પથ્થરના કાળજે કોતરેલી કલા (શ્રીમતિ રેખા સિંધલ)


(અમેરિકા સ્થિત રેખાબહેન સિંધલ, વર્ષોથી અમેરિકામાં ચાલતા ગુજરાતી સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સક્રીય ફાળો આપે છે. મેડિકલ લાઈનમાં શોધખોળના વ્યવસાયમાં હોવા છતાં, સાહિત્ય પ્રત્યે એમનો લગાવ અજોડ છે. તેઓ વેબગુર્જરીના સંપાદક મંડળના સભ્ય છે. પ્રવાસના શોખીન રેખાબહેને મારી વિનંતીને માન આપી ઉજાણી માટે એક સરસ પ્રવાસ વર્ણન મોકલ્યો છે.)

પથ્થરના કાળજે કોતરેલી કલા

ખીણો અને પર્વતોની હારમાળામાં પથરાયેલ પથ્થરનું અનોખું સૌંદર્ય આસપાસ ઉગેલાં ફૂલોના સૌંદર્યને જ્યારે નહીંવત્ કરી દે, ત્યારે ઘડીભર થાય કે ફૂલ અને પથ્થરનો એટલે કે ચેતન અને જડનો વિરોધાભાસ, જો લાગણીના સંદર્ભે જોઈએ તો, જરાક સ્પર્શતાં મુરઝાવા લાગે તેવા ફૂલ સાથે સરખાવીને સદીઓથી પવન અને પાણીનો માર ખમીખમીને અલગઅલગ રૂપ અને રંગ ધારણ કરીને અડીખમ ઉભેલા આ પર્વતો અને ખીણોમાં રક્ષિત ચેતન અને સૌંદર્યનું આપણે અવમૂલ્યન કરીએ છીએ. આ ધરતી પરનું આપણું એક પગલું સદીઓની અસરથી ઉપસતી કુદરતી સૌંદર્યરેખાઓને થંભાવી દઈ શકે છે, પણ તેની અસર અદીઠ છે.

દરિયાની સપાટીથી લગભગ ૯૦૦૦ ફૂટ સુધી ઊંચાં મસ્તક કરીને ઊભેલા પર્વતોના અદ્ભુત સૌંદર્ય અને તેની ખીણોમાં કોતરાયેલી કુદરતી કલાકારીગીરીના દર્શનનો અમૂલ્ય અવસર રક્ષાબંધનના તહેવારે ભાઈઓને રાખડી બાંધવા અમેરિકામાં આવેલ યુટા રાજ્યના બીવર ગામે ગઈ, ત્યારે સાંપડ્યો. તાજેતરમાં લીધેલી મોટેલનાં અનેક કામોના ઢગને એકબાજુ કરી મોટાભાઈએ જ્યારે બ્રાય્સ કેન્યોન, આર્ચીસ પાર્ક અને ઝાયન કેન્યોનની અનોખી ઝાંખી કરાવી, ત્યારે પ્રકૃતિ પ્રત્યેના તેમના પ્રેમને સલામ કરવાનું મન થઈ આવ્યું. પહાડો ચઢવાની હામ અને હિંમતના અભાવને દૂર કરવા નાનાભાઈએ ખભો અને લાકડી આપ્યાં. બંને ભાઈઓનો ઉલ્લાસ કવિ શ્રી ઉમાશંકર જોશીની કાવ્યપંકતિ “ભોમિયા વિના મારે ભમવા’તા ડૂંગરા…”માં છલકાતો, હવામાં લહેરાતો મારા હ્રદયને સ્પર્શીને આ ભ્રમણને યાદગાર બનાવી ગયો.

અવાક્ થઈ જવાય તેવા આ સૌંદર્યનું વર્ણન શબ્દોમાં ગમે તેટલું કરીએ તો ય અનુભૂતિ વગર તે અધૂરું જ રહેવાનું, પણ છતાંય હૈયે છલકાતી ખુશીને વહેંચ્યા વગર જંપ નહી વળે.

આસપાસની પહાડીઓ વચ્ચેથી ચોતરફ પ્રસરતાં સૂર્યોદયનાં તાજાં કિરણોને ઝીલતાં અમે ઘરેથી નીકળ્યા બાદ લગભગ એકાદ કલાકના ડ્રાઈવ બાદ એક જગ્યાએ નજરને પકડી રાખતો એક ઊંચો સુંદર ખડક દેખાયો, જેને જોવા અને ફોટા પાડવા માટે ઊભેલાં બેત્રણ કુટુંબોને અમે જોયાં. ખાસ આ ખડક જોવા માટે રસ્તાની બાજુમાં નાનકડો અર્ધવર્તુળ પાર્કીગ પ્લોટ હતો, જેમાં બીજી બે કાર સાથે અમે અમારી કાર પણ ઊભી રાખી.

મોટાભાઈએ કહ્યુ, ‘પાંચ મિનિટથી વધારે અહીં સમય ન બગાડતાં, બાકી હજુ આગળ ઘણી સુંદર જગ્યાઓ જોવાની છે તે રહી જશે.’

મને થયુ, ‘અરે! પાંચ મિનિટમાં તો આ સુંદરતાને કેમ પીવાશે ?’ આગળ સુંદરતા ધોધમાર વરસવાની હતી, જેનાથી હું અજાણ હોઈને મનમાં થોડા રંજ સાથે ખડક પર ચોંટી ગયેલી નજરને ફેરવી હું ફરી ગાડીમાં બેસીને ખડક પર પડેલ લીસા સપાટ ચોસલાઓને નીરખવા લાગી. ભાઈ કહે, ‘આ તો હજુ શરૂઆતનીય શરૂઆત છે.’ થોડીવાર થઈ ત્યાં પથ્થરની બનેલી એક કુદરતી કમાન નીચેથી અમારી ગાડી પસાર થઈ. પાછું વળીને તેની સુંદરતાને આંખમાં ભરું ન ભરું ત્યાં તો આગળની બીજી કમાન ઝૂકીને સલામ કરતી સડસડાટ નીકળી ગઈ. બારીમાંથી બાજુમાં નીચે જોયું, તો ડર જન્માવે તેવી ઊંડી ખીણો ! એકબાજુ ખડકો અને બીજીબાજુ ખીણો વચ્ચેના રસ્તા પર પુરપાટ સરતી ગાડીઓ ! નાનાં હતાં ત્યારે ફક્ત ચિત્રપટ પર જોયેલ અને પછી કુલુ-મનાલીની પહાડીઓ પર તે આનંદ ક્ષણિક માણેલ. આજ વર્ષો બાદ ભુલાતી જતી એ ક્ષણોને સાવ જ ભુલાવી દે તેવી આ સર્પાકાર રસ્તા પરની સફર, કુદરતે છૂટા હાથે વેરેલા અદ્ભુત સૌંદર્યના કારણે મૃત્યુના ભયને પણ હડસેલી દે તેવી આનંદદાયક બની રહી. ભાઈ કહે, ‘જો હવે શરૂઆત થઈ !’

અમે દરિયાની સપાટીથી ઊંચે ને ઊંચે ચઢતાં જતાં હતાં. વિશ્વની સાત અજાયબીઓમાંની એક એવી ‘ગ્રાન્ડ કેન્યોન’ની હારમાળાના ઉત્તર તરફના ભાગની નજીકના આ અગણિત ઢોળાવોને અહીં બ્રાય્સ કેન્યોન નામ આપવામાં આવ્યું છે. લગભગ ૯૦૦૦ ફૂટની ઊંચાઈએ અમે પહોંચ્યાં ત્યાં એક સૂત્ર વાંચવામાં આવ્યું ‘Where rocks meet the sky’ ખરેખર અહીં ખડકો આભને અડતા હતા ! વાદળોને જોવા અમે ડોક નીચી કરી તો ખીણોમાં રમતાં જોયાં. આજસુધી જોયેલાં ધરતીનાં અનેકાનેક સુંદર રૂપો આ રૂપ પાસે ઝાંખાં લાગ્યાં. (અહીં નેટ પરથી Bryce canyon ફોટો મૂકવો.)

યુટા રાજ્યમાં લગભગ ૩૫૦૦૦ એકર સુધી પથરાયેલ બ્રાય્સ કેન્યોન નામના આ નેશનલ પાર્કની મુકાલાતે વર્ષ દરમ્યાન લગભગ ૧૫ લાખ મુસાફરો આવે છે. જો કે આ સ્થળને કેન્યોન કહેવાય કે નહીં તે પ્રશ્ન છે. લાખો વર્ષોથી બરફ, પવન અને જમીનના ધોવાણથી બનેલા અલગ અલગ આકારના પથ્થરના હજારો સ્તંભોની ફરતે જંગલી ઝાડીની લીલી વનરાજિ વચ્ચે ફરતાં હરણાં અને જવલ્લે દેખા દેતા પર્વતીય સિંહોથી ધમરોળાતો આ પર્વતનો નીચલો ભાગ જાણે વિરાટ દેવાલયનું સુંદર પ્રાંગણ હોય તેવી સૃષ્ટિ રચે છે. અને પથ્થરો પણ કેવા ? કોઈ લાલ, કોઈ ધોળો તો કોઈ ભગવો ! જાણે પ્રેમ, શાંતિ અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ ! સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યની લાલિમાથી ચમકતા આ રંગો અનેરી આભા પ્રગટાવી પ્રવાસીને મંત્રમુગ્ધ કરીને ઘડીભર પૃથ્વીલોકને ભૂલાવી દે ! જુદીજુદી ઊંચાઈએ પ્રવાસીઓ માટે બાંધેલાં લગભગ પંદર જેટલાં સ્થળોના અલગઅલગ દૃષ્ટિકોણથી રચાતી વિભિન્ન આકૃતિઓમાં એકાકાર થવા મથતા મારા અસ્તિત્વને સ્થળની નાજુકતાનું ભાન ન ભુલાય તે માટે કેટલીયવાર ભાઈઓએ કહ્યુ કે, ‘જો જે હોં ધોવાણની માટીથી બનેલા આ પથ્થરો પર પગ મૂકતાં તૂટી પડશે, તો સીધી ખાઈમાં જઈ પડીશ !’ મેં કહ્યું કે કદાચ એવું બને તો સૌને કહેજો કે મારું મૃત્યુ અતિ આનંદની પળે મુક્તિના દ્વારે થયું છે. પણ એમ બન્યુ નહીં અને સમયના બંધનમાં બંધાયેલાં અમે સૂર્યાસ્તની સાથેસાથે ઢાળ ઊતરતાં હતાં; ત્યારે જોયું તો સવારે છડીદારની જેમ અમારું સૌ પ્રથમ સ્વાગત કરતો પેલો સુંદર ખડક વિરામની છાયામાં પોઢી ગયેલ હશે, તે સૌંદયથી અંજાયેલી અમારી આંખોને પાંચ મિનિટ માટે પણ ન દેખાયો. ઘરે પહોંચ્યાં ત્યારે અંધારાના ઓળા ઊતરી ચૂક્યા હતા અને થાક ઓગળીને પગને કળતર આપતો હતો. ભાઈએ કહ્યું કે વ્હેલાં ઊઠી જજો, કાલે આનાથી પણ સુંદર સ્થળે જવાનું છે. આશ્ચર્યથી મેં પૂછ્યું કે આનાથી વધારે સુંદર સ્થળ હોઈ શકે ખરું ? સર્વાંગ સુંદર એવી ધરતીનાં જુદાંજુદાં અંગોની સુંદરતાની સરખામણી જ અયોગ્ય છે, તે આર્ચીસ પાર્ક અને ઝાયન કેન્યોન જોયા પછી સમજાયું.

બીજા દિવસે આર્ચીસ પાર્ક જોવા જવાનું હતું, પણ પગને આરામની જરૂર હોઈને તે મુલતવી રાખીને ઈગલ પોઈન્ટ નામના સ્કી રિઝૉર્ટ પર અમે ગયાં. હજુ જો કે સ્નો પડવાને તો મહિનાઓની વાર હતી અને આઈસ તો ડિસેમ્બર પહેલાં સ્કીઈંગ કરવાની પરવાનગી ન આપે એટલે આ સમયે ત્યાં કોઈ પ્રવાસીઓ જોવા મળ્યા નહીં, પણ આ પહાડીની આસપાસની સુંદર હરિયાળી સૃષ્ટિ વચ્ચે ખળખળ વહેતાં ઝરણાંના સંગીત અને પવનના સૂરીલા સુસવાટે કારના પ્લેયરમાં વાગતું ગુજરાતી ગીતોનું સંગીત ઝંખવાયું તે બંધ કરીને અમે પહાડીઓના ચઢાવ અને ઉતરાવ પર ગાડી સરકાવતાં મેદાનો સુધી આવી પહોંચ્યાં. પહાડો ઉપરનાં મેદાનો પર દોડતાં હરણાંઓમાંથી કેટલી તકેદારી રાખવા છતાં એક હરણ અમારી કાર સાથે અથડાઈને દૂર પડ્યું. તેના પગમાં ઈજા થઈ હોય તેમ જણાયું. તુર્ત જ તે લંગડાતું દોડીને મેદાન પાછળની ઝાડીમાં અદૃશ્ય થઈ ગયું. અફસોસ સાથે અમે દૂરના એક સ્થળે ગાડી ઊભી રાખી. આ સ્થળ પિકનિક માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ડાબી બાજુ નાનકડું સ્ટેજ બાંધી તેની સામે સોબસો માણસો બેસી શકે તેટલા બાંકડા ગોઠવી લાઈવ મ્યૂઝિક માટેના ઓપન એર થિયેટર જેવું બનાવ્યું હતું અને જમણી બાજુ રસોઈનો ચૂલો અને ખાવાપીવા માટેની સુવિધા હતી. આ બંને વચ્ચે પ્રવેશવાની કેડી સીધી જ વર્તુળાકારે ઊભેલાં તોતિંગ વૃક્ષો વચ્ચે લઈ જાય. એ જ રીતે વર્તુળકારે બાંકડાઓ પણ ગોઠવેલા હતા. તે પર બેસી વૃક્ષોની ઊંચાઈનું માપ કાઢવા મેં શક્ય તેટલી ડોક ઊંચી કરી, તો પણ ટોચ સુધી નજર પહોંચી શકી નહીં. લીલી ઠંડક અસ્તિત્વને ઘેરી વળી અને પાંદડેપાંદડે કવિતા ફૂટી. સ્ટેજ પર થઈ બાજુના ઝરણાનું સંગીત કાનમાં ગુંજયું, સાથે જ હૃદય આનંદથી છલકાઈને નિ:શબ્દ બન્યું. વિષાદનાં વાદળો આપોઆપ વિખરાઈ જાય, એવી દિવ્ય શાંતિ આંખો બંધ કરીને પરદેશની આ પવિત્ર ભૂમિ પર અનુભવી. પારકી અને પોતાની ભૂમિનો ભેદ આપોઆપ ઓગળતો હતો. કહેનારે સાચું જ કહ્યું છે કે સબ ભૂમિ ગોપાલકી… થોડીવારમાં એક અમેરિકન કુંટુંબ પિકનિક માટે સરસામાન લઈને આવ્યું. અમારી આંખો મળતાં જ મળેલાં એમનાંના નિર્મળ હાસ્યમાં પ્રકૃતિનો પ્રેમ અને પ્રેમની પ્રકૃતિ એકમેક થતાં જણાયાં. વસુધૈવકુંટુંબકમ્ની ભાવનાનાં બીજ કદાચ કુદરત સમીપે જ વધુ વિકસતાં હશે. ત્યાંથી આગળ પ્રયાણ કરતાં એક નાનકડું તળાવ નજરે ચઢ્યું. વિશાળતા હવે સહજ અનુભવાતી હતી. અમારી આંખોમાંથી અચંબાની જગ્યાએ હવે આનંદ નીતરતો હતો. ત્યાં બેસીને અમે દેશમાં વીતેલા બાળપણની મીઠી યાદોને વાગોળી. વિખૂટા પડી ગયેલાં કેટલાંય સ્નેહી, મિત્રો અને પાડોશીઓને યાદ કરી તેમની સાથે ગાળેલા સમયના આનંદની લ્હાણી કરી.

પછીના દિવસે આર્ચીસ પાર્કની સુંદરતા માણી. યુટા રાજ્યની પૂર્વમાં ૧૨૦ ચોરસ માઈલ વિસ્તારમાં પથરાયેલી પથ્થરની જુદા જુદા આકારની લગભગ ૨૦૦૦ કમાનોની આસપાસ જાણે અવકાશમાં રમવા નીકળ્યા હોય એવા પથ્થરનાં નાનાંમોટાં પૂતળાઓ સાથે કલ્પના જોડીને મનગમતી આકૃતિઓ થકી એક નાનકડી સૃષ્ટિ રચી રચયિતાનો સહજ આનંદ અહીં અનુભવ્યો. (અહીં નેટ પરથી Arches parkનો ફોટો મૂકવો)

કોલોરાડો નામની નદી પર આવેલા આ વિસ્તારમાં લાલ રંગના રેતપથ્થરથી રચાયેલ ખડકો અને કમાનોથી શોભતા આ સ્થળની મુલાકાતે વર્ષ દરમ્યાન લગભગ ૧૦ લાખ લોકો આવે છે. અમે ૩૬ માઈલનો સીનીક રૂટ લઈ તદન નજીકથી કુદરતની આ કોતરણીને હ્રદયમાં કોતરવા પ્રયત્ન કર્યો. બેલેન્સ રોક, ડેલીકેટ આર્ક, ઓ રીંગ, વિન્ડોઝ અને સૌથી મોટી ૩૦૬ ફૂટની લેન્ડસ્કેપ આર્ક આવાં અલગઅલગ નામનાં કેટલાંય ફોર્મેશન પથ્થરની નાજુકાઈ દર્શાવતાં ઊભાં છે. પ્રકૃતિદેવી તેની વિશાળ ગોદમાં પથ્થરનાં આભૂષણો સાથે આપણને પણ તેની માયામાં લપેટી લેવા હોઠની કમાનથી હાસ્ય વેરીને ચુંબક માફક તેની નજીક ખેંચવામાં અહીં સફળ રહી છે.

સાંજ ક્યારે પડી ગઈ તેની ખબર ન રહી. દિવસ દરમ્યાન બે લિટર પાણી પી ગયા પછી પણ ગળે શોષ પડતો હતો. તપતો સૂર્ય ખડકોને તો ભીનાશથી મુક્ત કરી રક્ષા બક્ષતો હતો, પણ પ્રવાસીઓને ખડકોની ઓથ સિવાય ચાલવાની મનાઈ ફરમાવતો હતો. અહીં પણ ખડકોની તરાડો વચ્ચે ઉછરતી જીવસૃષ્ટિ જોઈ ‘વાહ કુદરત !’ નો ઉદ્ગાર સરી પડ્યો.

છેલ્લા દિવસે ૩૦ લાખ લોકો વર્ષ દરમ્યાન જેની મુલાકાતે આવે છે, એવા ૨૨૯ ચોરસ માઈલ વિસ્તાર ધરાવતા ઝાયન નેશનલ પાર્કની મુલાકાતે અમે પહોંચ્યાં, ત્યારે અમારી પાસે ફક્ત ત્રણ કલાક જ બચ્યા હતા. રાતની ફ્લાઈટમાં પાછા ટેનેસી જવાનું હતું. ‘પાપ નગરી’ તરીકે ઓળખાતા જુગારના ચમકદાર મથક લાસ-વેગાસના એરપોર્ટ પર પહોંચવા માટે બીજા બે કલાક રોડ પર કાઢવાના હતા. અમારી આખી સવાર એક અજાણી સૂમસામ જગ્યાએ કુતૂહલવશ થઈ ભૂલા પડવામાં વીતી ગઈ હતી. માઈલો સુધી સાંકડી કેડી અને એક તરફ ઊંડી ખાઈ ! ગાડી પાછી વાળવા માટે જોઈએ એટલી જગ્યા પણ છેક છેવાડે ડર લાગે તેવી ખીણની ટોચે જોવા મળી, ત્યારે થયું કે હાશ બચ્યાં ! સેલફૉનમાં પણ સિગ્નલ નહોતા મળતા અને નકશો હાથમાં લેતાં માઉન્ટન લાયનની બીક પણ બેસી ગયેલી. હકીકતમાં ભૂતકાળમાં ત્યાં એક પુલ હતો, જે ઘણા વખતથી તૂટી ગયેલ અને એક વખતની પ્રખ્યાત જગ્યા અવાવરુ થઈ ગયેલ જેના અવશેષો જોવા મળ્યા; પણ માઈલોના માઈલો સુધી કોઈ કાર કે માનવ નજરે ન પડ્યાં. છેવટે એક ઝૂંપડી જેવી જગ્યાએ, આ જંગલમાં આગ લાગે તો સરકારને ચેતવવા એક રક્ષક નીમ્યો હતો તેને મળી રસ્તો પૂછી સાચે રસ્તે વળ્યાં ત્યાં બપોર થઈ ચૂકી હતી.

આ પાર્કમાં આવેલ ૧૫ માઈલ લાંબી અને અડધો માઈલ ઊંડાઈવાળી ઝાયન કેન્યોનની બસ રાઈડ લેવાનું અમે વિચાર્યુ. સમયના અભાવે નાની મોટી કેડીઓ પર પગે ચાલવાનો આનંદ જતો કરવો પડ્યો. અહીં પર્વતારોહણના શોખીનો માટે સીધા ચઢાણવાળા ખડકો પણ છે. જેમાં ચઢવામાં સરળ, મધ્યમ અને અઘરી એવી ત્રણ પ્રકારની લાંબીટૂંકી કેડીઓ અલગઅલગ જગ્યાએ કંડારવામાં આવી છે. અહીં બીજી ખાસ વિશેષતા પાણીની છે. વર્જિન નામની નદીનું વહેણ આપણને હર્ષથી છલકાવીને તેના પટમાં ચાલવાનો અનેરો આનંદ પણ લૂંટવા દે ! પાણીને કારણે હરિયાળાં વૃક્ષો પણ ઘણાં હતાં, જાણે કે ઊંચાઊંચા ખડકોના પગમાં રમતાંઝૂમતા લીલાં બાળુડાં ! બસમાંથી અહીંના સૌંદયનાં ફક્ત દર્શન જ કર્યાં. ‘સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’ ગણગણીને કવિ શ્રી કલાપીને યાદ કરતાં અમે પાછા ફર્યાં. (zion canyon-ફોટો નેટ પરથી)
ધરતીને નમન, આકાશને ચુંબન અને વાદળ સાથે વાતો કરતાં આ પર્વતો અને યુગોથી ચાલતી તેના ધોવાણની પ્રક્રિયાથી ખીણમાં ઉગેલા ખડકો, શિલાઓ, સ્તંભોની અદ્ભુત હારમાળા જોઈ તેના રચયિતાથી કોઈ પણ પૃથ્વીવાસી અભિભૂત થયા વગર રહે તો જ નવાઈ !

– રેખા સિંધલ
૨૯ ઓગષ્ટ ૨૦૧૪

5 thoughts on “પથ્થરના કાળજે કોતરેલી કલા (શ્રીમતિ રેખા સિંધલ)

 1. Sanandashchrya sahit pooro lekh vachata svarg anathi alag hashe e manij na shakay. Maru to manvu chhe ke Ishvar pan anathi bhinn nahi hoy. Ishvarni to matra kalpanaj karvani jyare aato pratyaksh ishvar.
  Aape janvyu tem varshe 30 lakh loko aa jagyaoni mulakat leta hoy chhe, leta hashe pan aapana jevisahaj ane saral shailima lakhata nahi hoy. Aapani shailithijat anubhav thato hoy evo ahesas anubhavyo.

  Liked by 1 person

 2. સરસ પ્રવાસ વર્ણન છે .

  બ્રાઈસ કેન્યન જોવાની મને તક પ્રાપ્ત થઇ છે. ગુગલ ઉપરની આ લીંક પર એનાં ઘણાં ચિત્રો જોઈ શકાશે.

  https://www.google.com/search?hl=en&site=imghp&tbm=isch&source=hp&biw=720&bih=306&q=Bryce+canyon+&oq=Bryce+canyon+&gs_l=img.3..0l10.9407.9407.0.11710.1.1.0.0.0.0.103.103.0j1.1.0….0…1.1.64.img..0.1.102.t06je8DFmzk

  Liked by 1 person

 3. દાવાડાભાઈ, આપને ઈ-બુક આઝાદેનો ઇતિહાસ મારે મારા સાસુમા અને સસરા શ્રીમતી સુમિત્રાબેન ભટ્ટ અને દો.હરિપ્રસાદ ભટ્ટ ( બન્ને ધારા સભ્ય – અમરેલી)ની પુન્યસ્મૃતીમાં પુસ્તક આકારે છપાવી અંગત સગા/વ્હાલા/મિત્રો મા નિશુલ્ક વિતરણ કરવાની ઇચ્છા છે. આપની પરવાનગી ની આવશ્યકતા છે.આપવા મહેરબાની કરશો તેવી ઈચ્છા છે.

  એજ……ભરત પંડ્યા,

  Like

 4. ધરતીને નમન, આકાશને ચુંબન અને વાદળ સાથે વાતો કરતાં આ પર્વતો અને યુગોથી ચાલતી તેના ધોવાણની પ્રક્રિયાથી ખીણમાં ઉગેલા ખડકો, શિલાઓ, સ્તંભોની અદ્ભુત હારમાળા જોઈ તેના રચયિતાથી કોઈ પણ પૃથ્વીવાસી અભિભૂત થયા વગર રહે તો જ નવાઈ !
  આપના લેખન અનુભવ કરાવવા બદલ ધન્યવાદ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s