પ્રકરણ ૨-ટેક્સ કૌભાંડમાંથી હું કેવી રીતે બચ્યો?
એક શહેર તરીકે વોશીન્ગ્ટનની હયાતી જ જુદી છે. એ અમેરિકાની રાજધાની તો ખરી જ. પણ સાથોસાથ એ અમેરિકાનાં મોટાં શહેરોમાંનું એક ગણાય. એને અમેરિકાના ફેડરલ રાજ્યતંત્રથી જુદું રાખવામાં આવ્યું છે. એ રાજ્ય નહિ, પણ ‘ડીસ્ટ્રીક ઑફ કોલમ્બિયા, વોશીન્ગટન, ડી.સી.’ તરીકે ઓળખાવાય છે. એની અર્થવ્યવસ્થા અમેરિકાનાં પચાસ રાજ્યો કરતાં જુદી છે. વાયોમીંગ અને વર્મોન્ટ જેવા કેટલાંક રાજ્યો કરતાં એની સાતેક લાખની વસતી વધારે અને એનું એ વખતનું લગભગ તેર બિલીયન ડોલરનું વાર્ષિક બજેટ અમેરિકાનાં કેટલાંક રાજ્યોના બજેટ કરતાં પણ મોટું, અને છતાં ડીસ્ટ્રીક રાજ્ય ન ગણાય, અને એના નાગરિકોને કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ ન મળે!
રાજધાનીના નાગરિકોનું કહેવું છે કે અમે ફેડરલ કરવેરા બરાબર ભરીએ છીએ, અમારા જુવાનો દેશની લડાઈઓમાં ફના થાય છે, બધા જ ફેડરલ કાયદાઓ અમને લાગુ પડે છે, છતાં અમને મતાધિકાર નહિ? એ ન્યાય ક્યાંનો? આ બાબતનો ઊહાપોહ વારંવાર થાય છે. પણ એનું કાંઈ વળતું નથી. વોશીન્ગ્ટનની વસતી ૧૯૬૦ ના દાયકામાં સિત્તેર ટકા કાળી, શ્યામવર્ણી આફ્રિકન અમેરિકન હતી. તેથી રંગભેદ રાખવામાં આવે છે એવો દાવો કરવામાં આવ્યો. આ ચળવળને કારણે કોંગ્રેસે છેવટે વોશીન્ગ્ટનના નાગરિકોને પ્રમુખની ચૂંટણી માટેનો મર્યાદિત મતાધિકાર આપ્યો, અને સાથે સાથે સ્થાનિક રાજકારણ માટે હોમરૂલની વ્યવસ્થા કરી આપી. લોકો મેયર અને કાઉન્સિલની ચૂંટણી કરી શકે, પણ એમને કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ તો ન જ મળ્યું.
માત્ર વોશીન્ગ્ટનને રાજ્ય બનાવવાની બાબતમાં જ નહીં, પણ અમેરિકાની ઘણી બધી બાબતોમાં મૂળ તો આ ગોરા-કાળાનો રંગભેદ રહેલો છે. આ રંગભેદનું વિકરાળ સ્વરૂપ દેશના આંતર વિગ્રહ (સિવિલ વોર) માં ૧૮૬૦ના દાયકામાં પ્રગટ થયું હતું. છેલ્લાં બસો વરસમાં કાળા ગોરાના નાનાંમોટાં છમકલાં, હુલ્લડો અને ખૂનામરકી થતાં રહે છે. જે અમેરિકનો દુનિયા આખીની પંચરંગી પ્રજાને પોતાનામાં સમાવી શક્યા છે, તે કોને ખબર પણ કેમ એના કાળા નાગરિકોને સમાવી શક્યા નથી. સમાજશાસ્ત્રીઓ માટે આ એક મોટો કોયડો છે.
૧૯૯૫માં વોશીન્ગ્ટન ફડચામાં ગયું. વૉલ સ્ટ્રીટમાં એની આબરૂના કાંકરા થયા. કોંગ્રેસે એના ચૂંટાયેલા રાજકર્તાઓ– મેયર અને કાઉન્સિલરો પાસેથી, નાણાંકીય બાબતોના બધા અધિકારો, અને સત્તાઓ ખૂંચવી લીધાં. એ કામગીરી સંભાળવા માટે કોંગ્રેસે એક કંટ્રોલ બોર્ડ અને ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસરની (સી.એફ.ઓ.ની) નિમણૂંક કરી. વધુમાં કોંગ્રેસે સી.એફ.ઓ.ને અસાધારણ અધિકારો, હક્કો, સ્વતંત્રતા અને સત્તા આપ્યાં. વોશીન્ગ્ટનની બધી જ નાણાંકીય જવાબદારી સી.એફ.ઓ.ને સોંપી. આનો અર્થ એ પણ થયો કે નાણાંકીય બાબતમાં કંઈ પણ ગોલમાલ કે આઘાપાછી થાય તો એ બધું ઓળઘોળ થઈને સી.એફ.ઓને માથે આવે.
વોશીન્ગ્ટનના રાજકારણમાં આ હોદ્દો ખૂબ અગત્યનો ગણાય. ભારતમાં જે હોદ્દો નાણાંપ્રધાનનો ગણાય એના જેવો જ. જોકે, ભારતના નાણાંપ્રધાન કરતાં આ સી.એફ.ઓ.ની જવાબદારી, સત્તા અને સ્વતંત્રતા વધારે. આપણે ત્યાં નાણાંપ્રધાનને વડાપ્રધાનના હાથ નીચે કામ કરવાનું અને એ જે કહે તે કરવાનું. વડાપ્રધાનની વિરુદ્ધ એ કશું ન કરી શકે. ભૂલેચૂકે ય એવું કાંઈ કરે તો એને ગડગડિયું મળે.
વોશીન્ગ્ટનનો સી.એફ.ઓ. ભલે મેયર અને કાઉન્સિલ સાથે કામ કરે, છતાં પોતાની સમજણ પ્રમાણે એ એમનાથી વિરુદ્ધ પણ જઈ શકે. એ પોતે જ પોતાનો બોસ. મેયર કે કાઉન્સિલ સી.એફ.ઓ.ને કોંગ્રેસની અનુમતિ વગર રજા ન આપી શકે. મેયર અને કાઉન્સિલની ટર્મ ચાર વરસની હોવા છતાં સી.એફ.ઓ.ને પાંચ વરસની ટર્મ આપવાનું કોંગ્રેસે નક્કી કર્યું, એનો પગાર પણ કોંગ્રેસે જ નક્કી કરીને કહ્યું કે જે પગાર અમેરિકન પ્રમુખના કેબીનેટ મેમ્બરને મળે છે તે સી.એફ.ઓ.ને આપવો.
વોશીન્ગ્ટનના આખાય રાજતંત્રમાં નાણાંકીય ક્ષેત્રે કામ કરતા ૧૨૦૦ જેટલા લોકોનો બધો જ સ્ટાફ એના હાથ નીચે. મેયર કે કાઉન્સિલ પણ આ સી.એફ.ઓ.ની અનુમતિ વગર નાણાંકીય બાબતમાં કશું જ ન કરી શકે. દર વર્ષે સી.એફ.ઓ. જ નક્કી કરે કે ટેક્સની આવક કેટલી થશે અને જે આવક હોય એનાથી વધુ ખર્ચ ન થાય તે જોવાની જવાબદારી પણ એની જ. એ જ નક્કી કરે કે વૉલ સ્ટ્રીટમાં જઈને કેટલું દેણું કરવું અને એ દેણું બરાબર નિયમસર ભરાય તેની જવાબદારી પણ એની જ.
આવી અસાધારણ સત્તા અને જવાબદારીવાળી સી.એફ.ઓ.ની પોજીશન ઊભી કરવાનો મૂળ આશય એ હતો કે વોશીન્ગ્ટન ભવિષ્યમાં ક્યારેય ફડચામાં ન જાય અને એની નાણાંકીય સ્થિતિ હંમેશ સદ્ધર રહે. થયું પણ એવું જ. હું જ્યારે ૧૯૯૭માં વોશીન્ગ્ટનમાં ટેક્સ કમિશ્નર થયો ત્યારે સરકાર લગભગ ૫૦૦ મિલિયન ડોલરના ફડચામાં હતી. અને જ્યારે ૨૦૧૩માં સીએફઓના હોદ્દા પરથી છૂટો થયો ત્યારે એની સિલકમાં દોઢ બિલિયન ડોલર જમા હતા! આ મહાન પરિવર્તનનો ઘણો યશ વોશીન્ગ્ટનના પહેલા સી.એફ.ઓ. એન્થની વિલિયમ્સને જાય છે.
ન્યૂ યોર્ક, ફિલાડેલ્ફિયા જેવાં મોટાં શહેરોને પણ વોશીન્ગ્ટનની જેમ નાણાંકીય મુશ્કેલીઓ પડી હતી. એમણે પણ મોટી ખાધ અનુભવી હતી. એ બધામાંથી કોઈ પણ વોશીન્ગ્ટન જેટલી ઝડપથી નાણાંકીય સદ્ધરતા ફરી મેળવી શક્યું ન હતું. કંટ્રોલ બૉર્ડ અને સી.એફ.ઓ.આવ્યા પછી જ વોશીન્ગ્ટનના બોન્ડ્ઝ ‘જંક’ કેટેગોરીમાંથી ‘ટ્રીપલ એ’ કેટેગોરી સુધી પહોંચ્યા હતા. વોશીન્ગ્ટનની આવી નાણાંકીય સદ્ધરતા સિદ્ધ કરવામાં મેં જે ભાગ ભજવ્યો છે એનું મને ગૌરવ છે. મારી આ સિદ્ધિ માટે મને ખૂબ માન અને સમ્માન મળ્યાં છે. અનેક પ્રકારના અવોર્ડ્જ અને માનપત્ર મળેલાં છે. પણ એ બધાંમાં સૌથી નોંધપાત્ર જો હોય તો એ કે મારા શાસન દરમિયાન મોટું કૌભાંડ થયું (જેની વાત આપણે પહેલા પ્રકરણમાં જોઈ) છતાં હું ત્યાં બીજાં સાત વરસ સી.એફ.ઓ તરીકે ટકી રહ્યો હતો. એ કેવી રીતે?
હું જ્યારે જ્યારે કોઈ મોટી મુસીબતમાં ફસાઉં છું ત્યારે એ ઝંઝાવાતમાંથી હેમખેમ પસાર થવા માટે એક વાત ખાસ યાદ રાખું છું. ટેક્સ ઑફિસના કૌભાંડના મોટા ઝંઝાવાતમાંથી બચવા માટે પણ મને એ વાત બહુ કામ લાગી હતી. એ વાત આ છે: ટેક્સ ઑફિસને સંભાળવામાં, એના તંત્રની વ્યવસ્થા બરાબર ગોઠવવામાં મેં મારાથી શક્ય તેટલા બધા પ્રયત્નો કરેલા ખરા? અને જો આ પ્રશ્નનો જવાબ “હા” હોય, એટલે કે મારાથી થતું હું બધું જ કરી છૂટ્યો હોઉં, તો ઓછામાં ઓછું મને તો શાંતિ અને ધરપત રહે કે મારાથી બનતું મેં બધું કર્યું, અને ન બનવા જેવું જે થયું તે મારા કાબૂ બહારની વાત હતી. હા, કૌભાંડ જરૂર થયું. એનો અર્થ એ થયો કે મેં જે સુધારાવધારાના પ્રયત્નો કર્યા હતા તે ઓછા પડ્યા, પરિણામે જે બન્યું એની જવાબદારી મેં સ્વીકારી લીધી. તમે જો તમારાથી થતું બધું જ કરી છૂટ્યા હો અને છતાં પણ જો તમે નિષ્ફળ જાવ અને એ નિષ્ફળતાની જવાબદારી સ્વીકારો, તો એનાથી વધુ તમારી જાત આગળ તમે કે બીજા શું માગી શકે?
યોગાનુયોગ થયું પણ એમ જ. અહીં વોશીન્ગ્ટનના રાજકર્તાઓ ટેક્સ ઑફિસને સુધારવાના મારા પ્રમાણિક પ્રયત્નો જોઈ શક્યા હતા. એ પ્રયત્નો દ્વારા જે ધરખમ સુધારા થયા હતા એ પણ સ્પષ્ટ હતા. એથી જ તો તે બધાએ કહ્યું કે મારે મારું સુધારાવધારાનું કામ ચાલુ રાખવું. મારા રાજીનામાનો અસ્વીકાર થયો. એટલું જ નહીં, પણ ઊલટાનું મને બીજા સાત વરસ એ જ હોદ્દા પર કામ કામ કરવાની તક મળી.
આ કટોકટી આવી અને એમાંથી હું પસાર થઈ ગયો. પણ એમાંથી શું પાઠ ભણવાનો છે? આ સંદર્ભમાં વિખ્યાત ફ્રેંચ ફિલોસોફર Pierre Teilhard de Chardinનું એક વિધાન ધ્યાનમાં રાખવા જેવું છે. એ કહે છે કે કોઈ સંનિષ્ઠ માણસ ઉપર મોટી ઉપાધિ આવી પડે છે ત્યારે આવું કેમ થયું એવો પ્રશ્ન પૂછવાને બદલે આવી પડેલ બલાને ટાળવા એણે શું કર્યું એ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ.
બીજી વાત એ છે કે જીવનમાં મુસીબતો તો આવ્યા જ કરવાની છે. એનાથી ગભરાઈએ તો જીવન કેમ જીવાય? અને જે લોકો કાંઠે ઊભા ઊભા તમાશો જુએ છે એ તો તમારી ટીકા કર્યા જ કરવાના છે. આમ કરો ને તેમ કરો એવી સુફિયાણી સલાહસૂચનાઓ પણ આપ્યા કરવાના. આમ કર્યું હોત તો વધુ સારું એવી વાતો પણ કરવાના. એ બધાથી ગભરાઈને આપણાથી હાથ થોડા ખંખેરી નખાય? કે જીવનમાંથી રાજીનામું થોડું અપાય? આ બાબતમાં અમેરિકાના પ્રેસિડેન્ટ થીઓડોર રુઝવેલ્ટનું એક વિધાન હું હમ્મેશ ધ્યાનમાં રાખું છું: “It is not the critic who counts: not the man who points out how the strong man stumbles or where the doer of deeds could have done better. The credit belongs to the man who is actually in the arena, whose face is marred by dust and sweat and blood, who strives valiantly, who errs and comes up short again and again, because there is no effort without error or shortcoming…”
ધન્ય ધન્ય
મા નટવરભાઇ ની જીવનકથા , સાહીત્ય વિિષે જાણકારી હતી.
તેમને માટે માન હતું
કેટલીક ગૅરસમજો પણ હતી
પણ
આપની આંખે તેમની જીવની વિષે જાણી એ ગેરસમજ દૂર થઇ
અને સહજ લખાયું
ધન્ય ધન્ય
તો બીજી તરફ આપણે જગતકાજીની જેમ જજમેન્ટલ સ્વભાવ રાખનારા કોણ?
હંમેશા પૂર્વગ્રહમુક્ત વિચારવું જોઇએ….
વિચારવમળમા જે આવ્યું તે લખ્યું…
LikeLike
વોશીન્ગ્ટનના આ રાજકારણનું જ્ઞાન આ લેખથી આપણા ઘરના વડિલ શ્રી નટવરભાઈ પાસેથી મળી રહ્યું છે એનો આનંદ છે. આ વાતોથી હું તો અજાણ હતો. હાં એમની આ ઓધ્ધાની કાર્યક્ષમતાની વાતો મિત્રોના મોએ સાંભળેલી ખરી. પણ, આ લેખથી આ વાતમાં મરચું-મીઠ્ઠુ ભભરાવવાની કોઈ શક્યા નથી એનો આનંદ છે. મને તો એમના કેટલાક શબ્દો ગમી ગયા; ફડચામાં,ખૂચવી,સુફિયાણી,ગડગડીયું,ઘરપત, બલાને ટાળવા વગેરે વાંચવાની મજા પડી ગઈ!
LikeLike
natavarbhai,
really you educated us about Washington along with other comments of color/ racial parity etc
but how you came out successfully and was retained with lot of respect and honor for another 7 years–and what all you learnt from those great man of all times..
i saved as PDF and circulating in media your lesson -many thx
LikeLike
વોશિંગ્ટન ડી.સી. અંગે ઘણી અજાણી વાતો જાણવા મળી.
LikeLike
The credit belongs to the man who is actually in the arena, whose face is marred by dust and sweat and blood, who strives valiantly, who errs and comes up short again and again, because there is no effort without error or shortcoming…”
આપણે ગુજરાતી તરીકે નટવર ભાઈની સિદ્ધિઓ માટે ગૌરવ અનુભવવું જોઈએ.
LikeLike
માનનિય નટવરભાઈ, આપના લેખથી આપણા કેપિટલ વેષે ઘણું જાણવા મળ્યું. ક્રિટિક્સની બાબત પરઘણું વિષેશ ધ્યાન ગયું, અને એક મહાન આત્મજ્ઞાની વિભૂતિનું વાક્ય યાદ આવ્યું “A successful man is one who can lay a firm foundation with the bricks that others throw at him.”
Swami CHINMAYANANDA (CMH)
LikeLike
excellent message:
The credit belongs to the man who is actually in the arena, whose face is marred by dust and sweat and blood, who strives valiantly, who errs and comes up short again and again, because there is no effort without error or shortcoming…Hats off..
LikeLike