મારા સંતો સાથેના અનુભવો (પી. કે. દાવડા)


મારા સંતો સાથેના અનુભવો

સ્વભાવથી તો હું બાબાઓ, બાપુઓ અને ધર્મગુરૂઓથી દૂર રહેનાર વ્યક્તિ છું, પણ મારી Cousulting Structural Engineer તરીકેની પ્રેકટીસ દરમ્યાન, વ્યવસાયિક રીતે થોડા સંતોને મળવાનું થયેલું. મારા સારા નશીબે મને મળેલા સંતો આધુનિક વિચારધારા વાળા હતા, અને મારા આ અનુભવો સુખદ હતા.

વડોદરા પાસે મહી નદીને કિનારે એક આશ્રમ છે. એમના મહંત બુધ્ધ્દેવજીને લોકો બાપજી કહીને બોલાવે છે. ૧૯૭૩માં મુંબઈના મનસુખભાઈ નામના એક બિલ્ડરે ટેલીફોનમાં બાપજીને કહ્યું, “મુંબઈમાં પી.કે.દાવડા કરીને એક ખૂબ જ હોશિયાર સ્ટ્રક્ચરલ એંજીનીઅર છે, આપણે મહિમાતાના મંદિરના પાયા માટે એમની સલાહ લઈએ.” બાપજી એ હા પાડી, એટલે એ સજ્જને રાતે અગિયાર વાગે મારી ડોરબેલ વગાડી. મેં દરવાજો ઉઘાડ્યો તો એ તરત બોલ્યા, “ચાલો સાહેબ કપડાં બદલી લો, અને ભાભીને કહી દો કે આપણે વડોદરા જઈએ છીએ, પરમ દિવસે પાછા આવી જઈશું.” એમણે મને વાત સમજાવી અને હું દસ મિનીટમાં જ તૈયાર થઈ એમની કારમા રવાનો થઈ ગયો.

સવારના છ સાડા છ ની આસપાસ અમે આશ્રમ પહોંચી ગયા. ગાડીનો અવાજ સાંભળીને જ બાપજી રૂમમાંથી બહાર આવી બોલ્યા, “આ ગયા મનસુખ, લે આયા દાવડા સાહેબ કો?” અમે કારમાંથી બહાર આવી બાપજીને પગે પડ્યા કે તરત બાપજી બોલ્યા, “મનસુખ તેરા ગરમ પાની તૈયાર હૈ લેકીન યે દાવડા સાહેબકો તો તું મહિમાતામેં હી સ્નાન કરાકે આ.” મનસુખભાઈએ મને ચુપ રહેવા ઈશારો કર્યો. બાપજી ગયા એટલે એમણે મને સમજાવ્યો, સંતો કહે એમ કરવામાં આપણો ફાયદો છે, કદાચ એ તમારી પરીક્ષા કરતા હશે. મનસુખભાઈએ આશ્રમમાંથી એક લુંગી અને એક ટોવેલ લાવી આપ્યા. મેં શિયાળાની કડકડતી ઠંડીમા મહી નદીમા સ્નાન કર્યું. પાછા આવ્યા તો મારા માટે ગરમ ગરમ ચા તૈયાર હતી.

બાપજી વરંડામાં બેઠા હતા, ત્યાં મને બેસાડીને મનસુખભાઈ નહાવા ગયા. થોડીવારમાં જ ત્યાં એક મોંઘી એવી મોટી ગાડી આવી. એમાંથી એક્દમ ઉજળા ખાદીના વસ્ત્રો પહેરેલા વડોદરાના મેયર ઉતર્યા. ઉતરીને એ બાપજીને પગે લાગ્યા એટલે તરત બાપજીએ કહ્યું, “પહેલે જા યે લોટા માંઝકે આ, દેખ તો યે કીતના ગંદા હો ગયા હૈ”, એમ કહીને એમણે પોતાનો પાણી પિવાનો લોટો મેયરને આપ્યો. મેયર લોટો લઈ ત્યાંથી ચાલ્યા ગયા. થોડી વારમાં આવી જ એક બીજી ગાડી આવી. એમાથી જીપીસીસીના ચેરમેન ઠાકોરભાઈ ઊતર્યા. એ જમાનામાં આ પદવી ચીફ-મિનીસ્ટર કરતાં પણ વધારે મહત્વની ગણાતી. એ પણ બાપજીને પગે પડ્યા એટલે બાપજીએ કહ્યું, “ઠાકોરભાઈ, દેખતો રસોઈમે લકડી કમ હૈ, થોડી ચીર દે.” ઠાકોરભાઈ પણ ત્યાંથી ચાલ્યા ગયા.

થોડીવાર પછી બાપજીએ મને કહ્યું, “યે સબ રૂવાબ ઝાડનેવાલી બાત નહિં હૈ, યહ લોગ મુઝે સચમે ગુરૂ માનતે હૈ કી નહીં, ઉસકી યહ પરિક્ષા હૈ.” મને મહીમાતામાં સ્નાનની વાત સમજાઈ ગઈ. તમારા વ્યવસાયમાં તમે ગમે એટલા મોટા માણસ હો, પણ સંત પાસેથી કાંઈ પામવું હોય તો શિષ્યભાવે નમ્ર થઈ, ગુરૂની આજ્ઞાનું પાલન કરવાની શીખ હતી.

એકાદ કલાક બાદ, જે મંદિરના પાયા વિષે વાત કરવાની હતી એના શિલ્પી સોમપૂરા પણ આવી પહોંચ્યા. ભારતભરમાં એમણે અનેક મંદિરોની રચના કરેલી. એમની સાથે “ટેકનીકલ” વાતો કરી, હું પાછો મુંબઈ આવી ગયો.

બાપજી સાથે મારી બીજી મુલાકાત આસરે પોણાત્રણ વરસ બાદ મુંબઈમાં થઈ. એક રવિવારે, હું મારા ત્રણ વર્ષના પુત્ર ભાવેશને ચોકલેટ અપાવવા નજીકની દુકાને લઈ ગયેલો. એટલામા મનસુખભાઈની ગાડી ત્યાંથી પસાર થતી હતી. મને જોઈ એમણે ગાડી ઊભી રાખી અને પૂછ્યું, “બાપજી અહીં ગાયમુખ આશ્રમમાં છે, હું દર્શન કરવા જાઉં છું, બે ત્રણ કલાકમા પાછો આવી જઈશ, ચાલો ચાલવું છે?”

મેં કહ્યું, “ભાવેશને ઘરે મૂકી આવું.” તેમણે કહ્યું, એ પણ ભલે આવતો, બાપજીના આશીર્વાદ મળસે. અમે ચોકલેટવાળાની દુકાનેથી ઘરે ફોન કરી, ગાયમુખ જવા રવાના થઈ ગયા.

આસરે પોણા કલાકમા અમે ગાયમુખ આશ્રમે પહોંચી ગયા. બાપજીએ મને કહ્યું, “ચલો અચ્છા હુવા, આજ તેરેકોભી સમય મિલ ગયા. અબ આયા હૈ તો ખાના ખાકે હી જાના.” એકાદ કલાક પછી જમવા માટે તેડું આવ્યું. મેં ભાવેશને કહ્યું, “બેટા તું અહીં રમ, હું હમણા આવું છું.” મારો પુત્ર ત્રણ વર્ષનો થયો તો પણ રાંધેલો ખોરાક ખાતો નહીં. દુધ, બિસ્કીટ, ચોકલેટ વગેરેથી એનું ચાલી જતું, અને આ મારા માટે મોટી ચિંતાની વાત હતી. બાળકોના સ્પેસિયાલીસ્ટો પણ કાંઈ ઠોસ રસ્તો બતાવી શક્યા ન હતા. મેં ભાવેશને જે કહ્યું એ બાપજી એ સાંભળ્યું, એટલે એમણે મને કહ્યું, “ઈસકોભી ખાના ખાને લે જા.” મેં કહ્યું, “બાપજી યે કુછ ખાતા નહિં હૈ.”. બાપજીએ કહ્યું, “તું લે તો જા. ઔર અપની બગલમે નહીં બેઠાના, થોડા દૂર બૈઠાના.” હું કંઈપણ બોલ્યા વગર ભાવેશને લઈ ભોજનશાળામા ગયો. મેં ભાવેશને મારી સામેની પાંગતમાં બેસાડ્યો, જેથી મારી એના પર નજર રહે. શાક, રોટલી, દાળ, ભાત વગેરે પિરસાયા, ભાવેશને બધી વસ્તુ થોડી થોડી પીરસાઈ. એને વધારામાં એક છોલેલું કેળું પણ આપ્યું. ભાવેશ આજુવાજુવાળા બધાને જોતો રહ્યો. થોડીવાર પછી એણે બે હાથ વડે રોટલીનો ટુકડો તોડ્યો. જરાક જ દાળમાં બોળી મોઢાંમા નાખ્યો. કદાચ તીખું લાગ્યું હશે એટલે એણે કેળાંને બટકું ભર્યું. થોડીવારે પાછું રોટલીનું બટકું દાળમાં બોળી મોઢામાં નાખ્યું, અને તીખું લાગતાં કેળાનું બટકું ખાધું. આમ એ અર્ધી રોટલી અને અર્ધું કેળું ખાઈ ગયો. મારા માટે આ અશ્ચર્યની વાત હતી.

જમીને બહાર આવ્યા એટલે બાપજીએ પૂછ્યું, “તેરે બેટેને કુછ ખાયા કી નહિં?” મેં કહ્યું, બાપજી આ તો એક ચમત્કાર જ કહેવાય. બાપજીએ કહ્યું, એમા કંઈ ચમત્કાર નથી. તમે લોકો રસોઈ તૈયાર થાય ન થાય કે તરત એના નાના થાળી-વાટકા લઈ, એને ખવડાવવાની કોશીસ કરો છો. બાળક જુવે છે આ ચીજ બીજું કોઈ ખાતું નથી, ફક્ત મને જ જબરજસ્તી ખવડાવે છે, એટલે એ કોઈ સારી ચીજ નહિં હોય એમ માનીને ખાવાની આનાકાની કરે છે. જો તમે જમતી વખતે, એને સાથે બેસાડીને ચુપચાપ તમારૂં જમો તો એ પણ તમારી થાળીમાંથી જ જમવાનું શરૂ કરશે. મારા જેવા ભણેલા માણસને જે ચમત્કાર જેવું લાગેલું તેનો બાપજીએ સાઈકોલોજીકલ ખુલાસો આપ્યો.

ત્યાર પછી અઢાર વર્ષ સુધી હું મારા વ્યવસાયમાં રચ્યો-પચ્યો રહ્યો. એક દિવસ અચાનક ઉમેશ નામના એક બિલ્ડર સાથે વાત થઈ. મેં બાપજીના ખબર-અંતર પૂછ્યા. એમણે કહ્યું, બાપજી હાલમા વલસાડના એક ફાર્મહાઉસમાં આરામ કરે છે. બહુ લોકોને આ વાતની ખબર નથી, તમારે મળવું હોય તો પૂછી જોઉં. એમણે મોબાઈલથી વાત કરી અને મને કહ્યું, આવતી કાલે સવારે આપણે મારી ગાડી લઈને નીકળીએ.

બીજે દિવસે આસરે દસવાગે અમે વલસાડના એ ફાર્મહાઉસમાં પહોંચી ગયા. મને જોઈને બાપજીએ કહ્યું, “દાવડા સાહેબ, તું તો બુઢ્ઢા હો ગયા. તેરા લડકા ભી બડા હો ગયા હોગા. ક્યા કરતા હૈ વહ?”

મેં કહ્યું, બાપજી એ V.J.T.I. માં B.E. ના છેલ્લા સેમીસ્ટરમા છે. એમણે તરત કહ્યું, “પઢાઈ પૂરી હોતે હી ઉસકો કામપે લગા દેના. તું બહુત કમાકે બેઠા હોગા, તો ભલે બિચારા થોડા દિન આરામ કરલે વૈસા મત શોચના. એક્બાર તેરા પૈસા વાપરના શુરૂ કરેગા તો ફીર રોકના મુશ્કીલ હો જાયગા.”

ઊંડો વિચાર કર્યો તો બાપજીની વાતની ગહેરાઈ સમજાઈ. મહેનત કરશે તો એને પૈસાની કીમત સમજાસે અને પૈસા સમજદારીથી વાપરસે.

મારી ઓફીસમા, દેવજીભાઈ નામના એક બિલ્ડર સાથે, અમદાવાદના સંત રામદાસ ખાખી આવેલા. મેં સંતને પ્રણામ કરી, બેસાડ્યા અને કામ પૂછ્યું તો જાણવા મળ્યું કે એમના આશ્રમને એક ટ્ર્સ્ટમાં ફેરવવા એમને એક વેલ્યુએશન રીપોર્ટની જરૂર હતી. ૧૯૭૭ મા ભારત સરકારે “Registered Valuer” તરીકે મારી નિમણૂંક કરેલી. મેં એમના જરૂરી દસ્તાવેજ રાખી લીધા અને દેવજીભાઈને કહ્યું કે આવતીકાલે કોઈને મોકલજો તો હું રીપોર્ટ અને આ દસ્તાવેજ તમને મોકલી દઈશ.

બીજે દિવસે દેવજીભાઇના સુપુત્ર મારી ઓફીસમા આવ્યા. મેં એમને રીપોર્ટ અને દસ્તાવેજ સોંપ્યા. એમણે મને કહ્યું, “રામદાસજીએ કહ્યું છે દાવડા સાહેબને એમની ફી પૂછીને ચૂકવી દેજો, આપણે એ આશ્રમના ખર્ચમા ગણી લેશું.” જવાબમા મેં હસતાં હસતાં કહ્યું, “તમે લોકો આશ્રમમા દાન આપીને ખૂબ પુણ્ય કમાવ છો, તો આ દાનમાંથી ફી લઈને હું પાપ શા માટે કરું?”

મારી આ વાત દેવજીભાઈના સુપુત્રે સંત રામદેવ ખાખીને કરી. એક અઠવાડિયા પછી મને પોસ્ટમા લાલ શાહીથી લખેલું એક પોસ્ટકાર્ડ મળ્યું. એમા લખ્યું હતુઃ

“તમારા આ વિચારો તમારા સંતાનોમા ઉતરે એવા મારા આશિર્વાદ છે- રામદાસ ખાખી.”

આ પોસ્ટકાર્ડ હજી મારી પાસે સાચવીને પડ્યું છે.

9 thoughts on “મારા સંતો સાથેના અનુભવો (પી. કે. દાવડા)

 1. દાવડાજી, હું અહિ ‘like ‘ લખી હાલ્યો જાત, પણ તમે આ વાત આજ સુધી નહિ કરવાનું કારણ મને કાનમાં(જો લખીને ના કે’વું હોય તો?) જણાવશો? છેલ્લે, બાપુના એ કાગળને સ્કેન કરી કોપી મને મળશે? કારણ કોપી મળ્યા પછી કહીશ જો જાણવાની ઈચ્છા હોય તો. આભાર અગાઉઅથી આપી રાખું છું જેથી તમારે મારી માગણીને ન્યાય આપવો પડે!

  Like

 2. સામાન્ય રીતે કહેવાતા ભક્ત ગુરુની પરીક્ષા કરવા વિવાદ કરતા હોય તેથી જરુરી
  તિથિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ।
  ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાાનં જ્ઞાાનિનસ્તત્વદર્શિન: ।।
  ત્યાર બાદ સાચા સંતની વાત વધુ સમજાય અને આધ્યાત્મિક સમાધાન થતા કલ્યાણકારી માર્ગ અપનાવાતા સમાજનું કલ્યાણ થાય.દરેક ક્ષેત્રમા હોય તેમ આમા પણ ધુતારા પોતાનો કસબ અજમાવતા હોય તેથી સંત સમાજ બદનામ થાય પણ જો તમે આવા ધુતારાઓને ન ઓળખો તેમા
  ખોટ તમને જ જાય…
  આજનો લેખ ઘણો ગમ્યો આવા બીજા પ્રેરણાદાયી અનુભવો જણાવતા રહેશો
  ધન્યવદ
  આ શ્રી વિનોદભાઇ એ મુકેલી વીડીયો જેવી તમારી બીજી પણ વીડીયો માણી છે.

  વધુ સાધના કરતા જે અનુભવાય તે જરુર વહેંચશોજી

  Like

 3. Bhai, this is what makes India so unique! Unfortunately, some “so called” and Self Proclaimed Saints have tarnished the purity of the Saints in these days and time but Saints like Ramdasji keep doing their work quietly.

  Sent from my iPhone

  >

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s