સવાલ, સવાલ, સવાલ….જવાબ (જુગલકિશોર વ્યાસ)


(શ્રી જુગલકિશોર વ્યાસનો આ લેખ વાંચી મને કાકાસાહેબ કાલેલકરનો લેખ “પગલાંની લિપિ ” યાદ આવી ગયો. -પી. કે. દાવડા)

સવાલ, સવાલ, સવાલ….જવાબ

બધા સવાલોના જવાબ નથી હોતા. બધા સવાલો જવાબ માટે નથી હોતા. બધા સવાલોના જવાબો હોય તો પણ ઘણી વાર આપવા લાયક નથી હોતા. કેટલાક સવાલોના જવાબ આપવાનું અત્યંત જરૂરી હોય છે તે જેટલું સાચું છે, તેટલું જ સાચું એ પણ છે કે કેટલાક સવાલોના જવાબો ન જ અપાય તે વધુ મહત્ત્વનું હોય છે !!

કેટલાક સવાલોના જવાબ મૌનથી આપી શકાય છે. તો મૌન જ કેટલાક સવાલોનો જવાબ હોય છે. કેટલાક સવાલોના જવાબ સામા સવાલથી આપી શકાય છે ને એ રીતે એવા સવાલોને એ રીતે જ ચૂપ કરી શકાય છે.

સવાલો સામાન્યત: જવાબની અપેક્ષાઓ સાથે પ્રગટતા હોય છે. જવાબોનીય પાછી કક્ષા હોય છે. જવાબોની કક્ષા વિકાસનો માર્ગ દોરી આપે છે. વિકાસના માર્ગોને ખુલ્લા કરવા કે રુંધવા તેનો આધાર જવાબોની કક્ષા ઉપર આધારિત હોય છે. જવાબોની કક્ષા સવાલો પૂછવા માટેની લાયકાત પણ બની રહેતી હોય છે !

સવાલોમાંય જવાબો હોય છે. ઘણી વાર સવાલો જ જવાબ હોય છે. કેટલાક તો જવાબ સાથે જ બલ્કે જવાબરૂપે જ પુછાતા હોય છે !

કેટલાક સવાલો જેમ વાંઝિયા હોય છે તેમ કેટલાકને જવાબો ન જ હોય તે અભિપ્રેત હોય છે ! કેટલાક સવાલોની લા–જવાબી એમાં જ રહેલી હોય છે કે એને જવાબી શકાય જ નહીં ! કેટલાક જવાબોને સવાલોના અપમાનરૂપ ગણીને ગુનાહિત કૃત્ય તરીકે જોવામાં આવે છે પરંતુ અપમાનને બદલે ગરીમાના ભંગ તરીકે એને ઓળખાવીને ઔચિત્યની જાળવણી પણ થઈ શકે છે !!

ઘણાખરા સવાલો બાલીશ હોય છે તો કેટલાક નર્યા નિર્દોષ, કુમળા અને કુદરતી આતુરતાથી છલકાતા હોય છે. બાલીશ સવાલોના જવાબ આપીએ તો બાલીશતા વધવાનો સંભવ રહે છે જ્યારે બીજા પ્રકારના નિર્દોષ સવાલોનો જવાબ ન આપવાથી જવાબદારોની બાલીશતા સિદ્ધ થઈ જાય છે ! એ નિર્દોષતા, કુમાશ અને આતુરતા જવાબો વગર મુરઝાઈ-નંદવાઈ જતી હોય છે !!

સવાલોને સવાલ તરીકેનું આગવું ને પોતીકું મૂલ્ય હોય છે. જવાબ હજી ન મળ્યો હોય તો પણ એક સવાલરૂપે  જ એ સવાલ મૂલ્યવાન હોઈ શકે છે. જવાબ પછી, એ જવાબને કારણે પણ એના મૂલ્યમાં વધારો થઈ જતો હોય છે. જવાબો સવાલનું મૂલ્ય વધારવાનું કે અવમૂલ્યન કરવાનું કાર્ય પણ ઘણી વાર કરી નાખે છે !

“સવાલની સામે સવાલ નહીં !” કે પછી, “ચૂપ ! મારે કોઈ જવાબ ના જોઈએ !” વાળા સવાલો એ પ્રકારની આદતવાળા હોય છે. અને એ જ કારણે તેઓ ધીમે ધીમે એકલા અટુલા રહી જાય છે. એ પરિસ્થિતિ જ પછી તો સવાલ બનીને પેલા આદતી સવાલોને મૂંઝવતી રહેતી હોય છે !

સવાલોના જવાબો મૌન હોઈ શકે છે. પણ મૌન સવાલો પણ હોઈ શકે છે ! મૌન સવાલોનું એક વિશ્વ છે. જીભથી ન પુછાતા કે ઉચ્ચારાતા આ સવાલોનું મૌન પણ ઘણી વાર વધુ પડતું બોલકું ને ક્યારેક એનાથી તદ્દન વિરુદ્ધ એવું – સહૃદયતા જેમને વરી હોય એવાંઓને જ સમજાય તેવું – અઘરું હોય છે. બહેરાં-મુંગાઓની દુનિયાના સવાલો-જવાબો નવાં પરિમાણો ધરાવતાં હોય છે.

ટેબલ પર જોરથી પછાડાતા મુક્કા દ્વારા પુછાતા સવાલો બોલકા હોય છે. પરંતુ કચડાયેલા, દુભાયેલાઓ ને અનાથોની આંખમાં ફૂટી નીકળતા સવાલો સહૃદયી ને અનુકંપાનું વરદાન પામેલાંને જ સંભળાય કે સમજાય તેવા હોય છે.

કહેવાતા પાગલોની ચેષ્ટાઓમાં પ્રગટતા સવાલોને સમજવાનું ગજું તો એના કહેવાતા ડૉક્ટરોનુંય નથી હોતું.

સમાજને ન સમજાતા સવાલો અનુત્તર રહેવાને લીધે પ્રેતાત્માઓની માફક ભટકતા રહે છે…ને ક્યારેક, લાંબે ગાળે એનો જવાબ ક્રાંતિરૂપે મેળવી લેનારા હોય છે ! પણ પછી તો ઘણી વાર બહુ મોડું થઈ ગયું હોય છે ! સવાલ પૂછનારાંઓના એ અનુત્તરિત સવાલોના જવાબો પછી તો પાછળની પેઢીનાંઓને ‘ભોગવવાના’ રહે છે !

સામાજિક કે રાજકીય સવાલો એ ફક્ત વર્તમાનપત્રો કે વિધાનસભાઓ પૂરતા મર્યાદિત નથી. ત્યાં પુછાતા સવાલોનું ઉદ્ગમસ્થાન જેઓ છે તેમના સુધી જવાબો પહોંચાડવામાં આવે છે ખરા પણ એ સ્યુગરકોટેડ હોય છે. સમાજમાંથી ઉદ્ભવેલા અને રાજકારણમાં રંગાઈ જતા સવાલોના જવાબો અપાય તો પણ એ જવાબો જવાબ કરતાં વિશેષ તો નવા સવાલો બનીને પાછા આવનારા હોય છે !

વિજ્ઞાન કહે છે કે માનવીના કાન કેટલાક અવાજો પકડી શકતા નથી. સમાજ જેને કચડાયલાં કહે છે તેવાંઓના સવાલોનું  પણ એવું જ કશું હોય છે ! એને સાંભળવાનુંય સહજ શક્ય નથી હોતું. એ સવાલો મુંગી ચીસ જેવા હોય છે. એ સાંભળવા માટેના કાન આઝાદી પછી શોધવાનો વિષય બની ગયા છે.

ગર્ભાવસ્થામાં સવાલો હશે ? ડૉક્ટરોના મતે ‘ના’ અને પુનર્જન્મમાં માનનારાંના મતે ‘હા’ હોઈ શકે છે. જન્મતાં પહેલાંનો ગર્ભ પૂર્વજન્મના અનુત્તરિત સવાલોને ઊંધે માથે 9 માસ સુધી જીરવી જાય છે. એના જન્મ વખતે થતા ખુશીના શોરબકોરમાં સવાલોનું રુદન કોઈને ન સંભળાય તો એમાં વાંક કોનો કાઢવો એ પણ નિરુત્તર રહેવા સર્જાયેલો સવાલ જ છે !!

મૃત્યુ પછી સવાલો હશે ? ન જાને ! પરંતુ મૃત્યુ પામનાર કેટલાક કાયમી સવાલો મૂકી જાય છે….નિરુત્તર !!

સવાલો વિના જવાબો હોતા નથી….હોય તો તે ફક્ત વિધાનો જ હોય છે.

___________________________________________________

4 thoughts on “સવાલ, સવાલ, સવાલ….જવાબ (જુગલકિશોર વ્યાસ)

  1. મા શ્રી જુ’ભાઇનો ચિંતનાત્મક સુંદર લેખ .
    શિષ્યની શંકાના નિવારણ માટે ગુરુ-શિષ્ય વચ્ચે પ્રશ્નોત્તરી થતી રહેતી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ આ સમજાવતાં કહ્યું છે કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા । ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ॥
    સ્વામી સચ્ચિદાનંદ ને પૂછાતા સવાલોમા કહેતા:’ વાદ ભલે થાય, વિવાદ પણ ભલે થાય, પરંતુ વિતંડાવાદ ખોટો. વિતંડા એટલે ખોટો બકવાસ, નકામી માથાઝીંક, પોતાનો પક્ષ જ ન હોય તેવા સવાલો કરી માત્ર સામા પક્ષનું ખંડન જ કર્યા કરવું ‘
    અખો આવા વિતંડાવાદ સવાલો અંગે કહે
    ‘હવે કહું અધમ એ શૂન્યવાદીજી, જેને શૂન્યની શુધ્ધ ન લાધીજી;
    પ્રપંચ ન ટળ્યો નિંદા વાધીજી, તેણે મિથ્યા બુધ્ધિ સાધીજી.
    પૂર્વછાયા તે પ્રપંચને મિથ્યા કહે, પણ હૃદે જગત સાચું સહી;
    અધમ નામ તે માટે એહનું, જે શૂન્યવાદીએ પૂરા નહિ. ‘
    આપણા સુ શ્રી સરયુબેન કહે છે-
    ‘‘ હું ‘ સાંચો સતવાદી વિતંડાવાદ
    સ્વાભિમાન નામે વૈર ને વિખવાદ

    વિક્રાંતિક વાણીમાં અક્ષર મૂલવાય
    શબ્દોના અર્થોમાં પંડિત અટવાય
    મિતભાષી નમ્ર ગુણી વ્હાલથી મલકાય
    સ્વચ્છ સ્ફટિક અંતરમાં ભક્તિ છલકાય ‘
    સાંપ્રદ સમસ્યાના સવાલો અંગે ડૉ. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, મધુરાય, નગીનભાઈ સંઘવી જેવા તર્કશુધ ઉતરો આપે છે.સ્ટીફન્સન કહે છે કે ‘ઈન્ટરનેટ પર બેનામી સ્ટ્રેન્જર્સ સાથે સવાલોના ઉતરોમાં ઊતરવાનો કોઈ અર્થ નથી કારણ કે એ લોકો આપઘમંડી મેન્ટાલિટી ધરાવતા હોઇ તેમની પાસે ટાઈમ જ ટાઈમ હોય છે.’

    Like

  2. જયારે પત્ની મને કહે છે કે “શું તું મને મૂરખ માને છે? ત્યારે સાચું તો બોલાય ના કારણકે સામે ચાલીને આપણે પરણયા છીએ. લેખ
    ગમ્યો. અભિનંદન.

    Like

  3. જુભાઈની આ વાત ખૂબ જ ગમી ગઈ. દાવડા સાહેબનો ઉચ્ચ અને વિશાળ વાચક વર્ગ તો વાંચશે જ અને ગમશે જ. આ વાતને ફેસબુકપર વહેતી કરો.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s