એક અજાણ્યા ગાંધીની આત્મકથા -૧ (નટવર ગાંધી)


નવીધારાવાહી,” – “એક અજાણ્યા ગાંધીની આત્મકથા”- આવકાર – (જયશ્રી વિનુ મરચંટ)

આદરણીય ભાઈશ્રી નટવરભાઈ ગાંધીનું “ધારાવાહી”માં સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. વડીલબંધુ શ્રી પી. કે. દાવડાએ, “દાવડાનું આંગણું” માટે “ધારાવાહી”ની જવાબદારી જ્યારે મને સોંપી, ત્યારે મને તાજેતરમાં જ વાંચેલી, “એક અજાણ્યા ગાંધીની આત્મકથા” યાદ આવી. સાદી, સરળ અને પ્રવાહી ભાષામાં લખાયેલી આ આત્મકથા સાચા અર્થમાં ડાયસ્પોરાના સાહિત્યનું આભૂષણ છે. આ પુસ્તકમાં, વતનની રહેણી-કરણી, ઉછેર, અભ્યાસ, કુટુંબ ભાવના, અને સંસ્કારોની વાત તો છે જ, પણ એ સાથે, અમેરિકાની ધરતી પર, પત્ની-સંતાનો સહિત પરિવાર, ઘર, અને વ્યવસાયમાં પામેલા, “પર્સનલ એન્ડ પ્રોફેશનલ, સક્સેસ, ગ્રોથ એન્ડ હિન્ડર્સ” – વ્યક્તિગત તથા વ્યાવસાયિક, સફળતા, વિકાસ અને અવરોધોની વાત, કોઈ પણ જાતના સંકોચ કે છોછ વિના કરી છે. આ આત્મકથામાં કોઈ બોધ નથી, કોઈ મોરાલીટીના ઉપદેશો નથી કે “ભગવાન, ભગવાન” નથી કર્યું, બસ, “સ્વ”થી આરંભાયેલી એક જીવનયાત્રાને “સર્વ” સુધી પહોંચાડી, “જેને જે ગમે તે તેનું” માની, વાચકો પર છોડી દીધું છે. કર્મભૂમિ, અમેરિકાની ધરતી પર જે પામ્યા એનું ગૌરવ, લેખકે સાવ સાદાઈથી, કોઈ પણ એપોલોજી- શર્મીંદગી- વિના, સહજતાથી કર્યું છે, જેથી એમાં આડંબરની છાંટ નથી દેખાતી. તે સાથે, આ જિંદગીની સફરમાં મુસીબતો વેઠવી પડી એનું વર્ણન કરવામાં અહંકાર પણ નથી રાખ્યો. આત્મશ્લાઘા અને બિચારાપણાના ભયસ્થાનને ચાતરીને, આત્મકથાનું આલેખન કરવામાં, આદરણીય ભાઈશ્રી નટવરભાઈ ગાંધી, સો ટચના સોના સમા ખરા ઊતર્યા છે. આ આત્મકથાના ચૂંટેલાં અંશો, આપ સહુ સંવેદનશીલ વાચકો સમક્ષ, દર સોમવારે મૂકવાના પ્રસ્તાવને, સિધ્ધહસ્ત અને સક્ષમ સર્જક, આદરણીય ભાઈશ્રી નટવરભાઈએ સહર્ષ સ્વીકારીને “આંગણા”નું ગૌરવ વધાર્યું છે. થેંક યુ, નટવરભાઇ. આશા છે આપ સહુ વાચક મિત્રો પણ અંતરના ઉમળકાથી “એક અજાણ્યા ગાંધી”ની આત્મકથાને તથા એના સર્જક, આદરણીય ભાઈશ્રી નટવરભાઈ ગાંધીને આવકારશો.

શ્રી નટવર ગાંધીનો પરિચય

નટવર ગાંધીનો જન્મ ૧૯૪૦ માં  સાવરકુંડલામાં.  મુંબઈમાં બી.કોમ. અને એલએલ.બીનો અભ્યાસ.  1961-1965 સુધી મૂળજી મારકેટમાં, મિલની પેઢીઓમાં અને અન્ય કંપનીઓમાં નોકરી. 1965માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાગમન.  ત્યાં એમ.બી.એ. અને પીએચ. ડીગ્રીઓ મેળવી યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગ, અમેરિકન યુનિવર્સિટી અને અન્ય  યુનિવર્સિટીઓમાં શિક્ષણકાર્ય કર્યું.  1976-1997 દરમિયાન અમેરિકન કોંગ્રસની ‘વોચ ડોગ’ એજન્સી જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં ટેક્સ પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું.  1997માં અમેરિકાની રાજધાની વૉશિન્ગટનના ટેક્સ કમિશ્નર તરીકે તેઓ નિમાયા અને ત્યાર બાદ 2000થી ત્યાં જ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે નાણાંપ્રધાનની જવાબદારી 2000 થી 2014 સુધી સંભાળી.  એ હોદ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવર ગાંધીનું ઘણા એવોર્ડ્સથી બહુમાન થયું છે.  આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે 1996માં એમને ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ પણ એનાયત થયો છે.

નટવર ગાંધીનું કામ બજેટનું, પણ એમની અભિરુચિ કવિતાની.  એમની કવિતામાં એક પરદેશ વસતા ભારતીયની જન્મભૂમિ પ્રત્યેની પ્રીતિ પ્રગટ થાય છે.  સાથે સાથે અમેરિકન વસવાટ, વિવિધ ધર્મવિચાર, વિધવિધ રાજકીય વિચારધારાઓ અને મૃત્યુની અનિવાર્યતા વિષે લખાયેલા કાવ્યો દ્વારા કવિ ગુજરાતી સાહિત્યમાં એક અનોખું વિષય વસ્તુ લાવે છે.

ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું અહી વર્ણન કરવા પ્રયત્ન છે.  વધુમાં નટવર ગાંધીની સાવરકુંડલાથી અમેરિકાની રાજધાની વોશીન્ગટન સુધીની જીવનયાત્રા અને વૉશિન્ગટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સીએફઓ તરીકે એમણે જે ભાગ ભજવ્યો તેની રસપ્રદ વાત આ આત્મકથામાં થઈ છે.

પ્રકરણ વૉશિન્ગટનનું ટેક્સ કૌભાંડ

નવેમ્બર મહિનાની સાતમી તારીખને હું જિન્દગીમાં ક્યારે ય ભૂલવાનો નથી. મારા જીવનમાં, મારી કારકિર્દીમાં, એ દિવસે મોટો ધરતીકંપ થયેલો! હું ત્યારે અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટનનો સી.એફ.ઓ. એટલે કે ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર હતો. એ દિવસે યુ.એસ.એટર્નીની ઑફિસમાં પ્રેસ કોન્ફરન્સ હતી. વોશિન્ગ્ટનના મેયર, એફ.બી.આઈ.ના અને શહેરના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. વોશિન્ગ્ટન પોસ્ટના અને બીજાં છાપાંઓ તેમ જ ટીવીના ભરાડી રિપોર્ટરોથી ખીચોખીચ આખો હોલ ભરાઈ ગયો હતો. એ બધા અમારા આવવાની રાહ જોતા ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ એમ કરતા અધીરા થઈને બેઠા હતા.

મારા હાથ નીચે જે ટેક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું. સી.એફ.ઓ. થયો એ પહેલાં ત્રણ વરસ હું વોશિન્ગ્ટનનો ટેક્સ કમિશ્નર હતો. જો કે આ કૌભાંડ લગભગ વીસેક વરસથી ચાલતું હતું. પણ મુદ્દાની વાત એ હતી કે જ્યારે ચોરી પકડાઈ ત્યારે હું સી.એફ.ઓ. હતો, અને એ ચોરી કરનારા ટેક્સ ઑફિસરો મારા હાથ નીચે કામ કરતા હતા. એમના ગેરવર્તનની જવાબદારી મારી.

આ પ્રેસ કોન્ફરન્સમાં વોશિન્ગ્ટનના રિપોર્ટરો મેયરને એક પછી એક, એમ આકરા પ્રશ્નોથી પજવવા લાગ્યા. કહેતા હતા કે : ‘જુઓ તમારા હાથ નીચે કેવું મોટું કૌભાંડ થયું!’  એ વખતે હું મેયરની બાજુમાં જ; પણ પાછળ ઊભો હતો. ત્યાંથી તરત આગળ આવીને મેં કહ્યું કે : ‘આ બાબતમાં બધી જ જવાબદારી મારી છે. એમાં જે બદનામી થવી જોઈએ, તે મારી થવી જોઈએ; મેયરની નહીં. જે કંઈ સવાલ પૂછવા હોય એ મને પૂછો.’ પછી તો એ પ્રેસ કૉન્ફરન્સનું ટારગેટ હું બની ગયો. બધા મારી ઉપર તૂટી પડ્યા. હવે ટીવી કેમેરાઓએ મારી પર મીટ માંડી. આંખને આંજી દેતી કેમેરાની એ લાઈટ્સ, હાથમાં રેકોર્ડિંગ મશીન લઈને ધક્કામુક્કી કરતા અનેક રિપોર્ટરો, ટોકિંગ પોઈન્ટ્સ અને નોટ્સ લઈને તમને તૈયાર કરતો સ્ટાફ – ક્લાસિક વોશિન્ગ્ટન પ્રેસ કૉન્ફરન્સમાં જે બધું હોય તે અહીં હતું.

વિધિની વિચિત્રતા તો જુઓ કે એ જ દિવસે સાંજે મને ગવર્નીંગ મેગેઝીન તરફથી રાષ્ટ્રીય કક્ષાનો “પબ્લિક ઑફિસિયલ ઓફ ધી ઇયર”નો મોટો અવોર્ડ અપાવાનો હતો. વોશીન્ગ્ટનની પ્રખ્યાત વિલર્ડ હોટેલમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં મારું સમ્માન થવાનું હતું.  મારી કારકિર્દીનું આ એક ઊંચું શિખર હતું. સમારંભ યોજાયો. મને  અવોર્ડ અપાયો. ખૂબ વખાણ  થયાં, પણ મને ખબર હતી કે બીજે જ  દિવસે સવારે આ બધું રોળાઈ જવાનું છે. છાપામાં પહેલે પાને ટેક્સ કૌભાંડના ખરાબ સમાચાર સિવાય બીજું કંઈ નહિ હોય, અને એવું જ થયું.

બીજે દિવસે અને પછી મહિનાઓ સુધી, વોશિન્ગ્ટન પોસ્ટ અને બીજાં છાપાંઓમાં મારા ફોટા સાથે એ કૌભાંડના સમાચારો પહેલે પાને પ્રગટ થયા. કહેવામાં આવ્યું કે વોશિન્ગ્ટનના ઇતિહાસમાં ક્યારે ય પણ આવું મોટું કૌભાંડ થયું નથી. ત્યાર પછી તો મહિનાઓ સુધી મારી ઉપર કંઈક માછલાં ધોવાયાં. અમેરિકામાં છાપાંવાળા જ્યારે કોઈની પણ પાછળ પડે ત્યારે એનાં છોતરાં જડમૂળથી કાઢી નાખે. ભલભલાને જોત જોતામાં ભોંય ભેગા કરી દે!

વોશીન્ગ્ટન પોસ્ટમાં તંત્રીલેખો સાથે મારું કાર્ટૂન પણ છપાયું!  આવા બધા બદનામીના સમાચારો મહિનાઓ સુધી છાપાઓમાં અને ટીવીમાં આવ્યા કર્યા.  એ પ્રકરણના સંદર્ભમાં સીટી કાઉન્સીલ, બોર્ડ ઑફ ટ્રેડ, ચેમ્બર ઑફ કૉમર્સ, કમ્યુનીટી એસોશિઅન્સ, વોલ સ્ટ્રીટ, કોંગ્રેસ એમ અનેક જગ્યાએ મારે જુબાની આપવી પડી.  આકરા સવાલોના જવાબ આપવા પડ્યા.  આ કૌભાંડ કેમ થયું અને એને માટે કોણ કોણ જવાબદાર છે, તે બાબતની વ્યવસ્થિત તપાસ કરવા સીટી કાઉન્સિલે વોશીન્ગ્ટનની એક મોટી લો ફર્મને જવાબદારી સોંપી.

અજાયબીની વાત તો એ છે કે આવડું મોટું કૌભાંડ થયા પછી પણ બીજાં સાત વરસ હું સી.એફ.ઓ. તરીકે ટકી રહ્યો!  કૌભાંડ થયા પછી મારી ટર્મ પૂરી થયે બે વાર ફરી મારી નિમણૂંક થઈ. આમ હું ૨૦૧૩ સુધી હું સીએફઓ રહ્યો!  ૨૦૧૩માં મેં જાતે જ રાજીનામું ન આપ્યું હોત તો બીજા ચાર વરસ હજી હું એ હોદ્દા પર રહી શક્યો હોત.  રાજીનામું આપ્યા પછી પણ મારે મેયરના કહેવાથી વધુ એક આખું વરસ એ જ હોદ્દા પર કામ કરવું પડેલું.

આજે હું નિવૃત્ત થઈને બેઠો છું ત્યારે વિચાર આવે છે કે આ જિન્દગીમાં હું ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યો!  મારી ગતિ અને પ્રગતિ એવી અને એટલી તો અણધારી નીવડી છે કે મારા જન્મ સમયે કુંડળીમાં જે કાંઈ લખાયું હશે અથવા જોષીએ જે કાંઈ ભવિષ્ય ભાખ્યું હશે, તેમાંથી ભાગ્યે જ કંઈ સાચું પડ્યું હશે. ક્યાં અમારું ધૂળિયું ગામ, જેમાં મારા જન્મ વખતે હજી ઈલેક્ટ્રીસિટી પણ આવી નહોતી અને જ્યાં પીવાનું અને નાવાધોવાનું પાણી નદીએથી લાવવું પડતું, અને ક્યાં વિશ્વની મહાન સત્તા અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટન? ક્યાં મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં કરેલી અદના ગુમાસ્તાની નોકરી અને ક્યાં વોશિન્ગ્ટનના પાવરફુલ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરની પોઝિશન? ક્યાં મુંબઈમાં એક ઘોલકી શોધવા માટે અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે કરેલો આંધળો રઝળપાટ અને ક્યાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અમારું વિશાળ ઘર અને એનું એકાદ એકરનું હરિયાળું બેક યાર્ડ? ક્યાં મારી મુંબઈની ગુલામગીરી અને ક્યાં અહીં ‘વોશિન્ગ્ટનીઅન ઑફ ધી ઈયર’ કે ‘મોસ્ટ પાવરફુલ વોશિન્ગ્ટનોઅન્સ’માં મારી ગણતરી? ક્યાં નાતની વીશીઓમાં જેમતેમ લુસલુસ ઊભડક ખાવાનું અને ક્યાં વ્હાઈટ હાઉસનું સ્ટેટ ડીનર? આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વચ્ચે થયેલી મારી અણધારી જીવનયાત્રાનું મને જ મોટું આશ્ચર્ય છે.

સાડા સાત દાયકાની આ જિન્દગીની સફર પછી મારી સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ ધૂંધળી બની ગઈ છે. હવે મને ખબર નથી પડતી કે કોને મહાન કહેવા અને કોને પામર? હવે કોઈને એવાં લેબલ લગાડવાં એ પણ મને યોગ્ય નથી લાગતું. એક વસ્તુની સ્પષ્ટતા જરુર થઈ છે. જે લોકો એમ કહે છે કે એમની અસાધારણ સિદ્ધિઓ અને સફળતાઓ આપકમાઈની છે; તો એ વાતમાં હું માત્ર એમની બડાશનાં બણગાં જોઉં છું. ઊલટાનું આવા સફળ માણસની પાછળ હું એના જન્મ, કુટુમ્બ, સમાજ, ઉછેર, ભણતર, મિત્રો, જીવનસાથી, નસીબ, વગેરે વસ્તુઓ જોઉં છું. એનો અર્થ એ નથી કે વ્યક્તિગત બુદ્ધિ, પ્રયત્ન, ધગશ, પરિશ્રમ વગેરે જરૂરી નથી. કહેવાનું માત્ર એટલું જ કે, જેને ઇંગ્લિશમાં આપણે ‘self-made man’ કહીએ છીએ તે વાત કપોળકલ્પિત છે!

છતાં આ લખું છું, તે કદાચ કોઈને ઉપયોગી નીવડી શકે, એવો છૂપો આશય પણ છે.

ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં, સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું અહીં વર્ણન કરવા પ્રયત્ન છે. સાસરે ગયેલી વહુ, પિયરની વાત કરતા જેમ લાગણીશીલ કે રોમેન્ટિક બને છે; તેમ દેશ છોડીને વર્ષોથી પરદેશમાં વસતા લોકો વતનની વાતો કરતા આવી લાગણીઓ પ્રદર્શિત કરે છે. હું એવી લાગણીઓથી બચ્યો છું કે નહીં એ તો વાચકે જ નક્કી કરવાનું છે.

અહીં જે ઘટનાઓ રજૂ થઈ છે તેને થયે તો ભવ વીતી ગયો છે. મારા વતનમાં જ્યાં મારો જન્મ અને ઉછેર થયો, મુંબઈમાં જ્યાં જ્યાં મેં નોકરીઓ કરી, અને અમેરિકામાં મેં જ્યાં જ્યાં શરૂઆતમાં વસવાટ કર્યો – એ વિશેની વાતો પચાસ–સાંઠ વરસ જૂની છે. એ બધી હકીકતો પર, એ અનુભવો પર સ્મૃતિ-વિસ્મૃતિના કંઈક થરો લદાયેલા છે. અહીં એ ઘટનાઓ, એ અનુભવોની વાત જરૂર છે; પણ એ બધું જેમ અને જેવી રીતે યાદ રહ્યું છે તે પ્રમાણે લખાયું છે. ક્યારેક સ્મૃતિ દગો દે છે, તો ક્યારેક એવું પણ બને છે કે, જેમ કોઈ જૂના તામ્રપત્ર પર જે લખાયેલું હોય તે ભુંસાઈ જાય છે; છતાં ઇિતહાસકાર એ કાળનો ઈતિહાસ તો લખે જ છે. એ ઇતિહાસમાં કેટલું સાચું માનવું એ પ્રશ્ન પણ ઊભો રહે છે. કોઈ પણ આત્મકથનાત્મક લેખનમાં આવી મર્યાદા પણ રહે છે. માનસશાસ્ત્રીઓ આ પ્રકારના લેખનને palimpsest કહે છે. એવું લખાણ પણ અહીં હશે જ એમ હું માનું છું.

અને છતાં વિખ્યાત મનોવિજ્ઞાની ઓલિવર સેક્સ કહે છે તેમ મોટે ભાગે આપણી સ્મૃતિઓ ભાગ્યે જ ખોટી પડતી હોય છે. હા, એ બધી સ્મૃતિઓ આપણા આત્મરંગે જરૂર રંગાયેલી હોય છે. અને જેમ જેમ પરિસ્થિતિ બદલાતી રહે છે તેમ તેમ એ રંગ બદલાતો રહે છે. છતાં આ સ્મૃતિઓ બનેલી ઘટનાઓને વફાદાર રહેતી હોય છે. આ આત્મકથનમાં કેટલીક જીવન્ત વ્યક્તિઓનાં નામ લખ્યાં નથી અથવા તો ફેરવ્યાં છે. છતાં હકીકતો અને બનેલા બનાવો વિષે સચ્ચાઈ અને પ્રામાણિકતા જાળવીને જ લખ્યું છે.

આ પ્રાસ્તાવિક નિવેદન પછી પણ જો વાચકમિત્રો ચેત્યા ન હોય અને આગળ વધવું જ હોય તો જરૂર આગળ વધે ! પોતાના હિસાબે અને જોખમે !

9 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા -૧ (નટવર ગાંધી)

 1. જયશ્રીબેન ! ધારાવાહી માટે આત્મકથા પસન્દ કરી તે બહુજ સારું કર્યું! દરેક વ્યક્તિના જીવનમાંથી કાંઈક તો અવનવું જાણવાનું હોય છે જ . વાંચવાની પણ મઝા આવશે અને બ્લોગ છે એટલે વાર્તાલાપ પણ થઇ શકે ! મુરબ્બી દાવડા સાહેબને પણ અભિનન્દન , તમને આ કોલમ સોંપવા બદલ ! And , yes ! Congratulations to Natvarbhai Gandhi too.

  Liked by 1 person

 2. શ્રી નટવરભાઈ ગાંધીની સાવરકુંડલા થી વોશિંગટન સુધીની જીવન યાત્રાની કથા- આત્મકથા – વાચકો માટે આકર્ષક અને રસિક વાચન બની રહેશે.અમેરિકામાં ઘણા વર્ષોથી વસીને ઘણા ભારતીય ભાઈ-બહેનોએ વતનના દેશનું ગૌરવ વધાર્યું છે એમાં શ્રી ગાંધી પણ એક ઉદાહરણ રૂપ આગવું વ્યક્તિત્વ ધરાવે છે.એમની કેટલીક સાહિત્ય રચનાઓ મેં વાંચી છે.એમનો સાહિત્ય રસ માન ઉપજાવે એવો છે. શ્રી ગાંધીનું રસિક આત્મ કથનના આગળના હપ્તા વાંચવાની ઈંતેજારી રહેશે.

  Liked by 2 people

 3. ‘કહેવાનું માત્ર એટલું જ કે, જેને ઇંગ્લિશમાં આપણે ‘self-made man’ કહીએ છીએ તે વાત કપોળકલ્પિત છે!
  —————
  આટલું જ વાંચીએ તો નટવરભાઈની Frankness ને સલામ કરવા મન થાય. સો સલામ.’

  Liked by 1 person

 4. આ કવિ શ્રી નટવર ગાંધીને
  બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.
  પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.
  બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.
  ઉલ્લાસકરીએ..થી જાણતા…તેમા તેમની નોકરી વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવર ગાંધીનું ઘણા એવોર્ડ્સથી બહુમાન થયું છે ત્યારે બીજી તરફ હાથ નીચે જે ટેક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું…
  અને તેમની પત્નીની હયાતીમા આ વાત- સુ .શ્રી પન્નાબેનની ‘નટવર મારો મિત્ર કહો કે પ્રેમી કહો, બધું જ છે. લાગણીઓ હોય કે વિચારો, કોઇ પણ બાબત શેર કરીએ છીએ. બંને ખુબ ખુશ છીએ. હરતાંફરતાં છીએ, બંને પાસે શબ્દો છે, લખી શકીએ છીએ. લોકોને જે માનવું હોય તે માને. પરંતુ જીવનમાં આટલું મળે તો પણ ઘણું છે. ગોડ, હેઝ બ્લેસ્ડ મી. મને અભિમાન અને ગર્વ છે કે 80 વર્ષે પણ હું કોઇ પુરુષને આકર્ષી શકી. મને તેનો કોઇ છોછ નથી. આ જ હકીકત છે. આપણે આપણા મૂલ્યોને બદલવાની જરૂર છે. કોઇકને અમારી ઉંમરને લઇને આઘાત લાગે છે. કોઇકની સાથે વાત કરતાં મેં કહ્યું કે લોકો સમજે છે કે આ ઉંમરે મારે માળા ફેરવવી જોઇએ. તો સામેની વ્યક્તિએ કહ્યું કે, ના તમારે તો હવે વરમાળા પહેરવી જોઇએ. હું તો કહીશ, કે સમય સાથે જવાની જરૂર છે. અમારું જોઇ-વાંચીને કેટલાય લોકોને થતું હશે કે કદાચ અમે પણ આવું કરી શક્યા હોત કે કરી શકીએ તો. અમે કરી શક્યા છીએ. મારી કેટલીક કવિતાઓ ‘વિશાદ’થી છલકાય છે પણ જ્યારે મને કોઇ મળે ત્યારે તેને માનવામાં નથી આવતું કે આ એ જ ‘વિશાદ’ લખનારા કવયિત્રી છે. કારણ કે, હ્મુમર એ મારા વ્યક્તિત્વનું હાર્દ છે. માટે જ મિત્રો મને ‘વિનોદિની’ પણ કહે છે. જિંદગી પ્રત્યેનાં હકારાત્મક વલણને લીધે હું તમામ ઉંમરનાં લોકોને આકર્ષી શકું છું. તે જ કારણ છે કે 80ની ઉંમરે પણ હું અડગ છું. હું મારી ઉંમર તરફ ક્યારેય નથી જોતી. ‘ અમારા સ્નેહી મંડળમા તેમની છાપ મી
  નટવરલાલ જેવી હતી….પણ તેમના અંગે અભ્યાસપુર્ણ નિખાલસ વાતો જાણ્યા બાદ તેમને માટે
  માન થયું…હવે વિગતે આત્મકથાના આગળના હપ્તાની રાહ

  Liked by 2 people

 5. Jayshree Merchant (By E-mail)

  I have so much high regards for Pannaben and today one name is added to this list, that is Pragnaben Vyas. Naman Karun Chhun, Emane!

  There are women who judge another woman for being happy in a relationship at 80! Forget about men being nice and non-judgmental to women, when are we women going to be nice and non-judgmental to each other?

  At this point, to write this with so much positivity and conviction, speaks volume for the modern thinking and that also without a judgment! Pragnaben, I have become your fan today!

  Thank you.
  Jayshree

  Liked by 1 person

 6. અહિ મૂકાયેલા પ્રતિભાવો સાથે સંપૂર્ણ સંમત થાઉ છું. નટવરભાઈને હ્યુસ્ટનમાં અમારી ‘સાહિત્ય સરિતા’ ના મુખ્ય મહેમાન તરીકે મળવાનું થયેલ. ત્યારે એમના વિશે આ બધુ હું જાણતો નો’તો. એમની આ કારકિર્દીમાં એમણે કાવ્યો પણ લખ્યા છે અને જો હું ભૂલતો ન હોવ તો એમણૅ એક નાટકમાં ગાંધીજીનો રોલ પણ ભજવી ચૂક્યા છે. આ કટારથી એમના વિશે વધુ જાણવા મળશે અને આ આંગણુ વધારે દિપી ઉઠશે.

  Liked by 1 person

 7. સંઘર્ષ અને સફળતા જેવી અંતિમ છેડાની લાગણીઓ જેણે અનુભવી છે એવી વ્યક્તિની જીવન કિતાબના પાના જ્યારે એ ખુદ ખુલ્લા મુકે ત્યારે એમાંથી તો આપણે નવનીત જ તારવવાનું રહ્યું.
  આંગણામાં અવનવા આલેખનો મુકાયા છે ત્યારે આ નવતર લેખન પણ એટલું જ રસપ્રદ નિવડશે.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s