એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૫ (નટવર ગાંધી)


પ્રકરણ ૧૫– હું જર્નાલીસ્ટ અને વીમા એજન્ટ પણ થયો!!

એક મિત્ર જન્મભૂમિ જૂથના ધંધાને લગતા સાપ્તાહિક ‘વ્યાપાર’માં પત્રકાર તરીકે કામ કરતા હતા. તેમને એક વાર મળવા ગયો.  પૂછ્યું, તમારે ત્યાં કોઈ મેળ મળે એમ છે?  એ કહે, હમણાં અહીંયા કંઈ નથી,  પણ મેં એમ સાંભળ્યું છે કે ‘જન્મભૂમિ’ના તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’ યુવાન પત્રકારોની શોધમાં છે. તેમને મળો. અહીંયા જ ઉપરના માળે એમની ઑફિસ છે. તપાસ  કરો. હું તો પહોંચી ગયો ‘સોપાન’ની કેબીનમાં. પીયુન સાથે ચિઠ્ઠી મોકલાવી.  ‘સોપાને’ મને અંદર બોલાવ્યો.

મેં કહ્યું કે મારે તમારા હાથ નીચે નોકરી કરવી છે. તમારી પાસેથી પત્રકારત્ત્વ શીખવું છે.  કહ્યું કે મેં એમના અમેરિકા પ્રવાસનું રસિક વર્ણન ‘જન્મભૂમિ’માં કટકે કટકે વાંચ્યું હતું અને મને  ખૂબ ગમ્યું હતું.  આ ખુશામત એમને ગમી.  એ કહે, અત્યારે અહી ‘જન્મભૂમિ’માં કોઈ ઓપનીંગ નથી, પણ જો તમને મેગેઝિનમાં કામ કરવાનો અને લખવાનો રસ હોય તો હું તમને હમણાં ને હમણાં જ જોબ આપી શકું છું. મારે ઘરેથી હું થોડાં મેગેઝિન ચલાવું છું. મને ખબર હતી કે ‘સોપાન’ વર્ષોથી ‘અખંડ આનંદ’ના તંત્રી હતા. તે ઉપરાંત એમનાં પત્ની લાભુબહેન અને પુત્રીઓ સાથે સાથે ‘જીવન માધુરી,’ ‘બાળ માધુરી’ એવા મેગેઝીન ચલાવતા હતા.  મને એ પણ ખબર હતી એમનું ઘર મુંબઈમાં ક્યાં હતું: ગુલબહાર, બેરેક રોડ, મેટ્રો  સિનેમા પાછળ!  ‘સોપાન’ પર મારી પહેલી છાપ સારી પડી હશે.  મને કહે કાલથી આવી શકશો? મેં કહ્યું જરૂર! અને બીજે જ દિવસે થોમસન ઍન્ડ ટેલરમાં કશું જણાવ્યા વગર હું તો ‘સોપાન’ને ઘરે પહોંચી ગયો. આમ હું જર્નાલીસ્ટ થયો!

‘સોપાન’ના મોટા ફ્લેટમાં એક બાજુના રૂમોમાં એમનું કુટુંબ–પોતે, લાભુબેન, અને એમની બે દીકરીઓ–રહેતું.  અને બીજી બાજુના રૂમોમાં મેગેઝીનોમાં કામ કરતા સ્ટાફના બે લોકો બેસે. જેવો હું દાખલ થયો તેવું જ એ કર્મચારીઓએ મારી સામે ઘૂરકીને જોયુ.  ‘સોપાન’ આવ્યા. મારી ઓળખાણ કરાવી. કહ્યું કે ગાંધી તમારી સાથે આજથી કામ કરશે.  એમણે તેમની કામ કરવાની પ્રથા સમજાવી. કહ્યું કે મારે તમારું કામ પડશે ત્યારે બોલાવીશ અને ત્યારે જ તમારે ફેમીલી કવાર્ટર્સમાં આવવું. ત્યાં મારી જુદી ઑફિસ  છે.  જ્યારે જ્યારે અમારામાંથી કોઈની જરૂર પડે ત્યારે એ બેલ વગાડે.  અમને ખબર કે એક વાર બેલ વાગે તો કોને જવાનું, બે વાર બેલ વાગે તો કોને જવાનું. હવે એમાં હું ત્રીજો ઉમેરાયો. ઉપરાઉપરી ત્રણ બેલ વાગે ત્યારે “ગાંધી, તમારે આવવું.”

એક બેલ વાગે એટલે અમે ત્રણે રાહ જોઈએ કે હવે ફરી વાર બેલ વાગશે કે નહીં.  પહેલી વાગે એટલે એક ભાઈ ‘સોપાન’ની ઑફિસમાં અંદર જવા તૈયાર થાય.  બાકીના અમે બે રાહ જોઈએ હવે કોઈ બેલ વાગવાની છે કે નહીં.  બીજી વાગ્યા પછી પહેલા ભાઈને રાહત થાય: હાશ, બચ્યા.  બાકીના અમે બે ત્રીજી બેલની રાહ જોઈએ.  ત્રીજી વાગે એટલે એ બીજા ભાઈને નિરાંત થાય. હું અંદર જાઉં.  જેવો પાછો આવું કે પેલા બે પૂછે, સાહેબ શું કહે છે?  અમારી બાબતમાં કાંઈ પૂછતા હતા કે?  સ્ટાફના માણસોએ શરૂઆતમાં જ ઑફિસનો ઉંબરો બતાવીને મને સમજાવેલું કે “આ લક્ષ્મણ રેખા છે. તમારે નોકરી ગુમાવવી હોય તો જ એ ઓળંગવી!”

નોકરી કરવા માટે કોઈને ઘરે જવું એ મને જરા વિચિત્ર લાગ્યું. થોમસન ઍન્ડ ટેલરમાં કામ કરવા જતો ત્યારે ઑફિસમાં જતો હોઉં એમ લાગે, ફોર્ટમાં જવાનું, આજુબાજુ બેન્કો,  બીજી ઑફિસો, દુકાનો, રેસ્ટોરાં હોય.  સ્ટોરનો મોટો સ્ટાફ પણ ખરો.  એ  ઉપરાંત સાંજે છૂટો ત્યારે ફોર્ટના વિસ્તારમાં કંઈક પ્રવૃત્તિઓ ચાલતી હોય.  આમાંનું અહી કંઈ ન મળે. કામ કરવાવાળા મને ગણીને ટોટલ ત્રણ–ઇન, મીન ને તીન. ભાગ્યે જ કોઈ કોઈની સાથે વાત કરે. બાકીના બે જણ વારે વારે મારી સામે ઘૂરકીને જોયા કરે. એમને એમ કે ‘સોપાને’ આ નવા માણસને એમના ઉપર જાસૂસી કરવા મૂક્યો છે.

‘સોપાને’ મને પહેલું કામ આપ્યું એક અંગ્રેજી લેખનો અનુવાદ કરવાનું.  “ગાંધી, તમે કૉલેજમાં ભણેલા છો એટલે તમે આ અનુવાદ કરી શકશો.”  ‘રીડર્સ ડાયજેસ્ટ’ કે એવા કોઈક મેગેઝીનમાં આવેલો એ લેખ હતો, “No man is a hero to his valet.” મેં એનો અનુવાદ કર્યો. એમને ગમ્યો. હું જો ભૂલતો ન હોઉં તો એ મારા નામઠામ વગર ‘અખંડ આનંદ’માં છપાયો. મારું આ પહેલું જ લખાણ આમ મારા નામ વગર છપાયું!

હું બી.કોમ. હતો એટલે ‘સોપાન’ મને કહે કે તમારે આપણું હિસાબ કિતાબનું કામ પણ સંભાળવાનું છે. પછી એમની એક દીકરીનો પરિચય આપતા કહે કે એ તમને સમજાવશે કે એકાઉન્ટ્સ બૂક્સ કેમ રાખવી. એની ઉંમર નાની છે પણ લાભુબહેને એને એવી ટ્રેનીંગ આપી છે કે એ ઇન્કમટેક્ષમાં પાસ થાય એવી બૂક્સ રાખી શકે છે.  પછી તો એ દીકરી મને એક પછી ઓર્ડર્સ આપવા માંડી કે મારે શું શું કરવું. મને એ કઠ્યું. થયું કે હું તો સીડનહામમાંથી બી.કોમ. થયેલો છું, આ છોકરી મને શું એકાઉન્ટીન્ગ શીખવાડવાની હતી?  એમ પણ થયું કે જો મારે અહીં આવીને એકાઉન્ટીન્ગનું જ કામ કરવાનું હોય તો થોમસન ઍન્ડ ટેલર શું ખોટું હતું?  મારે તો લેખક થવું હતું.

ત્રીજે દિવસે જ્યારે ફેમીલી કવાટર્સમાં કોઈ ન હતું ત્યારે એક કર્મચારી ભાઈ જે વરસોથી અહી નોકરી કરતા હતા તે મારી પાસે આવી, હળવેથી કહે, “ગાંધી, એવું મેં સાંભળ્યું કે તમે બી.કોમ. થયા છો, એ વાત સાચી?” મેં કહ્યું, “હા, હજી હમણાં જ ડીગ્રી  લીધી,” અને છાપ મારવા ઉમેર્યું,  “અને તે પણ સીડનહામ કોલેજમાંથી!”  એ કહે, “ભલા માણસ, તમે મૂરખ છો?  બી.કોમ.ની ડીગ્રી છે અને તે પણ સીડનહામમાંથી અને તમે અહીં નોકરી કરો છો?  તમારું શું ફરી ગયું છે?  ભાગો અહીંથી.  આ લોકો તો તમારો દમ કાઢી નાખશે. આવી નોકરી તો જે લોકો અમારી જેમ ભણ્યા નથી એવા માટે છે. તમારી જેવી ડીગ્રી હોત તો હું તો કો’ક મોટી બૅન્ક કે ઇન્શ્યુરન્સ કંપનીમાં ક્યારનોય  લાગી ગયો હોત!” ‘સોપાન’ને મળવા ગયો હતો ત્યારે જે વાત મને કહી હતી તે એકાએક જ યાદ આવી: “હું તમારું શોષણ નહીં કરું!”  હું ચેત્યો. ‘સોપાન’ના ઘરે એક જ અઠવાડિયામાં મને ખબર પડી ગઈ કે આમાં આપણું ઝાઝું વળે તમે નથી.

બીજે જ અઠવાડિયે થોમસન ઍન્ડ ટેલરમાં નીચી મૂંડીએ પહોંચી ગયો.  ત્યાં મહેતા સાહેબ મને પૂછે, “ક્યાં હતા ગાંધી તમે આખું અઠવાડિયું? અમને તો ચિંતા થઈ.  તમારી તબિયત બગડી ગઈ’તી કે શું?”  મેં કહ્યું કે “હા, સાહેબ, એકાએક જ, અને ઘરે ટેલિફોન ન મળે, એટલે તમને જણાવી નહી શક્યો.”  એ ભલા માણસે મારી વાત માની!  અને વળી પાછું મારું જમા ઉધાર કરવાનું કામ શરુ થઇ ગયું. આમ મારી જર્નાલીસ્ટ તરીકેની કારકિર્દી એક જ અઠવાડિયામાં પૂરી થઈ ગઈ.

હું થોમસન ઍન્ડ ટેલરમાં વળી પાછો જાણે કશું જ ન બન્યું હોય તેમ કામે લાગી ગયો. પણ એ સાવ સામાન્ય, બુક કીપીન્ગનો જોબ મને રાત દિવસ સતાવતો હતો.  સારી નોકરી માટેની મારી શોધ ચાલુ જ હતી.  દેશમાં એક વાર કાકાને મોઢે સાંભળ્યું હતું કે એમના એક નાનપણના ગોઠિયા મિત્ર વી. એચ. વોરા લંડન જઈને એક્ચ્યુઅરી થઈ  આવેલા.  અત્યારે તે મુંબઈમાં લાઈફ ઇન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા  (એલ.આઈ.સી.) માં મોટો હોદ્દો ધરાવતા હતા.  મેં કાકાને લખ્યું કે એ મુંબઈ આવે અને મને વોરા સાહેબ પાસે લઈ જાય. એમની લાગવગથી એલ.આઈ.સી.માં જોબ અપાવી દે કારણ કે લાગવગ સિવાય સારી નોકરી મળવી શક્ય જ નથી.

કાકા મુંબઈ થોડા આવવાના હતા?  પણ એક ચિઠ્ઠી લખી મોકલાવી.  લખ્યું કે એને ઘરે જઈને આ ચિઠ્ઠી આપજે.  તને એલ.આઈ.સી.માં નોકરી મળી જશે. મેં ગોતી કાઢ્યું કે વોરા સાહેબ મુંબઈમાં ક્યાં રહેતા હતા.  મુંબઈના મલબાર હિલના પોશ એરિયામાં એમના ઘરે એક સવારે વહેલો પહોંચી ગયો.  પણ હું પહોંચું તે પહેલાં વરસાદ ત્યાં પહોંચી ગયો.  મુંબઈના એ ધોધમાર વરસાદમાં બિચારી છત્રીનું શું ગજું?  એ તો કાગડો થઈ ઊડી ગઈ.  વોરા સાહેબના ઘરે પહોંચ્યો ત્યારે કપડાં વરસાદના પાણીથી લદબદ હતા.  બેલ મારી. ઘાટીએ દરવાજો ઉઘાડ્યો. મેં એને કાકાની ભીંજાયેલી ચિઠ્ઠી આપીને કહ્યું કે સાહેબને મળવું છે.  એણે મારા દીદાર જોયા. કહે, ઇધર ખડા રહો.  એ ચિઠ્ઠી લઈ અંદર ગયો.  થોડી વારમાં બહાર આવીને કહે, સાહેબકો મિલને કે લિયે, કલ અગ્યારે બજે ફોર્ટકી ઑફિસમેં આના. આમ વોરા સાહેબના દર્શન કે નોકરી વગર હું એમના ઘરેથી નીકળ્યો.

થોડું ઓછું આવ્યું.  મને એમ કે એ વ્હાલથી બેસાડશે, કાકાના ખુશખબર પૂછશે. ચા પાણી નાસ્તો કરાવશે.  મુંબઈમાં મને એમની મદદની જરૂર પડે તો તેમને મળવા કહેશે.  જ્યાં સુધી મુંબઈમાં કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને ત્યાં આવીને રહેવા આવવાનું  કદ્દાચ કહેશે!  આમાંનું કંઈ ન થયું એનું આશ્ચર્ય તો થયું જ, રંજ પણ થયો.  જો કે બીજે દિવસે ઓફિસમાં આવવાનું કહ્યું એથી સાવ હામ ન હારી.  ઓછામાં ઓછું જે કામ માટે ગયો હતો તે થાય, અને મને એલ.આઈ.સી.માં સારી નોકરી મળી જાય તો આપણે ગંગા ન્હાયા. એમને ઘર ગયાનું સાર્થક થાય.

બીજે દિવસે એમની ફોર્ટની ઓફિસમાં પહોંચી ગયો.  થોડો વહેલો ગયેલો.  મારા એક મિત્ર શરદ પંચમીયા ત્યાં એલ.આઈ.સી.માં જ કામ કરતા હતા. એને પહેલો મળ્યો.  કહ્યું કે  હું તો વી. એચ. વોરાને મળવા આવ્યો છું. વોરા સાહેબ મને એલ.આઈ.સી.માં નોકરી અપાવાના છે. પંચમીયા તો આભા બની ગયા!   મને કહે કે તમારી મીટીંગ પતે અહીં પાછા આવજો. આપણે સાથે ચા પીશું.  એ જ બિલ્ડીંગના ટોપ ફ્લોર ઉપર વોરા સાહેબની ઓફિસ હતી.  હું તો કૂદતો કૂદતો બબ્બે પગથિયાં ચડતો ત્યાં પહોંચી ગયો.

સેક્રેટરીએ મને વેઈટીંગ રૂમ બેસાડ્યો. બેઠો બેઠો હું મનમાં ગોઠવણી કરતો હતો કે હું એમને શું કહીશ.  એમની ઉપર કેમ સારી છાપ પાડીશ. કેવી નોકરી, ક્યાં, કેટલા પગારની માંગીશ, વગેરે, વગેરે.  દસ મિનીટ, વીસ મિનીટ, અડધો કલાક, પોણો કલાક, કલાક, હું રાહ જોતો બેઠો રહ્યો. એક પછી એક એમ સૂટ, બૂટ, ટાઈ પહેરેલા ઓફિસરો આવતા જાય, પણ આપણો કોઈ ભાવ જ ન પૂછે.  ગભરાતા, ગભરાતા સેક્રેટરીને પૂછ્યું:  મારો નંબર ક્યારે લાગશે?  એણે મારી સામે જોયા વગર જ કહ્યું કે હજી બેસવું પડશે.  બેઠો.  દોઢ કલાકે મને અંદર બોલાવ્યો.  ગયો. જોયું તો વોરા સાહેબ બહુ બીઝી લાગ્યા. મને કહે, તમને આ એક નામ આપું છું એ ભાઈને મળો એ તમને કામે લગાડી દેશે.  સેક્રેટરી તમને એનું એડ્રેસ આપશે. બે મિનિટમાં જ મીટીંગ પતી ગઈ!

હું તો રાજીના રેડ થઈ ગયો.  નીચે પંચમીયા સાથે ચા પીવા ગયો. સેક્રેટરીએ જે માહિતી આપી હતી તે મેં એમને બતાડી.  તે જોઈ એ તો હસવા મંડ્યા. કહે, આવી  નોકરી તો હુંય તમને અપાવી શકું!  મને સમજાવ્યું કે આ તો વીમા એજન્ટ થવાની વાત છે.  આમાં તો તમારે ઘરે ઘરે જઈને લાઈફ ઇન્સ્યુરન્સ વેચવાનો છે.  હવે મારે આભા થવાનો વારો આવ્યો. છતાં વોરા સાહેબે કહ્યું હતું, એટલે ઓછામાં ઓછું જેમનું નામ આપ્યું હતું તેને મળવા ગયો.  એ ભાઈ મોટા વીમા ઓફિસર હતા.  એમનું કામ વીમા વેચનાર એજન્ટોને ટ્રૈન કરવાનું.  એ તો નવા નવા ઇન્સ્યુરન્સ એજન્ટ ગોતતા જ હતા. એમણે મને સમજાવ્યું કે વીમો કેમ વેચવો. કહે કે પહેલાં તમે તમારા સગાંવહાલાં અને મિત્રોને વહેંચો. એ બધા તમને ઓળખે, તમે એમને ઓળખો.  વીમો લેવાની વાત તમે કહેશો તે માનશે.

એમની સલાહ મુજબ મુંબઈમાં રહેતા મારા ઓળખીતા લોકોનું લીસ્ટ બનાવ્યું.  નક્કી કર્યું કે એમને એક પછી એક મળવા જવું અને વીમો લેવાનું કહેવું.  બીજે જ દિવસે સવારે રવિવારે હું દૂરના એક માસાને મળવા ગયો.  રજાના દિવસે સવારનો વહેલો ગયો એટલે તેમને આશ્ચર્ય થયું.  મને કહે, દેશમાં બધા બરાબર છે?  કોઈ મર્યું તો નથી ને? મેં એમને મારા આવવાનો હેતુ સમજાવ્યો.  પેલા વીમા એજન્ટે મને જે ગોખાવ્યું હતું તે બોલવાનું શરૂ કર્યું: જુઓ મુંબઈની પરાની ટ્રેનમાં લોકો જાન જોખમમાં મુકીને દરરોજ આવ જા કરે છે.  તમે પણ દરરોજ ટ્રેનમાં આવ જા કરો છો.  ક્યારે શું થાય એ કહેવાય નહીં, એવું એવું બધું.

માસાએ આ બધું સાંભળ્યા પછી,  મોટેથી બૂમ પાડી માસીને રસોડામાંથી બોલાવ્યા.  જો, આ નટુ આવ્યો છે.  અને પછી પૂછ્યું, હું છેલ્લાં ત્રીસ વરસથી મુંબઈ ટ્રેનમાં રોજ આવ જા કરું છું, ક્યારેય ઘરે પાછો ન આવ્યો હોઉં એવું બન્યું છે?  માસી શું બોલે?  પછી મને ચા પીવરાવી ને કહે, તું આ વીમાના રવાડે ક્યાં ચડ્યો?  વીમાના એજન્ટો તો કંઈક રખડે છે.  એમાં તારું કંઈ વળવાનું નથી.  કોઈ ધંધાની લાઈન હાથમાં પકડ તો બે પૈસા કમાઈશ.  હું ચેત્યો. મારામાં વીમો કે બીજું કૈં પણ વેચવાની આવડત છે જ નહી.

પંચમીયા આગળ પાછો ગયો.  એમને પૂછ્યું, હવે મારે શું કરવું?  એ કહે, વોરા સાહેબ જઈને કહો કે તમારે તો એલ.આઈ.સી.ની ઑફિસમાં જોબ જોઈએ છે.  હું પાછો વોરા સાહેબને મળવા ગયો.  કીધું કે ઑફિસની નોકરીનું કાંઇક કરી આપો.  ફરી વાર મળવા ગયો એ એમને નહીં ગમ્યું.  કહે, કે એ માટે તમારે અરજી કરવી પડે, એક્ઝામ આપવી પડે, એવા જોબ માટે હજારો લોકોની લાઈન લાગેલી છે.  હું સમજી ગયો કે એ કંઈ મને એમ ને એમ એલ.આઈ.સી.ની નોકરી અપાવી દેવાના નથી.  જો કે પંચમીયાએ કહ્યું તેમ વોરાનો એક ઈશારો થાય તો મને  એલ.આઈ.સી.નો જોબ ફટ કરતા મળી જાય.  આપણે તો પાછા હતા ત્યાં ને ત્યાં!  સદ્ભાગ્યે આ વખતે મેં મારો થોમસન ઍન્ડ ટેલરનો જોબ ચાલુ રાખ્યો હતો.   

3 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૫ (નટવર ગાંધી)

 1. દાવડા સાહેબ પ્રણામ એક ગાંધીની આત્મ કથા ટુકડ્ ટુકડે વાંચી બહુ સારી લાગી પુરી કથા કોઈક રીતે PDF યા બીજી કોઇ રીતે વાંચવા મળે તો સરસ બનવા જોગ હોય તો કોઇ રીતે જણાશો તો મહેરબાની હું અહીં TX। Houston રહ્યું છું ફક્ત આપની જાણ માટે અહીં હયુટન ખાતે ગુજરાતી સાહિત્ય સરિતા નામે એક ગરુપ ચાલે છે છેલ્લા પાંચ વર્ષથી ઉંમરને હિસાબે નથી જઇ શકતો ત્યારે p K દાવડાનો ઉલ્લેખ થતો

  Like

 2. થોમસન ઍન્ડ ટેલરની જોબ સાથે મા સોપાનજીની જર્નાલીસ્ટ , એકાઉન્ટીંગની જોબ , શોષણ . લક્ષ્મણ રેખા ના રસિક વર્ણનો માણ્યા . અમારા કુટુંબ અને સ્નેહીઓને આવા અનુભવો થયેલા તે યાદ આવ્યા વીમા એજન્ટ ની રમુજી વાત માણી . અમે પણ મરે તો મળે તે શું કામનું ? કહી ગંમત કરતા પણ કોઇ અગત્યની વ્યક્તિને ખુશ રાકવાની હોય તો તેના સુચવેલા એજન્ટ પાસે વિમો લેતા.
  હવે સારી નોકરી મળ્યા બાદ કર્મચારીઓ તથા તેમની હડતાલ અંગે સાથ ન આપતા મળતી ધમકીઓ, લોન પેપર તપાસતા હોય ત્યારે પાછળ ધરેલી ગનનું ધ્યાન રાખી લાચારીથી સહી કરવી પડે એવા અનુભવો અને ત્યાર બાદ અમેરીકાના અનુભવોની સરખામણી..
  .
  .
  .રાહ

  Liked by 1 person

 3. natavarbhai,
  we all had similar expectation of job in our earlier life and failure too..so its exiting reading these two new profession of journalism for a week and then lic experience as vima- agent and meeting your “દૂરના એક માસા” and his reaction..some time MLM also i tried and new that relative avoid even our phone call later…

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s