(પોતાની ઓળખાણ આપતાં પૂર્વીબહેન લખે છે,
“જ્યાંથી વિચારોની હવા વહેતી હોય અને સૂર્ય પોતાની આભા વિખેરતો હોય. ત્યાં મારી ઓળખાણ શું?
હું પૂર્વી, પણ મને પૂર્વીમાંથી પૂર્વી મોદી મલકાણ બનાવનાર કોઈ હોય તો તે એક જ વ્યક્તિ કૌશિકભાઈ મહેતા. તેમણે મને કેવળ પ્રેરણા જ ન આપી બલ્કે, ન્યૂઝ પેપરમાં શી રીતે લખવું તે પણ શીખવ્યું. ૨૦૧૨ થી કૌશિકભાઈ અને ફૂલછાબ સાથે જોડાયેલો સંબંધ આજેય છે કારણ કે મારા લેખનમાં ઉર્જાપાત્ર બનનાર કૌશિકભાઈ મહેતા ન હોત તો આ પૂર્વી કેવળ પૂર્વી જ રહી જવા પામી હોત.”)
હું આભાર માનતાં ક્યારથી શીખી એ વાતનો જવાબ મારે મેળવવો હોય તો મારે ૨૫ વર્ષ પાછળ જવું પડે. એનું કારણ એ કે આ એ સમય હતો જ્યારે અમે નવા નવા અહીં મૂવ થયાં હતાં. આથી એમ કહેવું પડે કે અમેરિકાએ મને થેંક્યું કહેતાં શીખવ્યું. મારી જેમ જ અન્ય ઘણાં લોકો હશે જેઓ આભારનો ભાર ઉતારવાનું બહુ મોડે મોડેથી શીખ્યાં હશે. મારી દૃષ્ટિએ આભાર એ અહેસાસ છે, જે આપણાંમાં સંવેદનાઓ જગાવે છે. પણ અહીં પ્રશ્ન એ છે કે આપણે આભાર શબ્દનો ઉપયોગ ક્યારથી કરતાં થયાં? કારણ કે જ્યારે માણસે ઉચ્ચાર કરવાનું શરૂ કર્યું, તે સમયે આ કૃતજ્ઞતા શબ્દ તરીકે ન હતો, પણ આંખમાંથી તે જરૂર ટપકતો હશે. ઇતિહાસ કહે છે કે જ્યારે માણસે લિપિઓની શોધ કરી ત્યારથી આ આંખમાંથી વહેતાં આ ભાવને શબ્દ દેહ મળ્યો. પણ આપણને આ શબ્દ છે તે વાતની પ્રતીતિ લેટિન ભાષાનાં મૂળ શબ્દ ગ્રેટિયા ( Gratia ) પરથી મળે છે. આ મૂળ શબ્દ ગ્રેટિયા ( લેટિન શબ્દ ) નો અર્થ શાલીનતા, દયા, ઉપહાર આપવો, ઉદારતા વગેરે કરાયો છે. આ ગ્રેટીયા પરથી સ્પેનિશ શબ્દ “ગ્રાસિયાઝ” આવ્યો. જે કોઈ તરફ મળેલ સહાયતા કે મદદ મળ્યાં પછી કોઈનો ય આભાર માનવાની પ્રક્રિયાને એક ભાવનાં રૂપમાં માનવાંમાં આવી છે. પણ તેમ છતાં યે આ ભાવને કેટલા લોકો સમજી શકે છે તે જાણવું પણ જરૂરી છે. બાઇબલમાં કથા છે કે ઈશ્વરનો શાપ મળ્યાં પછી આદમ અને ઇવ મનુષ્ય રૂપે પૃથ્વી પર આવ્યાં. પૃથ્વી પર આવી આદમ અને ઇવને પોતાનું પ્રથમ ભોજન મળ્યું ત્યારે તેમણે તે ભોજન પ્રભુને ધર્યું, અને પ્રભુને વિનંતી કરી કે તારી કૃપાને કારણે આ શરીર ટકાવી રાખવા માટે અમને આ સાધન મળ્યું છે. ( નીતિ વચનો :- ૩-૨૫ ) આ કથા મુજબ જોઈએ તો આદમ અને ઇવની પ્રભુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરાઇ છે. બાઇબલની જેમ આપણાં ગ્રંથોએ પણ આપણને ત્રણ સમય સંધ્યા કરવાનો આદેશ આપ્યો છે. જેમાં સવારનાં સમયનો આભાર પ્રભુને પોતાનું જીવન ચલાવવા માટે, બપોરે ભરપેટ ભોજન મળ્યાં માટેનો અને સંધ્યા સમયે તે દિવસ સુંદર જવા માટે. ડો. એલેક્ઝાન્ડર વિલિયમ્સને મતે આભાર માનવાની પ્રક્રિયાને મૂલ્યવાન, બહુમૂલ્યવાન અને ઉદાર ઈરાદાઓ સાથે અમૂલ્યતા એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે; પણ મારા મતે આભારની પ્રક્રિયા દરેક માટે જુદી જુદી હોય છે જેથી કરી આભારનાં ભારનાં વિવિધ સ્તર બને છે. ઘણાં લોકો એવાં હોય છે જેઓ નાના નાના કાર્ય બદલ પણ આભાર માને છે. ( આપણે આ પ્રથા પશ્ચિમી જગતમાં વધુ જોઈએ છીએ.) બીજા લોકો એવાં હોય છે કે જેઓ કોઈને મદદ કરે છે, પછી તેમની કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે, અને/અથવા સામેવાળી વ્યક્તિ પોતે જ એ રીતે સ્વયંનો આભાર માની લે છે કે સામેવાળી વ્યક્તિને જાણ ન થાય. જ્યારે ત્રીજા પ્રકારની વ્યક્તિઓ જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ પોતાનો આભાર ન માને ત્યાં સુધી પોતાનું મહત્વ દર્શાવતાં રહે છે.
જેમ આભાર માનવાની પ્રક્રિયા છે તેમ પોતાની ભૂલો ઉપર સોરી કહેવાની યે પ્રક્રિયા હોય છે. ઘણી વ્યક્તિઓ હોય છે જેઓ વારંવાર નાની નાની વાતમાં સોરી બોલ્યાં કરે છે. આભાર જેમ કવચિત પરાણે મનાવડાય છે તેમ સોરીનાં તૂતનું પણ છે. પણ કેટલીક પરિસ્થિતી એવી હોય છે કે જ્યારે સામેવાળી વ્યક્તિ સોરીને બદલે થેન્ક યુ સાંભળવા ઇચ્છતી હોય છે, પણ આપણી મનોવૃતિ આપણને શબ્દોનાં સહી ચયનને આગળ વધવા દેતી નથી. દાર્શનિક એડ્મ સ્મિથ કહે છે કે કોઈનો આભાર માનવો હોય તો ક્યારેય વાર ન કરવી, કારણ કે બની શકે કે સમય વધુ પસાર થઈ જાય તો આપણે જે તે વ્યક્તિનાં કરેલા ઉપકાર નીચે દબાઈ જઈએ. ઘણીવાર ઔપચારિકતા પણ હોય તોયે એ ઔપચારિકતાં પૂર્ણ કરવી જેથી કરીને સામેવાળી વ્યક્તિની શિષ્ટાચારની પરિધિમાં આપણે આવી જઈએ. આમ જે વ્યક્તિ સહજતાથી આભાર, પ્રસંશા અથવા થેન્ક યુ બોલી દે છે તે વ્યક્તિ પોતાની આસપાસ આનંદિત વાતાવરણ ઊભું કરી દે છે જેને કારણે આવી વ્યક્તિઓને વધુ માનને પાત્ર બને છે.
અંતે:- આભારનો અહેસાસ અને તે અહેસાસનાં ભાવનું ઐતિહાસિક મધ્યબિંદુ હંમેશાથી ધર્મમાં રહેલ છે. જેનું વ્યવસ્થિત અધ્યયન ૨૦૦૦ AD ની આસપાસ શરૂ થયું છે. તેનું કારણ એ હોય શકે કે મનોવિજ્ઞાનની થિયેરી અને મનોવૈજ્ઞાનિક રીતે આવતાં સંકટને સમજવા માટે સકારાત્મક ભાવના હોવી ખૂબ જરૂરી છે. કારણ કે આજ સકારાત્મકતાં જ આપણને જીવનમાં આમતેમ ભટકાતાં અને મતભેદમાંથી બચાવે છે.
-પૂર્વી મોદી મલકાણ.
પૂર્વીજીના લખાણથી પરિચિત છુ. તેમના પાકસ્તાનના પ્રવાસ વર્ણનો અને બીા ફિલોસોફીકલ લખાણો હમેશાં માણ્યા છે. આ લેખ પણ સ–રસ બન્યો છે. દાવડા સાહેબ લેખના સિલેક્સન માટે આપને અભિનંદન
LikeLike
અહીં આવ્યો ત્યારે વાત વાતમાં દીકરી ‘થેન્ક યુ’ કહેતી, મને એમાં વ્યંગનો અહેસાસ થતો ! પછી ધીમે ધીમે સમજાયું કે, એ તો અહીંનો રિવાજ છે!
———————–
પૂર્વી બહેનને રસ હોય તો ‘પદ્મ મુદ્રા’ વિશે મારો એક લેખ એમને મોકલી આપવા વિનંતી.
LikeLike
ચોક્કસ મોકલી આપશો.
LikeLike
આભાર
શ્રી વલીભાઈએ એક હાયકુમાં મારો આભાર આ રીતે માન્યો છે .
પ્રજ્ઞાબેન,
આભાર માનું?
ડરું ભાર લાદતાં,
જે સ્નેહે થયું!
દુઆગીર,
વલીભાઈ
LikeLike