પ્રકરણ: ૭ – ઝૂરાપો
મેં ઘડિયાળ જોયું. ૧૯મી સપ્ટેમ્બર ૧૯૭૮ના રોજના ૧૨ વાગ્યા હતા. કોને ખબર, લાગે છે કે, ઊંઘ અને મારે, છેટું પડી ગયું હતું, આજની રાત નહીં પણ બાકી રહેલી રાતોની રાત સુધી હવે નિદ્રા માટે તરસવું પડશે, આમ જ જૂની વાતો યાદ કરતાં અને વાગોળતાં? કદાચ સમય પાસે જ એનો સટીક ઉત્તર હતો અને સમય સાથેની રેસ, પ્રભુ રામજી અને કિશનજી પણ જીતી શક્યા નહોતા! હું એમ જ, રિક્રાયનલ પર ઝૂલતી અને સમય સાથેની આ રેસના અંજામની ફિકર વિના, દિલીપમય થઈને વિતેલા સમયને ઝૂલતાં-ઝૂલતાં કુર્નિશ બજાવી રહી હતી.
*******
દિલીપ અને ઈંદિરા, ૬ઠી મે ના દિવસે નીકળી ગયાં. ધાજીને હવે ખૂબ એકલું લાગવાનું હતું. કદાચ હું અને ધાજી બેઉની મનોસ્થિતિ, દિલીપ વિનાની એકલતાના જુદા છેડે હતી, પણ, બેઉની એકલતાના છેડાઓ મેળવીને, અમે બેઉએ એક વર્તુળ બનાવી લીધું હતું. આ વર્તુળ તો “દિલીપ” નામની એક જ ધરી પર ફરતું રહેતું, પણ, એકમેકની વચ્ચે અમે કદીયે આવીએ નહીં, એ બાબત કદાચ મારે સૌથી વિશેષ સજાગ રહેવાનું હતું! આ વર્તુળમાં અમે એકલાં જ હોઈએ એમ વિહરતાં, એટલું જ નહીં, પણ આ વર્તુળ તથા વિહારની ખબર અમારા અંદર ધરબી રાખીને, એકમેકને એ વિષે કોઈ વાત પણ કરવાની નહોતી. મારી પરીક્ષા પતી કે સાતમી મે ની સાંજના, ઋચા સાથે પીક્ચર જોવાનો પ્રોગ્રામ કેન્સલ થતાં, હું ધાજી પાસે પહોંચી ગઈ. ધાજી દરવાજો ખોલીને, પરસાળમાંના બાંકડા પર બેઠાં હતાં. દિલીપના ઘર અને રસ્તા વચ્ચે સ્ટીલની જાળીવાળી ફેન્સ હતી જેથી આંગણું અને રસ્તો જુદા પડતા, પણ, આંગણા અને રસ્તાના નજરમિલાપનો “વાટકા-વ્યવહાર” સદાય રહેતો. હું રસ્તો ક્રોસ કરતી હતી ત્યારે જ ધાજીએ મને જોઈ લીધી હતી. ઝાંપો ખોલીને હું અંદર આવી. ગુરખાકાકા એમનું સ્ટુલ લઈને ઝાંપાના દરવાજે બેઠા હતા. મેં પૂછ્યું, “ગુરખાકાકા. આપ કૈસે હો?”
“અચ્છા હૈ પર દિલીપબાબાકે જાનેસે ઘર ખાલી લગતા હૈ. બાબા તીન મહિનેકે થે તબસે મૈં ઈસ ઘરમેં હું! અબ તો કિતને દૂર, સાત સમંદર દૂર ચલે ગયે!” ગુરખાકાકા આંખો લૂછીને બોલ્યા. “બેબી, તુમ આયા, અચ્છા લગા.”
૧૯૬૨માં અમેરિકા જવું એક નોવેલ્ટી હતી. પરસાળમાં પહોંચી તો ધાજીની આંખોમાં મને જોઈને પાણી આવ્યાં. “સુલુ, મારો દિલીપ ત્યાં શું કરશે અને કેમ રહેશે? હજી એ લોકો અમેરિકા સુખરૂપ પહોંચી ગયા એ જણાવતો એનો ફોન નથી આવ્યો.” હું ધાજી પાસે બેઠી અને બોલી, “ધાજી, અમેરિકા ૧૦,૦૦૦ માઈલ દૂર છે. આ કઈં એ કોલેજ થોડી ગયો છે કે બહારથી ફોન કરીને જણાવી દે કે પહોંચી ગયો? ચાલો, અંદર જઈએ. મને બહુ ભૂખ લાગી છે. શું બનાવ્યું છે? દિલીપનો ફોન આવે તો એને ચીડવી શકુંને?”
ધાજી ઊભાં થતાં બોલ્યાં, “તમે બે છે ને, ક્યારેય નહીં સુધરો!” હું અને ધાજી અંદર ગયાં. ધાજી કહે, “તારી મમ્મીનેય બોલાવી લઉં છું. આપણે સાથે જ જમીશું.” મેં કહ્યું, “ધાજી, ત્યાં સુધી હું દિલીપના રૂમમાંથી લાઈબ્રેરીની ચોપડીઓ લઈ આવું છું. જતાં પહેલાં એણે તાકીદ કરી હતી કે મારી પરીક્ષા પતતાં જ હું એના ડેસ્કના પહેલા ખાનામાં મૂકેલી લાઈબ્રેરીની બુક્સ ભૂલ્યા વિના પરત કરું.” હું ઉપર દિલીપના રૂમમાં ગઈ. ખાલીખમ, જીવ વિનાનો એ રૂમ…..! મેં એના ડેસ્કનું ખાનું ખોલ્યું, અને પહેલા ખાનામાં મૂકેલી બધી જ બુક્સ લઈને ખાતરી કરવા માંડી કે ક્યા પુસ્તકો લાઈબ્રેરીમાં રીટર્ન કરવાના હતાં. સૌથી છેલ્લી એક ડાયરી મળી, જેના પહેલા પાનાં પર લખ્યું હતું, “એક અધૂરી ડાયરી”. મેં પાનું ખોલ્યું. એ દિલીપે લખેલી ડાયરી હતી, જે, ૧૯૬૧ના ૩જી માર્ચ થી એપ્રિલ ૨૭, ૧૯૬૨ સુધી લખાયેલી હતી. શું દિલીપ આ ડાયરી હું વાંચું એમ ઈચ્છતો હતો એટલે આમ, આ લાઈબ્રેરીના પુસ્તકો સાથે મૂકીને ગયો હતો કે ખરેખર ભૂલી ગયો હતો? ત્યાં જ ધાજીની નીચેથી બૂમ પડી, “સુલુ, ચોપડીઓ મળી કે નહીં? નીચે આવ. તારી મમ્મીને બોલાવી છે તે આવતી જ હશે.” હું દ્વિધામાં હતી કે આ ડાયરી, વાંચવા માટે લઈ જાઉં સાથે? શું દિલીપની ડાયરી, દિલીપની રજા વિના વાંચવી જોઈએ? હું નક્કી નહોતી કરી શકતી, પણ, અંતે, સ્ત્રી સહજ કુતુહલ અને ૧૭-૧૮ વરસની અપરિપક્વ ઉંમરની મુગ્ધતા જીતી! મેં દિલીપની ડાયરી પણ સાથે લઈ લીધી. નીચે જતાં પહેલાં, મેં દિલીપના રૂમમાં એક નજર પાછી ફેરવી. નાનપણમાં, ઋચા અને હું, દિલીપના ઘરે આવતાં અને થપ્પો રમતાં ત્યારે, હું આ રૂમમાં, બારી પાસેની આરામ ખુરશીની પાછળ છુપાતી. દિલીપ અમારા કરતાં છ વરસ મોટો હતો. અમારી સાથે એ આવી રમત કદી ન રમતો. હું એના રૂમમાં છુપાવા જતી તો એ અચૂક ચીડાઈને કહેતો “સુલુ, કેમ અહીં, મારા રૂમમાં આવે છે?” આજે એના રૂમમાંથી એ જ વાક્યનો પડઘો, એક વધારે શબ્દ “હવે” ઉમેરાઈને પડ્યો, “સુલુ, હવે કેમ અહીં, મારા રૂમમાં આવે છે?”
********
અદા ઘરે આવી ગયા, પછી જ, હું અને મમ્મી ઘરે જવા નીકળ્યાં. દિલીપના ખબર હજી નહોતા આવ્યા. મારા હાથમાં એની લાઈબ્રેરીની રીટર્ન કરવાની બુક્સ અને ડાયરી હતી. પાછાં આવતાં, મમ્મીએ મને પૂછ્યું પણ ખરું, “ઋચા સાથે, એક્ઝામ પત્યા પછી પીક્ચર જોવામાં કેમ આજે ગુટલી મારી? ઋચા આજે ઘરે પણ ન આવી. ઝઘડો કર્યો છે તમે બેઉએ?” હું હસી અને બોલી, ‘મારા એવા નસીબ ક્યાં કે, હું ઝઘડો કરું, તો તું કે એ, મને એક કલાકનાયે અબોલા લેવા દ્યો! જોક અપાર્ટ, ઋચાને એના કાકા-કાકી સાથે ક્યાંક જવાનું હતું. મને હતું કે ધાજી ઉદાસ હશે, આથી ધાજી પાસે આવવાનું નક્કી કર્યું.” અમે ઘરે આવ્યાં અને, હું, મમ્મીને “ગુડ નાઈટ” કહી, બુક્સ લઈને સીધી મારા રૂમમાં ગઈ. મને “એક અધૂરી ડાયરી” વાંચવાની તાલાવેલી હતી.
તે રાતે, એકી શ્વાસે હું એની ડાયરી વાંચી ગઈ હતી. આજે પણ, એની ડાયરીનું એ લખાણ અક્ષરેઅક્ષર યાદ છે. આ ડાયરીના શબ્દે-શબ્દમાં, દિલીપે પોતાનું હ્રદય નીચોવીને મૂકી દીધું હતું. હું આજે એને વાગોળું છું તો મને એવું જ લાગે છે કે, હું દિલીપના અનરાધાર વરસતા શબ્દોના નેહમાં તરબતર નીતરી રહી છું! આ શબ્દોની હૂંફભરી ભીનાશ અને ભીનાશભરી હૂંફ, આજે, ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૭૮ની મધરાતે, પણ એમની એમ, અકબંધ છે! એ અધૂરી ડાયરીમાંથી અધૂરા પ્રણય અને એનો ઝૂરાપો છલકતો હતો! એની ડાયરીના પહેલા થોડાં પાનાંના આ શબ્દો યાદ આવતાં આજે પણ મારા ગાલે શરમના શેરડાં પડે છે! ——
“આજે સુલુને, રોજની જેમ, સાંજે મળવા, એના ઘરે ગયો હતો. માસીએ દરવાજો ખોલ્યો અને કહે, “આવ, અંદર. આજે છોકરીઓ એમના કોલેજના સોશ્યલમાં જવા તૈયાર થઈ રહી છે. તને તો ખબર છે કે સુલુને ક્યાંક જવું હોય તો તૈયાર થવા સુધી તો ઘર ગજવશે.” ત્યાં જ સુલુની બૂમ પડી, “મમ્મી, ચા તૈયાર છે ને? હું અને ઋચા તૈયાર થઈ ગયાં છીએ. મોડું થાય છે. પ્લીઝ!” મેં કહ્યું, “માસી તમે જ એને બગાડી છે. હું જોઈ આવું.” હું સુલુના રૂમ પાસે ગયો. ત્યાં જ, એના રૂમનો દરવાજો ખૂલ્યો. ઋચા બહાર નીકળતાં બોલી, “હાય દિલીપ, સોરી હં, સુલુ સાથે એક રૂમમાં કલાક સુધી બંધ રહેવું કઈં જોક છે! મારું તો માથું દુઃખી ગયું! આઇ નીડ અ કપ ઓફ ટી! બાય, સી યુ લેટર અને હા, વિશ અસ લક ટુ હેવ અ ગુડ ટાઈમ. બાય” હું હજુ કઈં સમજી શકું તે પહેલાં સુલુ બહાર આવી. ૧૬ વરસની આ સુલુ, આટલી સુંદર ક્યારે થઈ ગઈ? હું અપલક જોતો રહ્યો, પીરોજી રંગની સાડી અને મેચીંગ એક્સેસરીમાં પગથી માથા સુધી નખશીખ સુંદર સુલુને હું બાઘા જેમ જોઈ રહ્યો. સુલુ થોડીક શરમાઈ અને પછી, મસ્તીમાં બોલી, “એય મિસ્ટર, આમ શું જોયા કરે છે? તને ખબર છે ને કે તું મારા ઘરમાં છે કે એ પણ યાદ નથી? અમને સોશ્યલમાં જવાનું મોડું થાય છે. કાલે આવજે, બધી જ વાતો કરીશ. બાય.” મારે એને કહેવું હતું કે હું તો અપ્સરા લોકમાં આવ્યો છું અને મારી સામે એક અતિ સુંદર અપ્સરાને ઊભેલી જોઈ રહ્યો છું!”
———–
“હું સુલુના ગળાડુબ પ્રેમમાં છું, પણ એ નાદાન, ૧૬ વરસની છોકરીને કેવી રીતે સમજાવું. મને એની સાથે સમય વિતાવવો ખૂબ ગમે છે પણ શું એને હું આ કહીશ તો સમજી શકશે? એને એક દિવસ નથી જોતો તો, મને કવિતા સમજાતી નથી, છતાંયે કવિતા લખવાનું મન થાય છે, એટલું જ નહીં, પણ, મારી કદાચ આ પગ-માથા વગરની કવિતા સુલુને સંભળાવવાનું પણ મન થાય છે. આ રહી મારી પહેલી કવિતા –
“મનને મન ઘણુંય થાય છે કે હું લખું જે કઈં પણ,
એને, એ કવિતા માની,
એની સુગંધનું કવચ પહેરીને,
એ બસ, સદા મઘમઘતી ફર્યા કરે…!” —–આ કવિતા ન યે હોય, પણ, એને યાદ કરતાં હું સુલુમય થઈ, મહેકી ઊઠું છું!”
———-
“૧૯૬૧નું વરસ પૂરૂં થાય એ પહેલાં મારે કોઈક રીતે તો મારા મનની રાણીને કહેવું જ પડશે કે હું એને કેટલો ચાહું છું! પણ, એને કહીશ કેવી રીતે? એની મમ્મી અને મારા મા-બાપને શું થશે? આજ-કાલ, કોલેજના મિત્રો કે ઘરમાં મારા કઝીન્સ જ્યારે સુલુનો ઉલ્લેખ મારી સામે, મારી બેન તરીકે કરે છે, ત્યારે મને એમને કહી દેવાનું મન થાય છે કે “અરે, બહેન હશે તારી..!” પણ….હું કઈં કહી શકતો નથી, મનમાં અને મનમાં હિજરાયા સિવાય! ક્યાં સુધી આમ ને આમ હું ફક્ત એને ટ્રીગોનોમેટ્રી શિખવાડવાના નામે રોજ મળ્યા કરીશ? એવું ન થાય કે પોતાની મેળે એ સમજી જાય? કે પછી હું ધાજી અને અદાને વાત કરું? કઈં જ સમજણ નથી પડતી! ૧૯૬૨, એપ્રિલમાં ફાઈનલ્સ થાય પછી મારે અમેરિકા પણ આગળ ભણવા જવું છે અને તરત જ જવું છે. મારે સુલુને ખોવી પણ નથી. જેને રોમરોમ પ્રેમ કરતા હોઈએ એને કહેવાતું કેમ નથી? શું હું ડરપોક છું? ના, ડરપોક નથી પણ રીજેક્શનનો ભય છે, કે, જો એ ના કહી દેશે અથવા ધાજી કે અદા ના પાડી દેશે તો? સવા કરોડનો આ પ્રશ્ન મને સૂવા પણ નથી દેતો, રાતભર!”
———–
“અદાએ જ્યારે મારી પરીક્ષા પતી જાય ત્યારે ડિસેમ્બરમાં એમના મિત્રની દિકરીના લગ્નમાં, એમની સાથે જોધપુર જવા ખાસ કહ્યું અને એ પ્ણ એવા કડક અવાજે કહ્યું કે “ના” બોલવાની ગુંજાઈશ જ નહોતી! ઓ ભગવાન, અહીં રોજ સુલુને જોવાની લત લાગી છે તો એને મળ્યાં વિના આ એક અઠવાડિયું કેમ જશે? એને રોજ જોવાનું, એ પણ એનું ધ્યાન ન પડે તેમ…! એમાંયે અજાણ્યે એનો સ્પર્શ થઈ જાય તો, એના પછીનો દિવસ તો જાણે ખુમારમાં જ જાય છે! મારાથી એને જોયા વિના કેમ રહેવાશે? કોઈ પણ રીતે સુલુને જણાવું તો પડશે જ કે મારા મનમાં શું થઈ રહ્યું છે!”
————
“આજે મેં સુલુને મોઘમ તો કહી દીધું છે કે જોધપુરથી આવીને મારે એને કશુંક ખાસ કહેવું છે. મને આ એક અઠવાડિયું ભારી પડવાનું છે! શું સુલુને પણ મારા વિના ગમશે? લાગે છે કે, સુલુ હું પાછો આવીશ ત્યાં સુધી આ વાત પર વિચાર તો જરૂર કરશે. બસ, એક વાતનો જ ભય છે મને, કે, જો ધાજી કે અદા નહીં માને તો કોઈ રીતેય સુલુ અને માસી નહીં જ માને! માસી અને સુલુની ખાનદાની એમેને અને મને, અદા ને ધાજીની સહિયારી મરજી વિના કશું જ નહીં કરવા દે!
————-
“અદાએ ઈંદિરાની સાથે મારી મિટિંગ મને પુછ્યા વિના જ ગોઠવી. પરાણે મેં એની સાથે વાત તો કરી પણ ૧૯ વરસની ઈંદિરાએ, એસ.એસ.સી. માંડ પાસ કર્યા પછી, એક જ વરસ હોમસાયન્સનું કરીને કોલેજ છોડી દીધી. ઈંદિરા માંડમાંડ ચાર વાક્યો બોલી હતી! મને પણ એને જાણવામાં ક્યાં કોઈ રસ પણ હતો? મારું મન તો હવે જલદી સુલુ પાસે પહોંચી જવા તલપાપડ છે. અદાને કહીને જો પ્લેનમાં જઈએ તો આખો એક દિવસ જલદી સુલુ પાસે પહોંચી શકું!”
————
“શું એ ઘડી હતી? મેં સુલુને મારા પ્રેમનો એકરાર કર્યો. શું જાદુભરી એ ક્ષણ હતી! મારું મન એની પાસેથી પણ એના મનની વાત, એના શબ્દોમાં જાણવા ઈચ્છતું હતું, જો કે, ઘણુંય કહેતા હતાં, એની આંખોના તોફાન અને એ નજરોના ઉલાળા..! ઉફ.. જાન લઈ લેવા માટે પૂરતા હતાં! હું જાણે હવામાં ઊડતો હતો….! પણ.. આ શું થઈ ગયું…? જેનો ડર હતો એ જ થયું. અદા અને ધાજીની મરજી નહોતી એ વાત સુલુ પોતાના કાને સાંભળીને આવી પછી કઈં જ કહેવાપણું જ નહોતું રહ્યું! અદાએ, એમના ખાસ મિત્રના પત્ની (માસી) અને પુત્રી (સુલુ) માટે જે કર્યું હતું એ આજના જમાનામાં સગો ભાઈ પણ ન કરે. માસી અને સુલુ આ ઉપકાર ભૂલીને, કદી અદાને કે અદાની આબરૂને ઠેસ પહોંચાડવાનાં નહોતાં! માસી અને સુલુનું માન અને પ્રાઈડ સાચવવા માટે, મારે પણ આ વાત હસીને સ્વીકારી લેવા સિવાય બીજો છૂટકો પણ ક્યાં હતો? તે દિવસે, સુલુના ઘરેથી આવીને, હું પહેલીવાર જ આટલું કદાચ રડ્યો હોઈશ. મારા બચપણથી જુવાનીની દરેકે દરેક ક્ષણમાં સુલુ છે, મારા શ્વાસે શ્વાસમાં સુલુ છે. ઈંદિરા માટે મારા જીવનમાં જગા કેવી રીતે કરીશ? આ વેદનાનું મારા હૈયામાં મંથન કરીને એ પ્રેમનું માખણ મારે તારવવાનું છે. શું હું કરી શકીશ? જો હું ઢીલો પડીશ તો, માસી અને સુલુનું શું થશે? સુલુ, સુલુ, તારા વિના હવે મારી બાકીની જિંદગી કેમ જીવીશ?”
———–
“અંતે મારી અને ઈંદિરાની સગાઈ થઈ જ ગઈ..! હું દિલોજાનથી એને ચાહવાની કોશિશ તો કરીશ કારણ સુલુને પ્રોમિસ આપ્યું છે. પણ ઈંદિરા જોડે ફોન પર વાત કરું છું તોયે એમ લાગે છે કે અમારી વેવલેન્ગ્થ જ મળતી નથી. સુલુને લાગે છે કે એ મને હવે પર્સનલી નહીં મળે એટલે બધું બરાબર થઈ જશે…! મારા અંતરની આંધીનો એને કદાચ ક્યાસ આવી શકત..! હું એકલો હિજરાઉં છું, પિંખાઉં છું! કદાચ આમ જ અંદરથી પિંખાતો રહું એ જ મારું હવે નસીબ છે…! હેમિંગ્વે, કીટસ, શેલી, કાલિદાસ, વ્યાસ કે ટાગોરને વાંચ્યા જ કરું છું અને મારા સવાલોના એમાં જવાબો શોધવાની કોશિશ કરું છું. ક્યારેક થાય છે કે મારે અદાની સાથે મેન ટુ મેન વાત કરવી જોઈતી હતી પણ, અદા માનત નહીં અને ઉપરથી કદી માસીનો ભરોસો પણ ન કરત…! કોઈ રસ્તો નથી અને કોઈ રસ્તો હતો જ નહીં…! હું હતાશ થાઉં છું અને મને યાદ આવે છે મારું કર્તવ્ય અને સુલુને આપેલું પ્રોમિસ…! આ ડાયરી આમ લખીને હું શબ્દો અને એના અર્થો થકી શું સુલુને મારા અંતરમનમાંથી બહાર કાઢી રહ્યો છું? બસ લગ્નના છેલ્લા દિવસ સુધી લખીશ અને પછી એક અધૂરી ડાયરીના આ પાનાં , રખડતાં ને રઝળતાં…કાયમ માટે….!”
————
“તો આજે એ દિવસ આવી જ ગયો…! આ ડાયરીનું આ છેલ્લું પાનું છે, એપ્રિલ ૨૭, ૧૯૬૨….! કાલે, હું એક એવી વ્યક્તિ સાથે સહજીવન શરૂ કરીશ જેને શું હું અવેજીમાં, નામરજીથી અપનાવી રહ્યો છું..? આ વિચાર માત્રથી મને મારા પર ઘૃણા ઉપજે છે…! સુલુ, હવે મારી બેસ્ટ ફ્રેન્ડ બનીને રહી જશે…! મને આ તે પ્રેમ નામનું વરદાન આપ્યું છે ઈશ્વરે કે અભિશાપ…? હું જીવી રહ્યો છું કે બસ, મારી અંદર જે મરી ગયું છે એની નનામી મારા ખભ્ભે લઈને, જિંદગીની સફર કાપવાની સજા ભોગવી રહ્યો છું? મારું મન ક્યાંક સુલુ કળી જશે તો? અથવા ઈંદિરા કળી જશે તો?…! ક્યારેક થાય છે કે આ કુરબાની હું કોને માટે આપી રહ્યો છું? મારી પાસે શેનાય જવાબ નથી અને કાલથી શરૂ થનારા નવા સહજીવન માટે મારી પાસે ન તો કોઈ સવાલ છે કે ન તો કોઈ જવાબ…! ખરેખર, આ બધું કોને માટે…?”
*******
એક અધૂરી ડાયરીનાં આ પાનાઓ જે રાતે મેં વાંચ્યાં તે આખી રાત મેં પડખાં ઘસીને કાઢી હતી…!
(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)
Jayshreeben,
Wah, Beautiful writing!!!!
Emotions and hidden feelings between Sulu and Dilip, Dilip’s dilemma, young man’s heart filled with undeclared genuine love for his sweet heart, his duty as a caring son who is worried about family’s reputation, getting into arranged marriage respecting elders and their wish, while sacrifing his own life long wish, all described at its best…
Anxiously waiting for next Thursday’s chapter.
Sandhya
LikeLiked by 1 person
just amazing…..જાણે આપણે જ સુલુ હોય તેવું લાગે …
LikeLiked by 1 person
ઝૂ રા પો -हिजरां શબ્દે જ ગુંજે
ज़ेहाले मिश्कीं, मकुम तगाफुल, दर्राये नैना, बनाये बतियाँ
के ताबे हिजरां नदारम ऐ जान, न लेहो काहे लगाये छतियाँ
‘…બાકી રહેલી રાતોની રાત સુધી હવે નિદ્રા માટે તરસવું પડશે…’
चो शम्मा सोंजा, चो जर्रा हैरां, जो मेहरे आंखमें बेबस तमाखुल
ना नींद नैना, ना अंग चैना, ना आप आवें, ना भेजे पतियाँ
“એક અધૂરી ડાયરી – સ્મરણમંજુષા
અધૂરી ડાયરીમાંથી અધૂરા પ્રણય અને ઝૂરાપો છલકતો હતો!
જેમા અર્ધા પાન કોરા હતા છતા બઘું જ સમજાય- અનુભવાય !
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે ,
‘ હું સુલુના ગળાડુબ પ્રેમમાં છું, પણ એ નાદાન, ૧૬ વરસની છોકરીને કેવી રીતે સમજાવું..’ગુંજે
प्यार तेरी पहली नज़र को सलाम
सोलह बरस की बाली उमर को सलाम
વિચારવમળે ‘… હું ફક્ત ‘એને ટ્રીગોનોમેટ્રી શિખવાડવાના…’ ત્રણ ખૂણાવાળી આકૃતિ અને મિતિ એટલે માપ ….ત્રણ વિધેયો સાઈન, કોસ અને ટેન હતા. તેના પરથી તેનો વ્યસ્ત કરતા બીજા ત્રણ વિધેયો મળે છે. કોસેક, સેક અને કોટ. આ વિધેયો એક ખાસ પ્રકારના સૂત્રથી બનેલ છે
આમ ક્યાં દીલીપ, ઇન્દિરા અને સુલુ ?
મારી અંદર જે મરી ગયું છે એની નનામી મારા ખભ્ભે લઈને, જિંદગીની સફર કાપવાની સજા ભોગવી રહ્યો છું? …
આશા જીવંત રાખજો વાલા
નસીબ બદલાય કે ન બદલાય
પણ સમય જરૂર બદલાય છે.
સદા હ્રુદયના ભાવ ઉજાગર કરતા વધુ હપ્તાની રાહ
LikeLiked by 1 person
very emotional Adhuri Diary..as friends said– its our young age repainted – very true- many of us have such relationship- rather virtual–not as actual as depicted here..and slowly we get adjusted with our new life partner– it takes time..
but those are golden moments of our life – when we are in this divine intoxication called LOVE- or Fantasy.
LikeLiked by 1 person
સતત સુલુ અને દિલીપની વેદના સાથે વહેતા હોઈએ એવી લાગણીની સાથે વાત પુરી તો કરી પણ કદાચ સુલુ કે દિલીપની જેમ વિચારોના વમળમાંથી બહાર તો નહીં જ અવાય .
LikeLike