શિક્ષણસંસ્થા : લક્ષ્ય અને લક્ષક્ષમતા (જુગલકિશોર વ્યાસ)


(શ્રી જુગલકિશોર વ્યાસ નામથી આંગણાંના મહેમાનો સારી રીતે પરિચિત છે. એમના આ ચિંતન લેખના પ્રત્યેક શબ્દ સાથે હું સહમત છું. એમણે એમના જાત અનુભવ ઉપરથી આ ચિંતન કર્યું છે, મારો અનુભવ પણ લગભગ આવો જ છે. સમાજના આગેવાનોને આ લેખ ઉપયોગી થઈ શકે એ આશયથી આજે આંગણાંમાં આ લેખ મૂકયો છે.)

શિક્ષણસંસ્થા : લક્ષ્ય અને લક્ષક્ષમતા

સંસ્થાઓ અનેક પ્રકારની હોય છે. સંસ્થાના સ્થાપક દ્વારા કોઈ ચોક્કસ હેતુ કે હેતુઓ માટે થઈને એની સ્થાપના થઈ હોય છે. આ સંસ્થાઓમાં કેન્દ્રસ્થાને એના સ્થાપકો હોય અને તેના સંચાલનમાં પણ તે સ્થાપકોનું મહત્ત્વ હોય તે સહજ છે. પરંતુ સંસ્થાનું લક્ષ્ય હેતુસિદ્ધિ જ ગણાય અને તે હેતુસિદ્ધિ માટે થઈને જ સર્વ રચના–યોજના–સંચાલન થાય તે અનિવાર્ય હોય છે.

સ્વાભાવિક છે કે જ્યાં સુધી સ્થાપકોની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી સંચાલન તેમના હાથમાં રહે. સ્થાપકો પોતે જ આગળ જતાં સંચાલકોની નવી પેઢી તૈયાર કરીને પોતે સ્વેચ્છાએ નિવૃત્તી લે તો તેવી વ્યવસ્થા ઉત્તમ ગણાય. એનાથી બે લાભો મળે છે. એક તો, નવી પેઢીને તૈયાર કરવાનો અવસર સ્થાપકોને મળી રહે છે અને બીજો લાભ એ છે કે સ્થાપકો કે જેઓની દૃષ્ટિ સમક્ષ મૂળભૂત હેતુઓ સચવાયેલા હોય છે તેને ધ્યાનમાં રાખીને બીજી પેઢીમાં પણ તે હેતુઓ કેન્દ્રસ્થાને રખાવી શકાય છે.

સંસ્થાના લાંબાગાળાના અસ્તિત્વ માટે હેતુસિદ્ધિ અનિવાર્ય હોઈ સંચાલકોમાં હેતુસિદ્ધિનું લક્ષ્ય સચવાઈ–જળવાઈ રહે તે પણ ખૂબ જ જરૂરી છે. સંસ્થાના અસ્તિત્વ માટે છેવટે તો સંચાલકો કરતાંય વધુ મહત્ત્વનું છે તે હેતુઓનું જળવાઈ રહેવું. કારણ કે સંસ્થાના સ્થાપકો–સંચાલકો–વ્યવસ્થાપકો તો અનિવાર્યપણે બદલાતા જ રહેવાના છે. વ્યક્તિ કાયમી નથી, જ્યારે હેતુ તો અનિવાર્યપણે કાયમી હોય છે.

અલબત્ત સંસ્થાઓમાં સમયને અનુરૂપ કેટલાક ફેરફારોની આવશ્યકતા હોય જ. સમયનો પ્રવાહ સમાજની માંગમાં ફેરફારો લાવે છે; નવીનવી શોધખોળો દ્વારા સાધનો અને માધ્યમો –કાર્યપદ્ધતિઓમાં પરિવર્તનો જરૂરી બનાવે છે અને એ રીતે સંસ્થાઓના બાહ્યસ્વરૂપમાં કેટલાક ફેરફારોને અનિવાર્ય બનાવી દે છે. જોકે મૂળભૂત હેતુઓને કોઈ ખાસ અસર ઉપરોક્ત કારણોસર થતી નથી. ઘણી વાર આવા અનિવાર્ય બાહ્યફેરફારોને લીધે સંસ્થા બદલાઈ ગઈ હોય તેવો ભાસ પણ કેટલાકને થાય, છતાં હકીકતે એવું હોતું નથી. લક્ષ્યશુદ્ધિ હોય છે ત્યાં સુધી હેતુસિદ્ધિને કોઈ તકલીફ રહેતી નથી. સમયનો પ્રવાહ ભલે બાહ્ય ફેરફારો લઈ આવે, પણ મૂળભૂત હેતુ તરફનું લક્ષ જ્યાં સુધી અચૂક રહે છે ત્યાં સુધી સંસ્થાનો પ્રાણ એવા હેતુઓ ટકી રહે છે.

સવાલ છે તે લક્ષ્ય તરફનું લક્ષ. લક્ષ્ય સ્થિર અને કાયમી છે પરંતુ તે તરફ લક્ષ આપનાર વ્યક્તિ કાયમી નથી. અરે, એક જ વ્યક્તિનું લક્ષ પણ આજે છે તે કાલે ન પણ રહે. વ્યક્તિ પોતે જ એક સંકુલ રચનાનો ભાગ છે. એનાં મન–વિચાર–કર્મમાં સૂક્ષતમ ફેરફારો સહજ થતા રહે છે. પરિણામે લક્ષ ક્યારેક કાં તો સહેજ ઘટે છે કે ક્યારેક ચુકાય છે. આ ક્યારેક ક્યારેક ઘટવા–ચુકાવાની ગતિવિધિઓ દરમિયાન જ સંચાલક વ્યક્તિની આસપાસ વીંટળાયેલી વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ નાનીમોટી બખોલો તૈયાર કરી નાખે છે, કે ક્યારેક નવી લપસણી કેડી તૈયાર કરી આપે છે. આ લક્ષ–શિથિલતા સંચાલકોના ફેરબદલા વખતે તો ખાસ્સી વધી જતી હોઈ લક્ષ્ય સુદ્ધાંને ન સુધરી શકે તેવું નુકસાન કરી બેસે છે.

સ્થાપકો, નવી પેઢીના સંચાલકો, સમયના પ્રવાહો, વિજ્ઞાનની શોધખોળો/સગવડો, સમાજની બદલાતી રહેતી માંગ, સાધનો/પદ્ધતિઓમાંના ફેરફારો અને આ સૌની ઉપર, સૌથી મહત્ત્વનું તે લક્ષ સંસ્થાઓનું ભવિષ્ય ઘડે છે. સ્થાપકની હયાતીનો સમય–ગાળો, તેની લક્ષ્યલક્ષી નિર્ધારિતતા–અડગતા, સમજપૂર્વકની નિવૃત્તી અને નવી પેઢીને કાર્યસોંપણી વગેરે દ્વારા સ્થાપકો પોતાની હયાતી ઉપરાંત બીજી પેઢી સુધી પણ સંસ્થાને લક્ષ્યસિદ્ધ રાખી શકે છે.

પરંતુ એની લક્ષ્યલક્ષિતા કેટલા પ્રમાણમાં અને ક્યાં સુધી બીજી પેઢી સાચવી–જાળવી શકશે તે બહુ મોટો અને ચિંતાભર્યો સવાલ છે.

ઘણી વાર તો ઘણીબધી પેઢીઓ વહી જાય છે. સંસ્થા અને વિચાર જાણે મર્યાં કે મરશે એવી ભીતિ અનુભવાય છે. શું સામાજિક વ્યવસ્થાઓ, શું ધાર્મિક સંસ્થાઓ/સંપ્રદાયો કે શું રાજકીય વ્યવસ્થાતંત્રો – બધાંને આ ચિંતાભર્યા સવાલો ભોગવવાના આવે છે જેના જવાબો આપવાનું સહેલું નથી હોતું.

છતાં સમયની એ પણ બલિહારી (કોઈ એને ઈશ્વરકૃપા કહે કે કુદરતની લીલા) છે કે, આ સંસ્થા, વિચાર, પંથ કે સંપ્રદાયને ક્યારેક અણધારી રીતે મૂળભૂત હેતુઓને અનુકૂળ–અનુરૂપ કોઈ વ્યવસ્થા મળી રહે છે; કોઈ વ્યક્તિજૂથ સાંપડી રહે છે કે કોઈ સિદ્ધહસ્ત, ચોટડૂક લક્ષક્ષમ, લક્ષ્યવેધી મળી આવે છે જે સમયાંતરે વિગલિતલક્ષ્ય બનેલ સંસ્થાને, વિચારને, કે સંપ્રદાયને નવેસરથી પાટા પર લાવી દે છે. આને કહેવો હોય તો ચમત્કાર કહી શકાય. પણ એ શક્ય છે, સહજ પણ હોઈ શકે છે.

આપણે શિક્ષણના માણસો ચારેબાજુથી ઘેરાએલાં હોઈએ છીએ. ‘ઘેરાએલાં’ એ અર્થમાં કે શિક્ષણ પોતે જ જીવનનાં બધાં પાસાંની સાથે સંબંધ ધરાવે છે. જીવનનું કોઈ એકાદ પાસું પણ કોરાણે રાખીને શિક્ષણ સાર્થક કહેવાતું/થતું/રહેતું નથી. એ બધાં જ જીવનપાસાંથી ઘેરાએલું છે એમ કહેવું તેના કરતાં એમ કહેવું વધુ યોગ્ય રહેશે કે, શિક્ષણ પોતાની આસપાસનાં બધાં જ અંગોને સ્પર્શનારું, એનાથી વીંટળાયેલું હોય છે. શિક્ષણનો આંશિક સ્પર્શ પણ જે–તે પાસાને, અંગને, પ્રકાશ આપવા સક્ષમ હોય છે. એ આ બધાં અંગોથી ઘેરાએલું રહે એમાં જ એની સાર્થકતા છે.

અને એટલે જ શિક્ષણની સંસ્થા સ્થાપવાનું કામ કાચાપોચાનું નથી. બીજી પ્રવૃત્તિઓ કરતાં કરતાં શિક્ષણસંસ્થા ચલાવવી શક્ય નથી. ફૅક્ટરી ચલાવવા માટે શ્રમિકો, સુપરવાઇઝરો, મૅનેજરો, મશીનો અને ક્વૉલિટીકંટ્રોલ વિભાગ વગેરે હોય તો ઘેરબેઠાં પૈસા પૂરા પાડીને તે ચલાવી શકાય છે. કારણ કે એનું લક્ષ્ય વેપાર–ઉદ્યોગ “ચલાવવાનું” હોય છે. એના દ્વારા પૈસો રળવાનો હોય છે. ઉદ્યોગપતિનું લક્ષ્ય આમ, સાંકડું અને મર્યાદિત હોય છે. એટલે બહાર રહીને, અન્ય કાર્યો કરતાં કરતાં તેના પર લક્ષ આપી શકાય છે. જ્યારે શિક્ષણસંસ્થાનું લક્ષ્ય અત્યંત સંકુલ, અત્યંત સૂક્ષ્મ અને અનેકવિધ પરીણામોને પ્રાપ્ત કરવા તાકનારું હોય છે. એ કોઈ એકાદ પક્ષીની એકાદ આંખ વીંધવા પૂરતું નથી હોતું.

શિક્ષણનું લક્ષ્ય વિદ્યાર્થી છે; તેનું કુટુંબ છે; સમાજ પણ છે અને સમગ્ર જીવનવ્યવસ્થા પણ છે. આ બધાંને પહોંચવા માટે કેન્દ્રિત થતું ધ્યાન – લક્ષ – સાધારણ હોઈ શકે જ નહીં. શિક્ષણક્ષેત્રનો માણસ અસાધારણ લક્ષક્ષમ હોય, એની ધ્યાનકેન્દ્રિતતા યોગીની નહીં પણ શતાવધાનીની હોય. ધ્યાનમાં મનને એક વિષય પર કેન્દ્રિત કરવાનું હોય છે. સમાધિની ઉચ્ચોચ્ચ સ્થિતિ તો નિર્વિકલ્પતાની હોય છે. જ્યારે શતાવધાની તો સો કેન્દ્રો ઉપર એક સાથે કેન્દ્રિત રહે છે. આ વિકેન્દ્રિત થતું લાગતું ધ્યાન – લક્ષ – ને “નહીં કેન્દ્રિત” એ અર્થમાં નહીં લેતાં “વિશેષ કેન્દ્રિત” કે “વિવિધ કેન્દ્રી” એ અર્થમાં લેવાનું રહે છે. અને તેથી જ શિક્ષણસંસ્થાના સ્થાપક કે સંચાલકે સંસ્થામાં રહીને જ, એમાં સર્વાંગ સમર્પિત થઈને કાર્ય કરવાનું રહે છે.

કોઈ પણ સંસ્થાના સ્થાપકે પોતાની હયાતીમાં નવી પેઢીને તૈયાર કરવાનું; નવી પેઢીના સંચાલકે આવી મળેલી કામગીરી–જવાબદારી પ્રત્યે પૂરતું લક્ષ આપીને લક્ષ્યસંધાન અકબંધ રાખવાનું; સમયના પ્રવાહોને સાચવતાં રહીને અનિવાર્ય ફેરફારો કરતાં છતાં મૂળભૂત હેતુઓની સિદ્ધિ માટે મથતાં રહેવાનું હોય છે.

અને એમ જ, સૌએ પછીની પેઢીને પણ લક્ષ્યલક્ષિતા સહિતનું બધું જ સોંપીને સ્થાપકોને પરમ સંતોષ પહોંચાડવાનો હોય છે.

 

 

3 thoughts on “શિક્ષણસંસ્થા : લક્ષ્ય અને લક્ષક્ષમતા (જુગલકિશોર વ્યાસ)

  1. “કોઈ પણ સંસ્થાના સ્થાપકે પોતાની હયાતીમાં નવી પેઢીને તૈયાર કરવાનું; નવી પેઢીના સંચાલકે આવી મળેલી કામગીરી–જવાબદારી પ્રત્યે પૂરતું લક્ષ આપીને લક્ષ્યસંધાન અકબંધ રાખવાનું; સમયના પ્રવાહોને સાચવતાં રહીને અનિવાર્ય ફેરફારો કરતાં છતાં મૂળભૂત હેતુઓની સિદ્ધિ માટે મથતાં રહેવાનું હોય છે.”
    શિક્ષણ સંસ્થાઓએ અમલમાં મુકવા જેવા ઉપયોગી વિચારનું સરસ સૂચન..
    શ્રી જુગલકિશોર સાહેબ અને શ્રી દાવડા સાહેબનો આભાર.

    Liked by 1 person

  2. શિક્ષણસંસ્થા : લક્ષ્ય અને લક્ષક્ષમતામા સામાન્ય વાતો જેવી કે શિક્ષણની ગુણવત્તા સુધારવી.
    શૈક્ષણિક સંશોધન તથા પ્રશિક્ષણ આપવું , નીતિઓ તથા શૈક્ષણિક ઘટક તથા પદ્ધતિઓમાં જરૂરી બદલાવ લાવવો, માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડવા..શિક્ષણને લગતી નવી પદ્ધતિઓને વ્યાજપ વધારવો ,શૈક્ષણિક સાહિત્યક છાપવું.અને બાળકોનાં સર્વાંગી વિકાસ માટે વિજ્ઞાનમેળા તથા રમતોત્સકવ જેવા કાર્યક્રમો યોજવા અંગેની માહિતી હોય છે.
    ગાંધીજીએ વિચાર આપ્યો અને તે વિચારની સાથે એકપ્રતિકારાત્મક આંદોલન આપ્યું અને તેમાં લોકોને વિચારની અનુભૂતિ સાથે સામેલ કર્યા. તેઓ સમાજ શાસ્ત્રના ક્ષેત્રમાં મહાન વિચારક હતા અને વિનોબા ભાવેના માનવા પ્રમાણે, જે જડ ગુણધર્મોનો અભ્યાસ થાય તે વિજ્ઞાન અને ચૈતન્યના ગુણધર્મોનો અભ્યાસ તે બ્રહ્મ વિદ્યા
    મા જુ’ભાઇનો પોતાના અનુભવો,અભ્યાસ , ચિંતન અને મનનનો સુંદર લેખ તેઓના આ વિચારો ના અમલ દ્વારા મનની અંદર પડેલા ભ્રષ્ટાચારના બીજ કાઢવા શિક્ષણ સંસ્થાઓ સક્ષમ બનશે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s