યામિની વ્યાસ-૨ (પી. કે. દાવડા)


કલા અને સાહિત્યમાં ગુજરાત અને ગુજરાતીઓમાં પોતાનું સ્થાન અંકે કરનાર બહેન યામિની વ્યાસ વિશે એક વાત ખાસ જાણવા જેવી છે. એમણે ૧૯૮૦ માં માઈક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે, અને મેડિકલ ટેકનોલોજીનો અભ્યાસ કરી એમાં ડીપ્લોમા મેળવ્યો છે. વર્ષો સુધી આ વિષયના વ્યવસાયમાં જ રત રહ્યાં છે, અને છતાં કલા અને સાહિત્યમાં આટલી મહારથ કેવી રીતે હાંસિલ કરી?

ચાલો આજે મારા પરિચિત, યામિની બહેનના માતૃશ્રી શ્રીમતિ પ્રજ્ઞાબહેન વ્યાસે મને ખાનગીમાં કહેલી વાત જાહેર કરી દઉં.

“યામિની નાના લેખો-વાર્તાઓ છાપામા આપતી અને ૧૫-૨૦ રૂપિયાના પુરસ્કારમાં હરખાતી. તેને આર્ટસમા જવું હતું, પણ અમે જીદ કરી સાયન્સ લેવડાવ્યું…નોકરી કરતાં વાર્તા-નાટક લખવા માટે ગુજરાતીના પ્રોફેસરની દોરવણી નીચે પ્રયત્ન કર્યો, અને ગઝલો માટે – ગુરુ શ્રી નયનભાઇ ની દોરવણી લીધી.”

અને હવે આવે છે Climax.

“આવતા જુનમા તે રીટાયર થાય બાદ આર્ટસ કોલેજમા દાખલ થવાનું નક્કી કર્યું છે!”

સલામ યામિનીબહેન, કલા અને સાહિત્ય માટે આવી લગની હોય તો સફળતાના શિખર સર કરતાં તમને કોણ રોકી શકે?

ચાલો તો આજે એમની એક ટુંકી બહેરની ગઝલ માણીયે.

ગઝલ

જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.

ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઈ કબીરની સાળે.

વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.

પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.

બાળક રડતું ‘મા. મા.’ બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.

આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે?

– યામિની વ્યાસ

 

ગઝલના મત્લાથી મક્તા સુધીનો એકે એક શેર અસરકારક વાત કહી જાય છે. મત્લામાં ગરમાળાની વાત છે. ગરમાળો એક પીળા ફૂલોવાળો સુંદર વૃક્ષ છે. કવિયત્રી કહે છે કે ગરમાળાએ એવું તો શું જાદુ કર્યું કે એની પ્રત્યેક ડાળ ઉપરથી ટંહુકા સંભળાય છે? એનો જવબ મળે એ પહેલાં જ મનમાં એક તરંગ ઊઠે છે, આ સમયના તાણાવાણા ચલાવી, આ વસ્ત્ર કોઈ કબીર ગુંથે છે? અહીં વસ્ત્ર અને તાણાવાણા સાથે યાદ કરવા કબીરથી સારૂં પાત્ર ક્યાં મળવાનું છે?

સમયની વાત કરી તો વીતિ ગયેલા વર્ષોની યાદ આવી ગઈ છે, પણ સીશ..અવાજ ન કરશો, આ યાદો તો કરોળીયાના ઝાળાં જેવી નાજુક યંત્રણાંમાં અટવાયલી છે. જરાક ભુલ થશે તો એ ખોવાઈ જશે.

ત્યાર પછીના શેરમાં તો યામિનીબહેનની કલ્પના કમાલ કરે છે. નાજુક પાંદડી ઉપર પડેલી ઝાકળ, પાંદડીને પીવી છે, એના માટે સૂરજના કિરણોની મદદ લેવી પડશે. સુરજ નીકળ્યા પછી ઝાકળ દેખાતી નથી, તો શું એને પાંદડી પી ગઈ?

તે પછીના શેરમાં માનવીય સંવેદનાની પરાકાષ્ટા છે. બાળક્ના રડવાનો અવાજ સાંભળી, માને ફાળ પડે છે, શું થયું મારા લાલને?

આખરે મક્તામાં એમના પ્રિય વિષય ગઝલને જ કહે છે, આવ આવ ! તારૂં સ્વાગત છે. તને ભલા કોઈ ટાળી શકે?

સમગ્ર ગઝલમાં ક્યાંયે ભાર લાગતો નથી, હલકા-ફુલકા ભાવવાળા શેર વાંચવાની મજા પડી.

-પી. કે. દાવડા

6 thoughts on “યામિની વ્યાસ-૨ (પી. કે. દાવડા)

  1. યામિનીનો અર્થ થાય છે વીજળી . એમની રચનાઓમાં તેઓ કલ્પનાની વીજળીને ચમકારે મોતી પરોવતાં હોય છે.
    એમની આ ગઝલમાં હલકા-ફુલકા ભાવવાળા શેર વાંચવાની મજા પડી.

    Liked by 1 person

  2. chiman patel
    5:42 PM (1 hour ago)
    દાવડાજીએ ગઝલની સમજ આપી દીધા પછી ગઝલ સમજવામાં મગજને માર આપવો નથી પડ્યો એ સારું થયું!
    યામીની બેનને અભિનંદન.
    પ્રજ્ઞાબેનની ઓળખ તો હતી અને હવે એમની દિકરીની ઓળખ મળી! વાહ ભઈ વાહ!
    આભાર સાથે,
    ‘ચમન’

    Liked by 1 person

પ્રતિભાવ