મીડવે (પી. કે. દાવડા)


૩૧ મી જુલાઈ,૨૦૧૬ નો એ દિવસ હતો. સાન ડીયેગોના બંદરમાં નાંગરેલું, અમેરિકાનું વિશાળ વિમાનવાહક યુધ્ધ જહાજ જોવા સવારના ૧૦-૦૦ વાગે હું પહોંચી ગયો. મને અંદાઝ હતો કે ૮૦ વર્ષની ઉમ્મરે મને આ કામ મુશ્કેલ લાગશે, કારણ કે આમાં ૧૮ ડેક છે અને એક ડેકથી બીજા ડેક સુધી પહોંચવા અનેક અડચણકારક સીડીઓ ચડવાની અને ઉતરવાની હતી. યુવાનીમાં સિવિલ એંજીનીઅર તરીકે આવી અનેક સીડીઓની ચડઉતર કરેલી, એટલે એના માટેની જરૂરી સાવધાનીઓની આવડત હતી, તેથી ખાસ મુશ્કેલી ન નડી.

બીજા વિશ્વયુધ્ધના અંત પછી, ૧૯૪૫ માં આ જહાજ તૈયાર થઈ અમેરિકાની નૌસેનામાં જોડાયું. ૧૯૫૫ સુધી તો એ વિશ્વનું સૌથી મોટું યુધ્ધજહાજ હતું. અમેરિકાના નૌકાદળમાં આ પહેલું જ વિમાનવાહક જહાજ હતું. ૧૯૯૨ સુધી, લાગલગાટ ૪૭ વરસની સેવા પછી એને નૌકાદળમાંથી રીટાયર કરવામાં આવ્યું. આજે એ સાન ડિયેગોના ડોકસમાં એક યાદગર મ્યુઝીયમની ગરજ સારે છે.

મીડવેમાં મેં શું શું જોયું એનું વર્ણન લખવા બેસું તો લેખ ૫૦ પાનાથી પણ વધારે લાંબો થઈ જાય, અને હું ટુંકા લખાણ માટે જાણીતો છું. એટલે અહીં, મેં એકત્ર કરેલા આંકડાઓ આપીને આ જહાજની વિશાળતાનો ખ્યાલ આપવા કોશીશ કરીશ.

એક રીતે કહીયે તો શાંતિના સમયમાં આ ૪૫૦૦ માણસોની વસ્તીવાળું તરતું નગર છે. એમાં નૌસેનાના સૈનિકો ઉપરાંત, ૬૦૦ એંજીનીઅરો, ૨૦૦ વિમાનના પાયલોટસ, ૬૦ રસોઈયા, ૫ ડોકટરો, ૩ ડેન્ટીસ, અને જરૂરત પ્રમાણે તાર ટપાલ ખાતાના માણસો, બેંક કર્મચારિઓ વગેરે હોય છે. ૪૫૦૦ માણસો માટે રોજ ૧૦ ટન જેટલા ખોરાકની જરૂરત પડે છે. દિવસમાં ત્રણ વખતની (બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર) ગણતરી કરીએ તો રોજ ૧૩૫૦૦ ભાણાં પિરસવા પડે. રોજના ૧૦૦૦ થી વધારે બ્રેડ તૈયાર કરવા પડે.

૬૯૦૦૦ ટન વજનના આ જહાજને હંકારવા માટે ૨,૧૨,૦૦૦ હોર્સપાવરની તાકાત ચાર એંજીનો દ્વારા પૂરી પાડવામાં આવે છે. આના માટે રોજના એક લાખ ગેલન ઈંધણની જરૂર પડે. માત્ર એક માઈલની મુસાફરીમાં જ ૨૬૦ ગેલન ઈંધણ બળી જાય છે. જહાજ ઉપર ૩૪ લાખ ગેલન ઈંધણ સમાય એટલી મોટી ટાંકીઓ છે.

આ જહાજના લંગર માટેની સાંકળ ૨૦૦૦ ફૂટ લાંબી છે. એની એક એક કડી જોઈને હું તો સ્તબ્ધ થઈ ગયો. આ સાંકળનું વજન ૨૦ ટન છે.

અલગ અલગ કામ માટે અલગ અલગ કમ્પાર્ટમેન્ટની જરૂર પડે. આવા કમ્પાર્ટ્મેન્ટસની સંખ્યા ૨૦૦૦ ની છે. બધું કામ કરવા ૨૦૦૦ જેટલી વિજળીથી ચાલતી મોટર્સ છે. અંદર અંદર વાતચીત કરવા ૧૫૦૦ ટેલીફોન છે.

જહાજ ૧૦૦૧ ફૂટ લાંબો અને ૨૫૮ ફૂટ પહોળો છે. સૌથી ઉપરના ડેકમાં વિમાનો માટે ઊભા રહેવા અને ચડઉતર કરવા, ત્રણ ફૂટબોલના મેદાનો જેટલી જગ્યા છે. અહીંથી બ્રીજ સુધી પહોંચવા ચાર મુશ્કેલ સીડીઓ ચડવી પડે છે (હું એ ચડ્યો, અને બ્રીજ ઉપર પહોંચ્યો.)

વચલા ડેક ઉપર સોએક માણસો બેસી શકે એવું એક સિનેમા થીયેટર છે, જ્યાં ૧૫ મીનીટની બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન પર્લ હારબર ઉપરના જાપાનના હુમલાની ફીલ્મ બતાડેલી.

તમે દાખલ થાવ એટલે તમને ટેલીફોન જેવું એક યંત્ર આપવામાં આવે છે. આખા જહાજમાં જાણવા જેવી પ્રત્યેક જગા અને પ્રત્યેક સાધનને નંબર આપવામાં આવ્યા છે. એ જગ્યાએ ઊભા રહીને તમે એ નંબર ડાયલ કરો એટલે તમને એ વિષે પૂરી માહિતી (અંગ્રેજીમાં) આપવામાં આવે છે, એટલે તમને ગાઈડની જરૂર ન પડૅ. મહત્વની જગ્યાઓએ એમના ગાઈડ, લાઉડસ્પીકરની મદદથી માહિતી આપે છે.

સીનીયર સીટીઝન માત્ર ૧૫ ડોલરની ટીકીટ લઈ આ જહાજની મુલાકાત લઈ શકે છે. જીવ્યા કરતાં જોયું ભલું!

6 thoughts on “મીડવે (પી. કે. દાવડા)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s