”મારી  બા ” (રાજુલ કૌશિક)


(રાજુલબહેનથી આંગણાંના મહેમાનો પરિચિત છે, એટલે અહીં ફરીથી એમનો પરિચય ન આપતાં એટલું જ કહીશ કે એમની લાગણીભીની એક વધારે વાર્તા તમને ગમશે.)

”મારી  બા ”

“હેપ્પી બર્થડૅ- દાદીબા”

મારે તને શું કહેવાનું? થેન્ક્યુ ને? હું તને થેન્ક્યુ કહુ છું –બેટા

આટલી વાત કરતા -કરતામાં તો ૭૮ વર્ષના દાદીબાના મોં પર અપાર આનંદ અપાર વાત્સલ્યના ભાવો આવી ગયા. અને ના કેમ આવે ? પરણીને સાત વર્ષથી  અમેરીકા ચાલી ગયેલી  મિલીનો ફોન હતો. મિલી એટલે સુલભાબા અને બાબુભાઇની ત્રીજી પેઢીનું પ્રથમ સંતાન .અને પછીતો મિલી સાથેનો દાદીબાનો વાર્તાલાપ લંબાતો ગયો.મનમાં ભરી રાખેલી કઇ કેટલીય વાતો મિલી સાથે ચાલ્યા કરી . નિરાંતે વાતો કરી રહેલા સુલભાબાને જોઇને છેવટે બાબુભાઇથી મીઠી ટકોર કર્યા વગર ના જ રહેવાયું.

“ભારે વટ છે ને ઠાઠ છે તારો તો? ક્યાંથી ને ક્યાંથી તો તારી પર ફોન્ આવે છે ને?”

“તે તમારો ય ક્યાં ઓછો વટ કે ઠાઠ છે? તમારી વર્ષગાંઠ હતી તો કોણે બાકી રાખ્યું તું? સવાર થી તો રાત સુધી કોના ફોનોની વણઝાર ચાલી?” -સુલભાબા પણ કંઇ બાકી રાખે તેવા ક્યાં હતા?

અને વાતે ય કયાં ખોટી હતી? જીંદગીના કંઇ કેટલાય વર્ષ સુધી પોતાની વર્ષગાઠ ક્યારેય યાદ ના કરતા બાબુભાઈ અને સુલભાબા ને આજે પરદેશ વસતા પૌત્ર-પૌત્રીઓ  યાદ કરીને આ દિવસોએ અચૂક ફોન કરી લેતા અને કુટુંબ વત્સલ દાદાજી અને  દાદીબા માટે તો આ જ  સૌથી મોટી સોગાત હતી. વર્ષો સુધી ભર્યા  ઘરમાં સંતાનો અને એમના ય સંતાનો સાથે રહ્યા પછી આજે તો બાબુભાઇ અને સુલભાબાને એમનો માળો ખાલીખમ લાગતો હતો. ભણવા ગયા અને પરણીને લંડન, અમેરીકા અગર તો ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થયેલા પૌત્ર પૌત્રીના અવારનવાર રણકતા ફોનોથી સુના માળામાં કલરવ લાગતો.

અને વર્ષગાંઠનું કોઇ ખાસ મહત્વ ના માનતા દાદીબાને તો એ નિમિત્તે દિકરા-દિકરીઓ જોડે વાત કરવાનો આનંદ જ વિશેષ રહેતો. આ આનંદ સુલભાબા બાબુભાઇ પાસે વ્યક્ત કર્યા વગર ક્યાં રહી શકે તેમ હતા?  અને એટલે તો પછી ચાલ્યો એમનો મિલી સાથેની વાતોનો અસ્ખલિત અહેવાલ  પણ એમની  વાતો ને  એકીટકે સાંભળી રહેલા બાબુભાઇનું મન તો લગભગ ૭ દાયકા વળોટીને પાછળ પેલી નાનકડી એ  સાંકડી શેરીમાં પહોંચી ગયુ હતુ એની સુલભાબાને કયાં ખબર હતી ?

આછી પાતળી દલાલીની આવક પર નભતા બાપા-બા અને બાબુભાઇ સહિત ૯ સંતાનો-એમ ૧૧ જણનો પરિવાર , ત્રણ સાંધતા તેર તુટે એવી પરિસ્થિતિ .તિવ્ર મેઘા ધરાવતા બાબુભાઇ છાત્રાલયમાં રહીને ભણતા પણ મહિનો થાય એટલે ફી ના પૈસા લેવા ઘેર આવવું પડતુ.રોકડા રુપિયા ૬ ની ફી માં અઢી રુપિયા  નાતમાં થી મળતા . બે રુપિયા બાપાની માર્કીટમાંથી મળતા અને તોય દોઢ રુપિયો તો ખૂટતો  પણ આ દોઢ રુપિયો બા ગમે ત્યાંથી વ્યવસ્થા  કરીને  ભેગો  કરી રાખશે એની બાબુને ખાતરી રહેતી .

પણ આટલેથી ક્યાં અટકવાનું હતું?  ઘરમાં બાકીના ભાઇ-બહેનનો પણ વસ્તાર તો ઉભો રહેતો ને? બા કેમ  કરીને ઘર ચલાવતી એની ઝાઝી ખબર બાબુ કે એમના એકે નાના ભાઇ બહેન ક્યાંથી હોય? વળી દુકાળમાં અધિક માસની જેમ બાપા માંદગીમાં પટકાયા .જે આછી પાતળી આવક હતી તેની તો વાત બાજુમાં રહી અને બાપાની દવાનો સૌથી વિકટ પ્રશ્ન ઉભો થયો . માંદગી  પાછી  મોટી અને ચાલી  ય લાંબી ..બા તો ઘર ચલાવે કે દવા કરે? બાપાની દવાના પૈસા ક્યાંથી આવતા ? અનાજ કે શાક પાંદડુ  ઘરમાં ક્યાથી આવતુ? અરે દવાની સાથે દુધની વ્યવસ્થા કેવી રીતે  થતી એની બા સિવાય કોઇને ક્યાં ખબર હતી? હા ઘરમાં બહેનો   સુતરની આંટીઓના પિલ્લા વીંટીંને કે સ્વેટર ગુંથીને બાને ટેકો કરતી પણ  આભ ફાટ્યું હોય ત્યાં  થીગડુ કેવુ અને કેટલું ટકે?

પણ ધીમે-ધીમે સૌથી મોટા બાબુને આ બધી સમજણ પડવા માંડી .ઘરમાંથી એક પછી એક દાગીનો ઓછો થતો ગયો -જુના તાંબા -પિત્તળના મોટા વાસણો ઓછા થતા ગયા એમ બાબુની સમજણ વધતી ગઇ.અને એ સમજણના લીધે તો છેવટે ૧૫ વર્ષનો બાબુ વિદ્યાર્થી મટીને ઘરનો વડિલ બની ગયો. ભણતર છોડીને ભરણ-પોષણની વેતરણ કરવા માંડી.  જ્યાં જે કામ મળે તે કરીને બાને  ઘરમાં કેમ કરીને ટેકારુપ થવાય એની વ્યવસ્થા શોધવા માંડી.

‘’ઘરરર ઘંટી -બાજરો કે બંટી.’’ — શું ઓરાયું તે તો બા જાણે કે બાબુ, પણ ઘર ચલાવાના ઘર ટકાવાના સમજણપૂર્વકના સહિયારા પ્રયત્નો આજ-કાલ કરતાં દસ વર્ષ સુધી ચાલ્યા. બાપાની માંદગીનો દસ વર્ષનો કપરો કાળ બાએ કેમ કરીને કાઢ્યો એનો રજે-રજનો હિસાબ  રજે-રજનો ચિતાર બાબુભાઈના મનમાં આજે પણ અકબંધ કોતારાયેલો  છે. એક તો બાપા અને બા વચ્ચે સાત વર્ષનો ફરક એટલે બાની ઉંમર પણ નાની. આ નાની ઉંમરમાં એક પછી એક ૯ સંતાનોનો જન્મ અને જન્મ પછીની પલેવણોમાં જ બા ની તો જિંદગી પસાર થઈ રહી હતી .એમાં ય બાપાની રાજરોગ સમી માંદગીમાં બાકીની જીંદગીના બાના વર્ષો નિચોવાતા ગયા.

નાની ઉંમરે બા અને ઘરને ટેકારુપ બનેલા બાબુભઈ બાપાને ટેકો આપીને ઠેઠ આણંદ દવા કરાવવા લઈ જતા. કેમ? તો એક તો ડોકટર સારા અને પાછી  સારવાર પણ મફત કયાંથી એક રુપિયો મળશે કે ક્યાંથી એક રુપિયો બચશે એની પાછળ મગજ અને જાત ઘસી નાખવાની તો જાણે બા અને બાબુભાઇની આદત બની ગઈ હતી .આટ-આટલી તકલીફોમાં પણ  બાની સ્વસ્થતા અને બીજા બાળકો સુધી એનો ઓછાયો પણ બને ત્યાં સુધી ના પહોચે એની બાની તકેદારી એ તો બાબુભાઇને પરિસ્થિતિ સામે લડવાનું બળ આપ્યું. એની સામે બાપામાં  જીંદગી સામે લડવાનું -ઝઝુમવાનું બળ ખુટવા માંડ્યુ. ખુટતી જતી જીંદગીમાં બાપાને રહી રહી ને એક લાલસા રહ્યા કરતી .બાબુભાઈને પરણાવવાની. ૨૫ વર્ષની ઉંમરે પહોચેલા બાબુભાઈના એ કડકાઈના દિવસોમાં કન્યા તો સામે ચાલીને કોણ આપવાનું હતું? એટલે બાબુભાઈએ એ કામ પણ જાતે ઉકેલી લીધુ. વેવિશાળ કરીને બાના હાથમાં શુકનનો સવા  રુપિયો રોકડો મુક્યો.

અને વેવિશાળના એ શુકનવંતાએ રુપિયાએ તો જાણે બાબુભાઈનું તકદીર બદલી નાખ્યું. સુલભાબેનના પગલા એ તો જાણે એ ઘરના બારણે સુખ-શાંતિના દસ્તક દીધા. ૧૨૫ રુપિયાની નોકરીમાંથી  ૧૦૦૦ રુપિયાની નોકરી? આજથી સિત્તેર વર્ષ  પહેલા ૧ હજાર રુપિયા એટલે એક હજાર સપના પુરા કરાય એવો ખજાનો. એને આ એક થી  માડીને હજારે સપનામાં બાને સુખી જોવાની બાબુભાઈની મરજીમાં સુલભાબેન નો પણ  સાથ ભળ્યો.

૨૫ વર્ષની ઉંમરે દિકરાનો શરુ થતો સંસાર જોઇને બાપાને પહેલીવાર જીવને ટાઢક વળતી લાગી. ઘરમાં તાજા સુખના નાના નાના કિરણો જોઇને બાપાએ સુલભાને ઉષા કહીને બોલાવતા પણ એ ઉષાના કિરણો ઘરમાં વધુ સુખના ઓજસ પાથરે એ પહેલાં બાપાએ જીવનલીલા  સંકેલી  લીધી .

પણ ત્યારપછી આવનાર  પ્રત્યેક દિવસમાં બાનુ જીવન  ખુબ  સુખમય વિતે એ જ બાબુભાઈનો જીવનધર્મ  બની ગયો, બાબુભઈ, સુલભાબા અને એમના સંતાનો  અને બાની ચોથી પેઢી એટલે કે આ મિલી. સુખના દિવસોનું સરવૈયુ  પણ બાબુભાઈના મગજમાં કોતરાયેલુ અકબંધ છે ..મિલી નામ પાડવાનો ય આગ્રહ પણ  બાનો  જ ” ભઈ મારી  જીભે ચઢે એવું નામ રાખજો પાછા “

બાની વ્હાલસોઇ કાળજી .બાબુભાઇ-સુલભાની મમતામાં મિલી એક વર્ષની  થવા આવી .

પણ ત્યારપછીની ઘટના ખુબ ઝડપથી બની. બાની માંદગી અને કેન્સરનું નિદાન અને મોટા ઓપરેશન .સમયે જાણે બધાના હાથ હેઠા પાડી દીધા, આટલા વર્ષોના બાબુભાઇના સંબંધોના લીધે  શ્રેષ્ઠ ડોક્ટરોની સારવાર અને એનાથી  વધીને બાબુભાઈના પરિવારની બા પ્રત્યેની સતત પ્રેમભરી સુશ્રુષા ,છતાંય બામાં જીદગીના શ્વાસ ખુટતા ચાલ્યા. જે સમતાથી  બા એ દસ વર્ષ  બાપાની  ચાકરી  કરી એ જ સમતાભાવે બા એ આ દસ મહિનાની માંદગીની વેદના પણ ભોગવી. બાની શારિરિક વેદનાએ બાબુભાઈની માનસિક વેદના બની જતી. બાની સાથે પળેપળ ૧૬ વર્ષની ઉંમરથી  માંડી ૫૬ વર્ષ સુધી બાબુભાઈ ટેકો બનીને ચાલ્યા હતા પણ  કે દિવસે બા એ દેહ છોડ્યો તે પળે બાબુભાઈને થયું કે એમનો -એમના પરિવારનો ખરો ટેકો તો બા હતા.

આજે  આટલા વર્ષે જ્યારે સુલભાબા મિલી ની દિકરી રિયા એટલેકે બાબુભાઇની  ચોથી પેઢીના પ્રથમ સંતાનની વાતોમાં પરોવાયેલા હતા ત્યારે બાબુભાઈના મનનાં મણકા તો ક્યાંય બાના વિચારોમાં પરોવાયેલા હતા અને ત્યારે  જ તો એમને  થયું કે બા ની આટલી નજીક હોવા છતાંય બાની વર્ષગાંઠ તો ક્યારે હતી એની ક્યાં કોઈને ખબર હતી?

પણ છતાંય બાની દરેક યાદ એમના માટે બા ની સ્મરણગાંઠથી કમ નહોતી .ડ્રોઇગરુમ્માં બાના  વિશાળ ફોટા સામે જોઈને બાબુભાઇથી મનોમન બોલાઇ ગયુ “બા મેં તો ક્યારેય તને હેપ્પી બર્થ ડે કહ્યું નહી”

બા નો  મલકતો કરચલીવાળો ફોટો જાણે બાબુભાઇને મલકીને કહી રહ્યો હતો ” તે મેં ય તને ક્યારે ય થેન્ક્યુ કહ્યુ છે ભઈ “

(સત્યઘટના પરથી આધારિત)

 

10 thoughts on “”મારી  બા ” (રાજુલ કૌશિક)

 1. રાજુલબેનના ”મારી બા ” લેખ એ મારી બા -શાંતા બા-નું સ્મરણ કરાવી દીધું . આમ જોઈએ તો બધી બા ઓ સંતાન પ્રેમની બાબતમાં
  એક બીજાને મળતી આવતી હોય છે.

  Liked by 2 people

 2. ‘દાદીબાને તો એ નિમિત્તે દિકરા-દિકરીઓ જોડે વાત કરવાનો આનંદ જ વિશેષ રહેતો…’બા વિષે લખતી વખતે સૌને મુંઝારો અનુભવાય. કોઈ શીશુ પોતાની માતા વિષે તટસ્થભાવે લખી શકે ? મનમાં સાક્ષીભાવ અને માતૃભાવ વચ્ચે જાણે યુદ્ધ ચાલે. એક બાજુએ વાત્સલ્યમુર્તી માતા છે અને બીજી બાજુ કલમની ખાનગી પ્રામાણીકતા છે.
  ‘કપરો કાળ બાએ કેમ કરીને કાઢ્યો એનો રજે-રજનો હિસાબ રજે-રજનો ચિતાર બાબુભાઈના મનમાં આજે પણ અકબંધ કોતારાયેલો..’ સ્ત્રી માતૃસ્વરુપા ન હોય તો એ ‘શયનેષુ રંભા’ અને ‘કાર્યેષુ મંત્રી’ પણ ન બની શકે. સ્ત્રી હોવાની પુર્વશરત માતૃત્વ છે
  ‘.દિવસે બા એ દેહ છોડ્યો તે પળે બાબુભાઈને થયું કે એમનો -એમના પરિવારનો ખરો ટેકો તો બા હતા.’ઈશ્વર એક જ છે, એ શ્રદ્ધાનો વીષય હોઈ શકે; પરંતુ માણસની માતા એક જ હોય એ હકીકત છે. કદાચ માતા દ્વારા ઈશ્વરની શ્રદ્ધા પ્રગટ થતી રહે છે.
  ધન્યવાદ
  નામ સંજોગમા થોડા ફેરફાર-બાકી મારી,તમારી અને સૌની બાની સ રસ વાત

  Liked by 1 person

 3. વિનોદભાઈના બા એ મારા મોસાળ તરફી માસી હતા અને અમને બંનેને એમનો માતા જેવો જ પ્રેમ મળ્યો હતો એ આજે જણાવવાની આ તક ઝડપી લૌ છું.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s