જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૩ (જયશ્રી વિનુ મરચંટ)


કોઈ હોતા જિસકો અપના, હમ અપના કહ લેતે યારોં”

“આજે ઓગસ્ટ ૧૯, ૨૦૧૦, ગુરુવાર, પારસી ન્યુ ઈયર છે. મારી પારસી મિત્ર, પરીનાઝ ખંભાતાને આ દિવસ નિમિત્તે હેપ્પી ન્યુ ઈયરનું કાર્ડ છેલ્લા દસ વર્ષોથી હું મોકલી રહી છું, જે એને આ દિવસે મળે એવો “થેંક યુ” કહેતો એનો ફોન આવે, આવે અને આવે જ, પછી ભલેને એ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય! આજે દિવસ પૂરો થયો અને એનો ફોન નથી આવ્યો. કોને ખબર, મેમસાહેબ આ દેશમાં છે કે નહીં! કઈં કહેવાય નહીં, મેડમ કોઈ અજાણ સ્પેસમાં પહોંચી હોય!” અને સ્માઈલી ફેસ સાથે એ દિવસની ડાયરીનું પાનું આ ઘટના સાથે પૂરું તો કર્યું પણ બીજે દિવસે મને તાલાવેલી રહી કે ક્યારે પરીનાઝનો ફોન આવે! મેં એના ઘરના નંબર પર ફોન કર્યો. ન તો આન્સરીંગ મશીન આવ્યું કે ન તો કોઈ રેકોર્ડિંગ. આથી એટલું ચોક્કસ જ હતું કે મેડમે ઘર નથી બદલ્યું. મેં એના સેલ પર ફોન કર્યો તો ‘સબસ્ક્રાઈબર ઇઝ આઉટ ઓફ નેટવર્ક”નો મેસેજ આવ્યો.

ક્યાં ઉપડી હશે પરીની સવારી? એ મને હંમેશા કહેતી’ “જોની, જે બી થાય તે સારા સાટુ થાય. ઈફ આઈ વોઝ મેરીડ, આઈ વુ’ડ નોટ હેવ લીવ્ડ લાઈફ ઓન કમ્પલીટલી માય ટર્મસ!” પરી અને હું, નેબરથી પણ વિશેષ, બહેનો જેવા હતાં. પરી અમેરિકામાં બિલકુલ એકલી, અમારી બાજુના ઘરમાં-લીટરલી નેક્સ્ટ ડોર- ૨૨ વરસો સુધી રહી હતી. પરી ૨૦૦૭માં રિટાયર થઈ, કેનેડામાં અને પછી તો એના ઘોડા બિલકુલ છુટ્ટા થયા હતા. ન જાણે એ કેટલા દેશો ફરી હતી અને હજુએ ફરશે..! એક નિયમ હજુ એણે રાખ્યો હતો કે એ જ્યારે પણ દેશની બહાર જાય તો મને હંમેશા જ ફોન કરે કે ઈ-મેલ મોકલે જ! આજે એ આમ “આઉટ ઓફ નેટવર્ક” ક્યાં ગઈ હશે? મેં ઘરના ફોન પર અને સેલ પર વોઈસ મેસેજીસ ચેક કર્યા પછી મારી ઈ-મેલ ચેક કરી, મારા વર્ક પરની પણ ઈ-મેલ ચેક કરી. એમાંયે કઈં મેસેજ નહોતા. ફેસબુક હજુ મેં હમણાં જોઈન કરી હતી. પરી મારા ફેસબુક પર ફ્રેન્ડ હતી. મેં જોયું કે એમાં કઈં ફોટા છે પણ એમાંયે કઈં જ ક્લુ ન હતી. મેં વિનુને કહ્યું, “આઇ હોપ. કે પરી ઇઝ ઓકે. આવી રીતે તો ક્યારેય ગઈ નથી.” વિનુ શાંતિથી બોલ્યા, “ચિંતા નહીં કર. બધું બરાબર થઈ રહેશે.” મારા મનમાંથી પરીનાઝ ખસતી નહોતી. અમે ૨૦૦૦ ડિસેમ્બરમાં કેલિફોર્નિયા મુવ થયા અને પરીનાઝ ૨૦૦૧માં ટોરાન્ટો મુવ થઈ હતી. ફિલાડેલ્ફિયામાં ૨૨ વરસો સુધી અમે “લીટરલી નેક્સ્ટ ડોર નેબર” રહ્યા હતા. અમે કદી એકમેકને કહ્યા વિના ન તો આઉટ ઓફ સ્ટેટ ગયા છીએ કે ન તો આઉટ ઓફ કન્ટ્રી! ક્યાં હતી પરીનાઝ ખંભાતા? આ સાથે, કેટલી બધી જૂની વાતો યાદ આવતી હતી!
પરીનાઝને અમે ૧૯૭૫માં મુંબઈમાં મળ્યા હતાં. અમે, મુંબઈની જેસલોક હોસ્પિટલની સામેની બિલ્ડિંગમાં રહેતાં હતાં, એના છઠ્ઠા માળે, એક બેડરૂમના ફ્લેટમાં પરીનાઝ છેલ્લા ત્રણ મહિનાથી ભાડૂત તરીકે રહેવા આવી હતી. એવું કહેવાતું હતું કે એ કોઈ પંજાબી પાયલેટ સાથે લીવ-ઈન રીલેશનશીપમાં હતી. અમે બધાએ લીફ્ટમાં આવતા-જતા એને જોયો પણ હતો. પરી ચાર્ટડ એકાઉન્ટટન્ટ હતી અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીસમાં ઉચ્ચ પદ પર કામ કરતી હતી. નવરાત્રિના ફંકશનમાં અમે બિલ્ડિંગના ટેરેસ પર મળ્યા હતાં. બધા હળીભળી રહ્યા હતાં. માથાથી પગ સુધી ફુલી “ડેક્કડ અપ,” પરીનાઝે પોતાની ઓળખાણ આપી. વિનુ ત્યારે સી.એ.ની પ્રેક્ટીસ કરતા હતા એવું મેં એને કહ્યું તો ખૂબ ખુશ થઈને કહ્યું, “ચાલો, મારા ફિલ્ડનું કોઈ તો મલ્યું પણ બે અઠવાડિયામાં હું તો ચાલી જઈશ, અમેરિકા, કાયમ માટે પણ તમોને કાગળ લખતી રે’વસ! મજા પડી ભાભી, તમોની જોડે વાતો કરવાની!” મેં પરીનાઝને તરત જ જવાબ આપ્યો, ”અમારા ગ્રીન કાર્ડની એપ્રુવલ આવી છે પણ અમે વિચાર કરીએ છીએ!” એ તરત જ બોલી, “આઈ વીલ કમ ટુ યોર પ્લેસ ટુમોરો ઓન્લી. વી વીલ ટોક.” બીજે દિવસે રવિવાર હતો. પરીનાઝ આવી. અમારા સહુ સાથે એવી રીતે મળી કે જાણે અમને કેટલાયે લાંબા ગાળાથી જાણે છે. પરીએ તે દિવસે અમને એ પણ કહ્યું કે, એનો બોયફ્રેન્ડ, શમશેરસીંગ, પાયલેટ છે અને પંજાબી શીખ છે. એના મા-બાપે અને ભાઈએ એને “ડીસઓન” કરી હતી. એમણે એને પોતાના મા-બાપ-ભાઈ અને શીખ બોયફ્રેન્ડ વચ્ચે પસંદગી કરવાનું કહ્યું અને એણે ઘર છોડી દીધું. એનો પ્લાન અમેરિકા સેટલ થઈને, એના બોયફ્રેન્ડને બોલાવી લેવાનો હતો. પરીને પણ વિનુની જેમ, તે સમયના કાયદા પ્રમાણે, ચાર્ટડ એકાઉન્ટટન્ટના ક્વૉલિફિકેશનને કારણે, 3rd પ્રેફરન્સની કેટેગરીમાં ગ્રીન કાર્ડની એપ્રુવલ મળી ગઈ હતી આથી સેટલ થવામાં કોઈ પણ મુશ્કેલી આવવાનો સંભવ નહોતો. જતાં જતાં પરીએ કહ્યું, “તમે ને બદલે “તું” કહું અને “જયશ્રીબેન”ને બદલે “જયુ” કહું તો તને ચાલશે? મને નાની બેનનો ખૂબ જ શોખ હતો.” મેં હસીને બેઉ હાથ ફેલાવીને કહ્યું, “અરે, ચોક્કસ જ!” અને અમે ભેટીને છુટ્ટા પડ્યાં. પરી અમેરિકા આવી ગઈ. એનો બોયફ્રેન્ડ પણ મુવ થઈ ગયો અને બેઉએ અમેરિકન કોર્ટમાં લગ્ન પણ કરી લીધાં હતાં. પરીના માતા-પિતા-ભાઈ અને અન્ય સગાવહાલાંઓએ, પરીનાઝ સાથેના બધા જ સંબંધો કાપી નાખ્યા હતા. પરી, અમેરિકાથી પત્ર નિયમિત લખતી અને સમય મળે બે-ત્રણ મહિને એકાદ વાર ફોન પણ કરી લેતી. અચાનક જ ૧૯૭૭માં એનો એક પત્ર આવ્યો, “જયુ, હું અને શમશેર અલગ થઈ ગયા છીએ. મારી સાથે લગ્ન કર્યા ગ્રીન કાર્ડ માટે! અહીં આવીને, બે વરસમાં જ એની કેટલી અફૈર્સ અને કેટલી ચીટિંગ! ફર્ગીવીંગની લિમિટ આવી ગઈ હતી. હું ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં મુવ થઈ ગઈ છું. મારું એડ્રેસ નોટ કરી લેજે. હું થોડા દિવસોમાં ફોન કરીશ. જયુ, કદાચ, મારા નસીબમાં મારું પોતાનું કોઈ હોય એવું કદીયે થવાનું નથી. મને માણસો પર ભરોસો નથી રહ્યો. મા-બાપ જ જો એક પળમાં પરાયા કરી નાખે તો બીજાની વાત શી?”
પછી તો, અમારું પણ અમેરિકા જવાનું નક્કી થયું. જોગાનુજોગ, અમે પણ ફિલામાં સેટલ થયાં. પરીએ એના કોમ્પ્લેક્સમાં શરુઆતમાં એપાર્ટમેન્ટ અપાવવામાં મદદ કરી. બે વરસમાં અમે બાજુબાજુમાં ઘર લઈ, બાવીસ વરસો રહ્યાં. પરીનાઝ ખંભાતાની આ સમય દરમિયાન અનેક રીલેશનશીપ થઈ પણ ક્યાંયે કશું વર્ક આઉટ ન થતું. ૧૯૯૮ પછી એણે બધાં જ પ્રયત્નો છોડી દીધાં અને પરીનાઝ માત્ર આજમાં જ જીવતી હતી, ખુશી-ખુશી. અમારી સાથે એના પ્રેમમાં જરા પણ ફરક નહોતો પડ્યો. વિનુના હાર્ટએટેક પછી અમે કેલિફોર્નિયા મુવ થતાં હતાં ત્યારે પરીનાઝે કહ્યું, “મને હવે આ ઘરમાં નથી રહેવું. હું તો તમારી યાદ કરતી રે’વસ અને રડતી રે’વસ! અમારી કંપનીની હેડઓફિસ ટોરાન્ટો, કેનેડામાં છે તો હું ત્યાં જ મુવ થઈ જઈશ. કદાચ, નવી જગાએ નવું નસીબ! કોઈ મલી પન જાય!” અને પરીએ આંખ મીંચકારી. પરીનાઝને મેં કદી ભૂતકાળને વાગોળીને “દુઃખીમન મેરે” કરીને હારીને બેસી પડતી જોઈ નહોતી. નવરાત્રિમાં ફિલામાં થતાં ગરબા-રાસમાં પરી ઉત્સાહથી ભાગ લેતી. ક્રિસમસમાં, દિવાળીમાં, જૈન દેરાસરના ઉત્સવોમાં, બધામાં ઉમંગથી ભાગ લેતી. પરીને લેટેસ્ટ ફેશનના, નવી ઢબના કપડાં પહેરવાનો, મેચિંગ ઘરેણાં, મેચિંગ શુઝ અને ફુલઓન મેક-અપ વિના કદી ઘરની બહાર જતાં ન મેં ઈન્ડિયામાં જોઈ હતી કે ન અહીં, પછી ભલેને લગ્નમાં જવાનું હોય કે ગેસ સ્ટેશન પર ગેસ ભરાવવા. એ જ્યારે તૈયાર થતી, ત્યારે, હું એને કહેતી, “તું પરી જેવી દેખાય છે, નાઝ!” એ હસીને કહેતી, “થેંક યુ જય! કોઈ મેનને નથી લાગતી સુંદર, ટુ બેડ કે યુ આર નોટ મેન!” અને હું પણ હસી પડતી. પરીનાઝ અને હું એક્મેક પર ગુસ્સે હોઈએ ત્યારે અથવા બહુ હેત ઊભરાય ત્યારે, હું એને “નાઝ” કહેતી અને એ મને “જય” કહી બોલાવતી. અમારા, જુવાનીના દિવસોમાં એકબીજા સાથે મતભેદ પણ થતાં અને દલીલબાજી પણ થતી. તે છતાં, અમારા મન એકબીજા સાથે મળેલાં હતાં. અમે ફોન પર પંદરેક મિનિટ વાત કરીએ પછી પરીનાઝ કહેતી, “પાછળનો દરવાજો ખોલ, હું ઘરમાં આવું છું. મારે, બચ્ચાઓને જોવા છે.” વિનુ અમને બન્નેને હંમેશાં ટોકતાં,”ફોન પર સમય બરબાદ કરીને પછી મળો છો તો પહેલેથી જ આવી મળોને!” પરી કહેતી, વિનુને, “તમે લકી છો કે જય તમારી વાઈફ છે.” આમ મીઠ્ઠા ઝઘડા થતાં રહેતાં.
તે દિવસે, ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૧ હતી. ઓગસ્ટ ૧૯, ૨૦૧૦ને છ મહિના પૂરા થયાં હતાં. રોજ જ હું ઈ-મેલ, વોઈસ મેલ અને ફેસબુક જોતી રહેતી. હું કેનેડામાં પરીને ઘરે જઈ શકી નહોતી આથી ત્યાંના એના મિત્ર-વર્તુળથી પણ અજાણ હતી. પરી રિટાયર થઈ ચૂકી હતી આથી એની કંપનીમાં પણ ફોન કરવાનો અર્થ નહોતો. મારા સંતાનો પણ પૂછતાં રહેતાં, “વી હોપ ધેટ પરી આન્ટી ઈઝ સેફ.” અને, એક દિવસ, સાંજે, પરીનો ફોન આવ્યો. હું તો ખુશીથી પાગલ થઈ ગઈ. મેં પહેલાં તો એને ધમકાવવી કે આમ તે કોઈ ડિસએપીયર થતું હશે? ક્યાં હતી અને શું કરતી હતી? તું ઠીક તો છે ને?” એ હસી અને કહે, “મારે જાણવું હતું કે વ્હેર ડુ આઈ બીલોન્ગ! માન કે ન માન, હું લગભગ આખી દુનિયા આ છ મહિનામાં ફરી આવી છું. આફ્રિકા, રશિયા, બીજા બધાં જ યુરોપિયન દેશો, રોમ, તિબેટ, ચાયના, નેપાલ, હિમાલય, એન્ટાર્ટિકા, મક્કાથી માંડીને બધાં જ મીડલ ઈસ્ટર્ન કન્ટ્રીસ, યુ નેઈમ ઈટ.” મેં પૂછ્યું, “કેમ ઓચિંતા જ? માણસ કઈં કહીને તો જાયને? શી જરુર પડી એવી?” પરી હસીને બોલી, “મને શોધવા નીકળી હતી. મારું કઈંક શોધવા નીકળી હતી.” ‘મેં રીસથી કહ્યું, “તારું જે છે એને તું એમ જ છોડીને ચાલી જાય અને પછી કહેવું કે મારું કોઈક શોધવા નીકળી હતી. અન-બીલીવેબલ!” મેં ગુસ્સાથી કહ્યું. પરી બોલી, “સાંભળ, કાલે સાન ફ્રાન્સિસ્કોમાં ફક્ત એક જ દિવસ છું. તું મને મળી શકે? ઘરે આવવાનું કહેતી જ નહીં. ટાઈમ નથી.” અમે જગા નક્કી કરી. બીજે દિવસે, સાન ફ્રાન્સિસ્કોના એક પાર્કમાં, બપોરના ત્રણ વાગે અમે મળવાના હતાં. લંચ માટે મળવાની ના પાડી હતી. હું એને શોધતી હતી. ત્યાં જ મારી પાછળથી એ જાણીતો અવાજ આવ્યો, “જય!” અને પાછળ ફર્યા વિના મારા મોંમાંથી નીકળી ગયું, “નાઝ!” અને મેં ખુશીથી ઊછળીને પાછળ જોયું, ત્યાં તો એક નન મારી આગળ આવી, મારો હાથ મિલાવીને કહે, “કોલ મી નેન્સી, સિસ્ટર નેન્સી પેરી!”
….ને, …….પછી, હું પાછી ઘરે, બાર્ટમાં આવવા, સાન ફ્રાન્સિસ્કોના વેનાસના ટ્રેન સ્ટેશને સાંજના પાંચ વાગે પહોંચી. હું i-phone પર on-line મ્યુઝિક સાંભળતી હતી ટ્રેનની રાહ જોતાં. “ઓ સજના, બરખા બહાર આઈ!”

6 thoughts on “જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૩ (જયશ્રી વિનુ મરચંટ)

  1. વાર્તાનો અંત, વાર્તાનું ટ્રંપકાર્ડ છે. આખી જીંદગીમાં કોઈપણ એક વ્યક્તિને લાંબા સમય સુધી ન અપનાવી શકનાર પરીએ આખરે પુરી માનવતાને અપનાવી લીધી. જીંદગી કેવા કેવા પલટા લાવે છે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

    Like

  2. જ્યારે માનવીના જીવનમાં કોઈ એવું પાત્ર હોય છે… જેને લીધે પોતાનું જીવન મહેકતું લાગે છે પરંતુ કોઈ પણ સંજોગવશાત એ તેને જ અવગણવા લાગે છે ત્યારે ખુદને ખબર નથી હોતી કે પોતે શું ગુમાવે છે ! પરીની કથામા યાદ આવે
    બેશક બેહિસાબ દર્દનાક હૈ જીંદગીકા સફરમાના
    કભી હૈ શાદમાની તો કભી સુનોગે બેસુરા તરાના,
    હાસીલ ભી હો જાયે જો ચાહતે હો વો મંઝીલ,
    મગર અલતાફ કિસીકી નજરોંસે મત ગીર જાના
    અમેને લાગતુ હતું કે–”Respect the feelings of people who touched ur heart Bcoz, u will never know when they will just walk out of ur life and never come back” પરંતુ પરી કથાના અંતના રસદર્શનમા મા દાવડાજીએ -‘પરીએ આખરે પુરી માનવતાને અપનાવી લીધી !.’
    વાંચતા શાતા વળી.
    યાદ આવે- અમારા મિત્રએ અમેરીકાની સીટીઝનશીપ મળે તે આશયે સાનફ્રાન્સીસકો મા ડીલીવરી કરાવી..પુત્રી ને આદર્શ તબીબ બનાવી.તેવાજ આદર્શ શીખ તબીબ સાથે પ્રેમ લગ્ન થયા પણ પતિએ પ્રોત પ્રકાશ્યું અને ચુટાછેડા થયા હવે તે પોંડીચેરીમા સાધ્વી તરીકે આનંદથી રહે છે.ખૂબ જાણીતાની વાત છે તેથી નામ નથી લખ્યા.
    ધન્યવાદ

    Like

  3. બહુ જ જિંદાદિલ જીવન. પારસી મિત્રોની યાદ અપાવી દીધી.
    જયશ્રીબેનને કહેવાનું કે, એમની સાથે સમ્પર્ક ચાલુ હોય તો તેમને વિશ્વ પ્રવાસિની ‘મહેર મુસ’ વિશે જાણ કરે. એ પણ ગજબનાક પારસી બાનુ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s