Monthly Archives: એપ્રિલ 2017

અજંતાની અસર

અજંતાની ગુફાઓમાં એક મહિનાના અભ્યાસની રવિભાઈના મન ઉપર ખૂબ જ ઊંડી અસર થઈ. પાછા આવ્યા પછી એ અજંતાની વાતો કરતાં થાકતા નહીં. ચંદ્રવદન મહેતા તો કહેતા કે રવિશંકરને અજંતાફોબિયા થયો છે.

પાછા આવ્યા બાદ, એમણે જે ચિત્રો ઔંધ નરેશને સોંપી દીધેલા, પણ સોંપતા પહેલા ચિત્રોને ટ્રેસ કરી લીધેલા, તો કેટલાકના સ્કેચ કરી લીધેલા, એ ચિત્રોને ફરી તૈયાર કર્યા. એ અજંતાના ચિત્રો અને અનુભવો વિષે એક પુસ્તક લખ્યું, જેની ત્રણ આવૃતિઓ થઈ, અને એ  પુસ્તકના અન્ય ભાષામાં અનુવાદ પણ થયા. એક સમય એવો હતો કે અજંતાની મુલાકાતે જતા પ્રવાસીઓ રવિભાઈનું પુસ્તક સાથે લઈ જતા.

પોતાના જીવનકાળ દરમ્યાન રવિભાઈએ અજંતા શૈલીના ઘણાં ચિત્રો તૈયાર કર્યા છે, જેમાંના ત્રણ મેં અહીં આપ્યા છે.

અંગ્રેજી વાર્તા “સ્લીપિંગ બ્યુટી” ઉપરથી ગુજરાતના બાળકો માટે “રાજકુંવરી રૂપાંદે” વાર્તા લખવામાં આવી હતી. એના માટે ચિત્રો બનાવવાનું કામ કલાગુરૂને સોંપવામાં આવ્યું હતું. અજંતાની ગુફાઓમાં આ પ્રકારના ચિત્રો રવિભાઈએ જોયા હતા, એની થોડી અસર અહીં જણાય છે.

અલોકીક સંગીતકારો કુટુંબજીવનના ગીતો ગાય છે.

દક્ષિણ ભારતની એક જનજાતિનું યુગલ મંદિરમાં જઈ, જાતે જ લગ્નબંધનમાં બંધાવાના ઈશ્વર સાક્ષીએ સોગંદ લઈ બહાર નીકળે છે. રવિભાઈનું આ ચિત્ર ખૂબ જ પ્રખ્યાત છે.

Advertisements

અજંતાની ચિત્રકળા

આસરે ૨૪૦૦ થી પણ વધારે વરસ જૂના, છત, દિવાલો અને થાંભલાઓ પર દોરેલા ચિત્રો, આજે પણ વિશ્વભરના ચિત્રકળા ચાહકોને આકર્ષે છે. આ ચિત્રો Fresco પ્રકારના છે કે Murals છે, એની ચર્ચામાં ન પડિયે તો પણ એક વાત તો આશ્ચ્રર્યજનક છે કે જે સમયમાં રંગો, પીંછીઓ અને ચિત્રકળા માટેના આજ જેવા સાધનો ઉપલબ્ધ ન હતા, Reference માટે ફોટોગ્રાફસ ન હતા, એ સમયે કલાકારોએ આ ચિત્રો પથ્થર ઉપર કેવી રીતે ચિતર્યા હશે? અને તે પણ આટલી મોટી આકૃતિઓ? અને આટલી સદીઓ સુધી ટકી રહે એવા રંગો કેવી રીતે બનાવ્યા હશે?

મોટાભાગના ચિત્રો બૌધ ધર્મ અને એની જાતક કથાઓ અંગે છે. થોડા અન્ય વિષયના ચિત્રો પણ છે.

૧૯૨૭ માં ઓંધના રાજાએ કેટલાક અગ્રણી ચિત્રકારોને એક મહિના માટે અજંતાના ચિત્રોની અનુકૃતિઓ પોતાના સંગ્રહ માટે એકઠી કરવા આમંત્રણ આપ્યું. આના માટે આવવા જવાની અને રહેવા જમવાની સગવડ, ચિત્રકામ માટેના બધા જરૂરી સાધનો ઉપરાંત ૧૦૦ રૂપિયાનું માનદ વળતર આપવાનું નક્કી કર્યું. કલાકારો માટે તો આ એક અભ્યાસની તક હતી. જાણીતા કલાકારોના ગ્રુપમાં શ્રી રવિશંકર રાવળનો પણ સમાવેશ થયેલો.

રવિભાઈના શબ્દોમાં કહું તો અજંતા શૈલી જાણેકે એમના લોહીમાં ઉતરી ગઈ હતી. એમના એ અભ્યાસ પછી કાકાસાહેબ કાલેલકરે એમને કહ્યું હતું કે હવે તમે દ્વીજ થયા.

આ અભ્યાસ પછી અજંતા શૈલીના એમણે દોરેલા કેટલાક ચિત્રોની નકલો વેંચાઈ પણ હતી.

આ પોસ્ટમાં મેં શ્રી રવિશંકર રાવળે દોરેલી ત્રણ અનુકૃતિઓ આપી છે. આવતી પોસ્ટમાં થોડા વધારે ચિત્રો મૂકીશ.

આ ચિત્રમાં એક સ્વર કિન્નરીની અનુકૃતિ છે, જેમાં અજંતા શૈલીના ચિત્રનું સંપૂર્ણ દર્શન થાય છે.

આ ચિત્રમાં બુધ્ધને આત્મજ્ઞાન થયા પછી પોતાના મહેલમાં ભિક્ષા માગવા જાય છે, અને પત્ની યશોધરા અને પુત્ર રાહુલનો સામનો થાય છે એ ક્ષણ દર્શાવી છે. ચિત્રની ખુબી એ છે કે બુધ્ધનું કદ યશોધરા અને રાહુલ કરતાં ઘણું મોટું દર્શાવ્યું છે, જે બુધ્ધના નવા સ્વરૂપને દર્શાવે છે.

આ ચિત્રમાં આગલા ચિત્રમાં બતાડેલા યશોધરા અને રાહુલનું Enlargement છે, જેથી એમના મુખના ભાવ સ્પષ્ટ જોઈ શકાય.

અજંતાનો અભ્યાસ

રવિશંકરભાઈએ ૧૯૨૭ માં એક મહિના માટે અજંતાની ગુફાઓના ચિત્રોનો અભ્યાસ કર્યો. અજંતાની કલાયાત્રાના ફલસ્વરૂપ ‘અજંતાના કલામંડપો’ પુસ્તક એમની સુરેખ કલમ અને પીંછીની ઓળખ બન્યું હતું. કલાગુરૂએ  ગુજરાતને કલાની એક નવી શૈલીની ભેટ આપી,

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી વિશ્વવિખ્યાત અજંતાની ગુફાઓમાં સ્થાપત્ય અને ચિત્રકલાના અદભૂત નમૂના છે. આ ગુફાઓ અતિ પ્રાચીન છે. ગુફાઓમાં બૌદ્ધ ધર્મ સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે..

અજંતાનું નામ સાંભળીએ એટલે બુદ્ધ ભગવાનનું એક કલાત્મક ચિત્ર આપણી આંખો સમક્ષ તરી આવે છે. માથે મુગટ, ગળામાં માળા, હાથમાં ફૂલ અને નેત્રો નીચાં ઢાળી, કમરેથી ધડને વળાંક આપી શાંત મુદ્રામાં ઉભેલા બુદ્ધ ભગવાન – આ સ્વરૂપને જોઇને મન પ્રસન્ન થઇ જાય છે. બુદ્ધનું આ ચિત્ર એટલું બધું પ્રખ્યાત છે કે તમને કલાજગતમાં, કેલેન્ડરોમાં, પુસ્તકોમાં, સુશોભનની દુકાનોમાં તથા કેટલાં ય ઘરોમાં આ ચિત્ર જોવા મળશે. પદ્મપાણી બુદ્ધ ભગવાનનું આ ચિત્ર, અજંતાની ગુફામાં દોરેલું છે.

અહીં નીચે મેં બે ચિત્રો આપ્યા છે. પ્રથમ ચિત્ર કોઈ અજાણ્યા કલાકારે દોરેલા ચિત્રની નકલ છે, જ્યારે બીજા ચિત્રમાં ગુફામાં કેમેરાથી લેવાયલી તસ્વીર છે. સમય જતાં ગુફામાં ફ્લેશલાઈટ વાપરીને ફોટોગ્રાફ લેવા ઉપર પ્રતિબંધ મૂકાઈ ગયો.

(અજ્ઞાત ચિત્રકારે દોરેલું ચિત્ર)

(ગુફામાંના મૂળ ચિત્રનો ફોટોગ્રાફ)

આવતી પોસ્ટમાં અજંતા ગુફાઓની વિગત અને કલાગુરૂના અજંતા શૈલીના ચિત્રો રજૂ કરીશ.

 

૧૯૨૨ માં ગાંધીજી ઉપરનો ઐતિહાસિક મુકદમો

૧૯૨૨ માં ગાંધીજી ઉપર દેશદ્રોહનો આરોપ મુકી અમદાવાદના સર્કીટ હાઉસમાં એક ઓરડાને કામચલાઉ સેસન્સ કોર્ટમાં ફેરવી મુકદમો ચલાવવામાં આવ્યો હતો. તકેદારી તરીકે આખા અમદાવાદમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. મુંબઈથી સરકારી વકીલ તરીકે મી. આર્મસ્ટ્રોન્ગ અને જજ તરીકે મી. બ્રમફીલ્ડ આવ્યા હતા. કોર્ટમાં માત્ર પાસ ધારકોને જ જવા દેવામાં આવ્યા હતા. કોર્ટમાં કેમેરા લઈ જવા ઉપર પ્રતિબંધ હતો.

એ સમયે રવિભાઈ અંબાલાલ સારાભાઈ પાસે શિક્ષક તરીકે નોકરીમાં હતા. અમદાવાદના કલેક્ટર મી. ચેટરફીલ્ડ સાથે અંબલાલ સારાભાઈને સારી દોસ્તી હતી, એટલે એમણે પોતાનો, પોતાની પત્નીનો અને રવિભાઈનો પાસ મેળવી લીધા હતા. મુકદમો ચાલતો હતો ત્યારે રવિભાઈએ ચોરીછુપીથી કોર્ટરૂમમાં ચાલતી ગતિવિધિના સ્કેચ દોરી લીધા હતા. રવિભાઈના એક મિત્ર મી. સ્ટેન્ડીંગ એમની બાજુમાં જ બેઠેલા, તેમણે આ જોયું હતું. જજે ગાંધીજીને છ વર્ષની કેદની સજા કરી, પણ ચુકાદામાં ઉમેર્યું કે, “જો સરકાર આ સજા માફ કરશે તો સૌથી વધારે ખુશી મને થશે.”

બીજે દિવસે સ્ટેન્ડીંગે રવિભાઈ પાસેથી એ ચિત્રો જોવા માગ્યા. ચિત્રો જોઈને એ એટલા પ્રભાવિત થયા કે એમણે માન્ચેસ્ટર ગાર્ડિયન માટે પોતે તૈયાર કરેલા અહેવાલ સાથે આ ચિત્રો રવિભાઈની મંજૂરી લઈ મોકલી આપ્યા. ૮ મી એપ્રીલ ૧૯૨૨ ના માન્ચેસ્ટર ગાર્ડિયનમાં રવિભાઈના ચિત્રો સાથે એ અહેવાલ છાપવામાં આવ્યો. વળતર તરીકે સ્ટેન્ડીંગને અને રવિભાઈને દસ દસ રૂપિયા મોકલ્યા. આ રેખાચિત્ર નીચે આપ્યું છે.

(રવિભાઇએ કોર્ટમાં બેસીને દોરેલું ચિત્ર. ચિત્રમાં કસ્તુરબા પણ બેઠેલા દેખાય છે.)

“માન્ચેસ્ટર ગાર્ડિયન”નો આ અહેવાલ એટલો બધો પ્રખ્યાત થઈ ગયો કે હિન્દુસ્તાનના ઘણાં અખબારોએ એને ફરી છાપ્યો. રવિભાઈને આને લીધે ઘણી પ્રસિધ્ધી મળી.

થોડા સમયબાદ ખૂબ મહેનત કરી એ ચિત્ર “માન્ચેસ્ટર ગાર્ડિયન” પાસેથી પાછું મેળવી, રવિભાઈએ એના ઉપરથી નીચે આપેલું રંગીન ચિત્ર બનાવ્યું, જે આજે પણ એ સર્કીટહાઉસમાં ઐતિહસિક તસ્વીર તરીકે મોજૂદ છે.

 

૧૮૯૨ થી ૧૯૨૦

રવિભાઈ વિષે લખવામાં મને એક મુશ્કેલી નડે છે. એમણે જીવનભર ઘણું બધું Multitasking કર્યું છે, અને પ્રત્યેક કાર્ય વર્ષો અને ક્યારેક દાયકાઓ સુધી ચાલ્યું છે. એટલે જો હું કેલેન્ડર પ્રમાણે ચાલું તો કાર્યની શૃંખલા ટુટીજાય, અને કાર્યપ્રમાણે ચાલું તો એ સમયગાળા દરમ્યાન થયેલા અન્ય કાર્યો છૂટી જાય. અત્યાર સુધી મેં એમના જ્ન્મના વર્ષથી ૧૯૪૨ સુધીનો સમય આવરી લીધો છે, પણ ૧૯૦૯ થી ૧૯૪૨ વચ્ચેના ઘણાં પ્રસંગો વિષે લખવાનું રહી ગયું છે. એટલે આજે હું ૧૯૦૯ થી ૧૯૨૦ વચ્ચેના બનાવોનો ટુંકમાં ઉલ્લેખ કરીશ.

૧૯૦૯ માં ૧૭ વર્ષની વયે રવિભાઈનો શાળાનો અભ્યાસ પુરો થયો અને એ જ વરસે એમના રમાબેન સાથે લગ્ન થયા. ૧૯૧૬ માં જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી મેયો ગોલ્ડ મેડલ મેળવી કલાવિભાગમાંથી ઉપાધી મેળવી અને ૧૯૧૭ માં બોમ્બે આર્ટ સોસાયટી તરફથી ગોલ્ડ મેડલ મેળવ્યો એ વાત આપણે જોઈ ગયા છીએ.

૧૯૧૯ માં અમદાવાદ પાછા ફરી એમણે રસ ધરાવતા લોકોને ચિત્રકલાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આ કાર્ય માટે એ કોઈપણ પ્રકારની ફી લેતા નહીં. જો કે પધ્ધતિસરની ગુરૂકુલ પ્રથાની ચિત્રકલાના શિક્ષણ માટેની શાળા ૧૯૨૮ થી શરૂ કરી.

૧૯૧૯ માં રવિભાઈના જીવનનો એક યાદગાર પ્રસંગ બનેલો. ગાંધીજીની ૫૦ મી વર્ષગાંઠને અનુલક્ષીને કવિ ન્હાનાલાલે એમનું પ્રસિધ્ધ કાવ્ય “ગુજરાતનો તપસ્વી” લખ્યુ હતું. સ્વામી આનંદે એ કાવ્ય હાજી મહમદ અલારખિયાને “વીસમી સદી” માં છાપવા માટે મોકલ્યું. હાજીએ સૂચવ્યું કે આની સાથે ગાંધીજીનો ફોટોગ્રાફ કે ચિત્ર મૂકીયે તો સારૂં લાગે. એમણે સ્વામી આનંદને કહ્યું કે આના માટે એ રવિશંકર રાવળની મદદ લઈ શકે.

એ દિવસોમાં ગાંધીજી પોતાનો ફોટોગ્રાફ લેવડાવવાનો વિરોધ કરતા. ઓટોગ્રાફ આપવાના પાંચ રૂપિયા ફી લેતા, જે હરિજન ફંડમાં જમા કરાવતા. સ્વામી આનંદે મહાદેવભાઈ અને નરહરિભાઈની મદદથી ગાંધીજીની સ્કેચ માટે રજા મેળવી લીધી. સ્વામી અને રવિભાઈ આશ્રમે પહોંચ્યા ત્યારે ગાંધીજી મહાદેવભાઈને કૈંક લખાવી રહ્યા હતા. સ્વામીએ એમને અંદર લઈ જઈ બાપુને કહ્યું, “રવિશંકર રાવળને સ્કેચ માટે લાગ્યો છું.” બાપુ બોલ્યા, “આવો રવિશંકરભાઈ, તમારા વિષે મેં ઘણું સાંભળ્યું છે. પણ જુઓ, હું તમારા માટે ખાસ બેઠક નહીં આપી શકું. મારૂં કામ ચાલુ રહેશે. તમે તમારો લાગ શોધી લેજો.”

રવિભાઈ એક ખૂણે બેસી ગયા, અને ગાંધીજી તે સમયે જેમ બેઠેલા તેનું ચિત્ર પેન્સીલથી કર્યું. ગાંધીજી એક પગ વાળીને ખાટલા ઉપર બેઠા હતા, અને બીજો પગ નીચે ચાખડીમાં ભરાવી રાહ્યો હતો. ચિત્ર પુરૂં થયું ત્યારે રવિભાઈ ઊઠ્યા કે તરત ગાંધીજી બોલ્યા, “બસ તમારૂં કામ થઈ રહ્યું હોય તો જાઓ.” બહાર ઊભેલા નરહરીભાઈએ કહ્યું, “તમને તક મળી એટલી લ્હાણ માનો.” એ ચિત્ર “વીસમી સદી”માં કાવ્ય સાથે પાનું ભરીને છપાયું. નીચે રવિભાઈએ તૈયાર કરેલો એ ઐતિહાસિક સ્કેચ છે.

૧૯૨૦ માં ભરાએલા ગુજરાત સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનના કલા પ્રદર્શનના આયોજનનું કામ રવિભાઈને સોંપાયું, જે એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. એ પ્રદર્શન માત્ર ચિત્રકળાનું જ ન હતું, પરંતુ સાહિત્ય અને અન્ય ચારુ કળાઓનું સર્વક્ષેત્રસ્પર્શી  પ્રદર્શન હતું.

(આવતી પોસ્ટમાં ૧૯૨૨ માં ગાંધીજી ઉપર ચાલેલો ઐતિહાસિક મુકદમો)

કુમાર-૨

કુમાર વિષે વાત માંડી જ છે તો કુમારની વાત જ પૂરી કરૂં. થોડા સમય પહેલા શ્રી રજનીકાન્ત પંડ્યાએ વેબ ગુજરાતીમાં ખૂબ વિગતવાર કુમારનો ઈતિહાસ આપ્યો છે. અહીં હું કલાગુરૂના સંપુર્ણ જીવન અને કાર્ય વિષે લખવાનો પ્રયત્ન કરૂં છું, એટલે કુમારની વિગત હું સંક્ષિપ્તમાં જ આપવાનો પ્રયત્ન કરીશ.

જે સમયમાં કુમારની શરૂઆત થઈ તે સમયે પ્રિન્ટીંગ ટેકનોલોજી હિન્દુસ્તાનમાં પ્રારંભિક દશામાં હતી. એક એક અક્ષર બીબાંમાં હાથેથી ગોઠવવા પડતા. નાનામાં નાના અને તદ્દન સાદા ચિત્ર માટે બ્લોક બનાવવા અન્ય એજન્સીની જરૂર પડતી. હાથ અને પગના પેડલથી ચાલત છાપખાનાંમાં છપાઈ કામ થતું, હાથેથી પાના ગોઠવી અને સીવવામાં આવતા. સ્ટેપલ્સ કરવાની પ્રથા પણ મોડેથી આવેલી.

તેમ છતાં એ હકીકત ન નકારી શકાય એવી છે કે છેક ૧૯૨૪ થી ગુજરાતીઓની ત્રણ પેઢીઓને સંસ્કારી સાહિત્ય આપવાનું કામ કુમારે કર્યું છે. કુમારની હુંફને લીધે અનેક લેખકો-કવિઓ-નાટ્યકાર-ચિત્રકારો અને તસ્વીરકારો આગળ આવ્યા.

એ સમયે અન્ય સામયિકો હતા, પણ એમાં સાહિત્ય કહી શકાયે એવું ઓછું હતું, મનોરંજન કહેવાય એવા લખાણો, સિનેમાની વાતો, ટુચકાં, જ્યોતિષ, પાકશાસ્ત્ર જેવા વિષય વધારે હતા. આવા સામયિકો કોઈપણ પ્રકારની જાહેરખબરો વિના સંકોચે સ્વીકારતા. એમની ગ્રાહક સંખ્યા પણ ઘણી વધારે હતી. આ સામયિકો આર્થિક રીતે સધ્ધર હતા. કુમાર આવી સામગ્રીથી દૂર હોવાથી એની ગ્રાહક સંખ્યા ખૂબ જ નાની હતી. વળી રંગીન ચિત્રો અને સારા છપાઈ કામને લીધે એમની પડતર કીમત વધારે હતી. એ સમયમાં મોંધા સામયિક ખરીદવાવાળા મળવા મુશ્કેલ હોવાથી પડતર કીમતે તો કેટલીકવાર નુકશાનમાં કુમાર ચલાવવું પડતું.

આખરે ૧૯૪૨ માં થાકી-હારીને રવિશંકરભાઈએ કુમાર બંધ કરવાનું નક્કી કર્યું. ડિસેમ્બર ૧૯૪૨ ના અંકમાં એમણે લખ્યું, “મારા યૌવનજીવનનો નિચોડ આપી દીધા પછી પણ તેની ગ્રાહક સંખ્યા ૨૦૦૦ સુધી પહોંચી નહિં. એ નિરાશાજનક બીના છે.” આટલા વર્ષો દરમ્યાન બચુભાઇ રાવતનો ‘કુમાર’ અને એના રસજ્ઞ વાચકો પરત્વે એક અતૂટ અનુબંધ રચાઇ ગયો હતો એટલે ૧૯૪૩થી તંત્રીપદની સંપૂર્ણ જવાબદારી એમણે સંભાળી લીધી.અને રવિભાઈ છૂટા થયા. તેમ છતાં જીવનના અંત સુધી કુમારને એમનું માર્ગદર્શન મળતું રહ્યું.

 

કુમાર

મર્યાદિત સાધનો અને સગવડ સાથે કુમાર માસિક ચલાવવું એ ખૂબ મુશ્કેલ કામ હતું. કહેવત છે ને કે હીમ્મ્તે મરદા, તો મદદે ખુદા. રવિભાઈએ જુનાગઢની એક કોલેજના ગોરા પ્રિન્સીપાલનું એક પોર્ટ્રેઈટ દોરેલું. સ્કોટ નામના એ ગોરાસાહેબે એ જમાનામાં ખૂબ મોટી કહેવાય એવી રકમ રવિભાઈને ઈનામ તરીકે આપી. આ રકમ કુમાર શરૂ કરવામાં કામ આવી. બીજી મહત્વની સારી ઘટના એ બની કે કુમાર ચલાવવા બચુભાઈ રાવત જેવા સાથીદાર મળ્યા. આમ ગુજરાતમાં કલા અને સાહિત્યના વિકાસ માટે એક યુગનો આરંભ થયો.

થોડા સમયમાં જ કુમાર કલા અને શિષ્ટ સાહિત્યનું પ્રહરી બની ગયું. પ્રકાશનના ક્ષેત્રમાં માત્ર ગુજરાતી ભાષા માટે જ નહીં, અન્ય ભાષાઓના સામયિકો માટે કુમાર એક આદર્શ બની ગયું. એ સમયે કોઈના હાથમાં કુમાર દેખાય તો એના પ્રત્યે માનથી જોવમાં આવતું. એ સમયના ગુજરાતી સાહિત્યકારો માટે પોતાની ઉત્તમ કૃતિઓ પ્રદર્શિત કરવા માટેનું એક મંચ મળી ગયું.

સામાન્ય પ્રજાજન રવિશંકર રાવળને માત્ર ચિત્રકાર તરીકે ઓળખે છે પરંતુ તે પર્યાપ્ત નથી. એમની પીંછી જેટલી જ એમની કલમ દ્વારા અભિવ્યક્તિની શક્તિ જોરદાર હતી. ચિત્રકળા અને લેખન પર એમનો એક સરખો કાબૂ હતો. તેમની ભાષા સરળ હતી. સામાન્યજ્ઞાનના વિષયોમાં એમને રસ હતો. એટલે તેમણે ‘કુમાર’ને માત્ર ચિત્રકળા પૂરતું મર્યાદિત ન રાખતાં કવિતા અને સાહિત્યની અભિવ્યક્તિનું માધ્યમ બનાવ્યું. એટલું જ નહિ પણ ‘કુમાર’માં વિજ્ઞાન અને સામાન્યજ્ઞાનના સાહિત્યનો પણ સમાવેશ થતો રહ્યો એટલે તેનો વાચક-ચાહક વર્ગ વ્યાપક થવા લાગ્યો.

ગુજરાતના લેખકો કે કલારસિકો જ નહિ અનેક યુવાનોને માટે ‘કુમાર’ પ્રેરણારૂપ બન્યું. ગુજરાતમાં એવા હજારો લોકો મળતા  જે કહેતા કે ”હા, અમને ‘કુમારે’ ઘડ્યા છે. અમે કુમારના ઋણી છીએ.” આ કાંઈ નાની સૂની વાત નથી. રવિભાઈના વ્યક્તિત્વ તેમજ તેમણે ‘કુમાર’ને જે ઉચ્ચ કોટિએ મૂકી આપ્યું હતું તેને કારણે તેમને અનેક નિવડેલા સાહિત્યકારોનો સહકાર પ્રાપ્ત થયો હતો, અને ‘કુમાર’ ગુજરાતી ભાષાનું એક આદર્શ માસિક બની રહ્યું.

(ક્રમશઃ)

મુંબઈથી પાછા અમદાવાદ

 

ત્રણ વર્ષ માટે મુંબઈમાં“વીસમી સદી”માં કામ કર્યા પછી, અમદાવાદની સામાજીક જીવનની આગળ પડતી બે વ્યક્તિઓ, ડો. હરિપ્રસાદ દેસાઈ અને શ્રી હીરાલાલ પારેખે ૧૯૧૯ માં રવિશંકરભાઈને અમદાવાદ બોલાવી, અને એમની પ્રતિભા નિખારવા મંચ ઉપસ્થિત કરાવ્યા. એમણે એમને શહેરની સાહિત્યસભા અને વર્નાક્યુલર સોસાયટી જેવી સંસ્થાઓમાં જવાબદારીવાળા સ્થાનો અપાવી, એમની કળા અને સાહિત્ય માટે અવસર પૂરા પાડ્યા. ૧૯૨૦ માં ગુજરાત સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનના કલા પ્રદર્શનના આયોજનનું કામ એમને સોંપાયું, જે એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. હકીકતમાં આ પ્રદર્શન માત્ર કળાનું જ ન હતું, એમાં સાહિત્ય અને અન્ય અનેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા હતા.

૧૯૨૧ માં હાજી મહમદ અલારખિયાનું અવસાન થવાથી “વીસમી સદી” બંધ થઈ ગયું. ગુજરાતીઓને કલા અને સાહિત્યમાં ખાલીપો લાગવા માંડ્યો હતો. યુવાન રવિભાઈના મનમાં આ વાતનો સળવળાટ થવા લાગ્યો. “ગુજરાતના કુમારો શું અંધકારમાં શૂન્યમુખ થઈને ઊભા રહેશે?” ત્રણ વર્ષના મનોમંથનને અંતે ૧૯૨૪ માં “કુમાર” માસિકનો આરંભ કર્યો, જે વરસો સુધી ગુજરાતી કલા અને સાહિત્યમાં એક ધ્રુવતારા સરખું પુરવાર થયું.

(ક્રમશઃ)

મુન્શીજીના પાત્રો (અંતીમ)

(પરશુરામ અને વશિષ્ઠ)

(ડડ્ડનાથ અઘોરી)

(મૃગરાણી)

(રાજકુમારી ઉગ્ર)

આ ચારે પાત્રો મુન્શીજીની નવલકથા “ભગવાન પરશુરામ” ના છે. આ પાત્રોનો સંક્ષિપ્ત પરિચય આપવાનું થોડું કઠીન છે. જેમને રસ હોય, તેમને એ પુસ્તક મફત ડાઉનલોડ કરવા નીચેની લીંકનો ઉપયોગ કરવાની ભલામણ કરૂં છું.

http://www.sivohm.com/2015/11/bhagvan-parshuram-gujarati-novel-pdf-by.html

આ સાથે કલાગુરૂએ મુન્શીજી માટે દોરેલા ચિત્રોની હારમાળા પુરી કરૂં છું. કલાગુરૂએ આ હારમાળા માટે દોરેલા ૩૫ ચિત્રોમાંથી ૩૧ ચિત્રો પરિચય સાથે મેં પ્રસ્તુત કર્યા. ચિત્રોનો થોડો ઈતિહાસ આવતીકાલની પોસ્ટ્માં મૂકીશ.

પરશુરામ

                   (પરશુરામ)

            (કાર્તિવીર્ય અર્જુન)

પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા. એ ઋષિ જમદગ્રિ અને રેણુકાના પુત્ર હતા. એમના સમયમાં ક્ષત્રિય વંશના રાજા કાર્તિવીર્ય અને રાણી કૌશિકનો પુત્ર સહસ્ત્રાર્જુન રાજ કરતો હતો. એ કાર્તિવીર્ય અર્જુનના નામે પણ ઓળખાતો. એ ઘમંડી અને દુષ્ટ સ્વભાવનો હતો. ઋષિઓનું અને બ્રાહ્મણોનું અપમાન કરવું, ઋષિઓના આશ્રમો નષ્ટ કરવા, એમનો વધ કરવો, પ્રજાને પીડવી વગેરે એના માટે મનોરંજનના સાધનો હતા.

એકવાર એ શિકારે નીકળેલો ત્યારે આરામ કરવા જમદગ્રી ઋષિના આશ્રમમાં ગયો. ત્યાં કામધેનુ ગાયને અને એના ચમત્કારોને જોઈને એણે એ ગાયની માગણી કરી. ઋષિએ માગણીનો અસ્વીકાર કર્યો એટલે એણે આશ્રમને ઉજાડી દીધો અને કામધેનુને લઈને જતો હતો ત્યારે કામધેનુ દિવ્ય શક્તિથી સ્વર્ગલોકમાં જતી રહી.

પરશુરામ જ્યારે આશ્રમમાં પહોંચ્યા ત્યારે એમની માતા રેણુકાએ એને બધી વાત કહી સંભળાવી. આનાથી ક્રોધે ભરાઈ પરશુરામે સહસ્ત્રાર્જુનની રાજધાનીમાં જઈને એનો વધ કર્યો. પરશુરામના પિતાએ એમને ઠપકો આપી, પ્રાયશ્ચિત રૂપે યાત્રા કરવા મોકલી દીધા. થોડા સમય બાદ સહસ્ત્રાર્જુનના સહયોગી ક્ષત્રિયોએ ઋષિના આશ્રમ ઉપર ફરી હુમલો કરી, ઋષિના શરિર ઉપર ૨૧ ઘા કરી, ઋષિને મારી નાખ્યા. પરશુરામ જ્યારે પાછા આવ્યા ત્યારે એમણે પ્રતિજ્ઞા કરી કે હું પૃથ્વીને ૨૧ વાર નક્ષત્રીય કરીશ. અને એમણે ૨૧ વાર ક્ષત્રીયોનો મોટાપાયે વિનાશ કરેલો. મહર્ષિ રૂચિકે એમને રોક્યા ન હોત, તો સંસારમાં એકપણ ક્ષત્રિય બાકી ન રહેત.