હા અને ના
હા અને ના એ બન્ને કોઈ સવાલના જવાબો છે.
હા અને ના એ સાપેક્ષ બાબત છે, કારણ કે એ બન્ને માટે કોઈ સવાલ અનિવાર્ય હોય છે. એ બન્ને ભાગ્યે જ સાથે રહી શકે છે. લેખારંભે શીર્ષકરૂપે ભલે રહી શકતા હોય…
ના દરેક વખતે ના નથી હોતી, એમાં હા ‘પણ’ હોઈ શકે છે. ક્યારેક તો ના એ જ હા હોય છે ! એવું જ હા અંગે સમજવું. પ્રેમીઓની ‘ના’માં ‘હા’ વધુ હોય છે, જ્યારે ખોટાબોલાઓ અને વચનભંગીઓની ‘હા’માં ‘ના’ હોવાની શક્યતા ઘણેરી હોય છે.
હા અને ના પ્રગટ કરવા માટે મોંના શબ્દોચ્ચાર ઉપરાંત કેટલીક શારીરિક ચેષ્ટાઓ પણ કામે લગાડાતી હોય છે. જેમ કે –
૧) બોલ્યા વગર હા પાડવા માટે મુંડીને ઉપર–નીચે કરવામાં આવે છે.
૨) એવી જ રીતે ના પાડવા માટે મુંડીને ડાબે–જમણે ફેરવવામાં આવે છે.
૩) હા માટેનું મુંડીનું ઉપરથી નીચે આવવું તેને જ ગણતરીમાં લેવાતું હોઈ સાર્થક છે; જ્યારે નીચેથી મુંડીનું ઉપર જવું (હકાર–કાર્ય પુરતું) નિરર્થક હોય છે. હા ને નક્કર અને મજબૂત બનાવવા માટે મુંડીને એકથી વધુ વાર ઉપરનીચે કરવાનું જરૂરી હોય તો એવે સમયે મુંડીને ઉપર તો લઈ જ જવી પડે ! તેટલા પૂરતું એનું નીચેથી ઉપર જવું અનિવાર્ય હોઈ એનુંય હકાર–ચેષ્ટામાં સ્થાન ગણાય જ. (કેટલીક ઓફિસોમાં લિફ્ટની એકતરફી સગવડ હોય છે. તેમાં નીચેથી ઉપર જનારાને શ્રમ પડતો હોઈ લિફ્ટ ઉપર જતાં ભરેલી અને નીચે આવતાં ખાલી હોઈ નીચે આવનારીનું મહત્ત્વ ન ગણાય પણ એ જો ઉપર જ અટકી જાય તો નીચેવાળાંના શ્રમનો પ્રશ્ન ઉભો થાય તેથી ખાલી તો ખાલી પણ એ નીચે આવતી લિફ્ટ પણ ગૌરવ ધારે છે.)
૪) પણ ના પાડવા માટેની ડાબે–જમણે થતી મુંડીનું તો બન્ને બાજુનું ફરવાનું સરખું જ મહત્ત્વ ધરે છે. ઘણા લોકો, તેથી જ હશે, ના પાડવામાં એકાધીક વાર એને ફેરવતાં રહીને શ્રમ આપવાનું ચાલુ રાખે છે. હા પાડનારાંઓ – મુંડીનું એક જ વારનું સાર્થક હોઈ – આ બાબતે થોડાં કરકસરિયાં હોય છે.
૫) હાની નિશાની કરવામાં અંગૂઠો પણ ક્યારેક કામે લગાડાય છે. પશ્ચિમ દિશાએથી ‘થમ્સપ્પ’નો રિવાજ લાવીને અંગૂંઠાનેય આપણે કામે વળગાડ્યો છે. (સ્વામી રામદેવજીને એ નામથી જાણીતું પીણું પણ ગમતું નથી પણ આપણે ભાષાવાળાઓ વિષયાંતર કરીને કાંઈ બધે પહોંચી શકીએ નહીં.)
૬) ના પાડવા માટે એ જ અંગૂઠા બચાડાને નીચે લબડાવીને કામ પાર પાડવામાં આવે છે !
૭) હ–કાર એક જાતનો ‘કરાર’ હોઈ એને તાળી આપીને વધાવવામાં આવે છે. ના પાડવા માટે આવી કોઈ શારીરિક ચેષ્ટાને સ્થાન નથી હોતું.
૮) હા પાડીને પોઝિટિવિટીનો આનંદ વ્યક્ત કરવામાં આંખ, નેણ, હોઠ પોતાની નિયત સ્થિતિ કરતાં વિસ્ફારિત, બોલે તો, પહોળાં થાય છે જ્યારે ના પાડતી વખતે એ જવાબની નેગેટિવિટીને કારણે જાણે કે શોકાર્ત સ્થિતિ દર્શાવવા પેલાં આંખ, નેણ, હોઠ વ. મદદનીશો સંકોચાતાં જોવા મળે છે.
૯) હા કહેતાં હકારાત્મકતા એ આનંદ–સંતોષ–ઉમંગનો વિષય બની રહેવાને કારણે નાટક–સિનેમા–ગીતો વગેરેમાં બારી–બારણાં ખૂલી જાય, લાઇટો ઝગમગી ઊઠે, જ્યારે ના કહેતાં નકારાત્મકતાને કારણે બધું ધબોધબ બંધ થતું દેખાડવા–સંભળાવવામાં આવે છે.
૧૦) સંગીતનાં વાદ્યો પણ આવાં કામોમાં પ્રયોજીને હકાર કે નકારને ઉપસાવવામાં આવે છે. ચર્મવાદ્યો હકાર માટે, ફૂંકવાદ્યોમાં બંસરી હકાર માટે, શરણાઈ હકાર–નકાર બન્ને માટે, તંતુવાદ્યોમાં ઘસાઈને અવાજ કાઢતાં સારંગી, વાયોલીન વગેરે નકાર માટે, જ્યારે સિતાર, સરોદ, સંતુર વગેરે ખનકતાં વાદ્યો હકાર માટે પ્રયોજવામાં આવે છે. શરણાઈ શુકનની ગણાય છતાં તે વિરહની નકારાત્મકતા વખતે બહેનો વગેરેને રડાવવા માટે પણ વગાડાય છે. બંસરી આવી બેઉ બાજુની ઢોલકી બજાવતી નથી.
હા અને ના માટેની શારીરિક ચેષ્ટાઓને તપાસ્યાં પછી હવે ભાષાના માણસો એવાં આપણે આ ‘હા’ અને ‘ના’ને કેટલાક અવ્યયો–પ્રત્યયો સાથે મૂકીને એ બન્નેની વિશેષતાઓ તપાસી લઈએ –
૧) આ બન્નેની વચ્ચે ‘અને’ને મૂકીશું તો ભાગ્યે જ મેળ પડશે. શરૂઆતમાં કહ્યું તેમ, હા “અને” ના ભેળાં રહેતાં નથી. માણસના મનની અનિશ્ચિતતા, અવઢવ, અસ્થિરતા એ દર્શાવે છે.
૨) હા “અથવા” નામાં પણ અવઢવ દેખાય છે પણ એમાં કોઈ એકની પસંદગી તો થાય જ છે ! આવા ‘અથવાવાળા’ માણસો ‘તટસ્થ’ પણ હોય, ‘મૌની’ પણ હોય, ‘સમાધાનીય’ હોય અને ‘આળસુ’ પણ હોય !!
૩) હા “પછી” ના (અથવા ના પહેલાં હા) કે ના પછી હા કહેનારાં “સેકન્ડ–થોટી” ગણાય. એને વિચારશીલ કહી શકાય. વચન આપીને ફરી જનારાં પણ આ વર્ગમાં જ આવે !!
૪) હા “માટે” ના (કે ના માટે હા) કહેનારાં લાંબું વિચારનારાં ગણાય. સેવાભાવીઓ પણ આવાં જ હોય છે. પરંતુ રાજકારણીઓને પણ પાછા આ જ વર્ગમાં મૂકવા પડે એમ છે !!
૫) હા “કરતાં” ના (કે ના કરતાં હા) શું ખોટી ? એવું વિચારતાં વિકલ્પીઓ, અગમચેતિયાઓ ને સ્વાર્થીઓ પણ હોય છે.
૬) હા “ની” ના (ના ની હા) એટલે કે ‘હા છે તેથી જ, હવે તો ના, જાવ, થાય તે કરી લ્યો !’ એવું કહેનારાં આડોડિયા, વિઘ્નસંતોષી હોય છે. સરકસના સાતમા ઘોડા જેમ તેઓ બીજાં કરતાં ધરાર ઊંધા ચાલતા હોય છે. પણ હા ની ના કે ના ની હા કરાવનારાંય આ દુનિયામાં પડ્યાં છે. ગુંડાઓ ધમકી–હિંસાથી તો પ્રેમીઓ અને બાળકની માતાઓ પ્રેમથી આ કામ કરી શકે છે.
૭) હા “એટલે” હા (ના એટલે ના) એમાં કોઈ જ ફેરફાર ન કરનાર કે ન થવા દેનારાંનો આ વર્ગ છે. ડઠ્ઠરો, જડસુઓ અને – ક્ષમા કરે – સિદ્ધાંતવાદીઓ પણ આ પંગતનાં બેસનારાં હોય છે.
ભાષાની રીતે આપણે હા અને નાને જોયાં. હવે ગણિતની રીતે હા અને નાની ગણતરી પણ કરી લઈએ –
ગણિતમાં બે ઓછા ભેગા થાય તો વત્તા થાય છે (– – = +); બે વત્તા ભેગા થાય તો વત્તા થાય છે (+ + = +); પણ એક ઓછો અને એક વત્તા મળે તો વત્તા થાય છે ( – + = –).
હવે આ ગાણિતિક સંજ્ઞાઓની જેમ હા અને નાને તપાસીએ –
એક વાક્યને પ્રશ્નરૂપે બે રીતે પૂછી શકાયઃ
૧) તમને ચા ભાવે છે ? આ હકારાત્મક સવાલ થયો.
૨) તમને ચા નથી ભાવતી ? આ થયો નકારાત્મક સવાલ. હવે બન્નેના જવાબો જુઓ. તેના કઈ કઈ રીતના જવાબો મળી શકે છે –
સવાલ પહેલો – “તમને ચા ભાવે છે ?” જવાબ બે રીતે મળશે.
જવાબ ૧ – “હા, ભાવે છે.” જવાબ ૨ – “ના નથી ભાવતી.”
સવાલ બીજો – “તમને ચા નથી ભાવતી ?” તેના જવાબ ત્રણ રીતે મળે છેઃ
જ. ૧– “ના, નથી ભાવતી.” જ. ૨ – “હા, નથી ભાવતી.” જ. ૩ – “ના, ભાવે છે ને !” (અહી ‘હા, ભાવે છે ને !’ એમ જવાબ નહીં આપી શકાય !)
સાહિત્યમાં રસનિષ્પત્તીનાં કારણરૂપ પાત્રો, પ્રસંગો અને પરિસ્થિતિઓ વિવિધ રસ જાગ્રત કરવામાં ઉપયોગી થતાં હોય છે. પાત્રોની નકારાત્મકતા (વિલનપણું) પણ આપણને આ હા અને નાની વાતો કરતાં કરતાં યાદ આવી જાય તો શી નવાઈ ? નાટકો–સિરિયલોમાં જોવા મળે છે કે વિલન લોકો સારા માણસને દુઃખ પડે તો રાજી થાય છે. અહીં બે નેગેટિવ તત્ત્વો મળીને આનંદ અર્થાત હકારાત્મકતા પામે છે. પણ એ જ પ્રસંગ જોઈને પ્રેક્ષકો દુઃખી થાય છે ! આવે સમયે નકાર (દુઃખદ પ્રસંગ) + હકાર (પ્રેક્ષકો) + નકાર (દુઃખ) બને છે.
છેલ્લે બે કાવ્યોના સંદર્ભે આ વાત મૂકીને પૂરું કરીએ –
૧) – હિન્દી સિનેમાનું એક ગીત જાણીતું છે –
“ના, ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે !
કરના થા ઇન્કાર, મગર ઇકરાર તુમ્હીં સે કર બૈઠે…!!”
આ ગીતમાંના બે શબ્દો ઇન્કાર અને ઇકરારને છૂટા પાડીને હા–નાવાળી વાતની મજા લઈ લઈએ.
ઇન્કાર = ઈ–નકાર અને ઈકરાર = ઈ–કરાર. અહીં ઈ એટલે કાઠિયાવાડી ‘તે’ સમજવો.
ગીત ૨) – હરીન્દ્ર દવેનું પેલું જાણીતું કાવ્ય “માધવ ક્યાંય નથી મધુવનમાં”માં ગોપી છેલ્લે કહે છેઃ
“શિર પર ગોરસ મટુકી, મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો, ગયાં ભાગ્ય મુજ ફૂટી !”
એક પણ કાંકરો કાનાનો વાગ્યો નહીં ને તેથી હજી સુધી મારી મટુકી ફૂટી નથી ! મારું તો ભાગ્ય જ ફૂટી ગયું છે !! આમાં શું સમજવું ?! કાંકરો વાગે નહીં, ને માટલી ફૂટે નહીં તેને ભાગ્ય કહેવું કે દુર્ભાગ્ય ?!! ગોપી તો કાંઈ વિલન નથી. ને હોય તોય તે કાનો વિલન છે. વિલનને અવળું દેખાય પણ અહીં તો ગોપી જેવી ભોળીનેય અવળું સૂઝે છે. પરિણામે ગાણિતિક પરિભાષાને ખોટી પાડનારું સમીકરણ બને છે.
હા અને ના એ શરૂમાં જ કહ્યું હતું તેમ સાપેક્ષ બાબતો છે. સવાલ અને તેનો હેતુ શો છે તેના પર જ તેનો આધાર હોઈ ખરેખર જોવા જઈએ તો હા અને ના વચ્ચે કોઈ ભેદ રહેતો નથી !!
– જુગલકિશોર.
jugalkishor bhai,
ha-na no jadu..enjoyed from beginning to end thoroughly..so great analysis- in depth.
LikeLiked by 1 person
ખૂબ સ રસ ‘ હા અને ના’ ની વાત
અમારા એક સ્નેહી વજન ઘટાડવા ખૂબ કસરત કરતા ત્યારે એક સચોટ કસરત બતાવી તે-
‘ મુંડીને ડાબે–જમણે ફેરવવામાં આવે ‘ ખાસ કરીને ભારે ખોરાક પીસવમા આવતો હોય ત્યારે !
અને
હંમણા તો ગીત कभी हाँ, कभी ना ની બોલબાલા
અમારા પડોશીના છોકરાને વિવાહ માટે છોકરીને હા કે ના કહેવાની હતી.તેણે તેણે સિક્કો ઉછાળી નક્કી કરવાનો વિચાર કર્યો તો સિક્કો ઉછળી ફાટમા ભેરવાઇ ઉભો રહ્યો !
આને માટે કેવી મુંડી રાખવી ?
બ્રહ્મને ઘણી વખત આ નહીં, આ નહીં તરીકે દર્શાવવામાં આવે છે કારણ કે બ્રહ્મને સાચી રીતે આ કે તે તરીકે દર્શાવી શકાય નહીં. ‘તે’ વ્યાકરણની રીતે નાન્યેતર છે, પરંતુ અપવાદરૂપે તેને પુરુષવાચી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને મુંડી ની- સાનંદાશ્ચર્ય !
LikeLiked by 1 person
જુભાઈ, યાર તમે તો કમાલનો લેખ લખ્યો. હા–ના પર તો મને હાસ્ય લેખ લખવો પડશે.” મારે સિનેમા જોવા જવું હોય તો મારી બાને સવારે પૂછૂં તો એ ના કહે.પછી બપોરે પણ પણ તેનો જવાબ ના હોય.પછી પૂછી પૂછીને એનો જીવ લઉં તો સાંજે કહે કે “હા, સિેનેમા જોવા જા.” તે હા, એવી રીતે કહે કે મને લાગે કે એ ના છે. અને મને સિનેમા જોવા જવાનું ન ગમે. એટલે હું જાઉં જ નહીં.‘ આપના લેખની ટેકનીક પણ મને ગમી..અંગ્રેજીમાં પણ કાંઈક તેવું કહેવાય છે કે Two wrong makes a right.
LikeLiked by 1 person
હા અને ના જેવા એકાક્ષરી માટે શબ્દોચ્ચારની સાથે શારીરિક ચેષ્ટાઓ- લાઇટ અને સાઉન્ડ ઇફેક્ટને સાંકળીને માટે મઝાનું વિશ્લેષણ.
LikeLike
આ ‘હા’ ને ‘ના’ ની વિવિધ વાતો સાથે અર્થ આજે વાંચવા મળ્યો! આ બે શબ્દો, સર્જન કે વિસર્જન જીવનમાં કમાલ કરી જાય છે! આજે એની સમજ જુગલકિશોરભાઈ પાસેથી મેળવી મજા પડી ગઈ! ગમ્મત સાથે જ્ઞાન આને કહેવાય!
LikeLiked by 1 person
હા અને ના આમ તો હકારાત્મક , નકારાત્મક એકાક્ક્ષરી શબ્દ ,છતા હા માં ના અને ના માં હા જુદા જુદા સવાલમાં કેવી રીતે જીવનમાં જુદા જુદા ભાવ રજુ કરે છે , તેની વિગતવાર વાત,જુગલકિશોર્ભાઇએ વાજિન્ત્રોના ઉદાહરણ સાથે કરી, ઘણુ જાણવા મળ્યું.
LikeLike
હા અને ના – નો પૃથ્થકરણ કરતો આ લેખ ખૂબ ગમ્યો! અને તેનો અંત શુભાનઅલ્લા!
LikeLike
મનમાં થતા ”હા” અને ”ના ”ને અવગણીને જુ’ભાઈનો આખો લેખ સાદ્યંત રસથી વાંચી કાઢ્યો . મજા પડી . ધન્યવાદ.
સારા લેખકને નિબંધ લેખન માટે વિષયની ખોટ પડતી નથી.
LikeLike