નરસિંહ મહેતા ઈડિયટ હતા (યશવંત ઠક્કર)


(મૂળ અમરેલી જીલ્લાના નાનીધારી ગામના શ્રી યશવંત ઠક્કર ૧૯૮૦થી વડોદરામાં રહે છે. ૧૯૮૦ થી ૧૯૯૫ સુધી વિવિધ પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની  વાર્તાઓ, કવિતાઓ અને હાસ્યરચનાઓ પ્રગટ થઈ હતી.

૭ જુલાઈ ૨૦૦૮ થી “અસર”  નામનો બ્લોગ ચલાવે છે. પાંચેક વર્ષ પહેલા ‘નરસિંહ મહેતા ઈડિયટ હતા’ એ નામનો હળવો લેખ લખ્યો હાતો. એ લખવા પાછળ કોઈ ખાસ ઈરાદો ન હતો, એને અવળવાણી કહી શકાય. એ લખવા માટેનો હેતુ એ દર્શાવવાનો હતો કે: ‘નરસિંહ મહેતા જેવા ભક્ત કવિઓએ એમના પરિવાર માટે ખાસ કર્યું ન હોય, પરંતુ સમાજ અને સાહિત્ય માટે ઘણું ઘણું કર્યું છે.’ એમણે હાસ્ય કે મજાકભરી રચનાઓમાં તેમના માટે મોટેભાગે ‘અમે’ કે ‘અમારું’ જેવાં સંબોધનો વાપર્યાં છે. જે ખરેખર  ખુદની મજાક માટે જ વાપર્યાં છે.  મોટાઈ માટે નહિ. આજે એમની મંજૂરી લઈને આ લેખ અહીં રજૂ કરૂં છું.)

નરસિંહ મહેતા ઈડિયટ હતા

મિત્રો, આપણે સામાન્ય ગુજરાતી જન જેને નરસૈયો તરીકે ઓળખે છે તે નરસિંહ મહેતાની જન્મજયંતિની આજે ઉજવણી થઈ રહી છે  ત્યારે, ‘નરસિંહ મહેતા ઇડિઅટ હતા!’  એવું શીર્ષક આપ સહુને આંચકો આપનારું લાગશે પરંતુ અમે બહુ જ ભેજામારી કર્યા પછી આ શીર્ષક પસંદ કર્યું છે. અમે ખૂબ જ પ્રેમપૂર્વક કહેવા માંગીએ છીએ કે : ‘નરસિંહ મહેતા ખરેખર ઇડિઅટ હતા! લગભગ 00 વર્ષો પહેલાંના ઇડિઅટ! છતાંય આજના થ્રી ઇડિઅટ્સ જેવા!’

અરે, આ આમીરખાને તો  હજી  હમણાં ‘થ્રી ઇડિઅટ્સ’  ફિલ્મ દ્વારા આપણને સંદેશો આપ્યો કે: ‘જેને જેમાં રસ પડતો હોય એ જ લાઇન લેવાય. દેખાદેખીમાં કારકિર્દી ન બનાવાય!’

આપણા આ નરસૈયાએ તો છસો વરસો પહેલાં પોતાને ગમતી હતી એ જ લાઇન લીધી. ન કુંટુબને ગાંઠ્યા, ન સમાજને ગાંઠ્યા, ન રાજાના સેવકોને ગાંઠ્યા, ન રાજાને ગાંઠ્યા! બસ પોતાને જે ગમતું હતું એ જ કર્યું.

એને ભક્તિ કરવી હતી તો કરી! એને કવિતાઓ રચવી હતી તો રચી! એને મન મૂકીને નાચવું હતું તો નાચ્યા. દિલથી જે ગાવું હતું તે ગાયું. વળી  એવી જગ્યાએ જઈને ગાયું કે જયાં ગયા પછી પોતાની ઘરે જવું ભારે પડ્યું!

હા, એ જમાનામાં આ મહેતાએ સમાજથી સાવ વિખૂટા પડેલા લોકોમાં ભળવાનું સાહસ કર્યું  જે આજે પણ સહેલું નથી. બોલો એ રીતે જોઈએ તો પણ  આ મહેતા ઇડિઅટ ખરા કે નહીં ?

નરસિંહ મહેતાએ પોતાનું ઘર સાજું ન કર્યું એવું કહેનારાં તો  ત્યારે પણ હતા અને આજે પણ હશે. પરંતુ એમણે  પોતાની ભાષાનું સાહિત્ય સાજું કર્યું એ જેવીતેવી વાત છે?

આજે પણ એકલી કાવ્યરચનાની પ્રવૃત્તિ કરીને બહુ જ ઓછા કવિઓ ઘર સાજુ કરાવે શકે છે.

કોઈ કવિપત્ની અવારનવાર એના પતિને પૂછતી જ હશે કે: ‘કવિતામાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો.’

નરસિંહ મહેતા જો  આમકવિ થવાના બદલે રાજકવિ થયા હોત તો એમણે પણ બંગલો બનાવ્યો હોત!

પરંતુ એમણે રાજાને રાજી રાખવાને બદલે ભગવાનને રાજી રાખ્યા.

એમણે પોતાની કલાને ગીરવે મૂકી, પણ રોકડી ન કરી!

રહી ચમત્કારની વાત. તો એમણે પોતે ક્યારેય ચમત્કાર કર્યા નહોતા!

હા છસો  વર્ષો સુધી પણ એમનાં ગીતો તાજાં રહ્યાં  એને ચમત્કાર ગણવો હોય તો ગણાવી શકાય! પુસ્તકો આવ્યાં, રેડિયો આવ્યો, ટીવી આવ્યું, ઇન્ટરનેટ આવ્યું, પણ નરસૈયો ટોપ જ રહ્યો!

આજે પણ  કોઈ ખેડૂત કે મજૂરને એ જેટલી રાહત આપે છે એટલી જ રાહત એ  કોઈ સાહિત્યરસિકને પણ આપે છે.

એનું અલગારીપણું એનું પોતાનું હતું. ભીતરનું હતું. એમાં દેખાદેખી નહોતી! એમાં દંભ નહોતો.

દેખાદેખીમાં ઝભ્ભા પહેરાય, દાઢી વધારાય, નશો કરીને કવિતાઓ લખાય, પણ એવું  તકલાદી અલગારીપણું માણસને નરસૈયા સમાન  ઇડિયટ બનાવી નથી શકતું.

એમની કલ્પનાઓ, એમની રચનાઓ, એમની હથોટી, એમની ભક્તિ, એ બધી બાબતો વિષે વિદ્વાનોએ ઘણું લખ્યું છે અને લખતા રહેશે.

પરંતુ એમના ભજનોના રંગે રંગાયેલો માણસ તો ગાતો જ રહેશે… ગાતો જ રહેશે.

અને નરસૈયો એ રીતે જ  બદલાતા જમાનામાં પણ  સચવાતો જ  રહેશે.

ખોટી વાત ?

4 thoughts on “નરસિંહ મહેતા ઈડિયટ હતા (યશવંત ઠક્કર)

 1. “હા છસો વર્ષો સુધી પણ એમનાં ગીતો તાજાં રહ્યાં એને ચમત્કાર ગણવો હોય તો ગણાવી શકાય! પુસ્તકો આવ્યાં, રેડિયો આવ્યો, ટીવી આવ્યું, ઇન્ટરનેટ આવ્યું, પણ નરસૈયો ટોપ જ રહ્યો!” “ખોટી વાત ?”
  નારે! સાવ સાચી વાત..

  Liked by 1 person

 2. શ્રી યશવંત ઠક્કર જેવા વિદ્વાનની અવળવાણી મા દાવડાજી જેવી દ્રુષ્ટિથી માણીએ ત્યારે આવી રમુજ સમજી શકાય . પ્રેમમા તો આવી રમુજ કે ગાળ પણ મધુરી લાગે!
  અમે ભણતા ત્યારે- આ રચના
  કુંવરબાઇ નામે દીકરી,
  પરણાવ્યાં રૂડો વિવાહ કરી.
  પામ્યાં મરણ પત્ની ને પુત્ર,
  મહેતાનું ભાંગ્યું ઘરસૂત્ર.
  સ્ત્રી—સુત મરતાં રોયાં લોક,
  મહેતાને તલમાત્ર ન શોક:
  ભલું થયું ભાંગી જંજાળ ,
  સુખે ભજીશું શ્રીગોપાળ. આવતા અમે પરમ ભક્તની આ વાત ન સમજાતા રમુજ કરતા અને બાદમા તો કોઇ લાગણીહીન બેજવાબદાર હોય તેને માટે પણ કહેતા ! અભ્યાસ કરતા લાગ્યું કે આત્મજ્ઞાનના પદોમાં આ અનાસક્તિ યોગ ભર્યો પડ્યો છે.
  “જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
  તે તણો ખરખરો ફોક કરવો;
  આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
  ઊગરે એક ઉદ્વેગ ધરવો” —– આવું ગાનાર ’ભલું થયું ભાંગી..’ પણ ગાઇ શકે.
  ’ઘડપણ કોણે મોકલ્યું?’ રચનાની આ પંકતિ “દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ,” — નરસિંહને તેમના દિકરાની વહુ ગાળો બહુ આપતા તેવું માનવું ?
  સમય સાથે એનું સ્વરૂપ બદલાય ત્યારે એવા પાત્રોને સમજવા માટે ઇતિહાસના સ્થળ, કાળ, અને જે તે સમયના રાજકીય, સામાજીક પરિબળો પણ ધ્યાનમાં લઇએ અને ગુઢપદો પર ચિંતન કરીએ તો આપણને અનેરો આનંદ આવે

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s