એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૦ (નટવર ગાંધી)


 

પ્રકરણ ૧૦ હું કૉલેજિયન થયો

મને થયું કે હું પણ આ ચંદન અને કુંદનની જેમ જલદી જલદી દલાલીનું કામ શરૂ કરી દઉં, અને પૈસા કમાવવાના શરૂ કરી દઉં.  ત્યાં મારા ફઈના દીકરા રતિભાઈ મને મળવા આવ્યા.  એમણે મારા જીવનમાં બહુ મોટો ભાગ ભજવ્યો.  અગાઉ જણાવ્યા મુજબ અમારા કુટુંબમાંથી દેશ છોડી નસીબ અજમાવવા મુંબઈ આવેલા ઘણા લોકોમાં રતિભાઈ અને બાપુજી (કાકાના મોટા ભાઈ)ના મોટા દીકરા અમૃતલાલભાઈ, બન્નેએ ધંધો કરી બહુ પૈસા બનાવ્યા, મુંબઈમાં મોટા ફ્લેટ લીધા, ગાડીઓ વસાવી, અને અમારા જેવા પૈસા બનાવવા માટે મુંબઈ જનારા લોકો માટે એ બન્ને મૉડેલ હતા. બન્ને હાઇટમાં ઊંચા, વાને ગોરા, મને લાગે છે કે એમનામાં બાપાના જીન્સ આવ્યા હશે.

પોતે અનાથ હતા ત્યારે મામા મામીએ (એટલે કે બા કાકાએ) એમની સંભાળ લીધી હતી તે રતિભાઈ કદી ભૂલ્યા નહીં.  એમની એવી ઈચ્છા કે મામામામી માટે કંઈક કરી છૂટે.  એમને ખબર પડી કે હું મુંબઈ નોકરી કરવા મુંબઈ આવ્યો છું એટલે તરત જ એમણે મને એમની પાંખમાં લીધો.  મને એમને ઘરે એક બે અઠવાડિયાં રહેવા આવવા કહ્યું.  આમે ય તે હું બહેનના ઘરમાંથી છટકવા માંગતો જ હતો. મેં હા પાડી. રતિભાઈ મને કહે કે તારે મારકેટની નોકરી છોડીને કૉલેજમાં જઈને બી. કોમ થવું જોઈએ. મેં કહ્યું કેમ? તારે ભણવું જોઈએ.  મેં કહ્યું ભણવાની શી જરૂર છે?  મારકેટમાં હું  કંઈ બહુ ભણેલા માણસો જોતો નથી, અને એ બધાય પૈસા કમાય છે. હું પણ થોડા સમયમાં પૈસા એમની જેમ જ કમાતો થઈ જઈશ!

એ હસીને કહે, મૂરખ, મારકેટમાં હજારો લોકો કામ કરે છે તેમાં પૈસાવાળા શેઠિયાઓ કેટલા અને મહેતાજીઓ, ગુમાસ્તાઓ ને ઘાટીઓ કેટલા?  જરા ધ્યાનથી જો.  પેઢીમાં શેઠ એક હોય, પણ મહેતાજીઓ, ગુમાસ્તાઓ અને ઘાટીઓ દસ પંદર હોય છે. અને કોઈ મહેતાજીને તેં ક્યારેય પૂછ્યું છે કે કેટલાં વરસથી એ મારકેટમાં નોકરી કરે છે?  એ બધાય ને તારી જેમ જ પૈસા બનાવવા હતા, તેમાંથી કેટલાએ પૈસા બનાવ્યા?  કેટલા શેઠિયા થયા?  મારું માન અને મારકેટમાં પૈસા બનાવાની અને શેઠ થવાની શેખચલ્લી જેવી વાતો મૂકીને ભણવાનું કર. બી. કોમ. જેવી કોઈ ડીગ્રી લઈને સારી નોકરી લઈ  લે. પછી ધંધો કરવો હોય તો કરજે.  એમાં તું પૈસા કમાઇશ એની કોઈ ખાતરી નથી, પણ કૉલેજની ડીગ્રી હશે તો સારી નોકરી જરૂર મળશે.

મેં કહ્યું, દેશમાં કાકા તો મારી કમાણીની રાહ જોઈને બેઠા છે. અહી ધંધો કરીને કંઈ પૈસા બનાવું તો  ઠેકાણે પડું અને દેશમાંથી બધાને બોલાવી શકું. જો કૉલેજમાં ભણવા બેસું તો બીજાં ચાર વરસ નીકળી જાય તેનું શું?  કાકાને હું કૉલેજમાં ભણવા બેસું તે ગમવાનું નથી. વધુમાં કૉલેજમાં જવાના ફીના પૈસા હું ક્યાંથી કાઢવાનો છું?  અને એ ચાર વરસ દરમિયાન હું રહીશ ક્યાં? રતિભાઈ કહે કે તારા કાકાને મુંબઈની કંઈ ખબર નથી. એ હા ના કરશે તો હું એમને સમજાવીશ, પણ એમને ન ગમે તો પણ તારે આગળ ભણવું જ જોઈએ. તારે તારું ભવિષ્ય જોવાનું છે.  જો, હું મારા છોકરાઓને ટ્યુશન કરાવું છું, તેને માટે જે માસ્તર આવે છે તેને  પૈસા આપું જ છું. એ માસ્તરને બદલે તું  છોકરાઓને ભણાવજે.  એ પૈસા હું તને આપીશ અને તેમાંથી તારી ફી ભરજે.  તારે રહેવા માટે આપણી કપોળ જ્ઞાતિની બોર્ડીંગ છે ત્યાં હું  વ્યવસ્થા કરી આપીશ. પણ મેં કહ્યું કે હું તો હજી દેશમાંથી હમણાં જ આવ્યો છું, મને મુંબઈની કશી ખબર નથી. કઈ કૉલેજમાં જવું, ત્યાં એડમિશન કેમ મેળવવું, બોર્ડીંગમાં કેમ દાખલ થવું, એ બધી બાબતની મને કોઈ ખબર નથી. એ કહે કે એ બધી વાત હું સંભાળીશ.

રતિભાઈની વાતોએ મારકેટમાં ધંધો કરવાનો અને અઢળક પૈસા બનાવવાનો જે રોમેન્ટિક ખ્યાલ હતો તે કાઢી નાખ્યો.  જે પેઢીમાં હું થોડો વખત બેઠો હતો ત્યાં જ કામ કરતા મોટા ભાગના મહેતાજીઓ, ગુમાસ્તાઓ અને ઘાટીઓ વરસોથી કામ કરતા હતા. મોટી ઉંમરના મહેતાજી, જેનો પડતો બોલ અમે ઝીલતા અને જેને અમે સૌ, શેઠ સુધ્ધાં, મોટા મહેતાજી કહેતા, તે તો શેઠના બાપદાદાના જમાનાથી પેઢીમાં કામ કરતા હતા. અને હજી મહેતાજી જ હતા.  મારી આંખ ઊઘડી. થયું કે રતિભાઈની સલાહ સાચી છે. કાકાને ગમે કે ન ગમે મારે કૉલેજમાં જવું જ જોઈએ.

નાનપણમાં કનૈયાલાલ મુનશીની ‘સ્વપ્નદ્રષ્ટા’ અને ઈશ્વર પેટલીકરની ‘તરણા ઓથે ડુંગર’ જેવી નવલકથાઓ વાંચીને મેં કૉલેજમાં જવાનાં સપનાં સેવ્યાં હતાં, પણ હાઇસ્કૂલ પછી તરત જ નોકરી કરવાના કાકાના આદેશથી અને મારકેટના થોડા જ અનુભવથી એ સપનાં રોળાઈ ગયાં હતાં.  પણ રતિભાઈને મળ્યા પછી કૉલેજ જવાનાં એ સપનાં પાછા સજીવન થયાં. લાગ્યું કે આપણું ભાગ્યનું પાંદડું ફર્યું છે!  એમ પણ થયું કે કૉલેજમાં જઈને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવો અને કવિ થવું, અને બને તો એમ.એ.ની ડીગ્રી લઈને પ્રોફેસર થવું! એ વખતે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં કવિ મનસુખલાલ ઝવેરી ગુજરાતીના પ્રોફેસર તરીકે પ્રસિદ્ધ હતા. વિદ્યાર્થીઓ એમના ક્લાસમાં દાખલ થવા આતુર હતા. મને પણ થયું કે કૉલેજમાં જવાની તક મળી છે તો મનસુખભાઈના હાથ નીચે જઈને ભણવું.  દેશની લાયબ્રેરીમાં મેં એમના કાવ્ય સંગ્રહો પણ જોયા હતા.

મારી કૉલેજમાં જવાની વ્યવસ્થા રતિભાઈ કરતા હતા, ત્યારે મેં કાલા થઈને કહ્યું કે મારે તો સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં જવું છે. ત્યાં કવિ મનસુખલાલ ઝવેરીના હાથ નીચે સાહિત્યનો અભ્યાસ કરવો છે. એમ પણ કહ્યું કે મનસુખભાઈની ગુજરાતીના પ્રોફેસર તરીકેની ખ્યાતિ સાંભળીને  વિદ્યાર્થીઓ દૂર દૂરથી આકર્ષાઈને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેમના ક્લાસમાં બેસવા આવતા હતા. તેમની વિદ્વત્તા અને સ્વચ્છ અને સ્પષ્ટ ગુજરાતીમાં લાંબો સમય બોલવાની એમની સજ્જતા એવી હતી કે થાય કે આપણે એમને સાંભળ્યા જ કરીએ. કહેવાતું કે “શ” અને “ષ”નો ઉચ્ચાર ભેદ સમજવો હોય તો મનસુખભાઈને સાંભળો! એ દિવસોમાં મુંબઈના ગુજરાતી સાહિત્યજગતમાં મનસુખભાઈનો સિતારો ચમકતો હતો, છતાં રતિભાઈને એ કોણ છે તેની ખબર પણ નહોતી!  રતિભાઈએ પૈસાનું મહત્ત્વ સમજાવીને મને સ્પષ્ટ કહ્યું કે તારે લિટરેચરને રવાડે ચડવાનું નથી.  કોમર્સની ડીગ્રી લઈ કોઈ ધંધાની લાઈન પકડીને પહેલાં પૈસા બનાવ પછી જે કરવું હોય તે કરજે.  મને પૂછ્યું પણ ખરું કે એ ઝવેરી છે તો ઝવેરાતનો ધંધો કેમ કરતા નથી?  કવિતાના લફરે કેમ ચડ્યા છે?!

આમ રતિભાઈએ મારી કવિ થવાની અને સાહિત્યનો અભ્યાસ કરવાની વાત ઉપર ઠંડું પાણી રેડ્યું. એ કહે એવું લિટરેચરનું લફરું લગાડીશ તો તને નોકરી નહીં મળે. તારે તો કૉમર્સમાં જવાનું છે, બી. કોમ. થવાનું છે.  બી. કોમ. થઈશ તો કોઈ સારી કંપનીમાં નોકરી મળશે. કોઈ ધંધાની લાઈન પકડાશે.  કવિતા ફવિતા લખવાથી તારું કંઈ વળવાનું નથી. આખરે રતિભાઈ જ મારી કૉલેજની ફી ભરવાના હતા અને હવે પછી મુંબઈમાં મારી સંભાળ લેવાના હતા તો મારાથી તેમની અવગણના કેમ થાય?  વધુમાં એમને કારણે જ હું મારકેટમાંથી છૂટવાનો હતો. આપણે તો નીચી મુંડીએ એમણે જે કહ્યું તે કરવા તૈયાર થઈ ગયા.  એ મને મુંબઈની જાણીતી સીડનહામ કૉલેજમાં લઇ ગયા.  મેટ્રિકની પરીક્ષામાં મારો ફર્સ્ટ ક્લાસ આવેલો તેથી એડમિશનમાં કોઈ વાંધો ન પડ્યો. આમ હું મારકેટ ની દુનિયામાંથી છૂટ્યો અને કૉલેજીયન થયો. અને બહેનને ઘરેથી નીકળીને નાતની બોર્ડીંગમાં દાખલ થયો.

3 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૦ (નટવર ગાંધી)

 1. ”ઝવેરી છે તો ઝવેરાતનો ધંધો કેમ કરતા નથી? કવિતાના લફરે કેમ ચડ્યા છે?!” વાહ રતિભાઈ !

  ઘણા માણસોના જીવનમાં રતિભાઈ જેવા અનુભવી અને પ્રેક્ટીકલ સલાહકાર માણસો જ્યારે મળી જાય છે અને ત્યારે જીવનનો રાહ જ બદલાઈ જતો હોય છે .

  Liked by 1 person

 2. મુંબઈ ત્યારે પરદેશ જવા જેવું લાગતુ !
  આઝાદી પહેલા તો સિંધ પણ મુંબઈ સ્ટેટ ગણાતું.
  અમારા કાકાજીને રતિકાકા જેવા વડીલે કરાંચીની એન ઇ ડી એન્જી. કોલેજમા દાખલ કરાવેલા. ગુજરાતીના ઘણા વિદ્વાનો હતા પણ તે હૉબી જેમ અભ્યાસ કરવાનુ સુચન થતું.
  તમારા જીવનમા પણ આ સુચન રંગ લાવશે તેવો આદાઝ….
  રાહ ૧૧ મા હપ્તાની…………………………………

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s