૧૯૩૦ માં એક ગરીબ કરડિયા રજપૂત મા-બાપને ત્યાં એક બાળકનો જન્મ થયો. ખોડિયાર માતાની માનતા રાખ્યા પછી જન્મેલા આ બાળકનું નામ રાખ્યું ખોડિદાસ. પિતાની નોકરી ચોકીદારની અને ઘોડાગાડી હાંકનારની, અને માતા હતી માટી ઉપાડનારી દહાડી મજૂર.
કોઈ કલ્પના પણ ન કરી શકે કે ગોહિલવાડની ધરતી ઉપર, એક પછાત કોમમાં, ગામડામાં જન્મેલો આ બાળક ભણીગણી ને M.A. થશે અને Ph.D. ના વિદ્યાર્થીઓના માર્ગદર્શકની પદવી મેળવશે. કોઈ કલ્પના પણ ન કરી શકે એ ગ્રામ્ય સંસ્કૃતિ અને પછાત પ્રજા વચ્ચે જેનું પાલન પોષણ થયું હતું, એ બાળક એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો ચિત્રકાર થશે?
ખોડિદાસ પરમારને સદનશીબે સોમલાલ શાહ જેવા કલાગુરૂએ શિષ્ય તરીકે સ્વીકાર્યો, અને શિષ્યે પોતાનું કૌવત દેખાડ્યું. ગુજરાતી ભાષામાં M.A. કરી ભાવનગર યુનિવર્સીટીમાં પ્રાધ્યાપકની નોકરી કરતાં કરતાં પણ એમણે ધરતી સાથેનો સંપર્ક એક ક્ષણ માટે પણ ન છોડ્યો. એમની ચિત્રકળામાં ધરતી, ધરતીના પ્રાણીઓ અને ધરતીના મનેખ સિવાય તમને કશુંયે નહીં મળે. કોમના ઝુપડાંની દિવાલો ઉપર ચિતરેલા ચિત્રો, કોમના રીતરિવાજના ચિત્રો, ગામડાની રમતો, ગ્રામ્ય તહેવારો, ધાર્મિક ઉત્સવો, આમ ગ્રામ્ય જીવનના ધબકાર જીલનાર ચિત્રકાર એટલે ખોડિદાસ પરમાર.
૨૦૦૪ માં આ ધરતી ઉપરથી વિદાય લીધી તે અગાઉ કેટકેટલા માન-સન્માન મળેલા? ૧૯૫૭ માં નેશનલ એકાદમી એવોર્ડ, ઓલ ઇન્ડિયા આર્ટ અને ક્રાફટ સોસાયટિના ૧૯૬૦, ૧૯૬૨, ૧૯૬૩, ૧૯૬૪, ૧૯૬૫, ૧૯૬૬ અને ૧૯૯૨ માં, અખિલ ભારતીય કાલિદાસ સન્માન ૧૯૫૯, ૧૯૬૧, ૧૯૬૪, ૧૯૬૬, ૧૯૬૮, ૧૯૬૯ અને ૧૯૯૫ માં, બોમ્બે આર્ટ સોસાયલીના એવોર્ડ ૧૯૫૨, ૧૯૫૩, ૧૯૫૬, અને ૧૯૬૧ માં, લલિત કલા અકાદમી એવોર્ડ ૧૯૬૦ અને ૧૯૬૫ અને હાલમાં ઝવેરચંદ મેધાણી એવોર્ડ (એક લાખ રુપિયા). છે બીજો કોઈ માઈનો લાલ જે વણ માગ્યા આટલા એવોર્ડ મેળવ્યા છતાં એટલો નમ્ર, કે બહુ ઓછા લોકોએ એનું નામ સાંભળ્યું હોય?
આજથી થોડા દિવસ હું આંગણાંના મુલાકાતીઓને એમના થોડા ચિત્રો સાથે મેળાપ કરાવીશ.
ધરતીના છોરું કલાકાર ખોડીદાસને એમની જીવન સિધ્ધિઓ માટે અભિનંદન સાથે વંદન.
LikeLike
“Dhanyavad’ to Hidden Jewel of my country. I am very eager to see his art.
LikeLike
દાવડાજી તમારા પ્રયત્ને અને આંગણે ખાટલા ઢાળ્યાતો આ બધાની મુલાકાત થઈ! આભાર સાથે અભિનંદન!
LikeLike
મા ખોડિદાસ પરમારને અભિનંદન સાથે સ્નેહવંદન
LikeLike