જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૬ (જયશ્રી વિનુ મરચંટ)


“જબ કોઈ બાત બિગડ જાયે!”

“જયુબેન, ફક્ત બે ત્રણ કલાક મને તમારા ઘરે રહેવા દેશો? પ્લીઝ?” ૧૯૭૩માં, કદાચ જાન્યુઆરી કે ફેબ્રુઆરીની કોઈ શુક્રવારે સાંજના ચાર વાગે અમારા મુંબઈના ઘરે શીલાબેન બહુ જ વિચલિત સ્થિતિમાં આવ્યા. મને બરાબર યાદ છે કારણ હું ઘરમાં એકલી જ હતી અને વિનુ તે જ દિવસે, એમના કામ માટે, પાંચ દિવસો માટે મદ્રાસ જવા નીકળ્યા હતા. વીકએન્ડ માટે હું મલાડ મારે પિયેર જવાની તૈયારી કરી રહી હતી. હું મારા પ્રથમ સંતાન સાથે પ્રેગનન્સીના પ્રથમ ટ્રાયમેસ્ટરમાં હતી. મનમાં હું ખુશ થતી હતી કે ઓચિંતી જઈને મા અને ભાઈ (પિતાજી)ને સરપ્રાઈઝ આપીશ! હું આવી રીતે, “સરપ્રાઈઝ” આપતી ત્યારે ભાઈ કહેતા, “દિકરા, અમેરિકા ભણવા ગઈ હતી ત્યાંથી આ શીખી આવી છે તું! પણ, “સરપ્રાઈઝ” અને “શોક”, બેઉમાં ફરક છે, એ સમજે છે કે નહીં!” પણ, ખુશ ખૂબ થતાં. મને એમની આ ખુશી જોવી બહુ ગમતી.

હું મારા વિચારોમાં મગ્ન હતી ત્યાં જ ડોરબેલ વાગી અને ઓચિંતા જ, શીલાબેન આવી રીતે આવી ચડ્યાં. મેં કહ્યું, “આવો, આવો, શીલાબેન. જરા પણ ફિકર ન કરતાં. આ તમારું જ ઘર છે.” શીલાબેન એમના પતિ સાથે સંયુક્ત, ભાટિયા કુટુંબમાં, અમારી સોસાયટીની બાજુની સોસાયટીમાં રહેતા હતા. એમના પતિનું કુટુંબ બહોળું હતું. એમના પતિ સહિત, ચાર ભાઈઓ, એક બહેન અને સાસુ-સસરા બધા સાથે રહેતા. બહેનના લગ્ન થઈ ચૂક્યા હતાં. પેડર રોડ સ્થિત, સોસાયટીની નોર્થ-ઈસ્ટ વિંગના, આખા ત્રીજા ફ્લોરના ત્રણ બેડરુમના, ચાર ફ્લેટ્સ એમના કુટુંબના હતા પણ રસોડું એક હતું. એમના પતિ સૌથી નાના હતા અને ઘરમાં બધાના ખૂબ લાડકા હતા. બધાં જ ભાઈઓ અને બહેનો મુંબઈની તે સમયની સારામાં સારી સ્કૂલ અને કોલેજીસમાં ભણ્યા હતાં. એમના પતિ તો એ સમયે અમેરિકાથી એમ.બી.એ. ભણીને આવ્યા હતા. આખું કુટુંબ ઘણું જ મોર્ડન ગણાતું. કુટુંબનો એક્સપોર્ટ ઈમ્પોર્ટનો મુખ્ય બિઝનેસ હતો અને સાથે અનેક બીજા ક્ષેત્રોમાં પણ કુટુંબના સૌ સભ્યો સાથે બિઝનેસમાં હતા. શીલાભાભીનું ઘર મોર્ડન ફર્નિચરથી અને એ સમયની બેસ્ટ સાધન-સગવડથી સજ્જ હતું. સંયુક્ત કુટુંબની નવ ગાડીઓ હતી અને પાંચ તો ડ્રાઈવર હતા. દેખીતી રીતે, કોઇ પણ દુઃખની છાયા પણ આ ઘરના કોઇ પણ સભ્ય પર પડી હોય એવું કોઈ પણ સપનામાંયે વિચારી શકે નહીં. હું અમારા ઘરથી માત્ર પાંચ મિનિટ દૂર, મહાલક્ષમીના મંદિરમાં સાલસ સ્વભાવના શીલાભાભીને પહેલીવાર મળી હતી અને પછી તો અમારી વચ્ચે સખ્ય થઈ ગયું. ક્યારેક એકબીજાના ઘરે આવવા જવાનો સંબંધ પણ થઈ ગયો હતો. શીલાભાભી અમારી જ ન્યાતના, ભાટિયા હતાં અને ગોંડલમાં મોટા થયાં હતાં. એસ.એસ.સી સુધી ગોંડલમાં ભણ્યાં અને રાજકોટ જઈને હોમ સાયન્સમાં ડીગ્રી લીધી હતી. નાના ટાઉનમાંથી આવીને પણ, કોઈ જાતની તકલીફ કે કોમ્પલેક્સ વિના, શીલાભાભી એમના મુંબઈના મોર્ડન, ભાટિયા ફેમિલીમાં, દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા હતાં. સદાય સ્મિત સાથે પ્રસન્ન મુખ, મોઢા પર કોઈ એક રેખા પણ અપસુખની નહીં અને કદી પણ કોઈ જ ફરિયાદ નહીં એવા શીલાભાભી, આ રીતે મારા ઘરે?
શીલાભાભી ઘરમાં આવ્યા અને જેવો મેં ફ્લેટનો દરવાજો બંધ કર્યો કે મને વળગીને રડી પડ્યાં. કઈં પણ પૂછ્યા-કહ્યા વિના, મેં એમની પીઠ પર હાથ પ્રસવાર્યા કર્યો. થોડીવાર સુધી એ રડતાં રહ્યાં. પછી શાંત થઈને પાણી પીધું. હું બોલી, “ભાભી, તમે જેટલું રહેવું હોય એટલું રહી શકો છો. કહો, હું કઈ રીતે તમને મદદરુપ થઈ શકું?” પાછા એમની આંખમાં પાણી આવ્યાં. મને કહે, “બસ, મને જરાક વાર શાંતિથી બેસી, વિચારવું છે કે મારે શું કરવું છે. વિનુભાઈ ક્યારે આવે છે ઓફિસથી?” મેં કહ્યું, “વિનુ તો ઓડિટ માટે મદ્રાસ (આજનું ચેન્નઈ) ગયા છે અને ગુરુવારે પાછા આવશે. આરામથી બેસો. હું ચા બનાવું છું. હજી તો સાંજના સાડા ચાર જ વાગ્યા છે.” હું રસોડામાં ગઈ. લિવિંગરૂમમાં બેઠેલા શીલાભાભીની દશા જોઈ મને હજારો એવા વિચારો આવતા હતા કે શીલાભાભીને એમના સાસુસસરા ત્રાસ આપતા હશે? મુંબઈમાં ઉછરેલી મોટા ભાટિયા ઘરની એમની જેઠાણીઓ અને જેઠ હુકમ ચલાવતાં હશે કે પછી પરણેલી નણંદ હેરાન કરતી હશે? કદાચ, પતિ અને સાસરિયાં મળીને, પિયેરથી પૈસા લાવવા માટે દબાણ કરતા હશે કે લગ્નને પાંચ વરસ પૂરા થયા છતાં બાળક નથી એ માટે મેણાં મારતાં હશે? શું હોય શકે? મારા મગજમાં વિચારોનું તુમુલ યુધ્ધ ચાલતું હતું.
હું ચા-નાસ્તો લઈને બહાર ગઈ. મેં શીલાભાભીને કહ્યું, ‘ચાલો, મારો પણ ચાનો સમય થયો છે, આપણે ચા-નાસ્તો કરીએ”. શીલાભાભી થોડા સ્વસ્થ થઈ બોલ્યાં, “જયુબેન, મારા સાસરિયાં તો ખૂબ જ સારા છે. સાસુ-સસરા તો મને દિકરીથી પણ અદકી રાખે છે. જેઠ-જેઠાણીઓ, નણંદ-નણદોઈ અને એમના સઘળા સંતાનો મારી સાથે ખૂબ જ પ્રેમથી વર્તાવ કરે છે. પૈસેટકે તો જરાય દુખ નથી, પણ,…!” અને ચાનો કપ ટિપોય પર મૂકી, ફરી ડૂસકે ચઢી ગયાં. હું ચૂપ રહી, એમનો હાથ મારા હાથમાં લઈ સહેલાવતી હતી. એકાદ મિનિટ પછી શીલાભાભી પોતે શાંત થઈ બોલ્યાં, “જયુબેન, એમણે, (એમના પતિએ) તો મારી સાથે સાત ફેરા ફરતી વખતે સોગંદ લીધા છે કે મારી રક્ષા કરશે અને મને સદા સત્કર્મમાં સાથ આપશે. કોઈ પણ મુશ્કેલીમાં મારો સાથ આપશે! જ્યારે એ જ મને આજે એવું કઈં કરવાનું કહે છે કે જે મારી નૈતિકતાના ધોરણો મને કરવાથી રોકે છે! ક્યારેક થાય છે કે હું શા માટે મારા સાંતાક્રુઝમાં રહેતા ફોઈને ત્યાં પાંચ વરસો પહેલાં કોલેજના વેકેશનમાં આવી હતી? જો હું મુંબઈ આવી જ ન હોત તો એમની સાથે પરણવાનો સવાલ જ ન આવત! એ સમયે, હું કોઈના લગ્નમાં ફોઈના કુટુંબ સાથે ગઈ હતી. એમણે, ત્યાં એ લગ્નમાં, મને જોઈ હતી. (પછી ભાટિયા ભાષામાં એમનાથી બોલાઈ જવાયું) હી પોતેજે મમ્મી-પપ્પાકે ગની, મળે સાથે, મીંજે ઘરે ગોંડલ આવ્યા, સગાઈજો માગો ગનીને! (એ પોતાના મમ્મી-પપ્પા અને બધા સાથે મારા ઘરે ગોંડલ મારી અને એમની સગાઈનું માગુ લઈને આવ્યા હતાં!) પચ્ચીસ વરસના શીલાભાભી આજે પણ એટલા સુંદર લાગતા હતાં કે જો કોઈને ખબર ન હોય કે એ પરણેલા છે તો સાચે જ માગુ લઈને જાય! સાડાપાંચ ફૂટ ઊંચા, ગૌરવર્ણ, પાતળું, સુડોળ શરીર અને નમણાશ તો અંગઅંગથી ઝરે, એવા શીલાભાભીને મારાથી અચાનક જ કહેવાઈ ગયું,”ભાભી, તમને તો આજે કોઇ જોય તો એ પણ માગુ લઈને આવે!”
શીલાભાભી શરમાઈને કહે, “તમે પણ શું જયુબેન!” પછી, કહે, “જયુબેન, મારું કહેવાય એવું અહીં કોઈ નથી. મારા મા-બાપુની ઉંમર થઇ ગઈ છે. હું એમનું એક જ સંતાન છું. હું જે તમને જે કહી રહી છું, તે, મારા સમ કોઈને નહીં કહેતાં. એ, મારા વર, મને ફોર્સ કરી રહ્યા છે કે અમે કાલે માથેરાન બે દિવસ માટે એમના મિત્ર સાથે જઈએ. એમના મિત્ર પરણેલા નથી, અને,…..!” શીલાભાભીનું મોઢું લાલલાલ થઈ ગયું, હું ચૂપચાપ હતી અને સાચે જ, ત્રેવીસ વરસની હું સમજી નહોતી શકતી કે શું બોલું! શીલાભાભીએ ગળું ખંખેર્યું, અને મારો હાથ પકડ્યો અને કહ્યું, “મારા પતિ મને એની સાથે રાત ગુજારવાનું કહી રહ્યા છે….!” અને એમણે રડવા માંડ્યું. મેં બુધ્ધુની જેમ કહ્યું, ”પણ કેમ, ફોર્સ કરી રહ્યા છે? શું એ મિત્ર એમના બિઝનેસ કલીગ છે કે જેમના થકી એમને ફાયદો થવાનો છે? અને જો તમે નહીં જાવ તો શું કરી લેશે?” શીલાભાભી બોલ્યાં, “જો નહીં કરું તો એ મને ગોંડલ, મારા પિયેર પાછી મોકલી દેશે. મારા મા-બાપને મોટી ઉંમરે હું જન્મી હતી. મને પાછી મોકલશે તો ગોંડલમાં એમની આબરૂના ધજાગરા થશે!” મેં પૂછ્યું, “તમને પિયેર પાછા મોકલવા માટે તમારા વરને કઈંક તો રીઝન આપવું પડશે જ! એવું થોડું કહેશે કે એમણે, તમને, એમના મિત્ર સાથે રાતના રહેવાનું કહ્યું અને તમે ના પાડી એટલે પાછા મોકલી આપ્યા!” શીલાભાભી ધ્રુસકાં ભરતાં કહે, “અમે ગયા મહિને ઉદેપુર ગયાં હતાં. એક દિવસ અમે શ્રીનાથજી જવાના હતાં ત્યારે મુંબઈથી એમના કોઈ ફોરેનના ઘરાક આવ્યા હતા. શ્રીનાથજીથી ઉદેપુર પાછા આવીને એ અને એમના ઘરાક, હોટલની અમારી રૂમમાં ડ્રીન્ક્સ લેતાં હતાં. બેઉએ મને પરાણે વ્હીસ્કી પીવડાવી. પહેલાં મેં કદી આલ્કોહોલવાળા ડ્રીન્ક્સ લીધાં નહોતાં. પછી એમણે મ્યુઝિક મૂક્યું. મને તો ભાન જ ન હતું અને એમણે એ કસ્ટમર સાથે ડાન્સ કરતાં, મારા ફોટા પાડી લીધા! હવે મને બ્લેક્મેલ કરી, આ હીણું કામ કરવાનું કહે છે! એ કહે છે કે આ ફોટા બધાને તારું કેરેકટર ખરાબ છે એ બતાવવા માટે પૂરતા છે!” અને ફરી શીલાભાભીએ રડવા માંડ્યું. મારા જુવાનીના ગુસ્સામાં અને “સમાજકો બદલ ડાલો”નું જોશ ભળી ગયું અને મેં કહ્યું, “ભાઈ આટલા બદલાઈ કેમ ગયા? પાંચ વરસના પરણિત જીવન પછી ઓચિંતું આવું કેમ કરે છે? હું સમજું છું કે તમારા માટે છૂટાછેડા લેવા કે પાછા જવાના ઓપશન નથી અને આવા ફોટા એમની પાસે હોવાથી, એમના માતા-પિતાને પણ કહેવાનો સવાલ નથી આવતો તો આમ રડીને બેઠા રહેશો અને એમના જુલમ સહેતા રહેશો? કઈંક તો કરવું પડશેને ભાભી? એક વાત મને હજી નથી સમજાતી ભાભી કે, તમારા પતિ આવું કેમ કરે છે?” એમના ડૂસકાં હજુ ચાલુ હતાં. “અમને પાંચ વરસથી બાળક નથી. એમને કોઈનું બાળક દત્તક નથી લેવું. એમને પોતે ખૂબ જ હેન્ડસમ છે એનું ગુમાન છે અને બાળક દત્તક લેતાં એમના અભિમાનને ઠેસ લાગે છે.” મારાથી વચ્ચે બોલાઈ જવાયું, “પણ આ રીતે તમને દૂણવાના? આવું એ શા માટે કરી રહ્યા છે?” શીલાભાભીનો બંધ તૂટી ગયો, એકી શ્વાસે એ બોલી ગયાં, “કારણ કે એ નપુંસક છે. પાંચ વરસથી હું બળી રહી છું, મારું અંગેઅંગ બળી રહ્યું છે! હું તો આમ સાવ કુંવારી રહીને પણ ખુશ રહી લઈશ. પણ આમ કોઈની પણ સાથે..? ઓ મા, રે … !” શીલાભાભી મારા હાથમાં ઢગલો થઈને પડ્યા. મને ખબર જ ન પડી કે મારી આંખોમાંથી ક્યારે આંસુ વહેવા માંડ્યાં!
અમારો ફ્લેટ ગ્રાઉન્ડફ્લોર પર હતો. બહાર, કોરીડોરમાં, વોચમેનના રેડિયો પરનું ગીત ઝીણા આવાજે અમારા લિવિંગરૂમમાં સંભળાઈ રહ્યું હતું. “વક્તને કિયા ક્યા હંસીં સિતમ!’

8 thoughts on “જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૬ (જયશ્રી વિનુ મરચંટ)

 1. this is burning example of male ego- and as jayshreeben thought earlier – happens fo business promotion and other advantages- but he used due to ego great hidden plan to take pictures – to keep his card clear.i also know in known circle- good girls have to take at last diverse because of this male deficiency- very sad- and touching story.

  Like

 2. જયશ્રીબેન આજે તો તમારી આ વાત પર મન એટલું તો ક્ષુબ્ધ થઈ ગયું છે કે ના પુછોને વાત. શીલાભાભી માટે આશ્વાસનના બે બોલ કહેવા કે એમના પતિ માટે ફિટકારના ?
  તમારી તો એ સમયે કેવી ય મનોદશા થઈ હશે?
  આજે જરા ચીલો ચાતરીને પુછવાની હિંમત કરું ?
  શું થયું એ પછી શીલાભાભીનું?

  Like

 3. (By Email)
  Wah!!!
  Khub Sundar…
  I was drinking my morning tea, read entire episode and did not stop to take another sip from my cup until I read the end.
  Amazing writing about a devoted and faithful Indian woman, her indescribable emotional pain, her dilemma, efforts to continue living in a society norm without jeopardizing the name and status of both side of the family, her helplessness, silence, values in life, all is very genuine and touching.
  Very interesting and less discussed subject, but is definitely not uncommon.
  You have written it so well, I wish you continue writing…
  Many Congrats for your beautiful, warm, hear touching episodes…
  Sandhya Doshi

  Like

 4. પુરુષ નપુંસક કે નામર્દ હોય, જેના દ્વારા બાળક પૈદા થઇ શકે એવી કાબેલિયત ના હોય” જ્યા પત્નીને સંતાનના જન્મને લઈને અન્ય વિવાહ કરવાની અનુમતિ હોતી નથી, કે તલાક જવો કોઇ નિયમ ના હોય, પરંતુ ગર્ભધાન કરવા માટે બીજા પુરુષની સાથે શારીરિક સંબંધો સ્થાપિત કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.સર્વપ્રથમ નિયોગને મનુસ્મૃતિમાં ઉલ્લેખિત કરવામાં આવ્યો છે.ધૃતરાસ્ટ્ર, પાન્ડુ અને વિદુર નિયોગથી પૈદા થયેલ છે જેમાં પુરુષ તરીકે ઋષિ વેદ વ્યાસ નિયુક્ત કરાયેલ. ઋષિ વેદવ્યાસ ઋષિ પારાસર ના બળાત્કારની નિશાની હતા! પાન્ડુ ને પણ સંતાન પ્રાપ્તિમાટે અસમર્થ બતાવેલ જેથી પાંચેય પાંડવ નિયોગથી ઉત્પન્ન બતાવેલ જેમા નિયુક્ત પુરુષ અલગ અલગ દેવતાઓ બતાવેલ ત્યારે સુ શ્રી જયશ્રીબેનની સંવેદનશીલ વાતના તર્ક સમજવા પ્રયત્ન કરીએ.
  વૈજ્ઞાનિક વિચાર પ્રમાણે મનુષ્યેતર પ્રાણીઓમાં એક સંવનન કાળ હોય છે. તેઓ આ સંવનન કાળ સિવાય નર કે માદા તરીકે વર્તતા નથી .મનુષ્યમાં હમેશા આમ નથી. મનુષ્ય પોતે, આહાર લેવો, નિદ્રા લેવી અને મૈથુન કરવું એ સિવાય અનેક જાતના અગણિત કર્મો કરે છે. નર અને માદાઓમાં એક પતિત્વ/પત્નિત્વ ની પ્રણાલી જોવી કે આડા સંબંધો ન જોવા તે હાસ્યાસ્પદ ગણાય છે માદામાં એક સુસુપ્ત ભાવના હોઈ શકે કે કોઈ મનગમતો નર તેના ઉપર બળજબરી કરે. આ વાત સાવજ નકારી ન શકાય. મોહે પનઘટપે નંદલાલ છેડ ગયો રે.નરસિંહ મહેતા, મીરાંબાઈ, તુલસીદાસ, કાલીદાસ વિગેરેની રચનાઓ માદામનુષ્યોમાં પણ મનપસંદ હોય છે. ત્યારે સંતો કહેતા પરદાર પરદ્વવ્ય પરદ્રોહ પરાંગમુખઃ
  ગંગાબૃતે કદાગત્ય માં અયં પાવયિષ્યતિ? ત્યારે મહાત્મા ગાંધીજીએ મનને કાબુમાં રાખવા ઘણા પ્રયોગો કર્યા. આ પ્રયોગોમાંનો એક પ્રયોગ, વિજાતીય વ્યક્તિ સાથે નપુંસક મન રાખી સહશયન કરવું એ હતો.અદ્વૈતવાદ પ્રમાણે મનુષ્યનો હેતુ આનંદ પ્રાપ્ત કરવાનો છે. તો પછી જો વિજાતીય વ્યક્તિસાથે શારીરિક સુખથી જે આનંદ મળે છે તેને સીમિત શા માટે કરવો? મુંબઈમા ઉછરેલ ભાટીયા શીલાની નૈનિકતાના ધોરણ આ વાત સહન ન કરી શકે તે સ્વાભાવિક છે. તેનો અંત આપણા પર છોડ્યો છે…
  આધુનિક જમાનામા નપુંસકના ઉપચાર અને વિશ્વે સૌથી વધુ કમાણીના સાધન બનેલા ફર્ટીલીટી ક્લીનીકોનો આશરો , છુટાછેડા , સાધ્વી થાય કે માનસિક રોગોનો ભોગ બની આપઘાત કે અનેક ફીલ્મો-સીરીયલો પ્રમાણે આતંકવાદી બની
  વાતની હીરોઇન બને !
  દરેક એપીસોડ પ્રમાણે આ એપીસોડની રજુઆત દાદ માંગે
  સુ શ્રી જયશ્રીબેનને ધન્યવાદ

  Liked by 1 person

 5. From: Dipal Patel
  Date: November 1, 2017 at 6:23:52 PM PDT
  To: Jayshree Merchant
  Subject: Re: [New post] જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૬ (જયશ્રી વિનુ મરચંટ)
  ઓ માં રે.!! આ પણ સાચી વાર્તા છે આંટી? શું થયું પછી શીલાઆંટીનું? આવું ખરેખર જે મુવીમાં બતાવે છે એ વાસ્તવમાં પણ થાય છે?
  આ વાર્તાને હું વાર્તાની જેમ નહિ પણ જાણે તમને અને શીલાઆંટીને હાથમાં હાથ પરોવીને વાત કરતા હોય અને હું સાંભળતી હોય એમ જ લાગ્યું.

  Like

 6. જયશ્રી ખૂબ વિચારીને આ પ્રતિભાવ આપુછું હું તો આમ સાવ કુંવારી રહીને પણ ખુશ રહી લઈશ. પણ આમ કોઈની પણ સાથે..? ,” મને કુંવારી રહેવાનો વાંધો નથી પણ બીજા પુરુષ સાથે। !! અહીં મેઈલ ઈગો બતાવે છે શીલાભાભી પોતાના પતિની ખામીઓ છુપાવી પાંચ વરસ કાઢી નાખ્યા પણ પતિને એની કદર ના થઇ એ તો બળબળતાં અંગ સાથે એને કબુલ કરી ચુકી હતી વળી બીજા પુરુષ સાથે મોકલવાની વાતે સ્ત્રી નું ગૌરવ ઘવાયું .!! હવે શીલાભાભીનુંમ શુઁ થયું ? એ ચુપચાપ બીજા પુરુષ પાસે ગઈ કે બંડ પોકાર્યું એ વાંચક પર છોડી જયશ્રી બેને કસાયેલી કલમ ની સાક્ષી પુરી છે આ વિષય પર ઘણું કહી શકાય !!પણ હાલ આટલું જ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s