જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૯ (જયશ્રી વિનુ મરચંટ)


(જિંદગી એક સફર હૈ સુહાનાનો ૨૦ મો, અને આંગણાં માટેનો અંતીમ હપ્તો આવતા સોમવારે આંગણાંમાં મૂકવામાં આવશે. આંગણાંના મુલાકાતિઓમાં આ ધારાવાહીને ખૂબ જ સારો આવકાર મળ્યો છે. પ્રસિધ્ધ પ્રકાશક “ઈમેજ પબ્લીકેશન” આ ધારાવાહીને બીજા આઠ હપ્તા ઉમેરીને ટુંકમાં જ પુસ્તકના રૂપમાં પ્રકાશિત કરવાના છે. બાકીના આઠ હપ્તા તો તમારે એ પુસ્તકમાં જ વાંચવાના રહેશે. ધારાવાહી વિભાગમાં હવે પછી અમેરિકા સ્થિત એક જાણીતા સાહિત્યકાર અને સમાજ અને સરકારમાં જાણીતા એવા મહેમાનનો લાભ મળશે.)

જિંદગી ઈત્તફાક હૈ!

                     સરલાની કારનું પંકચર તો ક્યારનુંય રીપેર થઈ ગયું પણ ડો. ખન્ના અને સરલા, બેઉ હજી પાછળના પાર્કીંગ લોટમાં સરલાની કાર પાસે ઊભા ઊભા વાતો કરી રહ્યા “છે!” થોડું કટાક્ષમાં હસીને, સીમીએ આંખો મીંચકારીને, રસોડામાં વાસણો સાફ કરતાં કહ્યું. અમારી ૧૯૮૩ની દિવાળી પાર્ટી પૂરી થઈ હતી અને છેલ્લે અમે પાંચ-સાત કપલ્સ બાકી રહ્યા હતા, જે બધું ક્લીનીંગ કરવામાં મદદ કરી રહ્યા હતાં. એ સમયે અમે એપાર્ટમેન્ટમાં રહેતાં અને દિવાળી પાર્ટી અમારા એપાર્ટમેન્ટના ક્લબ હાઉસના હોલમાં કરી હતી. નીમિતા બોલી, “તું બહાર જોવાનું બંધ કર અને જલદી કામ પતાવ. તારા બાળકોને પણ હવે ઊંઘ આવી રહી છે.” સીમીને થયું કે આવી મજેદાર ગોસિપમાં કોઈ જ રસ નથી લેતું. એ જરાક નિરાશ થઈ ગઈ અને કહે, “ડો. ખન્નાની ફિલિપીનો વાઈફ એના નાના બાળકને લઈને ઘરે જતી રહી! સરલાની ગાડીનું ટાયર પંકચર થયું એટલે એ રીપેર કરાવવા ખન્નાજીને લઈ ગઈ! પાર્ટીમાં એન્જોય તો બધાએ કર્યું, તો પાછળનું કામ પણ સાથે મળીને થવું જોઈએ. સરલાની ગાડીનું પંકચર આપણે નથી કર્યું કે એના હાલ જે ડિવોર્સ થયા એ કઈં આપણે લીધે તો નથી થયાં! બહાર ટેબલ-ખુરસી સરખા મૂકવાના છે, ટ્રેશ કાઢવાનો છે અને સાફસૂફી ત્યાં પણ આપણા બધાંના હસબન્ડ કરી રહ્યા છે. ખન્નાજીને પણ સમજણ હોવી જોઈએ કે એ જઈને ત્યાં મદદ કરાવે. નીમિતાને સરલાનું બહુ લાગી આવે છે!” નીમિતા આ સાંભળે એમ જ સીમી બોલી હતી. હું પણ ત્યાં જ કામ કરતી હતી. મેં વાત બદલી, “સીમી, તારે આવતા અઠવાડિયે નવા જોબ માટે ટ્રેનિંગ છે ને? વ્હેર ડુ યુ હેવ ટુ ગો?” એ ડિસ્ટ્રેક્ટ થઈ અને કહે, “સેન્ટર સીટીમાં.”  અને સીમી પોતાના જોબની વાતો કરતાં કામમાં પડી ગઈ.

                  બીજે દિવસે, રવિવારે સવારે સરલાનો ફોન આવ્યો, “હાય જયશ્રી, સોરી આઈ કોલડ સો અર્લી. વિનુભાઈ છે?” મેં કહ્યું, “બાળકોને લઈને ગ્રોસરી માટે ગયા છે, કઈં કામ હતું?” એ કહે, “હા, થોડીક ટેક્સ માટે એડવાઈઝ જોઈતી હતી. આવે તો ફોન કરાવીશ?” “ભલે. તું આજે સાંજની શીફ્ટમાં કામ કરે છે?” “ના, મારે ઓફ છે. એટલે જો વિનુભાઈ પાસે સમય હોય તો હું આવું.” હું જે કમ્યુનીટી હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં જ ઈમરજન્સીરૂમમાં, સરલા, નર્સ તરીકે કામ કરતી હતી. મેં કહ્યું, “આવ. અમે ઘરે જ છીએ. બપોરે ત્રણ વાગે ફાવે તો આવજે. આપણે સાથે ચા પીશું.” સરલા સમયસર આવી ગઈ. ઊંચી, નાજુક, નમણી અને સહેજ શ્યામ, પણ ખૂબ જ આકર્ષક દેખાતી. દેખાવડી અને મ્રુદભાષી સરલા, મુંબઈમાં બ્રીચકેન્ડી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી, જ્યાં એ એના એક્સ-પતિને મળી હતી. વણિક કુટુંબના ગુજરાતી માતાપિતાની મરજી વિરુધ્ધ, એ તામિલ ડોક્ટર સાથે, લગ્ન કરીને ન્યુ યોર્ક આવી. એ બેઉના માતાપિતા અને કુટુંબીજનોએ સહુ સંબંધો કાપી નાખ્યાં હતાં. અહીં આવવાના બે વરસોમાં એના પતિના લગ્નેતર સંબંધોને લીધે, ડિવોર્સ થતાં, સરલા બે મહિના પહેલાં, ફિલાડેલ્ફિયા, અમારા કોમ્પલેક્સમાં મુવ થઈ હતી. સરલા આવી રીતે, પહેલીવાર અમારે ઘરે આવી રહી હતી. સરલા આવી અને વિનુ સાથે ટેક્સની વાતો પૂરી થતાં, મારી પાસે કિચનમાં આવી મને મદદ કરાવવા લાગી. અમે ચા પીતાં, વાતો કરતાં હતાં ત્યાં જ સરલા વ્યંગમાં હસીને બોલી, “જયશ્રી, તને વિનુભાઈ પર હું જાદુ કરી દઈશ એવું ન લાગ્યું? મને ખબર છે કે મારી પાછળ બધાં જ આવું વિચારે છે, મારા માટે!” જવાબમાં હું હસીને કહ્યું, “ખોટા સિક્કા બેઉ બાજુથી એક છાપના હોય તેમ, વિનુ પણ અંદરથી અને બહારથી, કોઈ પણ વિરોધાભાસ વિનાના છે! અમારા બેઉમાંથી કોઈ એકને પણ લઈ જશે તો સામા પૈસા દઈને પાછા મૂકી જશે! બીક શેની?” તો, વિનુ હસીને બોલ્યાં, “બધાનું છોડો. તમે શું તમારા વિષે વિચારો છો?” સરલા પણ હસી પડી. સરલાએ પછી આગળ વાત કરી, “મને ક્યારેક ખેદ થાય છે, જ્યારે, લોકો મારા પર અપવાદ મૂકે છે કે મારામાં જ કમી હશે જેથી મારા ડિવોર્સ થયા! મેં માતાપિતાની મરજી વગર લગ્ન કર્યા એનું દુઃખ તો ખરું પણ મારું જજમેન્ટ માણસ પારખવામાં ખોટું ગયું એ દર્દ ભૂલાતું નથી, પણ…..” એણે ભીની આંખો લૂછી અને કહ્યું, “મારો ભરોસો મારા પરથી જ ઊઠી ગયો છે! આઈ હેવ બીકમ વલ્નરેબલ! જોઈએ, આગળનો રસ્તો મને ક્યાં લઈ જાય છે!” વ્યક્તિગત રીતે, સરલા સાથેના અમારા પરિચયનો આ પહેલો પ્રસંગ હતો. હું વધુ કઈં ન બોલી. વિનુ માટે મને એક જ ઈર્ષા રહેતી કે હું કેમ એમની જેમ ઓછું નથી બોલી શકતી! એ ન બોલે તો લોકોને અજુગતું ન લાગતું પણ, હું કશું ન બોલું તો સામાવાળાને ઓછું આવી જતું! આથી મેં, કહેવા ખાતર કહ્યું, “તું પણ શું વાત કરે છે સરલા!” અને, પછી, જનરલ વાતો કરીને અમે છૂટાં પડ્યાં. સરલા ગઈ પછી મેં વિનુને કહ્યું, “ડો. રાજીવ ખન્ના, સરલા સાથે એ થોડાક વધુ ફ્રેન્ડલી નથી લાગતા?” વિનુ એમની ખાસિયત પ્રમાણે ત્રણ શબ્દો બોલ્યા, “સહુનો જેવો સ્વભાવ.” અને વાત પૂરી થઈ!

                  પછીના દિવસોમાં, સરલા અને હું, હોસ્પિટલમાં, સેકન્ડ શીફ્ટમાં ક્યારેક, ડિનર બ્રેક વખતે મળતાં. સરલા હવે મારી સાથે થોડીક નોર્મલ વાતો કરવા માંડી હતી. એક દિવસ એણે મને પૂછ્યું, “એક વાત પૂછું? તું અને વિનુભાઈ, ડો. ખન્ના અને રમોલા, એમની ફિલિપીનો પત્નીને, કેટલા સમયથી ઓળખો છો?” મે કહ્યું, “જ્યારથી અમે અહીં આવ્યાં છીએ, ત્યારથી, સાડા પાંચ વરસથી.” અને પછી, એણે વધુ ઈન્ફરમેશન પૂછતાં મેં વિગતો કહી, જે મને ખબર હતી. ડો. ખન્ના અમેરિકામાં ૭૦ના દસકાની શરૂઆતમાં આવ્યા હતા. તે સમયે, વિયેટનામના યુધ્ધ અને નિક્સનની ફેઈલડ પ્રેસીડન્સી પછીનું રીસેસન ચાલતું હતું. અહીં રહી જવા માટે ડો. રાજીવ ખન્નાએ અમેરિકન નેવીમાં, ડોક્ટર તરીકે સર્વીસ આપવા નામ નોંધાવ્યું અને વિયેટનામ યુધ્ધમાં પણ ગયા હતા. એના ફળસ્વરુપ, એમને અહીંની સિટીઝનશીપ મળી ગઈ. હાલ પણ, એ યુ.એસ. નેવીમાં જ મેડિકલ ઓફિસર કામ કરતા હતા. આ કામ દરમિયાન, ડો. ખન્ના, ત્રણ મહિના ઓન ધ ગ્રાઉન્ડ, રજા પર અને ત્રણ મહિના ઓન ધ શીપ ડ્યુટી પર રહેતા. હાલ, હજુ બે મહિના માટે ઓફ ડ્યુટી હતા. પછી મેં પૂછ્યું, “કઈં સ્પેસીફિક કારણથી પૂછી રહી છે?” એ બોલતાં બોલતાં જાણે શબ્દો ગળી ગઈ અને કહ્યું, “કઈં નહીં, અમસ્તાં જ પૂછ્યું.”  આમ ને આમ, એકાદ અઠવાડિયું વીતી ગયું. તેના પછી, ડિનર બ્રેક વખતે સરલા બહાર જતી હતી, આથી, હું સરલાને મળી નહોતી. આમને આમ, થોડાક અઠવાડિયા વીતી ગયા. એક દિવસ, સરલા ખૂબ જ સૂઝેલી આંખો સાથે કામ પર આવી હતી. તે દિવસે, કેટલા બધા અઠવાડિયાઓ પછી અમે ડિનર બ્રેકમાં મળ્યા. સરલાનું ધ્યાન ક્યાં હતું કોને ખબર? મેં ખાલી એટલું જ પૂછ્યું, “આર યુ ઓકે?” એ બોલી, “મને ક્યાં કશું થવાનું છે?” બીજે દિવસે, સરલા ખૂબ જ સારા મૂડમાં હતી. ડિનર બ્રેકમાં મને કહે, “આજે મેં બે વીકની નોટિસ આપી. હું વોશિંગ્ટન ડી.સી. મુવ થાઉં છું.” મેં કહ્યું, “કોન્ગ્રેચ્યુલેશન્સ! પ્રમોશન મળ્યું? કઈ હોસ્પિટલમાં કામ મળ્યું?” એણે કહ્યું, “હજી નથી મળ્યું પણ ત્યાં જઈને એપ્લાય કરીશ.” સરલા મારી જોડે ફ્રેન્ડલી હતી પણ એક લોખંડી પડદો તો વચ્ચે સદા રહેતો અને એની આરપાર જઈ, રીયલ સરલા સુધી પહોંચવું ખૂબ જ અઘરૂં હતું. મેં પણ વધુ કઈં પૂછ્યું નહીં. નીકળવાના છેલ્લા દિવસે, એણે મને ખૂબ જ આત્મીયતાથી હગ આપી અને કહ્યું, “જયશ્રી, તું અને વિનુભાઈ મને હંમેશા યાદ રહેશો.” મેં એને કહ્યું, “હું તારા વેલ બીઈંગ માટે સદા પ્રાર્થના કરીશ.”

                  સમય વીતતો ગયો. ૧૯૮૪ના પ્રારંભમાં અમે ઘર લીધું અને ફિલાડેલ્ફિયાના બીજા સબર્બન ટાઉનમાં મુવ થયા, એકે એક કરીને, એપાર્ટમેન્ટના અમે જૂના મિત્રો ઘર ખરીદતાં, ત્યાંથી નીકળી ગયા હતા. થોડાક મિત્રો તો ફિલા છોડીને બીજા સ્ટેટમાં મુવ થઈ ગયા હતા. અમે ઘર તો બદલ્યું, પણ એ સાથે વિનુ અને મેં જોબ પણ બદલ્યો. હું હવે ફિલાના ડાઉનટાઉનની યુનિવર્સીટી હોસ્પિટલની લેબમાં કામ કરતી હતી. એ સાથે, સાંજની શીફ્ટમાં, આ જ યુનિવર્સીટીમાં મારું ક્લિનિકલ પેથોલોજીનું માસ્ટર્સ કરી રહી હતી.  આમને આમ બીજા દસ વરસ વિતી ગયા. મારું એમ.એસ. પતી ગયું હતું હવે હું એ જ હોસ્પિટલની ચિલ્ડ્રન’સ હોસ્પિટલની લેબ રન કરતી હતી. એક દિવસ, હું અમારી હોસ્પિટલના સામેના બિલ્ડીંગમાં આવેલી, પીડિયાટ્રીક આઉટ પેશન્ટ ક્લિનિકમાં, બોન મેરો કલેક્શન માટે ગઈ. ઓપરેટીવ રૂમમાં જતા પહેલાં, હિમેટોલોજીસ્ટ પેશન્ટના એક્ઝામીનેશન રૂમમાં જતા હતા. હું પણ ત્યાં, પેશન્ટના રૂમમાં, એમની સાથે ગઈ. સાઈઠ-સિત્તેરની વચ્ચે લાગતું એક ફિલિપીનો દંપતી, દસ વરસની, દેખાવે ઈન્ડિયન લાગતી છોકરી સાથે હતું. હું એન્ટર થઈ કે તરત જ એ છોકરી મને જોઈને હસી, અને, એ ફિલિપીનો દંપતીને કહે, “લુક, ગ્રાન્ડપા, ગ્રાન્ડમા, શી લુક્સ લાઈક મી.” એ દંપતી હસ્યા. પછી, મારી સાથે અને હિમેટોલોજીસ્ટ સાથે હાથ મેળવીને, ફિલિપીનો એક્સન્ટમાં, અંગ્રેજીમાં કહે, “વી આર મિસ્ટર એન્ડ મિસીસ મરસેડ, ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓફ જીયા.” હિમેટોલોજીસ્ટે, જીયાનો ચાર્ટ વાંચતાં પૂછ્યું, “એના પેરેન્ટ્સ નથી આવ્યાં? તમને ખબર છે ને કે શું તકલીફ છે? આપણે બહાર જઈને વાત કરી શકીએ” મિસીસ મરસેડે કહ્યું, “અહીં જ વાત કરીએ. જીયાને પણ ખબર છે કે એને શી તકલીફ છે. હકીકતમાં, જીયા મારી દિકરીની સ્ટેપ ડોટર છે. મારી દિકરી અને જીયાની મા, બેઉ, અનુક્રમે છ અને સાત વરસ પહેલાં મૃત્યુ પામ્યા. જીયાના પિતાનું મૃત્યુ આઠ વરસ પહેલાં થયું હતું. જીયાનું કોઈ નહોતું. અમારી દિકરીનો દિકરો નોર્મલ છે પણ, જીયા…!” એ વૃધ્ધાની આંખોમાં આંસુ આવ્યાં. જીયા હસીને બોલી,”ડુ નોટ ક્રાય ગ્રાન્ડમા.” પછી, ડોક્ટર તરફ ફરીને, ઈંગ્લીશમાં કહે, “આઈ હેવ એઈડ્સ. મારો બોન મેરો સરપ્રેસ્ડ છે. મારી મા અને સ્ટેપ મા, બેઉને એઈડસ હતો. મારા પિતાને એઈડસ હતો.” જીયા એકી શ્વાસે બોલી તો ગઈ પણ એનો અવાજ ભીનો હતો. હિમેટોલોજીસ્ટે પેશન્ટનો ચાર્ટ ટેબલ પર મૂક્યો, અને જીયાનો હાથ, હાથમાં લઈને થાબડતાં કહ્યું, “વોટ અ બ્રેવ ગર્લ!” મેં પેશન્ટ હિસ્ટરી વાંચવા માટે ચાર્ટ લીધો અને પેશન્ટનું નામ વાંચ્યું, “જીયા રાજીવ ખન્ના!”

5 thoughts on “જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૯ (જયશ્રી વિનુ મરચંટ)

 1. જયશ્રીબેન,
  સૌના જીવનમાં કેટલાય ચઢાવ-ઉતારવાળી ઘટનાના સાક્ષી બનવાનું લખાયેલું હોય છે પરંતુ જ્યારે કશા જ કારણ વગર – કોઇ વાંક વગર નાનકડા બાળકને સજા પામતા જોવાના આવે ત્યારે તો એટલી તો અરેરાટી થઈ આવે કે ના પૂછોને વાત. તમારે પણ જ્યારે જીયાને એની તકલીફોનો સામનો કરતી જોવાનું આવ્યુ હશે ત્યારે તમે કેવી રીતે જીયાનો સામનો કરી શક્યા?
  સરલાની વાત શરૂ થઈ અને વચગાળાના સમય દરમ્યાન ક્યાંય સરલાનો ઉલ્લેખ ન આવ્યો ત્યારે કશુંક અજુગતું બની ગયાના ભણકારા તો થયા જ હતા પણ આમ આવી રીતે?
  જો કે અધ્યાહાર રાખેલી વાત ઘણુબધું કહી જાય છે.
  દાવડા સાહેબના બ્લોગ પર સોમવારની સવારે તમારી ધારવાહીની ખોટ સાલસે.
  ઇમેજ પબ્લિકેશન થકી પુસ્તક પ્રકાશન માટે આગોતરા અભિનંદન.

  Liked by 2 people

 2. સરલા પણ સરલ ન હતી અને અંતમા ‘જીયા રાજીવ ખન્ના!”વાંચતા એક કસક થઇ.. .જીયા ની જીંદગીભરની વેદના મા બાપની અયાશીના પરીણામે!
  વિશ્વવ્યાપી ઉપાર્જિત રોગપ્રતિકાર ઉણપ લક્ષણ વાળા અમેરીકન ડૉકટર હોય જેને એન્ટિરિટ્રોવાયરલ દવાઓ પોષાય પણ બીજા દેશમા વધુ કપરી સ્થિતી થાય.વળી આવા દર્દીઓ જાણીને પણ સમાજમા ચેપ લગાડે તે ખૂન ગણાય ! તેઓને સંતાન જોઇતા હોય તો હવે મળતા ફીલ્ટરમા સ્પર્મ પસાર થાય અને ચેપી જંતુઓ એ ફીલ્ટરમાંથી પસાર થતા નથી.
  અંતે જીયા માટે -‘તુમ ભી ચલો, હમ ભી ચલે, ચલતી રહે જિંદગી’
  ‘ઝિંદગી હંસને-ગાને કે લિયે હૈ.’
  સુ શ્રી જયશ્રીબેનની ખૂબ સુંદર રજુઆત

  Liked by 1 person

 3. Dear Jayshree,
  This 19th episode of “safar” is very interesting. I read full episode till end nonstop, it is captivating.. Your writing skill is fantastic..the presentation of facts is simple but catches reader’s undivided attention.
  While reading this episode, it feels like all events are happening right in front of my eyes; from reader, I become participant of the event, and crowd…
  The character of Sarla and her life becomes alive. And brave Jia’s conversation with everyone is sad at times but very warm and genuine, it is amazing how easily she accepts the reality. Her courage, clarity and honesty is commendable.
  The end is very touching…..

  I will miss your Monday episodes.
  Please continue to share your beautiful writing, and Best wishes for future writing..

  Sandhya Doshi

  Sent from my iPad

  >

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s