મારી બ્લોગ યાત્રા (પી. કે. દાવડા)


મારી બ્લોગ યાત્રા

મારી બ્લોગ યાત્રાના આઠ વર્ષ પૂરા થવા આવ્યા.

જ્યોતીંદ્ર દવેએ પોતાના સાહિત્ય પ્રવેશ વિષે લખેલું,

“સાહિત્યની કંટક વાડ ભેદવા
કરે  ગ્રહી  કાતર કાવ્ય કેરી,
જરાક નાનું છીંડું એક પાડી
ઊભો રહ્યો, કાતર ફેંકી દીધી.”

મારું પણ એવું જ થયું. ૧૯૫૩માં શાળા છોડ્યા પછી, ગુજરાતીમાં એકપણ નિબંધ, લેખ, વાર્તા કે કવિતા લખેલા નહિં. જાન્યુઆરી ૨૦૧૦ મા કોમપ્યુટરમાં ગુજરાતી ફોન્ટની પ્રેક્ટીસ કરવા રમત રમતમાં “ઘર બેઠે ગિરધારી” નામે એક કવિતા લખી. લગભગ એ જ ગાળામાં, મને બ્લોગ એટલે શું એની  જાણ થઈ હતી, એટલે મેં શરૂઆત કરવા, આ કવિતા “રીડ ગુજરાતી”ના શ્રી મૃગેશ શાહને મોકલી આપી. એમણે એ ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ના “રીડ ગુજરાતી”માં મુકી. સરસ કોમેંટ્સ મળ્યા. બસ થઈ ગઈ યાત્રાની શરૂઆત.

આ સમયગાળા દરમ્યાન, સર્ફીંગ કરતાં કરતાં મને શ્રી ભરત સૂચકના ગુજરાતી ગ્રુપના ત્રણ બ્લોગ મળ્યા, “ગુજરાત”, “ગુજરાતિ.નુ”, “ગુજરાતિ.ઓ”. હું જેમ જેમ લખતો ગયો તેમ તેમ  લેખ અને કવિતા આ બ્લોગ્સમાં મૂકવાનું શરૂ કર્યું. જાતે જ પોસ્ટ મૂકવાની સગવડ હોવાથી મને આ બ્લોગ્સ વધારે માફક આવ્યા. મોટા ભાગના લખાણોને સારા પ્રતિભાવ મળવા લાવ્યા. આ ગ્રુપના બ્લોગ્સને લીધે મારી બ્લોગ મૈત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ (સ્વપ્ન જેસાવરકર), શ્રી રમેશ પટેલ (આકાશદીપ), ડો. કિશોરભાઈ મોહનભાઇ પટેલ, બહેન પારૂ કૃષ્ણકાન્ત અને બહેન સીમા દવે સાથે થઈ. જોત જોતાંમા બાવન પોસ્ટ થઈ ગઈ. ત્રેપનમી પોસ્ટને મેં શિર્ષક આપ્યું “તિલક કરતાં ત્રેપન ગયાં”. અહીં મેં ફરિયાદ કરી કે લોકો વાંચે તો છે પણ પ્રતિભાવ આપતા નથી. થોડા સમય બાદ, જાણે કે મને અતિજ્ઞાન થયું હોય તેમ એક લેખ લખ્યો, “હરખ હવે તું હિન્દુસ્તાન”. આ લેખમા મેં દલીલ કરી કે ગુજરાતીઓ સ્વભાવથી ટીકા કરવામાં જેટલા સજાગ છે એટલા વખાણ કરવામાં સજાગ નથી. સારી વસ્તુઓથી ગુજરાતીઓ ટેવાયલા છે, એટલે કોઈ વસ્તુ સારી હોય તો કંઈ પણ બોલતા નથી, પણ કોઈ વસ્તુ ખરાબ હોય તો તરત વિરોધ નોંધાવે છે; એટલે પ્રતિભાવ ન મળે તો સમજવું કે તમારી રચના સારી છે. આ લેખને બ્લોગમાં લખનારા લોકોએ વધાવી લીધો.

આ સમયગાળા દરમ્યાન પારૂબહેને કેટલાક લેખ અને કાવ્યો પોતાના બ્લોગ “પિયુનીનો પમરાટ” માં મૂક્યા. એક બે રચના શ્રી અશોક કૈલાએ “સબરસ” માં મૂકી. જાન્યુઆરી ૨૦૧૦થી જાન્યારી ૨૦૧૨ સુધી મુંબઈથી લેખ અને કવિતા ગુજરાતી ગ્રુપના બ્લોગ્સમા મૂકતો રહ્યો. અત્યાર સુધીમાં લગભગ ૪૫૦ બ્લોગ પોસ્ટ અલગ અલગ બ્લોગ્સમાં મૂકાઈ હશે, તેમાંથી ૫૦ કવિતા હતી. કોઈપણ બે લેખ, કે બે કવિતા માટેના વિષયમા ક્યાંયે દૂર દૂરનો પણ સંબંધ ન હતો. મનમાં આવે એ વિષય પર, મનમાં આવે તે લખતો. કંઈ પણ પ્લાનીંગ નહિં, કંઈ પણ એડીટીંગ નહિં. લોકોના પ્રતિભાવ પરથી સમજાઈ જતું કે મેં કેવું લખ્યું છે. મારા બધા જ લખાણ મારા જીવનમાં જોયેલી, અનુભવેલી, સાંભળેલી અને સમજેલી ઘટનાઓ પર આધારિત હતા. કોઈની લાગણીને ઠેસ ન પહોંચે એ વાતનું હું ખાસ ધ્યાન રાખતો.

૨૦૧૨ના જન્યુઆરીમા હું કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો. અહીંથી પણ મેં બ્લોગ્સ માટે લખાવાનું ચાલુ રાખ્યું. અહીં આવ્યા બાદ મારા બ્લોગ મિત્રોમાં થોડી વ્યક્તિઓનો ઉમેરો થયો. આમાના લગભગ બધા જ બ્લોગ જગતમા ખૂબ જાણીતા છે. “અક્ષરનાદ” ના શ્રી જીગ્નેશ અધ્યારૂ, અને બીજા અનેક બ્લોગ્સના સંચાલક શ્રી સુરેશ જાની, “વિલિયમ્સ ટેલ્સ” ના શ્રી વલીભાઈ મુશા, “આકાશ દીપ” ના શ્રી રમેશ પટેલ, “ચંદ્ર પુકાર”ના ડો. ચંદ્રવદન મિસ્ત્રી, “વિનોદ વિહાર” ના શ્રી વિનોદભાઈ પટેલ, “હાસ્ય દરબાર” ના ડો.રાજેન્દ્ર ત્રિવેદી, “વિજય નું ચિંતન જગત” ના શ્રી વિજય શાહ, “શબ્દોનું સર્જન” ના બહેન પ્રજ્ઞા દાદભાવાલા, “Net-ગુર્જરી”ના શ્રી જુગલકિશોર વ્યાસ, અને “નિરવ રવે”ના બહેન પ્રજ્ઞા વ્યાસ. આ બધા મહાનુભવોએ મને ખૂબ ઉત્સાહ આપી લખવાનું ચાલુ રાખવા પ્રેર્યો છે, નહિં તો કદાચ થાકી જઈ ને મેં બ્લોગ્સમા લખવાનું બંધ કર્યું હોત.

૨૦૧૫ માં મેં “મળવા જેવા માણસ” નામની લેખમાળા લખી. આ લેખમાળામાં મેં ૫૦ ગુજરાતીઓનો પરિચય એક ખાસ ફોર્મેટમાં આપ્યો. આ લેખમાળાને બ્લોગ જગતમાં ખૂબ જ સારો આવકાર મળ્યો. મોટાભાગના પરિચય ૬ થી ૧૫ બ્લોગ્સમાં એક સાથે પ્રગટ થયેલા.

આ આઠ વર્ષ દરમ્યાન ઈ-મેઈલ દ્વારા મારો  રોજે રોજનો મિત્રો સાથેનો સંપર્ક જારી રહ્યો. મારૂં ઈ-મેઈલ ગ્રુપ પણ ખૂબ જ વિશાળ છે.

૨૦૧૬ ના ડિસેમ્બર મહિનાથી શ્રી ઉત્તમભાઈ ગજ્જરના પ્રેમભર્યા આગ્રહને વશ થઈ “દાવડાનું આંગણું” શરૂ કર્યું. ડો. કનક રાવળ, શ્રી મહેન્દ્ર મહેતા, શ્રીમતિ જયશ્રી મરચંટ અને શ્રી બાબુ સુથાર જેવા મિત્રોની સહાયથી, મારૂં આંગણું સ્વસ્થ અને સ્વચ્છ રાખીને ચલાવી રહ્યો છું.

બ્લોગ્સે મને નિવૃત્તિમા પ્રવૃતિ પૂરી પાડી છે. અમેરિકામાં મારી એકલતા દૂર કરવાનું માધ્યમા આપ્યું છે. ભારત, અમેરિકા, યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલીઆ, આફ્રીકા અને મિડલ ઈસ્ટના લોકો સાથે સંપર્ક કરાવ્યો છે. અનેક લોકો મને માનથી અને પ્રેમથી દાવડા સાહેબ કહી સંબોધે છે એનો મનમા છૂપો આનંદ થાય છે. જીવનના ૮૨ માં વર્ષમા આનાથી વિશેષ જોઈએ પણ શું?

16 thoughts on “મારી બ્લોગ યાત્રા (પી. કે. દાવડા)

 1. આપના નામ પ્રમાણે ૮૨ની ઉંમર સુધી સઘળું ‘ઉત્તમ’ રીતે ચાલ્યું અને બસ એમ જ ચાલતું રહે તેવી શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.

  Like

 2. આંગણા માટે સ્વચ્છ અને સ્વસ્થ શબ્દ પ્રયોગ ખુબ ગમ્યા.
  આપની આ નિવૃત્તિની પ્રવૃત્તિ જેવા આ બ્લોગની યાત્રાના પડાવ સમા આંગણામાં આપે સૌને ઘણી રસપ્રદ માહિતી તો આપી જ છે સાથે આપના આંગણામાં અન્યના લેખનો સમાવેશ કરીને પ્રેમભર્યો આવકાર પણ આપ્યો છે.
  અભિનંદન દાવડા સાહેબ.

  Like

 3. ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન આપતા પ્રથમ યાદ આવે ,’સોમાંથી ૮૧ મેં ખર્ચી નાખ્યા. હવે બાકીના વર્ષો ભગવાનનાં હાથમાં મુકી દીધા છે. હવે હું ભગવાનનો ભાગ થઇને પડ્યો છું, ભગવાન ક્યારે છાનામુના આવે અને ક્યારે ભગવાનનાં ભાગ થયેલા આરોગે મને…… મેરા મુઝમે કુછ નહીં, જો કુછ હૈ બસ તેરા……અને ‘…૮૧ ના આંકડાને ઉલટાવીએ એટલે ૧૮ નો આંકડો બને છે. શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય પણ ૧૮ છે અને એમના ઈ-મેલમાં ગીતાના ૧૮ અધ્યાયનો સરળ , સહજ ,સચોટ સૈલીમા સંક્ષીપ્ત સાર લખી મોકલ્યો ‘ ખૂબ ગમે તેવી વાત કે તેને બ્લોગ પર મૂકીએ તો તેઓ આનંદ વ્યક્ત કરે.શરતચૂકથી નામનો ઉલેખ્ખ ન થાય તો માફ કરે.
  અમારા અમારા લાગતા તેઓની પી કે નામની કે લુવાણા ન્યાતની ખાસીયતની રમુજ કરીએ તો તે વધાવી લે
  તેમના પત્નીના અવસાનનો આઘાત લાગેલો ત્યારે આઘાત જીરવી લેખન ચાલુ રાખ્યું તે અમ સૌ માટે પ્રેરણાદાયી વાત રહી અને બે મરણ-પોટલીઓ તૈયાર રાખી અમે પણ શરુ કરેલ બ્લોગ કાર્યનો અંત પાછળ ધકેલ્યો.
  શ્રી હિતેન આનંદપરાની પંક્તિ
  ક્યાંક તૂટે, ક્યાંક ખૂટે તે છંતા લખતા રહો
  શક્ય છે આ માર્ગ પર આગળ જતા ઇશ્વર મળે
  જેમ ……………………………………………

  Like

 4. ‘મળવા જેવા માણસ – પી કે દાવડા’! તમારો આત્મપરિચય વાંચી, તમારા વિષે ઘણું જાણવા મળ્યું!

  Like

 5. જીવન ઉપવનની પોતિકી લાગતી કવિતા ને લેખમાળાઓ, જે જોમ ને મનનીય રીતે વહાવી છે, એ માટે આપના અમે સૌ ગૌરવ અનુભવીએ છીએ..પ્રેરણા પામીએ છીએ

  Like

 6. વહાલા દાવડાસાહેબ,
  ભલે આપશ્રીએ જીવનના 82માં વર્ષમાં પ્રવેશ કર્યો; પરન્તુ નેટજગતમાં ખેલકુદકરીને 28ના યુવાનને શરમાવે એવી અમને પ્રેરણા પુરી પાડો છો તેનો આનન્દ.. ધન્યવાદ…
  અભીનન્દન સહ શુભકામનાઓ….

  Like

 7. અમને તમારા લખાણ વાંચવા ગમે છે અને તમારી સાથે વાતો કરવી પણ ગમે છે. શા કારણથી એની તો કોઈ ખબર નથી, પણ જેમ વિના કારણે બાજરાનો રોટલો ખાવો ગમે છે એમ વિના કારણે તમારા લખાણ પણ સારા લાગે છે !!
  -માવજીભાઈના પ્રણામ

  Like

 8. Pratapbhai Pandya
  Today, 12:16 PM
  આપની બલોગ યાત્રા ખરેખર આબાલવૃદ્ધ ને પ્રેરણા આપે તેવી છે.
  અભિનંદન ઓછા પડે, પણ મારી પ્રસન્નતામાં ઊભરો આવ્યો.
  આ ઉત્તમ સાહિત્ય સેવા આપ સતત ચાલુ રાખી શકો તેવું સ્વસ્થ તન અને મન કાયમ રહે તેવી અંતરની ભાવના
  સાથે મારો રાજીપો વ્યક્ત કરુ છું
  આપનો
  પ્રતાપ પંડયા ના વંદન
  (ઈ-મેઈલ દ્વારા)

  Like

 9. ખુબ ખુબ ખુબ અભિનંદન , દાદા… અમને તમારા લખાણ વાંચવા ગમે છે ..રોજ એક પોસ્ટ મુકવી એ પણ એક ભગીરથ કાર્ય છે..

  આટલા વર્ષો દરમ્યાન સતત કૈક ને કૈક સત્વશીલ આપતું રહેવું એ એક પડકાર જ કહી શકાય..

  અભિપ્રાય આપવા માટે તો wordpress નું a/c ખોલવાનું, પાસવર્ડ નાંખવાનો… પછી જુદી વેબસાઈટ કાઢીને ‘ગુજરાતી’માં લખવાનું..પછી કોપી પેસ્ટ કરવાનું..આમાં થોડો સમય લાગે એટલે ઘણા વાંચી લયે અને આગળ ચાલે.. વાંચી લીધું ને.. બસ..એટલે અભિપ્રાય લખવાનો ઓછો બને. ‘રીડ ગુજરાતી’માં બહુ સરસ છે.. અભિપ્રાય તમે સીધોજ ‘ગુજરાતી’ કે અંગ્રેજીમાં લખી શકો છો.

  શ્રી નટવર ગાંધીની આત્મકથા વાંચી..શ્રી બાબુ સુથારના લેખો વાંચવાનું બહુ ગમે છે.. .

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s