મને હજી યાદ છે-૨૭ (બાબુ સુથાર)


મુંબઈથી વડોદરા: ઘરતીના છેડાની શોધમાં

આપણને એક બાજુ કહેવામાં આવ્યું છે: ધરતીનો છેડો ઘર અને બીજી બાજુ કહેવામાં આવ્યું છે: ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે. મને પહેલી કહેવત જરા સંદિગ્ધ લાગી છે: ઘરને ધરતીનો છેડો નહીં ગણવાનો. જ્યાં થોભ્યા ત્યાં ધરતીનો છેડો ગણવાનો ને એ જ જગ્યાને ઘર પણ ગણવાનું. એક જમાનામાં માણસ જે ઘરમાં જનમતો એ જ ઘરમાં મરતો. હવે પરિસ્થિતિ બદલાઈ છે. બહુ ઓછા એવા માણસો મળી આવશે જેણે જન્મ પછી પોતાનાં ઘર નહીં બદલ્યાં હોય. મારી પણ એ જ પરિસ્થિતિ હતી. મણીબેન નાણાવટી કૉલેજનું શૈક્ષણિક વરસ પૂરું થવામાં હતું. દેખીતી રીતે જ એનો પગાર- જે કંઈ મળતો હતો એ – બંધ થવાનો હતો. મારે કેવળ ‘ગુજરાત સમાચાર’ના જ પગાર પર ટકી રહેવાનું હતું. એ કામ સાચે જ મુશ્કેલ બની જાય એમ હતું. એટલે જ્યારે સુરેશ જોષીએ મને ત્યારના ‘લોકસત્તા’ વડોદરા આવૃત્તિના તંત્રી નવિન ચૌહાણને ઉદ્દેશીને લખેલી ભલામણ ચિઠ્ઠી આપી ત્યારે હું સહેજ પણ અટક્યા વિના પહોંચી ગયો ‘લોકસત્તા’ની ઑફિસે. નવિન ચૌહાણે ચિઠ્ઠી વાંચીને મારી સામે જોયું. મેં કહ્યું, “મેં છ મહિના ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં કામ કર્યું છે. હું અનુવાદ સારા કરી શકું છું.” ચૌહાણે કહ્યું, “એ તો બરાબર છે પણ મારે ત્યાં કોઈ જગ્યા નથી. એક કામ કરો. ‘સંદેશ’વાળા વડોદરા આવૃત્તિ બહાર પાડી રહ્યા છે. તમે એમની પાસે જાઓ. વડોદરના કારેલી બાગમાં એમની ઑફિસ આવેલી છે.

હું એમનો આભાર માની બીજા દિવસે ‘સંદેશ’ કાર્યાલયમાં ગયો. ત્યાં યોગાનુયોગ ‘સંદેશ’ના માલિક ચીમનભાઈ પટેલ હાજર હતા. હું ત્યાં પહેલા દિનેશ પાઠકને મળ્યો. એ કાર્યકારી તંત્રી હતા. એ મને બે ત્રણ પ્રશ્નો પૂછીને શેઠ – ચીમનભાઈ પટેલને બધા ‘શેઠ’ કહેતા – પાસે લઈ ગયા. એમણે શેઠને વાત કરી. શેઠે મને નોકરી આપવાનું કહ્યું પણ મુંબઈ કરતાં સો કે દોઢસો રૂપિયા ઓછા આપવાનું કહ્યું. હું સો કે બસો વધારે પગારની અપેક્ષા રાખતો હતો. પણ, મને એમ હતું કે એક વાર પાપી પેટની વ્યવસ્થા થઈ જાય પછી હું કોઈક કૉલેજમાં નોકરી શોધી કાઢીશ. એટલે મેં એ પગાર સ્વીકારી લીધો. મારી પાસે વિકલ્પો પણ ઓછા હતા.

આખરે હું ઉચાળા ભરીને મુંબઈથી વડોદરા આવ્યો. આવતાં જ મારા એક ટૅલિફોન ઑપરેટર મિત્ર અર્જુન ખાંટને ત્યાં રોકાયો. એણે કહ્યું કે બધું ઠેકાણે ન પડે ત્યાં સુધી તું મારી સાથે રહી શકે. પછી અમે બન્ને એક નાનકડી ઓરડીમાં રહેવા લાગ્યા. મારી પાસે બચત તો જરા પણ ન હતી. મોટા ભાગના પૈસા મેં ચોપડીઓ પાછળ ખર્ચી નાખેલા. એટલે સૌ પહેલાં તો મારે સાયકલ ખરીદવાની આવેલી. નવી સાયકલ તો પરવડે એમ ન હતી. મેં કોઈકની જૂની સાઈકલ ખરીદી, સર્વીસ કરાવી, એનાં ટાયરટ્યૂબ નવાં નંખાવી લીધેલાં.

પછી મેં ‘સંદેશ’ની વડોદરા આવૃત્તિમાં સબ-એડીટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, શરૂઆતમાં વિનોદ ભટ્ટ નામના પત્રકાર મારા ચીફ સબ-એડીટર હતા. સાહિત્યકાર વિનોદ ભટ્ટ નહીં, પત્રકાર વિનોદ ભટ્ટ. સ્વભાવે બહુ સારા માણસ. મને પૂરતું માન આપતા. જો કે, એમની સામે દિનેશ પાઠક જરા તોછડા હતા. એ વાતવાતમાં બધાંને ઉતારી પાડતા. મારું કામ પીટીઆઈ, યુએનઆઈ પર આવતા અંગ્રેજી સમાચારોના અનુવાદ કરવાનું. સમાચારો વિનોદ ભટ્ટ પસંદ કરતા. એક બાજુ સમાચારોનો ધોધ આવતો હોય અને બીજી બાજુ સમય ઓછો હોય. એ બે દબાણની વચ્ચે રહીને કામ કરવાનું. મુંબઈમાં આટલું બધું દબાણ ન હતું. કેમ કે ત્યાં માણસો વધારે હતા. વળી મોટા ભાગના માણસો અનુભવી હતા. એ લોકો રમતાં રમતાં, ગપ્પાં મારતાં મારતાં અનુવાદ કરી નાખતા. અહીં મોટા ભાગના માણસો બિનઅનુભવી હતા. વળી દિનેશ પાઠક અને વિનોદ ભટ્ટની વચ્ચે થોડો તેજોદ્વેષ પણ કરો. અખબારોની કોઈ પણ ઑફિસમાં જોવા મળે એવું સત્તાનું માળખું અહીં જરા વધારે પડતું પ્રગટ હતું. લોકો અને શેઠ પણ સ્થાનિક અને ગ્રામીણ વિસ્તારના સમાચારો સાથે કામ પાર પાડતા પત્રકારોને વધારે માનથી જોતા. પહેલા પાના સાથે, અથવા તો રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સમાચારો સાથે કામ પાર પાડતા પત્રકારો બીજા વર્ગના નાગરિકો ગણાતા. એટલે સુધી કે જો કોઈ ઓળખીતું મને કોઈ પ્રેસ નોટ આપે અને એ પ્રેસ નોટ જો સ્થાનિક સમાચાર સાથે કામ પાર પાડતા પત્રકારને આપું તો એ ભાગ્યે જ એ સમાચાર છાપતો. ક્યારેક છાપતો તો એમાંથી ઘણું બધું કાપી નાખતો. આ બધાની વચ્ચે મને એક આશા હતી: મને કોઈક કૉલેજમાં નોકરી મળી જશે. મારે શા માટે ચિન્તા કરવાની?

પછી ઉનાળાનું વેકેશન આવ્યું એ વખતે કૉલેજોની જાહેરાતો આવવા માંડી. મેં અમદાવાદની સેંટ ઝેવિયર્સમાં અરજી કરી. કેમ કે એ એક ખાગની કૉલેજ હતી અને ત્યાં અનામતના નિયમો લાગુ ન’તા પડતા. મને એમ કે હું એમ.એસ.માં ભણ્યો છું, મેં ભાષાવિજ્ઞાનમાં ડીપ્લોમા કર્યો છે અને સુરેશ જોષી જેવાએ ભલામણપત્રો લખ્યા છે તો મને ઇન્ટરવ્યૂમાં તો બોલાવશે જ. પણ એવું ન બન્યું. સેંટ ઝેવિયર્સે મને ઇન્ટરવ્યૂમાં પણ ન બોલાવ્યો. એ દરમિયાન બોરસદની (કે પેટલાદની? યાદ નથી) એક વરસ માટે ગુજરાતીના અધ્યાપકની જાહેરાત પડી. મેં ત્યાં પણ અરજી કરી. એ લોકોએ મને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યો. ઇન્ટરવ્યૂમાં ટ્રસ્ટીમંડળના એક વડિલ પણ હતા. એમણે મને કહ્યું કે અમારે તમને લેવા છે પણ તમારે મને લખીને આપવું પડે કે તમે એક વરસ સુધી આ નોકરી છોડીને બીજે નોકરી કરવા નહીં જાવ. કોણ જાણે કેમ મને ઝેવિયર્સની આશા હતી. એટલે મેં એમને પ્રમાણિક બનીને કહ્યું કે જો ઝેવિયર્સમાં મળશે તો હું જતો રહીશ. નહીં તો અહીં રહીશ. વડીલે મને ખૂબ પ્રેમતી કહ્યું, “તમારા જેવા હોંશિયાર માણસો એક જગ્યાએ બહુ ટકતા નથી.” એટલે એ નોકરી ન મળી. ઝેવિયર્સમાં પણ બીજું કોઈક લેવાઈ ગયું. એ જ સમયગાળા મેં સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અરજી કરેલી. ત્યાં ઇન્ટરવ્યૂ થયેલો. જસવંત શેખડીવાળા ત્યારે એ વિભાગના હેડ હતા. એમના ભત્રીજા જયેન્દ્ર શેખડીવાળાએ પણ એ જગ્યા માટે અરજી કરેલી. પણ નૈતિક કારણોથી એ ઇન્ટરવ્યૂમાં ન’તા બેઠા. એમની જગ્યાએ પ્રમોદકુમાર પટેલ વિભાગના નિષ્ણાત તરીકે આવેલા. તદ્ઉપરાંત, પ્રભાશંકર તેરૈયા પણ એક નિષ્ણાત તરીકે આવેલા. પણ ત્યાં જયેન્દ્ર શેખડીવાળાની પસંદગી થઈ. જો કે, જયેન્દ્ર શેખડીવાળા ત્યારે ચીખલીમાં અધ્યાપક હતા. એ જગ્યા ખાલી પડી. એની જાહેરાત પણ આવી. મેં એ જગ્યા માટે પણ અરજી કરી. ઇન્ટરવ્યૂ કૉલ આવ્યો. હું ગયો. જયન્ત પાઠક ઇન્ટરવ્યૂ સમિતિમાં હતા. હું ત્યાં પણ નાપાસ થયો. કોણ જાણે કેમ મને ધીમે ધીમે લાગવા માંડ્યું હતું કે જ્યાં સુધી મારે કોઈ king maker નહીં હોય ત્યાં સુધી મારો ક્યાંય મેળ પડશે નહીં. પણ સવા લાખનો પ્રશ્ન એ હતો કે સુરેશ જોષીના વિદ્યાર્થીના king maker કોણ બને? જો હું સુરેશ જોષીની ટીકા કરવા લાગું તો મારા બારણે એવા king makersની લાઈલ લાગે. પણ હું એ કામ કરવા તૈયાર ન હતો.

એ દરમિયાન બે ઘટનાઓ બની. મને લાગે છે કે મારે એ બન્ને વિશે લખવું જોઈએ. મિયાંગામ-કરણજણમાં ગુજરાતી વિષયની જગ્યા પડી. જાહેરાત આવી. મેં રાબેતા મુજબ અરજી કરી. એ જગ્યા માટે વિનોદ ગાંધીએ પણ અરજી કરી. વિનોદ ગાંધી અને હું, મેં આગલાં પ્રકરણોમાં નોંધ્યું છે એમ, સાથે ટૅલિફૉન ઑપરેટર હતા. ગોધરામાં. એ કવિ પણ હતા અને એમનાં એકબે પુસ્તકો પણ કદાચ ત્યારે પ્રગટ થયેલાં હતાં. પણ, કોઈક કારણસર એને એમ.એ.માં પચાવન ટકા ન હતા. પણ ત્યારના નિયમ પ્રમાણે એ ગુજરાતી વિષયના અધ્યાપક માટે લાયક હતો. એ ત્યારે એક હાઈસ્કુલમાં ગુજરાતી વિષય ભણાવતો હતો. એણે બી.એડ. પણ કરેલું હતું. એક દિવસે વિનોદ મને મળવા આવ્યો. કહે: બાબુ, તેં મિયાંગામ-કરઝણની કૉલેજમાં અરજી કરી છે. જો તું ઇન્ટરવ્યૂમાં ન જાય તો મારો નંબર લાગે. કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક બનવા માટે આ મારા માટે છેલ્લી તક છે. કેમ કે આવતા વરસથી સરકાર નિયમો બદલે છે અને એ નિયમ પ્રમાણે ઉમેદવારે એમ.એ.માં ઓછામાં ઓછા પંચાવન ટકા મેળવવા પડે. તારે તો ફર્સ્ટ ક્લાસ છે. તને કોઈ મુશ્કેલી નહીં પડે. મેં પૂછ્યું, “પણ, મેનેજમેન્ટ તને જ લેશે એની શી ખાતરી?” એ કહે, “હું એ લોકોને મળવા ગયેલો. એમને મારામાં રસ છે પણ કહે છે કે આ એક ભાઈ છે. એમ.એસ.ના. એમને ફર્સ્ટ ક્લાસ છે. જો એ ન આવે તો અમે તમારા વિષે વિચારીશું.” મને વિનોદની વાતમાં તથ્ય લાગ્યું ને કહ્યું, “જો તારું થતું હોય તો હું ત્યાં ઇન્ટરવ્યૂમાં નહીં જાઉં.” પછી ઇન્ટરવ્યૂ કૉલ આવ્યો પણ હું ન ગયો. એ જગ્યા પર વિનોદ લેવાઈ ગયો. મને ખૂબ આનંદ થયો. ત્યારે વિનોદ પ્રમાણમાં સારી કવિતા લખતો. એની કવિતાઓ ત્યારે ‘કવિતા’, ‘કવિલોક’, ‘કુમાર’, ‘કંકાવટી’ અને ‘નવચેતન’ જેવાં સામયિકોમાં પ્રગટ થતી. મને એના માટે ઘણું માન હતું. એણે મારા કરતાં વધારે ગુજરાતી સાહિત્ય વાંચેલું હતું. એટલે પણ મને આ ઇન્ટરવ્યૂમાં ન જવાનો કોઈ અફસોસ ન’તો થયો. સાચું પૂછો તો મને હું એક મિત્રને મદદ કરી શક્યો છું એનો ખાસ આનંદ હતો.

બીજી ઘટનાની વાત કરતાં પહેલાં એક બીજી વાત.

હવે મને ખાતરી થઈ ગઈ હતી કે મને ક્યાંય ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી મળશે નહીં. એટલે એક રાતે મેં વિચાર્યું. એમ. એસ. યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાન વિભાગમાં અધ્યાપકની બે જગ્યાઓ ખાલી છે. જો હું ભાષાવિજ્ઞાન સાથે એમ.એ. કરું અને જો એ બે જગ્યાઓ ભરાય નહીં તો મને ત્યાં નોકરી મળી શકે. એ દરમિયાન મને ભાષાવિજ્ઞાનમાં પણ વિશેષ રસ પડવા માંડ્યો હતો. હું સાહિત્ય ઓછું અને ભાષાવિજ્ઞાન વધારે વાંચતો હતો. એટલે એક દિવસે હું ભાષાવિજ્ઞાન સાથે એમ.એ. કરવા માટે ફૉર્મ ભરીને એના પર હસ્તાક્ષર કરાવવા માટે ભાષાવિજ્ઞાનના વડા ભારતી મોદી પાસે ગયો. એ મને જાણતાં તો હતાં જ. પણ એમની છાપ એવી હતી કે હું સાહિત્યનો જીવ છું. ભાષાવિજ્ઞાન મારા માટે એટલું મહત્ત્વનું નથી. આ બાજુ સાહિત્યકારો અને મારા સાહિત્યના ગુરુઓ એવું માનતા હતા કે હું ભાષાવિજ્ઞાનનો જીવ છું. સાહિત્ય મારા માટે ગૌણ છે. હું બરાબરનો ફસાઈ ગયો હતો. કોણ જાણે કેમ ભારતીબેને મને પ્રવેશપત્ર પર હસ્તાક્ષર તો કરી આપ્યા પણ એ પહેલાં એમણે મને ભાત ભાતની બાબતમાં ખખડાવેલો. એમને ગુજરાતી પ્રજાના stereotypes ની ખબર હતી. સૌ પહેલાં તો મને મારા અંગ્રેજી ભાષાના જ્ઞાન માટે ખખડાવેલો. ત્યાર પછી મને દરેક બાબતમાં અનૌપચારિક રહેવા બદલ ખખડાવેલો. પણ, હું સુરેશ જોષીનો વિદ્યાર્થી હતો એને કારણે એમને મારા માટે જરાક માન હતું ખરું. ભાષાવિજ્ઞાન વિભાગમાં પ્રવેશ લીધા પછી હું સુરેશ જોષીને મળવા ગયેલો. મેં કહેલું: હું ભાષાવિજ્ઞાનમાં એમ.એ. કરવા માગું છું. મેં પ્રવેશ લઈ લીધો છે. કોઈ માણસ પોતાના સંતાનને દરિયામાં ડૂબતો જુએ ત્યારે એના ચહેરા પર હોય એવી લાચારી સાથે એ મારી સામે જોઈ રહેલા. મેં કહેલું: હું તમને વચન આપું છું હું સાહિત્યનું કામ પણ કરીશ. એ વચનનું હું હજી પણ પાલન કરી રહ્યો છું.

ભાષાવિજ્ઞાન વિભાગનાં વર્ષો વિશે હવે પછીના કોઈક પ્રકરણમાં વાત કરીશ. પણ એ પહેલો પેલા બીજા બનાવની વાત.

ભાષાવિજ્ઞાન વિભાગમાં પ્રવેશ મેળવ્યા પછી હું લગભગ રોજ બપોરે ગુજરાતી વિભાગમાં જતો. અધ્યાપકોને મળતો. વાતો કરતો. ભારતી મોદીને આ જરા પણ ગમતું ન હતું તો પણ. ત્યારે સિતાંશુ યશશ્ચંદ્ર ગુજરાતી વિભાગના વડા હતા. એ પણ ક્યારેક મળતા. પણ એ જ્યારે મારા ભણી જોતા અથવા તો વાત કરતા ત્યારે એ ભૂલી શકતા ન હતા કે હું સુરેશ જોષીનો વિદ્યાર્થી છું. એમને સુરેશ જોષી માટે ખાસ માન ન હતું. કદાચ તેજોદ્વેષ. જે કંઈ કહેવું હોય તે. પણ મારું ભાષાવિજ્ઞાનનું પહેલું વર્ષ પૂરું થયું ત્યારે ગુજારતી વિભાગમાં એક Teaching Assistantની જગ્યા પડેલી. સિતાંશુભાઈ એ જગ્યા પર એમના એક વિદ્યાર્થીને લેવા માગતા હતા. કોણ જાણે કેમ એમને એવો ડર લાગેલો હું પણ એ જગ્યા માટે અરજી કરીશ તો મને નકારવાનું કામ જરા અઘરું બની જશે. એટલે એમણે એ Teaching Assistantની જગ્યા માટે લોકસાહિત્યમાં specialization માગેલું. એમને ખબર હતી કે એમના વિદ્યાર્થીએ લોકસાહિત્યમાં કામ કરેલું હતું. Teaching Assistant જેવી સામાન્ય પોઝિશન માટે યુનિવર્સિટીએ specialization માગ્યું હોય એવો એ સૌ પ્રથમ બનાવ હતો. જો કે, હું એ જગ્યા માટે અરજી કરવાનો ન હતો. મેં મારું ભાષાવિજ્ઞાન સાથેનું એમ.એ. પૂરું કરવાનો નિર્ણય લઈ લીધો હતો અને એ સાથે મેં ગુજરાતી વિષયના અધ્યાપક બનવાની મારી ઇચ્છા પર પણ ચોકડી મારી દીધી હતી. હું હવે સાંજે ‘સંદેશ’માં જતો, રાતે પાછો આવતો, સવારે નવેક વાગે પુસ્તકાલયમાં આવી જતો. વાંચતો ને ભણતો.

2 thoughts on “મને હજી યાદ છે-૨૭ (બાબુ સુથાર)

  1. એક તો નો કરી…તે મેળવવા હાડમારી વચ્ચે “જો તારું થતું હોય તો હું ત્યાં ઇન્ટરવ્યૂમાં નહીં જાઉં.” પછી ઇન્ટરવ્યૂ કૉલ આવ્યો પણ હું ન ગયો. ધન્ય ઉમદા ચિંતન
    છાપે ચઢ્યો ગમત કરતા પણ તેમા પણ નોકરી મેળવવાની તકલીફ !
    ‘સુરેશ જોષીને મળવા ગયેલો.કોઈ માણસ પોતાના સંતાનને દરિયામાં ડૂબતો જુએ ત્યારે એના ચહેરા પર હોય એવી લાચારી સાથે એ મારી સામે જોઈ રહેલા.’ અનુભવાય તેની સ રસ અબિવ્યક્તી.તેજોદ્વેષના અનુભવો ઘણા થયા પણ જે સ્વપ્નમા પણ તેજોદ્વેષ ન વિચારે તેવા સુજોનો !

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s