જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૨. (જયશ્રી વિનુ મરચંટ)


“કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોંકી મંઝીલ, રાહેં”

“નવેમ્બર ૩૦, ૨૦૧૬, આજે મારી ડાયરીમાં શું લખું અને કેટલું લખું, સમજ નથી પડતી. આજે એક એવી જિંદાદિલ અને નિઃસ્વાર્થ સેવાભાવી વ્યક્તિને, ભારતે જ નહીં, પણ આ પૃથ્વીએ ખોઈ છે. મને મારા મિત્રનો ફોન આવ્યો કે, “દક્ષાબેન ઈઝ નો મોર, હું સૂન થઈ ગઈ. દક્ષાબેનને, વિનુ અને હું બે વાર મળ્યા હતા. એક વાર, કદાચ, ૮૯-૯૦ની સાલમાં અને બીજીવાર, ૯૫-૯૬માં, બેઉ વાર, મારા વ્હાલા નાનાભાઈ, ડોક્ટર રાકેશ અને નીલા કોહલીને ઘરે, ન્યુ જર્સીમાં મળવાનું થયું હતું.

દક્ષાબેન, સ્વજનો અને મિત્રોએ સ્થાપેલા, “ફ્રેન્ડ્સ ઓફ આર્ચ”ના ફંડ રેઝીંગ માટે અહીં આવ્યા હતાં પણ, માત્ર પૈસારુપી મદદ જ નહીં, તેઓ તો પ્રોગ્રામમાં હાજર રહેલા બધાંનું મન જીતીને પાછા ગયા હતા. બે મુલાકાતમાં, દક્ષાબેન એક અમીટ છાપ મારા અને વિનુના મન પર છોડી ગયા હતાં. વિનુના ગયા પછી, જ્યારે દક્ષાબેન આટલી નાની વયે જતાં રહે ત્યારે, થાય છે, ઉમદા- નોબલ- માનવીઓને, આ ઈહલોકમાંથી, આટલે જલદી બોલાવી લઈને, ઈશ્વરને શું મળતું હશે, જો ખરેખર ઈશ્વર હોય તો…!” આટલું જ એ દિવસના પાના પર લખ્યું હતું. માર્ચ મહિનાની ૨૮મી તારીખ, ૨૦૧૭ની સાલમાં, ફેબ્રુઆરી ૨૦૧૭નો, “નવનીત-સમર્પણ”ના અંકમાં ભાઈશ્રી સુદર્શન આયંગરનો લેખ, “ડોક્ટર દક્ષા પટેલ, સમન્વયી ભાવબુદ્ધિની સેવાયાત્રા”નો લેખ વાંચતાં દક્ષાબેન સાથેની એ મુલાકાતો યાદ આવી ગઈ અને મને મારી નવેમ્બર ૨૦૧૬ની ડાયરી કાઢીને વાંચવાનું મન થયું હતું.
દક્ષાબેનને પહેલીવાર મળી ત્યારે, મેં કહ્યું કે તમે ગુજરાતી મધર ટેરેસા છો, તો એમણે જે કહ્યું હતું એનો અક્ષરેઅક્ષર મને યાદ છે, “જયશ્રીબેન, મધર ટેરેસા થવા માટે પ્રાણી માત્ર માટે અપાર કરૂણા અને સમતા જોઈએ. મને નથી લાગતું કે હું એટલી કરૂણામય છું, હા, કર્મ કરતાં રહેવું મને ગમે છે.” અમેરિકાના લગભગ ચાર દાયકાના વસવાટ દરમિયાન, અનેક ભરતીય મૂળના તથાકથિત ડોક્ટરોને અને હેલ્થ પ્રોફેશનલોને મળી છું. અનેકના મોઢે, પાછા વતનમાં, ગામડાઓમાં જઈને સેવા કરવાની પ્રબળ ભાવના પણ સાંભળી છે પણ, આજીવન ભેખ ધરીને સેવા કરનાર જોયા તે હતાં, ડોક્ટર દક્ષાબેન અને ડો. અનિલભાઈ પટેલ. દક્ષાબેનનો જન્મ મધ્યમ વર્ગીય જૈન કુટુંબમાં થયો હતો. નાનપણથી તીવ્ર બુદ્ધિમતા ધરાવનારા દક્ષાબેને સુરતની મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસની ડિગ્રી મેળવી. દક્ષાબેનને મેં સવાલ પૂછેલો, “આપના ભાઈ-બહેનો અહીં છે તો આપને એવું ન થયું કે અમેરિકા જઈને મેડિસિનની પ્રેકટીસ કરું? ગુજરાતના એવા ગામોમાં જવાની ઝંઝટ કેમ કરું કે જ્યાં વિજળી નથી કે નથી સ્વચ્છ પાણી પીવાની સગવડ?”” જરાયે જજમેન્ટલ થયા વિના મને એમણે કહ્યુ, “જયશ્રીબેન, મેં પણ વિચાર્યું હતું કે શહેરમાં મજાની પ્રેકટીસ કરીશું, કોઈ વેલ ટુ ડુ ડોક્ટરની સાથે લગ્ન કરીને, આશાએશની જિંદગી ગુજારીશું. પણ મેડિકલ કોલેજમાં ભણતી વખતે, જેમજેમ ગરીબી, બિમારી, સામાજિક સ્તરની અસમાનતા અને એથી પેદા થતાં અનેક કોમ્પલિકેટેડ પ્રશ્નો સમજાવવા માંડ્યા, ત્યારે થયું કે મારે અહીં, આપણા જ લોકોમાં રહેવું. અનિલ અમારી કોલેજમાં રજિસ્ટ્રાર તરીકે જોડાયા હતા. એમને પ્રિવેન્ટિવ મેડિસનમાં ખૂબ જ રસ હતો. હું એમની પ્રત્યે આકર્ષાઈ. બસ, પછી મને મારું ધ્યેય મળી ગયું. અને સગવડો-તકલીફોનું સમીકરણ સોલ્વ કરવાની તકલીફ ન રહી. અનિલે ગામડાઓમાં ફરીફરીને એટલું બધું કામ કર્યું છે આ ક્ષેત્રમાં, જ્યારે ભારતના મોટા શહેરોમાં પણ પ્રિવેન્ટિવ કેર અને વેક્સીનેશન વગેરે માટે સામાજિક જાગૃતિ તો શું પણ એ શબ્દોની સમજ પણ નહોતી. લગ્ન પછી, અમે આદિવાસીઓમાં જઈને કામ કરવાનું નક્કી કર્યું, પણ, સામાજિક આરોગ્ય–પબ્લિક હેલ્થ-ની સાયન્ટીફિક સમજણ વિના આવી કેર આપવી શક્ય નહોતી. આથી મેં દોઢ વરસ અને અનિલે કાયદેસર રીતે ચાર વરસ લંડન સ્કૂલ ઓફ હાઈજિન અને ટ્રોપિકલ મેડિસિનમાં પબ્લિક હેલ્થનો અભ્યાસ કર્યો. બે-અઢી વરસ, મેં આજીવિકા માટે હોસ્પિટલમાં નોકરી કરી. અમે જ્યારે ૧૯૭૯માં પ્લાન પ્રમાણે ભારત આવ્યાં ત્યારે અમારો પુત્ર આકાશ એક વરસનો હતો. ગાંધી અને વિનોબાજીના ગ્રામ નવનિર્માણના કાર્યમાં ખૂંપી ગયેલા કેટલાક મિત્રોની સહાય મળી અને અમે રાજપીપળાથી કાર્ય શરૂ કર્યું. ૧૯૮૨માં, માંગરોળમાં એકશન રિસર્ચ એન્ડ કમ્યુનીટી હેલ્થ – આર્ચ-ની સ્થાપના થતાં આ કાર્યોને નવું બળ મળ્યું. આ એક સામાજિક જાગરુકતાથી પ્રેરાયેલો નિર્ણય હતો, કરૂણાથી નહીં. આથી જ મને મધર ટેરેસા કહો તો મધર ટેરેસાની દરેક જીવ માટેની કરૂણાને અન્યાય થાય.” આ જવાબમાં પોતે સમાજને માટે એક મિસાલ કાયમ કરી રહ્યા છે એની મોટપનો જરાયે ભાર નહોતો.
અમે બીજીવાર, ‘૯૦ની શરૂઆતમાં, રાકેશ અને નીલા કોહલીને ઘરે, દક્ષાબેનને ફ્રેન્ડ્સ ઓફ આર્ચમાં એમના કાર્યક્ષેત્ર, કાર્યપધ્ધતિ અને ભાવિ યોજનાઓની વાત કરતાં અને ફોટાનું આલબમ બતાવતાં સાંભળ્યાં. માઈન્ડ ઈટ, કે એ સમયે ન પાવર પોઈન્ટના પ્રેઝન્ટેશન હતાં કે ન ફેન્સી ટેકનોલોજી હતી. એવા સમયે સાદા પ્રોજેક્ટર અને રેગ્યુલર ફોટાથી કામ ચાલતું હતું. એમણે અમને સૌને એક ફોટો બતાવ્યો જેમાં, પતરાના છાપરાવાળું ઘર હતું. જ્યારે તેમેણે કહ્યું કે એ એમનું ઘર છે, ત્યારે રૂમમાં એક સોપો પડી ગયો. પછી ક્લીનીકની રૂમો, જે સાવ સાદી પણ એની સ્વચ્છતા આંખે ઊડીને વળગે એવી હતી. પછીનો ફોટો, નહિવત, મેલાંઘેલાં વસ્ત્રો પહેરેલી આદિવાસી સ્ત્રીનો હતો. એના માથે એક ટોપલામાં ઈંટોનો બોજો અને કેડમાં બાળક, કદાચ દોઢ બે વરસનું હતું, એટલું જ નહીં પણ એ સ્ત્રી સાત-આઠ માસ સગર્ભા હતી. બીજો ફોટો હતો, જેમાં લેબ રિઝલ્ટ્સ હતા. હાજર રહેલામાં ઘણા ડોક્ટરો અનેક જુદાજુદા હેલ્થફિલ્ડ સાથે સંકળાયેલા હતા. એમણે મને પૂછ્યું, “જયશ્રીબેન, તમે ક્લીનિકલ લેબમાં ઘણું કામ કર્યું છે. શું કહે છે આ લેબ રિઝલ્ટ્સ તમને? વિગતવાર વાંચો. રિઝલ્ટમાં શું દેખાય છે?” મેં કહ્યું, “આમાં તો લાલ રક્તકણો ઓછા છે, હિમોગ્લોબીન તો માત્ર 5.4 gms/dl and હિમેટોક્રીટ 16%, પ્લેટલેટ 110,000/mcL ?આ રીપોર્ટ કોનો છે? આટલી એનિમિક? થેંક ગોડ કે વ્હાઈટ કાઉન્ટ નોર્મલ છે. નહીં તો ૩ સેલ લાઈન્સ ડિપ્રેસ્ડ, યુ નો, વોટ આઈ મીન!” દક્ષાબેને એક સવાલ અમને સામો પૂછ્યો, “અહીં જો આવો રીપોર્ટ હોય તો ડોક્ટર શું કરે?” હાજર રહેલા બધા ફિઝિશયનો કહે, “હોસ્પિટલાઈઝેશન અને બીજા ઈન્વેસ્ટીગેશનસ કરીએ, એ જોવા કે બ્લડ લોસ શેનાથી છે. પેશન્ટને સંપૂર્ણ આરામ ત્યાં સુધી કરાવીએ.” દક્ષાબેન બોલ્યા, “આ બ્લડ રિપોર્ટ પહેલા ફોટામાંની આદિવાસી સ્ત્રીનો છે, એના બ્લડટેસ્ટ માટે બ્લડ આપીને, તરત પાછી દાડિયે જતી રહી, પેટના બાળકને અને કેડના બાળકને લઈ, માથા પર ઈંટ-માટીના તગારાની મજૂરી કરવા, જેથી એનો દારૂડિયો ધણી અને છોકરું જમી શકે. એમાંથી જો કઈં બચે તો પછી એ પોતે જમી શકે! ધણી તો એની રોજની કમાઈ દારૂમાં ઊડાડે અને જ્યાફત કરવી હોય દારૂની, ત્યારે, પોતાની સ્ત્રીને પોલિસના અધિકારીઓ પાસે મોકલે!” બધાં જ સ્તબ્ધ! ત્યાં હાજર રહેલી એક મારી મિત્ર એના છ-સાત વરસના બાળકને જમાવા આપતી હતી. દક્ષાબેનની વાત સાંભળી એનું ધ્યાન ચૂકી ગયું. બાળકે થાળીને ધક્કો માર્યો ને આખી થાળી ઊંધી વળી ગઈ. એ બધું ખાવાનું ભેગું કરીને, ગારબેજમાં નાખવા ગઈ. દક્ષાબેનનો ૧૦-૧૧નો પુત્ર ત્યાં હતો, એ અનાયસે બોલી ઊઠ્યો, “મમ્મી, મારી ક્લાસનો ભીખો અને એનો ભાઈ, આ ખાવા મળ્યું હોત તો કેટલા ખુશ થાત?” આખા ઘરમાં માથાની હેરપીન પડે તોયે સંભળાય, એટલી શાંતિ છવાઈ ગઈ! દક્ષાબેને દોર સંભાળી લીધો, “મારે બસ, જાણકારી આપવી હતી. ફ્રેન્ડ્સ ઓફ આર્ચને કરાતી મદદનો એકેએક પૈસો પ્રિવેન્ટિવ કેર અને સગર્ભા સ્ત્રીઓ, માતાઓ તથા બાળકોને કુપોષણથી થતા રોગોની સારવાર અને સમજણમાં ખર્ચાય છે. અમે સારવાર આપીએ એ પહેલાં, પાણી ચોખ્ખું કેવી રીતે કરવું, નખ કેમ કપવાના, વાળ કેમ ધોવાના અને નહાવાનું શા માટે જરૂરી છે, વગેરેની સમજણ આપીએ છીએ. એટલું જ નહીં, આજુબાજુના ગામોમાં સાતમી કે એથી વધુ ભણેલાઓને હેલ્થકેરના પ્રાથમિક કામોની ટ્રેનિંગ આપીએ છીએ અને આમ રોજગારની સમસ્યામાં પણ આડકતરી રીતે મદદ કરીએ છીએ. અમે દાયણોને સુવાવડ કેવી રીતે કરવી જેથી સુવાવડ પછી થતાં દર્દો ન થાય અને બાળકો કે સ્ત્રીઓનું લાપરવાહીથી મૃત્યુ ન થાય એની પણ તાલિમ આપીએ છીએ. આ સાંભળ્યું તમે, એનો અર્થ એવો નથી કે મદદ કરવી જ જોઈએ. તમારે જ્યારે પણ તન, મન કે ધનથી સેવા આપવી હોય તો આપજો. કોઈ ફરજનો બોજો રાખતા નહીં.” પછી દક્ષાબેન કહે કે, “નીલા, તું કહેતી હતી કે સહુ મિત્રો જૂના ગીતોના શોખીન છે. આપણે જમ્યા પછી અંતકડી રમીએ” અને પોતે રસોડામાં નીલાને મદદ કરાવવા પહોંચી ગયા. અમારી સહુની સાથે એટલા ભળી ગયા કે કોઈને પણ એમની હાજરીમાં પોતે જે નથી, એ બતાવવાની જરૂર ન લાગી! જમતી વખતે એક મિત્રએ પૂછ્યું, “તમને શું લાગે છે, આમ આટલા નાના સ્કેલ પર કામ કરીને દેશની ગરીબી, અજ્ઞાન અને બિમારીને નાથી શકાશે?” એક ક્ષણ પણ વિચાર કરવામાં ન બગાડતાં, દક્ષાબેને કહ્યું, “ભાઈ, હું તો બહુ શોર્ટ ટર્મ ગોલ રાખું છું. છેલ્લા શ્વાસ સુધી મારાથી થાય એટલી દર્દીઓની સેવા કરી શકું. બાકી ક્યારે શું થશે, એ મેં સમય પર જ છોડી દીધું છે.” મેં જ્યારે “નવનીત-સમર્પણ”ના લેખમાં વાંચ્યું કે ઓક્ટોબર, ૨૦૧૬માં, એમના લીવર કેન્સરનું નિદાન થયું, ત્યારે દક્ષાબેન અમેરિકામાં, એમના દિકરાને ઘરે હતાં. કેન્સર છેલ્લા સ્ટેજનું હતું. અહીંની તબીબી ટુકડીએ કહ્યું કે દક્ષાબેનની રજા હોય તો આક્રમક ઈલાજ કરીએ બાકી સારા થવાની સંભાવના ઓછી છે. દક્ષાબેને સહજતાથી કહ્યું, “જો હું સાજી થઈને મારું કર્મ–દર્દીઓને તપાસીને, એમની સારવાર કરવાનું કામ-ન કરી શકવાની હોઉં, તો હું વિદાય લઉં. બાકીના દિવસો હું મારા દિકરાને ત્યાં, પેલિયેટિવ કેર- કેન્સરના દર્દીને દુઃખાવા રહિત રાખવાની આખરની સેવા- લઈને કાઢીશ” એમનો દેહવિલય ૩૦ નવેમ્બર, ૨૦૧૬ને રોજ થયો.
મને દક્ષાબેને એમની પહેલી મુલાકાતમાં મારા એક સવાલના જવાબમાં કહેલી વાત યાદ આવી ગઈ, “એવું છે ને જયશ્રીબેન, અનિલ અને હું નહોતને તો કોઈ બીજું આ કામ કરવા સામું આવત. મને કે અનિલને એક પળ માટેય એવો ભ્રમ નથી કે આપણે આ કામ ન ઊપાડ્યું હોત તો આ કામ થાત જ નહીં!” ન જાણે, કેમ, પણ હું મનમાં, આ ગીત, “કોઈ હોતા જિસકો અપના, હમ અપના કહ લેતે યારો, પાસ નહીં તો દૂર હી હોતા, લેકિન કોઈ મેરા અપના!” ગણગણતી મારા ડેસ્ક પર, આજ, તારીખ માર્ચ, ૨૮, ૨૦૧૭ને ડાયરીમાં આલેખવા બેઠી.

5 thoughts on “જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૨. (જયશ્રી વિનુ મરચંટ)

 1. માથું નમી જાય છે આવાં માનવીને જોઈ–જાણીએ છીએ ત્યારે. કઈ શક્તી એમને તાકાત આપતી હશે,આ હળાહળ કળીકાળમાં પણ ?!
  છેલ્લા બે-ત્રણ દાયકાથી ડોક્ટરો અને શિક્ષકોની છબી ખુબ જ ખરાબ થઈ છે.
  હજી પણ ઘણા બધા ડોક્ટરો ગરીબો પાસે થી નજીવી જ ફી લઈને કે મફત સેવાઓ આપે છે. પરંતુ તેમના વિષે લોકો અજાણ હોય છે. આવા સેવાભાવી ડોક્ટરોને સમાજે બીરદાવવા જોઈએ જેથી અન્ય ડોક્ટરોને પણ પ્રેરણા મળે..અમારા દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તાર તેના પછાતપણા માટે જાણીતો છે. દૂર સુદૂર ફેલાયેલાં ગામડાંઓ, રસ્તાનાં ઠેકાણાં નહીં અને વળી જંગલ વિસ્તાર. આ વિસ્તારમાં રહેતા લોકોની જિંદગીમાં અંધકારરૂપી ઓળાઓનો પાર નથી ત્યાં ડૉ .પ્રજ્ઞાબહેન મુકુલભાઈ કલાર્થી નામે એક આશાનું કિરણ પણ છે! પ્રજ્ઞાબહેને લગ્ન બાદ તરત જ ગુરુદેવ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ રામનગર રાંદેરના વિશ્વનાથ અવધૂતની અનુમતિએ વર્ષમાં ૬ માસ અમેરિકાથી ગુજરાતમાં આવીને તબીબીક્ષેત્રે નિયમિત સેવા આપવાનું શરૂ કર્યું.અમેરિકામાં રહેતાં પ્રજ્ઞાબહેન છેલ્લાં ૧૮ વર્ષથી દર વર્ષે નિયમિત છ મહિના અહીં આવે છે. દર્દીઓને મફત તપાસી આપે છે, સારવાર કરે છે અને જરૂર પડયે કાવડિયા ખર્ચી દવા પણ અપાવે છે. આણંદ જિલ્લાના પલાણા ગામનાં પ્રજ્ઞાબહેન આમ તો અમેરિકાના સ્પ્રીંગફિલ્ડમાં રહે છે. તેઓ ગાયનેકોલોજિસ્ટમાં એમ.ડી. (ડોક્ટર ઓફ મેડિસિન) થયેલાં છે. અમેરિકામાં તેઓ કેદીઓ માટેની હોસ્પિટલમાં ફરજ બજાવે છે.
  ધન્યવાદ સુ શ્રી જયશ્રીબેનને
  .

  Like

 2. બહુ જ યોગ્ય વ્યકતિને અંજલિ આપી છે. અનિલભાઈ અને દક્ષાબેનના કામથી હું પરિચિત છુ. મારું ગામ રાજપીપલા છે. અને આ ડોક્ટર બેલડીને વરસો પહેલાં મળવાનું ધયું હતું. જયશ્રીજી એ બહુ સરસ લેખ લખ્યો છે. અભિનંદન

  Like

 3. From: Sandhya Doshi
  Date: October 2, 2017 at 3:36:49 PM PDT
  To: Jayshree Merchant
  Subject: Re: Fwd: [New post] જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૨. (જયશ્રી વિનુ મરચંટ)
  Your today’s episode is also fantastic.
  Truly, it touches probably every reader’s heart, it surely touched mine.
  How great was Dr. Daxaben!!! (And dr. Anil Bhai)!!!
  She absolutely was a Classic example of simple living and high thinking human being.
  She was quite aware of what she wanted to do in life, and her dying wish was also to keep serving sick and helpless people in this world otherwise she did not see any need to extend even her own life much longer!
  Her simple, warm and caring nature becomes alive from an example of that Aadivasi woman.
  Your words have made a very long lasting impression of a unique and selfless Dr. Daxaben in my mind..
  Very nicely written Jayshree Merchant…

  Like

 4. આપણે મોટાભાગે નામી વ્યક્તિઓના અખબારોમાં પ્રગટ થયેલા કાર્યોની પ્રસંશા જ સાંભળતા આવ્યા છીએ પરંતુ એવા અનેક નામનાની ખેવના રાખ્યા વગર કાર્યરત રહેતી વ્યક્તિઓના અપ્રગટ કાર્યોથી અજાણ રહી જઈએ છીએ. આજે જયશ્રીબેને આવા નિસ્વાર્થ સેવાભાવી દક્ષાબેનને જે રીતે યાદ કર્યા એ પ્રસંશનિય છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s