એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૨ (નટવર ગાંધી)


પ્રકરણ ૧૨ રતિભાઈ

હું રતિભાઈનો વિચાર કરું છું ત્યારે થાય છે કે બાળપણના અનાથ જીવનની અનેક હાડમારી, ખાસ કરીને ગરીબી સહન કરીને એમનો જીવન પ્રત્યેનો અભિગમ, અપ્રોચ (approach), “પૈસો મારો પરમેશ્વર” એવો એકસુરી, યુનીડીમેન્શલ (unidimensional) થઈ ગયો હતો. જે પૈસા બનાવે તે હોશિયાર, બાકી બધા ઠોઠ એવું એમનું સ્પષ્ટ માનવું.  એ જયારે માટુંગાની ચાલીમાં રહેતા હતા ત્યાં એમની બાજુમાં જ ગુજરાતના જાણીતા નવલકથાકાર ગુણવંતરાય આચાર્ય રહેતા હતા. એમની દરિયા વિષયક નવલકથાઓ હું વાંચી ચૂક્યો હતો, અને મારે મન તો આવા લેખકના પાડોશી થવાનું મળે એ જ સદ્ભાગ્ય હતું. રતિભાઈને એનો એક પાડોશી કંઈક લેખક છે એવો આછો ખ્યાલ હતો. મેં જયારે એમને કહ્યું કે આ તો આપણા મોટા લેખક છે, ત્યારે કહે, એમ? એમની ચોપડીઓ બહુ ખપતી નહીં હોય, નહીં તો ચાલીમાં શા માટે રહે?  જિંદગીમાં પૈસા સિવાય બીજી કોઈ વસ્તુનું એમને મહત્ત્વ દેખાતું જ નહી!

રતિભાઈનું આ પૈસાનું વળગણ હું સમજી શકું છું.  આપણા દંભી સમાજમાં ધર્મ, નીતિ, સંસ્કાર વગેરે મૂલ્યોની મોટી મોટી વાતો જરૂર થાય, ગીતા પાઠ થાય, વારંવાર થતી રામકથાઓમાં હજારોની સંખ્યામાં લોકો હાજરી આપે, છતાં આપણી બોટમ લાઈન તો પૈસાની જ છે.  મૂળજી જેઠા મારકેટમાં મેં એવા પણ શેઠિયાઓ જોયા છે, જે નિયમિત પૂજાપાઠ કરે, અને ધર્મધ્યાનમાં પૂરા પાવરધા રહે, પણ મહેતાજીને બસોનો પગાર આપીને ત્રણસોના પગારની સહી લેવામાં એ કંઈ અજૂગતું જોતા નહીં. રોજ બરોજના જીવનમાં ધર્માચરણ થવું જોઈએ, એવો ભ્રમ મનમાં રાખે જ નહીં.

આપણા સમાજમાં, ખાસ કરીને અમારી નાતમાં અને કુટુંબમાં પૈસા અને પૈસાદારોનો હજી પણ છડેચોકે જયજય કાર થાય છે. સભા સમારંભોમાં, નાતના મેળાવડાઓમાં, અરે, સાહિત્યમિલનોમાં પણ પૈસાવાળાઓ પહોળા થઈને બેસે.  ગરીબ ગુરબાઓની આપણા સમાજમાં જે અવગણના થાય છે, એમને જે મેણાં ટોણાં અને અપમાન સહન કરવા પડે છે તે રતિભાઈએ બહુ સહન કર્યાં હતાં. એમને બીક હતી કે એમને માથે જે વીતી હતી તે એમનાં સંતાનોને માથે પણ કદાચ વીતશે, એટલા માટે એમનું બધું ધ્યાન પૈસા બનાવવામાં જ ચોંટ્યું હતું.

મેં રતિભાઈને ક્યારેય કોઈ ગુજરાતી કે ઈંગ્લીશ, ચોપડી કે મેગેઝિન વાંચતા જોયા નથી.  એમને ઘરે છોકરાઓનું ટ્યુશન કરવા હું દરરોજ જતો, પણ એ ઘરમાં મેં કોઈ પુસ્તક કે મેગેઝિન જોયું હોય એવું યાદ નથી. હા, છાપાં જરૂર આવતા, પણ તે શેર બજાર અને ધંધાને લગતા સમાચારો જોવા માટે જ.  કૌટુંબિક સંબંધો કે મૈત્રી પણ એવી બાંધવી કે જે આપણને ઉપયોગી થઈ પડે.  માટુંગાના પાંચ બગીચા એરિયામાં દરરોજ સવારે ફરવા જતા ધનિકોનું એક ગ્રુપ હતું.  તેમાં તે હોંશે હોંશે જોડાયેલા.  એમનું સવારનું ફરવા જવાનું પણ આમ એમણે પૈસાદારોના ગ્રુપ સાથે રાખ્યું,  જેથી એમાં જે કોઈ કોન્ટેક થાય તે ધંધામાં કામ લાગે!

જીવનની એકેએક પ્રવૃત્તિના હેતુમાં પૈસો મુખ્ય હોવો જોઈએ એવી એમની સાદી પણ સ્પષ્ટ માન્યતા.  યેન કેન પ્રકારેણ પણ પૈસા બનાવવા એ એમનો જીવનમંત્ર હતો.  આ કારણે શિષ્ટ સાહિત્યની વાત તો બાજુમાં મુકો, પણ એમને ફિલ્મ, ગીત સંગીત, ધર્મ, કે સામાજિક પ્રવૃત્તિઓ વગેરેમાં કોઈ રસ નહીં. એમની સાથે વાતો કરતા એવું ક્યારેય સાંભળ્યું નહોતું કે એ કોઈ મૂવી જોવા ગયા હોય, કે સંગીતના કાર્યક્રમમાં ગયા હોય. એમની સોશિયલ લાઈફમાં માત્ર લગ્ન પ્રસંગે જવાનું કે કોઈની સાદડીમાં જઈને બેસવાનું. રતિભાઈનું આવું સાહિત્ય, સંગીત અને કલાવિહીન જીવન ત્યારે મને જરાયે વિચિત્ર નહોતું દેખાયું.  હું પણ એવા જ અરસિક ઘરમાં ઉછરેલો. મારા બધાં જ  સગાંસંબધીઓ આવું જ જીવન જીવતા.  એમને માટે તો એ ભલા અને એમના નોકરી-ધંધા ભલા.

રતિભાઈને જ્યારે ખબર પડી કે હું સાવ સામાન્ય ઘરની કોલેજમાં પણ નહીં ગયેલી છોકરીને પરણવાનો છું ત્યારે નિરાશ થયા હતા.  એમને એમ હતું કે એ કોઈ પૈસાવાળા કુટુંબની છોકરી સાથે મારી સગાઈ કરી આપી મારું ભવિષ્ય સુધારશે.  એમણે એમ જ કર્યું હતું.  જે ચાલીમાં રહેતા હતા તેના જ માલિકની દીકરી સાથે લગ્ન કર્યાં હતાં.  દીકરીની સાથે સાથે સસરાએ બે રૂમનું ફ્લેટ જેવું સરસ રહેવાનું કરી આપ્યું.

રતિભાઈ લાંબું જીવ્યા.  દરરોજ સવારના લગભગ એકાદ કલાક ફરવા જવાને કારણે એમનું શરીર કસાયેલું હતું. વૃદ્ધાવસ્થામાં થોડું કથળેલા, એ સિવાય એ લગભગ રોગમુક્ત હતા.  ગોરો વાન, હાઈટની કોઈ હડતાલ નહીં.  જે પરિસ્થિતિ હોય તેમાં કોઈ કચ કચ કર્યા વગર જીવવામાં માને. એમની એક દીકરી મેન્ટલી રીટારડેડ હતી.  રતિભાઈ અને ભાભીએ એ છોકરીને ઘરમાં રાખીને ઉછેરી અને એ મરી ત્યાં સુધી એને સાચવી. એમણે બન્ને છોકરાઓને મુંબઈમાં મોટા મોટા ફ્લેટની વ્યવસ્થા કરી આપી, ધીકતો ધંધો આપ્યો, પણ ઘરડા ઘડપણે પોતે તો છોકરાઓથી જુદા દૂરના પરામાં ભાભી સાથે રહેતા હતા.  રતિભાઈએ જીવનમાં જે અનેક વિષમતાઓને આવી પડે તે સહન કરીને કેમ જીવવું તેનો એક ઉત્તમ દાખલો મને આપ્યો હતો.

જો રતિભાઈના મોઢેથી ફરિયાદનો કોઈ શબ્દ મેં ક્યારેય સાંભળ્યો નથી, તો ભાભી ભારે કચકચિયા.  દિવસ ને રાત એકે એક બાબતમાં કંઈ ને કંઈ કચ કચ કર્યા કરે.  મેં એમને છોકરાઓને પ્રોત્સાહન આપતાં કે એમનાં વખાણ કરતાં ક્યારેય જોયાં નથી. મોટા પૈસા વાળાની દીકરી અને ગરીબને ઘરે આવવું પડ્યું એટલે એમને પણ પૈસાનું ભારે ઓબ્સેશન.  પાઈએ પાઈનો હિસાબ કરે, અને કરકસરથી ઘર ચલાવે. એમના પાછળનાં વરસો બહુ ખરાબ ગયા.  ભાઈ ગયા પછી  ભાભી કરુણ દશામાં પથારીવશ એકલા જીવ્યા. છોકરાઓ આવ-જા કરે એટલું જ. બાકી ઘાટી અને બાઈ એમની સંભાળ રાખે.  જ્યારે જ્યારે હું મુંબઈ જાઉં ત્યારે તેમને ત્યાં અચૂક આંટો મારું.  એમની અર્ધ બેભાન દશામાં પણ એ મને ઓળખી કાઢે!  ભાભીની આવી કરુણ દશા જોઈને મનાય જ નહીં કે એક જમાનામાં એ રુઆબથી ઘર ચલાવતાં હતા, ઘરમાં એકહથ્થું રાજ કરતાં હતા, અને રતિભાઈને  પણ ખખડાવતી નાખતાં!

હું જ્યારે અમેરિકા આવવા તૈયાર થયો ત્યારે પાસપોર્ટ લેવા માટે ગેરેન્ટીની જરૂર પડે તે આપવાની રતિભાઈએ મને સ્પષ્ટ ના પાડી!  કહે કે ત્યાં શા માટે જાય છે?  પૈસા બનાવવા માટે અમેરિકા જવાની કોઈ જરૂર છે જ નહીં, પોતાનો અને બીજા અનેકના દાખલા આપી કહ્યું કે જો, અમે બધા અમેરિકા ક્યાં ગયા છીએ, છતાં ફ્લેટ ગાડી વગેરે વસ્તુઓ અમે વસાવી છે.  વધુમાં એમ પણ કહ્યું કે જુવાન છોકરાઓ અમેરિકા જઈને બદલાઈ જાય છે. ત્યાંની વ્યભિચારી સંસ્કૃતી અને શિથિલ કુટુંબપ્રથાથી ભોળવાઈને દેશ, માબાપને, સગાંસંબંધીઓને ભૂલી જાય છે.

એમનું કહેવું હતું કે સ્વછંદી અને સ્વાર્થી અમેરિકન છોકરીઓ આપણા છોકરાઓને લલચાવે છે.  આવી છોકરીઓથી ભરમાઈને જે બૈરીએ પોતાનાં ઘરેણાં વેચીને ધણીને અમેરિકા મોકલ્યો હોય છે તેને જ છોડીને અમેરિકન છોકરીને પરણે છે.  મારા અમેરિકા ગયેલા  એક મિત્રે એવું કરેલું તેનો દાખલો આપીને કહ્યું કે તું એવું નહીં કરે એની ખાતરી શું?  મુંબઈની સખત હાડમારી અનુભવીને હું એવો તો હારી ગયો હતો કે અમેરિકા જવાની જે અણધારી તક મને મળી તે તરત ઝડપી લીધી. અને રતિભાઈના વિરોધ છતાં હું તો અમેરિકા ગયો જ.

પૈસાવાળા સંબધીઓ એમને માટે શું ધારે છે, એ લોકો એમને એમના એલીટ (elite) સર્કલમાં પોતાને સમાવે છે કે નહીં એની એમને સતત ચિંતા રહેતી.  જયારે એમના પૈસાવાળા સગાઓ અને મિત્રો છોકરાઓને અમેરિકા ભણવા મોકલવા મંડ્યા ત્યારે રતિભાઈ ને થયું કે એમનો દીકરો પણ અમેરિકા જાય તો સારું.  મિત્રોની જેમ એમને પણ અમેરિકા જતા છોકરા માટે વિદાય સમારંભ યોજવો હતો, છાપામાં છોકરાના એરપોર્ટના હારતોરાવાળો ફોટો જોવો હતો.  છોકરો અમેરિકા જઈ એમ.બી.એ.ની ડીગ્રી લઈ આવે તો મેરેજ મારકેટમાં એના ભાવ વધી જાય. મોટા પૈસાપાત્ર કુટુંબની છોકરી મળે.  એના મોટા દીકરાની કૉલેજ પૂરી થઈ ત્યારે આ બધી ગણતરીથી એને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું.  મને લખ્યું કે આ બાબતમાં હું કંઈ મદદ કરી શકું કે?  મેં તરત જ એને માટે એડમીશન, રહેવાની, વગેરેની વ્યવસ્થા કરી આપી.  એ દીકરો જ્યારે એમ.બી.એ.ની ડીગ્રી લઈને દેશમાં ફરવા આવ્યો, ત્યારે એને પાછો અમેરિકા નહીં આવવા દીધો!  એનું ગ્રીન કાર્ડ જ ફાડી નાખ્યું!  એક મોટા કુટુંબની છોકરી શોધીને પરણાવી દીધો.  એમની દૃષ્ટિએ દીકરાને અમેરિકા મોકલવાનો એમનો જે હેતુ હતો તે સર્યો. પછી એને ત્યાં પાછુ જવાની શી જરૂર છે?

પણ મારા માટે અમેરિકા આશીર્વાદરૂપ હતું.  જો મારી પાસે કૉલેજની ડીગ્રી ન હોત તો મારું અમેરિકા આવવાનું શક્ય જ ન બનત.  રતિભાઈની મદદ અને સલાહ સૂચનાથી જ હું મારકેટ છોડી શક્યો અને  કૉલેજ જઈ શક્યો.  એમણે  જ મારી કૉલેજ જવાની સગવડ કરી આપી હતી.  આમ મારા જીવનમાં, ખાસ કરીને મારી પ્રગતિમાં રતિભાઈએ બહુ મોટો ભાગ ભજવ્યો છે.  એમની જો મદદ ન હોત તો હું હજી મારકેટમાં ગુમાસ્તો જ રહ્યો હોત, કદાચ મહેતાજી બનવા સુધી પહોંચ્યો હોત. પણ ધંધો કરવાની જે કુનેહ અને સહજ વૃતિ જોઈએ એ મારામાં હતી જ નહીં.  વધુમાં હું મારકેટમાં કે બીજે ક્યાંય દલાલી તો ન જ કરી શક્યો હોત. દલાલી કરવા માટે જે ખુશામત કરવી પડે, શેઠિયાઓની જે પગચંપી કરવી પડે તે મારાથી ન જ થઈ શકત. રતિભાઈએ મને મારકેટની દુનિયામાંથી છોડાવ્યો.  આમ હું રતિભાઈનો જીવનભર ઋણી રહ્યો છું.  જ્યારે જ્યારે હું દેશમાં ગયો હોઉં છું ત્યારે તેમને જરૂર મળતો, અને એમની સાથે રહેતો. મારી અમેરિકાની સફળતા જોઇને એ પોતે ગર્વ અનુભવતા.  એમને જ્યારે અમેરિકા આવવાનું થયું ત્યારે એમને અમેરિકા ફેરવવાનો મને સંતોષ થયો હતો.

3 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૨ (નટવર ગાંધી)

 1. રતિભાઇએ પૈસાનું બેઝીક સમજાવ્યું..કેટલાક લોકો પૈસા ને જ બધુ માની ને સંબંધો અને સ્વાસ્થ્ય ની કાળજી લેતા નથી અંતે ઘરડાપણ મા સંબંધ અને સ્વાસ્થ્ય ની જરુર પડે તે ના હોય તેનો દોષ પૈસા ને આપે જ્યારે ખરાબ પૈસા નહિ પરંતુ તેની બેદરકારી છે… પૈસા ને નકારાત્મક ચિતરવા માં આવે છે પરંતુ ખોટા પૈસા નહિ પેલા નો રસ્તો ખોટો હતો…
  રતિકાકાનું માનવું-‘ પશ્ચિમની સંસ્કૃતિમાં બાળકોને વધારે પડતી સ્વતંત્રતા અને છૂટ આપેલી હોય છે, જેના લીધે બાળકો સ્વછંદી બનીને બગડી જતા હોય છે. ‘ એ હવે સામાન્ય હકીકત થતી જાય છે
  અને હવે આને બગડવું નથી ગણતા અને અહીં-‘રતિભાઈના મોઢેથી ફરિયાદનો કોઈ શબ્દ મેં ક્યારેય સાંભળ્યો નથી, તો ભાભી ભારે કચકચિયા. દિવસ ને રાત એકે એક બાબતમાં કંઈ ને કંઈ કચ કચ કર્યા કરે’
  વંદન આવી સહજ સમજ અને લાગણીને.
  રતિભાઈના ઉપકારમાંથી. ઉઋણ થવું અશ્ક્ય

  Liked by 1 person

 2. natavarbhai,
  very nicely you depicted rekha chitra of Ratibhai (rati kaka) with all minute detail woven around money- and his routine and elite company- mental makeup always for social status. but best of his attitude was to adjust every where without criticism which was just complemented by kaki. regularity and walking and good company is around this healthy life almost till end.
  yes we have all respect for him in-spite of his money mentality- to sculpture your career of college, and you were keeping him as your mentor.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s