જુદા જુદા ગજાના તથા દેશ-વિદેશના લેખકો, સર્જકો અને વિવેચકોની વિવિધ કૃતિઓના મણકાઓને એકસૂત્રતાના દોરામાં પરોવી, માળા બનાવીને, વાંચકો સુધી પહોંચાડવાનું કામ (અને કદાચ “થેંકલેસ જોબ”) અત્યંત કપરૂં છે. આ માળાને એક ગુજરાતી વાંચકો, ગળામાં હારની જેમ પહેરે કે પછી એની અવગણના કરે કે પછી તેની ભરપૂર ટીકા કરે, એનો કોઈ ભરોસો હોતો નથી. મને કાયમ વિસ્મય થતું કે આ તંત્રી કે સંપાદકો, આવી અજાણ અંજામની સફર, સામયિકના નિશ્ચિત સમય પ્રમાણે અંક પછી અંક, ને પછી અંક, ન જાણે કઈ રીતે કરતાં હશે? ૮૦ના દાયકામાં, અમેરિકાના ફિલાડેલ્ફિયામાં, ગુજરાતી દ્વિમાસિક “ગુર્જરી” શરૂ કરીને, આવી અનિશ્ચિતતાની સફર આદરવાનું બીડું ઝડપ્યું, એક આધેડ વયના, કોર્પોરેટ અમેરિકન ડ્રીમ જીવતા સફળ એન્જિનિયરે! આ એન્જિનિયર એટલે આજે લગભગ ૩૨ વર્ષોથી, “એકલો જાને રે”ની ખુમારીથી સામયિક, “ગુર્જરી” ચલાવતા, આદરણીય કિશોરભાઈ દેસાઈ. ડાયસ્પોરામાં સર્જાતા ઉત્તમ સાહિત્યિક સર્જનોને આ સામયિકે માત્ર અમેરિકા કે અન્ય વિદેશોમાં જ નહીં પણ, ભારતમાંયે વંચાતા કર્યા. કેટકેટલા નવા ડાયસ્પોરાના લેખકોને “ગુર્જરી”એ વિકસવા માટે ફલક આપ્યું! એટલું જ નહીં, પણ, ભારત છોડીને, વિકાસની શોધમાં અમેરિકા આવી વસ્યા હતાં એ સહુ સાહિત્યકારોને તથા એમની સર્જકતાની સફરને સાતત્ય આપ્યું. આ સાહિત્યકારોમાં અનેક આદરણીય વિભૂતિઓમાંથી થોડાક નામ કોઈ પણ ક્રમ વિના અહીં યાદ આવે છે, જેમ કે, મધુ રાય, ડો. મધુસુદન કાપડિયા, આદિલ મન્સૂરી, અશોક વિદ્વાંસ, પન્ના નાઈક, શકુર સરવૈયા, અદમ ટંકારવી, પ્રીતિ સેનગુપ્તા વગેરે. એટલું જ નહીં, પણ અનેક નવા સર્જકોની ઓળખ દેશવિદેશમાં આપી જેમાંના કેટલાક નામોએ તો ભારતમાં પણ પોતાના સર્જનો થકી, ડાયસ્પોરા સર્જનોનો એક નવો ચીલો પાડ્યો, જેમાં આગવું નામ છે, ભાઈશ્રી હર્નિશ જાનીનું. આટલા બધા વર્ષોથી, સતત ઉત્તમ સાહિત્ય “ઘરના ગોપીચંદન” કરીને પણ પીરસતા રહેવું એ બહુ મોટી વાત છે.
આજે એ કિશોરભાઈ દેસાઈના ચૂંટેલાં સંપાદકીય લેખોને અહીં દર શનિવારે, આંગણાંના “ચંદરવા”માં મૂકવાનો નિર્ણય કરીને, ભાઈશ્રી પી.કે. દાવડાએ, સહુ વાચકોને સિક્કાની બીજી બાજુના મનોવિશ્વના ઉઘાડની ઝાંખી કરવાની તક આપી છે. એક સંપાદકને, વિવિધ સંપાદકીય લખતી વખતે તથા અન્ય સર્જકોના લખાણોને મૂલવતાં, કેટલું સમતોલન અને સંતુલન રાખવું પડે છે, એની જાણકારી આ લેખો દ્વારા આપણને મળે અને એના થકી, આપણું ભાવવિશ્વ તથા મનોજગત સમૃધ્ધ બને એવી આશા સાથે, આપણે બધાં આ અનોખા ડાયસ્પોરાના અગ્રિમ સંપાદક, ભાઈશ્રી કિશોરભાઈને વધાવી લઈએ. કિશોરભાઈ, આપનું “દાવડાનું આંગણું”માં, હ્રદયપૂર્વક સ્વાગત છે.
‘આપણે સૌ સ્વેચ્છાથી આ દેશમાં આવીને આબાદ થયા છીએ.
આપણાં સંતાનો પણ એવી જ આબાદી ઝંખે છે.
આપણ આ સંતાનો આ દેશને અર્પણ કરી દઈએ.’ શ્રી –કિશોર દેસાઈ.નું આ ચિંતન ઘણી અપેક્ષાઓ રાખે છે….
રાહ જોઇએ
‘આપણે સૌ સ્વેચ્છાથી આ દેશમાં આવીને આબાદ થયા છીએ.
આપણાં સંતાનો પણ એવી જ આબાદી ઝંખે છે.
આપણ આ સંતાનો આ દેશને અર્પણ કરી દઈએ.’ શ્રી –કિશોર દેસાઈ.નું આ ચિંતન ઘણી અપેક્ષાઓ રાખે છે….
રાહ જોઇએ
LikeLike