કારણો તો દોડતાં મળે (સરયૂ પરીખ)


સરયૂબહેનની આ કવિતા માનવ મનની એક નબળાઈને ઉજાગર કરે છે. મનનું ધાર્યું કરવું હોય તો કારણ શોધવા ક્યાંયે જવું પડતું નથી, એ મનની અંદર જ મળી રહે છે. રીસાઈને રડવું હોય તો કારણ તો તરત મળી રહેશે… બસ આગળ તમે જ વાંચો, મનમાં અનેક ભાવ પેદા થશે.

કારણો તો દોડતાં મળે

અહમ્ અંતરના ઓરતાને વાંચું,
મળે કારણ ના એનું કો’ સાચું.
જેને રૂસણામાં રોળવું હો આંસુ,
તો કારણો તો દોડતાં મળે.

તરડ ઝીણી પર હિમાળા છાંટા,
લગીર લહેરખીમાં થરથર રુવાંટા.
ખર્યા શબ્દો ને ફૂલ બને કાંટા,
ને કારણો દિલ તોડતાં મળે.

સ્વાર્થરેખા ને સંકુચિત મુઠ્ઠી,
બંધ બારી સુગંધ જાય રૂઠી.
દે દસ્તક પણ ખોલવા ન ઊઠી,
ને કારણો ઉર સોરતાં મળે.

ઘનઘેરાં વાદળ ભલે ઝૂક્યાં,
પણ, કાણા કળશમાં જળ સૂકાં.
જ્યાં બહાનાનાં બારસાખ મૂક્યાં,
ત્યાં કારણો જીવ કોરતાં મળે.
-સરયૂ પરીખ

4 thoughts on “કારણો તો દોડતાં મળે (સરયૂ પરીખ)

  1. વિચારતા કરી દે તેવી રચના. થોડાક વિચાર – આકરા લાગે તો ખમી ખાવા વિનંતી …
    —————-
    કાર્ય – કારણનો સિદ્ધાંત વૈજ્ઞાનિક છે. એમ જ તત્વ ચિંતકોએ કર્મનો સિદ્ધાંત ઉપજાવ્યો. આપણા દેશમાં બહુ ચાલ્યો. બીજે જહન્નમ અને જન્નતની કલ્પનાઓ – એ પણ બહુ ચાલી.
    પણ…. જીવન જીવવા માટે એ જરૂરી છે? કામનું આયોજન કરવા એનાલિસિસ કરવું જ પડે. તો જ ભુલો સુધરે અને નવી રચના- નવી દિશા મળે.કમભાગ્યે આપણે આપણી ભુલો જોવા તૈયાર જ નથી હોતા. દરેક ચર્ચાને બે બાજુ હોય છે – મારી અને …… ખોટી !
    ———–
    આવા માહોલમાં સાવ નવો અભિગમ ગોતવો રહ્યો. .

    Like

  2. ગૂઢ રચના! એક્વાર વાંચી જવાથી જે સમજવી સહેલી મને ન લાગી! એટલે ફરી વાંચવી પડી! “કાણા કળશમાં જળ સૂકા..” વાંચીને આપણી એક કહેવત યાદ આવી ગઈ! ખાલી ચણો વાગે ઘણો! સરયૂબેનને અભિનંદન!

    Like

  3. અભિમાનભરી અપેક્ષાઓ અધૂરી રહ્યાની ફરિયાદ કરવી હોય પણ તેનું કોઈ સક્ષમ્ય કારણ ન મળે, અસંતોષ ને કોઈ સીમા નથી, તેથી રિસ અને રડવું.
    સબંધમાં તડ પડી હોય અને ઠંડી લાગણીઓના માહોલમાં– અમુક સમયે ફૂલ જેવા શબ્દો લાગતા, એ કાંટા જેવા લાગે છે. દિલ તોડનારા લાગે છે.
    સ્વાર્થની દિવાલ જેવી કોઈ પાકી દિવાલ નથી જે સ્નેહને વહેતો અટકાવે છે. કોઈના પ્રેમને આવકાર આપવાનું બની શકતું નથી અને મનમાં એકલતાની આગ લાગે છે.
    વરસાદ આવે પણ કાણાવાળુ વાસણ તેને સાંચવી ન શકે…. તેવો જ માનવનો સ્વભાવ અને સ્નેહ ન આપવા કે લેવા માટે અનેક બહાનાના મજબૂત અંતરાય ગોઠવે છે.
    ઘણીવાર આપણને થાય કે તેની સાથે આમ ન કર્યું હોત.. પણ જેને રિસાવું જ હોય તે બીજું કંઈક શોધી કાઢે.
    “કારણો તો દોડતાં મળે” મારી સમજ પ્રમાણે…
    આપના પ્રતિભાવો માટે આભાર. ….સરયૂ પરીખ

    Like

  4. ઘણા વર્ષો પહેલા પ્રગટ થયેલ આ ગૂઢ કાવ્ય દરેક વખતે વાંચતા નવી જ પ્રેરણા મળે પણ આજે મા દાવડાજીએ રસદર્શન —
    ‘ માનવ મનની એક નબળાઈને ઉજાગર કરે છે. મનનું ધાર્યું કરવું હોય તો કારણ શોધવા ક્યાંયે જવું પડતું નથી, એ મનની અંદર જ મળી રહે છે. રીસાઈને રડવું હોય તો કારણ તો તરત મળી રહેશે… આગળ આ જ આપણા મનની નબળાઈ ઉજાગર થતી જાય !
    યાદ આવે ઘણા આગેવાનો એ વારંવાર કહેલ વાત-‘કામ ન કરવાના કારણમા મને રસ નથી…મારે કોઇ પણ હીસાબે કામ થાય તેમા રસ છે’
    ધન્યવાદ સુ શ્રી સરયુબેનને

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s