શું વાંધો છે (૨)(૩)-જુગલકિશોર વ્યાસ


 

‘શું વાંધો છે?’ ગઝલ આપણે ગયા સપ્તાહે જોઈ. હવે જુગલકિશોરભાઈએ જ ગયા અંકમાં કહેલું તે મુજબ, તે ગઝલના જાણે કે જવાબરુપે ગઝલના જ ફોર્મમાં એક બીજી રચના અહીં આજે આપી છે. બન્ને ગઝલનાં શીર્ષકોમાં “વાંધો” એ મુખ્ય સુર છે.

જુઓ એક જ વીષય પરની આ બીજી રચના :

હા, વાંધો છે 

ઝરમર  આવું  વરસે એનો વાંધો છે,

ઝીણું અમથું સ્પરશે  એનો વાંધો છે !

ધોધમાર વરસે એનું તો સમજ્યાં પણ

ધરતી જરીય તરસે  એનો  વાંધો છે !

બ્હાર બધું મુશળધારે હરખાય, ઠીક છે –

અંદર  કણીક  કણસે  એનો  વાંધો છે.

ફાલ્યોફુલ્યો કહેવાનો સંસાર, આમ જે

વારે  ઘડીયે  વણસે  એનો  વાંધો  છે !

શબ્દકોશમાં પાર વગરના શબદ પરંતુ

સમજ વીના જે ખરચે  એનો વાંધો છે.

જનમ જનમની મુંગી શાણી જીભ –ખરું

ટાણું આવ્યે ના ચરચે  એનો વાંધો છે !

આ ગઝલ એમની પ્રથમ ગઝલના જવાબવાને બદલે તદ્દન નવા જ ફોર્મમાં ઢાળીને લખાઈ હતી, તે અહીં ત્રીજી રચનારુપે પ્રગટ થઈ રહી છે !! આ ત્રીજી રચનાનું ફોર્મ અલગ છે, છંદોબદ્ધ કાવ્ય–સૉનેટનું !! ગઝલમાં દરેક શેર સ્વતંત્ર હોય છે. જ્યારે છંદોબદ્ધ કાવ્યમાં ભાવ કે વીચારનો એક ચોક્કસ આકાર હોય છે. એટલે પ્રથમ લખેલી ગઝલના છએ છ શેર એ બધાં છુટ્ટાં મોતીઓને એક સુગ્રથીત માળામાં (સૉનેટમાં) પરોવવાનો દુષ્કર પ્રયોગ અહીં જોવા મળશે !

ખાસ તો ગઝલમાં પ્રથમના ચાર શેર એક જ વીષય – વર્ષા દ્વારા મળતા જીવનસુખને – સ્પર્શે છે. બાકીના બે શેર સાવ જુદા જ છે. પ્રથમ ચાર શેરની આઠેય પંક્તીને અહીં સૉનેટના પ્રથમ ખંડ (આઠ પંક્તીનો) રુપે ફેરવી નખાઈ છે ! બાકીના બે શેરની ચારેય પંક્તીમાં સૉનેટની ૧૩–૧૪મી પંક્તીઓ ઉમેરીને બીજો ખંડ પણ ઉભો કરી લેવાયો છે !!

હવે સવાલ હતો તે આ બધાં છુટ્ટાં મોતીઓને આકારીત કરવાનો….આ માટે આભ–મન–શબ્દો એ ત્રણેયને એક બાજુ અને ધરતી–જીવન–કાવ્યને (આભ–ધરતી / મન–જીવન / શબ્દ–કાવ્યનાં જોડકાં) બીજી બાજુ ગોઠવીને સૉનેટના બન્ને ખંડોને સાંધી દેવાયા છે.

આરંભની બાર પંક્તીઓ વસંતતીલકા છંદમાં અને છેલ્લી બે પંક્તીઓ દોહરામાં ઢાળી છે. આશા છે આપને આ નવો પ્રયોગ / નવું સાહસ ગમશે.

એક જ વીષય પરની ત્રીજી રચના કાવ્ય સ્વરુપે –

આભ–ધરતી

(વસંતતીલકા)

આ આભથી ઝરમરે વરષા; શી સ્પર્શે

ઝીણું ઝીણું; મન ભરાય  ન તેથી કાંઈ !

છો  ધોધમાર  વરસી  સુખ  દે, પરંતુ

જો આ ધરીત્રી તરસે નરી, તે ન ચાહું.

રે  બ્હારનો  હરખ   મુશળધાર   હોય,

ને  ભીતરે  કણસ  હોય  જરીક, તે તો

ફુલ્યા–ફળ્યા જીવનની કવીતા મહીં હા

પ્રારબ્ધના  દીધ  કરુણ  વળાંક   જેવું !!

શબ્દો ય આ વરસતા  મન–આભથી જ્યાં

ભીંજાવતા જીવન–ભોમ ! અને, હવે તો

જન્મોની એ તરસ તૃપ્ત થશે – થવા દો,

આ શબ્દ–કાવ્ય, નભ–ભોમ મળ્યાં ફળ્યાં હ્યાં !!

(દોહરો)

ઓછપ અકળાવે છતાં, વર્ષા રીઝવી જાય;

છેવટ સૌનાં સામટાં  મુખ  કેવાં હરખાય !!

– જુગલકિશોર વ્યાસ

 

 

 

4 thoughts on “શું વાંધો છે (૨)(૩)-જુગલકિશોર વ્યાસ

  1. ફાલ્યોફુલ્યો કહેવાનો સંસાર, આમ જે
    વારે ઘડીયે વણસે એનો વાંધો છે !…સરસ લય, મને શિખવા મળ્યું.
    ઓછપ અકળાવે છતાં, વર્ષા રીઝવી જાય;
    છેવટ સૌનાં સામટાં મુખ કેવાં હરખાય !!…વિશેષ ગમ્યાં.
    સરયૂ પરીખ

    Liked by 1 person

  2. મા જુ’ ભાઇ ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપનાર સર્જક ! તેમણે કવિતા, નિબંધ, વાર્તા અને વિવેચન કરી ગુજરાતી સાહિત્યમાં મોટું ગજું કાઢ્યું. વૃદ્ધાવસ્થામાં પણ તેઓ શબ્દ જોડે રમવાનું છોડતા નથી.
    જનમ જનમની મુંગી શાણી જીભ –ખરું
    ટાણું આવ્યે ના ચરચે એનો વાંધો છે !.
    તેમનો છુટ્ટાં મોતીઓને એક સુગ્રથીત માળામાં (સૉનેટમાં) પરોવવાનો દુષ્કર પ્રયોગ ગમ્યો
    બાર પંક્તીઓ વસંતતીલકા છંદમાં અને છેલ્લી બે પંક્તીઓ દોહરામાં ઢાળી આભ–ધરતી પ્રગટ્યું
    તેમા અફલાતુન દોહરો
    ઓછપ અકળાવે છતાં, વર્ષા રીઝવી જાય;
    છેવટ સૌનાં સામટાં મુખ કેવાં હરખાય !! હરખાવી ગયો
    . કવિઓને પોતાના છંદ રચે એ અર્થમાં સ્વચ્છંદી ખરા પણ સાથે સાથે એ અતંત્ર ન હોવી જોઈએ, કવિતા પાસે આપણી અપેક્ષા આવી હોવી જોઈએ.જો નાયિકા વિરહિણી હોય તોય છંદને કારણે કેટલીક વાર એને કામિની કહેવી પડે. ભાષાની આ પર્યાયબહુલતા કવિની કસોટી કરે છે.આ લેખમા કવિ બોલતા હોય તો એથી આપણી કવિતા સમૃદ્ધ બને જ છે. એટલે મારે મન આ એક અસાધારણ પ્રસંગ છે.
    ઓ જુ’ભાઇ ! હવે તો ગઝલૉનેય હાથ ઝાલીને રખડતાં આવડી ગ્યું છે,
    વિચારને વાતોમાં વળગાડીને આ નવું સોનેટ સર્જન કૉણ રચી ગયો ?
    યાદ આવે
    ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
    આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !
    હા વાંધો છે યાદ આપે હિતેનની

    લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
    ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

    સમી સાંજ દરિયા કિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
    એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

    સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
    એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

    ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
    બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

    વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
    કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

    દિવસના કલાકો પૂજા, પાઠ, સેવા ને કીર્તનમાં વીતે છતાં
    ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે, આ માણસ બરાબર નથી.

    હતા બાળકો જ્યારે નાના કદીયે સમય એને આપ્યો નહીં
    હવે એના શૈશવ માટે ટળવળે છે, આ માણસ બરાબર નથી.

    નિરાંતે કદી બેસી આરામખુરશી પર નભને તેં જોયું છે દોસ્ત?
    ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

    ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા કરી જેની જીવનમાં કાયમ
    દીવાલો પર એની તસ્વીરો મઢે છે, આ માણસ બરાબર નથી.

    ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઓવારે, પણ વાંધો છે એ,
    અરીસામાં જોઈ એ આવું કરે છે, આ માણસ બરાબર નથી.

    જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
    કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

    Like

  3. ઓછપ અકળાવે છતાં, વર્ષા રીઝવી જાય;
    છેવટ સૌનાં સામટાં મુખ કેવાં હરખાય !!
    છંદ અને લય વિશે શીખવા મળ્યું.
    જુ ભાઇ હંમેશા આપનું સાહિત્ય વાંચી નવું શીખવા મળે છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s