Monthly Archives: જુલાઇ 2017

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૩.

“મૈં જિંદગીકા સાથ નિભાતા ચલા ગયા!”

અમેરિકામાં ૪૦ વર્ષોથી વસવાટ કરતાં, મને હવે થોડા કેટલાક વર્ષોથી અહીંના પોલીટીક્સમાં પણ રસ પડવા માંડ્યો છે. આજ-કાલ અહીં રાજકરણનું બજાર ખૂબ ગરમ રહે છે. માર્ચ મહીનો ૨૦૧૬માં અમેરિકાની પ્રેસિડેન્સી માટે સીમાચીન્હ બની ગયો. અહીંની બે પોલીટીકલ પાર્ટી,-રિપબ્લીકન અને ડેમોક્રેટીક- બેઉના ઉમેદવારોએ સહુ પ્રથમ તો પોતપોતાની પાર્ટીના ઉમેદવારો સાથે પ્રાઈમરી ઈલેક્શનમાં લડવું પડે છે. લોકો તથા લોકોએ ચૂંટેલાં પ્રતિનિધિઓ –ડેલિગેટસ-ની સહમતી વત્તા પોતાની પાર્ટીના કન્વેનશનમાં સંમતિ મેળવીને પછી બેઉ પાર્ટી પોતપોતાના ઉમેદવારો પ્રમુખપદ માટે ઊભા રાખે છે જેમાં કાયદા-કાનૂન પ્રમાણે મતાધિકાર ધરવનારી સમગ્ર જનતા સજાગતાથી મતદાન કરે છે. આ ઈલેક્શન દરમિયાન, હું સતત જ ન્યૂઝ અમેરિકન ટીવી પર રોજ જોતી હતી. મારા સંતાનોએ મારી મજાક પણ કરી, ”કેમ, અમેરિકામાં દેશી ટીવી હવે આવતું બંધ થઈ ગયું કે શું કે આમ સતત અમેરિકન ટીવી જુએ છે?” કોને ખબર, પણ મને એક નિરાશા આ દેશમાં હંમેશા રહી છે કે આટલા બધા આંદોલનો અને વીમેન્સના રાઈટસ માટે આટલી બધી સજાગતા હોવા છતાં અમેરિકામાં એવો વર્ગ છે કે જેને આજની તારીખમાં પણ કે સ્ત્રી પ્રમુખ બને રાષ્ટ્રની, એ બિલકુલ પણ મંજૂર નથી. પ્રાઈમરીમાં જીતીને બીલીયનર ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રીપ્બલીકન પાર્ટીના અને હીલરી ક્લીન્ટન ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારો તરીકે જુલાઈ ૨૦૧૬માં ઓફીસિયલી જાહેર કરાયા છે. ચૂંટાયલાં અમેરિકન પ્રમુખોની પત્નીઓને “ફર્સ્ટ લેડી” કહેવામાં આવે છે. ૨૦૧૬ સુધી અમેરિકાના ઈતિહાસમાં કોઈ સ્ત્રી પ્રમુખ થઈ નથી આથી આ વખતે, હીલરી ક્લીન્ટન જો ચૂંટાશે તો બીલ ક્લીન્ટન પહેલી વખત “ફર્સ્ટ જેન્ટલમેન” કહેવાશે એવો મને ઓચિંતો વિચાર આવ્યો. કેટલી બધી કપરી અને વિષમ પરિસ્થિતિમાંથી ક્લીન્ટન દંપતી પસાર થઈ ચૂક્યા છે અને આ ચૂંટણીમાં જે રીતે એમના પર પર્સનલ એટેક થઈ રહ્યા છે એ દર્શાવે છે કે આગળનો રસ્તો પણ એટલો જ કપરો ને વિકટ રહેવાનો છે! તદુપરાંત, જે વ્હાઈટ હાઉસમાં પોતે રાજાની જેમ આઠ વર્ષો સુધી રાજ કર્યું ત્યાં હવે પત્ની જો ચૂંટાઈ આવે તો “ફર્સ્ટ જેન્ટલમેન” તરીકે જવાનું જો થાય તો શું લાગણી અને સંવેદનાઓ બીલ ક્લીન્ટન અનુભવશે એવો વિચાર મને ઘણી વાર આવતો હતો, આ ચૂંટણીની સિઝનમાં. આજે પણ એ જ વિચાર મારા મનમાં ઘૂમરાતો હતો. રાતના દસ વાગ્યાના સમાચાર પૂરા થયા. ટીવી બંધ કરતાં, હું આવા વિચારોમાં જ ક્યારે નિદ્રાના ખોળે પોઢી ગઈ,

Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૩.

Advertisements

ધરતીના કલાકાર-૬

સંસ્કૃતિમાં નિરૂપાયેલા જોમજુસ્સાથી ભરપૂર પાત્રોને તેઓએ ધીંગી રેખાઓથી કંડાર્યા છે.  વિવિધ ઉત્સવોની ઉજવણી, વિવાહ સંસ્કાર, તહેવારો, કૃષ્ણ કે રામ જીવન કથાના પાત્રો, કાલિદાસની કૃતિ પરના પાત્રો વગેરે તેમની આગવી ઓળખ સમા બની ગયાં છે. આજે અહીં મેં સામાજીક ઉત્સવોના બે અને કૃષ્ણકથામાંથી એક ચિત્ર રજૂ કર્યા છે.

(સીમંત)

સ્ત્રી ગર્ભવતી થાય પછી સાતમે મહિને સીમંત વિધી કરવાનો અમુક કોમોમાં રિવાજ છે. ચિત્રમાં ગર્ભવતીને બાજઠ ઉપર બેસાડી અને સગાં-સંબંધીઓની પરણેલી સ્ત્રીઓ સીમંત વિધિ માટે એકઠી થઈ છે. એક સ્ત્રી સાથે બાળકની હાજરી ખાસ ધ્યાન ખેંચે છે. સીમંત વિધિ માટે જરૂરી વસ્ત્ર અને અન્ય સાજ-સામાન પણ દેખાય છે. બધી સ્ત્રીઓના એક સરખા વસ્ત્રો પણ કદાચ રીત-રિવાજનો હિસ્સો હશે.

(લગ્નવિધિ)

પ્રત્યેક કોમની લગ્નવિધિ અલગ અલગ હોય છે. અહીં વરરાજાને બાજઠ ઉપર ઊભેલો બતાવ્યો છે, એના હાથમાં તલવાર છે. કન્યા વરમાળા લઈને સામે ઊભેલી છે. બન્ને પક્ષના સ્ત્રી-પુરૂષો અને બાળકોના સુરેખ ચિત્રો, એમના વસ્ત્રો અને ઉઘાડા પગ વગેરે રિવાજ અનુસાર દર્શાવ્યા છે.

(નાગ દમન)

નાગ દમન એ ખોડિદાસભાઈના ખૂબ જ પ્રખ્યાત ચિત્રોમાંનું એક છે. વચ્ચે નાગને નાથીને શ્રીકૄષ્ણ ઊભા છે અને બન્ને બાજુ નાગણો રત્નોના થાળ ભરી શ્રીકૃષ્ણને વધાવે છે. “જળકમળ છાંડી જાવ ને બાળા” ની અંતિમ પંક્તિઓનું આ સંપૂર્ણ ચિત્ર છે. નાગણો દર્શાવવા માટે  અર્ધું માનવ અને અર્ધું સર્પ શરીર દોરીને ચિત્રકળાને એ એક ઉચ્ચ સ્તરે લઈ ગયા છે. ગ્રામ ચિત્રકળાનો ઉપયોગ કરીને એમણે એક કલાજગતમાં સ્થાન પામેલું ચિત્ર આપ્યું છે.

મળવા જેવા માણસ-૫૧ (શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ)

પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં થયો હતો. પિતા શ્રી કુમુદચંદ્ર મુંબઈની પ્રખ્યાત એંજીનીઅરીંગ કોલેજ V.J.T.I. માં મિકેનીકલ એંજીનીયરીંગનો અભ્યાસ કરી, રેલ્વેમાં નોકરી કરતા હતા. માતા ઇશ્વરીબહેન સાતમા ધોરણ સુધી ભણેલા હતા. આર્થિક રીતે આ સુખી કુટુંબમાં સંગીતમય અને ધાર્મિક વાતાવરણ હતું.

(શાળાના સમયે)

પ્રજ્ઞાબહેનનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ફ્રીલેન્ડગંજની રેલ્વેની શાળામાં ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી થયો હતો. અહીં અભ્યાસ દરમ્યાન સંગીત ને નાટ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ભાવનગરની માજીરાજ ગર્લસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી, ૧૯૫૫ માં S.S.C. ની પરીક્ષા પસાર કરી હતી. હાઈસ્કૂલના શિક્ષણ માટે એમને ક્યારેક ટ્રેનમાં તો ક્યારેક સાઈકલ ઉપર શાળામાં જવું પડતું. રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેધાણીના પુત્રી પદ્મલા પ્રજ્ઞાબહેનના વર્ગમાં હતા.

બે વર્ષ માટે ભાવનગરની S.N.D.T. કોલેજમાં આર્ટસ વિભાગમાં અભ્યાસ કર્યા બાદ, ૧૯૫૭ માં લગ્ન થઈ જતાં અભ્યાસ અધુરો મૂકવો પડ્યો હતો. પ્રજ્ઞાબહેનના પતિ શ્રી પ્રફુલ્લચંદ્ર વ્યવસાયે તબીબ છે.

(લગ્ન પછી)

પ્રજ્ઞાબહેને સ્વેચ્છાએ ગૃહીણીનો રોલ સ્વીકારી, એક દિકરા અને ચાર દીકરીઓની સુખાકારી અને શિક્ષણની જવાબદારી નીભાવી. પાંચે સંતાનો સારું શિક્ષણ પ્રાત્પ કરી જીવનમાં સ્થાયી થયા છે. આ સમય દરમ્યાન એમણે સામાજીક સંસ્થાઓમાં કામ કરી પોતાનો ફાળો નોંધાવ્યો. બારડોલી સાર્વજનિક મહિલા મંડળ અને જાયન્ટસ કલબ જેવી સંસ્થાઓનું પ્રમુખપદ પણ શોભાવ્યું. આસપાસના ગામોમાં જઈ સમાજ સેવાની પ્રવૃતિઓ કરી, એમણે એમની માનવીય ફરજ નીભાવી.

૧૯૯૬ માં એમની અમેરિકા સ્થિત દિકરી રોમાએ એમનું ગ્રીનકાર્ડ સ્પોન્સોર કર્યું, અને એ મંજૂર થતા પ્રજ્ઞાબહેન એમના પતિ સાથે અમેરિકા આવ્યા. હાલમાં તેઓ અમેરિકન નાગરિક છે.

૨૦૦૬ માં એમને ગુજરાતી બ્લોગ્સની જાણ થઈ અને એમણે એમાં રસ લેવાનું શરૂ કર્યુ. એમણે અનેક બ્લોગ્સમાં મૂકાયલી કૃતિો વિષે પ્રતિભાવ આપવાના શરૂ કર્યા. એમના વિદ્વતાભરેલા પ્રતિભાવો ઉપર અનેક વાંચકો અને બ્લોગ્સના સંચાલકોનું ધ્યાન દોરાયું, અને અનેક સર્જકો એમના સંપર્કમાં આવ્યા. ૨૦૦૮ માં એમણે “નીરવ રવે” નામનો પોતાનો બ્લોગ શરૂ કર્યો.

“નીરવ રવે”માં પ્રજ્ઞાબહેને પોતાના સર્જન ઉપરાંત એમના સંતાનોના સર્જન અને અન્ય મિત્રોના સર્જન મૂકવાનું શરૂ કર્યું. ગુજરાતી બ્લોગ્સમાં ઊંચું સ્થાન ધરાવતા બ્લોગ “વેબ ગુર્જરી” ના સંપાદક મંડળના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા.

એમની ખાસ ખાસિયત એ રહી કે એ પ્રત્યેક વ્યક્તિના પ્રત્યેક ઈ-મેઈલનો જવાબ આપે છે, અનેક બ્લોગ્સમાં કૃતિઓ વાંચી એમાં મનનીય પ્રતિભાવ લખે છે. જે વિષય ઉપર પ્રતિભાવ લખે છે, એ વિષય ઉપરનું સાહિત્ય ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દુ ભાષાઓ ઉપર પણ એમની સારી પકડ છે.

લેક્ષિકોનમાં પ્રજ્ઞા શબ્દના ઘણાં અર્થ આપેલા છે. પ્રજ્ઞા એટલે બુધ્ધી, મેધા, મતિ, સમજશક્તિ, એકાગ્રતા, વિશેષ જાણીકારીવાળી, પરિપક્વ બુધ્ધિવાળી, સમજણશક્તિ, ડહાપણ, અને સંવેદના. આ પ્રજ્ઞાબહેન માટે તો આ બધા અર્થ એક સાથે લાગુ પડે છે, કદાચ બધાનો સરવાળો કરી એક નવો અર્થકારક શબ્દ બનાવવો પડે. ખૂબ જ મિલનસાર અને પ્રેમાળ સ્વભાવના બહેન પ્રજ્ઞા વ્યાસે એક દાયકામાં મિત્રો અને ચાહકોનો વિશાળ વર્ગ ઊભો કરી લીધો છે.

બ્લોગ જગતની ખૂબ જ જાણીતી અને સન્માનનીય વ્યક્તિઓના અભિપ્રાયોનું સંકલન કરીને કહું તો બહેન પ્રજ્ઞા વ્યાસ એક મેઘાવી વ્યક્તિ છે. વિશાળ વાંચન એમની મૂડી છે. એમના હાસ્યમાં પણ એમનું ગાંભીર્ય છે. એમની સહાનુભુતિમાં કરૂણા છે. કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાની અને સાંદર્ભીક. જાણે કે એમની પાસે કોઈ અદભુત વીકીપીડીયા ન હોય?

આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય જોઈ નથી. પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. એમના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્ર્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ સૌથી મોખરે હોય. કેટલીકવાર તો મૂળ કૃતિ કરતાં પણ પ્રજ્ઞાબહેનની કોમેંટ વધુ રસદાયક હોય છે. કવિતાનો રસાસ્વાદ તેઓ અદભુત રીતે કરે છે,

(નિવૃતિનો સમય)

(કુટુંબ)

તેઓ કહે છે, “મને ભજન ગાવાં વધુ ગમે છે; કારણ ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે મારું સહજ સંધાન થઈ એમાં તાદાત્મ્ય સધાતાં ભજનના ભાવમાં ભીંજાવાનું સહજ બને છે.”

પ્રજ્ઞાબહેન માને છે કે માણસ ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ આખી જીંદગી માણસ તરીકે જીવે, અને માણસાઈ સાથે જીવે એ ખૂબ અગત્યનું છે. ઈન્સાનિયત એ  જ અગત્યની બાબત છે.  આજકાલની દોડધામવાળી જીંદગીમાં કોઈને બીજા માટે સમય નથી, આ પરિસ્થિતીમાં બદલાવની તાતી જરૂરત છે. પ્રજ્ઞાબહેન કહે છે, સદા સંતવાણી યાદ રાખો, વર્તમાનમા રહો, સ્નેહનું રાખો , કટુ  વિચાર- વચન ત્યાગો, ગુણદર્શન કરો અને સદા માનો આપને તો નિમિત માત્ર !

-પી. કે. દાવડા

(ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા, ૨૭ જુલાઈ, ૨૦૧૭)

ધરતીના કલાકાર-૫

લોકકલા

આજે ખોડિદાસ પરમારને જે સૌથી વધારે પ્રિય હતા એવા ગામડાની લોકકલાના ચિત્રો રજૂ કર્યા છે.

મોર, વાઘ અને હાથીઓ સાથેનું આ એક કલાત્મક ચિત્ર અનેક પ્રકારના આર્ટફોર્મમાં વાપરી શકાય એમ છે. કેનવાસ, વસ્ત્રો ઉપર ચિત્રકામ કે ભરતકામ કે દિવાલ ઉપરનું ચિત્રામણ. આ એક ખાસ પ્રકારની ચિત્રકળાનો નમૂનો છે.

નયન રમ્ય રંગોમાં આ ચિત્રમાં પારણું, બાલિકા અને એની ઢીંગલી દેખાય છે, પણ દરેકની સાથે પ્રતિકો જોડાયલા છે. આવા ચિત્રોનું રસદર્શન કોઈ નિષ્ણાત જ કરાવી શકે. પગમાં જે ગતિના પ્રતિક છે, એવા જ ગતિના અને હલન ચલન પ્રતિકો બધે જ નજરે પડે છે.

આ રથનું ચિત્ર તો ખોડિદાસભાઈ જ સમજાવી શકે. ઉપર અને નીચે ઘોડા, વચ્ચે સારથી, રથમાં રાજા, રાણી અને કુંવરી, ગ્રામકળા અને આધુનિક કળાના મિશ્રણવાળું આ ચિત્ર સમજવું-સમજાવવું એ મારા વશની વાત નથી.

 

સુરેશ જાનીની સૈડકાગાંઠ

સૈડકાગાંઠ

      બાથરૂમમાં ગયા પછી, પહેલું કામ – નાડાની ગાંઠ છોડવાનું! એ સૈડકાગાંઠ હતી; અને છોડતાં ખોટો છેડો ખેંચાઈ ગયો હતો.આગળની પ્રક્રિયાની ઉતાવળમાં વળી એ છેડો વધારે ખેંચાઈ ગયો. અને જે થઈ છે!

Continue reading સુરેશ જાનીની સૈડકાગાંઠ

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨ (જયશ્રી વિનુ મરચંટ)

“ગાતા રહે મેરા દિલ”

અમારી કોલેજ એક ૨૧ એકરની એસ્ટેટના આગળના ૭ એકરમાં બનાવી હતી. સાઈઠના દસકામાં પણ ૭ એકરના કેમ્પસવાળી કોલેજ મુંબઈના પરામાં હોવી એ બહુ મોટી વાત હતી. માયાનગરી મુંબઈની મોટામાં મોટી સમસ્યા હંમેશા જગ્યાનો અભાવ અને સતત વધતા જતા ભાવ રહ્યા છે. અભાવ અને ભાવની વચ્ચે ઝૂલતી આ નગરીનું આકર્ષણ અહીં રહેનારાઓને અને આવનારાઓને કઈંક અદભૂત બીના જેમ જ સતત અને સદૈવ રહ્યું છે. અમારી કોલેજની માઈક્રોબાયોલોજીની લેબોરેટરી પહેલા માળ પર હતી. અને કોલેજનું મકાન અંગ્રેજી “Z” shape માં હતું. અમારી માઈક્રોબાયોલોજીની લેબની બારીઓ એસ્ટેટના પાછળના હિસ્સામાં ખૂલતી હતી. ત્યાં ઓછામાં ઓછા ૨૫-૩૦ નાના કોટેજીસ હતા, જે વર્તુળ આકારમાં પથરાયેલા હતા. આપણા રામનો ત્યારે પણ સીધો જ હિસાબ હતો, જો એક્સપરીમેંન્ટ જલદી પતે તો અને ન ગમતો હોય કે રસ ન પડતો હોય તો, બારીબહાર, જમીન અને આકાશ વચ્ચે પથરાયેલી આ કોટેજીસની માયાને અપલક નીહાળતા રહેવાનું અને ચાની ચુસકી લેતાં જેમ મજા આવે એવી જ મજા આ બારીબહારના દ્રશ્યો જોતાં ને માણતાં લેવાની. અમારી લેબની બરાબર સામેના કોટેજનો વરંડો જોવાનો એ જુનિયર વરસ દરમિયાન મારો નિત્યક્રમ બની ગયો હતો. ૧૮-૧૯ વર્ષની એ ઉમરનો તકાજો એટલો તો મજેદાર હતો કે બસ, એમ જ થતું, “મૈં હી મૈં હું દૂસરા કોઈ નહીં”. એ વખતે અને એ ઉમરે આ ફનાખોરીવાળી દુનિયાનું સત્ય સમજાયું નહોતું કે, “ખુદા હમકો ઐસી ખુદાઈ ન દે! કે અપને સિવા કુછ દિખઈ ન દે!” Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨ (જયશ્રી વિનુ મરચંટ)

આંગણાંને ભેટ

 

આંગણાંના એક મહેમાન શ્રી નૂરદિન દરેડિયાને આંગણું ગમ્યું. એમણે પોતાની ખુશી વ્યક્ત કરવા મને પાંચ પુસ્તકો અને એમના કુટુંબ દ્વારા પ્રગટ થતાં માસિક “ગુજરાત ગૌરવ”નો જુલાઈ,૨૦૧૭ નો અંક ટપાલ દ્વારા ભેટ તરીકે મોકલ્યા છે.

શ્રી નૂરદિનભાઈનો આંગણાંવતી હું આભાર માનું છું. આ પુસ્તકોમાંથી ઉપયોગી લખાણોનો લાભ આંગણાંના અન્ય મહેમાનોને મળે એવી કોશીશ કરીશ.

-પી. કે. દાવડા

બે દૃષ્યો (દીપક ધોળકિયા)

(“આ આકાશવાણી છે. સમાચાર દીપક ધોળકિયા વાંચી સંભળાવે છે.” મારી પેઢીના લોકોને આ શબ્દો નવા નહીં લાગે. આકાશવાણીના ભૂતપુર્વ ગુજરાતી ન્યુઝ રીડર શ્રી દીપક ધોળકિયા એક સક્ષમ વિચારક છે. અનેક વિષય ઉપર એમણે વિચાર પ્રેરક લેખ લખ્યા છે. મારી સાથેના મિત્રપ્રેમને કબૂલ રાખી, આંગણાંના મહેમાનો માટે આ લેખ મોકલ્યો છે.)

કેટલાંક દૃશ્યોનાં કજોડાંએ એક નવી કથા ઊભી કરી દીધી અને મગજમાં એક અર્થહીન વિચાર વંટોળ ઊમટ્યો જેની સાથે મને પોતાને સીધી કશી જ લેવાદેવા નથી. આમ છતાં એ દૃશ્યો મગજને કીડાની જેમ કોરતાં રહ્યાં.
આમ તો કંઈ જ નથી. મૈસૂરની પાસે કાવેરી, હેમાવતી અને લોકપાવની નદીઓનો સંગમ છે. આ ત્રિવેણી સંગમ અલ્હાબાદના ત્રિવેણી સંગમ જેવો જાજરમાન નથી. લોકોમાં એની ચર્ચા પણ નથી. સંગમને નામે ભીડ પણ એકઠી નથી થતી. ટૂંકમાં બધું ‘રાબેતા મુજબ’ ચાલે છે. અહીં કાવેરી અને હેમાવતી પહેલેથી જ સાથે મળીને આવે છે અને ત્રીજી લોકપાવની એને મળે છે. ત્રણેય નદીઓ અહીં તો તદ્દન શાંત અને નાના વહેળા જેવી છે. ખાસ પહોળી, અહોભાવ જગાવે એવી પણ નથી. માહૌલ એવો કે કોઈ નાની ઘટના જ કદાચ અહીં બની શકે અને આ બસ, નાની ઘટના જ છે.
આ ઘાટ ખરેખર તો અસ્થિવિસર્જનનો ઘાટ છે. એક જગ્યાએ પૂજા ચાલે છે. એક પુરુષે મુંડન કરાવેલું છે. દક્ષિણ ભારતીય શૈલીમાં ધોતી વીંટેલી છે, ઉપર શરીર ખુલ્લું છે. પુરોહિત પિંડોની પૂજા કરાવે છે, એક છોકરી પણ છે. સ્લેક્સ કહેવાય કે શું, એવું પહેરેલું છે. અને ટૉપ. હાથ જોડીને ઊભી છે. બે જ વ્યક્તિ. ત્રીજો પુરોહિત. ત્રણેય નદીનાં પાણીમાં ડૂબેલા પગથિયા પર છે અને ચોથો હું…એક દર્શક. એમનાથી વીસેક ફૂટ દૂર અને ઊંચે.
પૂજા પૂરી થઈ હતી. પિંડ રાખ્યા હતા તે ભીની થઈ ગયેલી પતરાવળી એમણે બન્નેએ પુરોહિતની મદદથી સંભાળીને ઉપાડી અને પગથિયાં ચડીને બન્ને ઉપર ગયાં. એક ઝાડ નીચે પિંડ રાખ્યા. કદાચ ગૌમાતા આવીને ખાઈ જશે. મનમાં થયું કે આમ કેમ? માત્ર બે જ જણ? કોનું મૃત્યુ થયું હશે? કુટુંબમાં બીજું કોઈ નહીં હોય? મૃતક પુરુષ હતો કે સ્ત્રી? એ જો આ પુરુષની પત્ની હોય તો શું આ છોકરીની એ માતા હોવી જોઈએ? મૃતક સ્ત્રી જ હોય તો એની ઉંમર પણ પચાસથી વધારે ન જ હોવી જોઈએ, કારણ કે પુરુષની ઉંમર પણ લગભગ એવી જ લાગતી હતી. મૃત્યુ જેવી ઘટનાના અંતિમ સાથી માત્ર બે જ જણ? એક આંચકો લાગ્યો. સંબંધોનાં વિવિધ રૂપો સામે આવી ગયાં. પરંતુ આ ઘડીએ પિતાપુત્રી એકલાં હોય એમાં મને એવું લાગ્યું કે એમાત્ર એકલાં નથી, એકલવાયાં પણ છે.
હું વિચારોને બીજે વાળવા પ્રયત્ન કરતો રહ્યો છું પણ આંખ સામેથી અર્ધા ખુલ્લા શરીરવાળા પુરુષની અને એની સાથેની સ્લેક્સ અને ટૉપ પહેરેલી છોકરી હટવાનું નામ નથી લેતાં.
કંઈક એવો જ ખાલીપો બાળકોને મઝા આવે એવા રેલવે મ્યૂઝિયમમાં સવારે અનુભવ્યો હતો. બન્ને બાળકો હીંચકા પાસે ગયાં ત્યારે બે-ત્રણમાંથી એક હીંચકો એકલો એકલો આમતેમ ઝૂલતો હતો. ઝુલતો જ રહ્યો. કોણ બેઠું હશે અને કોણ ઊઠી ગયું હશે, ખબર નહીં. મેં મશ્કરીમાં કહ્યું કે આ હીંચકા પર ભૂત ઝૂલે છે. પછી ખરેખર જ મારા મનમાં વિચિત્ર ભાવ જાગ્યા. જાણે ભરપૂર જીવન મૂકીને કોઈ અચાનક નેપથ્યમાં સરકી ગયું હોય. બસ, એ જ સાંજે કાવેરી-હેમાવતી-લોકપાવનીના સંગમ પર જાણે મને જવાબ મળ્યો કે હીંચકો ઝૂલતો મૂકીને જનારનો પતિ અને પુત્રી આ જ છે. જનારનો હીંચકો તો ઝૂલ્યા જ કરે છે! કેટલા દિવસ થયા હશે? બાર દિવસ તો ખરા જ?
બન્ને દૃશ્યો વચ્ચે કશો જ સંબંધ નથી. એ દૃશ્યો વચ્ચે ચાર કલાકનો સમયગાળો છે અને ત્રણેક કિલોમીટરનું અંતર છે. કદાચ ઝૂલતો હીંચકો મનમાંથી ખસ્યો નહીં હોય? એવું નથી કે કદી મૃત્યુ જોયાં નથી કે કદી શ્મશાને જવાનું બન્યું નથી. ઉલટું ગણતાં થાકી જવાય એટલી વાર બન્યું છે. ઘણાંય મૃત્યુ ઓચિંતાં જ થયાં છે. પણ “શું થયું” એ પૂછી શકાયું છે, અથવા એ પૂછ્યા વગર જ ખબર હોય છે. શોક વ્યક્ત કરી શકાયો છે. નિગમબોધ ઘાટ જેવાં શ્મશાને પહોંચો તો કેટલીયે ચિતાઓ ભડકે બળતી હોય અને તમે “એ માત્ર આગ છે” એવા ભાવ સાથે કોઈ એવી ચિતા શોધતા હો કે જ્યાં તમારા ઓળખીતા ચહેરા દેખાય – ત્યારે ખરેખર તો મનમાં આનંદ થાય કે ચાલો સાચી જગ્યાએ પહોંચી ગયા!
પણ આવું મૃત્યુ? જેને દિલાસો આપવાનો હોય તેમના સિવાય કોઈ જ ન હોય? બહુ ઓછાં મૃત્યુ છે કે જે મને અંદર સુધી અડકી શક્યાં છે. મૃતકના શરીરનું તો કંઈ કામ ન હોય એટલે નિકાલ કરવાનો જ હોય. એ મને હંમેશાં સ્વાભાવિક લાગ્યું છે. એમાં લાગણીઓ જોડવાથી પર રહ્યો છું.
જીવનમાં બનેલી કેટલીયે ઘટનાઓના સંબંધ આપણે જોડીએ છીએ. કેટલીયે ઇચ્છેલી, પણ ન બનેલી, ઘટનાઓનો વિચાર કર્યો છે. એમ પણ વિચાર્યું છે કે અમુક ઘટના ન બની તે બની હોત તો? આમ છતાં દરેક ઘટનાનો અંત આવે છે. આપણે પણ કદાચ એક ઘટનાથી વધારે કંઈ નથી. આપણે દરેક ઘટના સાથે આપણી જાતને જોડી દઈએ છીએ.
બસ, એવું જ કંઈક થયું. બે આકસ્મિક ઘટનાઓ સાથે મેં મારી જાતને જોડી દીધી. આ લખવાની ત્રીજી ઘટના સર્જીને કદાચ એની પકડમાંથી છૂટી શકું. કદાચ લખવાનું પણ બંધ કરું. તો પણ શું ‘મારી બારી’નો આ હીંચકો ઝૂલતો જ રહેશે? કિચૂડ…કિચૂડ…કિચૂડ…

* * * * *

ધરતીના કલાકાર-૪

સૌરાષ્ટ્રની લોકકલાને ચિત્રકલામાં પલોટવાનો એક અભિનવ પ્રયોગ લોક કલાકાર ખોડિદાસ પરમારે કર્યો છે, અને તેઓએ જે અસરકારકતાથી કાર્ય કર્યું છે, તેથી કહી શકાય કે ખોડિદાસ પરમારની લોકશૈલીને એક સ્કૂલનું નામ આપવુ પડે. તેઓએ ધરતીની લોકકલાની ફોરમને પિછાની, તેને આત્મસાત કરીને તેનાં સૌંદય સત્વને પ્રમાણીને ચિત્રાંકન કર્યું જેથી ખોડીદાસભાઈના લોકચિત્રો લૌકિકને અલૌકિક સ્વરૂપે રજૂ કરે છે.

                                          (ભેંસોનું ખાંડું)

અનેક પ્રદર્શોનોમાં પ્રશંશા પામેલું ખોડિદાસ પરમારનું આ પ્રખ્યાત ચિત્ર છે. મનુષ્ય, પશુ અને પક્ષીને એક જ ચિત્રમાં સમાવી એમણે સમગ્ર પ્રકૃતિને રજૂ કરી છે. ભરવાડોના જીવનને છતું કરતાં સંકેતો સ્પષ્ટ પણે નજરે ચડે છે.

                             (ગોવાલણો)

ગ્રામ સંસ્કૃતિથી અજાણ લોકો આ ચિત્રનું મુલ્યાંકન કરવા કદાચ અસમર્થ નીવડે. સ્ત્રીઓના ખાસ પ્રકારના વસ્ત્રો, ખાસ કરીને એમની ચોલીઓ, અને ઓઢણીઓ, એમના રંગ, એમના પગમાં કડાં અને ઉઘાડા પગ. ખોડિદાસભાઈના પાત્રોની આંખો એ તો જાણે એમનો ટ્રેડમાર્ક જ જોઈલો.

                               (વલોણું)

વલોણું એમનું કૃષ્ણ સિરીઝનું ચિત્ર છે. ગોપીની સાથે મળીને વલોણું કરતા કૃષ્ણનું આ ચિત્ર કોઈપણ કૃષ્ણ ભક્તને મોહિત કરી લે એવું છે. ગોપી અને કૃષ્ણની આંખોમાં એક બીજા પ્રત્યેનો પ્રેમ જોઈને ભાવવિભોર થઈ જવાય એવું છે.

એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા (શ્રી ગાંડાભાઈ વલ્લભ)

(૧૯૩૭ માં ભારતમાં જન્મેલા શ્રી ગાંડાભાઈ વલ્લભ ૧૯૭૪ થી ન્યુઝીલેન્ડમાં રહે છે. આરોગ્ય વિજ્ઞાન અને ખાસ કરીને આયુર્વેદના નિષ્ણાત, શ્રી ગાંડાભાઈ બ્લોગ જગતમાં ખૂબ સન્માનનીય અને જાણીતા છે. પોતાના નામથી ચાલતા એમના બ્લોગની આસરે આઠ લાખ વ્યક્તિઓએ મુલાકાત લીધી છે. મારી વિનંતીને માન આપીને એમણે ઉજાણી માટે આ સાચી બનેલી ઘટના મોકલી છે, અલબત એ નામ-ઠામ બદલીને લખેલી છે.)

એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા

મારા પર આજે જ અહીં ન્યુઝીલેન્ડના આયકર વીભાગમાંથી(Inland Revenue Department- IRDમાંથી) એક ફોન આવ્યો. મેં કેટલીક વાર આપણા દેશનાં સરકારી ખાતાંમાં અધીકારીની તુમાખી વીશે વાંચ્યું છે અને સાંભળ્યું છે. મને પણ થોડાં વર્ષ પહેલાં દેશ ગયેલો ત્યારે એક અનુભવ થયેલો. આથી આ બાબત લખવા મન થયું. એ પહેલાં હાલમાં જ ‘ગુજરાત સમાચાર’ જે ઈન્ગ્લેન્ડથી પ્રગટ થાય છે તેમાં એક જોક વાંચવા મળ્યો એ મુકવાની લાલચ રોકી શકતો નથી. મારે જે કહેવાનું છે એની સાથે એનો સરસ મેળ ખાય છે.

અમેરીકનઃ અમારા કુતરા સાઈકલ ચલાવે છે.
ચાઈનીઝઃ અમારી બીલાડી બાઈક ચલાવે છે.
જાપાનીઝઃ અમારા વાંદરા વીમાન ચલાવે છે.
ભારતીયઃ અમારા ગધેડા આખો દેશ ચલાવે છે.

આ જોકની વીગતોમાં જતો નથી. લોકો પોતાની મેળે સમજી જશે.

અમારી દીકરી સરસ્વતી કેટલાંક વર્ષ ઑસ્ટ્રેલીયામાં હતી. એ દરમીયાન એની પાસેનું અહીં વેલીંગ્ટનનું ઘર ભાડે આપ્યું હતું. એ ઘરનું જે ભાડું આવે તેનો આવકવેરો અહીં ન્યુઝીલેન્ડની સરકારમાં ભરવાનો હોય છે. એ સંભાળવા માટે તથા ભાડુઆતો સાથેની લેવડદેવડ, ઘરની સંભાળ, ઘર વીશે બીજી અન્ય બાબતોની કાળજી રાખવા મારી પાસે સરસ્વતીનો પાવર ઑફ એટર્ની છે. દર વખતે ભાડાનો હીસાબ તૈયાર કરી આવકવેરાનાં ફોર્મ ભરવાનું કામ હું કરતો હતો. આ વર્ષે સરસ્વતી ઑસ્ટ્રેલીયા છોડી કાયમ માટે ફરીથી અહીં વેલીંગ્ટન આવી, આથી એણે આવકવેરાનાં ફોર્મ ભર્યાં. એમાં કંઈક વીલંબ થયો, અને છેલ્લા દીવસે પણ એ તૈયાર થઈ શક્યાં નહીં. આથી બીજા દીવસે હું અને મારી પત્ની અહીં વેલીંગ્ટનની ઑફીસમાં રુબરુ જઈને આપી આવ્યાં. આ ફોર્મ IRDની હેડ ઑફીસમાં અહીંની વેલીંગ્ટનની ઑફીસ દ્વારા પહોંચાડવાનાં રહે.

કેટલાક દીવસો બાદ IRDમાંથી બીજાં નવાં ફોર્મ આવ્યાં. આથી મેં એમની હેડઑફીસમાં ફોન કર્યો. જવાબ આપનાર બહેને મને કહ્યું કે તમારાં (એટલે કે સરસ્વતીનાં – મારી પાસે પાવર ઑફ એટર્ની હોવાને કારણે જ હું સરસ્વતી વતી આ વીષયમાં વાતો કરી શકું, અને એની ખાતરી તો એ બહેને કંપ્યુટરમાં બધી નોંધ જોઈને કરી જ લીધી હતી, જે માટે મારી અને સરસ્વતીની વીગતો એણે પહેલાં મને પુછી હતી. આ વીગતો ગુપ્ત, અંગત હોય છે.) આવકવેરાનાં ફોર્મ મુદત વીતી જવા છતાં હજુ મળ્યાં નથી, માટે એ ફીરીથી મોકલ્યાં છે. તમારે એ ભરીને અહીં મોકલવાનાં રહેશે. મેં કહ્યું કે આવકવેરાનાં ફોર્મ ભરીને હું મારી પત્ની સાથે જઈને વેલીંગ્ટન ઑફીસમાં રુબરુ આપી જ આવ્યો છું.

બહેન : સારું, જો કે અમારા કંપ્યુટરમાં એ મળ્યાં હોવાની નોંધ જોવામાં આવતી નથી. હું વેલીંગ્ટન તપાસ કરું છું, તમે ફોન પર જરા રોકાશો?

એમણે તપાસ કરી અને ફરીથી ફોન પર આવ્યાં.

“છેલ્લી ઘડીએ ખુબ ધસારો હોવાને લીધે મોડું થયું હોય એમ લાગે છે. બીજા એકાદ વીકમાં તમારાં ફોર્મ અમને મળી જવાં જોઈએ. એ મળ્યાં કે કેમ એ બાબતમાં તમને હું ફોન કરું કે તમે શું ઈચ્છો છો?

મને કદાચ યાદ ન રહે એમ માની મેં કહ્યું, “બહેન તમે ફોન કરશો?”

એમણે કહ્યું, “ફોન તમારા પર આવશે, પણ તે હું જ હોઈશ એમ ન પણ બને. અમારી ઑફીસમાંથી કોઈ પણ વ્યક્તી તમને ફોન કરશે.”

અને ખરેખર મને યાદ રહ્યું ન હતું કે IRDને સરસ્વતીનાં આવકવેરાનાં ફોર્મ મળ્યાં નથી અને કદાચ ફરીથી ભરવાનાં રહેશે. વળી મને એમ હતું કે જો એકાદ વીકમાં ન મળે તો જ એ લોકો ફરીથી ફોર્મ ભરવાનું જણાવવા માટે ફોન કરશે. પણ આજે મેં ઉપર કહ્યું કે IRDમાંથી ફોન આવ્યો તે એ જણાવવા માટે કે સરસ્વતીનાં આવકવેરાનાં ફોર્મ મળી ગયાં છે. આજે આ ફોન કરનાર એક ભાઈ હતા. અગાઉ જે બહેને ફોન કરેલો એમણે પોતાનું નામ શરુઆતમાં જ મને કહેલું, પણ ફોનના અંતે હું ભુલી ગયેલો. એ બહેનને મેં કહ્યું કે હું તમારું નામ નોંધી લઉં? મને ફરીથી કહેશો તમારું નામ? ત્યારે એમણે મેં ઉપર જે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તી તમને IRDમાંથી ફોન કરશે એમ જણાવેલું, પણ એમણે એમનું નામ તો મને બહુ જ ખુશીથી ફરીથી પણ જણાવેલું.

પહેલા ફોન વખતે એ બહેને બહુ જ મીત્રભાવે બધી વાતો કરેલી. એમાં સહેજ પણ તુમાખી જોવા ન મળે. આજે જે ભાઈએ ફોન કર્યો તે પણ મીત્રભાવે વાતો કરતા હતા. યાદ રાખો, આવકવેરાનાં ફોર્મ ભરવાની જવાબદારી નાગરીકની. એ મુદત કરતાં મોડાં મોકલ્યાં, જે દંડને પાત્ર પણ ઠરે છે, છતાં ખુબ જ સારી રીતે અહીંના લોકો નાગરીકો સાથે વર્તે છે. અમલદારશાહી કે તુમાખી કરતાં નથી, અને તે પણ કોઈ પણ જાતના ભેદભાવ વીના. તેઓ ખરેખર માને છે કે તેમની ફરજ નાગરીકોને મદદ કરવાની, મુશ્કેલી હોય તો તે સમજવાની અને એનો ઉકેલ કરવાની છે, નહીં કે રોફ બતાવવાની.

આવા અનુભવની કોઈ અપેક્ષા આપણા દેશનાં સરકારી ખાતાંઓમાં કામ કરનારાઓ પાસે રાખી શકાય ખરી? એ ખાતાંઓમાં કામ કરનારા તો ખાતા હોય છે, ખરું ને?