જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૦ (જયશ્રી વિનુ મરચંટ)


અય મેરે પ્યારે વતન, તુઝપે દિલ કુર્બાન”

ઓગસ્ટ ૨૦૧૬, ૧૩ અથવા ૧૪મી એ અહીં ફ્રીમોન્ટમાં, ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હતી. પસીઓ પાદરે પર સવારના પરેડ અને પછી આખા દિવસના મનોરંજનની પણ વ્યવસ્થા હતી. ઓફ કોર્સ, જ્યાં દેશની વાત આવે અને ભારતીય વાનગી શોખીન પ્રજા માટે જો મનગમતાં ભોજન ન હોય તો કોઈ પણ ફંકશન સફળ કહેવાય જ ક્યાંથી? આથી જ, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, ભાતભાતના દેશી ફૂડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મારા એક બે મિત્રોએ પરાણે, તે દિવસે સવારે, એમ કહીને મને ઘરમાંથી બહાર ખેંચી, કે, “તારો ફેવરીટ એક્ટર, મનોજ બાજપાઈ ગ્રાન્ડ માર્શલ તરીકે આવવાનો છે. ધ્વજવંદન પછી, ખાઈ-પીને, પરેડ જોઈને, પાછી આવી જજે. શોપિંગમાં તો તને ક્યારેય રસ જ ક્યાં છે?” મારો “ના” જવાબ તો કોઈ સાંભળવાના નહોતા! ૩૮ વરસથી અમેરિકામાં હોવા છતાં, આજે, હું પહેલી વાર જ, અમેરિકામાં ઉજવાતા ઈન્ડીપેન્ડન્ટ ડેમાં જઈ રહી હતી. ખબર નહીં કેમ, ઓચિંતી જ, એંસીના દાયકાના પ્રારંભમાં, વિનુ અને હું,-અમે-, અમારા સંતાનોને, ફિલાડેલ્ફિયાથી ન્યુ યોર્ક, બોલીવુડના શો બતવવા લઈ જતાં હતા, એની યાદ આવી ગઈ!
અંતે અમે, ૨૦૧૬ની સવારે, ફ્રીમોન્ટના સ્વાતંત્ર્ય દિનના સેલીબ્રેશનમાં શામિલ થવા આવી પહોંચ્યા. મારા મિત્રો કોફી લેવા સ્ટારબક ગયા હોવાથી હું એમની રાહ જોતી એકલી જ ઊભી હતી. મારી બાજુમાં એક એંસી-પંચોતેર વરસની આજુબાજુ લાગતા, શીખ પતિ-પત્ની ઊભા હતા. ત્યાં જ સરદારજીએ મને ખભા પર ટેપ કરીને વિનયપૂર્વક, હિંદીમાં પૂછ્યું, “બહેનજી, સસ્રિયકાલ. આપ મારી પત્નીની ધ્યાન રાખશો, હું પાછો ન આવું ત્યાં સુધી? એ બ્લડપ્રેશરની દવા મારી ગાડીમાં ભૂલી ગઈ છે. અને દવા લેવાનો એનો ટાઈમ ક્યારનો થઈ ગયો છે, આથી મારે દવા લેવા મારી કારમાં જવું જ પડશે. પાર્કીંગ ઘણું દૂર છે. ઓછામાં ઓછી, મને વીસથી પચ્ચીસ મિનિટ તો લાગશે.” મેં કહ્યું, “જરૂરથી જાઓ. હું છું.” સરદાર બહેનજી હાથ જોડીને, હિંદીમાં બોલ્યા, “સસ્રિયકાલ બહેનજી. મારું નામ અમનપ્રીતકૌર છે.” મેં પણ હાથ જોડ્યા અને મારું નામ કહ્યું. એટલામાં તો ધ્વજવંદન, ઈન્ડિયન કાઉન્સીલ જનરલને હાથે પાંચ મિનિટમાં થશે એની એનાઉન્સમેન્ટ થઈ. મેં કહ્યું, “ભાઈ ધ્વજવંદન મીસ કરશે બહેનજી.” એમણે થોડા ઉદાસ ચહેરે કહ્યું, “હું ચાહતી જ હતી કે એ ના જુએ ધ્વજવંદન. જો ધ્વજવંદન જોશેને તો આ ધ્વજને, સલામ ભરીને અહીં તો રડશે પણ એના પછી પણ એ ન જાણે કેટલાય દિવસો સુધી રડશે!” હું હજુ વધુ વાત કરવામાં એન્ગેજ થાઉં, એટલી વારમાં, મારા મિત્રો કોફી લઈને આવી ગયા. ધ્વજવંદન પતી ગયું હતું. અમે ચાર બહેનપણીઓ આવી હતી. મારા સિવાય, બધાને દેશી કપડાંના શોપિંગ માટે જવું હતું. મેં કહ્યું, “તમે સૌ જાઓ, હું અહીં બેઠી છું, અમનપ્રીતકૌર બહેનજી સાથે. આમેય મારો પગ દુઃખે છે તો, તમારું શોપિંગ પતી જાય તો ટેક્ષ્ટ મી, અને જણાવજો કે, ક્યાં મળવું છે.” બધાં ગયા પછી, હું બહેનજી પાસે બેઠી. એમની આંખોમાં ઝળઝળિયાં હતા. મેં એમનો હાથ મારા હાથમાં લઈને સહેલાવ્યો. મારાથી ઉંમરમાં સહેજે આઠ-નવ વરસ મોટાં અમનકૌર બહેનને આમ ઢીલાં પડી ગયેલા જોઈ મને સમજાતું નહોતું કે બીજું શું કરી શકું. થોડા શાંત થઈ એમણે પોતાને સંભાળી લીધાં અને પછી કહ્યું, ઓફકોર્સ, હિંદીમાં જ, “આપને મારા કારણે અમસ્તાં જ બેસવું પડ્યું એનું મને દુઃખ છે. ક્ષમા કરજો બહેન, પણ આ ઉંમરે હવે, એમને આમ દર વરસે, પંદરમી ઓગસ્ટના સમારંભમાં, દેશને યાદ કરીને, રડતાં નથી દેખી શકાતું! એક જીવનથી પણ મોટી સજા, પોતાની ભૂલની, તેઓ, ખુદને જ આપી રહ્યા છે, વરસોના વરસોથી!”
હું કઈં પણ કહ્યા વિના ચૂપચાપ બેઠી હતી. મારે એમને પૂછીને એમના જૂના જખમને વધુ ખુરેદવો નહોતો પણ, બહેનજીને આજે હ્રદયનો બોજ ઠાલવી નાંખવો હતો. એ બોલ્યાં, “અમારું ખાનદાન, મારા પિયેર અને સાસરેથી, આર્મીનું જ છે. બેઉ પક્ષેથી, છેલ્લી પાંચ કે છ પેઢીથી, કુટુંબના એકેએક મરદે ઈન્ડિયન આર્મીમાં આજીવન સેવા આપી છે અને આજે પણ આપી રહ્યા છે. બસ, આ પરંપરા, અમારા બેઉ દિકરાઓ, ભારત મા માટે નહીં નિભાવી શકે, એ પણ, મારા પતિને લીધે, એનો રંજ, એમને, આજ સુધી રહ્યો છે અને બાકીની જિંદગીમાં પણ રહેશે.” આ સાંભળીને મારાથી બોલી જવાયું, ખરેખર તો મારે કઈં જ બોલવું નહોતું છતાંયે બોલાય જવાયું, “એવું શું થયું હતું, પણ હા, તમને તકલીફ પડે તો ખરેખર નહીં કહેતા બહેન!” અમનપ્રીતકૌર ડૂમા ભરેલાં અવાજે બોલ્યાં, “બહેન, ૧૯૭૧, ડિસેમ્બરમાં, બંગ્લા દેશની લડાઈમાં, ભારતે પોતાની મિલીટરી ઉતારી જેથી “મુક્તિબાહિની”- લોકલ બંગ્લા દેશની સેનાને સપોર્ટ મળે, અને સામા પક્ષની આર્મીના અત્યાચારમાંથી સ્વતંત્રતા અપાવી શકે. આ સમય દરમિયાન, મારા પતિ, મેજર જગત સીંગ, એમની ટુકડી સાથે ઢાકા યુનિવર્સીટીના એરિયાને રક્ષણ આપી રહ્યા હતા. સામા પક્ષની આર્મીના સિપાઈઓ, યુનિવર્સીટીમાંથી જુવાન હિંદુ અને બંગાલી કન્યાઓને ઉપાડી જઈને, ઢાકાની છાવણીમાં, એમના પર અત્યાચાર ગુજારતા અને બલાત્કાર કરતા હતા અથવા મારી નાખતાં. મારા પતિની ટુકડીના સૈનિકો, યુનિવર્સીટીના અનેક બિલ્ડિંગોમાં છુપાયેલી કન્યાઓ અને સ્ત્રીઓને, રાત-દિવસ રક્ષણ આપી રહ્યા હતાં. યુધ્ધ વિરામના ત્રણ દિવસ પહેલાં, સામી આર્મીના ખબરીએ, સાદા લિબાશમાં આવીને, જગતજીને પૂછ્યું કે, “મારી દિકરી અહીં, યુનિવર્સીટીથી ઘરે નથી આવી શકતી તો એ આટલા મોટાં કેમ્પસમાં ક્યા મકાનમાં છુપાયા છે, એ મહેરબાની કરીને કહેશે તો ઉપરવાળો તારું ભલું કરશે. મારે ફક્ત એટલું જ જાણવું છે કે મારી દિકરી સલામત છે.” જે બિલ્ડિંગને મારા પતિ અને અન્ય ત્રણ સિપાહી ગાર્ડ કરી રહ્યા હતા ત્યાં જ આ કન્યાઓ હતી. કેટલાય દિવસોથી, મારા પતિ દિવસરાત એક કરીને, પોતાની ટુકડીને પ્રોત્સાહન આપતાં હતાં અને એમની ડ્યુટી કરી રહ્યા હતાં. વેશ પલટો કરીને આવેલો એ સૈનિક કે ખબરી એટલી તો કન્વીન્સીંગ એક્ટિંગ કરીને રડતો હતો કે એમણે કોઈ નબળી પળે ઈન્ફરમેશન આપી દીધી! બસ, એ જ રાત્રે, બરાબર બે વાગે સવારના, સો માણસોની સામેવાળાની સેના ત્યાં આવી. મારા પતિને અને બીજા સૈનિકોને કેદ કર્યા અને એ સ્ત્રીઓ અને કન્યાઓને…..એમની સામે જ…………મારાથી તો બોલાતું પણ નથી… ને, આ ઘટનાનો બોજો, જગતસીંગજી પળપળ ઝેલીને, આમ જ અનેક સાલોથી જીવી રહ્યાં છે!” અને બહેનજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં..! અમારી આજુબાજુ ચહલ પહલ અને અનેક લોકોની ભીડ હતી પણ એની પરવા વિના, તેમનો બંધ વહી નીકળ્યો હતો! એમણે આગળ ચલાવ્યું, “ડિસેમ્બરની ૧૬, ૧૯૭૧ને દિને યુધ્ધ બંધ થયું, મારા પતિ અને એમની ટુકડીના સૈનિકો સહિત યુધ્ધ કેદીઓની, બેઉ પક્ષે અપ-લે થઈ. એમની ટુકડી અને એમના સૈન્યના વડાઓને પોતે સાચી વાત કહી. બધા જ એમને સમજાવતાં રહ્યાં, કે, જે થઈ ગયું એ ખૂબ જ ખરાબ થયું પણ એમણે કાનૂની રીતે હકીકતને ખુલ્લે આમ બ્યાન કરી અને ઢાકા યુનિવર્સીટીના એ બિલ્ડિંગમાં સંતાયેલી, એ કન્યાઓ અને સ્ત્રીઓ સાથે થયેલા કુકર્મ અને હત્યાકાંડની બધી જવાબદારી સ્વીકારી. એ ઘરમાં કે મિલીટરીમાં, એક જ વાત કહેતા, “હું એ નિર્દોષ, કન્યાઓ અને સ્ત્રીઓની સાથે જે થયું એને માટે મારી જાતને માફ જ કરી શકતો નથી. આ વાત છુપાવી શકું, એવું મારું કાળજું નથી!” એમનો રેકોર્ડ અને ફેમિલીની હિસ્ટરી જોઈને, એમને સર્વિસમાંથી, કોઈ પણ સજા આપ્યાં વિના, ફક્ત બરખાસ્ત કરવામાં આવ્યાં, પણ, એમને પોતાને સજા આપવાનું નક્કી કરી લીધું હતું. ત્યાર પછી, બે દિકરા અને અમે, બોટમાં બેસીને, ખૂબ તકલીફો સહી, અમેરિકા આવ્યાં. ભારત છોડ્યા પછી, અમે પાછા કદી ન ગયાં. અહીં ખૂબ મહેનત મજદૂરી કરી, ને, “એ” તો આજે પણ કરે છે.”
પછી, ઉદાસ આંખે, બહેનજી, શૂન્યમાં જોતાં હોય તેમ, ને જાણે, સ્વગત જ બોલતાં હોય એમ બોલતાં રહ્યાં, “એમને પોતાના વતન માટે એટલો બધો પ્રેમ છે, છતાં, અહીં હિજરાતાં જીવ્યા કરે છે! જો અહીં ભારતનો ઝંડો લહેરાવતાં જોયો હોત, તો, સલામ કરીને, નાના બાળકની જેમ રડતા હોત! ગયા વરસ સુધી, દર પંદરમી ઓગસ્ટના સમારંભમાં, આવું જ કરતા, પણ આજે મેં મારી જાતને કહ્યું કે નહીં, હવે, આ ઉંમરે, મારાથી સહન નથી થતું કે એ અહીં આવે ને પછી બચ્ચાની જેમ રડે! આથી હું જાણી કરીને દવા ભૂલી આવી જેથી એ ધ્વજવંદન ન જોઈ શકે! તોયે ઝંડો જોશેને, તો, એમની આંખોમાં પાણી તો આવશે જ.,! હું અને મારા દિકરાઓ કાયમ એમને કહીએ છીએ, કે, “તમે ભારતથી દૂર રહી, કદી પાછાં ત્યાં ન જઈને, કેટકેટલાં વર્ષોથી, પોતાને જ આટલું બધું દુઃખ પહોંચાડ્યું છે! ક્યાં સુધી આમ જ પોતાને ટોર્ચર કર્યા કરશો?” તો, એમનો એક જ જવાબ હોય છે, “છેલ્લા શ્વાસ સુધી!” એમણે પોતે જ, પોતાની જાતને, દેશનિકાલની સજા આપીને, પોતાના મરણ પર્યંત, ખુદને વતન માટે તડપતાં રાખવાની જાણે ઠાની જ લીધી છે!” અમનપ્રીતકૌરના મનનો ઊભરો નીકળી ગયો હતો. દૂરથી જગત સીંગજી આવતાં દેખાયા. મારાથી અમનપ્રીતકૌરને અનાયસે એક હગ અપાઈ ગઈ. હજી, જગત સીંગજીને આવતાં બે-એક મિનિટ થવાની હતી. મેં બહેનજીને પૂછ્યું, “તમારા દિકરાઓ પણ હવે તો મોટા થઈ ગયા હશે! બેઉ જણા શું કરે છે?” એમણે સહજતા કહ્યું, “બેઉ છોકરાઓ ડોક્ટરી ભણ્યાં અને હવે અમેરિકન આર્મીમાં અફઘાનીસ્તાનમાં સેવા આપી રહ્યાં છે.” ત્યાં સુધીમાં જગત સીંગજી આવી ગયાં અને પાણીની બોટલ ખોલી ને બ્લડપ્રેશરની દવા પત્નીને આપી. પછી આર્મીના પોઝમાં, ધ્વજને જોઈ, સેલ્યુટ કરી, “જય હિંદ” બોલ્યાં, ને આંખોમાં આવેલાં પાણી, ગાલ પર વહી જવા દીધાં, લૂછ્યાં વિના! મારી તરફ ફરીને પછી કહ્યું, “થેંક્યુ, બહેનજી.” પછી પોતાનું કાર્ડ કાઢીને આપ્યું, “કભી ભી ઉબર કી જરૂરત પડે તો યાદ કર લેના મૈં ઉબર ચલાતા હું.” મેં કાર્ડ લીધું ને પર્સમાં મૂક્યું. “બાય” કહીને, હસીને હું પાછી વળતી હતી, મારો ફોન જોતાં-જોતાં. મારી સખીઓનો ટેક્ષ્ટ આવી ગયો હતો. મારી સહેલીઓને વળતો ટેક્ષ્ટ કરતાં-કરતાં, કોણ જાણે, શુંય મારા મનમાં આવ્યું, કે, હું પાછી વળી અને જગત સીંગજીના પગે પડી. તો એ કહે, “અરે, અરે, નહીં, યે મત કિજીયે બહેનજી!” એમને પ્રણામ કરી, પાછું જોયા વિના, નીકળી ગઈ. મારી બહેનપણીઓને મેં મેસેજ કરી દીધો હતો, “આઈ એમ ઓન માય વે.” મારી બહેનપણીઓ ફોટોબુથ પાસે, મારી રાહ જોતી ઊભી હતી. સામે જ લંચ માટે અનેક બેન્ચીસ હતી. ગોળાકારમાં પથરાયેલાં આ એરિયામાં અનેક દેશી ફૂડના સ્ટોલ્સ હતાં. પૂર્વની દિશામાં એક નાનો સ્ટેજ સરસ રીતે સજાવેલો હતો ને ત્યાં “દેશી-બેન્ડ”, બોલીવુડના ગીતોને લાઈવ પરફોર્મ કરી રહ્યું હતું. લાઉડ સ્પીકરમાં એમસી એનાઉન્સમેન્ટ કરી રહ્યો હતો, “અબ આપ, હમારે અપને, બે એરિયાકે લોકલ મુકેશ ઓર કંચનકી આવાજમેં સુનિયે, “કુરબાની”કા યહ ગીત, “હમ તુમ્હેં ચાહતે હૈં ઐસે, મરનેવાલા કોઈ જિંદગી ચાહતા હો જૈસે!”

6 thoughts on “જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૦ (જયશ્રી વિનુ મરચંટ)

 1. જયશ્રીબેન
  તમારા લખાણો વિષે અગાઉ લખ્યું છે એટલે repeat નથી કરતો. આજનો આ લેખ મારે માટે ખુબ અંગત છે. આ લેખ વાંચીને મારાથી પણ ગડગડા થઈ જવાયું. આંખોમાં આંસુ પણ આવ્યા. ભારતથી અહીં આવ્યો (દેશ છોડી અહીં આવ્યો એમ નથી કહેવાતુ) એનું જરા પણ દુખ નથી. દુખ છે ભણતર પતાવીને અને થોડો અનુભવ લીધા પછી પાછા ન જવાનું. આ નિર્ણયથી મા-બાપની અને કુટુંબની સેવા કરવાનો લાભ ગુમાવ્યો એનું દુખ હંમેશ માટે છે અને રહેશે પણ. આ લગણીઓ કદી કોઈ સમક્ષ રજુ કરી નથી શક્યો. ઘણું લખી શકાય એમ છે પણ આટલું પુરતુ છે.
  Dilip Shah
  (By Email)

  Liked by 1 person

 2. The story is of course heart touching , but war and excesses trauma is a psychological disorder and has to be treated by experts.
  Reminded of an excellent film… ‘मैंने गांधीको नहीं मारा । ‘ and excellent justice given by Anupam Kher for the character of an old man having a similar traumatic disorder. It had an excellent poem of Harivansh rai Bachcchan..

  લહરોંસે ડરકર નૌકા પાર નહીં હોતી.
  કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

  નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ,
  ચઢતી હૈ દીવારોં પર, સૌ બાર ફિસલતી હૈ.
  મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ.
  ચઢકર ગીરના, ગીરકર ચઢના અખરતા હૈ.
  આખિર ઉસકી મેહનત બેકાર નહીં હોતી.
  કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

  ડુબકીયાં સિન્ધુમેં ગોટખોર લગાતા હૈ.
  જા જા કર ખાલી હાથ લૌટકર આતા હૈ.
  મિલતી નહીં સહજ હી મોતી ગેહરે પાની મેં.
  બઢતા દુગુના ઉત્સાહ ઇસી હૈરાનીમેં.
  મુટ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી.
  કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

  અસફલતા એક ચુનૌતી હૈ.
  ઇસે સ્વીકાર કરો; ક્યા કમી રહ ગયી ?
  દેખો ઔર સુધાર કરો જબ તક ના સફલ હો.
  નીંદ ચૈન કી ત્યાગો તુમ.
  સંઘર્ષકા મૈદાન છોડકર મત ભાગો તુમ.
  કુછ કીયે બીના હી જય-જય-કાર નહીં હોતી.
  કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

  Liked by 1 person

 3. જો વ્યક્તિ જગત સીંગ જેવી સંવેદનશીલ હોય તો એમના માટે જીવનની કેટલીક ક્ષણો એવી આવી જાય જે આજીવન વેદનાનું શૂળ બનીને પીડા આપે બાકી તો કોણ પોતાની ભૂલની જવાબદારીની વાત દૂર – સ્વીકારવા પણ તૈયાર હોય છે?

  Like

 4. અય મેરે પ્યારે વતન, તુઝપે દિલ કુર્બાન …વાંચતા જ ગણગણાય છોડ઼ કર તેરી જ઼મીંકો દૂર આ પહુંચે હૈં હમ
  ફિર ભી હૈ યેહી તમન્ના તેરે જર્રોં કી કસમ હમ જહાં પૈદા હુયે ઉસ જગહ હી નિકલે દમ…અનુભવાય !
  દેખાય કાબુલીવાલા-ટાગોરજી-૧૯૫૬ તપનસિંહા…૧૯૬૧ ગુપ્તાજી…બિમલજી…સલિ !લજી…કલમ ગુલઝારસાહેબની અને મધુર સ્વર ડે નો અને બલરાજસહાની કાબુલીવાલા …જ્યારે પણ ગીત સાંભળીએ આખ ભીની…………..અમારી દીકરી યામિનીને આ ફીલ્મ પરથી મીની નામ રાખ્યુ હતુ સાથે અવશ્ય યાદ આવે દિલ દિયા હૈ જાન ભી દેંગે. એ વતન તેરે લિએ અમારી દેરાણી ફ્રીમોન્ટ થી આવી છે તેને આ બધુ યાદા આવે !

  શિખ સૈનિકની વાત માણી સહજ હાથ ઉઠ્યો સલામ કરવા…ત્યારે અમેરીકાએ ગાઝી સબમરીન મોકલી હતી જેમા ફાઇટ આપતા અમારા સ્નેહી શહીદ થયા હતા ! અને જય હો માણેક શાજી અને બેઉ છોકરાઓ ડોક્ટરી ભણ્યાં અને હવે અમેરિકન આર્મીમાં અફઘાનીસ્તાનમાં સેવા આપી રહ્યાં ધન્ય અમેરીકા ધન્ય ભારત

  અને મઝાનો એપીસોડનો અંત જેમાં પ્રેમની ઉત્કંઠાને એક નવી જ પરાકાષ્ટા સાથે કવિ ઇન્દીવરે પ્રસ્તુત કરી હતી. યાદ છે ને એ શબ્દો?… “હમ તુમ્હેં ચાહતે હૈં ઐસે, મરનેવાલા કોઇ જિંદગી ચાહતા હો જૈસે…”! એટલાં બધાં હીટ ગાયનો વચ્ચે પણ આ ગાયને પોતાની એક આગવી જગ્યા બનાવી અને તે આજે પણ એટલું લોકપ્રિય છે, કે મનહર ઉધાસને તેમના સ્ટેજ કાર્યક્રમોમાં પણ તેની ફરમાઇશ નિયમિત મળતી રહે છે

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s