લેખકો અને તેમના પુસ્તકોની પાઇરસી.. ( જીજ્ઞેશ અધ્યારૂ)


(બ્લોગ જગતમાં ભાગ્યેજ કોઈ એવું હશે કે જે શ્રી જીજ્ઞેશ અધ્યારૂને ન જાણતા હોય. અક્ષરનાદ અને રીડ ગુજરાતી જેવા બે માતબર બ્લોગ્સનું સંચાલન સંભાળતા શ્રી જીજ્ઞેશભાઈએ આંગણાં માટે ખાસ આ શોધખોળ આધારિત લેખ લખ્યો છે. આંગણાંના સદભાગ્યે આંગણાંમાં ધીંગા મહેમાનોના પગલાં થાય છે, એનો મને ખૂબ જ આનંદ છે.)

એક બ્લોગર તરીકે અમે નિઃશુલ્ક ઈ-પુસ્તકો ઉપલબ્ધ કરાવતાં હોવાને લીધે અમને લોકો અસંખ્ય વખત પૂછે છે, ‘ચેતન ભગતની ‘ફાઈવ પોઇન્ટ સમવન’ની પી.ડી.એફ મેઈલ કરો ને!’ કે ‘અશ્વિની ભટ્ટની ‘અંગાર’ સોફ્ટકોપીમાં છે?’ કે સોફ્ટકોપીમાં ‘રિચ ડેડ પુઅર ડેડ’નું ગુજરાતી વર્ઝન છે?’ લગભગ રોજ એકાદ-બે આવા ઈ-મેલ આવે છે, અને દર વખતે અમારે કહેવું પડે છે કે અમારી પાસે જેટલા પુસ્તકો મૂકવાની પરવાનગી છે એ બધાં અક્ષરનાદ પર ઓનલાઈન છે. એ સિવાય જે પુસ્તકના કોપીરાઇટ મારી પાસે ન હોય એ પુસ્તક હું ન મૂકી શકું.
અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્નાએ તેમના પુસ્તકની પાઇરેટેડ નકલ તેમને જ વેચતા એક ફેરીયાને સિગ્નલ પાસે જોયો, અને એનો ફોટો પાડીને ઈન્સ્ટાગ્રામ પર મૂકેલો. શિલ્પા શેટ્ટીને પણ તેમના પુસ્તક માટે આવો જ અનુભવ થયેલો. મુંબઈના કોઈ પણ રેલવે સ્ટેશન પર જાવ, તમને ૬૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયામાં આવા પુસ્તકો વેચતા ફેરિયાઓ દેખાશે.
ખ્યાતનામ લેખકો સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોના સંપર્કમાં રહે છે. પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરવા કે વાચકો સાથે ચર્ચાઓ કરવાની સાથે કેટલાક રચનાકારો તેમના સર્જનને પણ સોશિયલ મીડિયા દ્વારા વાચકો સુધી નિઃશુલ્ક વહેંચે છે. પણ સાથે સાથે તેમને એ વાતનો પણ ખ્યાલ છે કે તેમના પુસ્તકોની પાઇરસી પણ ખૂબ થઈ રહી છે. ખૂબ પ્રચલિત પુસ્તક પી.ડી.એફ સ્વરૂપે ફરતું હોય એવા કિસ્સા નવા નથી. મને યાદ છે કે ઈ.સ. ૨૦૦૧ની આસપાસ ‘વારેઝ’ વેબસાઇટ્સ અને ફોરમ ખૂબ પ્રચલિત થયેલા, જે રેપિડશેર કે ૪શેર્ડ જેવી ફાઈલશેરિઁગ વેબસાઇટ પર પુસ્તકો ચડાવી તેની લિંક ત્યારના ઓર્કુટ કે યાહુ જિઓસિટીઝ જેવા સોશિયલ મીડિયામાં શેર કરતા.
હવે ઈ-પુસ્તકો માટે ડી.આર.એમ (ડિજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ)ના નેજા હેઠળ અનેકવિધ રીતે ઈ-પુસ્તકો પાઇરસીથી સુરક્ષિત છે. ડી.આર.એમ પુસ્તકની અનાધિકૃત નકલ અને ફેલાવો અટકાવે છે. અને સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે એ દરેક રીત સહેલાઈથી હેક કરી શકાય છે. અને તે છતાં ઈ-પુસ્તકોની પાઇરસી ફિલ્મો કે ટી.વી શોની પાઇરસી કરતા જરાય ઓછી થઈ નથી. અસંખ્ય ટોરન્ટ વેબસાઇટ્સ પર મહદંશે બધા જ પ્રચલિત ઈ-પુસ્તકો અને ઑડીયો પુસ્તકો ઉપલબ્ધ છે. મારી જૂની કંપનીના સ્કેનરના શેર્ડ ફોલ્ડરમાં પણ એક વખત એક પ્રખ્યાત ગુજરાતી લેખકના તદ્દન નવા પુસ્તકનું સ્કેન જોયેલું, અને ડીલીટ કરાવેલું. ‘સફારી’ના ઘણાં અંક ટૉરન્ટ પર હજુય ઉપલબ્ધ છે. પણ આજે જે વાત મૂકી રહ્યો છું એ સહેજ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે, પણ એથી કોપીરાઇટ વિશેના કાયદા કે દ્રષ્ટિકોણને નકારાત્મક રીતે જોવાનો કે મૂલવવાનો મારો જરાય પ્રયત્ન નથી. ડચ પ્રકાશકો હવેથી સોફ્ટકોપી પર જે તે ખરીદનારનું નામ, બિલ નંબર અને તારીખનો વોટરમાર્ક કરીને વેંચશે, એટલે જો એ અનાધિકૃત નકલ પાઇરસીમાં વપરાઈ હોય તો તે ખરીદનારને પકડી શકે.
પાઉલો કોએલ્હોએ તેમના પુસ્તક ‘ધ અલ્કેમિસ્ટ’નું રશિયન સંસ્કરણ પ્રકાશિત કર્યું ત્યાર પછી એક વર્ષમાં તેની ફક્ત ૧૦૦૦ નકલો વેંચાઈ. પ્રકાશકે પાઉલોને પડતા મૂક્યા. બીજા પ્રકાશક સાથે જોડાયા પછી પાઉલોએ એક હિંમતભર્યું પગલું લીધું. તેમણે પોતાની વેબસાઇટ પર ‘ધ અલ્કેમિસ્ટ’નું રશિયન સંસ્કરણ ૧૯૯૯માં નિઃશુલ્ક ડાઊનલોડ માટે મૂકી દીધું.
અન્ય કોઈ પણ પ્રમોશન વગર, પુસ્તકનું વેચાણ વધતું ચાલ્યું. પછીના એક વર્ષમાં દસ હજાર નકલો વેચાઈ. અને એ પછીના વર્ષ સુધીમાં આંકડો એક લાખ સુધી પહોંચ્યો. ઈ.સ. ૨૦૦૨ સુધીમાં તેમના પુસ્તકોના વેચાણનો આંકડો દસ લાખને પાર કરી ગયો. દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં તેમણે કહ્યું, ‘મને ખાતરી છે કે તેને ઓનલાઈન મફત મૂકવાના નિર્ણયને લીધે જ આ વેચાણ થયું.’ તેમણે ‘ધ પાઇરેટ બે’ સાથે મળીને તેમણે પોતાના બધા પુસ્તકો નિઃશુલ્ક મૂકી દીધા, સાથે વાચકોને વિનંતિ કરી કે તમે આ પુસ્તક ડાઊનલોડ કરો અને જો તમને એ પસંદ આવે તો તેને ખરીદીને વાંચજો. આ રીતે આપણે પ્રકાશન સંસ્થાઓને કહી શકીશું કે ‘લાલચ ક્યાંય લઈ જતી નથી.’
ઈ.સ. ૨૦૦૦માં પાઉલોએ તેમના પુસ્તક “Stories for parents, children and grandchildren” ને આખું બ્લોગ પર મૂકી દીધું અને તેની લિંક ટ્વીટ કરી. પાંચ મહિનામાં એ પુસ્તકના દસ લાખથી વધુ ડાઊનલોડ થયા, પણ પાઉલો લખે છે તેમ, એ પુસ્તક માટે એક પણ નોંધપાત્ર પ્રતિભાવ ન મળ્યો. તેઓ કહે છે, લોકો પુસ્તક ડાઊનલોડ તો કરે છે, પણ મહદંશે વાંચતા નથી, અને પ્રતિભાવ તો જવલ્લે જ આપે છે. તેઓ ડાઊનલોડ કરે છે કારણ કે તેમની વાંચવાની ઈચ્છા પૂર્ણ કરે એવું કંઈક તેમને ઉપલબ્ધ કરી રાખવું છે, એ વિચિત્ર પ્રકારનો સંતોષ છે કે જેમની પાસે લેપ ટોપ કે મોબાઈલમાં એ પુસ્તક ડાઊનલોડ કરેલું છે, પણ જ્યારે ખરેખર વાંચવાનો સમય આવશે ત્યારે તેઓ પુસ્તક ખરીદશે.” પાઉલોના આ વિચાર સાથે ઘણા સંમત નથી. આજે પણ તેમના પુસ્તકોની ઓનલાઈન પાઇરસી ઓછી થઈ નથી, ઉલટું પાઉલો કોએલ્હો તેમના પોતાના પુસ્તકોની પાઇરેટેડ નકલ ડાઊનલોડ કરવા માટેની કડીઓ તેમના ટ્વીટર અને બ્લોગ ફોલોઅર્સ સાથે પોતે વહેંચે છે અને પાઇરેટ કોએલ્હો નામનો આખો એક વિભાગ તેમના પુસ્તકોની ઈ-નકલો નિઃશુલ્ક આપે છે.
હેરી પોટર શ્રેણીના લેખિકા જે. કે. રોલિઁગ પાઇરસીના ડરથી ઈ-પુસ્તકોના વિચારને નકારતાં રહ્યાં, અને તેમના પુસ્તકો ઈ-સ્વરૂપે ઉપલબ્ધ ન હોવાને લીધે એની વધુ પાઇરસી થઈ. આખરે તેમણે પણ ઈ-પુસ્તક સ્વરૂપને સ્વીકારીને પોતે જ પોટરમોર નામની વેબસાઇટ પર પુસ્તકો ઈ-સ્વરૂપે વેચવાનું શરૂ કર્યું. હજુ ઘણાં દેશોમાં તેની સોફ્ટકોપી વેચતા નથી, પણ હેરી પોટરના પુસ્તકોની પાઇરસી રેકોર્ડ સ્તર પર છે. ભારતમાં તેની હાર્ડકોપીની પાઇરસી રોકવા પ્રકાશકે ૨૪ કલાક હેલ્પલાઈન નંબર શરૂ કરેલો, અને જેવી એ વિશે માહિતી મળે કે તેમની સિક્યોરીટિ એજન્સી અને વકીલો વગેરે તરત દરોડો પાડતા. હેરી પોટર શ્રેણીના પુસ્તકોને તેમણે ન્યૂક્લીઅર બોમ્બ જેટલી ચોકસાઈથી સાચવ્યા એમ કહેવાય છે. ડેન બ્રાઉનની ‘ધ લાસ્ટ સિમ્બોલ’ પણ પ્રકાશનના બીજા જ દિવસે પાઇરસીને પામી, થોડા દિવસોમાં તેના એક લાખથી વધુ ડાઊનલોડ થયેલા. વાત ફક્ત નવલકથાઓથી અટકતી નથી, મેડિકલ પુસ્તકો કે ટેકનિકલ પુસ્તકોની પાઇરસી પણ સતત વધતી ચાલી છે.
પણ અભ્યાસ બતાવે છે કે પ્રકાશકો અને લેખકોનો આ ડર જેટલો મોટો કરીને બતાવાય છે, એટલો ખરેખર છે નહીં, અમેઝોન કિન્ડલ દ્વારા ઈ-પુસ્તકો ખરીદતા લોકો અન્ય હાર્ડકોપી ખરીદતા લોકો કરતા ૩.૧ ગણા વધુ પુસ્તકો ખરીદે છે, કારણ તેમાં ખરીદવાની સરળતા છે, શિપિંગ કે ડિલિવરીનો પ્રશ્ન નડતો નથી, પુસ્તક માટે રાહ જોવી પડતી નથી, અને એક નાનકડા કિન્ડલમાં અનેક પુસ્તકો સમાઈ શકે છે. અંગ્રેજી પુસ્તકોના વેચાણમાં અમેરિકા અને ઈંગ્લેંડ પછી ભારત ત્રીજા ક્રમે છે. અત્યારે ભારતમાં ૧૦% પ્રકાશક ઈ-પુસ્તક ક્ષેત્રમાં છે, જે ૨૦૨૦ સુધીમાં ૨૫% થવાની શક્યતા છે. અને તેની સાથે પાઇરસી પણ અનેકગણી વધવાની એ ચોક્કસ. સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધતા વપરાશને લીધે ભારતમાં ૫૬% લોકોએ નેલસનના સર્વેમાં કબૂલ્યું કે તેમણે ઓછામાં ઓછું એક ઈ-પુસ્તક ખરીદ્યું છે. પાંચ ભારતીય ભાષાઓને આવરી લેવાની શરૂઆતને લીધે ભારતમાં અમેઝોનના કિન્ડલનું વેચાણ વધ્યું છે, અને મોબાઈલ પર પણ કિન્ડલ એપ સાથે વાંચન વધ્યું છે. ૨૦%ના દરે દર વર્ષે વધતાં ભારતીય પુસ્તક બજારમાં ૫૫% વેચાણ અંગ્રેજી પુસ્તકોનું છે, ૩૫% હિન્દી અને બાકીના ૧૦% અન્ય ભારતીય ભાષાઓના છે. અંગ્રેજી પુસ્તકોમાં વિદેશી પ્રકાશકો કે લેખકો સિંહભાગ લઈ જાય છે.
ભારતમાં વધતી નેટ સ્પીડ, સરળ થઈ રહેલા ઈ-પેમેન્ટ અને સરકાર તરફથી એ માટે લેવાઈ રહેલા પ્રોત્સાહક પગલાને લીધે ઈ-પુસ્તકોનું વેચાણ આવતા વર્ષોમાં વધવાનું જ છે, અને સાથે સાથે ભારતીય પાઇરેટ સાઇટ્સ એ જ ઝડપે પાઇરસી પણ કરશે જ. પિઅર ટુ પિઅર ટોરન્ટ વેબસાઈટ્સ પર તરત ચડી જતા આ પુસ્તકોના પ્રસારને રોકવાનો કોઈ સરળ રસ્તો હાલ તો દેખાતો નથી, પણ હાર્પર કોલિન્સના વ્યવસ્થાપકો આ પાઇરસીને અનિવાર્ય દૂષણ ગણે છે, અને તેનો હકારાત્મક રીતે પુસ્તકના પ્રસાર માટે જ ઉપયોગ કરવાના પ્રયત્નશીલ છે.
જે. કે. રોલિંગને ટ્વિટર પર એક પત્ર મળ્યો. પત્ર એક એવી નાનકડી છોકરીની માતાએ લખેલો જેને કેન્સર હતું. એ છોકરી થોડા જ દિવસોમાં મૃત્યુ પામી. પત્રમાં તેની માતા લખે છે, “જ્યારે કિમોથેરાપી વગેરે ચિકિત્સા તેને માટે અકળાવનારી થઈ જતી, ત્યારે તમારા શબ્દોએ તેને એવો કિલ્લો બાંધી આપ્યો જેમાં એ ખોવાઈ જતી. કેન્સરનો રોગ જ્યારે મારી દીકરીનું બધું જ છીનવી રહ્યો હતો ત્યારે તમારા પુસ્તકો એ કિલ્લો બની રહ્યાં જેમાં અમે ખૂબ અધીરાઈ પૂર્વક છૂપાઈ જવા માંગતા હતા.” જવાબમાં રોલિંગે ટ્વિટ કરેલું, ‘મને લાગે છે કે હું લખું છું કારણ કે શબ્દો જ કાયમ મારું સલામત સ્વર્ગ બનીને રહ્યાં છે. હું ફક્ત એ જ ઇચ્છું કે શબ્દો તેને તમારી પાસે પાછી લઈ આવી શકતા હોત.”
પુસ્તકો આપણા જીવનનું અભિન્ન અંગ છે, અને આવા અનુભવો માનવા પ્રેરે છે કે એક પુસ્તક જીવનમાં મોટો ભાગ ભજવી જાય છે, કોને ખબર કયા પુસ્તકની કઈ કડી તમારા જીવનને નવી દિશા આપી જાય, એ માટે પાઇરેટેડ પુસ્તકનો આધાર લઈશું કે લેખકને તેની મહેનતના અને આપણા જીવનમાં વાંચન માટે ગાળેલી એ યાદગાર ક્ષણ બદલ શુલ્ક ચૂકવીને તેનું ઋણ અદા કરીશું? પાઇરસીને રોકવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. ઇન્ટરનેટ નકારાત્મક કરતા હકારાત્મક ઉપયોગ માટે વધારે યાદગાર બનતું જાય છે, એવામાં પાઇરસી જેવા દૂષણોથી તેને બચાવવું જરૂરી છે.
– જીજ્ઞેશ અધ્યારૂ

1 thought on “લેખકો અને તેમના પુસ્તકોની પાઇરસી.. ( જીજ્ઞેશ અધ્યારૂ)

  1. ઈ-પુસ્તકો અને ઑડીયો અંગે અભ્યાસપૂર્ણ માહિતી આજે જાણી
    ‘ લેખકને તેની મહેનતના અને આપણા જીવનમાં વાંચન માટે ગાળેલી એ યાદગાર ક્ષણ બદલ શુલ્ક ચૂકવીને તેનું ઋણ અદા કરીશું? ‘
    આ વાત અમારા કરતા પણ અહીંની ત્રીજી પેઢી વધુ સમજે છે અને બેધડક પુસ્તક ખરીદે છે.ગમતા લેખકની મુલાકાત લે અને ખરીદેલા પુસ્તક પર લેખકની સહી લે…તે પુસ્તક માટે ગૌરવ અનુભવે.કોકવાર લેખક સાથે ચર્ચા પણ કરે છે
    અમારા દીકરા અને દીકરીના પુસ્તક લોકાર્પણ વખતે અમે પણ પુસ્તક ખરીદેલા.ડો વિવેક ટેલર જેવા મિત્રોએ કીંમત ચુકવી ત્યારે કોઇને આશ્ચર્ય ન થયું…વાત સહજ લાગી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s