મને હજી યાદ છે-૨૭ (બાબુ સુથાર)

મુંબઈથી વડોદરા: ઘરતીના છેડાની શોધમાં

આપણને એક બાજુ કહેવામાં આવ્યું છે: ધરતીનો છેડો ઘર અને બીજી બાજુ કહેવામાં આવ્યું છે: ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે. મને પહેલી કહેવત જરા સંદિગ્ધ લાગી છે: ઘરને ધરતીનો છેડો નહીં ગણવાનો. જ્યાં થોભ્યા ત્યાં ધરતીનો છેડો ગણવાનો ને એ જ જગ્યાને ઘર પણ ગણવાનું. એક જમાનામાં માણસ જે ઘરમાં જનમતો એ જ ઘરમાં મરતો. હવે પરિસ્થિતિ બદલાઈ છે. બહુ ઓછા એવા માણસો મળી આવશે જેણે જન્મ પછી પોતાનાં ઘર નહીં બદલ્યાં હોય. મારી પણ એ જ પરિસ્થિતિ હતી. મણીબેન નાણાવટી કૉલેજનું શૈક્ષણિક વરસ પૂરું થવામાં હતું. દેખીતી રીતે જ એનો પગાર- જે કંઈ મળતો હતો એ – બંધ થવાનો હતો. મારે કેવળ ‘ગુજરાત સમાચાર’ના જ પગાર પર ટકી રહેવાનું હતું. એ કામ સાચે જ મુશ્કેલ બની જાય એમ હતું. એટલે જ્યારે સુરેશ જોષીએ મને ત્યારના ‘લોકસત્તા’ વડોદરા આવૃત્તિના તંત્રી નવિન ચૌહાણને ઉદ્દેશીને લખેલી ભલામણ ચિઠ્ઠી આપી ત્યારે હું સહેજ પણ અટક્યા વિના પહોંચી ગયો ‘લોકસત્તા’ની ઑફિસે. નવિન ચૌહાણે ચિઠ્ઠી વાંચીને મારી સામે જોયું. મેં કહ્યું, “મેં છ મહિના ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં કામ કર્યું છે. હું અનુવાદ સારા કરી શકું છું.” ચૌહાણે કહ્યું, “એ તો બરાબર છે પણ મારે ત્યાં કોઈ જગ્યા નથી. એક કામ કરો. ‘સંદેશ’વાળા વડોદરા આવૃત્તિ બહાર પાડી રહ્યા છે. તમે એમની પાસે જાઓ. વડોદરના કારેલી બાગમાં એમની ઑફિસ આવેલી છે.

હું એમનો આભાર માની બીજા દિવસે ‘સંદેશ’ કાર્યાલયમાં ગયો. ત્યાં યોગાનુયોગ ‘સંદેશ’ના માલિક ચીમનભાઈ પટેલ હાજર હતા. હું ત્યાં પહેલા દિનેશ પાઠકને મળ્યો. એ કાર્યકારી તંત્રી હતા. એ મને બે ત્રણ પ્રશ્નો પૂછીને શેઠ – ચીમનભાઈ પટેલને બધા ‘શેઠ’ કહેતા – પાસે લઈ ગયા. એમણે શેઠને વાત કરી. શેઠે મને નોકરી આપવાનું કહ્યું પણ મુંબઈ કરતાં સો કે દોઢસો રૂપિયા ઓછા આપવાનું કહ્યું. હું સો કે બસો વધારે પગારની અપેક્ષા રાખતો હતો. પણ, મને એમ હતું કે એક વાર પાપી પેટની વ્યવસ્થા થઈ જાય પછી હું કોઈક કૉલેજમાં નોકરી શોધી કાઢીશ. એટલે મેં એ પગાર સ્વીકારી લીધો. મારી પાસે વિકલ્પો પણ ઓછા હતા.

આખરે હું ઉચાળા ભરીને મુંબઈથી વડોદરા આવ્યો. આવતાં જ મારા એક ટૅલિફોન ઑપરેટર મિત્ર અર્જુન ખાંટને ત્યાં રોકાયો. એણે કહ્યું કે બધું ઠેકાણે ન પડે ત્યાં સુધી તું મારી સાથે રહી શકે. પછી અમે બન્ને એક નાનકડી ઓરડીમાં રહેવા લાગ્યા. મારી પાસે બચત તો જરા પણ ન હતી. મોટા ભાગના પૈસા મેં ચોપડીઓ પાછળ ખર્ચી નાખેલા. એટલે સૌ પહેલાં તો મારે સાયકલ ખરીદવાની આવેલી. નવી સાયકલ તો પરવડે એમ ન હતી. મેં કોઈકની જૂની સાઈકલ ખરીદી, સર્વીસ કરાવી, એનાં ટાયરટ્યૂબ નવાં નંખાવી લીધેલાં.

પછી મેં ‘સંદેશ’ની વડોદરા આવૃત્તિમાં સબ-એડીટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, શરૂઆતમાં વિનોદ ભટ્ટ નામના પત્રકાર મારા ચીફ સબ-એડીટર હતા. સાહિત્યકાર વિનોદ ભટ્ટ નહીં, પત્રકાર વિનોદ ભટ્ટ. સ્વભાવે બહુ સારા માણસ. મને પૂરતું માન આપતા. જો કે, એમની સામે દિનેશ પાઠક જરા તોછડા હતા. એ વાતવાતમાં બધાંને ઉતારી પાડતા. મારું કામ પીટીઆઈ, યુએનઆઈ પર આવતા અંગ્રેજી સમાચારોના અનુવાદ કરવાનું. સમાચારો વિનોદ ભટ્ટ પસંદ કરતા. એક બાજુ સમાચારોનો ધોધ આવતો હોય અને બીજી બાજુ સમય ઓછો હોય. એ બે દબાણની વચ્ચે રહીને કામ કરવાનું. મુંબઈમાં આટલું બધું દબાણ ન હતું. કેમ કે ત્યાં માણસો વધારે હતા. વળી મોટા ભાગના માણસો અનુભવી હતા. એ લોકો રમતાં રમતાં, ગપ્પાં મારતાં મારતાં અનુવાદ કરી નાખતા. અહીં મોટા ભાગના માણસો બિનઅનુભવી હતા. વળી દિનેશ પાઠક અને વિનોદ ભટ્ટની વચ્ચે થોડો તેજોદ્વેષ પણ કરો. અખબારોની કોઈ પણ ઑફિસમાં જોવા મળે એવું સત્તાનું માળખું અહીં જરા વધારે પડતું પ્રગટ હતું. લોકો અને શેઠ પણ સ્થાનિક અને ગ્રામીણ વિસ્તારના સમાચારો સાથે કામ પાર પાડતા પત્રકારોને વધારે માનથી જોતા. પહેલા પાના સાથે, અથવા તો રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સમાચારો સાથે કામ પાર પાડતા પત્રકારો બીજા વર્ગના નાગરિકો ગણાતા. એટલે સુધી કે જો કોઈ ઓળખીતું મને કોઈ પ્રેસ નોટ આપે અને એ પ્રેસ નોટ જો સ્થાનિક સમાચાર સાથે કામ પાર પાડતા પત્રકારને આપું તો એ ભાગ્યે જ એ સમાચાર છાપતો. ક્યારેક છાપતો તો એમાંથી ઘણું બધું કાપી નાખતો. આ બધાની વચ્ચે મને એક આશા હતી: મને કોઈક કૉલેજમાં નોકરી મળી જશે. મારે શા માટે ચિન્તા કરવાની?

પછી ઉનાળાનું વેકેશન આવ્યું એ વખતે કૉલેજોની જાહેરાતો આવવા માંડી. મેં અમદાવાદની સેંટ ઝેવિયર્સમાં અરજી કરી. કેમ કે એ એક ખાગની કૉલેજ હતી અને ત્યાં અનામતના નિયમો લાગુ ન’તા પડતા. મને એમ કે હું એમ.એસ.માં ભણ્યો છું, મેં ભાષાવિજ્ઞાનમાં ડીપ્લોમા કર્યો છે અને સુરેશ જોષી જેવાએ ભલામણપત્રો લખ્યા છે તો મને ઇન્ટરવ્યૂમાં તો બોલાવશે જ. પણ એવું ન બન્યું. સેંટ ઝેવિયર્સે મને ઇન્ટરવ્યૂમાં પણ ન બોલાવ્યો. એ દરમિયાન બોરસદની (કે પેટલાદની? યાદ નથી) એક વરસ માટે ગુજરાતીના અધ્યાપકની જાહેરાત પડી. મેં ત્યાં પણ અરજી કરી. એ લોકોએ મને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યો. ઇન્ટરવ્યૂમાં ટ્રસ્ટીમંડળના એક વડિલ પણ હતા. એમણે મને કહ્યું કે અમારે તમને લેવા છે પણ તમારે મને લખીને આપવું પડે કે તમે એક વરસ સુધી આ નોકરી છોડીને બીજે નોકરી કરવા નહીં જાવ. કોણ જાણે કેમ મને ઝેવિયર્સની આશા હતી. એટલે મેં એમને પ્રમાણિક બનીને કહ્યું કે જો ઝેવિયર્સમાં મળશે તો હું જતો રહીશ. નહીં તો અહીં રહીશ. વડીલે મને ખૂબ પ્રેમતી કહ્યું, “તમારા જેવા હોંશિયાર માણસો એક જગ્યાએ બહુ ટકતા નથી.” એટલે એ નોકરી ન મળી. ઝેવિયર્સમાં પણ બીજું કોઈક લેવાઈ ગયું. એ જ સમયગાળા મેં સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અરજી કરેલી. ત્યાં ઇન્ટરવ્યૂ થયેલો. જસવંત શેખડીવાળા ત્યારે એ વિભાગના હેડ હતા. એમના ભત્રીજા જયેન્દ્ર શેખડીવાળાએ પણ એ જગ્યા માટે અરજી કરેલી. પણ નૈતિક કારણોથી એ ઇન્ટરવ્યૂમાં ન’તા બેઠા. એમની જગ્યાએ પ્રમોદકુમાર પટેલ વિભાગના નિષ્ણાત તરીકે આવેલા. તદ્ઉપરાંત, પ્રભાશંકર તેરૈયા પણ એક નિષ્ણાત તરીકે આવેલા. પણ ત્યાં જયેન્દ્ર શેખડીવાળાની પસંદગી થઈ. જો કે, જયેન્દ્ર શેખડીવાળા ત્યારે ચીખલીમાં અધ્યાપક હતા. એ જગ્યા ખાલી પડી. એની જાહેરાત પણ આવી. મેં એ જગ્યા માટે પણ અરજી કરી. ઇન્ટરવ્યૂ કૉલ આવ્યો. હું ગયો. જયન્ત પાઠક ઇન્ટરવ્યૂ સમિતિમાં હતા. હું ત્યાં પણ નાપાસ થયો. કોણ જાણે કેમ મને ધીમે ધીમે લાગવા માંડ્યું હતું કે જ્યાં સુધી મારે કોઈ king maker નહીં હોય ત્યાં સુધી મારો ક્યાંય મેળ પડશે નહીં. પણ સવા લાખનો પ્રશ્ન એ હતો કે સુરેશ જોષીના વિદ્યાર્થીના king maker કોણ બને? જો હું સુરેશ જોષીની ટીકા કરવા લાગું તો મારા બારણે એવા king makersની લાઈલ લાગે. પણ હું એ કામ કરવા તૈયાર ન હતો.

એ દરમિયાન બે ઘટનાઓ બની. મને લાગે છે કે મારે એ બન્ને વિશે લખવું જોઈએ. મિયાંગામ-કરણજણમાં ગુજરાતી વિષયની જગ્યા પડી. જાહેરાત આવી. મેં રાબેતા મુજબ અરજી કરી. એ જગ્યા માટે વિનોદ ગાંધીએ પણ અરજી કરી. વિનોદ ગાંધી અને હું, મેં આગલાં પ્રકરણોમાં નોંધ્યું છે એમ, સાથે ટૅલિફૉન ઑપરેટર હતા. ગોધરામાં. એ કવિ પણ હતા અને એમનાં એકબે પુસ્તકો પણ કદાચ ત્યારે પ્રગટ થયેલાં હતાં. પણ, કોઈક કારણસર એને એમ.એ.માં પચાવન ટકા ન હતા. પણ ત્યારના નિયમ પ્રમાણે એ ગુજરાતી વિષયના અધ્યાપક માટે લાયક હતો. એ ત્યારે એક હાઈસ્કુલમાં ગુજરાતી વિષય ભણાવતો હતો. એણે બી.એડ. પણ કરેલું હતું. એક દિવસે વિનોદ મને મળવા આવ્યો. કહે: બાબુ, તેં મિયાંગામ-કરઝણની કૉલેજમાં અરજી કરી છે. જો તું ઇન્ટરવ્યૂમાં ન જાય તો મારો નંબર લાગે. કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક બનવા માટે આ મારા માટે છેલ્લી તક છે. કેમ કે આવતા વરસથી સરકાર નિયમો બદલે છે અને એ નિયમ પ્રમાણે ઉમેદવારે એમ.એ.માં ઓછામાં ઓછા પંચાવન ટકા મેળવવા પડે. તારે તો ફર્સ્ટ ક્લાસ છે. તને કોઈ મુશ્કેલી નહીં પડે. મેં પૂછ્યું, “પણ, મેનેજમેન્ટ તને જ લેશે એની શી ખાતરી?” એ કહે, “હું એ લોકોને મળવા ગયેલો. એમને મારામાં રસ છે પણ કહે છે કે આ એક ભાઈ છે. એમ.એસ.ના. એમને ફર્સ્ટ ક્લાસ છે. જો એ ન આવે તો અમે તમારા વિષે વિચારીશું.” મને વિનોદની વાતમાં તથ્ય લાગ્યું ને કહ્યું, “જો તારું થતું હોય તો હું ત્યાં ઇન્ટરવ્યૂમાં નહીં જાઉં.” પછી ઇન્ટરવ્યૂ કૉલ આવ્યો પણ હું ન ગયો. એ જગ્યા પર વિનોદ લેવાઈ ગયો. મને ખૂબ આનંદ થયો. ત્યારે વિનોદ પ્રમાણમાં સારી કવિતા લખતો. એની કવિતાઓ ત્યારે ‘કવિતા’, ‘કવિલોક’, ‘કુમાર’, ‘કંકાવટી’ અને ‘નવચેતન’ જેવાં સામયિકોમાં પ્રગટ થતી. મને એના માટે ઘણું માન હતું. એણે મારા કરતાં વધારે ગુજરાતી સાહિત્ય વાંચેલું હતું. એટલે પણ મને આ ઇન્ટરવ્યૂમાં ન જવાનો કોઈ અફસોસ ન’તો થયો. સાચું પૂછો તો મને હું એક મિત્રને મદદ કરી શક્યો છું એનો ખાસ આનંદ હતો.

બીજી ઘટનાની વાત કરતાં પહેલાં એક બીજી વાત.

હવે મને ખાતરી થઈ ગઈ હતી કે મને ક્યાંય ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી મળશે નહીં. એટલે એક રાતે મેં વિચાર્યું. એમ. એસ. યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાન વિભાગમાં અધ્યાપકની બે જગ્યાઓ ખાલી છે. જો હું ભાષાવિજ્ઞાન સાથે એમ.એ. કરું અને જો એ બે જગ્યાઓ ભરાય નહીં તો મને ત્યાં નોકરી મળી શકે. એ દરમિયાન મને ભાષાવિજ્ઞાનમાં પણ વિશેષ રસ પડવા માંડ્યો હતો. હું સાહિત્ય ઓછું અને ભાષાવિજ્ઞાન વધારે વાંચતો હતો. એટલે એક દિવસે હું ભાષાવિજ્ઞાન સાથે એમ.એ. કરવા માટે ફૉર્મ ભરીને એના પર હસ્તાક્ષર કરાવવા માટે ભાષાવિજ્ઞાનના વડા ભારતી મોદી પાસે ગયો. એ મને જાણતાં તો હતાં જ. પણ એમની છાપ એવી હતી કે હું સાહિત્યનો જીવ છું. ભાષાવિજ્ઞાન મારા માટે એટલું મહત્ત્વનું નથી. આ બાજુ સાહિત્યકારો અને મારા સાહિત્યના ગુરુઓ એવું માનતા હતા કે હું ભાષાવિજ્ઞાનનો જીવ છું. સાહિત્ય મારા માટે ગૌણ છે. હું બરાબરનો ફસાઈ ગયો હતો. કોણ જાણે કેમ ભારતીબેને મને પ્રવેશપત્ર પર હસ્તાક્ષર તો કરી આપ્યા પણ એ પહેલાં એમણે મને ભાત ભાતની બાબતમાં ખખડાવેલો. એમને ગુજરાતી પ્રજાના stereotypes ની ખબર હતી. સૌ પહેલાં તો મને મારા અંગ્રેજી ભાષાના જ્ઞાન માટે ખખડાવેલો. ત્યાર પછી મને દરેક બાબતમાં અનૌપચારિક રહેવા બદલ ખખડાવેલો. પણ, હું સુરેશ જોષીનો વિદ્યાર્થી હતો એને કારણે એમને મારા માટે જરાક માન હતું ખરું. ભાષાવિજ્ઞાન વિભાગમાં પ્રવેશ લીધા પછી હું સુરેશ જોષીને મળવા ગયેલો. મેં કહેલું: હું ભાષાવિજ્ઞાનમાં એમ.એ. કરવા માગું છું. મેં પ્રવેશ લઈ લીધો છે. કોઈ માણસ પોતાના સંતાનને દરિયામાં ડૂબતો જુએ ત્યારે એના ચહેરા પર હોય એવી લાચારી સાથે એ મારી સામે જોઈ રહેલા. મેં કહેલું: હું તમને વચન આપું છું હું સાહિત્યનું કામ પણ કરીશ. એ વચનનું હું હજી પણ પાલન કરી રહ્યો છું.

ભાષાવિજ્ઞાન વિભાગનાં વર્ષો વિશે હવે પછીના કોઈક પ્રકરણમાં વાત કરીશ. પણ એ પહેલો પેલા બીજા બનાવની વાત.

ભાષાવિજ્ઞાન વિભાગમાં પ્રવેશ મેળવ્યા પછી હું લગભગ રોજ બપોરે ગુજરાતી વિભાગમાં જતો. અધ્યાપકોને મળતો. વાતો કરતો. ભારતી મોદીને આ જરા પણ ગમતું ન હતું તો પણ. ત્યારે સિતાંશુ યશશ્ચંદ્ર ગુજરાતી વિભાગના વડા હતા. એ પણ ક્યારેક મળતા. પણ એ જ્યારે મારા ભણી જોતા અથવા તો વાત કરતા ત્યારે એ ભૂલી શકતા ન હતા કે હું સુરેશ જોષીનો વિદ્યાર્થી છું. એમને સુરેશ જોષી માટે ખાસ માન ન હતું. કદાચ તેજોદ્વેષ. જે કંઈ કહેવું હોય તે. પણ મારું ભાષાવિજ્ઞાનનું પહેલું વર્ષ પૂરું થયું ત્યારે ગુજારતી વિભાગમાં એક Teaching Assistantની જગ્યા પડેલી. સિતાંશુભાઈ એ જગ્યા પર એમના એક વિદ્યાર્થીને લેવા માગતા હતા. કોણ જાણે કેમ એમને એવો ડર લાગેલો હું પણ એ જગ્યા માટે અરજી કરીશ તો મને નકારવાનું કામ જરા અઘરું બની જશે. એટલે એમણે એ Teaching Assistantની જગ્યા માટે લોકસાહિત્યમાં specialization માગેલું. એમને ખબર હતી કે એમના વિદ્યાર્થીએ લોકસાહિત્યમાં કામ કરેલું હતું. Teaching Assistant જેવી સામાન્ય પોઝિશન માટે યુનિવર્સિટીએ specialization માગ્યું હોય એવો એ સૌ પ્રથમ બનાવ હતો. જો કે, હું એ જગ્યા માટે અરજી કરવાનો ન હતો. મેં મારું ભાષાવિજ્ઞાન સાથેનું એમ.એ. પૂરું કરવાનો નિર્ણય લઈ લીધો હતો અને એ સાથે મેં ગુજરાતી વિષયના અધ્યાપક બનવાની મારી ઇચ્છા પર પણ ચોકડી મારી દીધી હતી. હું હવે સાંજે ‘સંદેશ’માં જતો, રાતે પાછો આવતો, સવારે નવેક વાગે પુસ્તકાલયમાં આવી જતો. વાંચતો ને ભણતો.

Advertisements

નીલે ગગન કે તલે – ૫ (મધુ રાય)-ઘણાને ખબર નહીં હોય કે…

ઘણાને ખબર નહીં હોય કે…..

બે દિવસ પહેલાં એક સમાચારની ટીકડી જોયેલી કે ‘વેન્ડી’ નામની ફાસ્ટ ફૂડ ચેઇનના અમુક સ્ટોરોમાં વેજિટેરિયન બર્ગર મળવાનું શરૂ થયું છે. મેકડોનાલ્ડ, બર્ગર કિંગ જેવી મહાકાય ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટોમાં તો ઘણા વખતથી વેજિબર્ગર મળે છે. હવે વેન્ડીના સમાચારની આ ચાર લીટીની ટીકડીથી ગગનવાલાના મનગગનમાં આશાની આંધી આવી કે હાલો, હાલો, હવે સતયુગ આવી ગયો, કે તૈયારીમાં છે.

ગગનવાલા શુદ્ધ શાકાહારમા માને છે અને પ્રાણીઓને મારીને એમની ટાંગટુંગ ખાવાના વિરોધી છે. મરઘીના બચ્ચાને ખાવું તે માણસના બચ્ચાને ખાવા જેટલું અવિચારી કૃત્ય ગણે છે. ગગનવાલા ઝનૂનપૂર્વક માને છે કે પ્રાણીઓ માણસ કરતાં ઓછાં બુદ્ધિમાન છે, એમને બાળક જેવાં ગણીને સ્નેહ કરવો જોઈએ તેમ જ રક્ષણ આપવું જોઈએ. એમને મારીને, પીડીને માણસ અમન ચમન કરે તે અનૈતિક છે.

ઘણાને ખબર નહીં હોય કે—ગગનવાલાને તો નહોતી જ ખબર કે—ખ્રિસ્તી ધર્મનો પ્રારંભ શાકાહારના આચરણથી થયો હતો. ધર્મના બંને પવિત્ર ગ્રંથો, ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યુ ટેસ્ટામેન્ટમાં  જીવો પ્રત્યે અનુકંપાનો આદેશ છે. આજના અમેરિકા, યુરોપના ખ્રિસ્તી સમાજને જોતાં બિલકુલ માનવામાં ન આવે! બાઇબલમાં કહેવાયું છે કે મનુષ્ય અને મનુષ્યેતર જીવોમાં ‘આનિમા’ અર્થાત આત્મા વસે છે, અને તે સર્વે જીવો અને મનુષ્યો સૃષ્ટિના પ્રારંભથી શાકાહારી હતા. બાઇબલના કેટલાક વ્યાખ્યાકારો કહે છે કે ઈડન ઉદ્યાનમાં આદમ અને ઈવને ભગવાને શાકાહારનો ઉપદેશ આપેલો (જેનેસિસ ૧:૨૯), “અને ભગવાન બોલ્યા, મેં તમને વનસ્પતિ, વૃક્ષ અને લતા બક્ષ્યાં છે અને તે દરેકમાં તેનાં ફળ, તથા તે દરેક ફળમાં તેનું બીજ છે, જે સર્વ તમારા આહાર માટે છે.” તે પછી મહાપ્રલય થયો અને તેમાં વનસ્પતિ નાશ પામી હોવાથી પ્રભુએ અનિચ્છાપૂર્વક થોડા સમય પૂરતી માણસને માંસ ખાવાની છૂટ આપી પણ લોહીની મનાઈ કરી કેમકે લોહી તે જીવન છે. શાકાહારમાં માનતા ખ્રિસ્તીઓ કહે છે માંસની છૂટ ફક્ત મર્યાદિત સમય માટે હતી, કાયમી નહોતી. અને જીવતા પ્રાણીની નસ કાપીને તેનું લોહી વહેવડાવી દેવાથી કાંઈ તેનું માંસ ખાઈ શકાય એવું પરમાત્માએ કહ્યું નથી. કોઈપણ પ્રાણીના શરીરમાંથી તમામ લોહી દૂર કરવું સંભવ જ નથી. દસ આદેશોમાં, ટેન કમાન્ડમેન્ટ્સમાં, કહ્યું જ છે કે “તું જીવ હિંસા કરીશ નહીં.” એમાં અમુક પ્રાણીની હિંસા થાય ને અમુકની નહીં એવું કાંઈ કહ્યું નથી. “એક બળદને કતલ કરો તે માણસને કતલ કર્યા બરોબર છે(ઇસાઇયાહ ૬૬:૩).” આમ છતાં મોઝેઝ દાદાએ અમુક પાપના પ્રાયશ્ચિત્ત તરીકે અમુક પ્રાણીનું બલિદાન આપવાની છૂટ આપી હતી. એવા પ્રાયશ્ચિત્ત માટે કયા પ્રાણીનું બલિદાન કરાય તે પણ નિશ્ચિત કરાયું છે. અમુક અવસરે ઘેટાનો ભોગ આપવાનું કહેવાયું છે, જેને નિર્દોષ બલિ કે ‘એગ્નસ ઓફ ગોડ’ (ઈશ્વરનું લાડકું) કહેવાય છે, જે પછીથી ઇસુ ખ્રિસ્તનું પ્રતીક બન્યું કેમકે કે ઇસુ મસીહએ પણ બલિદાન આપેલું.

ઘણા ખ્રિસ્તીઓ શ્રદ્ધાથી કે સિદ્ધાન્તથી અથવા તબીબી કે આધ્યાત્મિક કારણોસર શાકાહાર પાળે છે, અને કેટલાક તો દૂધ કે પ્રાણીજન્ય કશુંય ન વાપરવાની ચરી પાળે છે જેને ‘વિગનિઝમ’ કહેવાય છે. ખ્રિસ્તી ધર્મમાં પણ, હિંદુ ધર્મની જેમ અગણિત શાખાઓ, ફાંટાઓ અને ફિરકાઓ છે. અગાઉ આ પાનાંમાં જણાવેલું તેમ, તેમાંની બાઇબલ ક્રિશ્ચિયન ચર્ચ શાખાના ગુરુ વિલિયમ કાવહર્ડે ૧૮૦૯માં તેમ જ સેવન્થ–ડે એડવેન્ટિસ્ટ પંથનાં વડવા એલન જી. વ્હાઇટે ૧૮૦૯માં વિશ્વના પ્રથમ શાકાહારી સમાજની સ્થાપના કરેલી. આજે પણ અમુક પંથ સંચાલિત હોસ્પિટાલોમાં માંસાહારનો નિષેધ છે.
‘મોરમોન’ તેમ જ ‘ક્વેકર’ તરીકે ઓળખાતા ખ્રિસ્તી પંથો પણ માંસની પરહેજ રાખે છે. મોરમોનની ધર્મપોથીનો આદેશ છે કે “જમીન ઉપરનાં પ્રાણી અને આકાશનાં પંખીનું માંસ ન ખાઓ તો ભગવાન રાજી થશે, હેમાળામાં, કે દુકાળમાં જ ન છૂટકે ખાવું.”

રોમન કેથલિક પંથના અમુક ફાંટા કઠોર શાકાહારી છે. ‘રાસ્તાફેરિસ’ કહેવાતા ખ્રિસ્તીઓ માને છે કે માંસને અડકવું તે મોતને અડકવા બરાબર છે. ‘લેન્ટ’ નામના ખ્રિસ્તી તહેવારમાં મિડલ ઇસ્ટના ખ્રિસ્તીઓ ૪૦ દિવસ સુધી શાકાહારી ભોજન જમે છે. ખ્રિસ્તી પરંપરામાં બુધવારે અને શુક્રવારે માંસ ખાવાનો નિષેધ છે કેમકે બુધવારે જુડાસ નામના શિષ્યે ઇસુનો દ્રોહ કરેલો અને શુક્રવારે ઇસુને સલીબ ઉપર ખિલ્લા મારીને જડી દેવાયેલા.

લિબરલ કેથોલિક મૂવમેન્ટ શાકાહારનો મહિમા કરે છે. મહાન વિચારકો લિઓ તોલ્સતોય (ચિત્રમાં), રોમાં રોલાં, બર્નાર્ડ શો, એની બીસન્ટ શાકાહારી હતા. એક્ટ્રેસ જૂલી ક્રિસ્ટી, અને એક્ટર (વિન્ક વિન્ક) બિલ ક્લિન્ટન, બ્રેડ પિટ, લિઓનાર્દો દિકાપ્રિયો, અને બીજા મહાન ખ્રિસ્તીઓ શાકાહાર કરે છે. જૈન, વૈષ્ણવ, બૌદ્ધ, શીખ ધર્મોમાં શાકાહારનો જ મહિમા છે. યહૂદી ધર્મમાં પણ શાકાહારની જ ભલામણ છે એવા ઘણા યહૂદી ધર્મગુરુઓનો મત છે.

કશાય વિષયના જ્ઞાતા હોવાનો દાવો ગગનવાલાનો નથી. નતનયને ગગનવાલા પોતાની મૂઢમતિ સ્વીકારે છે. ઉપરની માહિતી ઇન્ટરનેટ ઉપરથી તારવેલી છે, મૂળ ગ્રંથોને નજરે જોયા નથી. ગગનવાલાની ખોપરીમાં ખખડતાં અનેક ભૂતોમાં એક છે, જીવદયાનું. તે વિષયની સતત ખોળના દૌરમાં જ્યારે જ્યારે આવી માહિતી આંખે ચડે ત્યારે ત્યારે વાચકોને કહેવા તલપાપડ થાય છે, અને આજે એવો જ એક અવસર છે. માહિતી આપવાની ભાવના શદ્ધ છે. જાણીજોઈને કોઈની લાગણી દુભાવવાની ખંધાઈ કદાપિ હોતી નથી. કોઈપણ આદર્શ કે સિદ્ધાન્ત કરતાં પણ ગગનવાલા માણસને ઊંચો સમજે છે. પણ પશુઓને માણસ કરતાં નીચા સમજતા નથી. જય બજરંગ બલી!

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ ૬

 

પ્રકરણ: અલવિદા

   રાતના સાડા દસ વાગ્યા હતા, ૧૮, સપ્ટેમ્બર, ૧૯૭૮ની રાત જાણે પગડંડો જમાવીને બેસી ગઈ હતી. સૂરજ તો આથમી ગયો હતો પણ વેરણ રાત આટલી લાંબી હોઈ શકે એની પ્રતીતિ, પપ્પાના મૃત્યુની એ રાત પછી પહેલી વાર થઈ! આટઆટલા વર્ષો પછી પણ “રાત મને નથી ગમતી” ની ટેગ લાઈન એની એ જ રહી છે! હું અમારા બેડરૂમની રીક્લાઈનર પર બેઠી અને ફરી પહોંચી ગઈ, એ જ ભૂતકાળ વાગોળવાની સ્પાઈરલમાં! આ સ્પાઈરલમાંથી નીકળવાનું, જો મનસૂબો કરી લીધો હોય તો, તો, ખૂબ જ સહેલું હતું પણ આ અંતરમન ક્યાં નીકળવાયે માંગતું હતું?

********

       દિલીપ જ્યારે, એના ઘરથી, ડિનર પછી મને ઘરે મૂકવા આવ્યો હતો, ત્યારે, એક એવી નિજાનંદી અચેતન અવસ્થામાં હતો, જેમાં હું અને એ સાથે હતાં અને સદા માટે સાથે રહેવાના હતાં. પણ, જ્યારે અમારા ઘરેથી પાછો, એના ઘરે જવા નીકળ્યો, ત્યારે, એની મનોદશાની મને કલ્પના કરતાંયે બીક લાગતી હતી. એમાં એના ગયા પછી મમ્મી રડી પડી હતી, પપ્પાને યાદ કરીને. મમ્મીને આશ્વાસન તો આપ્યું અને શાંત પણ કરી. ત્યારે, મનેય ખરેખર એકવાર તો એવું થઈ ગયું હતું કે જો પપ્પા હયાત હોત તો અદાએ જે કારણો, મારા અને દિલીપના વિવાહ ન કરવા બદલ આપ્યા હતા, તે શું આપ્યા હોત? અંતે, આ તો એક હાઈપોથેટિકલ સવાલ બનીને રહી ગયો હતો, જેનું વેરીફીકેશન તો આ જનમે શક્ય જ ન હતું. એ રાતના મમ્મી, દિલીપ અને હું, અમે ત્રણેય, અમારી આગવી રીતે અને આગવા કારણોસર, વાત તો એક જ વિચારતા હતાં કે, ખરેખર, “આ શું થઈ ગયું?”

       બીજે દિવસે, સવારે, સાડા સાત વાગે, ઋચાનો ફોન આવ્યો, “માય સ્વીટ હાર્ટ, શું થયું, જલદી જલદી બોલ! મારો તને સ્વીટ હાર્ટ કહેવાનો હક ક્યારે પૂરો થાય છે? ગઈ કાલની સાંજની વાત કર! હું તો આખી રાત નથી સૂતી!” હું શાંતિથી બોલી, “હું પણ!” પછી જરાક અટકીને બોલી, “આઈ નીડ યુ. તું આવી શકીશ હમણાં જ?” મારું ન લીધેલું ડૂસકું ઋચાને સંભળાઈ ગયું.  ફોનમાં, ઋચાનો ચિંતાગ્રસ્ત અવાજ સંભળાયો, “સુલુ? તું ડૂસકાં ભરી રહી છે? ઓ માય ગોડ, હું આવું છું!” પાંચ મિનિટમાં તો ઘરના કપડે ઋચા આવી ગઈ. ઋચા આવે ત્યારે એ અચૂક અમારા ઘરના દરવાજાની બે-ત્રણ ઘંટડી એકસાથે મારતી. દર વખતે દરવાજો ખોલતાં મમ્મી કહેતી, “ઋચા, તું થનગનતી ઘોડી અથવા તો વાવાઝોડું બનીને આવે! તારો આ થનગનાટ અને તોફાની હવાના આસાર દરવાજાની ઘંટડીમાં પણ વર્તાય!”  તે દિવસે, નોર્મલ ડોરબેલ વાગી તો મમ્મી દરવાજો ખોલવા ઊભી થઈ, જાણે સ્વગત બોલતી હોય, “પાર્વતીબાઈને કેટલી વાર કીધું કે બહાર જાઓ તો ચાવી લઈને જાઓ, પણ નહીં, એને યાદ ન કરાવો તો એમ જ જશે!” પછી મારા તરફ ફરીને કહે, “ને, તું! સાંભળે છે ડોરબેલ પણ સોફા પરથી ઊઠે એ બીજા!” એણે બડબડ કરતાં દરવાજો ખોલ્યો, ને, ઋચાને જોઈ શબ્દો અનાયસે સરી પડ્યાં, “અરે, તું?” પછી, દરવાજાની બહાર જઈ, ડોરબેલ ઉપરાઉપરી દબાવી, ને, પછી કહ્યું, “ચાલે તો છે, કેમ…” ને ઋચા મમ્મીને કહે, “માસી, સોરી, પછી વાત કરું!” અને ફર્લાંગ મારીને, ઋચા પાસે આવી, મને ટાઈટ હગ આપીને, મારો ખભો થપથપાવતી રહી, એકાદ મિનિટ માટે! અમે સોફા પર બેઠાં.  હું રડી પડી. ત્યાં જ મમ્મીએ આવીને કહ્યું, “અરે, શું બદલ્યું છે? બેઉ ઘરના સંબંધો પણ એમના એમ રહેશે, દિલીપ અને તારી મૈત્રી પણ એમની એમ છે! કઈં જ નથી બદલ્યું, બેટા! ” કાલે તેં જ તો મને હિંમત આપી, મારી બહાદુર દિકરી!”  મમ્મી પાસે આવીને બેઠી. મેં મમ્મીના ખોળામાં માથું મૂક્યું.  ઋચા પણ ગંભીરતાથી બોલી, “મમ્મી, મને પણ તમારા ખોળામાં માથું મૂકીને રડવું છે! મારા માટેય કઈં બદલાયું નથી, આ સુલુ હવે આમની આમ મારા માથે રહેશે! હવે મારું શું થશે મમ્મી?” અને, અમે ત્રણેય હસી પડ્યાં. મમ્મી ઊભી થઈ અને ઋચાને પૂછ્યું, “નાહ્યા વિના આમ જ નાઈટ ડ્રેસમાં આવી છે પણ બ્રશ કર્યું છે કે નહીં? ન કર્યું હોય તો બ્રશ આપું? હું ચા-નાસ્તો બનાવવા જાઉં છું તમારા બેઉ માટે!” જવાબમાં ઋચાએ પોતાના હાથ પર ઉચ્છશ્વાસ છોડીને, એ હાથ મારા તરફ લંબાવીને કહ્યું, “આઈ થીંક સો કે બ્રશ તો કર્યું છે! ચા-નાસ્તો વીલ બી ફેન્ટાસ્ટીક.” હું એનો હાથ પાછો ધકેલતાં બોલી,”છી, મને નથી સૂંઘવો તારો હાથ!!” મમ્મી અંદર ચા-નાસ્તો બનાવતી હતી, ત્યારે,   મેં ઋચાને, ગઈ કાલની વિગતે વાત કરી. સાથે, એ પણ કહ્યું, કે, “દિલીપે મમ્મીને મારી સામે કહ્યું કે સુલુ જો કહેશે કે હું એની સાથે લગ્ન કરું તો કોઈ પણ પરવા કર્યા વિના હું એની સાથે લગ્ન કરીશ! બસ, ઋચા મારા માટે આટલું જ બસ છે!” ઋચા માથે હાથ ઠોકીને બોલી, “મને ખાત્રી જ હતી કે હું નહીં હોઉં તો, દિલીપ અને તું, બેઉ વેદિયાપણાની, આઈડિયોલોજીમાં અટકી જશો! હે ભગવાન, શું થશે આ લોકોનું! હું હોત તો અદા સાથે જાતે આરગ્યુ કરત!”. મેં એને માથે ટપલી મારી અને કહ્યું, ”મમ્મીની બૂમ પડે તે પહેલાં ચાલ અંદર ચા પીવા!”

ત્યાં જ ફોનની ઘંટડી વાગી, “મેં ફોન ઉપાડ્યો. સામે છેડે અદા હતા. “અરે મારી વ્હાલી દિકરી, જલદીથી ફોન આપ તારી મમ્મીને! મારે સારા સમાચાર આપવાના છે!” એમના અવાજની ખુશીએ જાહેર કરી દીધું કે શું સમાચાર હશે. મેં રિસીવર પર હાથ મૂકીને બૂમ પાડી, “મમ્મી તારો ફોન છે!” રસોડામાંથી મમ્મી આવી, એને ફોન આપી હું કઈં પણ ન બન્યું હોય એમ અંદર ગઈ ને ઋચાને કહ્યું, “તારા જેવી ભૂખડ જોઈ નથી. બે મિનિટ રાહ ન જોઈ શકત? મારા વિના ખાવા-પીવાનું ચાલુ કરી દીધું?” ત્યાં જ મમ્મી આવી અને નોર્મલ ટોનમાં બોલી, “બે દિવસ [પછી દિલીપની સગાઈ છે. ધાજીને ઈંદિરાને જે આપવું છે એની ખરીદી માટે મદદ જોઈએ છે, તો, સુલુ, તૈયાર થઈ જા.” અને પછી ઋચા તરફ ફરીને કહે, તું કઈં ન કરતી હોય તો આવ સાથે.” ઋચા બોલી, “માસી આ તો તમે છો ને એટલે પૂછ્યું. સુલુડીને તો મારી કદર જ ક્યાં છે? હું ખાઈને ઘરે જઈ તૈયાર થઈને તરત આવું છું.”

******

સમય વિતતો ગયો. બે દિવસમાં દિલીપની સગાઈ ઈંદિરા સાથે થઈ ગઈ. એપ્રિલના એન્ડમાં દિલીપની ફાઈનલ પછી, લગ્ન લેવાનું નક્કી થઈ ગયું. સગાઈના દિવસે, ઈંદિરાની સાથે દિલીપે ઓળખાણ કરાવતાં કહ્યું, “ઈંદિરા, મીટ સુલુ, માય બેસ્ટ ફ્રેન્ડ.” ઈંદિરા જરાક હસી. મેં ઋચાની ઓળખાણ કરાવી, “ઈંદિરારાભાભી, આ ઋચા, અમારા બેઉની બેસ્ટ ફ્રેન્ડ.” પણ માત્ર થોડું હસીને ઈંદિરા શરમાઈને બેઠી રહી. મેં ઈંદિરાને કમફર્ટેબલ બનાવવા, દિલીપના ચાઈલ્ડહુડની વાતો કરી પણ ઈંદિરા ખૂબ શરમાળ લાગી. એ હસીને નીચું જોઈ જતી. બેઉ કુટુંબે એન્ગેજમેન્ટ, ઘરમેળે, સાદાઈથી દિલીપના ઘરે રાખ્યાં હતાં, પણ, લગ્ન ખૂબ ધામધૂમથી, એન્ડ ઓફ એપ્રિલમાં, જોધપુરમાં કરવાના હતા. સગાઈનો પ્રસંગ પતી ગયો. બધા મહેમાનો ગયા. મમ્મી, ઋચા અને હું બધાં જ ગયાં ત્યાં સુધી દિલીપના ઘરે હતાં. થોડી વારમાં ઋચા ગઈ. મમ્મી ને હું, બધું ઊંચકાવવા અને સામાન સરખો કરાવવા ત્યાં જ રહ્યાં. એકાદ કલાક પછી, અમે ઘરે જવા નીકળ્યાં. કેટલી બધી ના પાડી છતાંએ ધાજીએ ખૂબ મિઠાઈઓ, ફરસાણ અને લગ્ન નિમિત્તે અનેક જાતજાતની ગીફ્ટ્સ આપી હતી. મેં કહ્યું, “ધાજી, મમ્મી અને હું આટલું બધું સાથે નહીં ઊંચકી શકીએ! આજે થોડું લઈ જઈશું ને બાકી કાલે આવીને લઈ જઈશ.”

“અરે, તેમાં આટલું મૂંઝાય છે શું? જા, દિલીપ ઉપર એના રૂમમાં છે. એ સાથે આવશે આ મૂકાવા માટે.” આટલું કહીને ધાજી મમ્મી તરફ ફરીને કહે, “તમારા જ કહેવાથી, દિલીપ માન્યો છે. તમારો પાડ, હું અને દિલીપના અદા માનીએ એટલો ઓછો છે.” આટલું બોલીને એમની આંખમાં આવેલાં ઝળઝળિયાં લૂછતાં, એમણે મમ્મીનો હાથ પકડી લીધો. મમ્મીની પોતાની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં હતાં ને એમણે ધાજીને કહ્યું, “મારો દિકરો જ છે, દિલીપ!” મારી આંખો પણ ભીની થઈ હતી, પણ, અમારા ત્રણેયની ભીની આંખોનું કારણ જુદું હતું. હું દિલીપને બોલાવવા ઉપર ગઈ અને દિલીપને કહ્યું, “ચાલ, ઊભો થા અને ઈંદિરાના સપના જોવાનું કર બંધ હમણાં પૂરતું! મને અને મમ્મીને મૂકવા આવવાનું છે. ધાજીએ મમ્મીને અને મને સાડી, મને નવું ઘડિયાળ અને નવો ટ્રાન્ઝિસ્ટર આપ્યું છે અને કેટલી મિઠાઈઓ! ચાલો સાહેબ!” દિલીપ હસ્યો અને નીચે આવતાં પહેલાં કહે, “સુલુ, ઈંદિરા કેવી લાગી? તારો શું અભિપ્રાય છે?” હું હસીને બોલી, “સાહેબ, લગ્ન તમારે કરવાના છે. મારે નહીં! ચાલ, હવે!” અને હું આગળ થઈને દાદરા ઊતરવા માંડી. મારી પાછળ નીચે આવતા દિલીપ એટલું જ બોલ્યો, “આઈ ઓન્લી હોપ, મેં સાચું પગલું લીધું હોય અને હું, ઈંદિરાને ખુશ રાખી શકું!”  હું પાછળ ફરીને બોલી, “યુ વીલ કીપ હર હેપ્પી! એટ એની કોસ્ટ. યુ હેવ ટુ!” અને અમે નીચે ઊતર્યાં. દિલીપ સામાનને મૂકાવા ઘરે આવ્યો. ઘરની અંદર આવ્યા વિના, બહારથી જ કહે, “હું જાઉં છું.” ન હું બોલી કે ન મમ્મી કે એ ઘરમાં આવે પણ, હું એટલું બોલી, “દિલીપ, મારી ફાઈનલ પરીક્ષા એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં છે. હું તો લગ્નમાં નહીં આવી શકું. તુ બીગ ડીલ ન બનાવતો.” એ હસીને કહે, “સુલુ, મને ખબર છે કે તારી ઘણી પરીક્ષાઓ થઈ રહી છે પણ યુ નો વોટ? યુ આર ગોઈંગ ટુ બી ફાઈન ઇન ઓલ એક્ઝામ. એન્ડ યુ આર કરેક્ટ, હું પણ અમેરિકન યુનિવર્સીટીઓમાં એપ્લીકેશન કરવામાં બીઝી થઈ જઈશ. અને ઈંદિરા સાથે પણ રોજ વાતો કરવી પડશે તો રોજ આવવાનો સમય નહીં મળે.” અમે, અપલક, એકમેકને ન જાણે જેટલો સમય જોતાં રહ્યાં. એણે એક એવી માંગણી કરી કે જેને હું નકારી ન શકી. “સુલુ, મને ખબર નથી કે આપણે આમ હવે એકલાં કેટલું મળીશું, પણ, ક્યારેક મને મારી જિગરથી પણ પ્યારી સખી સુલુની જરૂર પડે તો, હું ફોન કોલ અથવા પત્ર લખીને બોલાવું તો એ મારી વ્હાલી સખી સુલુ, મારી પાસે આવશે, કોઈ પણ સવાલ-જવાબ કર્યા વિના. બસ, આટલું પ્રોમિસ, મારી સગાઈ, લગ્ન અને આ દેશમાંથી વિદાય લઈ અમેરિકા કાયમ માટે જવાની આખરી ભેટ રૂપે, આપ! તું આપી શકીશ મને?” મારે એને કહેવું હતું, છતાંયે બોલી ન શકી, કે, “મારા હ્રદયનો એક હિસ્સો તુ લઈને જશે તો એ હિસ્સો જ્યારે પણ તારી પાસે ધડકશે, ત્યારે, અહીં મારું બાકીનું દિલ પણ તારુ નામ લઈને ધડકતું હશે! હવે મારે બાકીની જિંદગી વહેંચાઈ ગયેલા હ્રદયને લઈને જીવવાનું છે અને જીવીશ હું!” મેં માત્ર ડોકું ધૂણાવીને “હા” પાડી. દિલીપે મારો હાથ ચૂમીને કહ્યું, “અને છેલ્લી વાત. તું, મારી સખી, સુલુને, સદા ખુશ રાખજે હં! એના હ્રદયનો એક હિસ્સો હું લઈને જાઉં છું, તો, મને તો ખબર પડી જ જશે કે એની પાસે રહી ગયેલું બાકીનું હૈયું ખુશ છે કે નહીં! સે વોટ હં??હં??”  આ સાંભળતાં જ મને થયું, કે, સાચે જ, દિલીપ અને હું, એક જ વેવલેન્ગ્થ પર હતાં? હું અને એ રડતાં હોઈએ એમ હસ્યાં. પછી, એક સાથે બોલ્યાં, “અલવિદા!”

********

       એના પછી બે-ત્રણ અઠવાડિયે અમે મળી જતાં. મમ્મી દિલીપના લગ્નની તૈયારીઓમાં ધાજીની મદદ રોજ કરાવતી. હું મારી પરીક્ષા(ઓ) માટે તનતોડ મહેનત કરવામાં પડી ગઈ. લગ્નની જાન જવાના આગલે દિવસે પણ હું ધાજી, અદા અને દિલીપને મળવા જઈ ન શકી. ધાજી મને ફોન કરી બોલાવતાં તો હું કહેતી, “ધાજી, દિલીપ એની એક્ઝામમાં અને અમેરિકન યુનિવર્સીટીમાં એડમીશન મેળવવા માટે લિખાપટ્ટી કરવામાં બીઝી છે. મારે દિલીપની મદદ વિના, એકલાં ભણવાનું છે. ખૂબ મહેનત તો કરવી પડશેને, ધાજી? કેવી રીતે આવું? મમ્મી તો આવી જ રહી છે રોજ હમણાં અને પછી જાનમાં પણ આવશે! દિલીપ અને ઈંદિરા અમેરિકા જાય પછી હું તો છું જ, અહીં, તમારી સાથે, ધાજી! અને ધાજી, લગ્નના ફોટા અને ફિલ્મ તો ઊતારવાના જ છો, બસ, પછી આપણે બેઉ, સાથે, અહીં બેસીને જોઈશું અને ખુશ થઈશું!” ધાજી શું સમજ્યાં, ખબર નથી, પણ ફોન પર એટલું જ બોલ્યાં, “દિકરી, ભગવાન તને, અભરે ભરાય એટલું સુખ આપે!

********

       દિલીપની પરીક્ષા પતી. દિલીપ અને ઈંદિરાના લગ્ન થઈ ગયાં. દિલીપને યુનિવર્સીટી ઓફ શિકાગોમાં સમર પ્રોગ્રામમાં જ એડમિશન મળી ગયું આથી એને મે મહિનાની ૧૫ તારિખ પહેલાં એને ત્યાં પહોંચી જવાનું હતું. ૨૮મી એપ્રિલે જોધપુરમાં લગન થયાં અને ૬ઠ્ઠી મેએ દિલીપ અને ઈંદિરા શિકાગો જવા નીકળવાના હતાં મારી ફાઈનલ્સ ૭મી મેએ પૂરી થતી હતી. મેં ફોન પર જ દિલીપ અને ઈંદિરાને વીશ કરી લીધું અને ઔપચારિક વાતો કરીને ફોન મૂકતી હતી, ત્યારે,

દિલીપ એટલું જ બોલ્યો, “થેંક યુ, દોસ્ત! મને આપેલું પ્રોમિસ યાદ રાખજે. બસ!” એણે જવાબની રાહ જોયા વિના ફોન મૂકી દીધો. દિલીપ અને ઈંદિરા અમેરિકા ઊપડી ગયાં

*******

(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)

 

 

 

 

 

ચિત્રકળા-૩ (પી. કે. દાવડા)-પેપર ઉપર પેન્સીલના ચિત્રો

પેપર ઉપર પેન્સીલના ચિત્રો

ચિત્રકામ માટે અનેક પ્રકારની પેન્સીલ વપરાય છે, જેમાં ગ્રેફાઈટની પેન્સીલ મુખ્ય છે. ગ્રેફાઈટ પેન્સીલ અનેક પ્રકારની હોય છે, જેને હાર્ડનેસ અનુસાર નામ આપવામાં આવે છે, જેમકે H પેન્સીલ કરતાં 2H વધારે હાર્ડ હોય છે. નરમ ગ્રેફાઈટવાળી પેન્સીલોને બ્લેક રંગ માટે B ની સંજ્ઞા આપવામાં આવી છે. B કરતાં 2B વધારે નરમ અને વધારે કાળાશવાળી હોય છે. નરમ પેન્સીલો 6B સુધી વપરાય છે.

વધારે જાડી રેખાઓ દોરવા ગ્રેફાઈટ સ્ટીક્સ વપરાય છે. આવી સ્ટીક્સનો ઉપયોગ બેકગ્રાઉન્ડ દર્શાવામાં ઉપયોગી થાય છે.

પેન્સીલમાં બીજો પ્રકાર ચારકોલ પેન્સીનો છે. કોલસાને ખૂબ દબાણ આપી તૈયાર કરવામાં આવે છે. ચિત્ર દોરવામાં ગ્રેફાઈટ કરતાં વધારે નરમ અને વધારે કાળાશવાળું હોવાથી ઘેરા કાળા રંગના ચિત્રો માટે વધારે વપરાય છે. ગ્રેફાઈટ પેન્સીલ કરતાં હલકા હાથે ચિત્ર દોરી શકાય છે.

પેન્સીલમાં ત્રીજો પ્રકાર એટલે રંગીન પેન્સીલો. મીણ જેવા પદાર્થમાં રંગો મેળવી પેન્સીલો તૈયાર કરવામાં આવે છે. આવી પેન્સીલોથી રંગીન ચિત્રો તૈયાર કરવામાં આવે છે.

ગ્રેફાઈટ પેન્સીલથી ચિત્રકામ કરવાનો એક ફાયદો છે કે તમે રબરની મદદથી તમારી ભૂલ સુધારી શકો છો. ચારકોલ અને રંગીન પેન્સીલોમાં સગવડ નથી.

મોટાભાગના ચિત્રકારો પહેલા હળવે હાથે ઝાંખી પેન્સીલથી પોતાના મનના વિષયની રૂપરેખા કાગળ ઉપર તૈયાર કરે છે, અને ત્યારબાદ અલગ અલગ પ્રકારની પેન્સીલનો ઉપયોગ કરી ચિત્રને મૂર્ત સ્વરૂપ આપે છે.

એક અગત્યની વાત એવી છે કે કઈ પેન્સીલ વાપરવી એનો આધાર કઈ ક્વોલીટીનો કાગળ વાપર્યો છે એના ઉપર પણ હોય છે. ખૂબ લીસ્સા પેપર ડ્રોઈંગ કરવા માટે બહુ ઉપયોગી થતા નથી.

હવે આપણે દરેક માધ્યના નમૂના જોઈએ.

કાગળ અને પેન્સીલનું સુરેખ ચિત્ર

 

કાગળ ઉપર પેન્સીલથી એક કુદરતનો નઝારો

રંગીન પેન્સીલોનો ઉપયોગ

પેપર ઉપર પેન્સીલ સાથે રબ્બરનો ઉપયોગ દર્શાવતો એક ઉત્તમ નમૂનો

 

મને ખબર નથી (સરયૂ પરીખ)

(મનુષ્ય સ્વભાવ, બીજાની વાતો જાણી પછી થોડું ઉમેરી ઘણા લોકોને કહે. એમને કોઈ સમજદાર અને શાંત વ્યક્તિ સાથે વાર્તાલાપ થાય ત્યારે કેવો જવાબ મળે છે. વિચારોના વમળાટ અને અસ્ખલિત વાણીને રોકતો નમ્રભાવ, ‘મને ખબર નથી’. આ વાક્ય પાછળ ઘણી શાંતિ દોરવાય છે. કારણ આગળ ખાસ કોઈ ચર્ચા લાંબી ચાલી ન શકે.)

મને ખબર નથી

પ્રશ્નો પૂછીને બધું જાણું, થોડું લૂણ ઉમેરીને સુણાવું,

ખબરો સજાવીને લાવું, મને જાણ છે કહીને ફુલાવું.

હળવી હકીકતના ચક્રમાં, તમાશાના તેલને મિલાવી,

 નિર્મળ એ નીરને ચુગલીની છાલકે ગહેરા રંગોથી ડહોળાવું.

કહો વાત શું હતી, શું થયું’તું? ઊડતી અફવા જે મળી’તી,

વાગી  શરણાઈ પછી  ઓચિંતી વાત ક્યમ ટળી’તી!

ધીમે કહેજો રે મારા કાનમાં જાણી મને પોતાની આપની,

પોરસાઈ મારે કહેવાય મને એ બધી બાતમી મળી હતી.

પણ, શાંતીના દુત સમા, નમણું હસીને તમે ના ભણી,

ને એટલું જ કીધું કે હું બેખબર હતી એ ખબરથી.

મતવાલી વાણીને દઈને નિરાંત કહે, બેસો મીઠેરા ભાવથી,

ખાલી સમયના પાને લખો સખી, સાદા શબ્દો ‘મને ખબર નથી’.

એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૭ (નટવર ગાંધી)-તેમાં હું લગ્ન કરીને બેઠો! 

પ્રકરણ ૧૭તેમાં હું લગ્ન કરીને બેઠો! 

મુંબઈમાં મારી એકલતા ટાળવા હું ઘણી વાર શનિ-રવિએ મારા મામા-મામીને ત્યાં વિલે પાર્લામાં જતો.  એમનું ઘર નાનું, બે જ ઓરડીનું, પણ મારે માટે હંમેશ ઉઘાડું. બન્ને અત્યન્ત પ્રેમાળ અને ઉદાર દિલના. એમનો મારે માટે પ્રેમ ઘણો.  શનિવારે જાઉં, રાત રોકાઉ, રવિવારે સાંજના પાછો પેઢીમાં.  મામાની બાજુમાં એક વોરા કુટુંબ રહેતું હતું–ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો.  મોટા ભાઈ પરણેલા, એટલે ભાભી અને એમનાં ત્રણ સંતાનો, એમ બધા બે ઓરડીમાં રહેતા.  બે બહેન પરણીને સાસરે હતી. એક હજી કુંવારી, એનું નામ નલિની.  એને મામીની સાથે બહુ બનતું. એ મોટા ભાગે મામીને ઘરે જ પડી પાથરી રહેતી.  મુંબઈની ચાલીઓમાં બારી બારણાં તો રાતે જ બંધ થાય, આખો દિવસ ઉઘાડાં હોય. પાડોશીઓની એક બીજાના ઘરમાં આખોય દિવસ અવરજવર થયા કરે.  જયારે હું મામા-મામીને ત્યાં જતો ત્યારે વોરા કુટુંબની અને ખાસ તો નલિનીની ઓળખાણ થઇ.  મને એ ગમી ગઈ.

કોલેજનાં વરસો દરમિયાન કોઈ છોકરી સાથે મૈત્રી બાંધવાની કે પ્રેમ કરવાની વાત તો બાજુમાં રહી, હું એવી કોઈની ઓળખાણ પણ ન  કરી શક્યો. ત્યારે મારી ઉંમર વીસેક વરસની હતી. મારા જુવાનજોધ શરીરની નસેનસમાં વીર્ય ઉછળતું હતું. અને મારી જાતીય ઝંખના દિવસે દિવસે તીવ્ર થતી જતી હતી.  જિંદગીમાં હજી સુધી તો કોઈ યુવતીનો સ્પર્શ પણ નહોતો કર્યો.  મારી પ્રેમપ્રવૃત્તિ માત્ર કવિતા પૂરતી જ હતી.  મોટા ભાગના ગુજરાતી કવિઓની જેમ મારી છંદોબદ્ધ કવિતામાં જે પ્રેમિકા આવતી હતી તે માત્ર કલ્પના મૂર્તિ જ હતી. મેટ્રો કે ઈરોસ જેવા થિયેટરમાં હોલીવુડની ફિલ્મોમાં ગમે તેમ છૂટછાટ લેતી રૂપાળી અભિનેત્રીઓ જોઇને હું આભો બની જાતો.  મેટ્રોમાં લગભગ દર રવિવારની મેટિનીમાં જાઉં.  જે કોઈ મૂવી હોય તેમાં બેસી જાઉં.  એ દોઢ બે કલાક તો કોઈ નવી જ દુનિયામાં પહોંચી જાઉં.  પણ થિયેટરમાંથી બહાર નીકળતાં જ મને મુંબઈની મારી કપરી પ્રેમવિહોણી વાસ્તવિકતાનું ભાન થાય, અને હું ભયંકર હતાશા અનુભવું.

ધીમે ધીમે મને સમજાતું ગયું કે મારા ભાગ્યમાં કોઈ રૂપાળી, પૈસાપાત્ર કુટુંબની કે ભણેલ ગણેલ મુંબઈની છોકરી નથી લખી.  એવી છોકરીને મુંબઈ છોડીને ક્યાંય બીજે નથી જવું ગમતું.  એટલું જ નહી મુંબઈમાં રહેવા માટે એને ફ્લેટ જોઈએ. તે પણ દૂરનાં પરાંઓમાં નહીં.  પ્રોપર મુંબઈમાં હોય તો જ એ વિચાર કરે.  મારી પાસે ફ્લેટ શું, સમ ખાવા પૂરતી એક નાનકડી ઓરડી પણ નહોતી.  નોકરી પણ મૂળજી જેઠા મારકેટની!  આવા મારા હાલ હવાલ જોઇને, કોણ મને છોકરી આપવાનું છે?  વધુમાં ભણેલ છોકરી તો હૂતો હુતી બંને એકલા રહી શકે એવું નાનું કુટુંબ પસંદ કરે.  છોકરાની સાથે ભાઈ બહેનોનું મોટું ધાડું  હોય તે તેને પોસાય નહીં.  વરની સાથે ઘરડાં માબાપ કે જેઠ જેઠાણી જેવા વડીલો આવતાં  હોય તો તેમની સેવા કરવી પડે.  એ પણ ન ચાલે!  આવી બધી શરતો સામે હું કાયર હતો.  કાકા-બા, ત્રણ ભાઈઓ અને એક બહેન દેશમાં રાહ જોઈને બેઠા હતા કે ભાઈ ક્યારે મુંબઈમાં ઓરડી લે અને અમને બોલાવે!

જાતીય ઉત્સુકતાને કારણે નલિની પ્રત્યેનું મારું આકર્ષણ વધવા મંડ્યું.  એ ઝાઝું ભણી નહોતી. કૉલેજ સુધી પણ પહોંચી નહોતી.  જો કે મુંબઈની ચાલીમાં રહેલી એટલે મુંબઈમાં ઓછા પગારમાં ઘર કેમ ચલાવવું તેની એને ખબર. બહોળા કુટુંબમાં અને ગરીબાઈમાં ઊછરી હતી, એટલે કરકસર કરી જાણતી.  હા, એ કંઈ મીનાકુમારી કે વૈજયંતીમાલા જેવી રૂપસુંદરી નહોતી, પણ ચહેરો જોવો ગમે તેવો હતો. અત્યાર સુધી એ એક જ એવી છોકરી મળી કે જેની સાથે હું  સહેલાઈથી વાતોચીતો કરી શકતો. અને જે મારી સાથે વાતો કરતી.  મને થયું કે એની સાથે મારી સગાઈ થાય તો કેવું?

નલિનીના ભાઈઓ તો ક્યારનાય એની સગાઈ કરવા માથાકૂટ કરતા જ હતા.  મામા મામીને ત્યાં મને આવતો જતો રોજ જોતા, એમને થયું હશે કે આ છોકરા સાથે બહેનનું નક્કી થઈ જાય તો એમને માથેથી આ એક ઉપાધિ ઓછી થાય. એમણે આ વાત મામીને કરી, અને મામીએ મને કરી. પણ મેં કહ્યું કે મને નલિનીમાં રસ છે, પણ હાલ તુરત મારી પાસે કોઈ રહેવાની વ્યવસ્થા નથી, હું તો પેઢીમાં સૂઉં છું અને નાતની વીશીમાં જમું છું.  એ લોકો કહે એમને એ બાબતનો કોઈ વાંધો નથી, ચાલો, સગાઈ તો કરી નાખીએ.

મેં દેશમાં બા-કાકાને જણાવ્યું. કાકાને થયું કે જો લગ્ન કરશે તો વહેલો મોડો મુંબઈમાં ઓરડી લેશે, અને ભાઈઓને મુંબઈ બોલાવશે.  વધુમાં મારી એક બહેન હજી કુંવારી હતી.  તેની પણ સગાઈ કરવાની હતી.  એને માટે દેશમાં છોકરો મળવો મુશ્કેલ હતો. એને પણ મુંબઈ મોકલાય અને પોતાની માથેથી એ બધો ભાર ઓછો થાય.  છોકરી કોણ છે, કુટુંબ કેવું છે, પોતાના દીકરા માટે બીજે કોઈ સારે ઠેકાણે તપાસ કરવી જોઈએ, છોકરો હજી નાનો છે, સારી નોકરી પણ નથી કે ધંધાની કોઈ લાઈન પણ હાથમાં આવી નથી, અરે, હજી ઓરડી પણ નથી તો રહેશે ક્યાં, એવી કોઈ બાબતનો વિચાર કર્યા વગર કાકાએ તો હા પાડી દીધી.

એ જમાનામાં મારા જેવો ભણેલો છોકરો મળવો મુશ્કેલ.  ઘણા પૈસાદાર લોકો આવા લાયક છોકરા સાથે પોતાની છોકરીને પરણાવવા માટે મુંબઈના સારા વિસ્તારમાં ફ્લેટ અપાવી દે, સારી નોકરી અપાવે કે પોતાના ધંધામાં બેસાડી દે. અમારા જ એક સગાએ આ રીતે પોતાના છોકરાને પરણાવ્યો. સસરાએ એને મુંબઈની જુહુ કૉલોનીમાં ફ્લેટ અપાવી દીધો. પણ એવી છોકરી મારે માટે ગોતવા કાકાએ મુંબઈ આવવું જોઈએ, આજુબાજુ પૂછપરછ કરવી જોઈએ. એમને એવી કોઈ માથાકૂટ કરવી નહોતી, એમને તો મારા ત્રણ ભાઈઓ અને બહેન ક્યારે મુંબઈ જાય જેથી એમને માથેથી ભાર ઓછો થાય એ ખ્યાલ હતો.  હું પણ મૂરખ કે મેં પણ કંઈ ઝાઝો વિચાર ન કર્યો, અને સગાઈ કરી બેઠો!

જેવી સગાઈ થઈ કે તુરત નલિનીના મોટા ભાઈએ લગ્ન કરવા કહ્યું.  કહે કે “અત્યારના જમાનામાં સગાઈ લાંબો સમય રહે તે જોખમી છે.  ધારો કે તમારું ફટક્યું અને સગાઈ તોડી નાખી તો પછી અમારી બહેનનું શું થાય?” આવી બધી દલીલો કરી તરત લગ્ન કરવા દબાણ કર્યું. મેં કહ્યું મારી પાસે રહેવા માટે ઓરડી જ ક્યાં છે?  લગ્ન તો કરીએ, પણ રહેવું ક્યાં?  એ કહે, લગ્ન પછી નલિની વરસ બે વરસ દેશમાં રહેશે.  ત્યાં સુધીમાં તો તમે ઓરડી લઈ શકશો.  પણ લગ્ન તો હમણાં કરી જ નાખો. આમ કોઈ સારી નોકરીનો બંદોબસ્ત નથી, રહેવાનાં કોઈ ઠેકાણાં નથી, તોય હું લગ્ન કરીને બેઠો!

મુર્ખતાની કોઈ હદ હોય કે નહીં? નલિનીના ભાઈઓ તો એમનો સ્વાર્થ જોતા હતા, પણ મેં લાંબો વિચાર કેમ ન કર્યો?   જીવનનો આ અત્યંત અગત્યનો નિર્ણય ઝાઝો વિચાર કર્યા વગર હું લેતો હતો ત્યારે મારા કોઈ વડીલોએ હું શું કરી રહ્યો શું તે બાબતમાં ચેતવણી પણ નહીં આપી.  સત્તરેક વરસની ઉંમર પછીના જીવનના બધા જ નિર્ણયો આમ મેં મારી મેળે જ લીધા હતા.  આ દૃષ્ટિએ જીવનમાં મેં  જે ચડતીપડતી કે તડકી છાયડી જોઈ છે, તે બાબતમાં હું મારી જાત ને જ જવાબદાર માનું છું.  એમાં મારાથી કોઈનો વાંક કાઢી ન શકાય.  પણ મારી નાદાનિયતામાં લીધેલ નિર્ણયોને કારણે મારી કેવી કેવી મુશ્કેલીઓ સહન કરવી પડશે તેનો ખ્યાલ તો પછી આવ્યો.

જે બસમાં હું થોડાં સગાંઓને લઈને પરણવા ગયેલો એ જાણે કે જૂનો કોઈ ખટારો જ જોઈ લો.  બા કાકા અને બીજા સગાંઓ તો દેશમાં હતાં. મારા બહેન બનેવી વગેરે જે બીજા કોઈ થોડાં મુંબ ઈમાં હતાં તેમણે કોઈએ મારા લગ્નમાં ઝાઝો રસ ન બતાવ્યો. લગ્નની બધી તૈયારી પણ મારે જ જાતે કરવાની હતી.   હું ત્યારે ગાંધીવાદી સાદાઈમાં માનતો હતો.  ખાવાપીવામાં, કપડાં પહેરવામાં, બધી જ રીતે સાદાઈથી રહેતો.  આગળ જણાવ્યું તેમ નાતની બોર્ડીંગમાં પણ દર રવિવારે ફરસાણ અને મિષ્ટાન હોય તે હું ન ખાઉં!  માત્ર બે રોટલી અને થોડું શાક એમાં મારું ખાવાનું પતી ગયું.  વચમાં તો એક ટાણું જ ખાતો.  દેશમાં આવી ગરીબી હોય અને લોકો ભૂખે મરતા હોય ત્યારે મારાથી મિષ્ટાન કેમ ખવાય કે ત્રણ ટંક કેમ ખવાય?  જો આવી મારી માન્યતા હોય તો પછી હું લગ્નનો જમણવાર થોડો કરવાનો હતો?

બને તેટલી સાદાઈથી જ મારે લગ્ન કરવાં હતાં. લગ્નની ધામધૂમમાં કશો ખર્ચો કરવો નહોતો.  જો કે ખર્ચો કરવાના પૈસા પણ હતા નહીં. સાદાઈથી જ બધું પતાવવું હોય તો  સિવિલ મેરેજ કરવા પડે. થોડાં સગાંઓ ને લઈને મારે વિલે પાર્લે નલિનીના ઘરે જવાનું હતું.  સહી સિક્કા કરવા કોર્ટનો ઑફિસર ત્યાં આવવાનો હતો.  આ સિવિલ મેરેજ કરાવવા કોઈ બ્રાહ્મણ નહી, પણ કોર્ટમાંથી ઑફિસર આવે.  પાંચ દસ મિનિટમાં સહી સિક્કા કરાવી દે, અને બિન્ગો, તમારા લગ્ન થઈ જાય!   કોઈ જાન ન નીકળે,  જો માંડવો જ ન નંખાય તો બૈરાંઓ મોંઘાં પટોળાં કે સાડી સેલાં ને ઘરેણાં પહેરીને ક્યાં બેસે અને લગ્નના ગીતો ક્યાં ગાય?  સાજનમાજન સજ્જ થઈને ક્યાં બેસે? કોઈ કંકોત્રી નહીં, રીસેપ્શન નહીં, મેળાવડો નહીં, જમણવાર નહીં.

લગ્નનો કોઈ ખર્ચો નથી થવાનો એ વાત કાકાને ગમી. એમણે કોઈ વિરોધ નહીં  નોંધાવ્યો.  એમણે તો ખાલી હાજરી જ આપવાની હતી. પણ એ જયારે મુંબઈ આવ્યા ત્યારે એકલા જ આવ્યા. મારા બા નહીં આવ્યાં.  એમને થયું હશે કે ઘરે મોટા દીકરાના લગ્ન થાય અને લોકો ગળ્યું મોઢું ન કરે?  જાન ન નીકળે? લગ્નનાં ગીતો ન ગવાય?  મેંદીવાળા હાથ ન થાય?  આ લગ્ન છે કે છોકરાઓની ઘર ઘરની રમત છે?   જો કે એમને મોઢે ફરિયાદનો એક શબ્દ પણ મેં ક્યારેય સાંભળ્યો નથી, પણ એમણે એમનો વિરોધ એમની ગેરહાજરીથી નોંધાવ્યો!  એમના પહેલા દીકરાના લગ્ન થતાં હતાં અને બા પોતે જ હાજર નહીં!  બા ન જ આવ્યા! આજે હું સમજી શકું છું કે મેં બાને કેટલું દુઃખ આપ્યું હશે! આજે આ લખતાં મારી આંખ ભીની થાય છે.

થોડાં સગાં એક ઠેકાણે ભેગાં થાય અને ત્યાંથી અમે બસમાં સાથે વિલે પાર્લે જઈએ એમ નક્કી થયું.  બધાં ભેગા તો થયા, પણ બસ ન મળે!  સરનામાની કંઈ ગરબડ થઈ હશે તેથી ડ્રાઈવર ભૂલો પડ્યો.  બસનું નક્કી તો મેં જ કરેલું. જાનૈયાઓને મૂકીને વરરાજા બસ શોધવા નીકળ્યા!  સારું થયું કે મારી સાદાઈની ધૂનમાં મેં વરરાજાને શોભે એવા ભભકાદાર કપડાં નહીં પણ રોજબરોજના લેંઘો કફની જ પહેરેલાં, નહીં તો મુંબઈના એ ટ્રાફિકમાં રઘવાયા થઈને પગપાળા બસ શોધતા વરરાજાને જોઈને લોકોને હસવું આવત.  આખરે બસ મળી, જોતાં જ થયું કે આ બસ છે કે ખટારો?  અમે બધા જેમ તેમ એમાં ગોઠવાયાં, સીટ ઓછી પડી, થોડા લોકો સાથે વરરાજા ઊભા રહ્યા. હું ઘોડે નહી, ખટારે ચડ્યો!  આમ મારી જાન નીકળી!

મુંબઈના ટ્રાફિકમાં અમારી બસ પા પા પગલી ભરતી હતી.  એનું હોર્ન પોં પોં કરીને માથું દુઃખવતું હતું. માનો કે એ જ મારી શરણાઈ અને નગારાં!  ધાર્યા કરતાં અમને મોડું થયું એટલે નલિનીના ભાઈઓને ચિંતા થઈ.  એ જમાનો મોબાઈલનો નહોતો, અને લેન્ડ લાઈન પણ પૈસાવાળાઓને ત્યાં જ હોય.  એ લોકો અમને શોધવા નીકળ્યા, એમને થયું કે એકસીડન્ટ થયો કે બસવાળો રસ્તો ભૂલ્યો?  કોર્ટ ઓફિસર ઊંચોનીચો થવા માંડ્યો. એને બીજી અપોઇન્ટમેન્ટ હતી. આખરે અમે પહોંચ્યા ખરા, પણ કલાકેક મોડા!  જાણે કે મારા ભવિષ્યના લગ્નજીવનમાં જે મુશ્કેલીઓ પડવાની હતી એની આ બધી એંધાણી હતી.

જેવા અમે પહોંચ્યા કે કોર્ટ ઓફિસરે અમને ઝટપટ સહી સિક્કા કરાવી, “કોન્ગ્રેચ્યુલેશન” કહી ચાલતી પકડી. આમ ફેરા ફર્યા વગર કે સપ્તપદીનાં પગલાં ભર્યા વગર અમે પ્રભુતામાં પગલાં માંડ્યા!  અમે પરણ્યા તો ખરા, પણ અમારે  લગ્નની સુહાગ રાત ક્યાં કાઢવી એ પ્રશ્ન મોટો હતો.  ઘર તો હતું નહી.  આનો ઉપાય મેં શોધી કાઢ્યો હતો :  જેવા લગ્ન થાય કે તે જ દિવસે માથેરાન જવું, હનીમુન માટે.  અને જે દિવસે માથેરાનથી પાછા આવીએ તે જ દિવસે નલિનીએ દેશમાં જવું, એટલે મુંબઈમાં રાત કાઢવાનો સવાલ જ ઊભો ન થાય.

સિનીયરોનું લગ્નજીવન (  હરનિશ જાની )

સિનીયરોનું લગ્નજીવન

ઘણાં  સિનીયરોને (ડોસાઓને) , યાદ જ નથી હોતું કે તેઓ પરણેલા છે. અને આનંદની વાત એ છે કે તેમને તે યાદ કરાવવા તેમની પત્ની ત્યાં હાજર હોય છે. અને સિનીયરોને તેઓ પરણ્યા કેમ ? એમ પૂછો તો તેમણે વિચારવું પડે કે તેઓ કેમ પરણ્યા ?  સ્ત્રીઓને પૂછો તો કહેશે કે અમારે જીવનમાં સેટલ થવું હતું.

જ્યારે પરણીને પુરુષ સેટલ નથી થતો. સરન્ડર થાય છે. પુરુષને સેટલ થવા માટે છોકરી નહીં નોકરી જોઈએ.  અને પ્રશ્ન તો ઊભો રહે જ છે. કે પરણ્યા કેમ?  જુની હિન્દી ફિલ્મોમાં  જ્હોની વોકર કહેતો કે “પાગલ કુત્તેને કાટા થા ઈસી લિયે શાદી કી.”

મારા બાલુકાકાને એ જ સવાલ પૂછયો તો કહે ” કે ભાઈ, મને વરઘોડાનો શોખ હતો. લોકોના જેટલા વરઘોડા જોતો ત્યારે એમ જ થતું કે આપણો વરઘોડો ક્યારે નિકળશે? મેં આ વાત દાદાને કરી .અને તેમણે ધામધુમથી વરઘોડો કાઢીને પરણાવ્યો. પછી બધાં તો છુટી ગયાં. અને મારે તારી કાકી સાથે રહેવાનું થયું. અમે તો લગ્ન પહેલાં કદી માળ્યા નહોતા. મને ખબર નહોતી કે તે શોર્ટ ટેમ્પર છે. એને મારી કોઈ વાત ન ગમે તો ગુસ્સે થઈ,વસ્તુઓને મારા તરફ ફેંકવાનું ગમે છે. અને મને મારો જવાબ મળી ગયો. પુરુષને વરઘોડો–લગ્ન સમારંભ અને લગ્નનો દિવસ ગમે છે. લગ્નમાં મહાલવા માટે એક દિનકા સુલતાન બનવા લગ્ન કરવા ગમે છે. અને લોકોએ પણ એને ચઢાવ્યો અને વરરાજાનું સંબોધન કર્યું. અને વાંદરાને દારૂ પીવડાવ્યો. લગ્નદિન એટલે જાણે લગ્નજીવનના પુસ્તકનું કવર. તેના પરથી પુસ્તક પસંદ કરવા જેવું, અંદર શું છે તે સરપ્રાઈઝ છે. અને મોટે  ભાગે એ સરપ્રાઈઝ જ નિકળે છે. વાત એમ કે લગ્ન જુવાનીમાં થાય છે. જુવાનીની કાંઈ ઓર ખુમારી હોય છે. જુવાનીમાં બીજા પરણેલાઓની પરણ્યા પછીની હાલત  જોવા જેટલી પણ બુધ્ધિ હોતી નથી. જગતમાં દરેક જુવાન પુરૂષ ને પોતાના જેવું કોઈ હોશિયાર લાગતું નથી.પણ પરણ્યા પછી અક્કલ ઠેકાણે આવે છે. ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.  બધા જુવાનો, અર્જુન જેવા હોય છે. તેમને માછલીની આંખ જ દેખાય છે. એ  માછલી પાછળની સ્ત્રી નથી દેખાતી. કૌરવો હોશિયાર હતા. તે પણ ધનુર્વિદ્યામાં પ્રવિણ હતા. પણ એમને જેવી ખબર પડી કે જો માછલીની આખ વિંધીશું તો દ્રૌપદીને પરણવું પડશે કે દુર્યોધને બધાંને જણાવી દીધું કે બેસી જ રહેજો.  અને સૌએ માછલીની આંખ વિંધવાનું માંડી વાળ્યું. જો પછી શું થયું ? મહાભારત થયું ને !  દુર્યોધન સાચો પડ્યો ને!

આજકાલ સાઠ વરસની ઉંમર સિનીયરમાં નથી ગણાતી.તેમ જ આધેડ વય પણ ન ગણાય. અને હવે દવાઓ એટલી બધી શોધાય છે ને કે  પહેલેના જમાનામાં સાઠ વરસે આવતો હ્દય રોગ તો આજે લગભગ કંટ્રોલમાં આવી ગયો છે. એટલે સિત્તેરના સિનીયર તો તમને સામાન્ય રીતે મળી રહે. હું અને મારા પત્ની બન્ને સિત્તેરના થયા.અત્યાર સુધી તે પચાસની હતી. અને એકાએક તેણે નક્કી કર્યું કે હવે ઉંમર ખેંચાય તેમ નથી. તો લોકોને કહે કે હું પંચોતેરની છું તો  બીજી સ્ત્રીઓ કહે કે,” ના હોય, મને તો તમે સાઠના લાગો છો. તો એ તેને ગમે છે.

પત્નીજીને હિન્દી સિરીયલો ગમે છે. તે પણ સાઉન્ડ ઓફ કરીને જુએ છે. કારણં?  હિન્દી સિરીયલોમાં ડાયલોગ જેવું કાંઈ હોતું નથી. ફક્ત સ્ત્રીઓના લેટેસ્ટ ફેશનના ડ્રેસિસ જોવા ગમે છે.   બીજું તો કાંઈ નહીં  પણ હિન્દી સિરીયલોની, પત્નીજી પર એટલી અસર થઈ છે કે તે હવે બેડરૂમમાં સુવા આવે છે. ત્યારે કોઈના લગ્નમાં તૈયાર થઈને જતી હોય એમ મેક અપ સાથે આવે છે.

મારા પત્નીએ મારા ડ્રાઈવિંગને સ્હેલુ બનાવવા મને પૂછ્યા સિવાય નિયમ બનાવ્યો છે. “તારે ડ્રાઈવ કરવાનું અને હું રોડ પર નજર રાખીશ.” જયારે અમે સાથે ટી.વી. જોવા બેઠા હોઈએ છીએ ત્યારે, ખરેખર તો મને એવું લાગે કે અમે બન્ને કારમાં બેઠા છીએ તે  ટેવ મુજબ, રીમોટ કંટ્રોલ મારા હાથમાં રાખવા દે છે. પણ શું જોવું તે, તે નક્કી કરે. મિનીટે મિનીટે ચેનલ બદલવાનું એ કહે છે.  જો કોઈ દવાની કમર્શિયલ આવે તો તે મારા સામું જોયા કરશે. પછી હું આશ્ચર્યથી એના સામું જોઉં અને પૂછું ‘શું છે મને ટગર ટગર જોયા કેમ કરે છે?‘

‘ના એ તો જોઉં છું કે તને બેઠા બેઠા હાંફ ચઢે છે કે નહીં? આ લોકો જે દવા બતાવે છે. તે લઈએ તો હાંફ બંધ થઈ જાય.  દરેક દવા મારે લેવી જોઈએ એ એમ માને છે. એક વખતે સોફામાં  બેઠા બેઠા મારા પગ લાંબા ટૂંકા કરાવતી હતી. અને મારી નજર ટીવી પર ગઈ તો અંદર  કેલ્શિયમની ગોળીઓની. કમર્શિયલ ચાલતી હતી, પગના મસલ્સ મજબુત કેવી રીતે કરવા તેની. પછી હું સમજી ગયો કે  મારા પત્નીને મારી હેલ્થની બહુ ચિંતા રહે છે. એટલી હદે કે રાતે બેડમાં ઊંઘતો હોઉં તો ય ઊઠાડશે. ‘તારા નશ્કોરાં નહોતા બોલતા અટલે ચેક કરતી હતી કે  બધું બરાબર છે ને!  પેલા ભરતભાઈને  ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. અને પછી બિચારા માલતીબેનને લોકો કેવું કેવું સંભળાવતાં હતા? ‘ અને તારી ચિંતામાંને ચિંતામાં મને ઊંઘ નહોતી આવતી. ચાલ હવે નિરાંત થઈ. હવે સુઈ જવાશે.‘

“પણ  તેં મને ઊઠાડી દીધો .હવે મને ઊંઘ નહીં આવે.”

“ધેટ ઈઝ યોર પ્રોબ્લેમ, કાલે તારા માટે ટીવી પરથી ઊંઘની કોઈ દવા શોધી કાઢીશ.મને સુવા દે.”

વસ્તુ એ છે કે સિનીયર અવસ્થામાં સ્ત્રી અને પરુષ બન્નેને સાથે સુવાનું કારણ જ નથી હોતું  સિવાય કે એકમેકને ઊંઘ આવે છે કે નહીં તે ચેક કરવાનું. જીવનમાં હવે પ્રેમ દર્શાવવાની રીત બદલવી પડે છે, સાથે સુતા હોય તો અડકવાનું નહીં કારણ કે અડધી રાતે કોઈ અડકે તો ઝબકીને જાગી જવાય છે.આમ નહીં સ્પર્શીને –આઈ લવ યુ દર્શાવવાનું.

પુરુષોને લગ્ન કરવાનો શોખ હોય તો પત્ની તો દેખાવડી શોધે   નાક આશા પારેખ જેવું અને આંખો હેમા માલિનીના જેવી .પરંતુ તેમને ખબર નથી હોતી કે આંખ અને નાક કરતાં જીભ અગત્યની છે.  મતલબ કે રૂપ રંગ જુવાનીના ચાર દિવસના અને સ્વભાવ  સિનીયર થતા સુધી રહેવાનો. એ વાતની  કોઈ પણ પુરુષને ખબર હોતી નથી.

હિન્દી ફિલ્મોમાં શમ્મીકપુર અને આશા પારેખ સાથે તેમના મા બાપના રોલમાં ઓમ પ્રકાશ અને તેની ભાગ્યવાન પત્ની લલિતા પવાર પણ હોય છે. તે સિનીયર જોડી કાયમ લડતી ઝગડતી હોય છે. જુવાનોએ નજર આશા પારેખ કરતાં લલિતા પવાર પર રાખવી જોઈએ. તો ખબર પડે કે આજની બધી આશા પારેખો ભવિષ્યની લલિતા પવારો છે. આજની નાજુક અને નમણી પત્ની અને આજનો સેક્ષી વરરાજા પાંચ વરસ પછી પેટ પર ટાયર લટકાવીને ફરતા હશે, અને જો પેટ ન વધે તો તેમના ટાયરમાંથી હવા નિકળી ગઈ હશે. બોલો, કુર્યાત્ સદા મંગલમ્.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

 

નીલે ગગન કે તલે – ૪ (મધુ રાય)-વર્ચ્યુઅલ રિયાલિટી

વર્ચ્યુઅલ રિયાલિટી

ક્વાન્ટાસ એરલાઇનમાં અખતરા તરીકે અમુક ફ્લાઇટોમાં ફર્સ્ટ ક્લાસના પેસેન્જરોને વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ થાય તેવાં જંતરડાં અપાતા થયાં છે. ફેસબુકવાળા ભાઈએ બે બિલિયન ડોલરના આપીને ‘ઔકયુલસ’ વર્ચ્યુઅલ રિયાલિટીની કંપની રિયલી ખરીદી લીધી છે. સોની કંપનીએ ‘પ્લેસ્ટેશન ફોર’ માટે પોતાના વીઆર હેડસેટ બનાવ્યા છે જે વીડિયો ગેમ્સના ક્ષેત્રે ધમાલ ધમાલ કરી મૂકશે ‘એવી વકી’ છે. અલ્ટાસ્પેસ વીઆર નામની કંપની જણાવે છે કે તમે ખોપરી ઉપર એમનાં હેડસેટ લગાડો તો તમારા ઘરના સોફામાં બેઠા બેઠા સીધા હોનોલૂલૂ પહોંચી શકો અથવા ઇચ્છો તો થિયેટરમાં બેઠા બેઠા ‘બે યાર’ જોઈ શકો. તમને અદ્દલ એમ જ લાગે કે તમે મોલના મલ્ટિપ્લેક્સમાં બેઠા છો ને તમારી સાથે તમારી જેમ જ બેઠેલા બીજા દર્શકો પણ બેયાર–ની લિજ્જત માણે છે. પણ તમે બટાટાની કાચરી ચાવતાં ચાવતાં અવાજ કરો તો દસ જણ પાછળ ફરીને ડોળા કાઢીને છાના રહેવા ડારો આપે. એચટીસી કંપનીના ‘વાઈવ બાય વાલ્વ’ નામના વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ બજારમાં મુકાવા માંડ્યા છે જે તમને મર્યા વિના સ્વર્ગની વિઝિટ કરાવી શકે છે એવો એવું કહેવાય છે. હાલ ઉપલબ્ધ મોબાઇલ વર્ચ્યુઅલ રિયાલિટીના હેડસેટના ડાબલામાં સ્માર્ટફોન મૂકીને લેન્સિસ દ્વારા થ્રીડી દૃશ્યો જોઈ શકાય છે. હા હા, પણ વોટ ઇઝ ધિસ વર્ચ્યુઅલ રિયાલિટી?

ગગનવાલા હજી માંડમાંડ વોટસેપ ઉપર ફોન કરતાં શીખ્યા છે ને ફેસબુક ઉપર કેવડાની કળીઓની રોમાન્ટિક ચેટથી ફોંગરાય છે. વર્ચ્યુઅલ રિયાલિટીનો જમાનો આવે તે પહેલાં ગગનવાલા વર્ચ્યુઅલ ભગવાનને પ્યારા થઈ ગયા હશે. હજી વીઆર તે શી બલા છે તેનો ટોટલ અંદાજ આવ્યો નથી. જે આછું પાતળું સમજાયું છે તેનો ચિતાર વહાલસોયા વર્ચ્યુઅલ વાચકો પાસે ધરીને છાતીનો ભાર હલકો કરે છે.

વર્ચ્યુઅલ રિયાલિટી એટલે રિયાલિટી ખરી પણ રીયલી રિયાલિટી નહીં, યુ ફોલો? ફેસબુક ઉપર ચેટિંગ કરતાં કરતાં તમે ફોટો પાડી શકો છો, ઇવન વીડિયો દ્વારા તમારા સત્તરમા માળાની બારીમાંથી દેખાતું ન્યુ યોર્ક બતાવી તમે જયપુર રહેતી કોઈ જૂઈ જેવી જાલિમાને ઇમ્પ્રેસ કરી શકો છો. વીઆર એનાથી હજી એક ડગલું આગળ જશે: સત્તરમા માળે તમે જાલિમાને ઇન્વાઇટ કરી તેના હવામહલમાં બેઠી બેઠી જાલિમા તમારી બારી પાસે ઊભી રહીને ન્યુ યોર્ક કા નજારા નિહાળી શકશે. અથવા તમે પોતે તેની પિન્ક સિટીના ગુલાબી ચિલમનમાં બેસીને ઇશારા કરી શકશો. જરૂર પડશે માત્ર તેના હેડસેટની, જેને વાયર બાયર પણ નહીં હોય કે તમે બંધાયેલા રહો.

પહેલાંના જમાનામાં ગાડામાં બીજે ગામ જતાં લોકો ભજન ગાતા હશે. પછી ટ્રેનોમાં લોકો છાપાં કે ચોપડિયું વાંચતા હતા. હાલ લોકલ ટ્રેનોમાં ફોન સાથે દરેક વ્યક્તિ શી ખબર શું શું કરતું દેખાય છે. ભજન વખતે ભજનિકનો આત્મા આધ્યાત્મિક રિયાલિટીમાં ઘૂમી આવતો હશે. ચોપડીવાચક સારંગ બારોટે ઊભી કરેલી રિયાલિટીમાં રમી આવતો હશે. હાલ સ્માર્ટફોન ઉપર કારકૂન લટકાં કરતી રામાવત સાથે વર્ચ્યુઅલ રમણ કરતો હશે. તે દરેક પ્રકાર કલ્પનાનો વર્ચ્યુઅલી ‘વીઆર’ જ કહેવાય. ફરક એટલો કે રીયલ વર્ચ્યુઅલ રિયાલિટીમાં તમારે હોનોલૂલૂ કલ્પવાનું નથી હોતું, યુ ફોલો, તમને હાજરાહજૂર ફાઇન રીયલ લાગે એવું હોનોલૂલૂ દેખાય, તેના દરિયાકિનારાની સુંવાળી, સૂરજથી ઉત્તેજિત રેતી તમારા પગની આંગળીઓની વચ્ચે સરકતી અનુભવાય, દરિયાનો ઘૂઘવાટ અને રંગબેરંગી બિકિની–ટિકિની વગેરે હોલ એન્ડ સોલ તમને તાદૃશ થાય. જેમ ભગવાને અર્જુનને વિરાટદર્શન કરાવેલું તેમ. તે વખતે મંતર હશે હવે જંતરથી દર્શન થશે.

હવે આ વસ્તુ એટલી બધી નવી છે કે થોડા જ સમયમાં સિનેમા, ટીવી, કમ્પ્યુટર અને સ્માર્ટફોનની માફક આપણા જીવનમાં સરકી આવશે. જ્યારે સ્માર્ટફોનની જેમ એનું આભ ફાટશે ત્યારે વાસ્તવિક જિંદગીમાં એ કઈ રીતે ફિટ થશે એ બાબત વિજ્ઞાનિકો ખોપરી ખંજવાળી રહ્યા છે. ફન માટે, ટાઇમપાસ માટે કે રોમાન્સ માટે ચાલો ને, વીઆર પોપ્યુલર થાય તે તો સમજાય તેમ છે. હાલ ટીવી કે કમ્પ્યુટર કે ફોનની સ્ક્રીન પચાસ ટકા ધારોકે આપણને બીજા વિશ્વમાં લઈ જાય છે, પણ વીઆરના હેડસેટ તો આપણને સો ટકા બીજી દુનિયા બતાવશે. ખરેખર આપણી આસપાસની દુનિયા અંતર્ધાન થઈ જશે ને આપણા નળનું પાણી ગયું થયું હોય કે બાબો બેબીને મારતો હોય કે ગેસ ઉપર દૂધ બળી જતું હોય તેનાથી ગાફેલ બનીને આપણે હોનોલૂલૂમાં હોહા કરતા હોઈશું. પણ તાનમાં આવીને આપણે હવાઇયન ભામિની સાથે હુલા હુપ કરવા જઈએ ને આપણા રિયલ ઘરની ભીંતે ભુટકાઈએ તેનું શું? તે માટે એક ‘શેપરોન’ સિસ્ટમ દાખલ કરવામાં આવશે જે એવી અથડામણોથી તમને બચાવે. યાને ભીંત નજીક પહોંચો તો હેડસેટમાંથી હોનોલૂલૂ ઓગળી જાય ને તમે હળવેકથી રિયલિટીનું દર્શન કરો.

પણ સાહેબ તમે એવા હેડસેટ પહેરીને બજારમાં ફરો તો લોકો હસે નહીં? અને તમે ગાફેલ થઈને હુલા કરતા હોવ ત્યારે કોઈ ડામીચ તમને લૂંટી લે નહીં? તમારા વીઆર ચશ્મા જ મોબાઇલની જેમ તફડાવીને નૌદોગ્યારાહ થઈ જાય નહીં? વળી તમે વર્ચ્યુઅલી હોનોલૂલૂ કે હોંગકોંગ જઈ શકતા હોવ તો એલાઈન, હોટેલો અને સમસ્ત પ્રવાસન ઉદ્યોગને વસમું નહીં પડે? નેટ ઉપર હાલ જેમ બેઅદબ વર્તણુંકનો અજગર છે તેમ વીઆરમાં ગેરવર્તન કે હેકર કે વાયરસનો ભો નહીં આવે?

પણ વિજ્ઞાનિકો કહે છે કે ધીમે ઘીના ઘડામાં ઘી પડી જશે. મોટાં બખડજંતર ધીમે નાના ને સંભાળી શકાય એવા, ચશ્મા જેવા થતા જશે ને લોકોને એની નવાઈ નહીં રહે કેમકે લગભગ બધા પહેરતા હશે. જય જિંદગી!

મને હજી યાદ છે-૨૬ (બાબુ સુથાર)

(૨૦૧૪માં મેં જ્યારે “મળવા જેવા માણસ” લેખમાળા લખવાની શરૂઆત કરી હતી ત્યારે એવું નક્કી કરેલું કે જે વ્યક્તિ અતિશય અભાવમાં જન્મી હોય, અને બધી યાતનાઓ સહન કરી, બધી બાધાઓને પાર કરી અને જીવનમાં એક ઊંચા મુકામ સુધી પહોંચી હોય, એવી વ્યક્તિ વિષે આ લેખમાળામાં લખવું. ત્યારે મારો શ્રી બાબુ સુથાર સાથે પરિચય થયો ન હતો.

છેલ્લા છ મહિનાથી લોકપ્રિયતાની એક પછી એક સરહદ પાર કરતા, એમની આપવીતી વર્ણવતા, આ લેખ વાંચીને મને થાય છે કે મને જો એ ૨૦૧૪ માં મળ્યા હોત તો A4 સાઈઝના ચાર પાના અને pt.14 ફોન્ટના લેખમાં હું એમને કઈ રીતે રજૂ કરી શકત? -પી. કે. દાવડા)

મુંબઈના મિત્રો

મુંબઈનું એક વરસ મારા માટે નદીમાં વહેતા પથ્થર જેવું હતું. મારે જાણે કે કંઈજ કરવાનું ન હતું. એ મહાનગરના પ્રવાહમાં મારે તણાયા કરવાનું હતું. એ પણ કોઈક મારો તારણહાર આવશે એવી આશા સાથે. તો પણ, એ બધાની વચ્ચે એક માર્ગ કાઢેલો. ભરત નાયકે જે જે મિત્રો સાથે ઓળખાણ કરાવેલી એ એ મિત્રોને મળવું. એમની પાસેથી જે કંઈ શીખવા જેવું હોય તે શીખવું.

એ વખતે કરમશીભાઈના ઘરે દર રવિવારે કેટલાક સાહિત્ય અને કળા રસિકોની મંડળી મળતી. હું પણ ત્યાં જતો. એ મંડળીમાં વીરચંદ ધરમશી, રતિકાકા (રામાણી), ભરત નાયક, પ્રાણજીવન મહેતા, કમલ વોરા, અતુલ ડોડિયા, પીયૂષ શાહ (સિનેમેટોગ્રાફર), જયન્ત પારેખ, પ્રબોધ પરીખ વગેરે આવતા. જો કે, આમાંના કેટલાક મિત્રો નિયમિત આવતા ને કેટલાક અનિયમિત. સાંજે મંડળીમાં સાહિત્યની, કળાની, સિનેમાની, નવાં પુસ્તકોની વાતો થતી. એમાં કોઈ ઔપચારિકતા ન હતી. બધું અનૌપચારિક ઢબે ચાલ્યા કરતું. મંડળી પૂરી થતી ત્યારે કેટલાક ઘેર જતા ને કેટલાક કોઈક રેસ્ટોરાંમાં જઈ ઈડલી ઢોસાં ને જે કંઈ ભાવે તે ખાતા. હું પણ એમાં જોડાતો. શરૂઆતમાં મને સંકોચ થતો. કેમ કે મારા માટે એ બધા ‘મોટા’ માણસો હતો. પણ, જેમ જેમ આત્મિયતા વધતી ગઈ એમ એમ મારો સંકોચ ઓછો થતો ગયેલો.

કરમશીભાઈનું એક નાનકડું પુસ્તકાલય હતું. એમાં મુખ્યત્વે ફિલસૂફી, સાહિત્ય, કળા અને સિનેમાનાં પુસ્તકો હતાં. સાહિત્યમાં મોટે ભાગે તો વિવેચન અને કવિતા. નવલકથા બહુ ઓછી જોવા મળતી. હું રવિવારે જો વહેલો જતો તો એ પુસ્તકો જોતો. કેટલાંક પુસ્તકોનાં નામ સુરેશ જોષી પાસેથી સાંભળેલાં. એમાંનાં કેટલાંક પુસ્તકોને ત્યાં અડકવા મળતું. હું એ પુસ્તકોનાં પાનાં ફેરવતો ને વચ્ચે વચ્ચે એકાદબે ફકરા વાંચી પણ લેતો. એમની પાસે ત્યારે ફ્રેંચ ફિલફૂલ મૉરિસ મૅર્લો પૉન્તિનું Phenomenology of Perception પુસ્તક પણ હતું. સુરેશ જોષીએ એ પુસ્તકના આધારે મને ફિનોમીનોલોજી (એક દાર્શનિક સંપ્રદાય) ભણાવેલી. હું એ પુસ્તકને વારંવાર હાથમાં લેતો ને એનાં પાનાં ફેરવતો. એ જ રીતે, કરમશીભાઈના ત્યાં બીજા એક ફ્રેંચ ફિલસૂફ દેલ્યુઝનાં બે પુસ્તકો હતાં. એક નીત્શે પરનું અને બીજું સિનેમા પરનું. દેલ્યુઝે સિનેમા પર બે ભાગમાં પુસ્તક લખ્યું છે. કરમશીભાઈ પાસે એનો પહેલો ભાગ હતો. એ બન્ને પુસ્તકો મને ખૂબ અઘરાં લાગતાં હતાં. હું એ પુસ્તકોને હાથમાં લેતો ને જીવ બાળતો. મને થતું: મને ક્યારે આવાં પુસ્તકો સમજાશે? ક્યારેક હું હતાશ પણ થઈ જતો. એ બન્ને પુસ્તકો સમજવાની મારી ઇચ્છા હું અમેરિકા આવ્યો ત્યાર પછી દસ કે પંદર વરસે પૂરી થઈ. પીએચ.ડી. કર્યા પછી મેં સિનેમાના અભ્યાસમાં એમ.એ. કરવાનું નક્કી કર્યું ત્યારે ગોદાર અને દેલ્યુઝ પર એક કોર્સ મેં લીધેલો. ત્યારે ન્યૂયોર્ક યુનિવર્સિટીના વિખ્યાત પ્રોફેસર એલેકઝાન્ડર ગાલોવે અમને એ કોર્સ ભણાવતા હતા. એ વખતે મારે દેલ્યુઝનાં સિનેમા પરનાં બન્ને પુસ્તકો અભ્યાસક્રમમાં હતાં.

ઘણી વાર હું અને કરમશીભાઈ સાથે મુંબઈમાં ઘણી પુસ્તકોની દુકાનોએ ગયા છીએ અને પુસ્તકો પણ ખરીદ્યાં છે. કરમશીભાઈ ઘણી વાર છસાત પુસ્તકો ખરીદતા. પછી ઘેર આવ્યા પછી એમાંનાં એકબે પુસ્તક એમની પાસે રાખતા ને બીજાં મને આપતા. કહેતા: તમે રાખો. મારે વાંચવાં હશે ત્યારે હું માગી લઈશ. અમારી સાથે રતિકાકા પણ જોડાતા. ક્યારેક વીરચંદભાઈ પણ જોડાતા. અકસ્માતે પ્રબોધ પરીખ પણ કોઈક દુકાને મળી જતા. પછી પુસ્તકોની જે ચર્ચા થતી એવી ચર્ચા અહીં અમેરિકામાં ક્યારેય નથી થઈ. રતિકાકા મૂળે તો શેઠ. કરમશીભાઈના ઘેર આવે ત્યારે પગથિયાં ચડતાં જ કરમશીભાઈના ભત્રીજાને કે ભત્રીજાની વહુને બૂમ પાડે. ખોંખારો ખાય ત્યારે દિવાલો ધ્રુજી જશે એવો ભય લાગે. પણ જ્યારે બાળકો સાથે રમે ત્યારે આપણી એમના વિશેની સમજ બદલાઈ જાય. એમણે અર્થશાસ્ત્રમાં એમ.એ. કરેલું. પોતાને લાકડાનો વ્યવસાય. વાંચે ઘણું બધું. પણ મોટે ભાગે અર્થશાસ્ત્ર અને રાજકારણ પર. પણ સાહિત્ય માટે એમને અપાર પ્રેમ. શિક્ષણ માટે પણ. છેલ્લે હું ભારત ગયો ત્યારે એ ત્યારના ભારતની રીઝર્વ બૅન્કના ચૅરમૅન રઘુરામ રાજનનાં પુસ્તકો વાંચતા હતા. મુંબઈમાં જે મિત્રો ને વડીલો પર અલગ પ્રકરણ પણ ઓછું પડે એમાં રતિકાકાનો સમાવેશ થાય છે.

કરમશીભાઈના ત્યાં, મેં નોંધ્યું છે એમ ચિત્રકાર અતુલ પણ આવતા. એમની સાથે ભાઈબંધી થઈ ગયેલી. હજી પણ એ ભાઈબંધી ટકી રહી છે. પણ એનું સ્વરૂપ બલાઈ ગયું છે. અતુલ ખૂબ કામમાં રહે છે. ફોન પર પણ વાત કરવી હોય તો પહેલાં પૂછવું પડે કે બે મિનિટ છે કે નહીં? એ દિવસોમાં એવું ન’તું પૂછવું પડતું. પણ હજી એ textનો જવાબ આપે છે એટલું તો સારું છે. ઇમેઈલના પણ જવાબ આપે. એની સાથેની મૈત્રીના કારણે હું પણ ચિત્રકળામાં રસ લેવા માંડેલો. જો કે, એ પહેલાં સુરેશ જોષીને કારણે હું ગુલામમોહમ્મદ શેખ તથા ભૂપેન ખખ્ખરના સંપર્કમાં પણ આવેલો. પણ, એ તો સુરેશ જોષીના વિદ્યાર્થી તરીકે. જો કે, પાછળથી એ બન્ને મારા વડીલ મિત્રો બની ગયેલા. ભૂપેનભાઈ તો હવે નથી. શેખસાહેબ છે. આજે પણ અમે ફોન પર મળીએ ત્યારે સહેજે કલાક નીકળી જતો હોય છે. ત્યારે અતુલે મને John Bergerનું ચિત્ર કઈ રીતે જોવું એ સમજાવતું ખૂબ જાણીતું Ways of Seeing પુસ્તક આપેલું અને કહેલું કે બાબુભાઈ આ પુસ્તકથી શરૂઆત કરો. મેં એ પુસ્તક વાંચેલું. ત્યાર પછી એણે મને Rudolf Arnheimનું Art and Visual Perception પુસ્તક પણ આપેલું. હું એ પુસ્તક આખું ન’તું વાંચી શક્યો. અમેરિકા આવ્યા પછી મેં એ પુસ્તક ફરી એક વાર વાંચેલું. એજ રીતે એણે મને Pierre Cabanneનું Dialogues with Marcel Duchamp પુસ્તક પણ આપેલું. એ પુસ્તક આખું વાંચેલું પણ સમજેલો અરધુપરધું. અતુલ પુસ્તકો આપવામાં અને પુસ્તકોનું સૂચન કરવામાં ઘણો ઉદાર હતો. ત્યારે એણે હોંશે હોંશે Kandinskyની અને Paul Kleeની વાતો કરેલી. આ બન્ને ચિત્રકારો વિશે સુરેશ જોષીએ પણ વાત કરેલી. અતુલની ચિત્રકળાની વાતો સાંભળીને મને થતું: હું અતુલ સમજે છે એ રીતે ચિત્રકળાને ક્યારે સમજીશ? પણ આ તો ત્યારની વાત છે.

કરમશીભાઈના ત્યાં મળતી મંડળીમાં મેં કહ્યું છે એમ પીયૂષ શાહ પણ ત્યાં આવતા. પણ નિયમિત નહીં. પીયૂષ મૂળે તો ભરત નાયકનો વિદ્યાર્થી. એ એક મોટા ગજાનો સિનેમેટોગ્રાફર. આજે, આટલાં વરસો પછી પણ, અમે હોંશથી અને હૂંફથી મળીએ. પીયૂષ સિનેમાની વાત કરે. ક્યારેક ફ્રેંચ દિગ્દર્શક ગોદારની વાત કાઢે તો ક્યારેક રશિયન ફિલ્મ દિગ્દર્શક તાર્કોવસ્કીની વાત કાઢે. એના સંગને કારણે હું પણ સિનેમાની કળામાં રંગાયેલો. પણ, જેમ અતુલ વ્યવસાયે ચિત્રકાર એમ પીયૂષ વ્યવસાયે સિનેમાનો માણસ. આ બન્ને પાસેથી ઘણું શીખવા જેવું હતું. પીયૂષે ત્યારે ફ્રેંચ ચિન્તક આન્દ્રે બાઝૅં અને જર્મન ચિન્તક Krakauerની પણ વાત કરતો. આ બન્નેનાં પુસ્તક કરમશીભાઈ પાસે હતાં. પણ એમને વાંચવાની ક્યારેય હિંમત ચાલી ન હતી. જો કે, એ અધૂરી રહી ગયેલી ઇચ્છા મેં સિનેમામાં એમ.એ. માટેના કોર્સિસ લીધા ત્યારે પૂરું થયેલું.

જયન્ત પારેખ ત્યારે જ્યાં કરમશીભાઈ રહેતા હતા ત્યાં જ પૂર્વ ઘાટકોપરમાં જ રહેતા હતા. જો કે, પછીથી એ બીજે રહેવા ગયેલા. એમની પાસે સર્જનાત્મક સાહિત્યનાં પુસ્તકો અપાર. હું એમના ત્યાં જતો ત્યારે એ ફ્રેંચ લેખક રોબ ગ્રીયેથી માંડીને તે અનેક સર્જકોની નવલકથાઓ, કાવ્યસંગ્રહો, નાટકોનાં પુસ્તકો બતાવતા. જો કે, એ પુસ્તકો ધીરવામાં બહુ ઉદાર ન હતા અને હું પણ એ એમાં ઉદાર બને એવી અપેક્ષા ન’તો રાખતો. કેમ કે ત્યારે આ પ્રકારનાં પુસ્તકો નસીબદાર માણસોને જ મળતાં. ઘણી વાર તો તમારે બુકસેલરને કહી રાખવું પડતું. ત્યારે આજે છે એટલી આયાત-નિકાસની પ્રવૃત્તિ સુલભ ન’તી.

આ બધામાં વીરચંદભાઈ એક અલગ જ પ્રકારના માણસ. એમણે ઔપચારિક શિક્ષણ ખૂબ જ ઓછું લીધેલું. પણ આજે જો એમની વિદ્વતાનું વર્ગીકરણ કરવું હોય તો આપણે એમને ક્લાસિકલ સ્કોલરશીપની પરંપરમાં મૂકવા પડે. નૃવંશવિજ્ઞાનના નિષ્ણાત. પુરાતત્ત્વના નિષ્ણાત. સિનેમાના નિષ્ણાત. કળાના પણ નિષ્ણાત. વરસો પહેલાં એમણે ‘વિવિધ કળાઓમાં મૃત્યુ’ લેખ લખેલો જે હજી પણ કાળગ્રસ્ત થયો નથી. પોતે અનેક વિષયોની હાલતીચાલતી archive. જો કોઈએ એમને મળવું હોય તો એણે એશિયાટીક લાયબ્રેરીમાં જવું પડે અથવા તો રવિવારે સાંજે કરમશીભાઈના ત્યાં આવવું પડે. ખૂબ જ ચોકસાઈવાળા. એક એક શબ્દની બાબતમાં પ્રશ્નો ઊભા કરે. કાચોપોચો હોય માણસ હોય તો એ પાંચ મિનિટમાં જ ઉઘાડો પડી જાય. એ વખતે મને યુરોપિયન સંરચનાવાદમાં ઊંડો રસ હતો. એના એક ભાગ રૂપે મેં યાકોબ્સન અને લેવી સ્ટ્રાઉસનાં કેટલાંક લખાણો વાંચેલાં. વીરચંદભાઈએ આ બન્ને મહાનુભાવોને બરાબરના પચાવેલા. અમે જ્યારે મળતા ત્યારે સંરચનાવાદની વાતે વળગતા. એક વાર એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના એક પ્રોફેસરની હાજરીમાં અમે બન્ને સંરચનાવાદની ચર્ચાએ ચડી ગયેલા. પેલા પ્રોફેસરે એ ચર્ચા સાંભળીને કહેલું: અરે, બાબુભાઈ આટલી ગંભીર ચર્ચા કરી શકે છે! આમેય વડોદરાના મારા પ્રોફેસરોને ત્યારે મારા માટે બહુ ઊંચો આદર ન હતો. એ લોકો એવું માનતા કે હું વાંચતો નથી. વાંચવાનો દેખાડો માત્ર કરું છું. પણ, મુંબઈના મિત્રો મને એ રીતે ન’તા જોતા. એ મિત્રો ન હોત તો મેં ચોક્કસ આત્મવિશ્વાસ ગુમાવી દીધો હોત.

વીરચંદભાઈના ઘેર જવાનું મારે બેત્રણ વાર થયું હશે. પહેલી વાર હું એમના ઘેર ગયો ત્યારે મને થયેલું કે આ ઘરમાં આ બધા માણસો કઈ રીતે રહેતા હશે? કેમ કે એ ઘરમાં ઘરવખરી ઓછી હતી ને પુસ્તકો વધારે હતાં. જ્યાં જુઓ ત્યાં બસ પુસ્તકો જ પુસ્તકો. મને ત્યારે એવું લાગેલું કે સાંજે સૂતી વખતે કદાચ બધાં કુટુંબીજનો પુસ્તકો બાજુ પર ખસેડીને જગ્યા કરતાં હશે. વીરચંદભાઈ ફાઈલો પણ પુષ્કળ રાખતા. કોઈક ફાઈલમાં છાપાનાં કટીંગ્સ હોય, કોઈકમાં લેખો હોય, તો વળી કોઈકમાં ચિત્રો પણ હોય ને ફોટા પણ હોય. ગુજરાતે વીરચંદભાઈનો લાભ નથી લીધો. જો એમના જેવા કોઈક વિદ્વાન યુરોપમાં હોત તો કદાચ એમની પાસે ઔપચારિક શિક્ષણની અપેક્ષા રાખ્યા વિના જ એમને કોઈક યુનિવર્સિટીએ પ્રોફેસર બનાવી દીધા હોત. વીરચંદભાઈ ઉપર જે એમના કેટલાક મિત્રો એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે. એ પુસ્તક પ્રગટ થશે ત્યારે લોકોને એમના વિશે ખ્યાલ આવશે. એમની વિદ્વતાનો લાભ પશ્ચિમના અનેક વિદ્વાનોએ લીધો છે. ગુજરાતના ઓછા. હું એનો સાક્ષી છું. જ્યારેક પશ્ચિમના એક વિદ્વાન ‘કામસૂત્ર’ પર સંશોધન કરતા હતા ત્યારે વીરચંદભાઈએ એને કહેલું કે તમને ખબર છે કે ‘કામસૂત્ર’ની શોધ એક ગુજરાતી વિદ્વાને કરેલી! એ વિદ્વાન પણ પછી વિચારમાં પડી ગયેલા. વીરચંદભાઈએ વરસો સુધી ભગવાનલાલ ઇન્દ્રજિત પર કામ કરેલું. પશ્ચિમને પહેલી વાર ‘કામસૂત્ર’નો પરિચય કરાવનાર તરીકે લોકો રીચાર્ડ બર્ટનને યશ આપે છે. પણ, ના. એ કામ કરવામાં બીજા બે ભારતીય વિદ્વાનો પણ જોડાયેલા હતા. એમાંના એક ભગવાનલાલ ઇન્દ્રજી. આ હકીકત સૌ પહેલાં વીરચંદભાઈ પ્રકાશમાં લાવેલા.

મેં કહ્યું એમ મુંબઈ નામની નદીમાં આ પથ્થર જેટલો મુંબઈના પાણીથી ઘડાયો એટલો જ મુંબઈના મિત્રોથી પણ ઘડાયો. આ મિત્રોમાંના કેટલાક વડીલ હતા. કેટલાક લગભગ સમવયસ્ક. એ દિવસો દરમિયાન હું લગભગ દર મહિને વડોદરા જતો. સુરેશ જોષીને મળતો. એક વાર હું ગયો ત્યારે સુરેશભાઈએ મને એક ચિઠ્ઠી લખી આપી. નવીન ચૌહાણ- ‘લોકસત્તા’ના તંત્રીને નામ. ત્યારે સુરેશભાઈ ‘લોકસત્તા’મા અઠવાડિક કોલમ લખતા. ચિઠ્ઠીમાં લખેલું:  આ ચિઠ્ઠી લઈને આવનાર બાબુભાઈ મારા વિદ્યાર્થી છે. એમને નોકરીની જરૂર છે. જો તમારે ત્યાં કોઈક જગ્યા હોય તો વિચારવા વિનંતી. સુરેશભાઈએ કહેલું: હવે મુંબઈમાં રહેવાને બદલે વડોદરા પાછા આવતા રહો. કોઈક છાપામાં નોકરી મળી જશે. તમારો ‘ગુજરાત સમાચાર’નો અનુભવ કામ લાગશે.

 

 

પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ ૫

પ્રકરણ: શું થઈ ગયું?

સપ્ટેમ્બર ૧૮, ૧૯૭૮ની સાંજે, દિલીપ અને મારા રૂટિન પ્રમાણે, હું સૂર્યાસ્ત જોવા બાલ્કનીમાં એકલી ગઈ હતી અને એકલી જ હું અતીતમાં સરી ગઈ! રાતના સાડા આઠ થયા હતા.  સપ્ટેમ્બર ૧૫, ૧૯૭૮, દિલીપના ગયા પછી, ઋચા મારી પાસેથી ખસી નહોતી. આજે, પણ સાંજના, મેં એને પરાણે ઘરે મોકલી. જતાં પહેલાં મને કહે, “સુલુ, તું આવ મારી સાથે. હું તને એકલી મૂકીને જતાં જીવ નથી ચાલતો!” મેં એને કહ્યું, “ઋચા, મારી જરા પણ ચિંતા ન કર. આમેય, તારું ઘર ખાલી ૧૫ મિનિટ દૂર છે અહીંથી અને સીતા તો છે જ. તારા બેઉ સંતાનો ત્રણ દિવસથી તારા વિના એકલા રવિ સાથે છે. કાલે પાછા મળીશું. તું ફિકર વિના જા.” જતાં પહેલાં ઋચાએ સીતાને બોલાવી. સીતા છેલ્લા દસ વરસથી મારા ઘરમાં કુટુંબનો હિસ્સો છે. સીતાએ એશ્યોરન્સ આપ્યું, “ઋચાદીદી, હું દીદીની સાથે છું ને?” ઋચા જતાં જતાં બોલી, “સીતા, તારા ભરોસે મારી સુલુને મૂકીને જાઉં છું.” જતાં પહેલાં, ઋચા મને ભેટી. મારો અને એનો, બેઉનો ખભો ભીનો થયો હતો! સીતા કઈં પણ પુછ્યા વિના મારી થાળી લઈને બાલ્કનીમાં આવી. “દીદી, જમી લો. હવે ન કહેતાં કે તમને ભૂખ નથી. હું અહીં જ તમારી સામે બેઠી છું.” અને સીતા બાલ્કનીમાં જમીન પર બેસી પડી. મેં કહ્યું, “તું ખુરસી લઈને અહીં બેસ. હું જમી લઈશ.” સીતા અંદર ખુરસી લેવા ગઈ, પણ, મારું મન તો, ૧૭-૧૮ વરસ પહેલાંના, દિલીપના એ એક અઠવાડિયાના વિયોગ પછીના આગમનના દિવસે આયોજાયેલા એ જમણવારમાં પહોંચી ગયું હતું.

*****

        અમારે સાંજના સાડાપાંચ વાગે દિલીપના ઘરે, ડીનર માટે પહોંચવાનું હતું. મારું મન તો અભિસારિકા બનીને ક્યારનુંયે એની પાસે પહોંચી ગયું હતું. હું દિલીપમય હતી. શું મારે એને કઈંક પૂછવું હતું કે પછી એની પાસેથી કઈંક સાંભળવું હતું? એ પહેલાં મને પૂછશે કે મારું આ ગયું અઠવાડિયું એના વિના કેવું ગયું તો હું શું કહીશ? શું સાચે જ એ મની કઈં એવું કહેશે કે જેથી મારી બાકીની જિંદગી પણ દિલીપમય બની જશે? પેટમાં પતંગિયા ઊડાઊડ કરી રહ્યાં હતાં ને મને થયું, આ સાલું ખરું કે પરાક્રમ દિલના પણ એની કિંમત, પેટે પતંગિયાની ઊડાઊડ કરવા દઈને ચૂકવવાની! મમ્મી તૈયાર થતી હતી ત્યાં ફોનની ઘંટડી વાગી. મને થયું કે કદાચ દિલીપનો ફોન હશે કે હજી કેટલી વાર છે આવવામાં, એવું વિચારતાં, મેં રિસીવર ઊપાડ્યું, અને સામે છેડેથી અવાજ આવ્યો, “શું મેમસા’બ, રેડી?” ઋચાનો ફોન હતો. મારા મોંમાંથી અચાનક જ નીકળી ગયું, “ઓહ, તો તું છે!” “કેમ તને કોઈ બીજાના ફોનની આશા હતી? સો સોરી! તૈયાર?” મેં થોડીક રીસથી કહ્યું, “તૈયાર ફોર વોટ? તને સાચે જ કઈં બીજો કામધંધો નથી?” “નથી, જાનેમન. યાર, તું પ્રેમ કરે છે અને મન મારું ઝૂમે છે.” ત્યાં જ મમ્મી અંદરના રૂમમાંથી બહાર આવી અને બોલી, “ચાલ, સુલુ, તૈયાર? મેં પાર્વતીબાઈને કહ્યું છે કે, ધ્યાનથી ઘર બંધ કરીને બેસે. આપણે દસ સુધી તો પાછા આવી જઈશુંને? તું હજી ફોન પર છે?” “ઋચા, ફોન મૂક, તારે કારણે, મારે કાયમ મમ્મીની વઢ ખાવી પડે છે!” અને મેં ફોન મૂકી દીધો. અમે બેઉ, ઘરનો દરવાજો બંધ કરીને નીકળ્યાં. દિલીપનું ઘર તો નજીક હતું. મમ્મીએ આજે ખાસ સુખડી બનાવી હતી અને એણે સુખડીનો એ ડબ્બો સાથે લીધો. મેં મમ્મી સામે પ્રશ્નાર્થ નજરે જોયું. એ કહે, “વોટ? આજે કઈં હું પહેલીવાર દિલીપ માટે સુખડી નથી લઈ જતી. આમ કેમ જુએ છે?” અમે ચાલવા માંડ્યું હતું. “નહીં, પણ મને તો ખબર જ ન પડી કે તેં આ ક્યારે બનાવી? મને એક ટુકડો પણ ન આપ્યો? આ ચીટીંગ છે, એ તું જાણે છે ને?” જવાબમાં એ ફક્ત હસી. કોને ખબર, પણ, મમ્મી થોડીક નર્વસ લાગતી હતી. મમ્મી જ્યારે પણ કોઈ અજાણી ટેરેટરીમાં વિચારતી હોય કે વિચરતી હોય, એનો હાથ એના કપાળે ઘડીઘડી ફેરવ્યા કરતી. આજે પણ એ જ થઈ રહ્યું હતું. એ જેવો હાથ એના કપાળે ફેરવવા ગઈ કે મેં એનો હાથ પકડી લીધો અને પુછ્યું, “શું વાત છે મમ્મીજી? આપણે આપણા જ એક ઘરથી નીકળીને બીજે ઘરે જઈ રહ્યા છીએ. કેમ આટલી નર્વસ છે તું? તબિયત તો સારી છે ને?” અને મમ્મીને તાવ નથી એની ખાતરી કરવા એના કપાળે હાથ મૂક્યો. એ થોડું હસી અને બોલી, “મારે આજે તારા ધાજી અને અદા સાથે વાત કરવી છે. ખબર નહીં કેમ, પણ મને થોડી ગભરામણ જેવું થાય છે.”

મમ્મી અને મારી વચ્ચે અલિખિત કરાર હતા. મારી મૂંઝવણમાં એ માત્ર મારી મા નહીં, પણ, પરિપક્વ સખી બની જતી અને એની મુસીબતમાં હું એની મમ્મી અને સખી બની જતી! અમારી બેઉ વચ્ચે કઈં છાનું નહોતું. કારણ, છાનું રાખતાં બેઉને આવડતું નહોતું.

“શી વાત છે, મમ્મી? જે વાત કરતાં આટલી એન્ક્ઝાઈટી થાય છે એ વાત કરવી જ કેમ? એવી તે કઈ વાત છે?” મેં મમ્મીને કહ્યું. મમ્મી હજી કઈં જવાબ આપે ત્યાં તો સામેથી દિલીપ આવી ગયો, “માસી, આ સુલુને સૂઝતું નથી કે તમારા હાથમાંથી ડબ્બો લઈ લે! આપો મને! મારા માટે આજે તમે સુખડી લાવશો જ એની મને ખાત્રી હતી! ધીરજ ન રહી, એટલે સામો આવ્યો.” એણે ડબ્બો મમ્મીના હાથમાંથી લઈ લીધો. દિલીપ પણ વાત કરતો હતો મમ્મી સાથે, પણ મને જ જોતો હતો. મમ્મીને શું થયું એકદમ, કે, એ આગળ ચાલી અને દિલીપના ઘરની ઘંટી વગાડી. અમને બે-ચાર ઘડીનું એકાંત મળી ગયું. એણે મને જોઈને કહ્યું, “ઈટ ફીલ્સ લાઈક આઈ એમ અલાઈવ નાઉ. સુલુ. મારે તને આજે જ કશુંક પૂછવું છે. રાતના તને અને માસીને ડીનર પત્યા પછી મૂકવા આવીશ ત્યારે પૂછીશ.” અને આગળ વાત થાય એ પહેલાં અમે દિલીપના ઘરના દરવાજે આવી પહોંચ્યા હતાં.

ધાજીએ દરવાજો ખોલ્યો. હું ધાજીને પગે લાગી. અદા સોફા પર બેઠા હતા ત્યાં જઈને એમને પગે લાગી.

“ધાજી, અદા પાછા જલદી આવી ગયા એટલે આ ડીનર રાખ્યું ને?” હું દિલીપને ચીઢવવા જ બોલી હતી અને એની પ્રતિક્રિયા જોવા, મેં આડી નજરે દિલીપ સામે જોયું.

“એકલા અદા જ નથી આવ્યા પાછા જલદી! હું કઈં “ચોપ લીવર” છું?” દિલીપ અકળાઈને બોલ્યો.

અદા અમારી “સીલી” આરગ્યુમેન્ટને બંધ કરાવવા તરત બોલ્યા, “આજે, મારે અને તારી ધાજીને, ભાભી (મારી મમ્મી) સાથે અગત્યની વાત કરવી છે, એટલે નક્કી કર્યું કે ડીનર પર મળીને શાંતિથી વાત કરીએ. નો મોર ઝઘડા!” મારી અસમંજસનો પાર ન રહ્યો. અહીં હાજર છે એ સહુને, મારા સિવાય, આજે કઈંક ખૂબ ઈમ્પોર્ટન્ટ વાત કરવી છે! પણ, મારે શું કરવું છે, વાત કહેવી છે, કરવી છે કે પૂછવી છે…? મને જ એની ખબર ન હતી!

*******

        ડીનર પતાવીને વડીલો લિવિંગરૂમમાં બેઠાં. અદાએ દિલીપને કહ્યું, “તમારે બહાર વરંડામાં બેસીને વાતો કરવી હોય કે સુલુના ઘરે જઈ વાતો કરવી હોય તો જાઓ. આજે અમારે વડીલોએ ખાસ વાત કરવી છે.” અમને તો આ જ જોઈતું હતું. દિલીપ કહે, “અમે સુલુને ત્યાં વાતો કરીશું અને સુલુના પેપેર્સ કેવા ગયા એ પણ જોવાનું છે.  ટ્રીગોમાં પાસ થાય છે કે ડબ્બા ગુલ, જોવું પડશે ને?” અમસ્તું હું કઈં બોલત પણ મનેય એને એકલા મળવું હતું. એટલે, એની સામે આંખો કાઢીને ચૂપ રહી. દિલીપે કહ્યું, “ચાલ હવે! જ્યાં સુધી આપણને ધક્કા મારીને બહાર ન કાઢે ત્યાં સુધી અહીં જ ઊભી રહીશ?” હું ધાજી અને અદાને પગે લાગી. અમે, દિલીપના ઘરનો આંગણું જેવો લાંબો હોલ-વે વટાવી બહાર ગયાં અને દરવાજો બંધ કરતાં, મને યાદ આવ્યું કે મારી પાસે ચાવી નથી. દસ વાગવા આવ્યા હતા. પાર્વતીબાઈ પણ સૂઈ ગયા હશે. મેં દિલીપને કહ્યું, “અરે, ઊતાવળમાં હું મમ્મીની પાસેથી ઘરની ચાવી લેતાં ભૂલી ગઈ. લેટ મી ગો. આઈ વીલ બી બેક!” આગળનો એ હોલ-વે માત્ર લિવિંગરૂમના દરવાજા સુધી પહોંચવા માટે જ વપરાતો. દિલીપે આજુબાજુ જોઈ મારો હાથ પકડ્યો, અને કહે, “આઈ લવ યુ અ લોટ એન્ડ આઈ મિસ્ડ યુ લાઈક …!” એ વાક્ય પૂરૂં કરે, તે પહેલાં હું નીચું જોઈ ગઈ, પણ હાથ છોડાવવાની કોશિશ કર્યા વિના, લજ્જાથી બોલી, “આ શું કરે છે? કોઈ જોઈ લેશે! લેટ મી ગો એન્ડ ગેટ ધ કી!” એ વધુ નજીક આવી બોલ્યો, “તને મારી યાદ આવી કે નહીં? મારી કમી સાલી કે નહીં? એ કહે પછી જ હાથ છોડીશ!” હું માની જ ન શકી કે આ વાત આમ અહીં થઈ રહી છે! મારું દિલ જોરથી ધડકતું હતું. પળવાર માટે હું ભૂલી જ ગઈ કે હું ક્યાં છું અને મારે શું કરવાનું છે! મારી જીભ પર અનેક શેર અને શાયરી જન્મ લેવા થનગની રહ્યાં હતાં. મન ઈચ્છ્તું હતું કે દિલીપ મારો હાથ કદી ન છોડે! એના સ્પર્શે, એના શ્વાસોની હૂંફે મારી આજુબાજુ એવો ચક્રવ્યુહ રચ્યો હતો, જેમાંથી બહાર આવવા હું પોતે પણ માગતી નહોતી!. મારા પગે પણ તે જ સમયે વિદ્રોહ કર્યો હતો કે, “જવાબ આપ સુલુ, પછી જ અમે ચાલીશું!” આમ ને આમ, સ્થિતપ્રજ્ઞતામાં કેટલી બધી ક્ષણો વીતી ગઈ, કોણ જાણે! ત્યાં જ દિલીપ બોલ્યો, “પ્લીઝ, સુલુ કહેને? મને રાતના ઊંઘ પણ નથી આવી, બસ, તને મારી કમી સાલતી હશે કે નહીં એના જ અલગઅલગ પરમ્યુટેશન કોમ્બીનેશન કરતાં મેં આ સાત દિવસ કાઢ્યા છે!’ મેં તોફાની અવાજે કહ્યું, “અહીં નહીં કહું!”, પછી, હાથ છોડાવી, ડીંગો બતાવી હું મમ્મી પાસેથી ચાવી લેવા નીકળી.

હું હોલ-વે વટાવી લિવિંગરૂમના દરવાજામાંથી પ્રવેશ કરું, ત્યાં જ અદાનો અવાજ સંભળાયો, “સારું થયું ભાભી કે તમે, સુલુ કે દિલીપને વાત કરવા પહેલાં, તમારા મનની વાત સીધી અમને કહી કે તમારી ઈચ્છા છે કે સુલુ અને દિલીપના લગ્ન કરીએ પણ,..” પછી એક ખોંખારો ખાઈને બોલ્યા, ”હવે વાત જાણે એવી છે કે બેઉ છોકરાઓ ભાઈ-બહેનની જેમ ઊછર્યાં છે એવું સમાજ માને છે. નાત-જાતનું જવા દઈએ તો પણ, બધાને ખબર છે કે સુરેશ ગુજરી ગયો ત્યારે એનું દેવું ચૂકવવામાં અને અસ્ક્યામતો સાચવવામાં મેં મદદ કરી હતી. જો બેઉના લગ્ન કરીએ તો સમાજ તો એવું જ બોલશેને કે પોતાના પૈસા ઘરમાં પાછા આવે એવા હીણા મતલબથી જ મેં મદદ કરી! ભાભી, સુલુ અમારીયે દીકરી છે. એને માટે સારામાં સારો મૂરતિયો શોધવાની જવાબદારી મારી. તમે લગ્નના ખર્ચાનીયે ચિંતા ના કરશો. હું છું ને? પણ, આજે મારે ખાસ વાત કરવી છે, જોધપુરમાં અમારી નાતના, મારા મિત્ર, હીરાલાલનો એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો મોટો બીઝનેસ છે. હીરાલાલ ને હું, અમારા કોમન મિત્રની દિકરીના લગ્નમાં, હમણાં જોધપુરમાં મળ્યા ત્યારે દિલીપ માટે એણે, એની એકની એક દીકરીનું માંગુ નાંખ્યું. દિલીપને પણ છોકરી દેખાડી પણ એ “હા” કે “ના” કઈં નથી બોલતો. આજે અહીં આવ્યા પછી એની માએ પૂછ્યું તો પોતાની માને પણ જવાબ નથી આપતો! અમારા કરતાં પણ દિલીપને તમારી માયા વધુ છે અને તમારું સાંભળે પણ છે. તો, પ્લીઝ, મારી આટલી મદદ કરો ભાભી. એને સમજાવો કે જોધપુર વાળી છોકરી માટે “હા’ પાડે. એને અમેરિકા જવું છે તો લગ્ન કરીને જાય. બસ!” મારી આંખમાંથી આંસુ ક્યારે ખર્યા ખબર પણ ન રહી. મેં આંસુ લૂછ્યાં અને ધીમે પગલે પાછી વળી. દિલીપને કહ્યું, ”પાર્વતીબાઈને ઊઠાડીશું. ચાલ.” અને મેં એનો હાથ પકડ્યો તેવી જ દિલીપના મુખ પર અવર્ણનીય ખુશી ઝલકી! રાતના સાડા દસ થયા હતા. રસ્તા પર આછીઆછી ચહલપહલ હતી પણ ભીડ નહોતી. જો કે, ભીડ હોત તોય મેં એનો હાથ ન છોડ્યો હોત, આજે! અમે પાંચ મિનિટમાં મારા ઘરે પહોંચ્યાં ને રીંગ મારી. પાર્વતીબાઈ દરવાજો ખોલી, સૂવા ચાલી ગયાં. હું અને દિલીપ વરંડામાં ગયાં તેવો મારો અશ્રુનો બંધ તૂટી ગયો. દિલીપ થોડો હેબતાઈ ગયો. “સુલુ, પ્લીઝ ફોર ગોડ સેક, મને કહે, થયું છે શું?” એકાદ મિનિટમાં સ્વસ્થ થઈને, મેં, અદા શું બોલતા હતા, એ વાત શબ્દશઃ કહી. એ પણ કહ્યું કે અદા, મમ્મીએ જે કહ્યું હતું એના જવાબમાં કહેતા હતા. મારા આંસુ હજી વહી રહ્યા હતા. દિલીપ સાવ સૂનમૂન ઊભો હતો. મારી નજર સમક્ષ અદા અને ધાજીએ કરેલી મદદ જ નહીં પણ મારી અને મમ્મીની આડે જે રીતે એ બેય પતિ-પત્ની ઢાલ બનીને આજીવન ઊભા રહ્યા હતાં, એની ડોક્યુમેન્ટરી પસાર થતી રહી. અચાનક, મને વિચાર આવ્યો, કે, મમ્મીને, આ વાત ઉચ્ચારતી વખતે અને એ વાતને બીજી દિશામાં વાળી નાખવામાં આવી, તે સમયે, કેટલી અસહાયતા લાગી હશે? હું આ વિચારતી હતી ને દિલીપ બોલ્યો, “માસી, બિચારા, એમને શું થતું હશે! હું એમને લઈને આવું છું! એકલા કઈ રીતે આવશે?” અને ત્યાં જ મમ્મી ચાવીથી દરવાજો ખોલી, અંદર આવી. રોજની જેમ હસતું મોઢું રાખીને જ વરંડામાં આવીને કહે, “સુલુ, દિલીપ થાકેલો આવ્યો છે, પછી કાલે વાતો કરજો. બેટા, કાલે મારે પણ તને કઈંક કહેવું છે, દિલીપ!” દિલીપે મમ્મીના બેઉ હાથ પોતાના હાથમાં લીધા. અનાયસે એની આંખો ભરાઈ ગઈ. એ ડૂમો ભરેલા અવાજે બોલ્યો, “માસી તમારે જે કહેવું છે તે સુલુ સાંભળીને આવી છે, હું અને સુલુ તમારી બધી વાતો માનીશું. બીલીવ મી, સુલુ અને હું એક જ છીએ, લગ્ન તો અમારા ઐક્ય અને સખ્ય પર એક મ્હોર છે, એટલું જ, બસ! સુલુ પણ આ જ વિચારે છે. જો સુલુ આ વિચારતી ન હોય તો હું એ જે કહેશે એમ જ કરીશ. એને લગ્ન કરવા હોય તો અદા અને ધાજીની મરજી વિરુધ્ધ પણ લગ્ન કરીશ.” અને પછી મારી તરફ ફર્યો અને કહે, “સાચું કહેજે, તારો શું વિચાર છે?” જવાબમાં હું, મમ્મી અને દિલીપ, બેઉને સાથે ભેટી પડી. અમે ત્રણેય રડતાં હતાં, બસ, ફરક એટલો હતો કે મમ્મી આંસુ અંતરમાં પીતી હતી અને અમારા બેઉના અશ્રુઓ આંખોથી દડી રહ્યાં હતાં. મમ્મીના મુખમાંથી માત્ર આટલું જ નીકળ્યું, “સુખી રહેજો!” અમે ત્રણેય સ્વસ્થ થયાં.

દિલીપ બોલ્યો, “માસી, એક વચન આપો કે આવતા જન્મે તમે મારા મા થશો, આ જન્મે ભલે “મા સી”- મા જેવી છો!” પછી મને જોઈને, મારા ખભે હાથ મૂકીને એટલું જ બોલ્યો, “દોસ્ત, આ શું થઈ ગયું?” મમ્મી ત્યાં ઊભી હતી તોયે લાજ શરમ મૂકીને હું દિલીપને ભેટી પડી! અમે એકમેકના ગાલ પર કીસ કરી છૂટા પડ્યા. હું અને મમ્મી દિલીપને દરવાજા પર મૂકવા ગયા. મમ્મીએ એના માથે હાથ ફેરવીને બોલી, “માતા-પિતાને ખૂબ સુખ આપજે, બેટા!”  મેં એને નજર ભરીને જોયો અને એ બોલ્યો, “બાય”! એની પીઠ ફરી, દરવાજો બંધ થયો, કે, તરત જ, મમ્મી મને વળગીને, ડૂસકાં ભરીને રડી પડી.

મેં કહ્યું, “અરે, આ શું? મારી આટલી બહાદુર મા, રડે છે કેમ? જો, હું અને દિલીપ કાયમ માટે આમ જ મિત્રો રહીશું. બેઉ કુટુંબ આમ જ એક રહેશે, બદલ્યું છે જ શું કે તું આમ હિબકાં ભરીને રડી રહી છે?” મમ્મી બસ, એક જ વાક્ય રડતાંરડતાં બોલી, “આજે તારા પપ્પા હોત તો………?” મારી પાસે એનો કોઈ જવાબ નહોતો!

(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)