નીલે ગગન કે તલે – ૫ (મધુ રાય)-ઘણાને ખબર નહીં હોય કે…

ઘણાને ખબર નહીં હોય કે…..

બે દિવસ પહેલાં એક સમાચારની ટીકડી જોયેલી કે ‘વેન્ડી’ નામની ફાસ્ટ ફૂડ ચેઇનના અમુક સ્ટોરોમાં વેજિટેરિયન બર્ગર મળવાનું શરૂ થયું છે. મેકડોનાલ્ડ, બર્ગર કિંગ જેવી મહાકાય ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટોમાં તો ઘણા વખતથી વેજિબર્ગર મળે છે. હવે વેન્ડીના સમાચારની આ ચાર લીટીની ટીકડીથી ગગનવાલાના મનગગનમાં આશાની આંધી આવી કે હાલો, હાલો, હવે સતયુગ આવી ગયો, કે તૈયારીમાં છે.

ગગનવાલા શુદ્ધ શાકાહારમા માને છે અને પ્રાણીઓને મારીને એમની ટાંગટુંગ ખાવાના વિરોધી છે. મરઘીના બચ્ચાને ખાવું તે માણસના બચ્ચાને ખાવા જેટલું અવિચારી કૃત્ય ગણે છે. ગગનવાલા ઝનૂનપૂર્વક માને છે કે પ્રાણીઓ માણસ કરતાં ઓછાં બુદ્ધિમાન છે, એમને બાળક જેવાં ગણીને સ્નેહ કરવો જોઈએ તેમ જ રક્ષણ આપવું જોઈએ. એમને મારીને, પીડીને માણસ અમન ચમન કરે તે અનૈતિક છે.

ઘણાને ખબર નહીં હોય કે—ગગનવાલાને તો નહોતી જ ખબર કે—ખ્રિસ્તી ધર્મનો પ્રારંભ શાકાહારના આચરણથી થયો હતો. ધર્મના બંને પવિત્ર ગ્રંથો, ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યુ ટેસ્ટામેન્ટમાં  જીવો પ્રત્યે અનુકંપાનો આદેશ છે. આજના અમેરિકા, યુરોપના ખ્રિસ્તી સમાજને જોતાં બિલકુલ માનવામાં ન આવે! બાઇબલમાં કહેવાયું છે કે મનુષ્ય અને મનુષ્યેતર જીવોમાં ‘આનિમા’ અર્થાત આત્મા વસે છે, અને તે સર્વે જીવો અને મનુષ્યો સૃષ્ટિના પ્રારંભથી શાકાહારી હતા. બાઇબલના કેટલાક વ્યાખ્યાકારો કહે છે કે ઈડન ઉદ્યાનમાં આદમ અને ઈવને ભગવાને શાકાહારનો ઉપદેશ આપેલો (જેનેસિસ ૧:૨૯), “અને ભગવાન બોલ્યા, મેં તમને વનસ્પતિ, વૃક્ષ અને લતા બક્ષ્યાં છે અને તે દરેકમાં તેનાં ફળ, તથા તે દરેક ફળમાં તેનું બીજ છે, જે સર્વ તમારા આહાર માટે છે.” તે પછી મહાપ્રલય થયો અને તેમાં વનસ્પતિ નાશ પામી હોવાથી પ્રભુએ અનિચ્છાપૂર્વક થોડા સમય પૂરતી માણસને માંસ ખાવાની છૂટ આપી પણ લોહીની મનાઈ કરી કેમકે લોહી તે જીવન છે. શાકાહારમાં માનતા ખ્રિસ્તીઓ કહે છે માંસની છૂટ ફક્ત મર્યાદિત સમય માટે હતી, કાયમી નહોતી. અને જીવતા પ્રાણીની નસ કાપીને તેનું લોહી વહેવડાવી દેવાથી કાંઈ તેનું માંસ ખાઈ શકાય એવું પરમાત્માએ કહ્યું નથી. કોઈપણ પ્રાણીના શરીરમાંથી તમામ લોહી દૂર કરવું સંભવ જ નથી. દસ આદેશોમાં, ટેન કમાન્ડમેન્ટ્સમાં, કહ્યું જ છે કે “તું જીવ હિંસા કરીશ નહીં.” એમાં અમુક પ્રાણીની હિંસા થાય ને અમુકની નહીં એવું કાંઈ કહ્યું નથી. “એક બળદને કતલ કરો તે માણસને કતલ કર્યા બરોબર છે(ઇસાઇયાહ ૬૬:૩).” આમ છતાં મોઝેઝ દાદાએ અમુક પાપના પ્રાયશ્ચિત્ત તરીકે અમુક પ્રાણીનું બલિદાન આપવાની છૂટ આપી હતી. એવા પ્રાયશ્ચિત્ત માટે કયા પ્રાણીનું બલિદાન કરાય તે પણ નિશ્ચિત કરાયું છે. અમુક અવસરે ઘેટાનો ભોગ આપવાનું કહેવાયું છે, જેને નિર્દોષ બલિ કે ‘એગ્નસ ઓફ ગોડ’ (ઈશ્વરનું લાડકું) કહેવાય છે, જે પછીથી ઇસુ ખ્રિસ્તનું પ્રતીક બન્યું કેમકે કે ઇસુ મસીહએ પણ બલિદાન આપેલું.

ઘણા ખ્રિસ્તીઓ શ્રદ્ધાથી કે સિદ્ધાન્તથી અથવા તબીબી કે આધ્યાત્મિક કારણોસર શાકાહાર પાળે છે, અને કેટલાક તો દૂધ કે પ્રાણીજન્ય કશુંય ન વાપરવાની ચરી પાળે છે જેને ‘વિગનિઝમ’ કહેવાય છે. ખ્રિસ્તી ધર્મમાં પણ, હિંદુ ધર્મની જેમ અગણિત શાખાઓ, ફાંટાઓ અને ફિરકાઓ છે. અગાઉ આ પાનાંમાં જણાવેલું તેમ, તેમાંની બાઇબલ ક્રિશ્ચિયન ચર્ચ શાખાના ગુરુ વિલિયમ કાવહર્ડે ૧૮૦૯માં તેમ જ સેવન્થ–ડે એડવેન્ટિસ્ટ પંથનાં વડવા એલન જી. વ્હાઇટે ૧૮૦૯માં વિશ્વના પ્રથમ શાકાહારી સમાજની સ્થાપના કરેલી. આજે પણ અમુક પંથ સંચાલિત હોસ્પિટાલોમાં માંસાહારનો નિષેધ છે.
‘મોરમોન’ તેમ જ ‘ક્વેકર’ તરીકે ઓળખાતા ખ્રિસ્તી પંથો પણ માંસની પરહેજ રાખે છે. મોરમોનની ધર્મપોથીનો આદેશ છે કે “જમીન ઉપરનાં પ્રાણી અને આકાશનાં પંખીનું માંસ ન ખાઓ તો ભગવાન રાજી થશે, હેમાળામાં, કે દુકાળમાં જ ન છૂટકે ખાવું.”

રોમન કેથલિક પંથના અમુક ફાંટા કઠોર શાકાહારી છે. ‘રાસ્તાફેરિસ’ કહેવાતા ખ્રિસ્તીઓ માને છે કે માંસને અડકવું તે મોતને અડકવા બરાબર છે. ‘લેન્ટ’ નામના ખ્રિસ્તી તહેવારમાં મિડલ ઇસ્ટના ખ્રિસ્તીઓ ૪૦ દિવસ સુધી શાકાહારી ભોજન જમે છે. ખ્રિસ્તી પરંપરામાં બુધવારે અને શુક્રવારે માંસ ખાવાનો નિષેધ છે કેમકે બુધવારે જુડાસ નામના શિષ્યે ઇસુનો દ્રોહ કરેલો અને શુક્રવારે ઇસુને સલીબ ઉપર ખિલ્લા મારીને જડી દેવાયેલા.

લિબરલ કેથોલિક મૂવમેન્ટ શાકાહારનો મહિમા કરે છે. મહાન વિચારકો લિઓ તોલ્સતોય (ચિત્રમાં), રોમાં રોલાં, બર્નાર્ડ શો, એની બીસન્ટ શાકાહારી હતા. એક્ટ્રેસ જૂલી ક્રિસ્ટી, અને એક્ટર (વિન્ક વિન્ક) બિલ ક્લિન્ટન, બ્રેડ પિટ, લિઓનાર્દો દિકાપ્રિયો, અને બીજા મહાન ખ્રિસ્તીઓ શાકાહાર કરે છે. જૈન, વૈષ્ણવ, બૌદ્ધ, શીખ ધર્મોમાં શાકાહારનો જ મહિમા છે. યહૂદી ધર્મમાં પણ શાકાહારની જ ભલામણ છે એવા ઘણા યહૂદી ધર્મગુરુઓનો મત છે.

કશાય વિષયના જ્ઞાતા હોવાનો દાવો ગગનવાલાનો નથી. નતનયને ગગનવાલા પોતાની મૂઢમતિ સ્વીકારે છે. ઉપરની માહિતી ઇન્ટરનેટ ઉપરથી તારવેલી છે, મૂળ ગ્રંથોને નજરે જોયા નથી. ગગનવાલાની ખોપરીમાં ખખડતાં અનેક ભૂતોમાં એક છે, જીવદયાનું. તે વિષયની સતત ખોળના દૌરમાં જ્યારે જ્યારે આવી માહિતી આંખે ચડે ત્યારે ત્યારે વાચકોને કહેવા તલપાપડ થાય છે, અને આજે એવો જ એક અવસર છે. માહિતી આપવાની ભાવના શદ્ધ છે. જાણીજોઈને કોઈની લાગણી દુભાવવાની ખંધાઈ કદાપિ હોતી નથી. કોઈપણ આદર્શ કે સિદ્ધાન્ત કરતાં પણ ગગનવાલા માણસને ઊંચો સમજે છે. પણ પશુઓને માણસ કરતાં નીચા સમજતા નથી. જય બજરંગ બલી!

3 thoughts on “નીલે ગગન કે તલે – ૫ (મધુ રાય)-ઘણાને ખબર નહીં હોય કે…

 1. કોઈપણ આદર્શ કે સિદ્ધાન્ત કરતાં પણ ગગનવાલા માણસને ઊંચો સમજે છે. પણ પશુઓને માણસ કરતાં નીચા સમજતા નથી. જય બજરંગ બલી!કોઈપણ આદર્શ કે સિદ્ધાન્ત કરતાં પણ ગગનવાલા માણસને ઊંચો સમજે છે. પણ પશુઓને માણસ કરતાં નીચા સમજતા નથી. જય બજરંગ બલી!
  very nicely expressed – we learnt a lot for first time- thx

  Liked by 1 person

 2. ‘ ગગનવાલાની ખોપરીમાં ખખડતાં અનેક ભૂતોમાં એક છે, જીવદયાનું. તે વિષયની સતત ખોળના દૌર…માં’ ઘણું નવું જાણવા મળ્યું
  માંસની ત્રણ વ્યાખ્યા મેં વાંચેલી. એકમાં માંસ એટલે પશુપક્ષીનું માંસ. તેથી તે વ્યાખ્યાકારો તેનો ત્યાગ કરે, પણ માછલી ખાય ઈંડા તો ખાય જ. બીજી વ્યાખ્યા પ્રમાણે જેને સામાન્ય મનુષ્ય જીવ તરીકે જાણે છે તેનો ત્યાગ હોય. એટલે માછલી ત્યાજ્ય પણ ઈંડા ગ્રાહ્ય. ત્રીજી વ્યાખ્યામાં સામાન્ય પણે મનાતા જીવ માત્ર તેને તેમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ત્યાગ.
  દુનિયામાં ઘણાં ઝઘડા કેવળ કરારના અર્થથી ઉત્પન્ન થાય છે. ગમે તેટલી સ્પષ્ટ ભાષામાં કરારનામું લખો તો પણ ભાષાશાસ્ત્રી કાગનો વાઘ કરી આપશે. સ્વાર્થ સહુને આંધળાભીંત કરી મૂકે છે. રાયથી માંડીને રંક કરારોના પોતાને ઠીક લાગે તેવા અર્થ કરીને દુનિયાને , પોતાને અનુકૂળ આવે એવા અર્થ પક્ષકારો કરે છે તેને ન્યાય શાસ્ત્ર દ્વીઅર્થી મધ્યમ પદ કહે છે. સુવર્ણન્યાય તો એ છે કે, જ્યાં બે અર્થ સંભવિત છે હોય ત્યાં નબળો પક્ષ જે અર્થ કરે તે ખરો માનવો જોઈએ.
  જે નવો ધર્મ સ્વીકારે છે તેની તે ધર્મના પ્રચારને લાગતી ધગશ તે ધર્મમાં જન્મેલાંના કરતાં વધારે જોવામાં આવે છે.સાંપ્રત સમયે અમારા સ્નેહીની દીકરીની ડીલીવરી બાદ પ્લેસેન્ટા ખવાય તે અંગે જાણ્યું.ત્યારે પ્રશ્ન થયો કે તે માંસાહાર કહેવાય ?
  Eating Fresh Placenta – YouTube

  Like

 3. અમુક તમુક શબ્દપ્રયોગ કરવા કે વાંચવાથી પણ આત્મા કકળી ઉઠે છે .
  મારા મતે તમામ શાકાહારી સન્માનને પાત્ર છે .

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s