એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા (શ્રી ગાંડાભાઈ વલ્લભ)


(૧૯૩૭ માં ભારતમાં જન્મેલા શ્રી ગાંડાભાઈ વલ્લભ ૧૯૭૪ થી ન્યુઝીલેન્ડમાં રહે છે. આરોગ્ય વિજ્ઞાન અને ખાસ કરીને આયુર્વેદના નિષ્ણાત, શ્રી ગાંડાભાઈ બ્લોગ જગતમાં ખૂબ સન્માનનીય અને જાણીતા છે. પોતાના નામથી ચાલતા એમના બ્લોગની આસરે આઠ લાખ વ્યક્તિઓએ મુલાકાત લીધી છે. મારી વિનંતીને માન આપીને એમણે ઉજાણી માટે આ સાચી બનેલી ઘટના મોકલી છે, અલબત એ નામ-ઠામ બદલીને લખેલી છે.)

એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા

મારા પર આજે જ અહીં ન્યુઝીલેન્ડના આયકર વીભાગમાંથી(Inland Revenue Department- IRDમાંથી) એક ફોન આવ્યો. મેં કેટલીક વાર આપણા દેશનાં સરકારી ખાતાંમાં અધીકારીની તુમાખી વીશે વાંચ્યું છે અને સાંભળ્યું છે. મને પણ થોડાં વર્ષ પહેલાં દેશ ગયેલો ત્યારે એક અનુભવ થયેલો. આથી આ બાબત લખવા મન થયું. એ પહેલાં હાલમાં જ ‘ગુજરાત સમાચાર’ જે ઈન્ગ્લેન્ડથી પ્રગટ થાય છે તેમાં એક જોક વાંચવા મળ્યો એ મુકવાની લાલચ રોકી શકતો નથી. મારે જે કહેવાનું છે એની સાથે એનો સરસ મેળ ખાય છે.

અમેરીકનઃ અમારા કુતરા સાઈકલ ચલાવે છે.
ચાઈનીઝઃ અમારી બીલાડી બાઈક ચલાવે છે.
જાપાનીઝઃ અમારા વાંદરા વીમાન ચલાવે છે.
ભારતીયઃ અમારા ગધેડા આખો દેશ ચલાવે છે.

આ જોકની વીગતોમાં જતો નથી. લોકો પોતાની મેળે સમજી જશે.

અમારી દીકરી સરસ્વતી કેટલાંક વર્ષ ઑસ્ટ્રેલીયામાં હતી. એ દરમીયાન એની પાસેનું અહીં વેલીંગ્ટનનું ઘર ભાડે આપ્યું હતું. એ ઘરનું જે ભાડું આવે તેનો આવકવેરો અહીં ન્યુઝીલેન્ડની સરકારમાં ભરવાનો હોય છે. એ સંભાળવા માટે તથા ભાડુઆતો સાથેની લેવડદેવડ, ઘરની સંભાળ, ઘર વીશે બીજી અન્ય બાબતોની કાળજી રાખવા મારી પાસે સરસ્વતીનો પાવર ઑફ એટર્ની છે. દર વખતે ભાડાનો હીસાબ તૈયાર કરી આવકવેરાનાં ફોર્મ ભરવાનું કામ હું કરતો હતો. આ વર્ષે સરસ્વતી ઑસ્ટ્રેલીયા છોડી કાયમ માટે ફરીથી અહીં વેલીંગ્ટન આવી, આથી એણે આવકવેરાનાં ફોર્મ ભર્યાં. એમાં કંઈક વીલંબ થયો, અને છેલ્લા દીવસે પણ એ તૈયાર થઈ શક્યાં નહીં. આથી બીજા દીવસે હું અને મારી પત્ની અહીં વેલીંગ્ટનની ઑફીસમાં રુબરુ જઈને આપી આવ્યાં. આ ફોર્મ IRDની હેડ ઑફીસમાં અહીંની વેલીંગ્ટનની ઑફીસ દ્વારા પહોંચાડવાનાં રહે.

કેટલાક દીવસો બાદ IRDમાંથી બીજાં નવાં ફોર્મ આવ્યાં. આથી મેં એમની હેડઑફીસમાં ફોન કર્યો. જવાબ આપનાર બહેને મને કહ્યું કે તમારાં (એટલે કે સરસ્વતીનાં – મારી પાસે પાવર ઑફ એટર્ની હોવાને કારણે જ હું સરસ્વતી વતી આ વીષયમાં વાતો કરી શકું, અને એની ખાતરી તો એ બહેને કંપ્યુટરમાં બધી નોંધ જોઈને કરી જ લીધી હતી, જે માટે મારી અને સરસ્વતીની વીગતો એણે પહેલાં મને પુછી હતી. આ વીગતો ગુપ્ત, અંગત હોય છે.) આવકવેરાનાં ફોર્મ મુદત વીતી જવા છતાં હજુ મળ્યાં નથી, માટે એ ફીરીથી મોકલ્યાં છે. તમારે એ ભરીને અહીં મોકલવાનાં રહેશે. મેં કહ્યું કે આવકવેરાનાં ફોર્મ ભરીને હું મારી પત્ની સાથે જઈને વેલીંગ્ટન ઑફીસમાં રુબરુ આપી જ આવ્યો છું.

બહેન : સારું, જો કે અમારા કંપ્યુટરમાં એ મળ્યાં હોવાની નોંધ જોવામાં આવતી નથી. હું વેલીંગ્ટન તપાસ કરું છું, તમે ફોન પર જરા રોકાશો?

એમણે તપાસ કરી અને ફરીથી ફોન પર આવ્યાં.

“છેલ્લી ઘડીએ ખુબ ધસારો હોવાને લીધે મોડું થયું હોય એમ લાગે છે. બીજા એકાદ વીકમાં તમારાં ફોર્મ અમને મળી જવાં જોઈએ. એ મળ્યાં કે કેમ એ બાબતમાં તમને હું ફોન કરું કે તમે શું ઈચ્છો છો?

મને કદાચ યાદ ન રહે એમ માની મેં કહ્યું, “બહેન તમે ફોન કરશો?”

એમણે કહ્યું, “ફોન તમારા પર આવશે, પણ તે હું જ હોઈશ એમ ન પણ બને. અમારી ઑફીસમાંથી કોઈ પણ વ્યક્તી તમને ફોન કરશે.”

અને ખરેખર મને યાદ રહ્યું ન હતું કે IRDને સરસ્વતીનાં આવકવેરાનાં ફોર્મ મળ્યાં નથી અને કદાચ ફરીથી ભરવાનાં રહેશે. વળી મને એમ હતું કે જો એકાદ વીકમાં ન મળે તો જ એ લોકો ફરીથી ફોર્મ ભરવાનું જણાવવા માટે ફોન કરશે. પણ આજે મેં ઉપર કહ્યું કે IRDમાંથી ફોન આવ્યો તે એ જણાવવા માટે કે સરસ્વતીનાં આવકવેરાનાં ફોર્મ મળી ગયાં છે. આજે આ ફોન કરનાર એક ભાઈ હતા. અગાઉ જે બહેને ફોન કરેલો એમણે પોતાનું નામ શરુઆતમાં જ મને કહેલું, પણ ફોનના અંતે હું ભુલી ગયેલો. એ બહેનને મેં કહ્યું કે હું તમારું નામ નોંધી લઉં? મને ફરીથી કહેશો તમારું નામ? ત્યારે એમણે મેં ઉપર જે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તી તમને IRDમાંથી ફોન કરશે એમ જણાવેલું, પણ એમણે એમનું નામ તો મને બહુ જ ખુશીથી ફરીથી પણ જણાવેલું.

પહેલા ફોન વખતે એ બહેને બહુ જ મીત્રભાવે બધી વાતો કરેલી. એમાં સહેજ પણ તુમાખી જોવા ન મળે. આજે જે ભાઈએ ફોન કર્યો તે પણ મીત્રભાવે વાતો કરતા હતા. યાદ રાખો, આવકવેરાનાં ફોર્મ ભરવાની જવાબદારી નાગરીકની. એ મુદત કરતાં મોડાં મોકલ્યાં, જે દંડને પાત્ર પણ ઠરે છે, છતાં ખુબ જ સારી રીતે અહીંના લોકો નાગરીકો સાથે વર્તે છે. અમલદારશાહી કે તુમાખી કરતાં નથી, અને તે પણ કોઈ પણ જાતના ભેદભાવ વીના. તેઓ ખરેખર માને છે કે તેમની ફરજ નાગરીકોને મદદ કરવાની, મુશ્કેલી હોય તો તે સમજવાની અને એનો ઉકેલ કરવાની છે, નહીં કે રોફ બતાવવાની.

આવા અનુભવની કોઈ અપેક્ષા આપણા દેશનાં સરકારી ખાતાંઓમાં કામ કરનારાઓ પાસે રાખી શકાય ખરી? એ ખાતાંઓમાં કામ કરનારા તો ખાતા હોય છે, ખરું ને?

4 thoughts on “એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા (શ્રી ગાંડાભાઈ વલ્લભ)

 1. Pratapbhai Pandya
  Today, 11:38 AM
  (By E-mail)
  ગાંડાભાઈનો લેખ વાસ્તવિક પરિસ્થિતિ
  નું સત્ય દર્શન કરાવેછે
  આંગણા ની શોભા વધારી છે
  લેખ મને ગમ્યો છે મારા વંદન
  પ્રતાપ પંડયા

  Liked by 1 person

 2. કેટલાક ચતુર લોકો દ્વારા ઇન્‍ટરનેટ રેવન્‍યુ સર્વીસના નામે ટેક્ષ ભરનારાઓનો સંપર્ક કેળવી તેમની પાસેથી ટેક્ષના નાણા બાકી નિકળેલ છે તે તુરતમાંજ ભરપાઇ કરવા જણાવતો ખોટો ફોન કરવામાં આવે છે અમેરીકામાં વસવાટ કરતા વીસ હજાર જેટલા ટેક્ષ ભરનારાઓએ આ ષડયંત્રનો ભોગ બન્‍યા છે અને તેમણે એક મીલીયન ડોલર જેટલી રકમ ભરપાઇ કરી !
  ઇન્‍ટરનલ રેવન્‍યુ સર્વીસના અધિકારીઓએ આવા પ્રકારના જો ફોનો કોઇ પણ વ્‍યકિતને મળે તો તેનો અમલ ન કરવા જણાવ્‍યું હતું તેમ બનાવટી આઇઆરએસનો ફોન કરનારાઓ ટેક્ષ ભરનારાઓની વિગતો માંગે છે તો કોઇપણ વ્‍યકિતએ કોઇપણ પ્રકારની પોતાની વિગતો ફોન કરનારાઓને ન આપવા વિનંતી કે જેથી ષડયંત્રનો ભોગ તેઓ ન બની શકે અમેરીકામાં વસવાટ કરતા રહીશો હવે આ અંગે જાગૃત બની ગયેલા છે અમારા જેવા ઘણા ભોગ બનતા બનતા બચી ગયા
  આવી પરિસ્થિતિમા મા શ્રી ગાંડાભાઈનો પારદર્શક વહીવટમા ટેક્ષ ભરનારને આદરપૂર્વક વ્યવહારની વાત વાંચી આનંદ થયો

  Like

 3. ન્યુઝીલેન્ડ ઇન્કમ ટેક્ષ ખાતાના અમલદારોની ટેક્ષ ભરનાર નાગરિકોને મદદ કરવાની ભાવના અંગેનો ગાંડાભાઈનો જાત અનુભવનો પ્રસંગ
  આનંદ દાયક છે.

  Like

 4. સરસ. (આ બ્લૉગ પર એક લખાણ પુરું થઈ ગયા બાદ તરત જ બીજું લખાણ – સહેજ જ સ્પેસ છોડીને શરુ થઈ જાય છે. એને બદલે બે વચ્ચે જગ્યા રહે તે ઉપરાંત વચ્ચે કશી વીગત આવે તેવી વ્યવસ્થા થઈ શકે ?)

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s