મારા શેઠ (પી. કે. દાવડા)


મારા શેઠ

સિવિલ એંજીનીઅરીંગમા ડીગ્રી મેળવ્યા બાદ મારી પહેલી નોકરી એક પ્રાઈવેટ કંપનીમાં હતી. અહીં શેઠ જ બધા નિર્ણય લેતા. હાલમા તેઓ આ દુનિયામા નથી. ત્યારની થોડી રસિક વાતો કરવા આપણે એમનું નામ બદલીને શાંતિલાલ શેઠ કહેશું.

૧૯૬૨ની આ વાત છે. ચીને ભારતની ઉત્તરની સરહદ ઉપર હુમલો કર્યો. દેશભરમાં જવાબદાર સ્થાનોપર બેઠેલા અફસરોએ સાવચેતીના પગલા લેવાના શરૂ કરી દીધા. મુંબઈ મ્યુનિસીપાલીટીના કમીશનરને લાગ્યું કે મુંબઈ માટે પાણીનો ૫૦ % થી વધારે પુરવઠો મુંબઈ બહારથી આવે છે, અને એ પાઈપલાઈનોને વસઈની ખાડી ઉપર બાંધેલા બે માઈલ લાંબા પુલ ઉપરથી લાવવામાં આવે છે. જો ચીન વસઈનો પુલ ઉડાડી દે તો મુંબઈ પાણી વગર પરેશાન થઈ જાય.

તે સમયે મુંબઈમાં વપરાશમાં લેવાય એવા પાણીના માત્ર બે જ તળાવ હતા, તુલસી અને વિહાર. વિહાર તળાવમાંથી ૩૬ ઈંચ વ્યાસની પાઈપ લાઈન નીકળતી હતી. તળાવમાંથી પાણી લઈ આ લાઈન ડેમની અંદરથી આસરે ૧૦૦ ફૂટ લાંબી સુરંગમાં થઈ બહાર આવતી હતી. આ પાઈપ લાઈન અને સુરંગ ૧૦૦ વર્ષ જૂના હતા. કમીશનરને લાગ્યું કે આ ૩૬ ઈંચની પાઈપ લાઈન કાઢી, એની જગ્યાએ ૪૮ ઈંચની પાઈપ લાઈન નાખી દઈયે તો મુંબઈને આપાદ સ્થિતિમાં રાહત થઈ જાય. એમણે મુંબઈના ચાર જાણીતા, અને આવા કામના અનુભવી કોંટ્રેકટરોને બોલાવ્યા, અને ૩૦ દિવસમાં આ કામ પુરૂં કરવા એમની પાસેથી ક્વોટેશન માગ્યા.

હું ત્યારે જે કંપનીમાં નોકરી કરતો હતો એ કંપની વોટર સપ્લાય અને ડ્રેઈનેજન કામમાં ખૂબ આગલી હરોળમાં હતી. મારા શેઠે પોતાના અનુભવના આધારે એક રકમનું કવોટેશન આપી દીધું, અને એના માટે જરૂરી અર્નેસ્ટમનીનો ચેક પણ આપી દીધો. બીજે દિવસે એમણે મને બોલાવીને કહ્યું તું અને થોમસ (બીજા એક એંજીનીઅર) હમણાંને હમણાં વિહાર જાવ અને આ કામમાટે કયા કયા મશીનો અને કેટલા માણસો લાગસે તે નક્કી કરીને મને કહો, આપણે ૩૦ દિવસમાં આ કામ પુરૂં કરવાનું છે.

અમે ત્યાં ગયા. સુરંગથી આસરે ૨૦૦ ફૂટ દૂર હતા ત્યાંથી જ કાદવ-કીચડ, વનસ્પતિ અને ઉંદર વગેરેની શરૂઆત થઈ ગઈ. મહામુસીબતે ટનેલના મોઢાં સુધી તો પહોંચ્યા, પણ ત્યાં સુધીમાં કાદવ કીચડમાં છ ઈંચથી એક ફૂટ જેટલા ઊંડે પગ ખૂંપી જતા. ટનેલમાં અંધારું હતું, ખાસ કંઈ નજરે પડતું ન હતું, અંદર પણ ખૂબ જ વેલ અને પાંદડા દેખાતા હતા. ક્યાંયે વેન્ટીલેટર-સાફ્ટ હોય તો એમાંથી થોડોઘણૉ પ્રકાશ આવે પણ અહીં તો તદ્દન અંધારું હતું. આમાં જાત જાતના ઝેરીલા સાપ હોવાની પુરી શક્યતા હતી. આ કામ ૩૦ દિવસમાં તો શું, છ મહિનામાં પણ કરી શકાય કે નહિં એવી શંકા થઈ. અને પાછા આવી શેઠને અમારો અભિપ્રાય આપ્યો. ત્યારે શેઠ કંઈપણ ન બોલ્યા.

બીજે દિવસે વહેલી સવારે એમણે કમીશનરને બંગલે ફોન કર્યો, અને કહ્યું એક ખૂબ જ અગત્યની અને અર્જંટ વાત માટે મારે મળવા આવવું છે. કમીશનરે હા પાડી એટલે શેઠ એમને બંગલે પહોંચી ગયા, અને એમને કહ્યું, “હું આખી રાત સૂતો નથી. મને અચાનક વિચાર આવ્યો કે અહીં હું વિહારની લાઈન કાપું, અને ત્યાં ચીન વસઈનો પૂલ ઉડાડી દે, તો મુંબઈ એક એક ટીપાં પાણી માટે તરફડે. મારી ઉપર દેશદ્રોહનો ગુનો દાખલ થાય. ભલે તમે મારી અર્નેસ્ટ-મની જપ્ત કરો, મારાથી આવું દેશ વિરોધી કામ નહિં થાય.” કમીશનર ચોંકી ગયા, એમણે કહ્યું, “મને કેમ આ વિચાર ન આવ્યો? મુકદમો તો મારા ઉપર પણ થાય. આજે જ ઓફીસમાં આવો અને તમારી અર્નેસ્ટ-મની ડીપોઝીટ પાછી લઈ જાવ.”

શાંતિલાલશેઠની બીજી એક વાત વધારે રસપ્રદ છે. અમને મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર ૮ માટે વસઈની ખાડી પર એક માઈલ લાંબો રોડબ્રીજ બાંધવાનું કામ મળ્યું. આ પૂલની ડીઝાઈન બનાવવા અમે લંડનની ડોનોવાન લી એન્ડ પાર્ટનર નામની કંપનીને રોકેલી. આ કંપનીના એક એંજીનીઅર, શાંતિલાલ શેઠ અને હું, ડીઝાઈનના અમુક મુદ્દાઓની ચર્ચા કરવા PWD ના ડીઝાઈન એંજીનીઅરોને મળવા ગયા. પૂલની ડીઝાઈનમાં એક વાતનો ખ્યાલ રાખવામા આવે છે કે કોઈપણ કારણથી પૂલનો એક સ્પાન પડી જાય તો પણ એની બન્ને બાજુના સ્પાન સાબૂત રહેવા જોઈએ. જ્યારે સરકારી ઈજનેરે આ વાત પૂછી કે ડીઝાઈનમાં આ વસ્તુ છે કે નહિં, ત્યારે બીજું કોઈ બોલે તે પહેલા શાંતિલાલ શેઠે કહ્યું, “અમે સારૂં કામ કરશું, કોઈ સ્પાન નહિં પડે.” સરકારી ઈજનેરે કહ્યું, “ધારો કે આવું થાય તો તમારી ડીઝાઈનમાં બાજુના સ્પાનની સ્થિરતાની જોગવાઈ છે કે નહિં?” પાછા શાંતિલાલ શેઠ બોલ્યા, “સાહેબ બધું કામ સારું કર્યું હોય તો એક સ્પાન શા માટે પડી જાય?”. સરકારી ઈજનેરે કંટાળીને કહ્યું, “ધારો કે એક સ્પાન ઉપર બોઈંગ વિમાન ટૂટી પડે…”, શાંતિલાલ શેઠ વચમા જ બોલ્યા, “કમાલ છે સાહેબ, ૧૦ કરોડનું વિમાન ટૂટી પડે એની ચિંતા તમને નથી, ફક્ત એક કરોડના પૂલ માટે ક્યારના માથાકૂટ કરો છો”. બધા હસી પડ્યા. પછી લંડનથી આવેલા ઈજનેરે ચર્ચાનો દોર સંભાળ્યો.

બસ આને શેઠ કહેવાય !.

9 thoughts on “મારા શેઠ (પી. કે. દાવડા)

 1. મુ. દાવડા સાહેબ, આને કહેવાય ચરિત્ર લેખ. સાહિત્યકારો એ આમાંથી ઘણું શીખવાનુ છે. કોઈ સાહિત્યકારે તો શાંતિલાલ શેઠ ધોતિયું પહેરતા હતા કે ટોપી? રેડિયા પર ન્યૂ ઝ સાંભળતા કે રેડિયો સિલોનના ગાયનો? તેમની કારની મેક કઈ હતી? કારનો રંગ કેવો હતોમાં વાચકને ગુંચવી નાખ્યો હોત.
  તમે તો મુદ્દાસર લખીને એક વ્યક્તિ ચિત્ર ઉપજાવ્યું છે.. લોકોના માંગીને લાવેલા લેખને ઊંચા મૂકી. આપના અઅવા પ્રસંગો લખવા માંડો તો આપના અનુભવોનો વિપુલ ખજાનાનો લાભ અમને મળે.ધન્યવાદ.

  Liked by 1 person

 2. અનેક વાર ગાયલી પંક્તી યાદ આવી ગઈ.
  કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
  “ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
  પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
  સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”
  પણ તમારા શેઠની વાત બે વાર વાંચી. આવી ચર્ચાઓ ચાલતી હોય ત્યારે રજુ કરી બધાને આશ્ચર્ય ચકિત કરવા જેવી!
  હાલ અમારી ભાણેજ વહુ ટ્રેન્ટનમા સિવિલ એંજીનીઅરીંગ ની સરકારી નોકરી કરે છે તેણે ન્યુ જર્સીમા જુના જમાનામા બે છેડા ન મળ્યા તેવા પુલની વાત કરી ત્યારે લાગ્યું કે અહીં ભારતના બુધ્ધિધનની જરુર રહેવાની.
  આવા બીજા રસિક અનુભવો જણાવતા રહેશોજી

  Liked by 1 person

 3. અહીં ફરીથી વાંચીને રિવિઝન થઈ ગયું. મારા આલ્ફોન્સો સાહેબ યાદ આવી ગયા.
  ———
  “ મિ. જાની ! આ ઘડિયાળને તમારે ખોલવાની છે.” – આલ્ફોન્સો સાહેબે મને કામ સોંપતાં કહ્યું.

  1967ની સાલની આ વાત છે. એક મહિના માટે, મને ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેનન્સ ખાતામાં તાલીમ લેવાનું કહેવામાં આવ્યું હતું. મોટે ભાગે તો હું કોક ને કોક ટેક્નિશિયન કામ કરતા હોય, તે જોતો. પણ તે દિવસે ખાતાના વડા સ્વ. શ્રી. આલ્ફોન્સો સાહેબે મને જાતે કામ કરવા કહ્યું.

  સવારના પહોરમાં જ કોલ યાર્ડના સુપરવાઈઝરની ઓફિસની ઉપર આવેલી , પણ ખોટકાઈ ગયેલી, ત્રણેક ફૂટ વ્યાસ વાળી અને એક ફૂટ પહોળી, ઘડિયાળ ત્યાંનો સ્ટાફ અમારા ખાતામાં સમારકામ માટે મૂકી ગયો હતો. એને ખોલવા સાહેબે મને કહ્યું હતું.

  હું તો સ્ક્રૂ ડ્રાઈવર લઈને મચી પડ્યો. બહાર ખુલ્લામાં રહેવાને કારણે એના સ્ક્રૂ એકદમ કટાઈ ગયેલા હતા. મેં એક સ્ક્રૂ ખોલવા પ્રયત્ન કર્યો; પણ તે તો બહુ જ ટાઈટ હતો. એનું માથું મારા સ્ક્રૂ ડ્રાઈવરથી મરી ગયું, મેં બીજા સ્ક્રૂ પર હાથ અજમાવ્યો. પણ એની પણ એ જ હાલત. હવે ત્રીજા તરફ હું વળ્યો.

  બાજુમાં ઊભેલા અને મારી હિલચાલ નિહાળી રહેલા, આલ્ફોન્સો સાહેબે મને રોક્યો અને કહ્યું, “ આમ તો તું બધા સ્ક્રૂને મારી નાંખીશ..આ સ્ક્રૂ કેમ ખૂલતા નથી?”

  મેં કહ્યું,” એ તો કટાઈ ગયા છે.”

  આલ્ફોન્સો સાહેબ – “ તો પહેલું કામ શું? સ્ક્રૂ ખોલવાનું કે કાટ દૂર કરવાનું?”

  મને તરત મારી ભૂલ સમજાઈ. હું એક કારીગર પાસેથી રસ્ટોલિનની કૂપી લઈ આવ્યો. બધા સ્ક્રૂ પર તેનો છંટકાવ કર્યો.

  આલ્ફોન્સો સાહેબે કહ્યું,” હવે વીસેક મિનીટ પછી સ્ક્રૂ ખોલવા આવીશું.” થોડીક વારે એમણે મને કામ શરૂ કરવા કહ્યું.

  પહેલો સ્ક્રૂ થોડોક ચસક્યો, પણ એનું માથું તો મારાથી ટિચાઈ જ ગયું. હું બીજા સ્ક્રૂ તરફ વળતો હતો , ત્યાં સાહેબે મને રોક્યો. “ આમ તો તું બધા સ્ક્રૂ બગાડી નાંખીશ. તને ખબર પડે છે કે, તારી રીતમાં શું ખામી છે?”

  મને તો કશી સમજ ન પડી. મેં મારું અજ્ઞાન વ્યક્ત કર્યું, એમણે મને સ્ક્રૂ ખોલીને બતાવ્યો; અને સમજાવ્યું કે, ‘ સ્ક્રૂ ડ્રાઈવરને સ્ક્રૂના ખાંચામાં બરાબર સીધું રાખી, તેની પકડ બરાબર આવી છે કે, નહીં તેની ખાતરી કરીને હાથ ધ્રૂજે નહીં તેમ સ્ક્રૂ ડ્રાઈવરને ફેરવવું જોઈએ.”

  હવે મેં તેમણે કહ્યું હતું તેમ કર્યું અને સ્ક્રૂ બરાબર ખૂલી ગયો. આ જ રીતે કામ કરતાં ચોવીસે ચોવીસ સ્ક્રૂ ખૂલી ગયા. પેલા ત્રણેક સ્ક્રૂ , જેમના માથાં મારી અણઆવડતના કારણે મરી ગયા હતા ; તે પણ ચીઝલ ( ટાંકણું?) અને હથોડી વાપરી ખોલવાનું એમણે મને શિખવ્યું.

  હવે આલ્ફોન્સો સાહેબે મને પૂછ્યું ,” બોલ! આજે તું શું શિખ્યો?”

  મેં કહ્યું ,” કાટ લાગેલા સ્ક્રૂ ખોલવાનું.”

  આલ્ફોન્સો સાહેબે કહ્યું,” ના! તને ચાર વાત જાણવા મળી; જે બીજા ઘણા કામોમાં પણ ઉપયોગી થશે.

  1. મૂળ પ્રશ્ન કે તકલિફ શું છે; તે આપણે શોધી કાઢવું જોઈએ.

  2. કામ કરવા માટે શાં શાં સાધન જરૂરી છે; તે જાણી લેવું જોઈએ.

  3. કામ કરવાની રીત બરાબર હોવી જોઈએ.

  4. કામ કરવામાં બહુ ધીરજ રાખવી જરૂરી હોય છે. ખોટી ઉતાવળ કામને બગાડી નાંખે છે.

  આવા હતા અમારા આલ્ફોન્સો સાહેબ. એ દિવસે એમણે આપેલી શિખ આખી જિંદગી યાદ રહી ગઈ છે.

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s