એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૪ (નટવર ગાંધી)


 

પ્રકરણ ૧૪- જારેચા અમેરિકા ઉપડ્યા!

એ જમાનામાં લોકોને અમેરિકા જવાનો મોટો મોહ હતો.  આંગળીના વેઢે ગણાય એટલા જ અમેરિકા જઈ આવેલા લોકોને હું ઓળખતો. તે વખતે અમને અમેરિકા માત્ર હોલીવુડની મુવીઓ અને લાઈફ ટાઈમ મેગેઝિનમાં જોવા મળતું એ જ. જો કે અમેરિકા વિષે જાણવાની ઉત્સુકતા ઘણી.  એ વખતે મુંબઈમાં હજી ટીવી પણ આવ્યું નહોતું, તો પછી સીએનએન વગેરે ટીવી શોજની વાત ક્યાં કરવી? આજે એ બધા શોજને કારણે લોકોને અમેરિકાની નવાઈ નથી રહી. કહો કે એનું  આકર્ષણ ઘટ્યું છે.  વધુમાં અમેરિકાની અવરજવર પણ વધી ગઈ છે.  દેશમાં ભાગ્યે જ કોઈ ઉચ્ચ મધ્યમ વર્ગનું કે પૈસાદાર ઘર એવું હશે કે જેમાંથી કોઈક ને કોઈક–દીકરો, દીકરી, ભાઈ, બહેન, જમાઈ, કે સાઢું એમેરિકામાં નહીં હોય. તે લોકો આવતા જતા હોય. વળી આવા સાધનસંપન્ન લોકો હવે તો અમેરિકામાં નિયમિત વેકેશન માણવા જાય છે!

દરરોજ છાપાંમાં કોઈ ને કોઈના અમેરિકાગમનના ફોટાઓ સાથે સમાચાર આવે જ: “ફલાણાના દીકરા આજે મોડી રાતે એર ઇન્ડીયાના પ્લેનમાં અમેરિકાની અમુક યુનીવર્સીટીમાં એમ.બી.એ.ના ઉચ્ચ અભ્યાસ કરવા માટે જવાના છે!”   એમનું અમેરિકાનું પ્લેન તો ઊડવાનું હોય ત્યારે ઊડે, પણ ભાઈ તો દિવસોથી ઊડતા દેખાય.  જેવી ખબર પડે કે કોઈ અમેરિકા જવાનું છે તો તુરત એના ભાવ ચડી જાય.  લોકો ઘરે જમવા બોલાવે. એરપોર્ટ ઉપર એમને વળાવવા માટે સગાંવ્હાલાં અને મિત્રોનું ધાડું પહોંચી જાય.  મારા જેવા હરખપદુડા લોકો પણ એરપોર્ટ પહોંચે. એ બધા વચ્ચે હારતોરા સાથે  ભાઈના ફોટા પડે.  બીજે દિવસે ઘરના બધાં છાપું ઉત્સુક થઈને જુએ કે શું આવ્યું છે.

અમેરિકા જવા માટેની ઘણી વસ્તુઓની જરૂર પડે: એડમીશન, વિસા, પાસપોર્ટ, ફોરેન એક્ષ્ચેન્જ–તે બધું મેળવતાં નાકે દમ આવી જાય. એ બાબતમાં મદદ કરવા કેટલાક હોશિયાર માણસો કન્સલ્ટીંગનો ધંધો કરતા.  એક કન્સલટન્ટની આ બાબતની ધીકતી પ્રેક્ટીસ ચાલતી હતી. તેને મળવા જારેચા જવાના હતા. મને કહે ચાલો, મારી સાથે!  હું પણ ગયો. કન્સલટન્ટને મળ્યા ત્યારે ખબર પડી કે અમેરિકા જવું એટલે બેગમાં કપડા ભરીને એરપોર્ટ ઉપર જઈને હારતોરા લઈને પ્લેનમાં બેસવાની માત્ર વાત નથી.  મોટી વાત તો અઢળક પૈસા જોઈએ એની હતી.  અમેરિકા ભણવા જવા માટે જે લાખો રૂપિયાની જરૂર પડે તે ક્યાંથી કાઢવા? એ એકડો જો પહેલાં લખાઈ જાય તે પછી જ બીજા મીંડાઓનું મહત્ત્વ હતું.

જારેચાના પિતાશ્રી એમની નાતના અગ્રણી સેવક હતા. એમની ઇચ્છા એવી કે નાતમાંથી પહેલું અમેરિકા જનાર તો તેમનો દીકરો હોવો જોઈએ!  આમ તો એ માસ્તર હતા, પણ નાતનું બહુ કામ કરતા.  નાતમાં એમની આબરૂ મોટી.  નાતના ખમતીધર લોકોને કહ્યું કે આપણે હવે સંકુચિતતા છોડીને નવી પેઢીને આગળ અભ્યાસ માટે પરદેશમાં મોકલવી જોઈએ. જુઓ, મારો નવીન બી.કોમ. થયો છે. મારે એને અમેરિકા મોકલવો છે.  એ ત્યાં જશે તો નાતનું નામ ઉજાળશે.  ઠરીઠામ થઈને નાતના બીજા છોકરાઓને પણ બોલાવશે. આ વાત એમને નાતના શેઠિયાઓને ગળે ઉતારી. નાતના લોકોએ ભેગા થઈને જારેચાના અમેરિકા જવા માટેનો ફંડફાળો ભેગો કર્યો!  આ મોટું કામ પત્યા પછી પાસપોર્ટ, વિસા, બોટની ટિકિટ અને ફોરેન એક્ષ્ચેન્જની પણ વ્યવસ્થા થઈ ગઈ.  પેલા કન્સલટન્ટની મદદથી એમને એટલાન્ટા યુનીવર્સીટીમાં એડમીશન મળ્યું.  જારેચાનું અમેરિકા જવાનું આમ નક્કી થયું.  ચોપાટીના મોટા રેસ્ટોરાંમાં નાતનો મોટો સમારંભ થયો. તેમના મિત્રને નાતે હું પણ ગયેલો. નાતના શેઠ લોકોએ ભાષણો કર્યાં. હારતોરા થયા. બીજે દિવસે બોટ પર એમને વળાવવા ગયો. બોટ ઊપડી ત્યાં સુધી હું પીઅર ઉપર ઉભો રહ્યો.

પાછા વળતા આખે રસ્તે હું વિચાર કરતો હતો કે આમ મારું કયારેય અમેરિકા જવાનું થશે ખરું કે?  જારેચા અમેરિકા જાય તો હું કેમ ન જાઉં?  પણ હું અમેરિકા જઉં એ પહેલાં તો મારે બી.કોમ. થવાનું છે. એનાં હજી બે વરસ બાકી છે.  જારેચા જેવા બી.કોમ. થયા કે તેમના બાપાએ દીકરાને અમેરિકા મોકલવા માટે ખાસ દેશમાંથી મુંબઈ આવીને નાતના અગ્રગણ્ય શેઠિયાઓને મળીને પૈસા ઉભા કર્યા અને છોકરાને અમેરિકા મોકલ્યો.  મારે તો કાકાના કાગળો રોજ આવતા હતા. એમાં હરી ફરીને એક જ વાત હોય.   કૉલેજ પૂરી થવાની કેટલી વાર છે?  એમની ઇચ્છા હતી કે જલદી જલદી હું ભણવાનું પૂરું કરું, નોકરી કરવા માંડું અને દેશમાંથી ભાઈબહેનોને મુંબઈ બોલાવું અને ઠેકાણે પાડું. ટૂંકમાં બી. કોમ. થઈને મારે તો નોકરી કરવાની હતી, મુંબઈમાં સેટલ થવાનું હતું, અને દેશમાંથી બધાને બોલાવાના હતા. જારેચા સાથે મારી સરખામણી ન થાય.

જારેચા અને ભટ્ટના ગયા પછી કૉલેજમાં મને સૂનું સૂનું લાગવા માંડ્યું.  બી.કોમ.નું ભણવામાં મને કોઈ રસ નહોતો.  એ જમાનામાં સીડનહામ કોલેજ બહુ વખણાતી. મુંબઈની ઉત્તમ કૉમર્સ કૉલેજ ગણાતી. એના પ્રોફેસરોની ખ્યાતિ બહુ હતી. પ્રિન્સિપલ  કે. ટી. મર્ચન્ટ મોટા ઈકોનોમિસ્ટ તરીકે પ્રખ્યાત હતા, અને પ્લાનિંગ કમિશનસાથે સંકળાયેલા હતા. તે ઉપરાંત મરાઠીના જાણીતા સાહિત્યકાર ગંગાધર ગાડગીલ અમને ઇકોનોમિક્સ ભણાવતા, અને કવિ પી.એસ. રેગે સિવીક્સ.  આમાંથી કોઈને ભણાવવામાં કે વિદ્યાર્થીઓમાં રસ નહોતો. ક્લાસમાં આવે, ભાષણ કરીને ચાલતા થાય. એક પ્રોફેસર  તો લેક્ચર કરતા કરતા રોજ રીતસરનાં બગાસાં ખાય. ઈંગ્લીશના એક પ્રોફેસરે  જ્યોર્જ બર્નાર્ડ શોના પીગ્મેલીયન નાટકને બોરિંગ કરી નાખ્યું!   એ નાટક શું છે એ તો ‘માય ફેર લેડી’ ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી.

બધાની જેમ ગાઈડો વાંચી ગોખીને હું એકઝામમાં પાસ તો થયો, પણ પછી શું?  મારી સાથેના બી.કોમ. થયેલાઓમાં જે પૈસાપાત્ર હતા તે તો અમેરિકા જવાની તૈયારી કરવા મંડ્યા, બાકીના જે સગવડવાળા હતા તે ચાર્ટર્ડ એકાઉન્ટીન્ગનું કરવામાં લાગી ગયા.  જેમને બાપધંધો હતો તે તેમાં લાગી ગયા. જેમને સારી લાગવગ હતી તે બેંક કે કોઈ મોટી ફોરેન કંપનીમાં લાગી ગયા. અને હું બેકાર થયો!  અને સાથે સાથે રહેવાનું ઠેકાણું પણ ખોયું.  કૉલેજ પૂરી થઇ એટલે મારે નાતની બોર્ડીંગમાંથી નીકળવું પડ્યું.  આમ મારે માત્ર નોકરી જ નહોતી શોધવાની, સાથે સાથે રહેવા માટેનું કોઈ ઠેકાણું પણ શોધવાનું હતું.  બોર્ડીંગમાં નાના ગામમાંથી આવેલા બીજા વિદ્યાર્થીઓ પણ મારી જેવી જ મુશ્કેલીમાં હતા.  કૉલેજની ડીગ્રી લઈ લીધા પછી અમારે બધાએ બોર્ડીંગ છોડવાની હતી. મારા જેવા ઘરબાર વગરના ચાર છોકરાઓ ભેગા થઇને અમારામાંથી એકના સગાનો ફ્લેટ ખાલી પડ્યો હતો ત્યાં રહેવા ગયા.  જોકે એ ફ્લેટ ચાર મહિના માટે જ મળ્યો હતો, પણ હાલ પૂરતી તો વ્યવસ્થા થઈ. પછી જેવા પડશે એવા દેવાશે એ હિસાબે રહેવા ગયા. અને મેં નોકરીની શોધ શરુ કરવા માંડી.

મારી પાસે બાપદાદાનો કોઈ મોટો ધંધો મુંબઈમાં હતો નહીં, પૈસા તો હતા જ નહીં,  કોઈ ઓળખાણ કે લાગવગ ન મળે, તો પછી મુંબઈમાં નોકરી કેવી રીતે મળે?  ટાઈમ્સ વાંચવાનું ચાલુ હતું. એમાં વોન્ટ એડ જોવાનું શરૂ કર્યું. દરરોજ ઓછામાં ઓછી એક એપ્લીકેશન તો કરવી જ એવું નક્કી કર્યું. સારા કાગળ લઈ આવ્યો. ક્યાંય પણ કૉમર્સનું  ભણેલાની જરૂર હોય એવું લાગે કે તુરત જ “રીસપેક્ટેડ સર” થી શરૂ કરીને સારા અક્ષરે એપ્લીકેશનનો કાગળ લખતો અને સાથે બણગાં ફૂકતું રેજુમે તૈયાર હતું તે મૂકતો.  એ જમાનામાં ટાઈપ રાઇટર હતા, પણ એ લેવાના પૈસા ન હોતા,  અને ટાઈપ રાઇટર હોય તો પણ ટાઈપ કરતા આવડવું જોઈએ ને?  એપ્લીકેશન હાથે લખ્યા સિવાય કોઈ છૂટકો ન હતો. પછી ચાલતો ચાલતો ટાઈમ્સના ફોર્ટમાં આવેલા મોટા બિલ્ડીંગની બહાર ચકચકતા પીળા બોક્સમાં એપ્લીકેશન નાખી આવતો.

ભાગ્યે જ કોઈ જવાબ આવે. અને જો આવે તો સમજવું કે કોઈ મોટી બેન્ક કે ઇન્સ્યુરન્સ કંપની અથવા તો કોઈ ફોરેન કંપનીનો હોય. જો કે જવાબમાં મોટે ભાગે ‘ના’ જ હોય, અને તે પણ ફોર્મ લેટર હોય.  ક્યારેક ઈન્ટરવ્યુમાં જવાનું થાય તો ખુશી થાઉં. મનમાં અને મનમાં અનેક સવાલજવાબ તૈયાર કરું.  ઇન્ટરવ્યુના દિવસે સવારના વહેલાં ઊઠી કપડાંને ઈસ્ત્રી કરાવરાવું.  ટ્રેનને બદલે બસમાં જાઉં.  ટ્રેનની ગિરદીમાં કપડા ચોળાવાનો ભય. કંઈક કેટલીય એપ્લીકેશન કરી કેટલાય ઈન્ટરવ્યુ આપ્યા, પણ નોકરીનો કોઈ પત્તો ખાધો નહીં. નોકરીની શોધમાં આખું મુંબઈ  ફરી વળ્યો.

ટાઈમ્સમાં ડ્રાઈવર માટે બહુ વોન્ટ એડ આવતી, પણ આપણને ડ્રાઈવિન્ગ કરતા આવડવું જોઈએને!  બાઈસીકલ જ જો નથી આવડતી તો કાર ચલાવાની વાત ક્યાં કરું? એક વાર એમ પણ થયેલું કે ચલો,  ડ્રાઈવિંગના ક્લાસ ભરું.  ગલ્ફના દેશોમાં ભણેલા માણસોની જરૂર હતી તો થયું કે ચાલો, પાસપોર્ટ કઢાવીએ અને નોકરી જ જો મળી જતી હોય તો ગલ્ફ ઉપડીએ. એ જમાનામાં હજી કમ્પુટર આવ્યા નો’તા. ટાઈપ રાઈટર અને ટાઇપિસ્ટોની બોલબાલા હતી. દરેક નાની મોટી ઑફિસમાં કોરસ્પોંડસ અને ઇન્વોઇસ તૈયાર કરવા માટે  ટાઇપિસ્ટની બહુ જરૂર હોય. એટલે ટાઇપિસ્ટોની મોટી માંગ હતી. પણ આપણને ટાઈપીંગ ક્યાં આવડતું હતું?  આખરે ટાઈપીંગ ક્લાસ પણ શરૂ કર્યા.  મને એમ થયા કરતુ હતું કે જે સ્કીલ્સની નોકરીના બજારમાં ખાસ જરૂર છે તેમાંનું મને કંઈ આવડતું નથી, અને જે કંઈ આવડે છે તેની કોઈ ડીમાંડ નથી. મને વારંવાર થતું કે મેં બી. કોમ થઇને શું કાંદો કાઢ્યો? આ કરતાં જો મારકેટમાં જ ચોંટી રહ્યો હોત તો કોઈ લાઈન હાથ લાગી હોત.  આ ચાર વરસો કૉલેજમાં બગાડ્યાં તેને બદલે કદાચ કોઈ ધંધો શીખ્યો હોત. પણ હવે મારકેટમાં થોડું જવાય છે? બી.કોમ થયા પછી ગુમાસ્તા કેમ થવાય?

ઘણી વાર મેઘનાદ ભટ્ટને મફતલાલ મિલની એમની ઑફિસમાં મળવા જાઉં.  તપાસ કરું કે એમને ત્યાં કોઈ નોકરીની શક્યતા ખરી કે?  એક વાર કહે કે અહી મફતલાલમાં નોકરી મળવી મુશ્કેલ, પણ મારા એક મિત્ર મહેતા અહીંથી હમણાં નોકરી છોડીને થોમસન ઍન્ડ ટેલર નામના નવા ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં ચીફ એકાઉન્ટટન્ટ તરીકે જોડાયા છે. તમારી ઇચ્છા હોય તો તેમને વાત કરું, જો ત્યાં કોઈ જગ્યા હોય તો.  મેં  કહ્યું, ભાઈસાહેબ, કંઈક કરો ને!  એમને કહો કે મહેરબાની કરીને મને રાખી લે. કોઈ પણ પગાર ચાલશે. એમણે મહેતાને વાત કરી. હું એ મહેતા સાહેબને મળવા ગયો. એ કહે આવતી કાલથી આવી જજો. પગાર મળશે મહિનાનો દોઢસોનો. હું તો રાજીના રેડ થઈ ગયો.  આમ મને નોકરી મળી પણ આખરે ઓળખાણથી જ. ખંતથી સારા અક્ષરથી જે એપ્લીકેશન કરી હતી તે બધી નકામી જ નીવડી.

અમદાવાદના એક શ્રીમંત કુટુંબનો દીકરો અમેરિકા જઈને રીટેલ સેલ્સ મેનેજમેન્ટનું ભણીને એમ.બી.એ.ની ડીગ્રી લઈ આવ્યો હતો.  બાપા ને થયું કે આ દીકરો અમેરિકાનું ભણીને આવ્યો પણ એને ઠેકાણે કેમ પાડવો? એ રાજકુંવર કહે મારે મુંબઈમાં એક મૉડર્ન ડીપાર્ટમેન્ટ સ્ટોર કરવો છે.  એ સમયે મુંબઈમાં એક જ ડીપાર્ટમેન્ટ સ્ટોર હતો, અકબરઅલી ઇબ્રાહીમજી નામે. અમેરિકન દૃષ્ટિએ એ મૉર્ડન ન ગણાય.  “એ તો કોઈ દાણા બજારની દુકાન જેવો છે.”  એનું માનવું એવું હતું કે એ જો મુંબઈમાં કોઈ અદ્યતન, અમેરિકન સ્ટાઈલનો ડીપાર્ટમેન્ટ સ્ટોર શરૂ કરે તો અકબરઅલી પડી ભાંગશે, અને એનો  નવો સ્ટોર જામશે!

આ વાત એણે પોતાના શ્રીમંત બાપને ગળે ઉતારી. બાપને થયું કે કદાચ આ રીતે છોકરો ઠેકાણે પડશે. બાપા હતા ખમતીધર. જે કાંઈ પૈસાની જરૂર હતી, તે કાઢી આપ્યા. અને  કાલાઘોડા ઉપર થોમસન ઍન્ડ ટેલર નામે મોટે ઉપાડે ધામધૂમથી ડીપાર્ટમેન્ટ સ્ટોર શરૂ થયો.  મૂળમાં તો એ દવાની પ્રખ્યાત મોટી દુકાન હતી તે લઈ તેને વધારીને તેનો સ્ટોર કર્યો. અમેરિકન સ્ટાઈલ મુજબ વસ્તુઓના જુદા જુદા કાઉન્ટર બનાવાયા–દાસના રસગુલ્લા, શુજ, પરફ્યુમ, રેડીમેડ શર્ટસ, વગેરે, અને  જુદા જુદા સેલ્સમેન રખાયા.  પર્ફ્યુંમના કાઉન્ટર ઉપર રૂપાળી અને  મીઠાશથી અંગ્રેજી બોલતી પારસી અને ક્રિશ્ચિયન છોકરીઓ મૂકી.

આ ઉપરાંત દવાની દુકાન તો ચાલુ જ હતી. ફાર્મસીમાં વરસોથી કામ કરીને રીઢા થઈ ગયેલા કર્મચારીઓ તો આ છોકરાઓની રમત હોય એમ જોઈ રહ્યા હતા.  એમને થયું કે જો પોતે કોઈ હા ના કરશે તો જોબ જાશે. એ જમાનામાં આવો જોબ એમને બીજે ક્યાં મળવાનો છે?  નક્કી પગાર તો ખરો જ, પણ સાથે સાથે ડ્રગ કંપનીઓ એમને જેટલો માલ વેચાય તેનું કમીશન સાઈડમાં આપે.  તે ઉપરાંત એ બધા મળી ગયેલા.  દરરોજ સાંજે ઘરે જાય ત્યારે કોઈ મોંઘી દવા ખીસામાં મૂકી દે. ડોરકીપર પણ આમાં ભળેલો. એ એમને જવા દે. કમિશન અને દવાની રોજની તફડંચીની ઉપર કેબીનમાં બેઠેલા નાદાન જુવાનિયા મેનેજરોને કાંઈ ભાન નહીં.  ઘણી વાર એમને હું ફાર્મસીમાં  નીચે  મળવા જતો ત્યારે એ મને સાનમાં સમજાવતા.  “ગાંધી, તમે બીજી નોકરી શોધવાનું ચાલુ રાખજો.  આ અમેરિકન ધતિંગ ઇન્ડિયામાં લાંબું નહીં ચાલે! જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તમાશો જુઓ અને મજા કરો.”  એમની વાત સાવ સાચી પડી. થોડાંક વરસોમાં થોમસન ઍન્ડ ટેલર સ્ટોર ઉઠી ગયો અને અકબરઅલી હજી પણ ધીકતો ધંધો કરે છે. આમ અમેરિકામાં એમ.બી.એ. થયેલા લખપતિના હીરાએ ખરેખર જ લાખના બાર હજાર કર્યા.  પણ એ  શ્રીમંત બાપ આગળ બીજા કૈંક લાખો રૂપિયા પડ્યા હતા.  કાનખજૂરાનો  એકાદ પગ ઓછો થયો તો શું થઈ ગયું?

પણ મને તો આ સ્ટોરમાં નોકરી મળી એ જ મોટી વાત હતી.  કામ જમાઉધારની જર્નલ એન્ટ્રીઓ પાડવાનું હતું,  એમાં કોઈ બી.કોમ.ની ડીગ્રીની જરૂરિયાત નહોતી.  પણ મારી પાસે આ કોમર્સની ડિગ્રી હતી તો જોબ મળ્યો.  રતિભાઈની વાત સાવ સાચી હતી. મારી પાસે જો આર્ટસ કોલેજની ગુજરાતી સાહિત્યમાં બી.એ.ની ડિગ્રી હોત તો હું હજી રખડતો હોત.  મૂળ તો એ જમાનામાં જોબ જ હતા નહીં. અને જે કોઈ થોડાં ઘણાં હતાં તેને માટે લાગવગની જરૂર પડતી.

ડિગ્રી હોવા છતાં આ જેવી તેવી પણ નોકરી મેળવતાં નાકે જે દમ આવી ગયો એટલાથી ખબર પડી કે દુનિયામાં કેટલે વીસે સો થાય છે. વધુમાં એક કડવી વાત એ સમજાણી કે હું ભલે મુંબઈની સભાઓમાં આંટા મારું ને મોટા મોટા સાહિત્યકારોને મળું કે કૃષ્ણ મેનન કે આચાર્ય  કૃપલાની સાથે દેશના ભવિષ્યની ચર્ચા કરું, પણ એ બધી વાતોથી ઘરે છોકરા ઘૂઘરે રમે નહીં. ક્યાં આ દોઢસો રૂપરડીની નોકરી અને ક્યાં બધી કૉલેજનાં વરસોમાં સેવેલી મહત્ત્વાકાન્ક્ષાઓ? મને થયું કે આવી બે બદામની નોકરી શોધતાં મારે નાકે જો દમ આવી જાય છે તો હું શું દેશસેવા કરવાનો હતો?  મુનશી,  મેનન, કૃપલાની, રાધાકૃષ્ણ, નહેરુ, અશોક મહેતા વગેરેની બધી મોટી મોટી વાતો છોડી દો, ભાઈ!   એ બધી વાતો તો શેખચલ્લીના ચાળા અને રમત છે.

કૉલેજનાં વરસોમાં સેવેલી મહત્ત્વાકાન્ક્ષાઓએ મારા મગજમાં મારી વિશિષ્ટતાનું જે ભૂસું ભરેલું  તે બધું આ ન કરવા જેવી નોકરીએ કાઢી નાખ્યું.  ફાર્મસી વાળાઓની વાત મને ગળે ઊતરી ગયેલી. વધુમાં હું તો અકાઉન્ટન્ટ ને? સ્ટોરની  આવક જાવક જોતો અને થતું કે આ ગાડું લાંબુ ચાલે નહીં.  આપણે આપણો વિચાર કરવાનો છે. સારી નોકરી ગોતવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો છે.  ટાઈમ્સ જોતા રહેવાનું છે અને મિત્રોને પણ કહેતા રહેવાનું કે ભાઈ આપણું કંઈ થાય તો જોજો.

 

3 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૪ (નટવર ગાંધી)

  1. ‘મારી વિશિષ્ટતાનું જે ભૂસું ભરેલું તે બધું આ ન કરવા જેવી નોકરીએ કાઢી નાખ્યું…’ અમારા કુટુંબી જનો અને સ્નેહીઓની નોકરી બાબતના કશમકશના અનુભવ જેવા અનુભવોનું રમુજી શૈલીમા સુંદર વર્ણન
    અમારા વડીલ ખાસ ધ્યાન દોરતા કે મુંબાઇમા અંગ્રેજી ભાષાનો વ્યાપક પણે ઉપયોગ થાય છે. વાઈટ કોલર જોબ કરતા લોકોની આ મુખ્ય ભાષા છે. વળી ગરીબી, બેરોજગારી, આરોગ્ય, અને મોટાભાગના લોકો માટે નબળી કક્ષાનું શૈક્ષણિક ધોરણ અને સિવિક સેવાઓ.રહેઠાણની વધુ કિંમત મુખ્ય સમસ્યા છે આ વાતનો ખ્યાલ રાખી હતાશ થવું નહીં કારણ કે અહીં રહેતા સગાસબંધીઓ અને મિત્રો પ્રેમાળ છે અને બનતી બધી મદદ કરે છે.અહીં પુરુષોનું ક્ષેત્ર ગણાતા એવા કામો કરવાં હવે મહિલાઓ માટે કોઇ નવાઇના નથી .
    આ પણ સત્ય છે કે લોકોને અમેરિકા જવાનો મોટો મોહ હતો તેથી આજે મુંબઇ રહેતા ઘણા સબંધીઓ અમેરીકામાં છે!

    Like

  2. મઝા આવી ગઈ. મને પણ અમેરિકા આવતા પહેલાંનો મારો ઈતિહાસ યાદ
    ાાાા આવ્યો્ મ ને પણ પહેલી નોકરીમાં ૧૬૫ રુપિયા –મહિનાના લેખે પગાર મળતો હતો. સાહેબની ભાષાશૈલિ ગમી.
    ાા

    Liked by 1 person

  3. ભૂતકાળમાં જોબ મેળવવાની ચિંતાના દિવસો યાદ આવી ગયા જ્યારે કુટુંબને મારી જોબની તાતી જરૂર હતી.

    જો કે બી.કોમ પછી તરત જ મને અમદાવાદની પુષ્પાબેન મહેતા સંચાલિત પાલડીમાં આવેલ સ્ત્રી સંસ્થા વિકાસ ગૃહમાં હિશાબનીશ તરીકે તરત જ મળેલી જોબ સ્વીકારી લીધી હતી કારણ કે કુટુંબના સંજોગો જોતાં એ જરૂરી હતી. આઠ મહિના પછી મને કઠવાડા ,અમદાવાદમાં નવી થતી કેમિકલ મેન્યુ.કંપની સેલ્યુલોઝ પ્રોડકસમાં મહિનાના ૧૫૦ રૂપિયાની એકાઉન્ટ વિભાગમાં જોબ મળી ગઈ એને હું એક સદ્ભાગ્ય માનતો હતો. ૧૯૫૯ માં એ મોટી રકમ લાગતી હતી અને બીજા કર્મચારીઓને મારી ઈર્ષ્યા થતી હતી.આ કંપની અને એની ગ્રુપ કમ્પની ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સમાં સળંગ ૩૫ વર્ષ કામ કરી ત્યાંથી સીનીયર એક્ઝીક્યુટીવ તરીકે નિવૃત થઇ ૧૯૯૪ માં કાયમ માટે અમેરિકા આવ્યો !

    શ્રી ગાંધીના લેખએ મારી ભૂતકાળમાં કરેલી જોબના આ દિવસોની યાદો તાજી કરાવી દીધી !

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s