(શ્રી સુરેશ જાનીની આ વાર્તા વાંચનારાને વિચાર કરતા કરી મૂકે એવી છે.)
ગીચ જંગલમાં, ઝાડની એક ડાળી પર, સાંજના ધુંધળા ઉજાસમાં મનુ ફસાયેલો પડ્યો હતો. આખી બપોર તે એક હરણના શીકાર માટે તેની પાછળ દોડતો રહ્યો હતો. આમ તો જો કે તે નીશાન તરફ પથ્થર ફેંકવામાં પાવરધો હતો; પણ આ હરણ તેનાથી વધારે ચપળ હતું. મનુનાં બધાં નીશાન તેણે ચુકવી દીધાં હતાં અને મનુની કમર પરની ચામડાની કોથળીમાં સંઘરેલા બધા પથ્થર પણ ખલાસ થઈ ગયા હતા. ઘાસ અને ઝાડીથી ભરેલી જંગલની જમીન પરથી તે બીજા પથ્થર વીણી લે એટલી વારમાં તો એ ચાલાક હરણું ગીચ ઝાડીઓની પાછળ રફુચક્કર થઈ ગયું હતું.
મનુ ગુફાવાસી હતો. તેની બે પત્નીઓ અને પાંચ બાળકો સાથે જંગલના એક કોરાણે આવેલા પર્વતની ગુફામાં એ રહેતો હતો. બીજાં કુટુમ્બો પણ આજુબાજુની ગુફાઓમાં રહેતાં હતાં. શીકાર કરવો અને ઝાડ પરથી ફળો અને સુકા મેવા પાડવા; આ બે પર જ એમનો ગુજારો થતો. આમ તો બધા પુરુષો સાથે જ શીકાર માટે સવારે નીકળી પડતા. પણ તે દીવસે મનુ તેમનાથી અનાયાસ વીખુટો પડી ગયો હતો. આ કમબખ્ત હરણનો પીછો એકધ્યાનથી કરવામાં આમ બન્યું હતું.
ઝાડીઓમાં તે હરણની ભાળ મેળવતાં મેળવતાં, તેને બે લીલી ચળકતી આંખો દેખાણી. તેની ચાલાક આંખોને સમજતાં વાર ન લાગી કે કોઈક જંગલી અને માંસાહારી જાનવર તેની તરફ ધ્યાનથી તાકી રહ્યું હતું. અને મનુ ભાગવાનો વીચાર કરે તે પહેલાં જ એક જોરાવર વાઘ ઝાડીમાંથી તેની તરફ લપક્યો. અને લો ! શીકારીનો જ શીકાર થઈ જવાની નોબત બજી !
બીજી તરફની ખુલ્લી જમીન પર મનુ એની બધી તાકાત ભેગી કરી, મુઠીઓ વાળીને ભાગ્યો. એ વાઘે તેનો પુર ઝડપે પીછો કર્યો. મનુને ખબર પડી ગઈ કે, તેનાથી એ વાઘ કરતાં વધારે ઝડપથી દોડી શકાય તેમ ન હતું અને થોડીક જ વારમાં વાઘ તેનો કોળીયો કરી જશે.
મનુને તરત જ સુઝ્યું કે, પોતે ઝાડ પર ચઢી જાય, તો જ મોતના આ સાક્ષાત પીછામાંથી બચી શકે. તે નજીકના એક ઝાડ તરફ ગાંડાની માફક દોડ્યો અને ઠીક ઠીક ઉંચે પણ ચઢી ગયો. પણ વાઘે ઉંચા થઈને એક થપાટ તો મારી જ લીધી અને તેના ઘુંટણને ચીરી નાંખ્યો. મનુ અત્યંત પીડામાં ચીસ પાડી ઉઠ્યો. તેના ડાબા પગમાંથી દડ, દડ, દડ લોહી નીતરતું હોવા છતાં; બધી તાકાત ભેગી કરીને વાઘ તેને પકડી ન શકે એટલી ઉંચાઈએ તો તે ચઢી જ ગયો. તેને લાગ્યું કે તે બેભાન થઈ જશે. પણ તેણે ઉંડો શ્વાસ લઈ, દાંત ભીડી, તેના બન્ને હાથે ઝાડની એક ડાળી સાથે બાથ ભીડેલી રાખી.
અને આ જ સ્થીતીમાં તે સખત હાંફતો પડ્યો રહ્યો. વાઘ તેના નીચે પડી જવાની રાહ જોતો, ઝાડની નીચે જ ઉભો રહ્યો. લાગ જોઈને અને થોડીક કળ વળતાં, તે થોડોક વધારે ઉંચે, સલામત જગ્યાએ ચઢી ગયો. વાઘને બદલે દીપડો હોત તો તો તે ક્યારનોય મરણ શરણ થઈ ગયો હોત, તે વીચારે તેને પોતાનું નસીબ કાંઈક સારું લાગ્યું.
આમ ને આમ કલાકેક વીતી ગયો. સુરજ ક્ષીતીજની પાર જવા માંડ્યો અને અંધારું ઘેરાવા લાગ્યું. નીચે વાઘ પણ દેખાતો બંધ થઈ ગયો. અને આ જ સમે તેને ક્યાંક બાજુમાંથી એક સીસકારો સંભળાયો. સાવ આછા પ્રકાશમાં તેને બાજુમાંથી કાંઈક સળવળાટ થતો જણાયો. કશુંક લીસ્સું તેને સ્પર્શીને સરકી રહ્યું હતું. કાળોતરો નાગ તો નથી ને ? ભયનું એક લખલખું તેના શરીરમાં ફરી વળ્યું. તેણે ચુંચી નજર કરીને આજુબાજુ જોઈ લીધું. સદભાગ્યે એક વેલો તેની સાવ નજીકમાં લબડતો હતો. તેણે બધું બળ એકઠું કરી તેને પકડી, ગાંડા વાંદરાની જેમ હીંચ્યો. જુની આવડતથી તે ઝાડની બીજી ડાળી પર આવી પહોંચ્યો અને મરજીવાની જેમ, વેલો છોડી તે ડાળી તેણે પકડી લીધી. તે માંડ માંડ નીચે પડવામાંથી બચ્યો. તેના ડાબા પગમાં જબરદસ્ત સણકારો તો થયો જ , પણ એની તરફ લક્ષ્ય આપવાનું તેને પોસાય તેમ ક્યાં હતું ?
અને આ ડાળી ઉપર જ મનુ અમાસની એ કાજળ કાળી રાતમાં પડેલો રહ્યો. આખા દીવસનાં ભુખ અને સખત પરીશ્રમને કારણે તેના પેટમાં તો વીણાંચુટાં થતાં હતાં. દુર ક્ષીતીજમાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાયેલાં હતાં. તે વધારે ને વધારે ઘનઘોર થવાં લાગ્યાં અને છેવટે ઝરમર ઝરમર ટીપાં પડવાની શરુઆત પણ થઈ ગઈ. થોડી વારમાં જ તો હળવી બુંદો અને પછી તો બારે મેઘ મુશળધાર તુટી પડ્યા. તે બરાબર લથપથ થઈ ગયો હતો અને અશક્તીમાં કણસતો હતો. શીયાળાની તે નીષ્ઠુર રાતે ઠંડો, જલ્લાદ જેવો પવન પણ તીણા સુસવાટા મારતો, તેના શરીરને આરપાર વીંધી નાંખતો હતો. તેની કાયા ઠંડી અને ભયના કારણે થરથર ધ્રુજતી હતી. આટલું અધુરું હોય તેમ, તેને બીજા ભયની કલ્પના થવા લાગી કે આ દુશ્મન વરસાદે ગુફામાં સલામત પાછા ફરવાના જંગલમાં રસ્તે છોડેલાં બધાં જ સગડ ધોઈ નાંખ્યાં હશે. અને વળી સાંજની આ ભયાવહ ઘટનામાં ગુફા તરફની દીશાનો અંદાજો તો તે ક્યારનોય ગુમાવી ચુક્યો હતો !
મનુને લાગ્યું કે, તેનું મરણ હવે નીશ્ચીત છે. તે શબની જેમ ડાળી પર જેમ તેમ લટકેલી દશામાં પડ્યો રહ્યો. આ અવસ્થામાં તેની આંખો ક્યારે મીંચાઈ ગઈ, તેની તેને ખબર જ ન પડી. તેની આ દયામણી નીયતીમાં, પોતાના જીવનના કરુણ અંતના સપનાની ભયાવહ દુનીયામાં તે ખોવાઈ ગયો. મોંમાંથી ભયાનક આગ અને ઝેર ઓકતા, ઉડતા ડ્રેગનોએ તેને ચારે તરફથી ઘેરી લીધો હતો. ભયની પરાકાષ્ઠાની તીવ્ર લાગણી સીવાય કશું જ તેના હોવાપણામાં બાકી રહ્યું ન હતું.
તેની આવી અવસ્થા કંઈ કેટલાય સમય માટે ચાલુ રહી. એવી જાગ્રત–અજાગ્રત અવસ્થામાં જ ક્યાંકથી વહેલી સવાર સળવળવાટ કરવા લાગી. ઘેરાં વાદળો તો ક્યારનાંય સમેટાઈ ગયાં હતાં. રહ્યાં સહ્યાં વાદળોની આડશમાંથી, દુર દુરથી સુર્યનાં પહેલાં કીરણો અંધકારનાં અંચળાને હળુ હળુ સમેટવાં લાગ્યાં. ઉષાના એ ઝાંખા ઉજાસમાં તેના શબવત શરીરમાંથી તેની પાંપણો, જીવનના રહ્યા સહ્યા અસ્તીત્વને ઝંકૃત કરતી ખુલી. ન કશો વીચાર, ભય કે મૃત્યુની કોઈ લાગણી પણ હવે બચી હતી. જીવન અને મૃત્યુની વચ્ચેની એ કોઈક અણજાણ અવસ્થા હતી. તેની ખુલ્લી આંખો શુન્યવત્ બનીને આકાશના ઝાંખા ઉજાસને તાકી રહી અને એમાં ધીમે ધીમે વધુ ને વધુ પ્રકાશ પ્રવેશતો રહ્યો.
ઝાડની ડાળીઓની આડશમાંથી તેણે દુર દુર કાળા આકાશમાં વાદળો આકાર લેતાં જોયાં. ધીમે ધીમે તેને તેનો આકાર દેખાવા માંડ્યો. એનો રંગ પણ ધીમે ધીમે બદલાવા માંડ્યો. પહેલાં થોડોક રાખોડી, પછી આછો પીળો, પછી હળવો કેસરી, પછી ઘેરો કેસરી, પછી લાલાશ પડતો અને છેવટે અંગાર જેવા લાલ રંગોમાં વાદળો રંગાયાં. આ લાલચોળ વાદળોને વીંધીને એમની વચ્ચેથી સુર્યનાં પ્રથમ કીરણો તેની સમક્ષ આવી ઉભાં. કોઈ મહાન અસ્તીત્વની વીશાળ અને લાલચોળ આંખ ઉભરવા માંડી. તેનું સમગ્ર હોવાપણું એક ઉંડી એકલતામાંથી આળસ મરડીને અંગડાવા લાગ્યું. હળુ–હળુ તેના શરીરમાં જીવનનો આછો–પાતળો સંચાર થવા લાગ્યો. કશાય આકાર કે રુપ વીનાનું, અજાણ્યું અને અતીવીશાળ હોવાપણું તેના સમસ્ત હોવાપણાને ઘેરી વળ્યું હોય તેવી અનુભુતી તેને થવા માંડી. એ લાલચોળ આંખમાંથી સુર્યનાં સોનેરી કીરણો રેલાવા માંડ્યાં. તે જાણે કે, એને કાંઈક કહી રહ્યાં હતાં. એનો એ ગુપ્ત સંદેશ તેનું જાગૃત મન ઝીલી શકે તેવા કોઈ જાણીતા શબ્દ કે ઈશારા વીનાનો હતો. એ સંદેશની તો તેનું હોવાપણું માત્ર અનુભુતી જ કરી શકે તેમ હતું – કોઈ સમજણ તો નહીં જ.
આ સાવ નવા નક્કોર અનુભવથી તેના રોમેરોમમાં કોઈક અજાણી ઝણઝણાટી થઈ આવી. અને આ નુતન અનુભુતીના આવીર્ભાવે તેની જીવંતતા પણ ધીમેથી સંચાર કરતી સળવળવા લાગતી હોય તેમ તેને લાગવા માંડ્યું. તે અ–હોવાપણામાંથી હોવાપણામાં ધીમા પગરવ પાડી રહ્યો હતો. તેનાં અંગ–પ્રત્યંગ ધીમે ધીમે જાગૃત થવાં માંડ્યાં અને નુતન જીવનના પગરણ તે અનુભવી રહ્યો. તેના પગનો દુખાવો અને પીડા આશ્ચર્યજનક રીતે ઓછાં થઈ ગયાં હતાં. મનુ ધીમે ધીમે ડાળ પરથી નીચે ઉતરવા લાગ્યો. છેવટે થડ પરથી સરકીને જમીન પર આવીને ઉભો અને કોઈ ઈચ્છા વગર, દીશાના કોઈ ભાન વગર કે તે શોધવાની કોઈ આકાંક્ષા વગર ચાલવા લાગ્યો.
કોઈક અજાણી તાકાત તેને ચાલવા અને ચાલતા જ રહેવા માટે લાલાયીત કરી રહી હતી. હવે સુર્ય તો ઉંચો આવી ગયો હતો અને પેલા અજ્ઞાત હોવાપણાની મહાકાય આંખ પણ અદૃશ્ય થઈ ગઈ હતી. બધાં વાદળોને વાયરો વાળી ગયો હતો. પ્રગલ્ભ અને તરોતાજા સવારમાં તે ક્યાં જઈ રહ્યો હતો : તેના કોઈ ભાન વગર, કેવળ આનંદની પરાકાષ્ઠાના અપ્રતીમ ભાવમાં તે બસ ખેંચાઈ રહ્યો હતો. અપાર શાંતી અને સમાધીની અનુભુતીમાં કોઈ અજાણ બળ વડે તે દોરાઈ રહ્યો હતો. તેની આજુબાજુની સૃષ્ટીનું તેને કશું જ ભાન ન હતું, અથવા એનો એને માટે કોઈ અર્થ ન હતો.
ધીમે ધીમે તેની સમાધી–સ્થીતી ઓસરવા માંડી. તેને આજુબાજુનું પર્યાવરણ પરીચીત લાગવા માંડ્યું. ઝાડ, પાન, ઘાસ, પાષાણ, ધીમે ધીમે તેને જાણીતાં લાગવા માંડ્યાં. તેને હવે સમજાયું કે તે પોતાના જુના અને જાણીતા નીવાસસ્થાનની નજીક સરકી રહ્યો છે. તેની ગુફા દુરથી દેખાઈ રહી હતી. ડાબો પગ સહેજ લંગડાતો હોવા છતાં, આનંદના અતીરેકમાં હવે તે દોડવા લાગ્યો.
થોડા જ વખતમાં મનુ તેના આપ્તજનો વચ્ચે ઘેરાઈ ગયો. તેની વહાલી પત્નીઓ અને તેનાં બાળકો; તેના સાથીઓ અને પાડોશીઓ વીંટળાઈ વળ્યાં. આનંદની કીલકારીઓ, વહાલની બાથો, ખોરાક અને પાણીની વચ્ચે તે પોતાના ગઈ બપોર પછીના અનુભવો વર્ણવવા લાગ્યો. ભાવી સાથેની તેની મુઠભેડ અને તેમાંથી તેના ચમત્કારીક ઉગારાની અજાયબ વાતો તેના મુખેથી ઉતરવા લાગી. પણ મનુના માનસમાં એ પ્રલયકારી પળોની વીશાળ અને લાલચોળ આંખ સતત ડોકાતી રહી.
તે ઘટના આકારહીન, રુપહીન, અજાણી હોવા છતાં મનુએ તેનો આભાર માન્યો. તે જ દીવ્ય અને સોનેરી આંખે તેને નવજીવન બક્ષ્યું હતું અને તેને હેમ–ખેમ ઉગારી, સ્વજનો વચ્ચે ગુફા ભેગો કર્યો હતો. મનુએ તેને ‘ઈશ્વર’ કહ્યો.
ત્યારે જ ઈશ્વરનો જન્મ થયો અને ત્યારથી જ માનવમનમાં તે હરહમેશ વસતો રહ્યો છે.
-સુરેશ જાની
સુરેશભાઈનું આ સાહિત્યનું સર્જન ખૂબ ગમ્યું! આ લેખ અત્યાર સુધી કઈ ગુફામાં બંધ હતો? મને છેટ સુધી એવો તો પકડી રાખ્યો કે ન પૂછો વાત! આ લેખે વિવિધતા સાથે આ આંગણાને પણ શોભાવી દીધું છે! અભિનંદન ખોબલે ખોબલે!
LikeLike
વાહ! સરસ બોધકથા.
સરયૂ
LikeLike
ઇશ્વરનો સાક્ષાત્કાર તો આજ સુધીની સાંભળેલી વાત હતી પણ આજે ઇશ્વર જન્મની એક નવી અનુભૂતિ આપતું આ શબ્દ સર્જન ગમ્યું.
LikeLike
Ishvarna sakshtkarno anubhav anathi bijo kayo hoi shake? Rasni adabhoot pakad.
LikeLike
ચીલા ચાલુ વાર્તાઓ કરતાં જુદા જ પ્રકારની સુરેશભાઈની આ વાર્તા વાચકને વિચારતો કરી મુકે એવો એમાં સંદેશ છે.
LikeLike
આમ તો આ બહુ જૂની વાર્તા છે . ૭ -જુલાઈ – ૨૦૦૯ માં ગુજરાતી આવૃત્તિ. એ બહુ જ ચર્ચાઈ પણ હતી. અમુક અભિપ્રાયો તો બહુ જ મનનીય હતા. એમાં નો વલીભાઈ મુસાનો અભિપ્રાય વિવેચન લક્ષી અને બહુ ઊંડાણથી લખાયેલો હોવાથી અહીં રજુ કરું છું –
——-
વલીભાઈ મુસાએ તો આખી એક ફાઈલ જ મોકલી આપી હતી – તેની નકલ …
———————
સ્નેહીશ્રી સુરેશભાઈ,
તમે ‘ઈશ્વરનો જન્મ’ વાર્તાનો English Version નો લિંક આપેલો, પણ સરસ મજાનો તેનો તમારો જ અનુવાદ પ્રાપ્ય હોઈ અહીં ગુજરાતીમાં જ મારો પ્રતિભાવ આપવા લલચાયો છું કે જેથી બહોળો વાંચકવર્ગ તેનો લાભ લઈ શકે.
સાહિત્યસર્જક પોતાની રચનાનો જન્મ આપીને માતા બનવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની ફોઈ બનીને નામાભિધાન પણ પોતે જ કરી લેતો હોય છે. આ એક સાહિત્યકૃતિ હોઈ તેના સર્જક તરીકે તમે આઝાદ હોઈ ‘રાજાને ગમે તે રાણી’ની જેમ તમે મનપસંદ ગમે તે શીર્ષક આપી શકો અને વાંચકોએ તેમાં ચંચુપાત કરવાનો હોય નહિ! આમ છતાંય તટસ્થભાવે હું મારો વિવેચનધર્મ નિભાવતાં કૃતિના શીર્ષક સંદર્ભે શરૂઆતમાં કંઈક કહેવા માગું છું.
‘ઈશ્વરનો જન્મ’ શીર્ષકના બદલે ‘ઈશ્વરનો આવિર્ભાવ’ કે ‘ઈશ્વરની અનુભૂતિ’ શીર્ષક ઉચિત રહ્યું હોત અને કોઈપણ ધર્મ કે સંપ્રદાયના વાંચક માટે એ જરાય આપત્તિજનક ન રહ્યું હોત! વાર્તાનાયક મનુ અર્થાત્ મનુજ (આદિ મનુથી જન્મનાર અને ખ્રિસ્તી/મુસ્લીમ મતે આદમના અનુગામી આદમી – અંગ્રેજી શબ્દ Man પણ મનુ શબ્દ સાથે સામ્ય ધરાવે છે)ને ઈશ્વર જેવી કોઈક દિવ્ય શક્તિ હોવાની તેના માનસમાં પ્રથમવાર અનુભૂતિ થાય છે. આમ મનુના માનસમાં ઈશ્વર હોવાનો એક વિચાર જન્મ લે છે, નહિ કે ઈશ્વર પોતે જન્મ લે છે. જો કે વાચ્યાર્થ પાછળનો તમારો ગૂઢાર્થ તો હું આગળ જે કહેવા જઈ રહ્યો છું તે જ છે, પણ ગેરસમજ બાંધનાર વાચ્યાર્થને જ પ્રાધાન્ય આપે તે સ્વાભાવિક છે.
મુસ્લીમોના ધર્મગ્રંથ પાક કુરઆનમાં એક નાનકડી એક સુરામાંની એક આયત (શ્લોક) માં ઈશ્વરની ઓળખ આપતાં કહેવામાં આવ્યું છે કે “લમ યલિદ વ લમ યુલદ” અર્થાત્ “ન તેને કોઈએ જન્મ આપ્યો, ન તેણે કોઈને જન્મ આપ્યો છે”. કુરઆને શરીફના તફસીરકારો (વિવેચકો) ના મતે ઈસ્લામથી પાંચસોએક વર્ષ પહેલાં પ્રાદુર્ભાવ પામેલા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની માન્યતા કે “ઈસુ ઈશ્વરના પુત્ર હતા” ના જવાબમાં આ કલામે રબ્બાની- રબના શબ્દો (જેમ વેદો ને દેવવાણી કહેવામાં આવે છે તેમ જ) નાજિલ થએલ એટલે કે અવતરણ પામેલ હતા. હિંદુ ધર્મગ્રંથોમાં પણ ઈશ્વરને સ્વયંભૂ ગણાવવામાં આવ્યો છે. એક જમાનામાં ઈરાકથી ગુજરાતમાં આવેલા પીર ઓલિયાઓ કે સૂફીઓ પૈકી પીર મશાયખ સાહેબે પણ પોતાના એક લિખિત બયાનમાં ઈશ્વર (અલ્લાહ) વિષે કડીઓ આપી છે “માતાપિતા નાં રે બંધવ, નથી એને રે કોઈ”.
વાર્તાનું વિષયવસ્તુ રોમાંચક, વર્ણનકૌશલ્ય અદભૂત, પશ્ચાદભૂમિકા અનન્ય, પાત્રાલેખન બેમિસાલ વગેરે જેવા પ્રયત્નલાઘવયુક્ત શબ્દો માત્રથી આ વાર્તાને સાચા અર્થમાં બિરદાવવામાં અન્યાય થવાની ભીતિ તો અનુભવું છું, આમ છતાંય હું નિ:સંકોચભાવે એટલું તો જરૂર કહીશ કે વાર્તાની આખરી લીટી વાંચ્યા પછી જ હું હજારો વર્ષ પહેલાંના ભૂતકાળમાંથી બહાર નીકળીને વર્તમાનમાં પ્રવેશી શક્યો. આવો જ અનુભવ મને ગુજરાતી સાહિત્યની અનોખી વાર્તા ‘પૃથ્વી અને સ્વર્ગ’ ના વાંચન વખતે થયો હતો. મારા માનસપટમાં રમતાં એ વાર્તાનાં ‘અરણ્યક’, ‘સુકેશી’ અને ‘સુમેરુ’નાં પાત્રો ભેળું આ વાર્તા વાંચ્યા પછી ‘મનુ’નું પાત્ર પણ ગોઠવાઈ ગયું છે, તે બતાવી આપે છે કે આ વાર્તાએ મારા દિમાગ ઉપર કેવો કાબૂ મેળવી લીધો છે.
મારા જીવનભરના સાહિત્યના વાંચનના પરિપાક રૂપે કોઈપણ સાહિત્યકૃતિને મૂલવવાની એક જ પારાશીશી મને લાધી છે અને તે એ છે કે કોઈપણ કૃતિનો વાંચક એ કૃતિ સાથે કેટલું તાદાત્મ્ય અનુભવે છે તેના આધારે જ કૃતિની સફળતા, અર્ધસફળતા કે નિષ્ફળતાની મહોર લાગી શક્તી હોય છે.
આ વાર્તા સબબે કહું તો તેને માત્ર ‘સફળતા’ની મહોર મારવાથી અન્યાય થશે અને તેથી જ તેને ‘પૂર્ણતયા સફળ’ તરીકે બિરદાવવાના મારા ઈરાદાને જાહેર કરવાનો મને ગર્વ અને આનંદ છે.
જુલાઈ 07, 2009 ના રોજ આ વાર્તા પસિદ્ધ થએલી, જે મારો જન્મદિવસ હતો અને અફસોસ કે તે વખતે, સુરેશભાઈ, તમારો કે તમારા સાહિત્યસર્જનનો મને કોઈ પરિચય ન હતો. હું માત્ર કલ્પના કરું છું કે મારા જન્મદિવસે આ વાર્તા વાંચવા મળી હોત તો એ મારા માટે મોટું નજરાણું હોત! આ માત્ર શબ્દોની શોભા નથી, પણ મારા દિલનો અવાજ છે.
ધન્યવાદ ‘લક્ષ્યવેધી’ વાર્તા આપવા બદલ, સુરેશભાઈ! ‘લક્ષ્ય’ એટલે ‘ઈશ્વરની અનુભૂતી કરાવવાનું લક્ષ્ય’ જે અહીં સુપેરે પાર પડ્યું છે.
બીજી બધી કોમેન્ટો સાથે મૂળ ગુજરાતી વાર્તા….
https://gadyasoor.wordpress.com/2009/07/07/birth-of-god/
———–
પણ એક બહુ જ અગત્યની વાત એ છે કે, આ વાર્તા મૂળ અંગ્રેજી પરથી અનુવાદ છે ! ૧૫ જુન – ૨૦૦૯ માં પ્રગટ કરેલ મૂળ અંગ્રેજી કથા આ રહી –
https://sbjexpressions.wordpress.com/2009/06/15/birth-of-god/
અને એનો ઈતિહાસ બહુ રસિક છે. જાણીતા પત્રકાર સ્વ. તુષાર ભટ્ટ સાથે એ ગાળામાં લગભગ રોજ ચેટ થતી. એમની પાસે તો વેબ કેમ પણ હતો અને હું તેમને એમના ઘરમાં વાત કરતા જોઈ શકતો. મને એમના અંગ્રેજી લખાણોની શૈલી બહુ જ ગમતી, અને હું એમ લખી શકતો નથી, એનો બળાપો એમની સામે કાઢતો ! મુક્ત મનના એ મહાન , પણ સાવ સીધા સાદા જણે મને સૂચવ્યું કે, મારે એક વાર્તા લખવી અને તે મને વિવેચન કરી મઠારવામાં મદદ કરશે. આમ મૂળ અંગ્રેજી વાર્તા – મારી એક માત્ર મૂળ અંગ્રેજીમાં લખાયેલ વાર્તા જન્મી. તુષાર ભાઈએ ત્રણ ચાર વખત એમાં ફેરફાર સૂચવ્યા, અને છેવટે મારા એ અંગ્રેજી બ્લોગ પર એ તરતી મુકી.
ત્યાં પણ તુષાર ભાઈના વિદ્વાન અભિપ્રાયો હજુ મોજૂદ છે. એમનો એ બહુ જ સમતોલ અભિપ્રાય અહીં દાવડાજીના વાચકો સમક્ષ રજુ કરું છું –
Dear Sureshbhai,
It has come out well.You have a rational mind,an open mind. The storyline is plausible. Man must have reviewed in the way you have visualised. Two additional suggestions. After a gap of a week or ten days, go through the piece again with a blue pencil.For this,one must read it loudly but without emotions–like a TV news reader.Mark the spots where it sounds a bit jarring. Our ears are great editors. Two, mark all the places, where you may have used double adjectives to emphasise any point. Cut out one adjective which sounds weaker.Too many adjectives do not make anything stronger.
Just as too much of tomato ketchup does not hide bad quality of a hamburger. Meanwhile, congratulations for this article.
Tushar Bhatt
————–
બ્લોગરો માટે સમતોલ વિવેચનનો આ આખો પ્રયત્ન એક સરસ દાખલો પૂરો પાડશે – એવી આશા છે.
LikeLike
પ્રભાતવેળાએ વાર્તા તો ન વાંચી, જે હવે પાછળથી ફરી એક્વાર વાંચીશ તો ખરો; પરંતુ મારા સુદ્ધાંના બધા જ પ્રતિભાવ વાંચી ગયો. મારો પ્રતિભાવ ગમ્યો કે ન ગમ્યો એ અન્યોએ નક્કી કરવાનું છે, પણ મને તુષારભાઈનો અભિપ્રાય ખૂબ ગમ્યો. સાહિત્યસર્જકને સચોટ ઉપયોગી નીવડે તેવું માર્ગદર્શન એમાં છે. હું ખૂબ જ વ્યસ્ત છું, પણ કોઈ એનો ભાવાનુવાદ મૂકે તો સર્જકોને તો ઠીક પણ અન્યોને પણ ગમશે. After a gap of a week or ten days, go through the piece again with a blue pencil.For this,one must read it loudly but without emotions–like a TV news reader.Mark the spots where it sounds a bit jarring. આવું સ્વવાંચન વાર્તાકથનમાંના ફેરફારો ઉપરાંત ભાષાશુદ્ધિ પણ કરાવશે. લોકો દ્વારા મોટા ભાગે અનુસ્વારની ભૂલો થતી હોય છે, તે સહેજ મોટા અવાજે વાંચવાના કારણે ધ્યાને આવી જશે. આપણે અનુસ્વારવાળા શબ્દોના બોલવામાં સાચા ઉચ્ચારો જ કરતા હોઈએ છીએ, પણ લખવામાં બેદરકારી બતાવતા હોઈ છીએ.
LikeLike
સુજોએ આ વાર્તા શરુ કરેલી ત્યારથી જાણું છું. જોકે પુરી વાંચેલી નહીં……આજે અહીં ઈશ્વરની શોધનો ઈતીહાસ જાણે તેમણે વ્યક્ત કર્યો છે ને તે માટે જે જે યુક્તીઓ લડાવી છે તે તેમના વ્યવસાયને અનુરુપ – ક્રમબદ્ધ અને ટૅકનીકલ રીતભાતોથી સરસ રીતે લડાવેલી દેખાઈ આવે છે. ઈશ્વર અંગે શંકા કે ભાવુકતા – (નાસ્તીકતા કે આસ્તીકતા) બેમાંથી કોઈ ન જન્મે તેની કાળજી રખાઈ છે. આ અંગે શરદભાઈએ કશું લખ્યું છે ખરું ? મને જાણવાની ઈચ્છા ખરી…..એ જ રીતે ઉત્તમભાઈ તથા શ્રી મારુના અભીપ્રાયો પણ મળે તો ગમે…..મને તો આ વાર્તા ચર્ચાની એરણ પર મુકીને માણવાનું ગમે…..વાર્તામાંના તર્ક અને તે માટે જરુરી ભાષા તેમણે સરસ પ્રયોજી છે…..‘ધન્યવાદ’ શબ્દ ઓછો પડે !!
“તેની આ દયામણી નીયતીમાં, પોતાના જીવનના કરુણ અંતના સપનાની ભયાવહ દુનીયામાં તે ખોવાઈ ગયો”; (કોમ્લીકેટ વાક્યરચના – પણ તે સફળ થઈ છે.)
આ “દયામણી નીયતી”માં, (નીયતી ને બદલે સ્થીતી શબ્દ જરુરી ગણાય)
અતી“વીશાળ” હોવાપણું તે; (‘હોવાપણા’ માટે ‘વીશાળ’ વીશેષણ નબળું ગણાય)
પણ મનુના માનસમાં (તો) એ પ્રલયકારી પળોની; (તો ઉમેરવાની જરુર જણાય છે.)
ત્યારે જ ઈશ્વરનો જન્મ થયો અને ત્યારથી જ માનવમનમાં તે હરહમેશ વસતો રહ્યો છે. (આ વાક્યને કારણે લેખક વચ્ચે આવીને શીક્ષક બની ગયા છે ! આ વાક્ય જરુરી જ નથી.)
દાવડાજીના આ નવતર ‘ધંધા’ માટે ધન્યવાદ.
LikeLike
ફરી ફરી માણવાની ગમે તેવી વાર્તા
LikeLike