યામિની વ્યાસ-૩ (અંતીમ)


યામિની વ્યાસ આમ તો સુરતની ભૂમિ પર કુશળ અભિનેત્રી અને નાટ્યકાર તરીકે ઝડપથી આગળ આવેલું નામ છે, પણ કવયિત્રી તરીકે પણ ગજબનું કામ કર્યું છે.એમની પ્રત્યેક ગઝલમાં કંઈક નવીનતા હોય છે.
આ ગઝલમાં પ્રત્યેક શેરની પ્રથમ અને બીજી પંક્તિમાં વિરોધાભાસ છે. પ્રથમ પંક્તિ સુખદ હોય તો બીજી પંક્તિમાં પીડા હોય, અને પ્રથમ પંક્તિ દુખદાયક હોય તો બીજી પંક્તિમાં કંઈક રાહતકારક કથન હોય.
જાત આવી છે
મહેકી રાતરાણી, ખુશનુમા મધરાત આવી છે;
પરંતુ નીંદ ક્યાં? એ લઈને અશ્રુપાત આવી છે.

ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે,
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે.

કપાશે વૃક્ષ, પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે,
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે

ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી,
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે

-યામિની ગૌરાંગ વ્યાસ
પ્રથમ શેરમાં જ કહે છે કે રાતરાણીની મહેકથી ખુશનુમા થયેલી રાત તો છે, પણ આવી સરસ રાતે મીઠી ઊંધ આવવાને બદલે વિરહના આંસુઓથી આંખો છલકાય છે. આમ પ્રત્યેક શેરની બે પંક્તિઓમાં એક મેકથી વિરોધી ભાવો વ્યક્ત કર્યા છે.
તે પછીના શેરમાં કહે છે, કિનારે સહીસલામત આવી પહોંચેલા વહાણને જોઈને લોકો ખુશ થાય છે, અને વહાણના અને નાખુદાના વખાણ કરે છે, પણ એમને ક્યાં ખબર છે કે કેવા ઝંઝાવાતમાંથી બચીને પ્રભુકૃપાએ જ આ વહાણ કિનાર પહોંચ્યું છે.
ત્રીજા શેરનો બે રીતે અર્થ કરી શકાય. એક માણસ જાત દ્વારા થતો જંગલોનો નાશ, અને એને લીધી થતો પશુ-પક્ષીઓનો વિનાશ, એવો એક અર્થ કરી શકાય. બીજો અર્થ એવો પણ નીકળે કે ભયંકર તોફાન, કે જળપ્રલયમાં અનેક વનસ્પતિ, પશુ-પક્ષીઓનો નાશ થાય છે, પણ માણસ જાત મોટે ભાગે ઉગરી જાય છે.
ત્યાર પછીના શેરમાં કદાચ હતાશ પ્રેમી પ્રેમિકાને કહે છે કે આમ મને છોડીને બીજાના થઈ જવું એ યોગ્ય નથી, પણ કદાચ તેં કોઈ લાલચને લીધે આવું કર્યું હશે.
આખરી શેરમાં કહે છે, ખુબ જ રળિયામણી સાંજ હોય, તો પણ થોડીવારમાં અંધારૂં થવાનું, રાત પડી જવાની. અને પછી અજબ ગજબની સરખામણી કરતાં કહે છે, કે આ તો હથેળીમાં સમાય એટલા પાણીમાં ડૂબી મરવા જેવું થયું.
શબ્દો સાથે ભાવની ખૂબ જ સરસ ગુંથણી કરી છે.
યામિની બહેન વિશે વધારે જાણવા તમારે “નિરવ રવે” નામના બ્લોગની મુલાકાત લેવી જોઈએ, અથવા તો એમનું નામ લખી, ગુગલ કરવું જોઇએ.

3 thoughts on “યામિની વ્યાસ-૩ (અંતીમ)

 1. વાહ! સરસ રચના.
  કપાશે વૃક્ષ, પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે,
  અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે.
  સરયૂ

  Liked by 1 person

 2. ‘ફૂલ ઉપર ઝાકળના પત્રો’, પુસ્તકની વિશેષતા છે કે મોટા ભાગના શેર પઠન કરવા ગમે તેવા છે અને કોઇના સમજાવ્યા વિના પણ સમજાય તેવા છે! એટલે મારા જેવા શુધ્ધ અભિભાવકોને ગમી જાય છે. દરેક શેરનુ પોતાનુ આગવુ પોત છે અને દરેક શેરમા કઈ ને કઈ બનતુ રહે છે, એની કથા છે, પણ અન્તે શુ થાય છે, તે અધ્યાહાર છે. એમા પ્રશ્નો છે, સામ્પ્રત સમસ્યાઓ છે. હવે એ આપણે નક્કી કરવુ પડે કે આપણે શુ કરવાનુ છે.
  કવિકર્મ એટલે જ સફળ છે, કારણ કે એ આપણને વિચારતા કરી મુકે છે..
  ઉપરથી પ્રસન્નચિત્ત નજરે ચડે એ બધા સાચે જ આનંદિત હોય એ જરૂરી નથી. મધરાતને ખુશબોસભર કરતી રાતરાણીને ખબર નથી કે એની ભીની મીઠી સુગંધ કોઈક આંખોમાં વિરહ અને યાદના અશ્રુપાત પણ આણી શકે છે. હોડી સલામત આવી ગઈ હોવાની વાત કિનારે ચાલી રહી છે પણ કાંઠાવાસીઓને એ ક્યાં ખબર જ હોય છે કે આ હોડી કંઈ કેટકેટલા તોફાન વેઠીને માંડ કિનારે આવી છે ?!
  ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
  હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે
  આવું સુંદર કાવ્ય જેટલુંએ સમજાય એટલું એ હૃદયને નચાવી મૂકે એવું છે. કેટલુંક બુદ્ધિની પકડમાં આવે છે. આપણે ખુશ થઈ રહીએ છીએ. કેટલાકમાં આપણે હૃદયની મદદ લેવી પડે છે, કાવ્ય અને છંદ બુદ્ધિને અનેક વાર હંફાવતાં હોય છે. એમનું ગુઢ કેવળ તે હૃદય પાસે જ ઉકેલે છે. બુદ્ધિથી કંઈક બીજાની અપેક્ષા રાખી છે. આ બીજું તે હૃદયગ્રંથિ જગત સાથે એ જોડાય એટલે બધો વૈભવ આપણી સમક્ષ નિવેદિત કરી દે છે. ખુદ એના આ સર્જનના પ્રેમમાં પડે છે.. તે ગાઈ ઊઠશે. લયમાં અને આવર્તનોમાં, એના અર્થમાં પછી એનાં વિભિન્ન રૂપોએ એ ડોકાતો અનુભવાશે. પુષ્પોની પાંદડીઓમાં, મેઘધનુષના રંગોમાં, સાગરના ગર્જનમાં, અડાબીડ નવરાજિની શોભામાં, સૂર્યોદય અને સૂર્યાસ્તમાં, પતંગિયાની પાંખમાં, બાળકની નિર્દોષ આંખોમાં, વસંતના પ્રભવમાં, પહાડોના મૌનમાં, બીજાંકુરની પ્રક્રિયામાં, વૃક્ષની ડાળ ઉપર ઝૂલ્યા કરતા પંખીના કંઠમાં અને એની આકર્ષક પાંખમાં –
  હવે ન શોક કે આઘાત જેવું કાંઈ પણ લાગતું નથી.
  ચારેકોરથી કેવાં સરસ કાવ્યોની બારાત આવી છે.
  લાગણી અને તર્કનું સમતોલન સાચવીને સરસ ગઝલ લખાઈ છે.
  ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે
  સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે
  ક્યાં હૃદયનું અને ક્યાં બુદ્ધિનું કેટલું સાંભળવું ?
  શરીર અને અધ્યાત્મનો સંબંધ અનાદિનો છે. બુદ્ધિના બ્રહ્મા, મનના ચંદ્રમા, ચિત્તના અચ્યુત, અહંકારના રુદ્ર વગેરે દેવ છે..આ શાંત, કોલાહલશૂન્ય થાય ત્યારે હ્રદયની વાત સહજ માણી શકાય
  ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
  હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે.
  મને સમજાયું તે લખ્યું-અમારી દિકરીના ઘણા ભાવો અમે સમજી શકતા નથી.
  રમ્ય સાંજ રાતભર રહે અને રાતરાણીની મહેક તરબતર રહે, એવી શુભેચ્છા

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s