જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨૦ (જયશ્રી વિનુ મરચંટ)


(જયશ્રીબહેનના “જિદગી એક સફર હૈ સુહાના” ધારાવાહીના ૨૦ માં એપીસોડ સાથે, આંગણાં પૂરતું આ ધારાવાહી અહીં સમાપ્ત થાય છે. થોડા દિવસમાં જ આ બધા લેખ અને થોડા વધારાના લેખ મુંબઈમાં એક વિમોચન સમારંભમાં એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થશે. પુસ્તકના વિમોચન બાદ હું એની વધારાની વિગતો આંગણાંમાં મૂકીશ. જયશ્રીબહેનના આ ધારાવાહીને લીધે આંગણાંના મુલાકાતીઓની સંખ્યામાં સારો વધારો થયો છે. આંગણાંનું માન વધ્યું છે. એ મને મોટાભાઈ માને છે, એટલે આભાર માનીને એમની લાગણીની કીમત ઓછી નહીં કરું. આંગણાંના “ધારાવાહી” વિભાગના સંપાદનનું  કામ મેં જયશ્રીબહેનને સોંપ્યું છે, એટલે હવે પછીના બધા ધારાવાહી લખાણોની પસંદગી અને સંપાદન જયશ્રીબહેન કરશે.

એમના અગાઉના ૧૯ એપીસોડસ હ્રદયસ્પર્શી હતા, પણ આ એપીસોડે હચમચાવી દીધો. એક ક્ષણમાં જીવન કેવો પલટો લે છે?

તેરે બિના જિંદગીસે કોઈ શિકવા તો નહીં!”

આજે આ અંતિમ પ્રકરણમાં આપને વિનુ, મારા સ્મૃતિશેષ પતિનો પરિચય કરાવવાનું મન છે. અમારા લગ્નના ૪૫ વર્ષો પછી અને વિનુની આ ફાની જગતમાંથી વિદાયના બે વર્ષ અને અગિયાર માસ પછી, મન હજી માનતું નથી કે એ જતા રહ્યા છે, અને હવે, પાછા આવવાની શક્યાતા જ નથી.

૧૯૭૧માં, હું અમેરિકાથી ભણીને પાછી ગઈ હતી.  મારા માટે યોગ્ય મુરતિયો શોધવાની ગતિવિધી જોરશોરમાં શરૂ થઈ ગઈ. મુંબઈના ભાટિયા પરિવારોમાં લગ્ન નક્કી કરતાં પહેલાં જ્ન્મકુંડળી, ઘર, વર અને વ્યવસાયની ચકાસણી કરવામાં આવતી. વિનુ સહિત, પાંચ ઉમેદવારો “શોર્ટ લીસ્ટ” કરવામાં આવ્યા. સૌને કુતુહલ હતું કે, ૧૯૬૯-૭૦-૭૧માં રૂઢિચુસ્ત, શ્રીમંત ભાટિયા ખાનદાનની ૧૯-૨૦ વર્ષની દિકરી, બે+ વર્ષ માટે મિશીગન યુનિવર્સીટીના કેમ્પસ પર ફાર્મસીનું ભણીને, ફાર્મસીની ડિગ્રી લીધા વિના પાછી આવી હતી, તો શું એક પરંપરાવાદી પરિવારની કન્યા, પશ્ચિમી સંસ્કૃતિમાં રંગાઈને આવી હતી કે ભારતીય અને કૌટુંબિક નીતિમત્તાના ધોરણો હજુ વર્તન અને વિચારોમાં અકબંધ રહ્યા હતા? ઘણા એવું પણ કહેતા, “પિતાજી શ્રીમંત છે, એટલે વિના ડિગ્રી પાછા આવવાના તાના પોષાય! આવી પૈસેટકે “છૂટ્ટી” છોકરી કેવી રીતે ઘરમાં ભળી શકશે?” વિનુને મળ્યા પહેલાં હું ચાર “કુકી કટર” જેવા મૂરતિયાઓને મળી ચૂકી હતી. એમના સવાલો સ્ટાન્ડર્ડ હતાં, “રસોઈ બનાવતાં આવડે છે? અમેરિકામાં “ડેટીંગ” કરતી હતી? “મીટ” અને ઇંડા ખાતી હતી?” કોઈક પૂછતું, “તમે કેમ્પસ પર ડ્રગ્સ લેતાં હતાં અને દારૂ પીતા હતા?” મેં ના કહી તો એક પોટેન્શિયલ મૂરતિયાએ તો, હું “ઈન્ટરનેશનલ” અપરાધી હોઉં એવી રીતે જોઈને કહ્યું, “એકાદવાર વ્હીસ્કીનો પેગ લીધો ન હોય, અમેરિકામાં એકલા કેમ્પસ પર રહીને, એવું બને જ કેમ?” વિનુ સિવાયના, ચારે ચાર મૂરતિયાઓએ મને સીધો સવાલ પૂછ્યો હતો કે “તમારો કોઈ બોયફ્રેન્ડ છે કે હતો, અહીં કોલેજમાં કે અમેરિકામાં?” એકાદ ઉમેદવારે તો જાણે મોટી મજાક કરી હોય એમ કહ્યું, “તમે તો પતિ પાસેથી પોલિટીક્સની, શેરબજારની કે બીઝનેસની કે આર્ટિસ્ટીક વાતોની અપેક્ષા રાખતા હશો, નહીં?” મેં એ ચારેચાર ઉમેદવારોને એક જ સવાલ પૂછ્યો હતો, “તમે પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફ માટે શું વિચાર્યું છે?” લગભગ, જુદીજુદી રીતે, જુદાજુદા શબ્દોમાં, તાત્વિક રીતે સહુએ કઈંક આવું કહ્યું, “એમાં વિચારવું શું? વડીલો કહે તેમ કરીશું. ફૅમિલીનો આટલો મોટો બીઝનેસ છે, યુ નો, ઈન બીઝનેસ, વન કેન નોટ પ્રીડીક્ટ ફ્યુચર. ફાધરના કહેવાથી ડિગ્રી લઈ લીધી!”

૨૨ વરસની હું, વિનુને, આવા અનુભવોથી બંધાયેલા પૂર્વગ્રહ સાથે મળી હતી. અમારી વચ્ચે આઠ વર્ષનો ફરક હતો. વિનુના કુટુંબમાં બધા સ્વતંત્ર વિચારસરણી સાથે “Opinionated Personalities” ધરાવતા હતા, જેને કારણે, એમના ઘરમાં દલીલો ખૂબ થતી, ને એ દલીલો કે મતભેદોની ખબર જ્ઞાતિમાં પણ હતી. મારા સસરાને જોવાનું સૌભાગ્ય મને નહોતું મળ્યું. તેઓ સફળ બિઝનેસમેન હતા, અને રીયલ એસ્ટેટમાં એમનું પુષ્કળ રોકાણ હતું, પણ એ પોતે ખૂબ કરકસર અને સાદાઈમાં જીવ્યા હતા. કઈંક અંશે, શ્વસુરપક્ષની છાપ વધુ પડતા કરકસરિયા તરીકેની હતી. મારા મોટા બહેન તથા મોટાભાઈ-ભાભીને અચકાટ હતો કે છત અને છૂટમાં ઊછરેલી હું, વિનુના બાર ભાઈબહેનોના વિશાળ કુટુંબમાં કઈ રીતે નિભાવ કરીશ? અમે મુંબઈની WI ક્લબમાં મળ્યાં અને એ ચા-કોફીનો ઓર્ડર આપે, એ પહેલાં મેં એમને કહ્યું, “આપણે વાત શરૂ કરીએ એ પહેલાં મારે કઈં કહેવું છે. હું, અમેરિકામાં ડોર્મમાં રહેતી હતી કેમ્પસ પર, અમેરિકન રુમમેટ સાથે. મેં મીટ ચાખ્યું નથી પણ ઈંડા ખાતી હતી. મને “ક્રશ” હતો કિશોરવયમાં અને મુગ્ધાવસ્થામાં, પણ બોયફ્રેન્ડ કદી નથી રહ્યો. હા, ઘણા બધા બોયસ ફ્રેન્ડ તરીકે આજે પણ છે, જે વિષે, મા-ભાઈને મેં, એમને દુખ ન પહોંચે એ માટે કઈં કહ્યું નથી. હું સૌથી નાની છું અને ભાઈ(પિતાજી)ની લાડલી છું. મેં આલ્કોહોલ – હાર્ડ લીકર – કે ડ્રગ્સ કદી નથી લીધા પણ, ઓકેઝનલી, સોશ્યલ ઈવેન્ટમાં, બિયર ને વાઈન ટ્રાય કર્યું છે. મને હિંદી ફિલ્મો અને એના ગીતો બહુ ગમે છે. સંગીત, ઈન જનરલ, ગમે છે. રોજિંદી રસોઈ આવડે છે પણ રસોડાનો શોખ નથી. આજ સુધી જેટલા ભાટિયા છોકરાઓ જોયા એમાંના સહુએ આ કોમ્બીનેશનમાં વાતો પૂછી છે. આ બધું જ તમને પહેલાં કહી દઉં જેથી આવા સવાલોમાં તમારો, ને જવાબોમાં મારો સમય ન બગડે. તમને ન ગમ્યું હોય તો લાંબી વાત ન કરીએ.” મારા આ એકપાત્રી સંવાદને વિનુ, આછા સ્મિત સાથે સાંભળતા હતા. પછી એમણે કહ્યું,હું રામ નથી અને મને સીતાજીની શોધ નથી. તમે અને હું જો આ સંબંધમાં બંધાઈએ છીએ તો તમને તમારી મનપસંદના મિત્રો સાથે મૈત્રી રાખવા માટે કોઈ દિવસ મારી રજા લેવાની જરૂર નથી. ભૂતકાળમાં, તમારો જો કોઈ બોયફ્રેન્ડ હોય તો શું થયું? હું માનું છું કે A man and woman belong to each other. They do not own each other.એમનું વક્ત્વ્ય પૂરૂં થયું. વિનુ પોતે મિતભાષી હતા. આ કદાચ એમનો સૌથી લાંબો એકતરફી સંવાદ હતો! એ વખતે મેં પહેલીવાર, એમને ધારીને જોયા હતા, કે, કઈ માટીનો બનેલો છે, આ, પરંપરાવાદી ભાટિયા કુટુંબનો દિકરો, આટલી બધી લીબરલ- સુધારાવાદી વાતો આટલા આત્મવિશ્વાસથી કરે છે! પછી, એમણે મારા અમેરિકાના અભ્યાસ અને યુનિવર્સીટીના અનુભવો વિષે, તેમ જ મારા અહીંના તથા અમેરિકાના મિત્રો વિશે ખૂબ જ રસપૂર્વક પ્રશ્નો પૂછ્યા. પોતે સી.એ. એલ.એલ.બી. હોવાથી મેડીસીન અને એને લગતી બીજી બધી વિજ્ઞાનની શાખાઓ વિષે એમનું જ્ઞાન સીમિત હતું એવી નિખાલસતાથી કબૂલાત કરી, મારી વાતો રસપૂર્વક એમણે સાંભળી. (જોકે લગ્ન પછી એમણે કહ્યું હતું કે એમને બહુ બોલવાની ટેવ નહોતી, આથી આ એમની તરકીબ હતી જેથી એમને વધુ બોલવું ન પડે!) મેં એમને કહ્યું કે, “હું ભણી છું વિજ્ઞાન પણ સાહિત્યમાં મને ખૂબ રસ છે.” તે પછી, ક.મા. મુનશીથી માંડી ચંદ્રકાંત બક્ષી, ર.વ. દેસાઈ, સુરેશ જોષી, ઉમાશંકર, કાન્ત અને બ.ક.ઠાકોરથી માંડી કલાપી ને સુરેશ દલાલ ને હરીન્દ્રભાઈ દવેના સાહિત્ય સર્જનની વાતો કરી. વિનુનું ગુજરાતી અને હિન્દી સાહિત્યનું વાંચન વિશાળ હતું. ત્રણ થી ચાર કલાકની અમારી એ પહેલી મુલાકાતની વાતચીત હજુ મારા મનમાં એટલી જ તાજી છે જાણે કે ગઈ કાલની વાત હોય! પછી તો, એમણે એમના બહોળા કુટુંબની વાતો કરી, એટલું જ નહીં પણ કુટુંબમાં ચાલતા “અંડર કરન્ટ”ની વાતો ખૂબ જ નિખાલસતાથી કરી. એમણે જ્યારે મને કહ્યું કે,” હું જ્યારે ભાટિયા કુટુંબોમાં પુરુષોને પત્નીઓ પર “આર્ય-પતિ” બનીને હુકમ ચલાવતાં જોઉં છું તો ખૂબ ખરાબ લાગે છે. આપાણા સમાજમાં સ્ત્રી-પુરુષો અને દિકરા-દિકરીઓ વચ્ચેના વ્યવહારમાં સમાનતા ક્યારે આવશે?” હું એમના આ વિચારોની જ્વાળાથી સદંતર અંજાઈ ગઈ હતી. અમને કશું જ યાદ ન આવ્યું કે અમારા વચ્ચે ઉમરનો તફાવત છે, રહેણી-કરણી, ઉછેર, કુટુંબોની પરંપરાવાદી વિચારસરણી અને આર્થિક ફિલોસોફીમાં પણ આસમાન જમીનનો ફરક છે! મારા મનમાં એ વસી ગયા હતા. અમારી સગાઈ એકાદ મહિનો રહી હતી. એક મહિનાના ટૂંકા સમયમાં અમે રોજ મળતાં ને અમને સમય ઓછો પડતો. ધીરે ધીરે એમના ભાવવિશ્વનો અને મનોવિશ્વનો ઉઘાડ થતો ગયો. પછી, ટૂંકા સગાઈના ગાળા બાદ, સાદાઈથી, મુંબઈના આર્યસમાજ મંદિરમાં, આર્યસમાજ વિધીથી, અંગત કુટુંબીઓની અને મિત્રોની હાજરીમાં અમે લગ્ન કરી લીધાં.

અમે સાઉથ મુંબઈમાં પેડર રોડ પર ફ્લેટ લઈને અમારા લગ્નજીવનની શરૂઆત કરી હતી. એમને મા, નાના ભાઈઓ અને સૌથી નાની બહેન માટે સવિશેષ અને અનહદ પ્રેમ હતો પણ કદીયે લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શકતા નહોતા. એમની ઓછું બોલવાની ટેવ, એમનું આભૂષણ હતું, પણ, તે સાથે અમુક સંજોગોમાં, કૌટુંબિક, સામાજિક અને પ્રોફેશનલ દુનિયામાં આ જ ટેવ એમની મર્યાદા પણ બની જતી હતી. આ મર્યાદાને જ કારણે વિનુ પ્રોફેશનલ દુનિયામાં આવડત હોવા છતાં, વિકાસ ધીરે પામતા પણ એક ફાયદો થતો કે એમને, પોતાને વારંવાર સાબિત ન કરવા પડતા. એમને મેં કદી આત્મા પર બોજો લઈ જીવતા જોયા ન હતાં. વિનુ ૧૪ વર્ષના હતા ત્યારથી, છેક જીવનના અંતિમ દિવસ સુધી, રોજ સવારે, સ્વિમિંગ અને યોગા કરતા. કદાચ, એને લીધે એ સદૈવ માનસિક તણાવથી દૂર હતા. સ્વભાવગત પણ, વિનુને કશુંયે ખોઈ દેવાની બીક કદી નહોતી લાગતી, જેથી, એમની સમજપૂર્વક, એમને જે સત્ય લાગે તે, નિર્ભયતાથી સ્વીકારી શકતા અને કહી શકતા. ક્યારેક હું એમની આ આદતને લીધે કહેતી, “લોકો તો પૂછે, પણ કડવું સત્ય કહેવાની જરૂર શી?” વિનુ હસીને કહેતા, “હું ક્યાં કહું છું કે મારું કહ્યું માનો? જો મને પૂછે છે તો હું જે મને સાચું લાગતું હોય એ જ કહું છું.” વરસે એકાદ બે વાર તો આ બાબતમાં દલીલ થતી પરંતુ એનું નિરાકરણ કદીયે ન આવતું.

અમે બેઉ અલગ-અલગ, તીવ્ર પસંદ અને નાપસંદ ધરવતા હતાં. વિનુને મારા અમુક મિત્રો કે મારી કોઈ રીત ન ગમતી હોય કે મને એમના દોસ્ત કે એમના અભિપ્રાય માટે અણગમો હોય તો એકબીજાને સંપૂર્ણ છૂટ હતી પોતાની રીતે, પોતાના નિર્ણયો લેવાની. અમે બેઉ આ નિર્ણયોનો આદર કરતા. અમે એકમેકને અણગમતા વ્યક્તિ કે રીત કે વ્યવહાર માટે સહમતિ જરૂર લેતા, પણ સંમતિ ન હોય તો વાંધો ન લેતાં. એનો અર્થ એ પણ નહોતો કે અમારી વચ્ચે કોઈ ઝઘડો કે મતભેદો ન હતા. ઘણીવાર, વિનુ સ્પષ્ટવક્તા હોવાથી, બધાની વચ્ચે, મને વસમા ને આકરા બોલ બોલી જતાં. આથી અમારે ઘણીવાર ઝઘડા થતાં ને અબોલા પણ થતાં, પણ, પાયાના મુદ્દે, હું એમના મનની વાત, એમના કહ્યા વિના સમજતી, એ એમને ગમતું હતું. હું ઘરનાં સર્વને સ્નેહથી મારા પોતાના જ માનતી હતી (અને આજે પણ માનું છું) એનો વિનુ આદર કરતા. વિના કારણ, વિરોધાભાસી મત પાડીને, ખોટી દલીલબાજીમાં ઊતરવું મને ગમતું નહોતું (આજે પણ નથી ગમતું), આથી જ્યાં કોઈનેય નુકસાન ન પહોંચે એવી અન્યની વાતો હું સાંભળી લેતી અને કોઈ કશું કહી જાય તો ગમ ખાઈ જવું મને સહજ હતું. આને કારણે, હું અનેક વિપરીત, વિરોધાભાસી સંજોગોમાં અમસ્તી જ અટવાઈ જતી, ત્યારે, વિનુ કહેતા, “જે કહેવું હોય તે ડર્યા વિના, કે પછી એના પર સુગર કોટિંગ કર્યા વિના બોલ.” કાશ, વિનુ, તમારી હાજરીમાં સ્ફટિક જેટલી પારદર્શકતાથી, મનની વાત, ડર્યા વિના કહેતાં હું શીખી શકી હોત!

લગ્ન પછી, ૫૦૦ સ્કેવર ફૂટના અમારા ફ્લેટમાં, અમારી નાની દુનિયાની, નાની ખુશીઓમાં “અમેઅનેક અભાવોમાં પણ ખૂબ ભાવથી રહેતાં હતાં. આ “અમેનો વ્યાપ વિશાળ હતો, જેમાં અમે બે, અમારા સંતાનો, અમારા મા (સાસુમા), અને બહોળા કુટુંબના વડીલો, મારા દિયરો, સૌથી નાના નણંદ, (એમના બધાના મિત્રો, સાથે,) અમારા મિત્રો તથા અમારા વ્યવસાય સાથે સંકળાયેલાં સંબંધો અને આડોશીપાડોશી- એ સૌનો સમાવેશ હતો. અમારા ઘરમાં અવરજવર સતત રહેતી અને અતિથીઓ કે સ્વજનોની આગતા-સ્વાગતામાં, એ, હાથોહાથ, નાનામોટા દરેક કામ મને કરવતા. ઘણીવાર એવું પણ થતું કે કામ કરતાં કે બાળકોને જમાડતી કે સુવડવતી વખતે, કાગળની ચબરખીઓ પર કે કોઈ વાર છૂટાછવાયા પાના પર, કવિતાઓ લખતી. વિનુના હાથમાં એ કાગળ આવે ત્યારે એને સાચવીને એક ફાઈલમાં મૂકતાં. રાત્રે અમે જ્યારે બાળકોની સાથે વાંચવા બેસતાં ત્યારે મને કહેતા, “આજે જે કવિતા લખી છે તે સારી છે. થોડી મઠારીને મોકલજે” અથવા તો, “આ કવિતા નબળી છે પણ ફેંકી ન દેતી. મેં ફાઈલમાં મૂકી છે.” વિનુ દર શનિવારે, બપોરના બે કે અઢી વાગ્યાની વચ્ચે ઓફિસથી ઘરે આવતા ને મને કહેતાં કે “તારે કઈં વાંચવું-લખવું હોય તો, સાંજની રસોઈ, બજાર કે શેનીયે તાણ રાખ્યા વિના, લાઈબ્રેરીમાં જા કે ઘરમાં વાંચ કે લખ. તારી મરજી હોય તે કર. ફ્રેન્ડ્સની સાથે મુવી કે નાટક જોવા જવું હોય તો, જઈ આવ.” આ બે કે ત્રણ કલાકનો મારો વખત મને નવી ઊર્જા આપી દેતો. હું ઘરે પાછી આવતી ત્યારે, જો કામવાળી ન આવી હોય તોયે, – કૂકર મુકવાનું, શાક સમારવાનું કે લોટ બાંધવાનું થી માંડી બાળકોને બહાર રમાડવા લઈ જવાનું- બધા જ કામો સમયસર પૂરા કરી લેતા. મારા સૌથી નાના નણંદે, અમને સંતાનો મોટા કરવામાં ખૂબ મદદ કરી છે, (અમારા પરિવારમાં, બાળકોને સહુનો પ્રેમ અને સહકાર હંમેશાં મળ્યાં છે.) જ્યારે પણ વખત મળતો, વિનુ અમારા સંતાનોને જમાડવામાં, રમાડવામાં, પુસ્તકો વાંચવામાં, નવડાવવામાં ને એમને સૂવડાવવામાં કોઈ પણ છોછ વિના, મદદરુપ થતા. વિનુની સજ્જડ માન્યતા હતી કે ભારતીય પતિઓ જેટલા સજાગ અને સંભૂતિપૂર્ણ હોવા જોઈએ એટલા નથી. મારા જેઠાણી કહેતાં, “હું જ્યારે ગર્ભાવસ્થામાં, છેલ્લા મહિનામાં હતી ત્યારે વિનુભાઈ સી.એ.ની પરીક્ષાનું વાંચવા, કામ પરથી રજા લઈ ઘરે હતા. મને રોટલીઓ કે પૂરી બનાવવામાં તકલીફ પડતી. એ સમયે, વિનુભાઈ કહેતા, “ભાભી, તમે, બેસીને કે ઊભા રહીને, જે અનુકૂળ પડે તેમ રોટલી કે પૂરી વણો. હું શેકી આપીશ કે તળી આપીશ.” મા પણ કહેતાં, “કામવાળા ન આવ્યા હોય ને ઘઉં દળાવવાના હોય તો ઓફિસે જતાં, વિનુ ડબ્બો ચક્કી પર મૂકી આવતો અને ઓફિસેથી પાછા વળતાં લઈ આવતો. વિનુને કામની કદી શરમ ન હતી. વિનુએ સી.એ. ભણવાનું શરૂ કર્યું, ત્યારથી તારા ભાઈ પાસેથી ક્યારેય પૈસા માગતો નહીં. હું એની ફિકર કરતી કે આ છોકરો કઈં બોલતો નથી તે એનું શું થશે! ઘણીવાર આટલા મોટા કુટુંબમાં કોઈ સાથે મનદુઃખ થયું હોય તો ઘરમાંથી તરત જ વિનુ ગુસ્સામાં, કોઈનેય કશું કહ્યા વિના, બહાર જતો રહેતો ત્યારે હું મનમાં એની ચિંતા કર્યા કરતી!” વિનુ દ્રઢપણે માનતા કે બોલવાનો કોઈ ફાયદો નથી. કોઈનેય જ્ઞાન નથી સાંભળવું. ઉમરલાયક થવા પછી પણ ઉમરને લાયક ન વર્તે એ, કોઈના ભાષણને સાંભળીને ક્યાં બદલવાના?

ભારત કે અમેરિકામાં, વિનુની ખાવા-પીવા માટેની ખસિયતો કે માંગણી ક્યારેય નથી રહી. એમનું ધ્રુવ વાક્ય હતું, “ચાલશે, ભાવશે, ફાવશે,” જે, અંતિમ દિવસ સુધી એમણે પાળ્યું. એમના સહકારને લીધે, હું જોબ કરતાં કરતાં ભણી પણ શકી, એ સાથે, મારા પોતાના વાંચન-લેખનના શોખને વ્યક્તિગત રીતે વિકસાવી શકી. એમણે મને કદી પૂછ્યું નહોતું કે હું ક્યાં પૈસા વાપરું છું અને બજેટ કે હિસાબથી વધારાના રુપિયા શેને માટે જોઈએ છે! અમારા લગ્નજીવનના શરૂઆતના સમયમાં, નજીકના સ્વજનોએ વિનુને કહ્યું, ”બૈરીને ટ્રેઈન કરીને અત્યારથી જ કંન્ટ્રોલ કર, દાબમાં રાખ, નહીં તો પાછળથી માથે ચડી બેસશે!” એમણે ત્યારે સ્પષ્ટતાથી કહ્યું હતું, “જયશ્રી પાળેલું પ્રાણી નથી કે એને ટ્રેઈન કરીને કંન્ટ્રોલમાં કે દાબમાં રાખું!”  અમારી વચ્ચેની સહજતાએ અમારા સાયુજ્યને અનેક કપરા અને વસમા સંજોગોમાં ધબકતું રાખ્યું હતું.

 અમેરિકા આવ્યા બાદ પણ વિનુ, ખભેખભો મિલાવીને મારી સાથે કામ કરતા. ભારતમાં કે અમેરિકામાં જ્યારે અમે સખીઓ, પોતાના પતિદેવો વિના, મળતી ત્યારે બધાની હરીફરીને એક સર્વસામાન્ય ફરિયાદ રહેતી કે એમના પતિ ઘરના કામકાજમાં મદદ નથી કરતા ત્યારે મારે ચૂપ રહેવું પડતું! જો કઈં બોલવા જાઉં તો સખીઓ કહેતી, ”તું તો બોલતી જ નહીં!” મારી એક અત્યંત વ્હાલી સખી કહેતી, “જયુ, તારા માટે વિનુભાઈ કદાચ ફરિયાદ કરે તો એ અમે બધાં જ સમજી શકીએ હોં!” અને મારી પાસે કૃત્રિમ ગુસ્સો કરવા સિવાય બીજો કોઈ અપવાદ પણ નહોતો! ક્યારેક, અમેરિકાની મારી સખીઓ વિનુને કહેતી, “વિનુભાઈ, તમે સમર કેમ્પ કરો. અમે $૫૦૦ આપીને અમારા વરોને ટ્રેઈન થવા મોકલએ કે પત્નીને મદદ કેમ કરવી!” ક્યારેક મને થતું કે વતનમાં અને પરદેશમાં, ઘરનાં સ્વજનો કે અમુક મિત્રો આ બાબતે વિનુની પાછળથી છાની મશ્કરીઓ કરતાં હતાં. મારું મન દુભાતું. હું એમને કહેતી, “તમે આ બધા જજમેન્ટલ લોકો- ભલે એ પછી આપણા ઘરના હોય કે આપણા મિત્રો હોય – એ સૌની સામે, આમ, ઘરના કામમાં મદદ ન કરો. મને નથી ગમતું કે બધા તમને પુરુષ કે પતિ તરીકે, “So Called Macho Man” ની એરણ પર, ઉતરતા ગણે!” વિનુ ત્યારે માત્ર એટલું જ કહેતા, ”Who cares? તું શું માને છે?” ને, અમે હસી પડતાં.

  અમેરિકામાં ઈમીગ્રેટ થવાના દસ મહિનામાં, સવારના કામ પર જતા, રસ્તો ક્રોસ કરતી વખતે, કોઈ કાર ડ્રાઈવરે વિનુને ટક્કર મારતાં, અકસ્માત થયો હતો. આ “હીટ અને રન” અકસ્માત, અમારી જિંદગીની ડગર કાયમ માટે બદલી ગયો. વિનુ અન્ય રાહચાલકો સાથે ગ્રીન લાઈટમાં રસ્તો ક્રોસ કરતા, ગાડીની અડફેટે આવી, ૨૦ ફૂટ હવામાં ઉછળીને, સામી બાજુથી આવતી બસના ટાયર પાસે પડ્યા. જો બસ ડ્રાઈવરની સમયસૂચકતા ન હોત અને ઉપરવાળાની દયા ન હોત તો એમનો બચી જવાનો કોઈ અવકાશ નહોતો. એ એક્સીડન્ટ પછી, અનેક સ્વજનો સમા મિત્રોની સહાય અને હૂંફને લીધે તથા અમેરિકાના છેલ્લામાં છેલ્લા તબીબી સંશોધનો સભરની સારવારને લીધે, ત્રણ વર્ષ બાદ, વિનુ સાજા થયા. આ સમય દરમ્યાન, આ “હીટ અને રન” અકસ્માત હોવાથી, વિનુનો પગાર આવતો બંધ થયો હતો. એ ટાઈમના કાયદા પ્રમાણે, કેસ પતે નહીં ત્યાં સુધી પગારનો નિવેડો પણ આવવાનો ન હતો. વકીલોના કહેવા પ્રમાણે એકાદ, વરસ ઓછમાં ઓછું લાગવાનું હતું. એ દરમ્યાન, મારી સ્વૈચ્છિક તાલિમ – વોલેન્ટરી ટ્રેનિંગ – હોસ્પિટલની લેબોરેટરીમાં પૂરી થઈ. મને રાતની પાળીમાં, ઘરથી બે માઈલ દૂર, હોસ્પિટલની ક્લીનીકલ લેબોરેટરીમાં નોકરી મળી. વિનુ ઘરમાં હતા, આથી, બાળકો નાના હોવા છતાં રાતની શીફ્ટનું કામ હું કરી શકી.  રાતની શીફ્ટમાંથી, સવારના સાત વાગે આવી, દિકરી-દિકરાને સ્કૂલમાં આઠ વાગે મૂકી આવીને, હું સૂઈ જતી. વિનુ મને સાડા અગિયારે જગાડતા જેથી બાર વાગે દિકરાને પાછો લાવવા જઈ શકું. ત્યાં સુધીમાં વિનુ ક્રચીસ- કાખઘોડી – પર એક બે પગલાં ધીરે ધીરે ચાલીને, મારા માટે ચા બનાવી મૂકતા તથા લંચમાં સેન્ડવીચ બનાવીને તૈયાર રાખતા જેથી મને આરામ માટે સમય મળે. સાડા ત્રણ વાગે ફરી સ્કૂલમાં જઈ, દિકરીને લઈ આવતી. વિનુ જ્યારે બેઉનું હોમવર્ક અને અભ્યાસ કરવતા ત્યારે હું બહારના કામ અને રસોઈ પતાવતી. બાળકોને ક્યારેક ઓછું આવી જતું, એ જોઈ, હું નાહિંમત થઈ જતી. વિનુ મૂંગે મોઢે, અમારા વાંસા પર હાથ ફેરવીને, અહેસાસ કરાવતાં કે, “હું છું ને, બધું જ સારું થશે.” હું, ને મારા સંતાનો, જેસલ અને ભાવિન આજે જ્યારે યાદ કરીએ છીએ, ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે..

ઈશ્વરે અમને આનંદ પણ ખુલ્લે હાથે વહેંચ્યો હતો અને અમે ભર્યુંભર્યું જીવન ભરપૂરતાથી જીવ્યા. મને અને અમારા સંતાનોને એમની કમી સાલે છે. આ વિનુ સાથે ગાળેલા ૪૨ વરસોનો કમાલ છે. એમણે મને શાંતિ સાથે ઓળખ કરાવી, સંતોષ સાથે પરિચય કરાવ્યો અને સ્વયં પર નિર્ભર રહેવાની હિંમત આપી. વિનુ અને મને, બેઉને થતું કે અનેક વસમી પરિસ્થિતિવાળા, પ્રતિકુળ સંજોગોમાં, એકમેકથી સદંતર અલગ પ્રકૃતિવાળા અમે, તો અમારું સાયુજ્ય ટકી કેવી રીતે ગયું? અમે ક્યારેક વિચારતા ને આ પ્રશ્નનો જવાબ ન મળતાં હસી પણ પડતાં. ૩ ડિસેમ્બર, ૨૦૧૪ ને રોજ, એમની મોતિયાની સર્જરી હતી. હું એમની સાથે પ્રી-ઓપ રુમમાં હતી. ત્યારે ઓચિંતા એમણે મને કહ્યું કે “મને ખબર છે કે આપણી વચ્ચે એવું શું છે જે આપણા સાથને ટકાવી રાખે છે. આપણે એકમેકની શક્તિઓના- સ્ટ્રેન્થના- નહીં પણ એકમેકની નબળાઈઓના પૂરક છીએ. એટલે જ આપણે જિંદગી માણી!” મેં પૂછ્યું, “આવો વિચાર ક્યાંથી આવ્યો?” એમને કહ્યું, “બસ, આવ્યો અને તને કહી દીધો!”

૮ મી ડિસેમ્બર ૨૦૧૪ની, એ ગોઝારી સાંજ પછી, રોજ એકલી બેસીને બસ, આ જ વિચારું છું, કે કાશ, તમે એ પણ કહ્યું હોત કે, તમારા ગયા પછી, નોધારી બનેલી મારી નબળાઈઓ સાથે, એના પૂરકતત્વ વિના, છત વિહોણી જિંદગી મારે જીવવી કેવી રીતે? તમારા વિના, મને તો મારી કમીઓને જીરવતાં પણ નથી આવડતું, જીવતાં આવડવાની વાત તો બહુ દૂરની છે!

20 thoughts on “જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨૦ (જયશ્રી વિનુ મરચંટ)

 1. jayshree bahen,
  there are no words to express our gratitude to this Man Vinu Bhai, self made- Simple Living and High thinking.
  Must be from different Planet. Real Sant in Society, unassuming, haiye te hothe, always loving and caring and sharing. Even lived in equanimity during time of trial of those 3 years.Listened always to his inner consciousness..he was not soft spoken- but Antermukhi- More with the Self.It seems God has sent Him to sculpture you and Left you to be Monument of all times – or left for test of time – his creation- to shine as Diamond.
  I can say as Homage “He was Self REALISED PERSON IN GARB OF VINU”
  He is still living through you and Children and will ever be with you “Main Hu Na”
  His fragrance is ever present in all your creation.
  Wish you all the best for your remaining 8 parts and as Davda Saheb told- we will read it soon after publication of your book by Image Publication.
  ..and last our hearty Salute equally to you to stand high in all time of trial and joyful time too.
  I saved some of his dialogue..which is like his Snap Shot in word..

  “વિનુ દ્રઢપણે માનતા કે બોલવાનો કોઈ ફાયદો નથી. કોઈનેય જ્ઞાન નથી સાંભળવું. ઉમરલાયક થવા પછી પણ ઉમરને લાયક ન વર્તે એ, કોઈના ભાષણને સાંભળીને ક્યાં બદલવાના?”

  “જયશ્રી પાળેલું પ્રાણી નથી કે એને ટ્રેઈન કરીને કંન્ટ્રોલમાં કે દાબમાં રાખું!”

  “એમણે મને શાંતિ સાથે ઓળખ કરાવી,
  સંતોષ સાથે પરિચય કરાવ્યો અને
  સ્વયં પર નિર્ભર રહેવાની હિંમત આપી.”

  He is Astrally Guiding you- not only You- through your thoughts to Many more Hearts- Silently.
  Be ever in Peace

  Liked by 1 person

 2. જયશ્રીબેન,
  આજની આંગણા પુરતી આ અંતિમ ધારાવાહી તો જાણે એક સર્વાંગ સંપૂર્ણ દાંપત્યજીવનનો સુરેખ નકશો લઈને આવી.
  તમારા તમામ એપિસોડમાં વિનુભાઇને તમારી લગોલગ ઉભેલા અનુભવ્યા છે, એમની હાજરી સતત તમારી અભિવ્યક્તિમાં વર્તાઇ છે.
  આજ સુધી એકમેકની શક્તિઓના- સ્ટ્રેન્ટ્થના પૂરક હોવાની વાત ડંકાની ચોટ પર કરતા દંપતિને પણ જોયા-સાંભળ્યા છે પરંતુ વિનુભાઇના શબ્દોમાં કહું તો નબળાઇના પૂરક હોવાની વાતે જ કદાચ તમારું સાયુજ્ય આટલું સક્ષમ બન્યું હશે.
  વણ બોલ્યે પણ નાની-નાની બાબતમાં વિનુભાઇએ તમારી સંવેદનાઓને સમજી હશે, ઝીલી હશે અને એ એમની મિતભાષી પ્રકૃતિને સ્વીકારી લઈને તમે પણ આગળ ચાલ્યા હશો. સંવેદના તો સૌ સાથે જીવે પણ વેદના જ્યારે એકલા જીરવવાની આવે ત્યારે એ કેવી વસમી બની જાય એની તો કલ્પના કરવી ય કપરી છે.
  વિનુભાઇના ગયા પછી પૂરકતત્વ વિના તમારી નોંધારી બની ગયેલી નબળાઇઓને, તમારી સો કોલ્ડ કમીઓને જીવતા અને જીરવતા તમને જોઇને એ ક્યાંકથી તમારા વાંસે હાથ ફેરવીને આજે પણ કહેતા હશે કે, ” “હું છું ને, બધું જ સારું થશે.”.

  “So Called Macho Man” ની એરણ પર ચઢ્યા વગર પણ વિનુભાઇની ” A Real Perfect Man”ની ઇમેજે તમારો જે સાથ ટકાવી રાખ્યો હતો એણે જ આજે તમને પણ ટકાવી નથી રાખ્યા ?

  Like

 3. જયશ્રી બહેન માટે એમના લેખોથી માન થયું હતું. આ પરિ્ચયથી વિનુભાઈ માટે પણ માન થયું . ( વધારે થયું , એમ લખું તો બહેનને કદાચ ન ગમે !)
  ————-
  યોગ/ ધ્યાન માટે સાત વર્ષથી ઉપજેલો અનુરાગ દૃઢ બની ગયો. સારી બસ પકડાઈ ગઈ- એવો સંતોષ પણ થયો.

  Like

 4. From: Sandhya Doshi
  Date: November 27, 2017 at 9:56:11 AM PST
  To: Jayshree Merchant
  Subject: Re: [New post] જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨૦ (જયશ્રી વિનુ મરચંટ)

  Dear Jayshree,

  It is Monday morning and I was waiting to read your last online episode for “safar”.
  I am speechless, your kind and genuine words from heart have touched my heart so deeply, I can’t express my feelings in words. Tears are making my vision blurry..
  Vinubhai was one of the rarest gem in this world, and you were one of the luckiest person to find him.
  Your journey of life is amazing, and the companion you had in this journey is truly remarkable!!!!
  You both are made for each other, you both are role models for a great marriage for many.
  You are a unique person of science and art combination in the brain to the max.
  Thank you very much for sharing your life journey with us…
  I want to keep writing and complimenting you but I have to go out, will add more later..
  Sandhya

  Like

 5. rom: Dipal Patel
  Date: November 27, 2017 at 1:28:32 PM PST
  To: Jayshree Merchant
  Subject: Re: [New post] જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨૦ (જયશ્રી વિનુ મરચંટ)

  ઓહ… આંટી …. 🙂
  બહુજ મોટું આલિંગન તમને 🙂
  કેટલા અદ્ભુત હતા વીનુઅંકલ અને કેટલું સુંદર જીવન જીવ્યા છો તમે બંને 🙂 🙂
  હું મુંબઈનું તમારું ઘર, તમારું અમેરિકાનું ઘર, જીવન બધું કલ્પી શકી 🙂
  કેટલી સુંદર રીતે તમે વર્ણન લખ્યું છે કે કદી ના જોયેલા વીનુઅંકલને પણ હું મળી આવી 🙂

  ખુબ ખુબ શુભેચ્છાઓ તમારા પુસ્તક વિમોચન માટે 🙂 મને ફોટા મોકલજો 🙂

  Like

 6. From: Jayshree Patel
  Date: November 27, 2017 at 1:44:23 PM PST
  To: Jayshree Merchant
  Subject: Re: [New post] જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨૦ (જયશ્રી વિનુ મરચંટ)

  Aunty,
  I just want to come there and give you a big tight hug.


  Regards,
  Jayshree

  Like

 7. From: Panna Naik
  Date: November 27, 2017 at 3:20:41 PM PST
  To: Jayshree Merchant
  Subject: Re: [New post] જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨૦ (જયશ્રી વિનુ મરચંટ)

  Enjoyed and touched by your loving tribute to Vinubhai. I miss him very much.

  Sent from my iPhone

  Liked by 1 person

 8. જયશ્રી બેન,

  સોમવાર ની સવાર ‘ સફર ‘ ના આપના એપીસોડ વગર અધૂરી લાગશે. તમારા દાંપત્ય ની શબ્દોમાં વહેલ લાગણીઓએ અમને રડાવી દીધા. વિનુભાઈ ને ક્યારેય ન મળ્યા હોવા છતાં વર્ષો થી ઓળખતા હોય તેવી ઓળખાણ તમે સતત તમારી સાથે તેમને રાખીને ,કરાવી દીધી છે.
  વિનુભાઈ જેવા ઉત્તમ મિત્ર-પતિ મળવાથી તમારુ દાંપત્ય જીવન લોકો માટે દીવાદાંડી સંમાન છે.
  તમે સામે બેસીને વાત કરી હોય તેવું અનુભવ્યું !અને એક પંક્તિ યાદઆવી ગઈ

  તારા સ્વજન તને જાય મૂકી તો તેથી કાંઈ ચિંતા કરે ચાલશે ના…..
  તારી આશા લતા પડશે તૂટી………તેથી કાંઈ ચિંતા કરે ચાલશેના…..

  Like

 9. હ્રદયસ્પર્શી.પ્રસન્ન દાંપત્ય માણ્યું અને ‘ ૮ મી ડિસેમ્બર ૨૦૧૪ની, એ ગોઝારી સાંજ પછી, રોજ એકલી બેસીને બસ, આ જ વિચારું છું, કે કાશ, તમે એ પણ કહ્યું હોત કે, તમારા ગયા પછી, નોધારી બનેલી મારી નબળાઈઓ સાથે, એના પૂરકતત્વ વિના, છત વિહોણી જિંદગી મારે જીવવી કેવી રીતે? તમારા વિના, મને તો મારી કમીઓને જીરવતાં પણ નથી આવડતું, જીવતાં આવડવાની વાત તો બહુ દૂરની છે!’ વાત વાંચતા મન વિચારોના વંટોળે …અમારા દાદા દાદી અગિયારી લેનમા રહેતા અને ભાટિયા સ્કુલમા શિક્ષક એટલે તમારી શરુઆતના જીવન અમે અનુભવેલા લાગ્યા. અમારા અને અમારા દીકરી દીકરાઓના વિવાહ પહેલાની મુલાકાતો…પરદેશી મુરતીઆઓના પ્રશ્નો…અને તમારું આખું પ્રસન્ન દાંપત્ય જીવન જેવા જ અમારી બેનના પ્રસન્નદાંપત્ય બાદ પ્લેનક્રેશથી વૈધવ્ય -તેની વેદના મુંબાઇ અને ન્યુ-જર્શીમા સાથે રહી અનુભવી છે. યાદોને સહારે પતિ સાથે જ રહી દોરવણી આપે છે તેમ જીવી…

  શાશ્વત સત્ય-
  અથ હોય તો ઈતિ યે હોવાનું….જે અનાદિ હોય, અજન્મા હોય, વિભુ હોય, વ્યાપક હોય તેનો આરંભ કે અંત હોતા નથી તેનું અસ્તિત્વ સર્વદા રહે છે.આપણો જન્મ થયો તે પહેલા આ સૃષ્ટિ ચાલતી હતી. આપણે અત્યારે આ સૃષ્ટિના વિરાટચક્રમાં એક તુચ્છ જંતુ કરતાં કશુંયે વિશેષ મહત્વ ધરાવતા નથી. આપણે નહીં હોઈએ તોયે આ સૃષ્ટિ ચાલતી રહેવાની છે.
  જે ક્ષણે મનુષ્ય પોતાનો શુદ્ર અહમ અસ્તિત્વના મહાસાગરમાં વિલિન કરી શકે તે જ ક્ષણે તે વિશ્વનિયંતા સાથે એકાકાર થઈને ભૂમાને પ્રાપ્ત કરી સર્વ શોક અને મોહને તરી સ્વરુપાનંદમાં સ્થિત થઈ જાય છે.

  Liked by 1 person

 10. જયશ્રીબેન ,
  તમારી ધારાવાહીના બધા એપીસોડ વાંચ્યા છે, હંમેશા ગમ્યા, આ એપીસોડ વાંચી હૃદયમાં અનેક સંવેદનાઓ જાગી. તમારા માટે તો ખૂબ માન છે, આ એપીસોડથી વિનુભાઇની પણ ઓળખાણ થઈ ગઈ. તમારા આદર્ષ દાંપત્ય જીવનને સો સો સલામ ..બસ વિનુભાઇની યાદોનો સાથ સદાય તમારી સાથે છે …જેની સાથે તમે આનંદથી જીવન વિતાવી રહ્યા છૉ અને વિતાવતા રહેશો,કોઈ શંકાને સ્થાન છે?

  Like

 11. Dear Jayshreebahen:
  I just read your posting on Mr. Davda’s blog. What a moving piece! Congratulations!
  You have lovingly, yet accurately portrayed Vinoobhai in the blog. He indeed was a man of few words, yet when he spoke it was worth listening. Also, I had not realized that he had an accident during your early days in the U. S. You bravely supported each other in those difficult early years of your migration to this country and raised two wonderful children! What a splendid accomplishment!
  Keep writing! You write well.
  Warm regards.
  Natwar Gandhi (By E-mail)

  Like

 12. ઓહ ! ખુબ સુંદર ! તમારા જીવન વિષે આછો પરિચય થઈ ગયો .. અને આંખના ખૂણા ભીના થઇ ગયા ! કેવી સરળ અને શૈલીમાં તમે લખ્યું છે !! Waiting for your nex book lauchong..

  Like

 13. From: Rupa Bajaria
  Date: December 6, 2017 at 4:40:02 PM PST
  To: Jayshree Merchant
  Subject: Re: [New post] જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨૦ (જયશ્રી વિનુ મરચંટ)

  Hi Jayshreeben,

  As always enjoyed your writing. I feel very sorry that your beautiful relationship with Vinubhai had to go through 2014 tragedy. But, the little that I got to know him, wherever he is, he has forgiven that person.
  I am saddened that as this being your last episode, I will not get to read your heart touching life experiences every week. But also happy for you as you will be an important part of Aangnu. I will continue to visit the website.
  Thank you so much from the bottom of my heart for sharing your stories/life experiences with us. I thoroughly enjoyed each episode and learned something from most of them.
  Thank you and Jai Shree Krishna.
  Take good care. I hope to see you sometime soon.
  Rupa (By E-mail)

  Like

 14. જયશ્રીબહેનની ધારાવાહિક ડાયરી તે પૂરી થયા કેડે મેં નિરાંતે વાંચી ! જાણીજોઈને એને ધારાવાહિક ડાયરી કહું છું. એનાં બે પાનાં વચ્ચે ગજબનું સંધાન હોય છે ! હાથમાં કૉફીનો કપ કે સામયિકનું પાનું હોય ને કોઈ બેચાર લીટી આપણને વંચાવીને ક્યાંથી ક્યાં લઈ જાય છે !!
  આ કથા છપાવાની છે તે જાણ્યું….માનું છું કે કોઈ સારા પ્રકાશક દ્વારા જ તે કાર્ય થશે. ખૂબ મજાનું સાહિત્ય પ્રગટ થશે એના આનંદ સાથે આપ બન્નેને અભિનંદન અને શુભેચ્છાઓ !!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s