એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૩ (નટવર ગાંધી)


પ્રકરણ 3–મહત્ત્વાકાંક્ષાનો મહારોગ

કોઈને પણ પૂછો તો કહેશે કે મારી જીવનયાત્રા એક નીવડેલા અને સફળતા પામેલા માણસની છે. છતાં મને એમ કેમ થયા કરે છે કે મેં જિંદગી વેડફી છે? આજે જીવન સંધ્યાએ મને નિષ્ફળતાનો ડંખ કેમ સતત પજવે છે?  દિવસ ને રાત આ જ વિચાર આવ્યા કરે છે કે મેં જિંદગીમાં શું ઉકાળ્યું?  આ સમસ્યાના મૂળમાં છે બીજાઓ સાથે હંમેશ સરખામણી કર્યાં કરવાની મારી ખરાબ આદત.  હું જયારે બીજા સિદ્ધહસ્ત લોકોની–લેખકો, વિચારકો, કવિઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ, સંશોધકો વગેરેની વાતો વાંચું સાંભળું છું ત્યારે ઈર્ષાથી સમસમી ઊઠું છું. થાય છે કે એ લોકોની સિદ્ધિઓની સરખામણી સામે મેં કાંઈ જ મેળવ્યું નથી. એક અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસની તીવ્ર અસંતોષવૃત્તિથી હું સતત પીડાઉં છું.  જે મળ્યું છે તેનો સંતોષ અને આનંદ સાવ નથી એવું નથી, પણ એ ક્ષણિક જ હોય છે.  તત્કાલ સંતોષની લાગણી અનુભવીને તરત મારું મન છટકીને જે નથી મળ્યું તે તરફ વળે છે અને નથી મળ્યાનું દુઃખ પેટ ચોળીને ઊભું કરે છે.  અર્ધા ભરાયેલા પાણીના ગ્લાસને જોઉં છું તો મને ભરેલો ભાગ નથી દેખાતો, ખાલી ભાગ જ દેખાય છે!  આ દ્વિધાનું મારે શું કરવું?

બધા લોકોને કંઈક અને કંઈક મહત્ત્વાકાંક્ષા હોય  છે. એ મનુષ્ય સહજ છે. અને જો માણસ યથાશક્તિ પ્રયત્ન કરે અને ઈશ્વરકૃપા હોય તો એ  ધારેલી ઇચ્છાઓ સફળ થવાની શક્યતા છે.  મારી મહત્ત્વાકાંક્ષા કોઈ જુદા જ પ્રકારની  છે.  જે લોકો આદર્શ તરીકે મારા કલ્પનાવિશ્વમાં ઘર કરીને બેઠા છે  તેમનો વિચાર કરું છું ત્યારે મને એમ થાય છે કે એ લોકો સુધી મારાથી આ ભવમાં તો પહોંચાય જ નહિ. રાજકીય ક્ષેત્રે નહેરુ, રુઝવેલ્ટ કે ચર્ચિલ; સાહિત્યમાં એડમંડ વિલ્સન, ટી એસ એલીએટ, ઉમાશંકર જોશી, સુરેશ જોશી, ચેખોવ, નેબોકોવ, કે નાયપોલ; ચિંતકોમાં વિટગનસ્ટાઈન કે વિલિયમ જેમ્સ જેવા જો મારા ખ્યાલમાં હોય તો હું એમને આ જિંદગીમાં કયારે પહોંચવાનો છું?

અને આ બધાં ઓછાં હોય તેમ મારા જીવનમાં કોઈ એક વ્યક્તિને આદર્શ તરીકે ઠેઠ કિશોરવયથી મેં માની હોય તો એ છે: ગાંધીજી! હાઈસ્કૂલમાં ગુજરાતી ગદ્યપદ્યના પાઠ્યપુસ્તકમાં ગાંધીજીની આત્મકથાના થોડાંક પ્રકરણ હું ભણ્યો હતો. એ મારો ગાંધીજીનો પહેલો પરિચય. એ પ્રકરણોમાં તેમના શરૂઆતના આફ્રિકાના દિવસોની, ખાસ કરીને ટ્રેનમાંથી તેમને ધક્કો મારી કાઢી મુકાયેલા અને સિગરામમાં એમની પર પડેલો સખત માર, ત્યાં તેમનો જે હુરિયો બોલાયેલો તે બધી વાતો હતી.  નિરાડંબર અને સરળ ગુજરાતીમાં લખાયેલી આ વાતો મને એટલી તો ગમી કે દોડીને લાયબ્રેરીમાં જઈ એમની આત્મકથા લઈ આવ્યો.

બસ, ત્યારથી મને ગાંધીજીનું ઘેલું લાગ્યું. એમણે જે પ્રામાણિકતાથી પોતાને વિષે લખ્યું હતું–એમના બાળલગ્ન, યૌવનસહજ જાતીય ઉત્સુકતા, ભીરુતા, લંડનમાં એમના ખાવાપહેરવાના હાસ્યાપદ પ્રયોગો, મુંબઈમાં એમના વકીલ થવાના નિષ્ફળ પ્રયત્નો, દક્ષિણ આફ્રિકામાં પડેલી અસહ્ય હાડમારીઓ–આ બધી વાતો આત્મકથાને અત્યંત રસપ્રદ બનાવે છે, પરંતુ સાથે સાથે એ એમના ચારિત્ર્ય અને એમના નિત્ય પરિવર્તનશીલ જીવનની પણ ઝાંખી કરાવે છે.  સરળ, નિખાલસ અને નિરાડંબર શૈલીમાં લખાયેલી આ આત્મકથા માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં, પણ વિશ્વસાહિત્યનુ એક ઉત્તમ આત્મનિવેદન છે.

અને છતાં એમની આત્મકથા એમના જીવન અને ખાસ કરીને એમની મહત્તા સમજવા માટે ઉપયોગી નથી નીવડતી. એટલું જ નહીં પણ એ poor guide છે.  આત્મકથા અને એમનાં બીજાં લખાણોમાં એમનું વલણ “મો સમ કૌન કુટિલ ખલ કામી”નું, સતત self-deprecatory જ રહ્યું છે.  પોતે કેવા સામાન્ય હતા; કેવા બીકણ હતા; કેવા શરમાળ હતા; વિદ્યાર્થી તરીકે, વકીલ તરીકે જ્યાં જ્યાં એમણે હાથ અજમાવ્યો ત્યાં બધે જ શરૂઆતમાં કેવા પાછળ પડેલા; પુત્ર, પતિ અને પિતા તરીકે કેવા નિષ્ફળ નીવડ્યા–આવી જ પોતાની મર્યાદાઓની, ખામીઓની જ વાતો.  ક્યાંય બણગાં ફૂંકવાની વાત નહીં. કોર્ટમાં પહેલો કેસ લડવા ઊભા થયા તો પગ ધ્રૂજવા લાગ્યા!  એવું જ થયું કોંગ્રેસના અધિવેશનમાં પહેલી વાર ઠરાવ રજૂ કરવા ઊભા થયા ત્યારે.  કોઈ સાંભળે નહીં.

છતાં એમણે પોતાના સામાન્ય દોષો કે ભૂલોને કેવું મોટું સ્વરૂપ આપ્યું હતું!  પોતે ભૂલ કરે તો એ ‘પહાડ જેવડી ભૂલ’ હોય એમ વાત કરે!  નાનપણમાં કિશોર સહજ એકાદ બીડી ફૂંકી કે થોડું માંસ ખાઈ લીધું કે થોડું ખોટું બોલ્યા, અથવા તો વેશ્યાવાડામાં એક આંટો માર્યો અને તે પણ સાવ નકામો– આવી ઝીણી ઝીણી વાતને એમણે ચોળીને ચીકણી કરી છે.  એમાંય પિતાના મૃત્યુ સમયે એમની સાથે હોવાને બદલે પોતે પત્ની સાથે સૂતા હતા તેનો ડંખ તો એમને જિંદગીભર સતાવતો રહ્યો હતો.  બિનકસરતી નબળું શરીર; ચોર, ભૂત અને સાપના ભયથી રાતે દીવા વગર અંધારામાં ન સૂઈ શકે એવો બીકણ સ્વભાવ, ભણવામાં સાવ સામાન્ય–આવું બધું ભોળાભાવે વાંચતા હું એમ માનતો થઈ ગયો કે આવો સાવ સામાન્ય માણસ જો મહાત્મા થઈ શકતો હોય તો હું શા માટે ન થઈ શકું?

ત્યારથી જ નક્કી કરેલું કે થવું તો ગાંધીજી જેવું થવું!  ગાંધીજી મારું જિંદગીભરનું obsession રહ્યા છે.  દેશમાં જાઉં અને જો હું અમદાવાદ ગયો હોઉં તો જરૂર સાબરમતી આશ્રમમાં આંટો મારું, અને દિલ્હી ગયો હોઉં તો રાજઘાટ પર.  મારી દ્રુષ્ટિએ સ્વતંત્ર ભારતના આ સૌથી અગત્યનાં પવિત્ર તીર્થસ્થાનો છે. કહેવાય છે કે છેલ્લાં બેએક હજાર વર્ષમાં ગાંધીજી જેવો માણસ દુનિયાને જોવા મળ્યો નથી.  મહાન વૈજ્ઞાની આઇનસ્ટાઇને તો ત્યાં સુધી કહ્યું કે ભવિષ્યમાં લોકો એમ માનશે પણ નહિ કે આવો માણસ આ પૃથ્વી પર એક વાર સદેહે જીવ્યો હતો.

સહજ જ પ્રશ્ન થાય કે આવી મહાન વિશ્વવિભૂતિને હું આદર્શ માનીને બેસું એનો અર્થ શો?  એમના જેવું થવાનું મારું ગજું નથી એવું કહેવું પણ નિરર્થક છે. મને ખાત્રી છે કે આ ભવમાં તો હું ક્યારેય આ આદર્શ સુધી પહોંચવાનો નથી જ નથી. તો પછી જે અશક્ય છે તેને આદર્શ માનીને શા માટે બેસવું?  મેથેમેટિક્સમાં Asymptotic–અનંતસ્પર્શીય–એવો એક કન્સેપ્ટ છે. એટલે કે પરિઘથી ફંટાયેલી એક લીટી બીજી એક લીટીને મળવા પ્રયત્ન કરે છે. ધીમે ધીમે એ નજીક આવે છે, પણ કદીયે એ બે લીટીઓ મળી શકતી નથી.  છતાં મળવાનો એ પ્રયત્ન તો ચાલુ જ રહે છે.  જીવનમાં આદર્શ રાખવાનું કામ આવું જ કંઈક છે.  એ તો ધ્રુવતારક છે.  ત્યાં પહોંચાય છે થોડું?

બલવંતરાય ઠાકોરની એક પંક્તિ છે: “નિશાન ચુક માફ, કિન્તુ નહીં માફ નીચું કદી.” કોઈ મને એમ ન કહી શકે કે મારું નિશાન નીચું છે!  આખરે જીવનમાં આપણે કશુંક અગત્યનું મેળવવું હોય તો તેને માટે નિરંતર અસાધારણ પરિશ્રમ કરવો જોઈએ.  માણસમાં ઈશ્વરદત્ત પ્રતિભા ભલે હોય પણ જો એ પ્રતિભાબીજની માવજત ન કરી હોય તો એ વિશિષ્ટતા અચૂક વેડફાઈ જવાની.  મારામાં કોઈ ઈશ્વરદત્ત શક્તિ કે મેધાવી બુદ્ધિ તો નથી જ નથી, પરંતુ જે કોઈ થોડીઘણી છે તેની પણ મેં માવજત નથી કરી.  એ જાળવણી માટે અસાધારણ પરિશ્રમપરાયણતા હોવી જોઈએ એ મારામાં નથી.  છતાં આવા અસાધ્ય ધ્યેયની પાછળ પડી રહેવામાં હું મારા જીવનનો વિકાસ જોઉં છું.  આ અનંતસ્પર્શીય આદર્શની પ્રાપ્તિની મથામણમાં જ હું જીવનની સાર્થકતા જોઉં છું.

નવાઈની મોટી વાત એ છે કે જીવનસંધ્યાએ જયારે આ લખી રહ્યો છું, ત્યારે પણ આ અસાધ્યતાની વાસ્તવિકતા હું સ્વીકારી શકતો નથી.  હું હજી પણ જે લેઇટ બુમર મહાનુભાવોએ મોટી ઉંમરે સિદ્ધિઓ મેળવી છે તેમનો અભ્યાસ કર્યા કરું છું અને ઊંડે ઉંડે આશા રાખું છું કે કદાચ મારું પણ એવું થાય! ઘણો વખત આ બાબતમાં પશ્ચિમ જર્મનીના ભૂતપૂર્વ ચાન્સલર કોનરાડ એડીનાવર અને આપણા મોરારજી દેસાઈ જે બન્ને બહુ મોટી ઉંમરે પોતાના દેશના મુખ્ય સૂત્રધાર થયેલા એ મને બહુ કામે લાગતા!  જો કે જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ આ યુક્તિ બહુ ચાલશે નહીં.

તો પછી હું શા માટે આ આત્મકથા લખવા બેઠો છું? મારા ભાવનાસૃષ્ટિના આદર્શો સુધી પહોંચું કે ન પહોંચું, તેની બીજાઓને ન પડી હોય તે હું સમજી શકું છું, પણ મને એ નિષ્ફળતાનો મોટો ડંખ રહ્યો છે.  અને એ સમજવા હું પ્રયત્ન કરું છું.  આત્મકથન એ આત્મશોધનનો જ એક પ્રકાર છે.  હું તો ત્યાં સુધી કહું કે જ્યાં સુધી તમે લખો નહીં ત્યાં સુધી તમે શું વિચારો છો તે જાણવું મુશ્કેલ છે.  એ દૃષ્ટિએ હું આ લખીને જાતને પામવાનો પ્રયત્ન કરું છું.  કદાચ બીજું કાંઈ નહીં તો ઓછામાં ઓછું મારી નિષ્ફળતા વિષે જરૂર લખી શકું.  માલ્કમ મગરીજ નામના એક બ્રિટીશ પત્રકારની આત્મકથાનું શીર્ષક છે, ‘Chronicles of Wasted Time.’ એ પ્રમાણે આ મારી નિષ્ફળતાની રામકહાણી છે એમ માનો.  ઉપરવાળો મને પૂછે એ પહેલાં મારે જ મારી જાતનો હિસાબ આપવો છે, કે ભાઈ તને જીવન જીવવાની જે ઉમદા તક મળી તેનું તેં શું કર્યું?  આ જિંદગીમાં તેં શું ઉકાળ્યું ? અને જીવનની પરીક્ષામાં હું જો નપાસ થયો તો કેમ થયો?  જો કે આજે જે નથી કર્યું અને જે ગુમાવ્યું છે તેનો અફસોસ કરવાનો કોઈ અર્થ નથી.  આશય માત્ર છે સમજવાનો. અલબત્ત, આ એક માણસની આપવીતીની વાત છે.  આવી આત્મકથા વ્યક્તિના ગમા અણગમા અને પૂર્વગ્રહોથી રંગાયેલી હોય એ સ્વાભાવિક છે.

3 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૩ (નટવર ગાંધી)

  1. એક અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસની તીવ્ર અસંતોષવૃત્તિથી સતત પીડાતા મા શ્રી નટવર ગાધીની વેદનાની અનુભૂતિ કરાવી.જાણે અમારી જ વેદના હોય તેમ લગ્યું.!
    જ્યારે મહાત્મા ગાંધીજીની આત્મકથાના સામાન્ય માનવ અનુભવો જે એમના ચારિત્ર્ય અને એમના નિત્ય પરિવર્તનશીલ જીવનની પણ ઝાંખી કરાવી.તેમાનું જિંદગીભરનું Asymptotic–approaching a given value as an expression containing a variable tends to infinity.જે થોડે ઘણે અંશે આપણા સૌમાં હોય છે પણ આપણે નિખાલસ નથી થઇ શકતા !
    યાદ આવે એક નગરવધુએ આત્મકથા લખવાનું નક્કી કર્યું તે જાણતા જ મોટા રાજકારણીઓ અને આગેવાનોએ તેમના નામ ન આવે માટે ધનની વર્ષા કરેલી તો માલ્કમ મગરીજને ‘Chronicles of Wasted Time.’લાગ્યું
    ખૂબ સુંદર લેખ
    ધન્યવાદ

    Like

  2. આટલી તથસ્તતાથી જીવનના લેખા-જોખા કરવા સરળ ક્યાં છે? જે કોઇ આ કરી શકે, પોતાનું નબળું પાસુ પણ સબળતાથી સ્વીકારી શકે એને સલામ…..

    Like

  3. Natawar bhai,
    Highly perfect human feeling you expressed -honestly- like under Mahatma Gandhiji’s influence-and taken to climax of human weaknesses. depicted all great people of world. Awaiting your further chapters soon. this will inspire many hearts in time to come.

    Like

પ્રતિભાવ