પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને! – વલીભાઈ મુસા


પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને!

‘દૂ…ધ’ એવો સાદ પાડતી મેનાની નજર કમાડના નકુચા ઉપરની સાંકળ પર પડતાં તેણે મને પૂછી નાખ્યું, ‘અનસૂયાબહેન, આ મીનાક્ષીબહેન ક્યાંય બહાર ગયાં છે કે શું? એમનું દૂધ લઈ લો ને.’
‘મને ખબર નથી. એમ કર બૂમ પાડ. અંદર છોકરાં સૂતેલાં જ હશે.’ મેં જવાબ વાળ્યો.
મને બધી ખબર હતી તોય મારે ખોટું બોલવું પડ્યું; એમ કરવું જ પડે તેમ હતું, કેમ કે કારણ જ કંઈક એવું હતું.
‘અનુબહેન, આજે રવિવાર હોઈ એ બિચારાંને ઊંઘવા દીધાં હોત તો!’
‘મેના, મેં એકવાર કહ્યું ને. મીનાક્ષી નજીકમાં કોઈ કામે ગઈ હશે, હમણાં આવશે.’ મારે ફરી ખોટા પર ખોટું બોલ્યે જવું પડ્યું.
દાતણ ચાવતાં ચાવતાં ઓસરીમાં લટાર મારતા મારા પતિમહાશયે મને પૂછ્યું, ‘કેમ; આજે સાવ આવું શુષ્ક વર્તન? બંને સહેલીઓ વચ્ચે કોઈ રિસામણાં છે કે શું?’
‘ના, એવું બિલકુલ નથી; જે છે તે હું પછી કહીશ મનિષ.’ મેં ધીમેથી કહ્યું.
પરંતુ મારે મનિષને ‘પછી કહેવા’ની નોબત જ ન આવી. બાજુના મહેલ્લામાં જ રહેતાં છોકરાંનાં દાદા-દાદી, અને બે કાકા-કાકી આવી ગયાં. ‘મા ક્યાં ગઈ, મા ક્યાં ગઈ?’ એવું રટણ કરતાં છોકરાંઓને દાદીએ બાથમાં લીધાં અને મહાપરાણે ફોસલાવી પટાવીને તેમના ઘરે લઈ ગયાં.
વહેલી સવારે વાયુવેગે વાત ગામમાં પ્રસરી ગઈ. એ લોકોના ગયા પછી ટોળાબંધ સ્ત્રીઓ અમારાં આંગણે આવીને તરેહતરેહની વાતો કહેવા માંડી. કોઈએ કહ્યું, ‘માજિયારી બહોળી ખેતીમાંનો જમીનના ભાગે આવતો આવકનો એક મોટો હિસ્સો તેને ઘેર બેઠાં મળતો હતો. વારસામાં ભાગે આવેલું મેડીબંધ પોતીકું ઘર હતું. જોતજોતાંમાં છોકરાં મોટાં થઈ જતાં અને આમ મુઈને ઘર માંડવાની શી જરૂર પડી?’
તો વળી કોઈએ અનુમાન કરતાં કહ્યું, ‘નક્કી કોઈને કહી ન શકે તેવું કંઈક દુ:ખ હોવું જોઈએ, નહિ તો આવું પગલું ભરે નહિ. આજકાલ ક્યાં કોઈ વિધવા નાતરું કરે છે? બિચારીને છોકરાં છોડીને જતાં કેટલું બધું દુ:ખ થયું હશે?’
‘ગામ આખું એકી અવાજે કહેતું કે મરનાર રાવજી અને એની વચ્ચે એવો મનમેળ અને પ્રેમ હતો કે સૌ કોઈને ઈર્ષા થાય. ઝેરી એરુ આભડતાં તત્કાળ અવસાન પામેલા એ બિચારાના આત્માને આ જાણીને કેટલી વ્યથા પહોંચી હશે! વળી વિધવા તરીકે ખૂણો જાળવવાની સમયાવધિ પૂરી થયાને માંડ ત્રણેક મહિનાય નહિ થયા હોય અને તેને આ શી કુબુદ્ધિ સૂઝી!’ એક ડોશીએ પોતાનો બળાપો કાઢ્યો.
અમારી જમણી તરફના સમજદાર પાડોશી બેચરકાકાએ એકદમ વ્યવહારુ વાત કરી, ‘છોકરી ભણેલી, ડાહી અને સંસ્કારી છે તે અમે આડોશીપાડોશી જાણીએ છીએ. મારા મતે ભરયુવાનીમાં વિધવા થયેલી સ્ત્રી પુનર્લગ્ન કરી દે એમાં જરાય ખોટું નથી. મરનારના નામે બેસી રહેવાનો દંભ કરીને ચારિત્ર્યહીન જીવન જીવવા કરતાં આવું હિંમતભર્યું પગલું ભરી લેવું વધારે ઉત્તમ છે. લોકો ચાર દિવસ વાતો કરીને આવી ઘટનાને ભૂલી જવાનાં અને તેથી કોઈએ શા માટે જીવનભર દુ:ખી થવું? આ કો’કની છોકરી છે માટે નથી કહેતો, મારી દીકરી હોય તો પણ હું આમ જ કહું.’
બેચરકાકાનાં ધર્મપત્ની જીવી ડોશીએ વાતાવરણ હળવું બનાવવા આકાશમાંની વીજળી પછીના કાટકાની જેમ ચાળા પાડતાં બોલી પડ્યાં, ‘દીકરી નથી એટલે બોલ્યા કે માલી દીકલી હોય તો પણ હું આમ જ કહું. લ્યો, હું તમારી ડોશી છું અને મારા વિષે કહો તો ખરા!’

‘લે, તારા માટે પણ કહું. મને ડાગટરિયાઓ ખાત્રીબંધ કહે કે બેચરકાકા તમે દસ કે પંદર દિવસમાં ઉકલી જવાના છો, તો હું જીવતાં મારી જાતે જ તને નાતરે વળાવીને પછી સુખેથી મરું!’ સૌ ખડખડાટ હસી પડ્યાં.
પેલી તરફ ઘટનાને અનુલક્ષીને વિવિધ મંતવ્યો અને ટોળટપ્પા ચાલી રહ્યાં હતાં, તો આ તરફ વળી હલકા વિચારો ધરાવતી એક બેશરમ ઓરત નામે ઝમકુડીએ તો હું જ સાંભળું તે રીતે દબાતા અવાજે મારા કાનમાં કહી લીધું, ‘તું પાડોશમાં છે એટલે તને ખબર હશે જ કે એણે કાળું મોંઢું તો નથી કર્યું? વળી રૂપનો કટકો હતી એટલે રાવજીના જીવતાં જ એના બાળગોઠિયા જાલમડા સાથે તમે ભણેલાં કંઈક ‘ઈલુ … ઈલુ’ કહો છો એવું તો કંઈ નહિ હોય ને! આ તો મુઈ જાલમડાના ત્યાં જ ગઈ એટલે શંકા થાય તો ખરી ને! જો એનાથી જ ભારે પગે થઈ હોય તો સારું થયું કે ઘીના ઠામમાં ઘી ગયું!’
‘અરરર ઝમકુ, તું કપોલ કલ્પિત વાત ક્યાંની ક્યાં લઈ જાય છે? કોઈની ઈજ્જત ઉપર કાદવ ઉછાળવું એ આપણને શોભા આપે નહિ. બીજી એક વાત સાંભળી લે કે હવે પછી તું એ બિચારી મીનાક્ષી અંગેની કોઈ ગંદી વાત મારા આગળ કરતી નહિ. મારા ઘરવાળા તમારા ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી અમે મીનાક્ષીના પાડોશમાં ભાડુઆત તરીકે રહીએ છીએ. મરનાર રાવજી અને મીનાક્ષીનો પ્રેમ કોઈથી અજાણ્યો નથી. રાવજીનો મિત્ર જાલમ પણ ભલો માણસ છે. એ વિધુર હતો અને બંને સમદુ:ખિયાં ભેગાં થયાં એમાં શું ખાટુંમોળું થઈ ગયું? હવે તું ગામની છે, એટલે મારું એક કામ કર; બધાંને મારા ઘર આગળથી રવાના કરી દે અને તું પણ ઘર ભેગી થઈ જા. મારા પતિને પરનિંદા ગમતી નથી અને મને બીક લાગે છે કે તું નાહકની અપમાનિત થઈ જઈશ.’

ઝમકુ મારી વાતનો ઈશારો પામી ગઈ અને મોટા અવાજે કહી દીધું, ‘ચાલો, ચાલો; હવે બધાં પોતપોતાનાં ઘરે જાઓ. દરેક સમાજમાં આવું તો બનતું આવ્યું છે અને બીજું કે ઘર માંડવું કોઈ પાપ નથી.’
સૌ વિખરાતાં હું ઘરમાં ગઈ અને મનિષને બાઝી પડીને રડવા માંડી.
‘અરે, અરે! પણ તું કેમ રડે છે? હું પણ માનું છું કે મીનાક્ષી ભલી અને સંસ્કારી બાઈ હતી, પરંતુ એણે બેઉ છોકરાં ખાતર પણ આવું કઠોર પગલું ભરવું જોઈતું ન હતું. વળી જાલમ સાથેના જોડાણથી લોકોને અનાપ-સનાપ ગોઠવી કાઢવાનું કારણ મળ્યું. ખેર, હવે આપણે એ બધી વાત જવા દઈએ; પણ તને પૂછું છું કે તું તો એની ખાસ બહેનપણી હતી અને તને તો તેના આ પગલાની અગાઉથી જાણ હશે જ.’
‘હા, મનિષ; જાણતી તો હતી જ, પણ આ અંગે મને વધુ ન પૂછો તો સારું. તેણે મને પુનર્લગ્ન કરવાનું કારણ તો જણાવ્યું છે; પણ કોઈનેય કહેવાની ના પાડી છે, તમને પણ નહિ!’
‘તો જા, હું પણ તે જાણવાનો આગ્રહ રાખીશ નહિ; પણ સવાલ રાવજીનાં બંને છોકરાંના યોગ્ય ઉછેરનો છે.’
‘જાલમે એ પોતાનાં જ છોકરાં હોવાના ઉમદા ખ્યાલ સાથે તેમની જવાબદારી માથે લેવાનું સ્વીકાર્યું છે, પણ એક શરતે કે કોર્ટકચેરીની ઝંઝટ વગર એમને બાળકોનો કબજો મળે તો!’
‘એ તો જ્ઞાતિના સમજદાર આગેવાનો બંને છોકરાં મીનાક્ષીને સોંપાવશે. પરંતુ અનુ, હું વિચાર કરું છું કે આ તે કેવું નારીજીવનનું દુર્ભાગ્ય! વિધવા સ્ત્રી યેનકેન પ્રકારેણ જીવન તો જીવી જાય, પણ ઘરમાં અને ઘરબહાર થતું તેનું શોષણ હૃદય હલાવી નાખે તેવું હોય છે. ધાર્મિક અને અધાર્મિક એવા ઉભય પ્રકારના લોકો પોતપોતાની રીતે વિધવાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં કોઈ કસર છોડતા નથી હોતા. કહેવાય છે કે અધર્મ કરતાં ધર્મે વિધવાને વધુ પરેશાન કરી છે અને તેથી જ તો સ્વામી વિવેકાનંદને પણ કહેવું પડ્યું છે કે વિધવાનાં આંસું લૂછી ન શકે તે ધર્મ નકામો ગણાય. ખેર, જવા દે એ વાત; પણ બીજું એ સારું થયું કે નાતાલના વેકેશનના કારણે આપણાં છોકરાં મોસાળે ગયાં છે, નહિ તો આ મહિલા મંડળની આવી ગંદી વાતોની તેમનાં કુમળાં માનસો ઉપર કેવી ખરાબ અસર પડત? એમાંય આપણી કૌશલ્યા તો તીખા મરચા જેવી તેજ! એની બહેનપણીની મમ્મી વિષે આવું બધું ઘસાતું બોલાતું તો એ હરગિજ સહન ન કરત!’
આટલું કહીને મનિષ બાથરૂમ ગયા અને મારો મોબાઈલ રણક્યો. મીનાક્ષીનો જ ફોન હતો. તેણે રડમસ અવાજે પૂછ્યું, ‘મારાં છોકરાંના શા સમાચાર છે અનુ?’
‘વડીલો આવીને તેમને લઈ ગયાં છે. મનિષ તેમના યોગ્ય ઉછેરની ચિંતા કરતા હતા. તેમને વિશ્વાસ છે કે કોર્ટકચેરીના ચક્કરમાં પડ્યા વગર જ્ઞાતિના આગેવાનો તારાં બાળકો તને સોંપાવશે. ’
‘આ સઘળા અનિષ્ટના મૂળ જેવો એ આવ્યો હતો ખરો?’
‘હા, એ અને એની ઘરવાળી આવ્યાં હતાં. રડ્યે જતી એ બિચારીને તો એના ધણીના પરાક્રમની ખબર ક્યાંથી હોય, પણ એ ખલનાયકનું મોંઢું પડી ગયેલું હતું. તારા પુનર્લગ્ન પાછળના કારણને આપણે બે જ જાણીએ છીએ અને કદાચ તેં જાલમને કહ્યું પણ હશે, પરંતુ તારી રજા હોય તો હું મનિષને એ કહેવા માગું છું, કેમ કે અમારી વચ્ચે કોઈ વાત અંગત કે ખાનગી હોતી નથી. જો કે મેં એમને ચોખ્ખી ના પાડી છે કે તારા આ પગલા પાછળનું કારણ તેમને નહિ જણાવું અને તેમણે એ સ્વીકારી પણ લીધું છે, પરંતુ હું પોતે જ માનસિક બોજ મહસૂસ કરું છું. તું એ વાતની ખાત્રી રાખજે કે અમારા બે પાસેથી એ રહસ્ય ત્રીજી કોઈ જગ્યાએ નહિ જાય, સિવાય કે અન્ય કોઈ સ્રોતેથી એવું બને.’

”જા, તું મોટાભાઈને કહી શકે છે. મને ખબર છે કે તેઓ મારા સંસ્કાર અને ચારિત્ર્ય વિષે ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવે છે અને મારા જીવનની બનેલી આ અનીચ્છનીય ઘટનાને માનવા તેમનું મન ના પાડતું હશે. વળી તેમને પારાવાર દુ:ખ પણ થયું હશે. મારા માનવા પ્રમાણે તું હકીકત જણાવશે તો એમને સંતોષ થશે. બીજું મેં સ્વાતિને ગોળગોળ કહી દીધું છે કે, ‘હું જાલમકાકાના ત્યાં કાયમ માટે જાઉં છું, પણ તમને ભાઈબહેનને હાલ સાથે નહિ લઈ જઈ શકું. તમારે મારી પાસે વહેલાં આવવું હોય તો તમારે ખાવાપીવાનું છોડી દઈને રડ્યે જતાં મારી પાસે આવી જવાની જીદ પકડી રાખવાની. દાદી દયાળુ અને જીવાળ છે, એટલે તમને વધુ રડવા ન દેતાં મારી પાસે મોકલી આપશે. કુટુંબમાં એમનો એવો પ્રભાવ છે કે બધાંને એમનું કહ્યું કરવું જ પડે.’”
‘તો.. તો મને લાગે છે કે સાંજ સુધીમાં છોકરાં તારી પાસે આવી જ જશે. બોલ, બીજું કંઈ મારા લાયક કામકાજ હોય તો જણાવ. બાકી અમે પરવતની હોઈ તથા સ્થાનિક સંસ્થામાં મનિષની નોકરી હોઈ એક મર્યાદાથી વધારે પ્રત્યક્ષ રીતે તને મદદરૂપ નહિ થઈ શકીએ.’
‘તારા અને જીજુ પરત્વેના મારા ગળા સુધીના વિશ્વાસ અને હૈયાધારણના સહારે મેં જોખમી પગલું ભર્યું છે, નહિ તો એ ખલનાયકના માનસિક ત્રાસથી કાં તો મેં મારું જીવન ટુંકાવી નાખ્યું હોત અથવા તો એની ઘરવાળી બિચારીને જિંદગીથી હાથ ધોઈ નાખવા પડત.’
મીનાક્ષી સાથેની વાત પૂરી થઈ. મનિષ સ્નાન પતાવીને મારી સામે બેઠા. મેં પૂછ્યું, ‘મનિષ, મારો નાસ્તો કરવાનો મુડ નથી. તમારા એકલા માટે જે કહો તે બનાવી આપું.’
‘મારી પણ મુદ્દલેય ઇચ્છા નથી. ચાલ, આપણે છોકરાંને ફોન કરીએ.’

‘પછી ફોન કરીશું, હાલ હું વ્યથિત છું. બીજું મનિષ, તમે બાથરૂમમાં હતા ત્યારે મીનાક્ષીનો ફોન આવ્યો હતો. છોકરાં અંગે પૂછતી હતી. બીજી ખાસ વાત કે તેણે તેના પુનર્લગ્ન પાછળના કારણને તમને એકલાને જણાવવાની મને રજા આપી દીધી છે. મેં તેને ખાત્રી આપી છે કે એ રહસ્ય આપણા બે પૂરતું સીમિત જ રહેશે, આગળ નહિ વધે.’
‘તેં જ રજા મેળવી હશે. હું જાણું ને કે તું મારાથી કશું જ છુપાવી ન શકે. તો કહી જ દે કે જેથી મારા મનનું સમાધાન થાય.’
‘હમણાં જ તમે નહોતું કહ્યું કે વિધવા સ્ત્રીનું શોષણ ઘરમાં અને ઘર બહાર થતું હોય છે. આપણા સમાજે વિધવા સ્ત્રીને ભલે ગંગાસ્વરૂપનું બહુમાન આપ્યું હોય, પણ લોકોનો તેની સાથેનો વ્યવહાર તો અભદ્ર જ હોય છે. એમાંય વળી વિધવા સમાજને તો પહોંચી વળી શકે, પણ કુટુંબીજનો કે આપ્તજનો આગળ એ લાચારી અનુભવતી હોય છે. ઘરવાળાં તરફથી થતું શોષણ કે માનસિક ત્રાસ એવાં હોય છે કે જે કહ્યાં પણ ન જાય અને સહ્યાં પણ ન જાય. મીનાક્ષીના કિસ્સામાં પણ વાડ જ ચીભડાં ગળે જેવી સ્થિતિ થઈ હતી. તેની સુંદરતા તેની દુશ્મન બની હતી. તેનો દિયર મુકેશ રાવજીની હયાતીમાં પણ ઘણીવાર તેને અડપલાં કરતો, પણ એક દિવસે તેણે રાવજીને કહી દેવાની ધમકી આપી હતી ત્યારથી તે માપમાં આવી ગયો હતો. પછી તો મુકેશ પરણી ગયો અને તેનામાં થોડું થોડું પરિવર્તન આવવા માંડ્યું, આમ છતાંય તે મોકો મળતાં મીનાક્ષીને લોલૂપ નજરે જોયા વગર રહી શકતો ન હતો.’
‘આનો મતલબ તો એ થયો કે મીનાક્ષી પરણીને આવી ત્યારથી જ તેના દિયર તરફથી તેને માનસિક ત્રાસ હતો. વળી બિચારીને વિધવા થયા પછી તો તેના તરફથી ઘણી હરકતો સહન કરવી પડી હશે, ખરું કે નહિ?’

‘મીનાક્ષીના ઘરનો ખૂણો પાળવાના દિવસોમાં પણ એ નફ્ફટાઈપૂર્વક છોકરાંને મળવા અને રમાડવાના બહાને તેના ઘરે આવતો હતો. તેની બેશરમીએ એવી તો હદ વટાવી દીધી હતી કે મરનાર મોટાભાઈની આમન્યા અને માતાતુલ્ય વિધવા ભાભીમાની માનમર્યાદા જ સાવ વીસરી ગયો હતો.’
‘અનસૂયા, આવી અકળાવી નાખતી પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા મીનાક્ષીને યોગ્ય માર્ગદર્શનની જરૂર હતી. તેં આ સઘળી વાત મારી સાથે પહેલાં શેર કરી હોત તો આપણે કોઈક માર્ગ કાઢત! ખેર, બીત ગઈ સો બાત ગઈ; હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને થોડી બદલી શકાય?’
‘મનીષ, તમે કદાચ નહિ માનો પણ મીનાક્ષીએ એના દુ:ખની વાત તો તેણે પુનર્લગ્નનો નિર્ણય લીધા પછી ચારેક દિવસ પહેલાં જ મને કરી. મેં એને વારવાની કોશિશ કરી, પણ તેણે સ્પષ્ટ કહી દીધું કે જાલમે અને તેણે મક્કમ નિર્ણય લઈ જ લીધો હોઈ હવે પુનર્વિચારને કોઈ અવકાશ નથી. જાલમ તેને હવે વધુ લાંબા સમય સુધી આવી દુ:ખમય સ્થિતિમાં રાખવા માગતો ન હતો.’
‘મારું મન કહે છે કે હું તેની સાથે સીધી વાત કરું. તારા મોબાઈલ ઉપર મને સ્પીકર ઓન કરીને નંબર જોડી આપ, કે જેથી તું પણ સાંભળી શકે.’
મેં નંબર જોડીને મનિષને ફોન આપ્યો. તેમની વચ્ચે આમ વાત થઈ.
‘હેલો મીનુ, હું જીજુ. બહેન તેં તો મને અને આખા ગામને મોટી સરપ્રાઈઝ આપી. અનુએ મને અર્ધીપર્ધી વાત કરી છે, બાકીનું હું તારા મોંઢે સાંભળવા માગું છું. તું ખુલ્લા દિલે મને કહે. સાંભળ, દુ:ખ વહેંચવાથી દુ:ખ ઘટે અને સુખ વહેંચવાથી સુખ વધે.’
‘…..’

‘જો મીનાક્ષી, તું તો રડવા માંડી! ચાલ, તારા સુખની વાત કર; આપણે રોદણાં નથી રોવાં.’
‘મોટાભાઈ, મુકેશ છેલ્લે તો એટલી નીચી પાયરીએ ઊતર્યો કે હું દિયરવટું કરું; નહિ તો તે મારા ઉપર બળાત્કાર કરશે.’
‘તારે કહેવું હતું ને કે તું કુંવારો અથવા વિધુર હોય તો જ દિયરવટું થઈ શકે ને!’
‘મેં એમ કહ્યું તો તેણે જવાબ આપ્યો કે હું તારા વગર એક પળ જીવી શકું તેમ નથી. તું કાં તો મારી રખાત તરીકે રહે અને એ તને મંજૂર ન હોય તો તારી દેરાણીને કાં તો છૂટાછેડા આપું અથવા તેનું ખૂન કરીને પણ તારા માટે જગ્યા કરી આપું. તું મારી ભાભી બનીને આવી હતી, ત્યારથી મારા દિલમાં વસી ગઈ હતી. જો મારો સાચો પ્રેમ હતો એટલે જ તો નાગબાપાએ મારા ભાઈ રાવજીને ડંખ દઈને આપણા બેઉ વચ્ચેનો કાંટો દૂર કરી દીધો!’
‘અરર, મુકેશ આટલી હદ સુધી ગાંડો થઈ ગયો હતો! સગો મોટો ભાઈ અને કાંટો! તેણે તો માણસાઈની હદ ઓળંગી દીધી કહેવાય!’
‘…..’
‘જો મીનુ, ઈશ્વરને ખાતર રડીશ નહિ; નહિ તો હું ફોન કાપી નાખીશ.’
‘જીજાજી, છેલ્લે મેં તેને ધમકી આપી કે જો તું મને ત્રાસ આપવાનું બંધ નહિ કરે તો હું બંને છોકરાં સાથે આત્મહત્યા કરીશ. તેણે ખંધાઈપૂર્વક જવાબ આપ્યો કે તો તો તમારા ત્રણ પછી ચોથો આત્મહત્યા કરનારો હું હોઈશ અને આપણે ચારેય જણ ઈશ્વરના ત્યાં આરામથી શેષ જિંદગી પૂરી કરીશું!’
‘મીનાક્ષી, તારી આ બધી કેફિયત સાંભળીને મને તો એમ લાગે છે કે તેનું માનસ વિકૃત થઈ ગયું હોવું જોઈએ. અત્યાર સુધી તને મેળવી શકાશે એ આશાએ તેણે હદ ઓળંગી નથી, પણ હવે તારા પુનર્લગ્નથી તેનું બધું જ લૂંટાઈ ગયું એમ માનીને તે હવે તમારા બંને ઉપર આક્રમક બની શકે છે. મારી સલાહ છે કે તમારે બંનેએ ખૂબ જ સાવચેત રહેવું. જે માણસ પોતાના સ્વર્ગસ્થ ભાઈનાં સંતાનો અને ભાભીના મોતને સહજ ગણે છે, જે તને પામવા માટે પોતાની પત્ની સુદ્ધાંનું કાસળ કાઢવા માટે પણ તૈયાર છે તેના ઉપર કોઈ ભરોંસો મૂકી શકાય નહિ. વળી બીજી શક્યતા એ પણ છે કે તારા પુનર્લગ્નથી તે હતાશામાં એવો તો ઘેરાઈ ગયો હોઈ શકે કે તે પોતે આત્મહત્યા પણ કરી બેસે. આમ ખરેખર જો તે ટળે તો તારે જરાય લાગણીશીલ થવાનું નથી, કેમ કે છેલ્લા એક દસકાથી તેણે તને હેરાન-પરેશાન કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. તારે તો એમ જ માનવાનું કે ધરતી ઉપરથી એક પાપીનો બોજ ઓછો થયો!’
હું મીનાક્ષી અને મનિષની વાત સાંભળતાં સાંભળતાં વિચારતી રહી કે મનિષે દસ દસ વર્ષથી ઘોળાયે જતી આ કરુણ દાસ્તાનને હમણાં જ જાણી છે અને છતાંય તે હવે પછી સંભવતઃ ઘટનારી ઘટના અંગેના પોતાના અનુમાનમાં કેટલા બધા ચોક્કસ છે. ખરે જ, મીનાક્ષીની સમસ્યાની જાણ મનિષને વહેલી થઈ હોત તો તેઓ તેનો સરસ ઉકેલ લાવી શક્યા હોત! ખેર, હવે જોવાનું એ રહે છે કે મુકેશ, મનિષના કયા અનુમાનને સાચું ઠેરેવે છે!
મનિષ મીનાક્ષી સાથેની વાતચીત પૂરી કરીને મારો મોબાઈલ મારી સામે હજુ ધરી રહ્યા છે, ત્યાં તો મહેલ્લામાં ધડબડ ધડબડ એવાં પગલાંના અવાજે લોકો ગામકૂવા તરફ દોડતા જોવામાં આવ્યા. પાડોશી બેચરકાકાએ દોડતા એક જણને પૂછ્યું, ‘અલ્યા, કેમ દોડો છો?’ અને જવાબ મળ્યો, ‘કરસનદા મુખીના મુકેશે ગામકૂવામાં પડતું મેલીને આપઘાત કર્યો છે!’
બેચરકાકા ગામકૂવે જઈ આવીને અમારા આગળ તરેહ તરેહની લોકવાયકાઓનું બયાન કરવા માંડ્યા. કોઈ કહે છે, ‘છોકરાં રઝળાવીને ભાભી નાતરે ગઈ તે બિચારાને ગમ્યું નહિ!’ કોઈ કહે છે, ‘ભાઈને બાયડી ગમતી નહોતી, એટલે ન્યાતનો દંડ ભરીને તેને છૂટી કરીને રૂપાળી ભાભીને ઘરમાં ઘાલવી હતી; પણ મનની મનમાં જ રહી અને હતાશામાં કૂવોહવાડો કરવો પડ્યો!’

મનિષે હળવેકથી બેચરકાકાને પૂછ્યું, ‘વડીલ, આપ તો જમાનાને ઓળખી ચુકેલા છો. આપનું શું અનુમાન છે?’
બેચરકાકાએ ખોંખારો ખાતાં કહ્યું, ‘અનુ દીકરીના સાંભળતાં કહેવું પડે છે, પણ મને તો વાત જુદી જ લાગે છે. બેટમજીએ એકતરફા લટ્ટુ બનીને ભાભીને આડો સંબંધ બાંઘવા ખૂબ પજવી લાગે છે! પેલી બિચારી કંટાળીને બીજે જતી રહી, એટલે હાથ ઘસતા રહી ગયા અને નિરાશ થઈને જીવન ટુંકાવવું પડ્યું!’
મનિષે મારી સામે જોઈને માર્મિક સ્મિત કર્યું. બેચરકાકાના ગયા પછી તેમણે મને કવિ કલાપીના એક કાવ્યની કડી ‘દર્દીના દર્દની પીડા વિધિનેય દીસે ખરી’ સંભળાવીને અફસોસ વ્યક્ત કર્યો કે મીનાક્ષીને તેના દર્દનું ઔષધ મળ્યું તો ખરું; પરંતુ ક્યારે, પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને!
– વલીભાઈ મુસા

8 thoughts on “પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને! – વલીભાઈ મુસા

  1. આમ જુઓ તો વિષય જુનો છે. પણ કથાશૈલિ તો વલદાનીજ અભટલે વાંચવાની મઝા આવી. દાવડા સાહેબને પણ અભિનંદન.

    Like

  2. એકવાર વાંચન શરુ કર્યા પછી અંત સુધી વાંચક્ને પકડી, જકડી રાખવામાં વલીભાઈ પાવરધા છે! ભલે વિષય જુનો હોય, પણ કપડાની ફેશનની જેમ પુનરાવર્તન થાય તો ફેશન જ ગણાય! મને તો મજા પડી ગઈ! વલીભાઈને અભિનંદન.

    Like

  3. મિત્રો,

    જોગસંજોગે કોઈ વાર્તા કે ચલચિત્રની પટકથામાં થોડાઘણા અંશે મળતાપણું આવે જ. આવું ઘણીવાર બનતું હોય છે, કેમ કે છેવટે તો લેખકો સમાજમાંના લોકોના જીવાતા જીવનમાંથી જ પાત્રોનાં સર્જન કરતા હોય છે. કોઈક વિચાર એક જ હોય, પણ જુદાંજુદાં માધ્યમોમાં તેની રજૂઆતો એકબીજાથી અલગ પણ હોય!

    સાહિત્યમાં, ઘણીવાર આલંકારિક પ્રતિકાત્મક શબ્દપ્રયોગો એક અથવા બીજી રીતે તેમ જ યથાવત્ અથવા ઓછા કે વધતા અંશે રૂપાંતરિત સ્વરૂપે મળતા આવતા હોય છે. જ્યારે હું અનુસ્તાક કક્ષાએ અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે એકીસાથે મારે ગુજરાતીમાં શ્રી ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી રચિત ‘સરસ્વતીચન્દ્ર’ ભાગ-૪ અને અંગ્રેજીમાં Thomas Hardy રચિત ‘The Return of the Native’ વાંચવાનું બન્યું હતું. મેં મારા ગુજરાતી અને અંગ્રેજીના બંને વિભાગીય વડા સાહેબોના ધ્યાને એક વર્ણનની તે બંનેમાં સામ્યતા હોવાની વાતને લાવી દીધી હતી. બંને વર્ણનો અનુક્રમે નદી અને પહાડી પગદંડી વિષેનાં હતાં. એ બંનેમાં સામાન્ય શબ્દસમૂહો કે વાક્યો કંઈક આ પ્રમાણે હતાં : “તે (બંને) વયોવૃદ્ધ માણસના માથા ઉપરની સેંથી (Parting line) ની જેમ પસાર થઈ રહ્યાં હતાં.”

    Like

  4. સુંદર વાર્તા….
    મા વલીજી
    આપને અમારા સ્ત્રી વર્ગના આક્રોશ કેવી રીતે સમજાય છે?
    ‘સ્ત્રીને ઘર અને બહાર બંને લોકો અપમાનિત કરે તેમ કેમ ચાલે !!! આપણે કેહવાતા ધાર્મિક લોકો વધારે જડ છીએ. વધારે દંભી છીએ. માણસાઈ ને નવે મુકતા આપણને જરાયે વાર નથી લાગતી. સ્ત્રી સન્માન તો આપણા સ્વભાવમાં જ નથી.
    બધી જ સુંદર સ રસ વાર્તા લખનાર તમને સાગમટે ધન્યવાદ

    Like

  5. આભાર બહેનજી. ‘વલીજી’ સંબોધન સારું લાગે છે. ‘મોટાં (કે પછી એકાદ બે વર્ષ નાનાં!) બહેન તો છો ને! તબિયત કેમની છે, બહેના? પુરુષમાત્ર સ્ત્રી સાથે દીકરા, ભાઈ, પિતા કે પતિ સ્વરૂપે જોડયેલો હોય જ છે. પુરુષ સ્ત્રીને જો આ ચાર સગાંએ જોવાની દૃષ્ટિ કેળવે તો અર્ધી સામાજિક સમસ્યાઓ હલ થઈ જાય!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s