બ્લોગર-એકવીસમી સદીની પેદાશ (શ્રી સુરેશ જાની)


(મિકેનીકલ-ઈલેકટ્રીઅલ એંજીનીઅર શ્રી સુરેશ જાની બ્લોગજગતમાં ખૂબ જ જાણીતા છે. ગુજરાતી બ્લોગ્સની શરૂઆતથી જ એમણે પોતાના અનેક બ્લોગ્સ તો બનાવ્યા, પણ બીજા અનેક લોકોને બ્લોગ બનાવવામાં મદદ કરી, અને ત્યારથી એ બ્લોગજગતમાં ‘દાદા’ના હૂલામણા નામે ઓળખાય છે. આ લેખ એમણે ઊંજા જોડણીમાં લખેલો છે, એટલે કે એક જ ઈ અને એક જ ઉ નો ઉપયોગ કર્યો છે.)

બ્લોગર
એકવીસમી સદીની પેદાશ.

માનવ ઈતીહાસમાં ભક્તો, ફીલસુફો, પેગંબરો, રાજાઓ, મહારાજાઓ, સેનાપતીઓ, યોદ્ધાઓ, કવીઓ, લેખકો, સંગીતકારો, નૃત્યકારો, શીલ્પકારો, વીચારકો, વૈજ્ઞાનીકો, સંશોધકો, સાગરખેડુઓ, ચાંચીયાઓ, બહારવટીયાઓ, અસામાજીક/ અનૈતીક તત્વો અને સામાન્ય માણસો પેદા થયા છે. પણ બ્લોગરની જમાત એ તો આ નવી સદીની જ પેદાશ છે!

તે લેખક છે અને નથી.

તે મોટે ભાગે નકલખોર છે. તે સાવ સીધું કોપી/ પેસ્ટ કરનાર કે આખાંને આખાં પાનાં સ્કેન કરીને મુકનાર કે બહુ બહુ તો, ચોપડીઓ કે સામાયીકોમાંથી ટાઈપ કરીને નકલ કરનાર છે. રડ્યાખડ્યા કોક વીરલા કાંઈક પોતાનું સર્જન કરે છે. પણ એ લેખક કરતાં બહુ જુદી માયા છે. એને એનું લખાણ પ્રસીદ્ધ કરવા માટે કોઈની પરવાનગી લેવી પડતી નથી; કોઈની દાઢીમાં હાથ નાંખવો પડતો નથી; કોઈની ખુશામત કરવી પડતી નથી, કે એને કોઈની શેહ શરમ નડતી નથી. એને કોઈ પ્રુફ રીડરંની જરુર હોય તેમ જણાતું નથી. એ સાવ બીન્ધાસ્ત લેખક છે. એને પ્રસીદ્ધીની કશી પડી નથી. એનું લખાણ બેચાર સગાં સંબંધી અને મીત્રો વાંચે; એનાથી એને સંતોષ છે. બાકી કોઈ પણ લેખકની જેમ પ્રશંસા અને દાદ મેળવવા માટે એ પણ તલસે છે- કદાચ વધારે તીવ્ર રીતે- કારણકે, અહીં આખી દુનીયામાંથી ટપાટપ પ્રતીભાવ મળી શકે છે; જે સામાન્ય લેખકના નસીબમાં નથી.

એ પ્રકાશક છે અને નથી.

એને પણ બધી રચનાઓ પ્રકાશીત કરવી પડે છે. એને પણ એના ગ્રુપોમાં અને મીત્ર મંડળમાં ઈમેલોથી જાહેરાત કરવી પડે છે. બ્લોગની જાળવણી કરવી પડે છે. રંગરોગાન અને સુશોભન કરવાં પડે છે. પણ એને પ્રકાશકની જેમ ટાઈપ કરનારાની, બીબાં ઢાળનારાઓની, પ્રુફ રીડરોની, કે વીતરકોની ફોજ રાખવી પડતી નથી. એને કોઈ મુડી રોકાણ કરવાનું કે લેખકોને વળતર આપવાનું હોતું નથી. કોઈ ચર્ચાસ્પદ લેખ પાછો ખેંચી લેવો હોય તો તે તત્કાળ તેમ કરી શકે છે.

એ વીતરક છે અને નથી.

જેવી કોઈ રચના પ્રકાશીત થાય કે તરત તે વીતરીત પણ થઈ જાય છે અને ક્ષણમાં જ આખા વીશ્વમાં તે વાંચી શકાય છે. આ માટે તેને એક પાઈનો પણ ખર્ચ થતો નથી. પણ એ વીતરણ ખરેખર થાય, તે માટે તેને જાહેરાત અચુક કરવી પડે છે. જોકે, આવી જાહેરાત પણ સ્વયંસંચાલીત રીતે થાય તે માટે આર.એસએસ.ફીડની, રીડરની, બ્લોગરીધમની વી. સગવડો પણ નીઃશુલ્ક મળી રહે છે.

એ વાચક છે, અને નથી.

એને બીજાના બ્લોગ વાંચવા કરતાં પોતાનો બ્લોગ વંચાય એની વધારે પડી હોય છે! અને આથીજ વાટકી વહેવારની જેમ, એને બીજાના બ્લોગ પર મને કમને મુલાકાત લેવી પડે છે; અને ઉપરછલ્લો પણ પ્રતીભાવ આપી, પોતાના આગમનની હાજરી સાબીત કરી આપવી પડે છે! એ સામાન્ય વાચક જેવો જ હોવા છતાં ઘણો જુદો પડી જાય છે. ચોપડીના વાચકને છેલ્લું પાનું યાદ રાખવા બુકમાર્ક રાખવા પડે છે, અને એ પડી ન જાય એની સંભાળ રાખવી પડે છે. સામાન્ય વાચકને ગમતું લખાણ સાચવી રાખવા ફોટોકોપી કરવી પડે છે. ચોપડીઓની સુચી બનાવી મોકલનાર વાચકના સંબંધીને એ ખરીદવી કે પુસ્તકાલયમાંથી મેળવવી પડે છે, કે મીત્ર પાસેથી ઉછીની લાવવી પડે છે. ( પાછી આપવાની કોઈ બાંહેધરી આપ્યા વીના!)નેટ ઉપર તો ભાત ભાતના ફેવરીટ અને ઈ-બુકમાર્ક હાથવગા મળી જાય છે.

બ્લોગ વાચક તો કોપી/પેસ્ટ કરી ફાઈલ બનાવી નવરાશે અનેક વાર વાંચી શકે છે. મીત્રોને મોકલી શકે છે. બ્લોગના વાચકને તો કંટાળી જવાય એટલા, કોપી અને ફોર્વર્ડ કરેલા સંદેશ મળતા જ રહે છે! ‘ગમતું એ મારું’ એનાથી એક ડગલું આગળ આ મનોવૃત્તી છે – ‘ગમતાંનો ગુલાલ’ કરવાની વૃત્તી છે. બ્લોગરના ધ્યાનમાં કાંઈક પણ આવે, તો એને ઉછાળો થઈ આવે છે – એને પોતાના બ્લોગ પર મુકી વહેંચવાનો.

તે એક સામાન્ય માણસ છે અને નથી.

તે સાવ સામાન્ય માણસ તો છે જ. તે થેપલાં બનાવતી ગૃહીણી, નવ વર્ષનું બાળક કે બાસઠ વર્ષનો બુઢ્ઢો હોઈ શકે છે. માત્ર થોડુંક કોમ્પ્યુટર વાપરવાનું જ્ઞાન, થોડીક બ્લોગ આવડત અને ચપટીક ટાઈપ કરવાની આવડત – અને બ્લોગરંની ગાડી ચાલુ. પણ એ સામાન્ય માણસથી મુઠી ઉંચેરો છે. એને કાંઈક વહેંચવું છે; એને માત્ર ખીસ્સાભેગું નથી કરવું. એને કોઈ પણ સામાન્ય કે અસામાન્ય માણસની જેમ પ્રતીષ્ઠા અને બે જણમાં ગણાવાની (Recognition) ખેવના જરુર છે જ. પણ કોઈ ન ગણે તો પણ એ બ્લોગીંગની પડેલી આદત ન છોડવા માટે વીવશ પણ છે –

એ નશાખોર છે,
એને બ્લોગીંગનો બેવડો ચઢેલો છે!
એ સામાન્ય માણસ
પોતાના નાનકડા જીવનના વર્તુળમાંથી
જરીક બહાર આવેલો જીવ છે.

માટે બ્લોગર
એક વીશીષ્ઠ વ્યક્તીત્વ છે
અને નથી!

-સુરેશ જાની

8 thoughts on “બ્લોગર-એકવીસમી સદીની પેદાશ (શ્રી સુરેશ જાની)

 1. હાચી વાત કરી! આ વાંચી થયું કે તમોએ કેટલાયે ઉગતા સર્જકોની વાતોને છેડી કેટલાક ઉંધતા વાંચકોને જગાડ્યા છે! શિર નમે છે! દિલ નમે છે! વેકેશનનો સદુપયો થયો!

  Like

 2. નગ્ન સત્ય – Naked truth.

  Sub-standard બ્લોગીંગ થકી ગુજરાતી સાહિત્ય અને ભાષાની ઊંડી ઘોર ખોદવા માટે વિશ્વભરમાં દિવસરાત પાવડા, કોદાળા, ત્રિક્મ અને તગારાં વડે અવિરતપણે કામ થઈ રહ્યું છે. આપણને લાગે છે કે આ ખોદકામ પૃથ્વીના પેટાળમાંના લાવારસ સુધી પહોંચી જશે અને ત્યાં એ બંને ઓગળી જઈને લાવામય બની જશે. ગુજરાતી સિવાયની ભાષાઓમાં આવું ખોદકામ થતું તો હશે, પણ એનું પ્રમાણ ઓછું કે નહિવત હશે.

  JCB થકી થતા ખોદકામ માટેની ચેતવણી માટે નીચેના લિંક ઉપર ક્લિક કરો.

  Like

 3. મન બ્લોગ અને બ્લોગીંગ વિષે મારી એક અછાંદસ રચના

  બ્લોગ અને બ્લોગીંગ

  બ્લોગીંગ એ જન હિતાર્થે કરવા જેવી એક સેવા છે

  જીવન સંધ્યાએ રમવા જેવી એક ઉપયોગી રમત છે

  બ્લોગ મિત્રો સાથે અંતરનો તાર જોડવાનું સાધન છે

  સરખા સાહિત્ય રસિકો સાથે ચર્ચા કરવાનો ચોતરો છે

  સુતેલા સાહિત્ય રસને ઢંઢોળીને જગાડવાની ચાવી છે

  સાહિત્ય રસની તરસ છીપાવવા માટેની એક પરબ છે

  ગમતાનો ગુલાલ કરવા માટેની ગુલાલ ભરી થાળી છે

  જીવન પોષક સાહિત્ય વાંચવા માટેનો એક ખજાનો છે

  ગુજરાતીને ગુજરાતીતા સાથે જોડતી કડી એક બ્લોગ છે

  બ્લોગ એક મનોરમ્ય ગદ્ય પદ્ય ફૂલોની ફૂલવાડી છે

  સાહીત્ય બાગના ફૂલોની મહેંક ફેલાવતો એક પવન છે

  મનને કોરતી એકલતા દુર કરવાનું અકસીર ઓસડ છે

  બ્લોગીંગને એક મેડીટેશન કહો યા તો એક યોગ છે

  નિવૃતિનો સદુપયોગ કરવાની એક ઉત્તમ પ્રવૃત્તિ છે

  ગદ્ય પદ્ય સર્જન અને વાંચન બાદની આનંદયાત્રા છે

  વિનોદ પટેલ

  Like

 4. આ છે અને નથી વાળી વાત ગમી અને બીજી એક સાચી વાત- બ્લોગ એ વાડકી વ્યવહાર જ છે. તમે મારું ગમાડો, હું તમારું ગમાડું, બંને રાજી.

  Like

 5. નેપથ્યમાંથી આંગણામાં લાવવા માટે પરમ મિત્ર દાવડાનો હૃદયપૂર્વક આભાર . આંગણું શરૂ કરતી વખતે પી.કે.ને બ્લોગિંગમાં પ્રવેશ કરવાનો આછો પાતળો ખ્યાલ જ હતો. તેમનો મુખ્ય ઉદ્દેશ તેમની ઠેર ઠેર વિખરાયેલી પડેલી સામગ્રી ઈ-બુકના રૂપમાં – વાદળોની વચ્ચે (!) સાચવી રાખવાનો પૂરતો મર્યાદિત હતો. એ માટે ચપટીક મદદ જ આ જણે કરેલી.
  આંગણું આટલું વિશાળ બનવા લાગ્યું – એ પી.કે. નો અને મારો પણ આનંદ છે. આનંદ એ વાતનો પણ છે કે, પી.કે.ને પણ આ શરાબ બેવડો કે કદાચ ત્રેવડો ચઢ્યો છે!
  અને કદાચ…..
  આ લખનારના બ્લોગ પર એ હળવો ચિંતન લેખ બહુ જ ચર્ચાયો હતો, એ લખ્યા બાદ ‘બ્લોગર’ અંગે ચિંતનનો બીજો ભાગ લખવાની ખ્વાહેશ હતી; પણ તે વિચારો બહુ વિવાદાસ્પદ બને એ દહેશતના કારણે તે પ્રગટ કરવાનું મોકૂફ રાખ્યું હતું. મનમાં જ સંઘરી લાખેલી એની કાચી સામગ્રી ઘણી વધારે ઉગ્ર અને વ્યથા પમાડે તેવી હતી. કાળક્રમે એ દહેશતો સાચી પડી છે – એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. વલીભાઈની કોમેન્ટ એ વાતને પીઠબળ આપે છે.
  આ લખનારને એ બેવડો તો ક્યારનો ઊતરી ગયો છે, પણ સૌ મિત્રો અને સર્જનના ધખારા રાખતી વ્યક્તિઓને એક વણમાંગી સલાહ આપું તો ક્ષમ્ય ગણશો.

  લખો – ખુબ લખો. જાત જાતનાં સર્જન કરતા રહો. પણ જો વાહ! વાહ ! કે પ્રતિભાવો મેળવવાની લાલસા ત્યાગીને એમ કરશો; તો સર્જનનો વિશુદ્ધ આનંદ હાથવગો બનવા લાગશે. બ્લોગિંગનો મૂળ આશય એ નિજાનંદના ઝરા સુધી પહોંચાડવાનો જ હતો અને છે.

  બ્લોગિંગની શરૂઆત એક ઈ-ડાયરી તરીકે થયેલી. એનું મૂળ આખું નામ વેબ – લોગ હતું.
  https://en.wikipedia.org/wiki/Blog
  એનાથી આગળ વધી કીર્તિ અને સન્માનની અપેક્ષાઓ રાખીશું તો તે વાંઝણી જ બની રહેશે, અને બ્લોગિંગની પ્રવૃત્તિ શુદ્ધતા ગુમાવતી જશે.
  અસ્તુ.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s