સાંપ્રત સમાજમાં મૂલ્યોની કટોકટી (પ્રોફેસર એમ. એમ. જોષી)


(શ્રી એમ. એમ. જોષી સાઈકોલોજીના નિવૃત્ત પ્રાધ્યાપક છે. હાલમાં અમેરિકામાં કેલિફોર્નીયામાં છે.)
સાંપ્રત સમાજમાં મૂલ્યોની કટોકટી
સાંપ્રત સમાજમાં પ્રવર્તતી મૂલ્યોની કટોકટી, રાજકારણીઓ અને સમાજશાસ્ત્રીઓ, શિક્ષણવિદો અને મનોજ્ઞાનિકો, ધર્મગુરુઓ અને તત્વચિંતકો તથા સમાજમાં જેમને પણ આયોજકો કે નીતિના ઘડવૈયા તરીકે કામ કરવાનું છે, તે સર્વને મન ઘેરી ચિંતાનો વિષય છે.
કોઈ પણ સમાજ મૂલ્યોનું પ્રસ્થાપન અને જાળવણી કર્યા વગર રહેતો નથી. સમાજની દરેક પેઢી તે મૂલ્યોનું પેઢી દર પેઢી સંક્રમણ કરે છે, અને તેથીજ સૈકાઓ બલ્કે હજારો વર્ષો સુધી મૂલ્યોની જાળવણી એક પરંપરા દ્વારા થતી રહે છે. જે તે મૂલ્યોની જાળવણી સમાજને મન સંસ્કૃતિની રક્ષા તથા પોતાની સલામતીનું પ્રતિક બની જાય છે, અને તેથી જ તેને જાળવવી તે ફક્ત ભારતીય સમાજનો જ પ્રશ્ન નથી, બલ્કે ખૂબજ વિશાળ પાયા પર વૈશ્વિક સ્તરે તમામ દેશોમાં અને તમામ પ્રજાઓમાં આ પ્રશ્ન વિકરાળ સ્વરૂપે આવિર્ભૂત થયેલ છે. તેનું શીઘ્ર નિરાકરણ એ સમયની માંગ છે, અને સમાજના ઘડવૈયાઓનું તે કર્તવ્ય છે.
જ્યારે આયોજકો આ ફરજ સફળતાપૂર્વક બજાવી શકતા નથી ત્યારે રહ્યા સહ્યા મૂલ્યોનાં ધોવાણ દ્વારા કટોકટી વધુ ઘેરી બને છે, ને આમ વિષચક્ર ચાલતું રહે છે.
પ્રશ્ન એ થાય છે કે મૂલ્યોની કટોકટી થાય છે કેવી રીતે? તેનો ઊપાય શું છે અને તે શક્ય છે કે કેમ? આ અને આવા પ્રશ્નોનાઉત્તર આપતાં પહેલાં મૂલ્યો, તેનું રક્ષણ, સંવર્ધન વિગેરે વિધાયક બાબતો તેમજ મૂલ્યોનું ધોવાણ, નિર્બળતા અને લોપ જેવી નિષેધક બાબતોની ચર્ચા ઉપયુક્ત જ નહીં પરંતુ આવશ્યક બની જાય છે.
મનોવૈજ્ઞાનિકો વર્તનના મૂળ કારકોને ઓળખાવવા માટે ત્રણ શબ્દોનો પ્રયોગ કરેછે.
Values, Attitudes and Belief-Systems. એટલે કે મૂલ્યો, મનોવલણો અને માન્યતાતંત્રો. કોઈપણ માનવીના કે માનવસમૂહના વર્તનના મૂળભૂત કારકોમાં ઉપર દર્શાવેલ ત્રણે બાબતો અગ્રસ્થાને રહેતી હોય છે. આ ત્રણેમાં મૂલ્યો મૂળભૂત અને પાયાનાં કારકો હોય છે. મનોવલણો ચોક્કસ પ્રાણી, પદાર્થ કે પરિસ્થિતિના સંદર્ભમાં ઉદભવે છે. તેની તુલનાએ મૂલ્યો નિરપેક્ષ ( Absolute ) હોયછે. તેને વિશેષ પ્રાણી, પદાર્થ કે પરિસ્થિતિના સંદર્ભની આવશ્યકતા રહેતી નથી, અને તેથી જ તેનુ આયુષ્ય મનોવલણની તુલનાએ ધણું વધારે હોયછે.
જેમ મૂલ્યોની જાળવણી એ સંસ્કૃતિની રક્ષાનુ પ્રતીક છે, તેમ મૂલ્યોનું સંક્રમણ એ મૂલ્યોની જાળવણીનું પ્રતીક છે. જૂની પેઢી નવી પેઢીમાં મૂલ્યોનું સંક્રમણ કરે છે, માટે જ તે પેઢી દર પેઢી જળવાઈ રહે છે ને આજ તો શિક્ષણનું હાર્દ છે.
દરેક સમાજે પોતાના બાળકો માટે કોઈ ને કોઈ શૈક્ષણિક પ્રણાલી વિકસાવી છે. તેને આપણે આકારબદ્ધ શિક્ષણ ( Formal Education ) કહીએ છીએ. શાળા મહાશાળાઓમાં અપાતું શિક્ષણ આ પ્રકારનું હોય છે. તે સિવાય પણ ધણી બધી બાબતોનું શિક્ષણ બાળકોને મળતું હોય છે, જેને ( Informal ) બિન-આકારિત શિક્ષણ કહી શકાય. પણ શિક્ષણ આકારિત હોય કે બિન-આકારિત તેનુ મુખ્ય ધ્યેય મૂલ્યોનું સંક્રમણ જ રહેવાનું.
આમ સમાજ અને સંસ્ક્રુતિ જ મૂલ્યોનાં સર્જક, સંવર્ધક, સંક્રામક તેમજ પોષક હોય છે. પ્રશ્ન એ થાય છે કે મૂલ્યોની જાળવણી માટે સમાજ આટલી હદે પ્રયત્નશીલ કેમ રહે છે? તેના પ્રત્યુત્તર રૂપે વિચારતાં જણાશે કે ચોક્કસ સામાજીક ધ્યેયોની પ્રાપ્તિ માટે જે બાબતો આવશ્યક લાગી તેવી તમામ બાબતોને સમાજે સ્વીકારી લીધી, તેમને માન્યતા આપી, ને તેને મૂલ્યવાન ગણી. આમ કેટલીક બાબતોને ચોક્કસ સામાજીક પરિસ્થિતિમાં વિધાયક મૂલ્ય પ્રાપ્ત થાય છે, ને તેવી બાબતો વધુ સારી ગણાય છે. એ વર્તન ના અન્ય સ્વરૂપોને મુકાબલે પસંદ કરવા યોગ્ય વિકલ્પનું સ્થાન પ્રાપ્ત કરે છે. તેમને વર્તન ના ઊચ્ચ અને સંસ્કારી સ્વરૂપો કહેવામાં આવે છે. જેમકે પ્રામા્ણીક વ્યવહાર. પ્રામાણીક માણસને વધુ સંસ્કારી જન લેખવામાં આવે છે ને તેના વર્તનને ઉચ્ચતમ, સંસ્કારી, વધુ સારુ અને અનુકરણીય લેખવામાં આવેછે. આ અને આવાં ઉદાહરણોથી પ્રતીતિ થાય છે કે મૂલ્યોને સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ હંમેશ હોય છે. અને જો મૂલ્યોને સામાજિક સાંસ્કૃતિક સાપેક્ષતા રહેતી જ હોય, તો સ્વાભાવિક જ પરિવર્તનશીલ સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનોની સાથે સાથે મૂલ્યોમાં પણ પરિવર્તન આવે જ, ને તેટલા પ્રમાણમાં તેની સનાતનતા ( Element of Eternity ) ઓછી ગણાય.
પરંપરાગત સમાજમાં વ્યક્તિનું અસ્તિત્વ સમાજના અસ્તિત્વને મુકાબલે ગૌણ ગણવામાં આવતું, અને તેથી ઘર, ગામ કે દેશની રક્ષા માટે કરાતો ત્યાગ ઉચ્ચતમ લેખાતો. આ હેતુથી જ વ્યક્તિના અંગત ધ્યેયો, જ્યાં સુધી તેઓ સામાજિક ધ્યેયોની પ્રાપ્તિમાં બાધક ન બને ત્યાં સુધી જ સ્વીકારવા યોગ્ય ગણાતાં. જ્યારે જ્યારે વ્યક્તિના અંગત ધ્યેયો સામાજિક ધ્યેયોની પ્રાપ્તિમાં બાધક બન્યા છે, ત્યારે ત્યારે સમાજે તેમને અમાન્ય જ ગણ્યા છે.
પ્રવર્તમાન સમાજમાં કેટલીક સારી અને ઉચ્ચતમ વિભાવનાઓ ( Concepts )નો વિકાસ થયો. લોકશાહી, સમાનતા અને વ્યક્તિસ્વાતંત્ર્ય તેમાં મૂખ્ય છે. આ વિભાવનાઓના વિકાસ સાથે રાજકીય ક્ષેત્રે વધુ ને વધુ દેશોએ લોકશાહી શાસન પ્રણાલી અપનાવી. વિજ્ઞાન અને તકનીકીના વિકાસ સાથે ઔદ્યોગીકરણ અને શહેરીકરણ વિકસ્યાં, જેને કારણે નવા પ્રકારનો સમાજ પેદા થયો, જીવન સંઘર્ષ વધુ કાતીલ બન્યો, બંધીયાર, બિનઆકારિત પરંપરાગત રૂઢીચુસ્ત આદીમ સમાજરચના ( Closed primitive society emphasizing informal face to face relationship ) ને સ્થાને વ્યક્તિકેન્દ્રી સમાજરચના વિકસવા લાગી.
હવે સામાજિક ધ્યેયોનૂી તુલનાએ અંગત ધ્યેયોને પ્રાધાન્ય મળવા લાગ્યું, સામાજિક ધ્યેયો ચોક્કસ અંગત ધ્યેયોની પ્રાપ્તિમાં સાધક બને છે કે બાધક તે વાત અભ્યાસનો વિષય બની રહે છે. જ્યારે જ્યારે સામાજિક બાબતો અંગત ધ્યેયોની પ્રાપ્તિમાં બાધક બની, ત્યારે ત્યારે વ્યક્તિએ તેને છોડવાનું વ્યાજબી માન્યું, અને ત્યાંથી જ મૂલ્યોનું ધોવાણ શરૂ થયું.

હા, જો બાળકોના ઉછેર દરમ્યાન મૂલ્યોનું પ્રસ્થાપન સુદ્રઢ રીતે થયેલું હોત તો કદાચ તેમનું ધોવાણ ન થયું હોત, કે ઓછું થયું હોત. પણ બાળકોના ઉછેર દરમ્યાન માતા-પિતા, શિક્ષકો તેમજ સમાજની અન્ય વ્યક્તિઓ કોઈનું ય ધ્યાન ન ગયું. આને શૈક્ષણિક પ્રક્રિયાની નિષ્ફળતા જ કહેવી પડે. કારમી મોંઘવારી, વધતી બે-રોજગારી, આત્મીયતાપૂર્ણ અંગત સંબંધોવાળી હુંફાળી સમાજરચનાને સ્થાને બિન-અંગત, આત્મીયતાનો અભાવ, ઉષ્માવિહીન, ઠંડા ને શુષ્ક સંબંધોવાળી સમાજરચના જે સરળતાથી બિનસલામતી જન્માવે, વળી કારમો જીવન સંઘર્ષ આ બધાને પરિણામે સમાજની વ્યકતિઓ નવીન સમાજરચનામાં પોતાનું સ્થાન ગોઠવવામાં વ્યસ્ત રહી, અને સહુની માફક આત્મકેન્દ્રી બનતી ગઈ. અંગત ધ્યેયોની પૂર્તિ માટે તદ્દન આવશ્યક ન લાગે તેવી તમામ બાબતો પરત્વે તટસ્થતા અને ઉદાસીનતા દાખવવાનું વલણ વિકસ્યું. પરિણામે શિક્ષકો કે સમાજના અન્ય વર્ગો, જેમના ઉપર બાળકોના સામાજીકરણની જવાબદારી હતી, તેઓ ફરજ ચૂક્યા, ને નવી પેઢીમાં મૂલ્યોનું સંક્રમણ ઓછું દ્રઢ થયું.
વળી આ નબળાં મૂલ્યો જ્યારે અંગત ધ્યેયોની પૂર્તિમાં મદદરૂપ થતાં ન લાગ્યાં, ને તેને મુકાબલે ઓછી મૂલ્યવાન વસ્તુઓ મદદરૂપ જણાઈ, ત્યારે ત્યારે મૂલ્યનિષ્ઠ વર્તનને બદલે વ્યવહારુ વર્તન કરવાનું વધુ વ્યાજબી લેખાવા લાગ્યું. એટલે પ્રામાણીક માણસને લાંચ લેવામાં થતો સંકોચ ઓછો થતો ગયો. જે લોકો સરળતાથી ઓછી મૂલ્યવાન બાબતોને મહત્વ આપનારાં પણ લાભકારી એવાં વર્તનનાં નવાં સ્વરૂપો અપનાવી શક્યા તેઓ વ્યવહારૂ એને સફળ લેખાયા, જેઓ તેમ ન કરી શક્યા તેઓ નિષ્ફળ, વેદીયા, મૂર્ખ લેખાયા. જેઓએ જૂના મૂલ્યોમાં નિષ્ઠા વખતોવખત જાહેર કરી, છતાં તકવાદી જનની માફક વ્યવહારૂ વલણ અપનાવી શક્યા તેઓ હોશીયાર અને કુશળ લેખાયા. પણ અસંખ્ય સાધારણ મનુષ્યો ન જૂના મૂલ્યો છોડી શક્યા ન નવા સ્વરૂપો અપનાવી શક્યા તેમના મગજમાં નિવાસી સંઘર્ષ
( Residential Conflict ) નો જન્મ થયો. તેઓ વધુ ક્ષુબ્ધ નિરાશ અને મૂંઝાયેલા રહ્યા. અંતે આ મૂંઝવણમાંથી છૂટવાના હેતુથી તેમણે પણ ધીમે ધીમે જૂના મૂલ્યો છોડી દેવાનું ઉચિત માન્યું અને તેઓ પણ નવા પ્રવાહમાં જોડાઈ ગયા.
પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે પ્રગતિશીલ, વૈજ્ઞાનિક, તકનીકી, બિન-અંગત સંબંધોવાળી, વ્યક્તિ સ્વાતંત્ર્યમાં માનનારી અને સમાજને મુકાબલે વ્યક્તિને વધુ મહત્વ આપનારી આત્મકેન્દ્રી સમાજરચનામાં પરંપરાગત મૂલ્યો વધુ નબળાં પડ્યાં છે. નવાં કોઈ મૂલ્યો તેમનું સ્થાન લઈ શક્યાં નથી, અને એક ખાલીપણું -શૂન્યાવકાશ પ્રવર્તે છે જે ( Basic Insecurity ) તાત્વિક બિન-સલામતી જન્માવે છે, અને જો વેળાસર તેનો ઉપચાર નહીં કરવામાં આવે તો ધીરે ધીરે આપણે મૂલ્યવિહીન સમાજરચના તરફ ગતિ કરીશું. આશા રાખીએ કે આપણે સહુ વેળાસર જાગીએ.
– એમ. એમ. જોષી.

3 thoughts on “સાંપ્રત સમાજમાં મૂલ્યોની કટોકટી (પ્રોફેસર એમ. એમ. જોષી)

 1. જોષી સાહેબની ભાષા બહુ સુંદર છે. લેખ લાંબો છે. મુલ્યોની વાત કરી. પણ તેને બચાવવાના વ્યવહારુ ઉપાય મને ન દેખાયા.

  Liked by 1 person

 2. સરસ લેખ. મૂલ્યોની જાળવણી પર સમય અને સ્થળ પર પણ આધારિત છે. જે કૂવામાં હોય તે જ હવાડામાં આવે. તો મા-બાપ, ઘરનું વાતાવરણ, આજુબાજુનો સમાજ, શિક્ષકોના મૂલ્યોની જ અસર રહેવાની. માનસશાસ્ત્રની ઘણી ઘણી વાતો ચર્ચી શકાય.. સાંપ્રત કાળ એક પેઢીનો ગણવો કે દાયકાનો? આજે તો એક ક્ષણમાં અત્યારની સાંપ્રત ક્ષણ અતિત બની જાય છે. દરેક ક્ષણે મૂલ્ય બદલાતા જાય છે. કયા મુલ્યોની જાળવણી કરીશું?

  Liked by 1 person

 3. ખૂબ સુંદર મૂલ્યોની જાળવણી અને તે બચાવવાના વ્યવહારુ ઉપાય …
  ભારત જેવા વિવિધ જાતિ અને ધર્મવાળા દેશને અનુરૂપ રહે એવા સુયોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઊગતી પેઢીમાં ધર્મજાગૃતિ જગાડવા આપણે સૌએ અત્યંત ખંતપૂર્વક ભાગ ભજવવો પડશે. વિવિધ ધર્મોના અનુયાયીઓ સમક્ષ એમનાથી પણ શ્રેષ્ઠ ધર્માદર્શોવાળા ધર્મોને મૂકીને એમને સમ્યક્ તુલના કરતાં પણ કરવા પડશે. એને લીધે ઊગતી પેઢીઓને બધા ધર્મોનાં મહિમા અને એની પ્રબળશક્તિને સમજવા સક્ષમ બનાવશે અને એ રીતે બધા ધર્મોની સત્યતા સ્વીકારવા તેમનાં મનને પણ ઘડશે તેમજ ધર્મઝનૂનને દૂર કરશે. જો આઘ્યાત્મિક મૂલ્યોની જાળવણી કરવાની હોય તો તંદુરસ્ત અને કલ્યાણકારી ધર્મવલણોની જાળવણી પણ નિતાંત આવશ્યક છે.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s