મને હજી યાદ છેઃ૨ (બાબુ સુથાર)


આપણા એક જાણીતા ગુજરાતી સાહિત્યકારે એક વાર મને મારા બાપાનું નામ પૂછેલું. મેં કહેલું: કોહ્યાભાઈ. આ નામ સાંભળીને એ હસેલા. એવું કેવું નામ? ‘કોહેલું’ એટલે rotten. મને એમનું હસવું ન’તું ગમ્યું. મેં એમને સમજાવેલું કે ભાઈ, એ જમાનામાં બાળમરણનું પ્રમાણ વધારે હતું. એટલે ઘણી વાર માબાપ પોતાને ન ગમે એવું નામ એમનાં સંતાનોને આપતાં જેથી ઈશ્વર એમ માને કે એ બાળક માબાપને જ પસંદ નથી તો હું શું કામ પાછું લઈ લઉં? એ લોકો આવા નામ રાખીને કેવળ મરણને જ નહીં ઈશ્વરને પણ ભૂલભૂલામણીમાં નાખવા માગતા હતા. મારા જન્મ પછી કાન્તિ નામના મારા ભાઈનું અવસાન થયું પછી જે દીકરો જનમ્યો એનું નામ માબાપે ‘ભીખવું’ પરથી ‘ભીખલો’ પાડેલું, જે અત્યારે ‘ભીખાભાઈ’ છે. માબાપને એમ હતું કે જો આ છોકરાનું નામ પણ જો ‘કાન્તિ’ જેવું રાખીશું તો ભગવાન એને પાછો લઈ લેશે. એટલે ‘ભીખલો’ નામ રાખીએ. ‘ભીખ માગીને આણેલો’. એટલે ભગવાન એને આપણી પાસે રહેવા દેશે.
મારા બાપાના બાપા, અર્થાત્ મારા દાદાનું નામ પિતાંબરદાસ. એમના ય બાપાનું નામ ભઈરામ. અને એમનાય બાપાનું નામ ભગવાન. મારા ઘરમાં આ બધ્ધીજ પેઢીનાં વાસણો હતાં. એ વાસણો પર એમનાં નામ ટાંકેલાં હતાં. મેં એ બધ્ધાં નામ વાંચેલાં છે. હું નાનો હતો ત્યારે આ રીતે મારી સાત પેઢીની પુન:રચના કરવાનો પ્રયાસ કરતો. પછી મને થતું: ભગવાન પછી કશું ન હોય. એટલે ત્યાં આગળ જ અટકી જતો. જો કે, હું અમેરિકા આવ્યો પછી બાએ એ બધાં વાસણો મારી જાણ બહાર વેચી દીધાં. એમને એમ કે હવે આ છોકરા તો બધા ‘શહેરિયા’ થઈ ગયા. એ કાંઈ આવાં વાસણોને ઉપયોગ થોડા કરવાના છે?

પિતાંબરદાસ ભરોડીની નજીક જ આવેલા બારોડા નામના ગામમાં રહેતા. એમની ઘરથાળ મેં જોયેલી છે. કહેવાય છે કે પિતાંબરદાસને શિકોતર રમતી. એ શિકોતર એમનાં પત્નિ, અર્થાત્ મારાં દાદીને – જેમનું નામ મને યાદ નથી- સંતાનથી વંચિત રાખતી હતી. મારા દાદાએ કોઈક જાણકાર જોશીડાને પૂછેલું ને એ જોશીડે એમ કહેલું કે જો તમારે સંતાન જોઈતું હોય તો આ ઘર છોડો, બીજે રહેવા જાઓ અને શિકોતરનો નિકાલ કરો. પિતાંબરદાદાએ પછી કોઈક ભૂવાને પૂછ્યું: શિકોતરને કઈ રીતે વિદાય આપવી? ભૂવાએ એક ઉકેલ બતાવ્યો. શિકોતરને માટલીમાં (કે બાટલીમાં) ઉતારીને જમીનમાં દાટી દો ને પછી ઉપર પથ્થર રોપી દો. દાદાએ એમ કર્યું. એમણે ઘરની બહાર રસ્તાને અડકીને એક ખાડો ખોદી એમાં શિકોતરને વળાવી દીધી. પછી એ ત્યાંથી ભરોડી આવ્યા. બારોડાથી કેવળ બે ખેતર વા દૂર. ત્યાં ઘર બાંધ્યું ને ત્યાં દીકરાને જનમ થયો. એનું નામ એમણે ‘કોહ્યલો’ પાડ્યું.
હું (અને મારા ભાઈઓ પણ) એમને ‘બાપા’ને બદલે ‘કાકા’ કહેતો. આજે આટલાં વરસો પછી હું વિચારું છું ત્યારે હું એમને કેમ ‘કાકા’ કહેતો હતો એ મને સમજાય છે. મને લાગે છે કે એની પાછળ પણ પેલું બાળમરણનું કારણ જ જવાબદાર છે. જો અમે બાપાને ‘બાપા’ કહીએ તો અમે બધાં જ કોહ્યાભાઈનાં સંતાનો થઈએ. અને જો કોહ્યાભાઈના નસીબમાં સંતાનો લખેલાં ન હોય તો અમે મરી જઈએ. પણ જો કોહ્યાભાઈના નસીબમાં ભત્રીજા લખેલા હોય તો અમે બધાં જીવી જઈએ. એટલે અમને બાપાને ‘કાકા’ કહેતાં શીખવાડેલું. મારે કાકા ન હતા. એ વાત પણ અહીં નોંધવી પડે.
આ સંદર્ભમાં મને એક કિસ્સો હજી યાદ આવ્યા કરે છે. હું નાનો હતો ત્યારે ગામના ઘણા લોકો મને પૂછતા: “અલ્યા ભોદિયા, તારા બાપા ચ્યાં જ્યા?” જવાબમાં હું ગામના મગા પગીના બકરા તરફ આંગળી ચીંધીને કહેતો, “એ રહ્યા મારા બાપા.” હું ત્યારે બકરાને બાપા કહેતો! એ બકરો પણ બહુ જોરદાર. આગલા પગે ઊભો થાય તો બારણા જેવડો લાગે. અમારા ઘરનું પાછલું બારણું એણે તોડી નાખેલું. પછી બાપાએ, બકરો તો શું વાઘ પણ તોડી ન શકે એવું બારણું બનાવેલું. હજી પણ અમારે એ જ બારણું છે.
મારું ‘બાબુ’ નામ પડે એ પહેલાં લોકો મને ‘ભોદિયો’ કહેતા. કહેવાય છે કે હુ જનમ્યો ત્યારે બહુ જાડો હતો. એ વખતે મારા ગામમાં એક બીટગાર્ડ હતો. મને હજી આછોપાતળો યાદ આવે છે. એ જાડિયો જમાદાર, ને હું પણ. એટલે લોકોએ મારું નામ ‘ભોદિયો’ પાડેલું. છેક હું ગામ છોડીને કૉલેજ કરવા શહેરમાં આવ્યો ત્યાં સુધી લોકો મને ‘ભોદિયો’ કહેતા.
આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં મને થાય છે કે મારે મારા પિતાંબરદાદાની પેલી શિકોતર વિશે જરા વધારે વાત કરવી જોઈએ.
દાદા બારોડા છોડી ભરોડી ગયા પછી એમનું ઘર ત્યાં જ રહ્યું. કાળક્રમે એ પડી ગયેલું કે દાદાએ પાડી નાખેલું એની મને ખબર નથી. પણ એ ઘરથાળ મેં જોયેલી છે. એના પરનાં ઝાડવાં હજી સ્મૃતિમાં લીલાંછંમ છે. જ્યારે હું હાઈસ્કુલમાં ભણતો હતો ત્યારે આર્થિક વિટંબણાઓને લઈને બાપાએ એ ઘરથાળ એક પટેલને વેચી દીધેલી. તો પણ દર કાળીચૌદશે બાપા એ ઘરથાળને અડીને આવેલા શિકોતરના થાણે દિવો કરવા જતા. એ પ્રવૃત્તિ ઘરથાળ વેચ્યા પછી પણ ચાલુ રહેલી.
એ ઘરથાળ રસ્તા પર જ. બસમાંથી ઉતરીને બારોડા ગામમાં જઈએ તો એક બાજુ ગામનો ચોતરો આવે ને બીજી બાજુ એ ઘરથાળ ને પેલું થાનક. પછી રસ્તો ખસતો ખસતો પેલા થાણા સુધી ગયો ને કાળક્રમે એ થાનક રસ્તાની લગભગ વચ્ચે આવી ગયું. કહેવાય છે કે એ થાનક ચમત્કારિક હતું. જે કોઈ માણસ એ થાનકના પથરાને ખસેડવાનો પ્રયાસ કરતો એને કોઈકને કોઈક પ્રકારનું નુકશાન થતું. એક વાયકા એવી પણ હતી કે ગમે એટલું ખોદો, એ થાનકનો પથ્થર જમીનમાં ઊંડેને ઊંડે જતો. ને પછી એક તબક્કે એમાંથી સાપોલિયાં નીકળતાં.
એક એવી પણ કથા છે કે એક વાર સરકારે બસ સ્ટેશનથી ગામમાં જવા માટે પાકો રસ્તો બનાવવાનું નક્કી કર્યું. પણ રસ્તામાં વચ્ચે આ શિકોતરનું થાનક નડતું હતું. મજુરો કહે: આ તો માતાજીનું થાનક. અમે નહીં ખોદીએ. સરકારે દબાણ કર્યું. ત્યાં જ એક મજૂર ધૂણ્યો ને કહેવા લાગ્યો: હું શિકોતર છું. ખબરદાર જો કોઈએ મારું થાનક અહીંથી ખસેડ્યું છે તો. હું એની ઘરથાળ પર આકડિયા ઊગાડી દઈશ. શિકોતરની ધમકીથી બધા બી ગયા. પણ એક પટેલે આગળ આવી એ પથ્થર ખોદવાનો પ્રયાસ કર્યો ને બીજા જ દહાડે એનો દીકરો માંદો પડ્યો. કાગને બેસવું ને ડાળનું તુટવું જેવો ઘાટ થયો. પણ પછી શિકોતરનું થાનક ત્યાંને ત્યાં જ રહ્યું. ત્યાર બાદ જેમ જેમ હિન્દુત્ત્વનો ઉદય થતો ગયો એમ એમ એ સ્થાનકના સ્વરૂપમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. એ થાનક પહેલાં દહેરું બન્યુંને પછી નાનકડું મંદિર. વરસો પહેલાં હું મારા ગામ ગયેલો ત્યારે મેં એના ફોટા પણ પાડેલા પણ ક્યાંક આડે હાથે મૂકાઈ ગયા છે. હવે કદાચ એ શિકોતર માતા કે બીજું કંઈક બની ગઈ હોય. મને ખબર નથી.
હું ઘણી વાર મિત્રોને કહેતો હોઉં છું: મારા કુટુમ્બે ચોર્યાસી લાખ દેવોમાં એક દેવ ઉમેરી આપ્યા છે એ અમારું સૌથી મોટું પ્રદાન ગણાય.
આ બધામાં બાની વાત કરવાની તો રહી ગઈ. અને બાની વાત કરીએ ત્યારે બાપાનાં માની, અર્થાત્ બાનાં સાસુની વાત પણ કરવી પડે. હવે પછીના શુક્રવારે બાની વાત. બાનાં સાસુની વાત. ને બાનાં બા ના કુટુંબની થોડીક વાત. મને લાગે છે કે એ વાત વગર મને સમજવા માટેની કેટલીક કડીઓ બાકી રહી જશે.

5 thoughts on “મને હજી યાદ છેઃ૨ (બાબુ સુથાર)

 1. આજનો આ લેખ વાંચીને મને મારો લેખ “શોર્ટ કટ” યાદ આવી ગયો એટલે કે આજકાલ ભગવાનના નામો બોલવામાં અને લખવામાં બદલાઈ ગયા છે એની પાછળના કારણો આ લેખમાં વાંચવા મળે છે! મે મારા લેખમાં એનો અણસાર કરતાં લખ્યું છે કે મા-બાપ બાળકોના નામ સુંદર રાખે છે, પણ બોલાવવાના અને વહેવારમાં અલગ રાખી એમની આવરદા વધારે છે!…. લો આ વાંચો મારા આ લેખમાંથી…..
  ‘પ્રભુ, જુના જમાનામાં બાળકોના અસલ નામની સાથે સાથે બોલાવવાના નામો પણ અલગ આપવામાં આવતા હતા. જેમ કે, દિકરાનું નામ ‘કૌશલ’ રાખે, પણ બોલાવે એને “કીપો” કહી! એ જ રીતે દિકરીનું નામ ‘અંકીની’ પાડી એને “શીની” કહી બોલાવે. આમ કરવામાં આ સારા, શોભિતા, ખુબ ખુબ વિચારીને ચૂંટેલા નામોવાળા એમના બાળકોને કોઇની બુરી નજર ન લાગે અને એમનું આયુષ્ય લંબાય એવી માનતા માબાપોની રહેતી હશે એવું મારું માનવું છે!. કદાચ, આ કારણે તમારું સુંદર નામ તમારા સાચા ભક્તોએ ટૂંકુ કરી દીધું હશે એવું મને લાગે છે, પ્રભુ, તમે તમારા નામને આમ ટુંકાવનારા ઉપર ગુસ્સે ન થતા!

  બાબુભાઈને આ ગમશે.

  Like

 2. આત્મ્ કથા નો ઉત્તમ નમૂનો. આત્મકથા કેમ કેવીરીતે લખવી. તે કોઈ આના પરથી શીખે. બાબુભાઈને અભિનંદન. એક શ્વાસે વાંચી ગયો. પહેલો ભાગ પણ બહુ રસપ્રદ રહ્યો..ગુજરાતી સાહિત્યમાં આને યોગ્ય સ્થાન મળશે જ.

  Like

 3. મા બાબુભાઇની આત્મકથા અમારી આત્મકથા જેવી અનુભવેલી લાગી…!
  આવા બધા નામ વાળાઓ અમારી આજુબાજુ હતા તેમા ગાંડો નામ સામાન્ય હતું.
  અમારે ત્યાં લગ્નપ્રસંગે વહેલી સવારે મંડપમા ખડખડાત થતા વડીલે બુમ પાડી-‘કોણ છે?’
  ‘હું ગાંડો’ અવાજ આવ્યો
  વડીલ કહે -‘કેમ આવ્યા છો ?’
  અવાજ આવ્યો-‘ ચોરી કરવા’
  અને સાવસફાળા બધા ઉઠી ….
  .

  Like

 4. અમારા એક કુટુંબી જન ને ત્યાં ઘણા વરસો પછી પારણું બંધાયું . જે દીકરો જન્મ્યો એનું નામ ભીખો રાખ્યું અને એને પોતાનાં ખરીદેલાં
  કપડાં નહિ પણ ભીખી-માગીને લાવેલાં કપડાં એ છોકરો પાંચ વર્ષનો થયો ત્યાં સુધી પહેરાવેલાં એ યાદ આવ્યું.અમારા ગામમાં પણ આવા ભીખ્લાઓ ,ગાંડાઓ,કચરાઓ ,ભગાઓ એવાં નામ ધારીઓ ઘણા જોવા મળતા.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s