન્સ – વાર્તા – અશોક વિદ્વાંસ