જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૫ (જયશ્રી વિનુ મરચંટ)


“તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ”

મને બરાબર યાદ છે, તે દિવસે, ૨૦૧૬ની સાલ, ૪થી, જુલાઈ, અમેરિકાનો જન્મદિવસ હતો. ઘરના બધાં જ લોસ એન્જલસ ગયાં હતાં. સવારના આઠ વાગ્યા હતાં. હું આળસ મરડીને ઊભી થઈ. એક હાથમાં ચાનો કપ અને એક હાથમાં ‘ટાઈમ” મેગેઝીન લઈ, બહાર બેક યાર્ડમાં ગઈ. સવારના સૂરજના ખોળામાંથી ઓચિંતી જ કૂદકો મારીને નીકળેલી ગરમીનું બાળપણ હજુ મુગ્ધ વયમાં “આવું-આવું” કરી રહ્યું હતું. અહીં ફ્રીમોન્ટમાં મોસમ ખૂબ જ મજાની હતી. હું, મારા આઈ-ફોન પર, દેશી રેડિયો, “ભૂલે બીસરે ગીત” સાંભળતી, બેક યાર્ડમાં આરામ ખુરસી પર બેઠી ને ચાની સાથે, “ટાઈમ” મેગેઝીન ઉથલાવવા માંડ્યું. “ટાંઈમ” મેગેઝીને બ્લોગ્સ, કિન્ડલ, ડિજીટલ રીડીંગની દુનિયામાં હજુયે પોતાનું આગવાપણું જાળવી રાખ્યું છે. ચાની મજા લેતાં લેતાં હું વાંચી રહી હતી ને નજર એક એડવર્ટાઈઝ પર અટકી ગઈ. એક કોઈ હિપ્નોટિઝમથી ટ્રીટમેન્ટ આપવાની વાત હતી જેથી કોઈ ટ્રોમા કે ડીપ્રેશનમાંથી મુક્તિ મળી શકે. ન જાણે ક્યાંથી લગભગ પીસ્તાલીસ-પચાસ વરસ જૂની વાત યાદ આવી ગઈ ને મને યાદ આવી ગયા ડાહીકાકી…!

મારા પિયેરના ઘરની બાજુની વાડી, શામજીબાપાની વાડી કહેવાતી. અમારા ઘર અને શામજીબાપાની વાડીની વચ્ચે, માત્ર ૨ ફૂટ ઊંચી દિવાલ હતી. શામજીબાપાની વાડી નાનકડી હતી. જેમાં ફક્ત બે ઘર હતાં. વાડીના માલિક, શામજીબાપા દસેક વરસ પહેલાં, નિઃસંતાન જ ગુજરી ગયા હતાં. શામજીબાપાની વાડીમાં, એમનું અને એમના પત્ની ચંચળબાનું ૧ માળનું અને ૬ મોટા રુમોનું ઘર હતું. બીજું, બેઠા ઘાટનું, નાનું, ત્રણ રુમનું ઘર ડાહીકાકીને ભાડે આપ્યું હતું. એ બેઉ ઘરની આગળના ભાગમાં, મોટા વરંડા હતાં અને આંગણમાં ખૂબ જ જતનથી ઉછેરેલી ફૂલવાડીઓ હતી, જેમાં મોસમ પ્રમાણેના ફૂલો ખીલતાં અને આ ઘરોને સાચા અર્થમાં વાડી બનાવતાં હતાં. બેઉ ઘરની વચ્ચે એક મીઠા પાણીનો કૂવો હતો. એવું કહેવાતું કે શામજીબાપાની વાડીના કૂવામાં કદી પણ પાણી સૂકાતું નહોતું. વાડીના પ્રવેશદ્વાર પાસે એક બે રુમનું કાચું-પાકું, બેઠા ઘાટનું મકાન હતું, જેમાં વફાદાર, નેપાલી, ગુરખા -પતિ-પત્ની અને બે સંતાનો-નું કુટુંબ વસતું હતુ. આ આખુંયે કુટુંબ, ચંચળબાની વાડીની રખેવાળી, માળીનું કામ અને ઘરનાં બધાં જ બીજાં નાના-મોટા કામ કરવાની જવાબદારી ખૂબ જ ખંતથી નિભાવતું હતું. મને એટલું આજેય યાદ છે કે, મારા મા પાસે સાંજના બાંકડે બેસવા આવનારા રોજિંદા આડોશી-પાડોશીઓમાં ચંચળબા હતાં, પણ, દર ગણેશ ચતુર્થીને દિવસે, સવારે, ડાહીકાકી ખાસ અમારે ઘરે આવતાં અને સાંજની આરતીમાં આવવાનું નિમંત્રણ આપી જતાં. મા એમની સાથે, બાંકડે વાત કરવા બેસતાં. ડાહીકાકી માટે ચા-પાણી આપવા જો હું કે મારી મોટી બહેનોને જવું પડતું તો મા સામે પડેલી ટીપોય પર ટ્રે મૂકાવીને, તરત જ અમને પાછા મોકલી દેતાં. મને યાદ નથી કે અમે કદીયે ડાહીકાકીને ત્યાં ગયા હોઈએ પણ દર વરસે ડાહીકાકી ન તો આમંત્રણ આપવાનું ચૂકતાં અને ન તો અમે કદી જતાં, પણ બીજે દિવસે, ડાહીકાકી ગુરખાના છોકરા સાથે પ્રસાદ અવશ્ય મોકલતાં. મેં, મા અને મારાથી બાર વરસ મોટીબહેન સાથેની વાતચીતમાં સાંભળ્યું હતું કે ડાહીકાકી હિપ્નોટિઝમ-વશીકરણ, (સંમોહન) કરતાં. આ જ કારણસર, કદાચ મા અમને એમનાથી દૂર રાખતાં અથવા તો બહુ હળવા-મળવા ન દેતાં, એવું મારા શિશુ મનને લાગ્યું હતું. ડાહીકાકી ગણેશ ચતુર્થીનું આમંત્રણ આપવા ઉપરાંત, ક્યારેક બાંકડે બેસવા પણ આવતાં, ત્યારેય, મા એમને પૂરા માનથી આવકારતાં. મારા મમ્મીનો નિયમ હતો કે નાના-મોટા સહુને આપણા આંગણે એકસરખો આવકાર આપવો અને બને ત્યાં સુધી સાંભળેલી વાતોથી કોઈ તારવણી ન કાઢવી, હા, સચેત જરુર રહેવું એ શીખ અમને સહુ સંતાનોને પણ આપતાં હતાં. કદાચ, કોઈ પણ કારણસર, મા ડાહીકાકી સાથે સચેત રહેતાં હતાં, કોને ખબર, કેમ, પણ, એવું હું ત્યારે સમજતી થઈ હતી!

ડાહીકાકી રોજ સવારે, સાડા છ વાગે, without fail, પોતાના ઘરમાં અને વરંડામાં સાફ-સૂફી કરતાં બુલંદ અવાજે ભજનો ગાતાં. જે મને આજે પણ યાદ છે. એમનું એક ભજન મારા કાનમાં આજે પણ ગુંજે છે, “જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી.”  આજે ડાહીકાકીની યાદ આવી, સાથે, એ ભજન ગાતાં ગાતાં, વાળી-ઝૂડીને ઘર આંગણું સાફ કરતી વખતે એમના મુખ પરની અદભૂત આભા પણ યાદ આવી ગઈ, ન જાણે ક્યાંથી! આવા ડાહીકાકી હિપ્નોટિઝમ કરે, એ આજે હવે ન માની શકાય, પણ તે સમયે હું સાત-આઠ વરસની હતી, વધુ કઈં સમજી શકું એવું મારું ગજું પણ નહોતું! મારી સ્પષ્ટ સ્મૃતિ છે કે એ સમય દરમ્યાન, મેં માને એક દિવસ પૂછ્યું હતું કે “ડાહીકાકીના વર પણ શામજીબાપાની જેમ ગુજરી ગયા છે?” જવાબમાં માએ નાના-નાના બે-ત્રણ વાક્યોનો સાદો જવાબ આપ્યો હતો, “તું હજુ બહુ નાની છે. મોટાની વાતો તને નહીં સમજાય, તું તારે, જા રમ.”

અમે જ્યારે આઠમા ધોરણમાં આવ્યા ત્યારે અમારી સ્કૂલની જગ્યા બદલાઈ ગઈ હતી. બજાર ક્રોસ કરીને હું મારી બહેનપણીઓ સાથે એકલી આવતી-જતી થઈ હતી. માને બહુ કાકલુદી કરીને, એકલાં સખીઓ સાથે આવવા-જવાની મંજૂરી લીધી હતી. બજારમાં ખૂબ જ પ્રસિધ્ધ, જુમ્મનમિયાંની “ફરસાણ અને મિષ્ટાન હાઉસ” નામની દુકાન હતી. એક દિવસ હું સહેલીઓ સાથે ઘરે આવતી હતી તો જોયું કે ડાહીમાસી ત્યાં એપ્રન પહેરીને જલેબીની બાજુની ટ્રેમાં ફાફડા ગોઠવતાં હતાં. એમણે મને જોઈ અને કહ્યું “દિકરી, જલેબી ખાવી છે?” જુમ્મનમિયાં ગલ્લા પર હતાં અને કહે, “ડાહી, દિકરીને આપ, વાંધો નહીં.”  જલેબી આજે પણ મને બહુ પ્રિય છે, પણ, મેં હસીને ડોકું ધૂણાવી ના કહી અને ઝડપથી ચાલી નીકળી. મારી ત્રણ બહેનપણીઓમાંથી એકે કહ્યું, “અરે, તું આ બહેનને ઓળખે છે?” મેં બાઘાની જેમ પ્રશ્નાર્થ ભાવથી જોયા કર્યું. અને વાત ત્યાં જ પૂરી થઈ ગઈ.

વરસો વિતતા ગયા. હું કોલેજમાં ગઈ. ડાહીકાકીના ભજનો મને સાડા છ વાગે જગાડી જ દેતાં, આથી મેં સાચા અર્થમાં, કોલેજના દિવસોમાં એલાર્મ મૂક્યું નહોતું. હવે મારે માને પૂછવું નહોતું પડતું કે ડાહીકાકીના પતિ, શામજીબાપાની જેમ ગુજરી ગયા છે! હું હવે મોટી થઈ ગઈ હતી અને ઘણું સમજતી પણ હતી. ડાહીકાકી અને એમના પતિ, લગ્ન પછી, પાંચ વરસ ગામમાં રહ્યા હતાં. પણ પછી, ગામનું ઘર મૂકી, ડાહીકાકીને લઈને મુંબઈ કામ કરવા આવ્યા હતા. એવું કહેવાતું હતું કે, ગામમાં, લગ્નના પાંચ વરસમાં ડાહીકાકીને કોઈ સંતાન ન થતાં, સાસરિયામાં સતત પજવણી થતી હતી. એવુંયે કહેવાતું હતું કે ડાહીકાકીએ એમના પતિને અલ્ટિમેટમ આપ્યું હતું કે “જો એ હવે ગામનું ઘર છોડીને જુદા રહેવા નહીં જાય તો, પોતે ગામમાં કૂવો પૂરશે!” ડાહીકાકી જુવાનીમાં ખૂબ રુપાળા અને દેખાવડાં હતાં. એમના પતિએ, ગામ છોડીને, મુંબઈમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આ રીતે શામજીબાપાની વાડીમાં ઘર ભાડે લઈને રહેવા આવ્યા. મુંબઈમાં નસીબે યારી ન આપતાં, વરસેકની અંદર જ, ડાહીકાકીના પતિ, “કમાવા માટે આફ્રિકા જાઉં છું” કહીને નીકળી ગયા. થોડો સમય તો એકાંતરે, ડાહીકાકીને પૈસા મોકલતાં હતાં પણ પછી એ બંધ થતાં, ડાહીકાકીએ જુમ્મનમિયાંની દુકાને કામ કરવું ચાલુ કર્યું. આ બધાં સમય દરમ્યાન, ચંચળબા એમના પડખે અડીખમ ઊભા રહ્યાં હતાં. ડાહીકાકીનું રુપ અનેક પરણિત અને અપરણિત પુરુષોને લોભાવતું, ને, બસ, એમાં ડાહીકાકી પર “હિપ્નોટિઝમ કરે છે”નું લેબલ લાગી ગયું હતું! આ બધું હું હવે બહારથી સાંભળતી અને મને આ બધું જ હવે સમજાતું પણ હતું.

ડાહીકાકીના ગણેશચતુર્થીના આમંત્રણ દર વરસે આવતાં અને દર વરસની જેમ, કેમ, અમે ન જતાં, ને એ ગુરખાના કોઈ કુટુંબ સભ્યની સાથે દર વરસે કેમ પ્રસાદ મોકલી આપતાં, એ પણ હવે સમજાતું જતું હતું. સાચે જ, કદાચ, હું હવે સમજણી થતી હતી! જુમ્મનમિયાં ઘણી વાર, બપોરે, દુકાન બે કલાક માટે બંધ હોય ત્યારે, ડાહીકાકીને ઘેર આવતાં અને ત્યાં જ બપોર ગાળીને દુકાને જતાં. ધીરે-ધીરે, આ રોજનો ક્રમ થતો ગયો. લોકો વાતો કરતાં હતાં પણ, જુમ્મનમિયાંની ધાકને લીધે અથવા ચંચળબાની શાખને લીધે કોઈ વધુ કઈં બોલતું નહોતું. એકાદ વાર, સમાજના કહેવાતા આગેવાન, બે-ચાર ભાઈઓ સાથે મળીને, ચંચળબા પાસે ડાહીકાકી માટે અજુગતું બોલવા આવ્યાં તો ચંચળબાએ એમને રોકડું પરખાવી દીધું હતું, “જુઓ ભાઈ, તમારી પણ મા-બહેનો અને દિકરીઓ છે. એમના પર કોઈ દિ’ આવું વિતે નહીં, જેવું ડાહી પર વિત્યું છે ભર જુવાનીમાં, એની દુવા માગો. ડાહીને એની રીતે જીવવા દ્યો. તમને એ નડતી હોય તો ક્યો. નહીં તો, મને બરાબર ખબર છે કે તમને બધાયને શેની ચૂંક આવે છે!” તે દિવસ પછી કોઈ ચંચળબાને કશુંય ડાહીકાકી માટે કહેતું નહીં. ચંચળબા, સાચા અર્થમાં ડાહીકાકીની ઢાલ હતાં.

મારી કોલેજ પૂરી થઈ અને હું અમેરિકાથી ભણીને પાછી આવી ગઈ હતી અને એક ફાર્મા્યુટીકલ કંપનીમાં કામ કરતી હતી. એક દિવસ, સાંજના, હું ઘરે આવી. થોડી વારમાં ડાહીકાકી, મા પાસે બાંકડે બેસવા આવ્યાં. હું ચા આપવા માટે ગઈ તો મારા માથે હાથ મૂકીને બોલ્યાં, “ગણપતિબાપા તારું ભલું કરે.” હું અંદર ગઈ, અને થોડીક ગળગળી પણ થઈ ગઈ. એમના એ શબ્દોની સચ્ચાઈ મારા અંતર-મનને સ્પર્શી ગઈ હતી. એમના જવા પછી, માને મેં પૂછ્યું કે ડાહીકાકી હજુયે ફરસાણની દુકાને કામ કરે છે તો એમણે મને જણાવ્યું કે હું અમેરિકા હતી એ દરમ્યાન, એમના પતિ, આફ્રિકાથી ઓચિંતા જ પાછાં આવ્યાં હતાં, કોઈક અસાધ્ય રોગ લઈને. ડાહીકાકીએ જુમ્મનમિયાંની દુકાને કામ કરવા જવાનું મૂકી દીધું અને ખૂબ દિલથી એમની સેવા કરી પણ બે-ત્રણ મહિનામાં જ એમનું મૃત્યુ થયું. એમના પતિના જીવન વિમાના પૈસા ડાહીકાકીને મળે એટલી વ્યવસ્થા અંતમાં, એમના પતિ કરતાં ગયાં હતાં, જેથી, ડાહીકાકીને કદી કામ ન કરવું પડે. માના અવાજમાં ડાહીકાકી માટે સહાનુભૂતિ ચોખ્ખી સંભળાતી હતી. કોણ જાણે કેમ, મને માના અવાજની અનુકંપા ગમી હતી, ખૂબ ગમી હતી. બે ચાર દિવસમાં, મેં એ પણ નોટિસ કર્યું કે જુમ્મનમિયાંનું દરેક બપોરે આવવાનું ચાલુ હતું. એક દિવસ, હું બહારથી આવી ત્યારે, શામજીબાપાની વાડી સામે જુમ્મનમિયાંની પત્ની, એના ત્રણ જુવાન દિકરાઓ સાથે, બૂમો પાડીને, રડતાં રડતાં, અનેક અપશબ્દો બોલીને ડાહીકાકીને ભાંડી રહી હતી. વફાદાર ગુરખાના કુટુંબના એકે એક સભ્યોએ આ લોકોને કંપાઉંડમાં આવતાં રોકી રાખ્યાં હતાં. જુમ્મનમિયાંની પત્ની અને એની આ ભવાઈનો સાર એ હતો કે જુમ્મનમિયાંની જુવાન દિકરીના લગ્ન જુમ્મનમિયાંના લગ્નેતર સંબંધોને કારણે તૂટી ગયાં હતાં, જેની બધી જવાબદારી ડાહીકાકી પર નંખાઈ રહી હતી! તમાશાને તેડું ન હોય, ને, જોતજોતાંમાં, લોકો જમા થઈ ગયાં. ચંચળબા, બહાર જે ભીડ એકઠી થઈ ગઈ હતી એને, અને જુમ્મનમિયાંની પત્નીને, શાંત પાડવાની કોશિશ કરતાં હતાં. ડાહીકાકી ઘર બંધ કરીને બેસી રહ્યાં હતાં, એવું ત્યાં જોરજોરથી બોલાતું હતું એ પરથી લાગ્યું. અમે પણ અમારી અગાશી પરથી આ તમાશો જોવામાં શામિલ હતાં. મે, ત્યારે માને કહ્યું, “અરે આટલાં વરસો પછી એમને આમ ભાંડવાનું યાદ આવ્યું?” માએ મારી સામે એક પ્રશ્નાર્થ નજર કરી અને મેં કહ્યું, “વોટ? મા, હું એડલ્ટ છું! ઓકે?” પછી અમે મા-દિકરી કઈં પણ બોલ્યાં વિના નીચે ઊતરી ગયાં. ચંચળબા અને ગુરખાનું કુટુંબના સભ્યો, આ ટોળાની અને ડાહીકાકીની વચ્ચે એક અડીખમ દિવાલ સમ સતત ઊભા રહ્યાં હતાં. બે કલાક સુધી ભીડ ત્યાં જમા રહી અને જુમ્મનમિયાંની પત્ની એના જુવાન દિકરાઓ સાથે મળીને ડાહીકાકીને ગાળો આપી, સતત ભાંડતી રહી હતી.

બીજે દિવસે, વહેલી સવારે, ડાહીકાકીના ભજનને બદલે, પોલિસની સાયરનના અવાજથી જાગીને, હું સફાળી ઊઠી ને શું થયું છે, એ જોવા પાછળની અગાશીમાં ગઈ. મા અને ભાઈ ત્યાં જ હતાં. ડાહીકાકીનું અચેતન શરીર એમના આંગણાંમાં પડ્યું હતું. જુમ્મનમિયાં એમના શરીર પાસે, આંસુ સારતાં, ગુમસુમ ઊભાં હતાં. ચંચળબા ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં. બીજાં થોડા આડોશી-પાડોશીઓ પણ ત્યાં ભેગાં થયાં હતાં. મેં માને પૂછ્યું, “શું થયું ડાહીકાકીને?” માની આંખમાં પણ આંસુ હતાં. “ડાહીએ ગઈ કાલે રાતે કૂવામાં પડીને આપઘાત કર્યો! હું ત્યાં જાઉં છું, તારે એમના છેલ્લા દર્શન કરવા આવવું છે?” મારી આંખોમાં આંસુ આવ્યાં અને માને, ભેટી પડી! હું અને મા, ડાહીકાકીના આંગણે, એમના મૃતદેહના દર્શન કરી પાછાં આવ્યાં ત્યારે પણ, ડાહીકાકીના નિશ્ચેટ મુખ પર, “જેના મુખમાં રામનું નામ નથી” ભજન ગાતી વખતની જ, આભા જ નહીં, પણ, જે, એક અદભૂત નૂર હતું, તે મને આજે, એ હિપ્નોટિઝમની જાહેરાત વાંચીને, યાદ આવી ગયું!

મારા આઈ-ફોન પર, દેશી રેડિયો પર, એનાઉન્સમેન્ટ આવી રહી હતી, “અબ આપ સુનેંગે, ૧૯૫૮કી, ઉસ વક્તકી ઓફબીટ ફિલ્મ, “ફિર સુબહ હોગી”કા યહ ગાના, “વો સુબહ કભી તો આયેગી”, જિસમેં રાજ કપૂર ઔર માલા સિંહાને અપની અદાકારીકે જલવે બિખેરે થે!

બસ!

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

13 thoughts on “જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૫ (જયશ્રી વિનુ મરચંટ)

  1. ડાહીકાકીનું નિરૂપણ ખરેખર આંખ ભીની કરી ગયું.
    મને પણ મારા ગામ સાથે જોડાયેલાં આવાં અનેક પ્રસંગો સાંભરી આવ્યાં.

    Like

  2. વાર્તામાં કૂવાની ત્રણ જગ્યાએ વાત કરી, અને એને વાર્તા સાથે સરસ રીતે સાંકળી લઈ, એક અનુભવી વાર્તાલેખકનો પરિચય આપ્યો છે. હરખીના રૂપને હિપનોટીઝમ સાથે વણી લઈને જૂની વાર્તાઓની નાગકન્યા અને વિષકન્યાની યાદ અપાવી છે. નાગકન્યાઓ પણ એટલી સ્વરૂપવાન હતી કે એમના મોહપાસમાંથી માણસ છૂટી શકતા ન હતા, એટલે એમના વિષે આવી ધારણાઓ પ્રચલિત થતી, હકીકતમાં તો એ નાગાલેન્ડની સુંદર સ્ત્રીઓ જ હતી.

    Like

  3. From: HASMUKH BAROT
    Date: August 18, 2017 at 9:47:46 AM PDT
    To: Jayshree Merchant Yahoo
    Subject: Re: [New post] જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૫ (જયશ્રી વિનુ મરચંટ)

    DEAR JAYSHREEBEN,

    VERY INTERESTING SHORT STORY.. I WOULD LIKE TO PUBLISH IT, IN GUJARAT TIMES. MAY I ?

    REGARDS,

    Like

  4. તૂમ આ ગયે હો નૂર આ ગયા હૈ..ડાહીકાકી જેવા પાત્રો જીવનમાં આવે છે પણ એમને આત્મહત્યા કરવી પડે અને જુમ્મનમિયાના ઘરવાળા એટલું બોલે કે ડાહીકાકીને જીવનથી હાથ ધોવા પડે એ સમાજની દુર્દશા કહેવાય..પણ આવા અનેક પ્રસંગ બને છે અને સમાજ આંખે પાટા બાંધી આંધળા બહેરો થઈ જાય તો ડાહીકાકી શું કરે?

    Like

  5. From: Dipal Patel
    Date: August 29, 2017 at 6:58:17 AM PDT
    To: jayshree Merchant
    Subject: ડાયીકાકી ની વાર્તા
    આ પણ સાચી છે?
    છેક સુધી પકડી રાખી મને..
    કાકીની કલ્પના હું કરી શકતી હતી, મારી કલ્પનામાં તમારું ગામ, ઘર બધુજ દેખાયું.
    અદભુત!!

    Like

  6. આગાઝમા
    “તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ”
    થયું …
    ના મળશે અહીં પ્રેમ સહજ,
    દીવાના મન્સૂર થયા.
    ભીતર ચાલે ખેલ નવા,
    તે આંખોના નૂર થયા….
    સંમોહન જાણનાર ડાહીકાકી…! કોઇ ડાહ્યીડાકણ કહે..!!
    .જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી.’
    યાદ અપાવે ઊખાણાની
    ત્રણ અક્ષરનું ગામ -જેના મુખમા ત્રીજો અને પહેલો અક્ષર નથી તેના મુખમા વચલો અક્ષર છે !
    મેં કહ્યું, “વોટ? મા, હું એડલ્ટ છું! ઓકે?”
    એડલટરીની વાતનો ઇશારો આવ્યો…
    પણ અમને –
    ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના,
    છોડો બેકાર કી બાતોં મેં ક્યું ભીગ ગયે તેરે નૈના…!’
    ગીતની યાદ અપાવી અને ધાર્યું મધુરો અંત આવશે
    મન વમળે—રામ
    ‘તત્ત્વ પ્રેમ કર મમ અરુ તોરા|
    જાનત પ્રિયા એકુ મનુ મોરા||’
    સામાન્ય જીવ માટે પ્રેમતત્ત્વને સમજવું કઠિન !
    પણ ડાહ્યીમાની કરુણા અનુભવાશે પણ કરુણામાં એક માત્રા ઓછી કરી નાખી …
    જો કે કરુણરસ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભવભૂતિ તો એવું કહે છે કે દુનિયામાં એક જ રસ પ્રધાન છે. અને એ કરુણ રસ છે. જાણીતી વાત -હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ!

    કરૂણ ઘટના પણ ઇચ્છાપૂર્તિ થી વિગલીત થઇ સંતોષનો આનંદ આપશે અને આ ડાહ્યીકાકીની વાત લાંબા સમય સુધી યાદ રહેશે.
    ………………….

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s