મને હજી યાદ છે-૨૧ (બાબુ સુથાર)


માસ કૉપી અને લોકલ અમિતાભ…

હું બે વરસ સંતરામપુરમાં રહ્યો. એ બે વરસ દરમિયાન હું ઘણું શીખ્યો. મેં ઘણું અનુભવ્યું. ત્યાં કૉલેજ સવારની હતી. એને કારણે હું બારેક વાગે નવરો પડી જતો. પછી ક્લાસરૂમ માટે તૈયારી કરતો ને વધારાના સમયે વાંચતો. મેં ઝાલા, પ્રો. મુદ્‌ગલ અને તખુભાને બાદ કરતાં બધ્ધાંને કહી દીધેલું કે તમારે કામ સિવાય મારી પાસે આવવું નહીં અને બને ત્યાં સુધી મને અગાઉથી જાણ કરવી. પ્રો. મુદ્‌ગલ મૂળે વડોદરાના. પણ સંતરામપુરમાં એકલા જ રહેતા. એ પણ ઝાલાની સાથે. એ નાટકનો જીવ પણ હતા. કૉલેજના વિદ્યાર્થીઓ એમને માનથી જોતા. હું, ઝાલા અને મુદ્‌ગલ સાંજે સાથે ફરવા જતા. ક્યારેક તખુભા પણ જોડાતા. મારી સાથે ગુજરાતીમાં એક ગોવિંદ કાછીયા પણ હતા. વિદ્યાર્થીઓમાં એ ખૂબ જ લોકપ્રિય. કેમ કે એ નોટ્સ લખાવતા. એટલું જ નહીં, એ ક્યારેક સાભિનય ગુજરાતી કૃતિઓ ભણાવતા. વિદ્યાર્થીઓને માર્કસ આપવામાં એ ભારે ઉદાર. કેવળ લખાણના આધારે જ નહીં, ક્યારેક વિદ્યાર્થીના વર્તનના આધારે પણ ગુણ આપતા ને કહેતા: બિચારો દસ માઈલ ચાલીને આવે છે. પાસ કરી દ્યો. હું એમ ન’તો કરતો. હું નોટ્સ ન’તો આપતો. વિદ્યાર્થીઓને લખ્યું હોય એ પ્રમાણે જ માર્કસ આપતો. કોઈ વિદ્યાર્થી સાથે અંગત સંબંધ ન’તો રાખતો. કોઈ ચા પીવા બોલાવે તો પણ ના પાડતો. મને થતું: ક્યાંક એ વિદ્યાર્થી મારા પર દબાણ લાવશે તો? કનુ સુણાવકર પણ ઉદાર ખરા. પણ કાછીયા સાહેબ જેટલા અને જેવા નહીં. એક વાર વાર્ષિક પરીક્ષાઓ પૂરી થઈ પછી એક સુથાર મને મળવા આવેલા. એ ક્યાંક ડેપ્યુટી કલેક્ટર હતા. એમની દીકરી મારા ક્લાસમાં હતી. પણ એની ખબર પણ એ જ્યારે મને મળવા આવ્યા ત્યારે પડી. એ કદી પણ ક્લાસમાં આવતી જ ન હતી. એણે કેવળ વાર્ષિક પરિક્ષા જ આપી હતી. એમાં એને ભાષાવિજ્ઞાનના પેપરમાં આઠ માર્કસ આવેલા. એને કારણે એ નાપાસ થતી હતી. સુથારને એમ કે હું સુથાર છું એટલે કદાચ એમને મદદ કરીશ. એમણે મને કહ્યું કે તમે સુથાર છો, વિશ્વકર્માપુત્ર છો. મારી દીકરીને પાસ કરી દો. તમે માગો તે આપીશ. મેં કહ્યું: હું કે તમે સુથાર છો એ બહુ મહત્ત્વનું નથી. હું પરીક્ષાની બાબતમાં કોઈ સમાધાન કરતો નથી. તમે મને લાંચ આપવાનો પ્રયાસ ન કરો. હું તમારા જેવો છું એવી કલ્પના જ તમે ન કરો. મેં એમને વિદાય કરી દીધેલા. પણ કોણ જાણે કેમ કોઈકે એ છોકરીને ભાષાવિજ્ઞાનમાં પાસ કરી દીધેલી. કદાચ કાછીયા સાહેબ હોય કદાચ સુણાવકાર સાહેબ. એ ઘટના બન્યા પછી મેં આ બન્ને સાહેબો સાથેનો સંબંધ રોજબરોજના વ્યવહાર પૂરતો મર્યાદિત કરી નાખેલો. એ પછી મને કોઈકે પીઠ પાછળથી છરી ભોંકી હોય એવી લાગણી થતી.

એ જમાનામાં પરીક્ષામાં ગેરરીતિ ખૂબ સામાન્ય ઘટના ગણાતી. હું ગોધરામાં ટૅલિફોન ઑપરેટર હતો ત્યારે એક વાર એક અધ્યાપક પેટીમાં ગોધરા કૉમર્સ કૉલેજના એસ.વાય.બી.કૉમ.ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ લઈને આવેલા. એમણે પાંચસો પાંચસો રૂપિયા લઈ પાંચ દસ વિદ્યાર્થીઓને સારા માર્કે પાસ કરી દીધેલા. એમાં મારા એક ઓળખીતાની દીકરી પણ હતી.

મેં ક્યારેક પરીક્ષામાં ચોરી કરી નથી. અમારા જમાનામાં – આવું લખવાનો કેવો આનંદ આવે – કોઈ ચોરી કરતાં પકડાય તો એનું સામજિક મૂલ્ય ઘટી જતું. પણ પછી કોણ જાણે કેમ, એકાએક જાહેર પરીક્ષાઓમાં ચોરીનું પ્રમાણ વધી ગયું અને ચોરી ન કરનારાઓનું સામાજિક મૂલ્ય ઘટવા માંડ્યું. મેં બે હાઈસ્કુલોમાં એમના શિક્ષકોને માઈક પર જવાબ લખાવતાં જોયા છે. વાડ કે કંપાઉન્ડ પાછળ ઊભા રહીને પોતાનાં સંતાનોને કાપલીઓ આપતા વાલીઓ તો મેં અનેક જોયા છે. આવું થવા પાછળ અનેક કારણ હતાં. એક કારણ તે ત્યારની સામાજિક વ્યવસ્થા. અમારા વિસ્તારમાં – જેમાં લુણાવાડા, સંતરામપુર પણ આવી જાય – મોટા ભાગના લોકો પ્રાથમિક શિક્ષક બનવાનું પસંદ કરતા. ત્યારે એ માટે પ્રાથમિક ટીચર સર્ટિફિકેટની (પીટીસીની) એક વરસની કૉલજ કરવી પડતી. પછી એ કૉલેજ બે વરસની થઈ. ત્યારે હજી ખાનગી પીટીસી કૉલેજો શરૂ થઈ ન હતી. એમાં પ્રવેશ મેળવવા ખાસા ટકા લાવવા પડતા. એ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ ગમે તે કરવા તૈયાર હતા. મારા એક ઓળખીતા તો ગામેગામે જતા ને કહેતા કે એમને એસ.એસ.સી. બોર્ડમાં ઓળખાણ છે. ૭૫ % લાવી આપશે. દસ હજાર રૂપિયા આપો. જો ન આવે તો પૈસા પાછા. ઘણા વાલીઓ એમને દસ હજાર આપતા. પછી એ કંઈ જ કરતા ન હતા. જેને ૭૫% થી વધારે આવી જાય એના પૈસા રાખી લેતા ને જેને એના કરતાં ઓછા ટકા આવ્યા હોય એને એ દસ હજાર દૂધે ધોયેલા પાછા આપી દેતા. લોકોને એમના પર ખૂબ ભરોસો હતો. લોકો કહેતા કે માણસ પ્રમાણિક છે!

મેં સંતરામપુરમાં નોકરી શરૂ કરી ત્યારે ત્યાં આવી mass copy સામાન્ય હતી. જો કે, કૉલેજમાં mass copy ન’તી થતી. પણ કૉપી તો થતી જ હતી. કેટલાક અધ્યાપકો આંખ આડા કાન કરતા. વિદ્યાર્થીઓ એમને બહુ માન આપતા. એમનું કહેલું કરતા. કેટલાક તો અકસ્માતે વિદ્યાર્થી કૉપી કરતાં પકડાય તો એને ઠપકો આપતા ને કાપલી કે કાપલીઓ લઈ લેતા. હું જરા ‘વિચિત્ર’ હતો. હું પરીક્ષાખંડમાં જતો, ટેબલ પર હાથરૂમાલ પાથરતો, પછી વિદ્યાર્થીઓને કહેતો, “જેની પાસે કાપલીઓ હોય એમણે એમની કાપલીઓ આ રૂમાલમાં મૂકી દેવી. હું પાંચેક મિનિટમાં પાછો આવું છું.” પછી હું ક્લાસ છોડી ચાલ્યો જતો. પાછો આવતો ત્યારે રૂમાલ કાપલીઓથી ભરાઈ જતો. હું પરીક્ષાખંડમાં જતો ત્યારે સાથે હાથ ધોવાનો સાબુ પણ લઈ જતો ને વિદ્યાર્થીઓને કહેતો કે હું તમારા બધ્ધાની હથેળી તપાસીશ. જો એમાં કંઈ લખેલું હશે તો હું તમને કાઢી મૂકીશ. જેને હાથમાં લખેલું ધોઈ નાખવું હોય એના માટે અહીં સાબુ મૂકેલો છે. પછી પાછો હું પાંચ મિનિટ માટે બહાર ચાલ્યો જતો. કેટલાક વિદ્યાર્થીઓ પછી હથેળી ધોઈ આવતા. શરૂઆતના બેએક દિવસ વિદ્યાર્થીઓએ મને ગંભીરતાથી લીધો ન હતો. પણ પછી મેં જેવા ચોરીના કિસ્સા રીપોર્ટ કરવા માંડ્યા અને વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી ઊઠાડવા માંડ્યા એવા જ બધા મને ગંભીરતાથી લેવા માંડેલા. તો પણ કેટલાક વિદ્યાર્થીઓ હિમંત કરતા ખરા. પરીક્ષામાં ચોરીની બાબતમાં હું ખૂબ જ aggressive હતો. સુણાવકર સાહેબ ક્યારેક કહેતા કે બાબુભાઈ જરા વધારે પડતો ઉત્સાહ બતાવે છે. બીજા અધ્યાપકો પણ ખાનગીમાં મારી ટીકા કરતા. વિદ્યાર્થીઓ મને એક ત્રાસવાદી અધ્યાપક તરીકે જોતા. કેટલાક વગ ધરાવતા વિદ્યાર્થીઓ હું એમના પરીક્ષાખંડમાં સુપરવાઈઝર તરીકે ન જાઉં એ માટે અગાઉથી ગોઠવણ કરતા. ત્યારે નિયમ એવો હતો કે વિદ્યાર્થી ચોરી કરતાં પકડાય તો પૂરાવા સાથે રીપોર્ટ કરવાનો. એક વાર એક વિદ્યાર્થીની પકડાયેલી. એ સ્કર્ટની અંદરની બાજુએ લખી લાવેલી. મેં એને પકડેલી. હવે સ્કર્ટ તો કઈ રીતે પૂરાવા તરીકે મોકલાય? કાં તો એટલો સ્કર્ટ કાપવો પડે, કાં તો એને બીજો સ્કર્ટ આપવો પડે. અમે એનાં કુટુંબીજનોને બીજો સ્કર્ટ લઈને બોલાવેલાં. એ વખતે ખૂબ હોબાળો મચી ગયેલો. છેક યુનિવર્સિટી સુધી ફરીયાદ ગયેલી. એ વખતે કોઈએ મને સહકાર ન’તો આપ્યો. જો કે, ગુજરાત યુનિવર્સિટીમાંથી મારા પર એક સંદેશો આવેલો કે અમે તમારી પડખે છીએ. એ સંદેશો પ્રો. દાઉદભાઈ ઘાંચીએ મોકલેલો. હું જ્યારે મોડાસાની કૉલેજમાં મારું પ્રિ. કૉમર્સનું પહેલું સેમેસ્ટર કરતો હતો ત્યારે મેં બે પ્રોફેસરોને જોયેલા. એક ધીરુભાઈ ઠાકર. એમનો એકાદ ક્લાસ પણ ભરેલો. અને બીજા દાઉદભાઈ ઘાંચી. મારા મન પર એમની ‘બહુ મોટા પ્રોફેસર’ તરીકેની છાપ હતી. પ્રો. ઘાંચી અત્યારે તો યુ.કે.માં છે.

એક વાર ઉનાળાની રજાઓના કારણે મોટા ભાગના અધ્યાપકો વતનમાં ગયેલા હતા એટલે પરીક્ષાના સિનિયર સુપરવાઈઝરનું કામ મારા માથે આવેલું. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને ખબર પડી કે હું સિનિયર સુપરવાઈઝર છું તો એમણે મને ધમકીઓ પણ મોકલેલી. કેટલાક વિદ્યાર્થીઓએ મને મેંથીપાક આપવા એક જણને સો રૂપિયાની સોપારી પણ આપેલી. એ માણસને એક હાથ કોણીથી કપાયેલો હતો. કહેવાય છે કે સંતરામપુરમાં એની ખૂબ દાદાગીરી હતી. એક વાર એ પોલીસ સ્ટેશને જઈ પોલીસને કહી આવેલો કે સાહેબ, કાલે રાતે હું ફલાણી દુકાનમાંથી સીવવાના સંચાની ચોરી કરવાનો છું. તમારામાં તાકાત હોય તો મને પકડજો. બીજા દિવસે એણે બે સંચા ચોરેલા. અદાલતમાં કેસ ચાલ્યો ત્યારે એણે કઈ રીતે એ સંચા ચોરેલા એની કથા કહી બતાવેલી. એણે કહેલું કે પોલીસ બુલેટ બાઈક પર રોણ ભરતી હતી. એટલે બુલેટનો અવાજ આવે ત્યારે મન ખબર પડી જતી હતી કે પોલીસ નજીકમાં જ છે. એ વખતે હું દુકાનના તાળાને એક હથોડો પર મારી લેતો ને પછી જ્યારે બુલેટનો અવાજ વધી જતો ત્યારે લપાઈ જતો. એની ચાની લારી પણ હતી. એને કોઈકે સોપારી આપી એ ગાળામાં જ હું એની લારી પર ચા પીવા ગયેલો. મને પેલી સોપારીની વાતની ખબર ન હતી. મારી સાથે ઝાલા અને તખુભા પણ હતા. વાતમાંથી વાત નીકળતાં મેં કહ્યું કે પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ. ચોરી કરીને પાસ થતા વિદ્યાર્થીઓ અંતિમે તો સમાજને નુકસાન કરતા હોય છે. પછી મેં પેલા ચાવાળાની સામે જોઈને કહ્યું, “તમે જો પરીક્ષામાં ચોરી કરી હોત તો કદાચ તમને પણ ડીગ્રી મળી ગઈ હોત પણ તો ય તમે ચા જ વેચતા હોત.” મને મારું વાક્ય બરાબર યાદ નથી. પણ મેં આવું કંઈક કહેલું. એ સાંભળતાં જ એને કંઈક પસ્તાવો થયો. એણે મને કહ્યું, “સુથારસાહેબ, તમને મારવા માટે મને કોઈકે સો રૂપિયા આપ્યા છે.” મેં કહ્યું, “મારી લે ને સો રૂપિયા રાખી મૂક.” એ કહે, “સાહેબ, તમે પ્રમાણિક છો. હું આ સો રૂપિયા આપનારને ચાર ઝાપટ આપીશ.” મેં કહ્યું, “એમ પણ ન કરવું જોઈએ. એને સો રૂપિયા પાછા આપી દે. વાત પૂરી.” એણે પેલાને સો રૂપિયા પાછા આપી દીધા અને પછી ધમકી પણ આપી કે જો સુથારસાહેબનું નામ લીધું છે તો હું તને… પેલા માણસે પછી સંતરામપુરમાં જ રહેતા બીજા એક માણસને સોપારી આપેલી. એનું નામ મને ખબર નથી. પણ એ એક મુસ્લિમ માણસ હતો. મને હજી એનો ચહેરો ઝાંખો ઝાંખો યાદ આવે છે. એને જ્યારે ખબર પડી કે હું પેલા ઉપાધ્યાયના ત્યાં રહું છું તો એણે પણ ના પાડી દીધી. ઉપાધ્યાય અને એની વચ્ચે ભાઈબંધી હતી.

જ્યારે હું એ વાર્ષિક પરીક્ષામાં સિનિયર સુપરવાઈઝર હતો એ જ ગાળામાં ઉત્તર ગુજરાતમાં એક વિદ્યાર્થીએ કૉપી નહીં કરવા દેવા બદલ એક અધ્યાપકનું ખૂન કરી નાખેલું. એ ઘટનાના કારણે મોટા ભાગના અધ્યાપકો સુપરવાઈઝરનું કે સિનિયર સુપરવાઈઝરનું કામ લેતાં ગભરાતા. એ વાર્ષિક પરીક્ષામાં એક રાજપુતનો દીકરો પણ બેસવાનો હતો. હતો જરા માથાભારે. બધા એનાથી ગભરાતા. પરીક્ષા શરૂ થતા અગાઉ સુણાવકર સાહેબે મને ચેતવેલો. એક આચાર્ય તરીકે મને એમ તો ન કહે કે તમે એને ચોરી કરવા દેજો. પણ, એમણે મને કહેલું, “ચેતજો જરા. ક્યાંક જીવ ન જાય.” એ વિદ્યાર્થી પરીક્ષામાં ગાઈડ અને ચાકુ લઈને બેસતો. એ દિવસો અમિતાભ બચ્ચનના હતા. આપણે પણ઼ angry young man. અન્યાય સામે લડવાનું. ભલેને સામે અજિત હોય કે પ્રાણ હોય. હું કૃત્રિમ ગુસ્સો કરી જાણતો. આક્રોશ પણ બરાબરનો વ્યક્ત કરતો.

બીજા દિવસે પરીક્ષા શરૂ થઈ. પ્રશ્નપત્ર વહેંચાયું પછી હું ગયો પેલા વિદ્યાર્થીના પરીક્ષાખંડમાં. મેં એને કહ્યું, “બાપુ, આ પંથકના બધા રાજપૂતો આપણા ભાઈબંધ છે.” પછી મેં બેત્રણ નામ દીધાં. “તમારે એ લોકોમાં બદનામ થવું હોય તો જ મારી સાથે મગજમારી કરજો.” બાપુ તો મારી સામે જોઈ રહ્યા. પછી બોલ્યા, “સાહેબ, હું નાપાસ થઈશ.” મેં કહ્યું, “હું પકડીશ તો તમને ત્રણ વરસની લાગશે. નાપાસ થશો તો એક વરસ. નક્કી કરો હવે.” બાપુએ ચૂપચાપ મને ગાઈડ પાછી આપી દીધી. મેં કહ્યું, “ચાકુ પણ લાવો.” એમણે મને ચાકુ પણ આપી દીધું. બહાર મારા વિરોધીઓ કદાચ મને લોહીલુહાણ જોવા માગતા હતા. પણ, એવું કશું ન બન્યું. મારા આવા કડક સ્વભાવના કારણે આ નાનકડા ગામમાં મારે મિત્રો ઓછા હતા ને દુશ્મનો વધારે.

એટલે જ એક વાર કેટલાક લોકોએ મને રવેડીના મેળામાં પાઠ ભણાવવાનું નક્કી કર્યું. મને એની ખબર ન હતી. પણ મને એવું કહેવામાં આવેલું કે મારે ગામમાં સાચવીને હરવુંફરવું. પછી મેળો ભરાયો ત્યારે હું, ઝાલા અને તખુભા એ મેળો જોવા ગયેલા. હું અને ઝાલા મેળામાં મહાલતા હતા. તખુભા ચકડોળમાં હતા. ત્યાં જ એકાએક તખુભા ચાલુ ચકડોળે કૂદ્યા. પડ્યા સીધા માનવમહેરામણમાં. અમે ત્યાં જ ઊભા હતા. હું કંઈ સમજુ એ પહેલાં તખુભા અને ઝાલા મારી આગળ ઊભા રહી ગયા. સામે પાંચેક જણ ઊભા હતા. હું સમજી ગયો કે આજે આ લોકો મને મેંથીપાક આપશે. પણ કોણ જાણે કેમ હું પણ તૈયાર થઈ ગયેલો. એ લોકોના હાથમાં સાઈકલની ચેઈન હતી. તખુભા અને ઝાલાએ એમને પડકારતાં કહ્યું: જો સુથાર સાહેબને આંગળી પણ અડકાડી છે તો તમારામાંનો એક પણ જીવતો નહીં જાય. તખુભાએ ખીસ્સામાં તમંચો હોવાનો અભિનય કર્યો ને ઝાલાએ એમને મેળામાં તમંચો નહીં કાઢવાની સલાહ આપી. એ જોતાં જ પેલા પાંચે ય ભાગી ગયા. હું બચી ગયો. પછી તખુભા કહે: સુથાર સાહેબ, તમંચો કેવોને વાત કેવી. અંદર કંઈ ન હતું.

ઝાલા અને તખુભા સાથે મારે ભારે ભાઈબંદી. હું ઝાલાના ગામમાં જતો તો એનું ગામ પણ એમ માનતું કે હું એનો ભાઈ છું. બધા મને રાજપૂત ગણતાને એ રીતે માનસન્માન પણ આપતા. એ જ રીતે હું તખુભાના ગામમાં પણ એકાદબે વાર ગયેલો. એમનું ગામ કલાપીના ગામની નજીક જ ક્યાંક. મને અત્યારે યાદ નથી. પહેલી વાર હું એમના ગામ ગયો ત્યારે તખુભાએ મને ચેતવેલો: કલાપીના વિરોધમાં એક પણ શબ્દ ન બોલતા. તમારું રક્ષણ કરવાનું કામ અઘરું બની જશે. તખુભા સાચે જ ચોખ્ખા હ્રદયવાળા. જેને વચન આપ્યું હોય એ નિભાવે એવા.

એક વાર હું અને તખુભા ઝાલાને ત્યાં સૂતા હતા ત્યાં જ  રાતના ત્રણેક વાગે બારણું ખખડ્યું. ઝાલાએ બારણું ખોલ્યું. આવનાર વ્યક્તિએ પૂછ્યું: તખુભા અહીં સૂતા છે? ને એ સાથે જ જાણે કે વીંછી ડંખ્યો હોય એમ તખુભા ઊભા થઈ ગયા. ઝાલા હા કહીને પેલા મહેમાનને અંદર બોલાવે એ પહેલાં તો તખુભાએ પેલા મહેમાનને પૂછ્યું: કોનું થયું? મહેમાને કહ્યું: બાપુજીનું. તખુભાના બાપુજીનું કોઈકે ખૂન કરેલું. તખુભા તરત જ પેલા લોકોની સાથે ઘેર જવા નીકળ્યા. એ લોકો બે બુલેટ મોટરબાઈક લઈને આવેલા.

મને યાદ નથી કે પછી તખુભાએ નોકરી છોડી દીધેલી કે બદલી માગેલી. પણ, એ પછી એ પાછા એમના વતનમાં ચાલ્યા ગયેલા. એ દરમિયાન મારે એમની સાથે વાત થઈ ત્યારે એમણે કહેલું કે મારા બાપાનું કોણે ખૂન કર્યું છે એની મને ખબર છે. હું પણ એનું એ જ રીતે ખૂન કરવાનો છું. તખુભા અને એમનાં કુટુંબીઓએ શંકાસ્પદ ખૂનીઓનાં નામ જાણી જોઈને પોલીસને ન’તાં આપ્યાં. તખુભા કહેતા, “રાજપુત સમાજનો એ નિયમ છે.”

ત્યાર પછી ખાસ્સો સમય વીતી ગયો. તખુભા સાથે કોઈ સંપર્ક જ ન રહ્યો. હું અવારનવાર ઝાલાને પૂછતો કે ભાનું શું થયું? ઝાલા કહેતો, “એ કામ પતાવ્યા વગર પાછો નહીં આવે.” એક રાતે હું ઝાલાના ઘેર સૂતો હતો ત્યારે તખુભા બુલેટ બાઈક લઈને આવ્યા. એમની પાસે કદાચ ઝાઝો સમય ન હતો. એમણે આવતાની સાથે જ મને કહ્યું, “ખાસ તમારું કામ છે એટલે આવ્યો છું.” મેં કહ્યું, “મારાથી થાય એ બધું જ હું કરીશ.” તખુભાએ મને સંતરામપુરના એક લુહારનું નામ આપ્યું અને કહ્યું, “એ તમંચા બનાવે છે. મને એક તમંચો ખરીદી આપો. જેટલા પૈસા માગે એટલા હું આપીશ. મારે હવે વેર વાળવાનો સમય થઈ ગયો છે.” હું એ લુહારને સારી રીતે ઓળખતો હતો.  મેં તખુભાને કહ્યું, “હું બદલો લેવામાં નથી માનતો. એટલે હું આમાં ભાગીદાર નહીં બનું.” જવાબમાં તખુભાએ એક જ વાક્ય કહેલું જે હજી મારા હ્રદય પર કોતરાયેલું છે. “હવે સાચો સુથાર. ગાયનું શિંગડું અકસ્માતે જ પકડાઈ ગયું હશે.”

સંતરામપુરમાં સારા અનુભવો પણ ઘણા થયેલા. એ વિશે આવતા પ્રકરણમાં.

 

2 thoughts on “મને હજી યાદ છે-૨૧ (બાબુ સુથાર)

  1. .આજે તો ચારેકોર અનીતિનો એટલો બધો પવન ફૂંકાયો છે કે વિદ્યાર્થીમાં સત્યનિષ્ઠા અને જીવનના આવા મહામૂલાં મૂલ્યોને જાળવી રાખવા એ પણ બહુ કપરું કામ છે. માબાપ પણ યેનકેન પ્રકારેણ વધારે માર્ક્સ કેમ આવે તે માટે સંતાનને પ્રેરણા આપતા હોય છે.
    પેપર ખરાબ ગયું છે ?…. પેપર ક્યાં તપાસવા ગયું છે… પાછલે બારણેથી માર્ક્સ કેવી રીતે વધારવા તેનાં પૂરજોશમાં પ્રયત્નો ચાલુ કરી દે છે.
    બધાનુ મૂળ કારણ આપણી શિક્ષણ-પદ્ધતિ છે અને આપણી ખોટી માન્યતા (કે બધા વિદ્યાર્થી એક સરખા હોવા જોઇએ. દા.ત. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી મા સારા માર્ક હોવા.અને બધાએ ડૉકટર, એન્જીનિયર, સી.એ વગેરે જ થવુ

    આજના લેખમા આ અંગે કડકવલણ દાખવી મુલ્યો સાચવવાનો પ્રયાસ કરનારને નમ્ર વંદન

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s