જોડણી એક-અફસાને હજાર
ગુજરાતી ભાષા બહુ નસીબદાર છે. એને શુધ્ધ રાખવા ઘણાં સ્વયંસેવકો સમય સમય પર મળી રહે છે. પૂજય ગાંધીબાપુને આશ્રમની બકરીની ચિંતા ઓછી પડતી હોય તેમ તેમણે ગુજરાતી ભાષાની ચિંતાનો ટોપલો પણ માથે ચઢાવી દીધો. અને જોડણી સુધારક પણ બની ગયા.તેમણે તો શબ્દ કોશ બનાવીને લખી દીધું કે હવે પછી કોઈને પોતાની મરજી મુજબ જોડણી કરવાની છુટ નથી. પરંતુ તેમાં એક વાત ઉમેરવાની રહી ગઈ. કે કોઈને છુટ નથી સિવાય કે ચિમનલાલ શીરવી સાહેબના ચોથા ધોરણના છોકરાઓને. એક વખતે સાહેબને મેં પૂછયું સાહેબ, ‘વિશેષણ‘ કેવી રીતે લખાય ? તો કહે ‘તને આવડે તેવી રીતે લખ. મારે જ વાંચવાનું છે ને.‘ હવે આ સાહેબના હાથ નીચે ભણેલાઓ લેખક કેવી રીતે બને ? અને બને તો એમને શીરવીસાહેબ સિવાય કોણ વાંચે?
આપણે ત્યાં ગુજરાતી બચાવોની બુમરાણ કરવાની છોડી દઈને લોકો જોડણી પાછળ પડી ગયા. આપણે ત્યાં તો ગુજરાતી પણ ઈંગ્લીશમાં બોલાય છે. જોડણીની વાત કરીએ તો સાર્થ જોડણી તો હતી જ .તેમાં ઊંઝા જોડણી જોડાઈ હજુ તેનો પરિચય લોકોને થાય ત્યાં આ સમીકરણમાં કમ્પ્યુટરવાળા ઘુસી આવ્યા. હવે મામલો બિચક્યો. આમાં મારા જેવા નિરક્ષરો, ડોબાઓ અને આળસુઓ અટવાણાં. આ કોમ્પ્યુટરના ગુજરાતી ભાષા લખવા માટે ગુજરાતીના અસંખ્ય ફૉન્ટ (જુદા જુદા મરોળ,જુદી જુદી પધ્ધતિથી મૂળાક્ષરો લખવાની ઢબ) સ્વયંસેવકોએ તૈયાર કર્યા. જેને જે આવડયા તે પ્રમાણે. પછી તેને નામ આપ્યા પોતાને ફાવે તેવા. આમાં કોઈએ નામ આપ્યું ગુરુ–તો કોઈએ નામ આપ્યું– શિષ્ય. કોઈએ નામ આપ્યું –ગોપી. તો કોઈએ નામ આપ્યું –કૄષ્ણ. ગોપી કૄષ્ણનું કાંઈ જામે તે પહેલાં –રાધા આવી અને તેમાં –મીરાં અટવાઈ. આવા કેટલાય ફૉન્ટ કોમ્પ્યુટરમાં ફરતા થઈ ગયા. અને જે કોઈ જે ફૉન્ટ વાપરતા હોય તે ફૉન્ટના વખાણ અને પ્રચારમાં તે લાગી ગયા. હવે ગમ્મત એ થઈ કે ગુરુ ફૉન્ટવાળાથી કલાપીમાં લખેલું ન વંચાય અને કૄષ્ણ ફૉન્ટવાળાને ગોપી , રાધા કે મીરાં ફૉન્ટમાં લખેલું ન વંચાય.
આપણાં દેશની, આપણી ભારતીય સંસ્કૄતિની કમ્બખ્તીએ છે કે આપણે વ્યક્તિગત રીતે સિધ્ધીઓ હાંસલ કરી શકીએ છીએ પણ સમુહમાં એક સરખી પ્રવૄત્તિ નથી કરી શકતા.આપણે સંગીતમાં પંડિત રવિશંકર કે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા પેદા કરી શકીએ છીએ પણ ચાલીસ પચાસ સંગીતકારોની એક ફિલ્હારમોનિક બનાવી શકતા નથી. કારણકે હારમોનિ જેવો શબ્દ આપણે શીખ્યા જ નથી. આજે લંડન–વિયેના–ન્યુ યોર્ક ફિલ્હારમોનિકના સોએક જેટલા સંગીતવાદકો કંડક્ટરની એક નાની લાકડીને ધ્યાનમાં રાખીને એક સુરનું–એક રાગનું સંગીત પેદા કરી શકે છે. આપણે ત્યાં સમુહમાં સંગીત પેદા કરી શકાય ખરુ? બધાં સંગીતકારોને એક સ્ટેજ મળે તો સંગીત પેદા ન થાય– રાડા રાડી થાય. પંડિત અને ખાંસાહેબ એકબીજાની સાથે ન બેસે .તેમાં તબલચીને ઊંચી ગાદી જોઈએ.અને પીપુડીવાળો કયારે રીસાયને સ્ટેજ પરથી ઉતરી જાય તે કહેવાય નહીં.
આમાં ફાવી ગયા, ગુગલ મહારાજ કે તે યુનિકોડ લઈને આવ્યા. અને આ યુનિકોડના ફૉન્ટમાં લખેલું. બધાંના કમ્પ્યુટરમાં વાંચી શકાય છે. એટલે મારા જેવા નિરક્ષરોને નિરાંત થઈ. હવે મુશ્કેલી આવી ગુજરાતી જોડણીની .એમાં જુદી જુદી પધ્ધતિથી બારાખડી ટાઈપ કરવાની. આમાં કમ્પ્યુટર બનાવનારાઓએ ટાઈપરઈટર તો મૂળ ઈંગ્લીશ લિપીમાં રાખ્યું કારણકે કોઈ ગુજરાતીએ કમ્પ્યુટરની શોધ નથી કરી. નહીં તો તેની ટાઈપ કરવાની “કી” ગુજરાતીમાં હોત. હવે આ અંગ્રેજી કી બોર્ડમાં સાર્થ જોડણીવાળા– ઊંઝા જોડણીવાળા –અમદાવાદ જોડણીવાળા બધાં સપડાયા. વાત એમ છે કે તમને જોડણી તો આવડતી હોય પરંતુ તે કમ્પ્યુટરમાં ટાઈપ કેવી રીતે કરવી તે ન આવડતું હોય તો તમારી જોડણી રહી તમારી પાસે. હવે આમાં મારા જેવા નિરક્ષરોએ અને ડોબાઓએ હજુ સાચી જોડણી તો શીખી નથી. તેમાં ઉમેરાયું ગુજરાતી ટાઈપ કરવાનું. મારા જેવાને એક પાન ટાઈપ કરતાં દોઢ કલાક થાય છે.વચ્ચે વચ્ચે ફ્રેશ થવા ચ્હા પીવી પડે તે જુદી. હવે ગુજરાતી ટાઈપ કરતાં હોઈએ અને પ્રાધ્યાપક– કુરુક્ષેત્ર– આવૄત્તિ જેવા જોડાક્ષરો ટાઈપ કરવાના આવે ત્યાં હનુમાન ચાલિસા બોલતાં બોલતાં ગાઈડમાં શોધવું પડે કે ‘ વૄ‘ કેવી રીતે લખાય. બે મિત્રોને ફોન કરવા પડે. અને પ્રાધ્યાપકનું પાદ્યાપક થઈ જાય તો પાછા મર્યા. મારા જેવા કેટલાય કમ્પ્યુટર નિરક્ષરો ‘જ્ઞ‘ ની જગ્યાએ ‘ગ્ન‘થી કામ ચલાવે છે. આ પ્રમાણે અંગ્રેજીમાં ટાઈપિંગની સ્પીડ વધારવા કમ્પ્યુટરમાં નવી જોડણી ઘુસી ગઈ. You ની જગ્યાએ U. અને I am ની જગ્યાએ Im. અને B4 એટલે Before અને Gr8 એટલે Great.ઘણાં લોકોની અંગ્રેજી ઈ મેઈલમાં પણ આવી જ જોડણી જોવા મળે છે. ટેક્ષ મેસેજીંગની ભાષાની તો જુદી જ રમત છે. એવી જ રીતે જો કોઈ ગુજરાતી લખાણમાં ખોટી જોડણી જોવામાં આવે તો તે મેગેઝીનના સંપાદકને–તે લેખકને– કે ટાઈપ સેટરને વિશાળ દિલ રાખીને માફ કરી દેવાનું.કારણ કે તે ભાષાનું અપમાન નથી પણ તે લોકોમાં કમ્પ્યુટર નિરક્ષકતા છે. તેનો વાંક છે. હું જો સંપાદક હોઉં તો ટકે શેર ભાજીવાળા રાજાની જેમ પખાલીનો વાંક કાઢું અને કહું કે ભાઈ પેલા છાપવાવાળાનો વાંક. સાચી જોડણી એણે ખોટી છાપી. તમને ખબર છે ? આપણાં પ્રખર હાસ્ય લેખક બકુલ ત્રિપાઠીના અક્ષર તો ગાંધીજીના અક્ષરથી પણ ખરાબ હતા. બકુલભાઈને હું કહેતો કે ‘તમારું પોષ્ટ કાર્ડ તો મ્યુઝિયમમાં મુકવા જેવુ છે.‘ એમના લેખોનું ટાઈપ સેટીંગ કરનારા વીરલા ગણાય. તેમ છતાં એમણે અતિશય લખ્યું છે.અને બહાદુર ટાઈપ સેટરોએ સેટ કરી છાપ્યું છે.
મને પોતાને અંગ્રેજી જોડણી કે ગુજરાતી જોડણી–સાચી– નથી આવડી. અમેરિકામાં મને કાયમ સેક્રેટરીનું સુખ હતું. મારા હાથે લખેલા રિપોર્ટ હોય કે લેટર હોય તેને સેક્રેટરી ભૂલો સુધારી અને ટાઈપ કરી આપે.. અને મારા ગુજરાતી લેખો મારા સંપાદકો સુધારી આપે છે. મને કાયમ ‘ળ‘ અને ‘ડ‘ના લોચા થાય છે. સાડી–સાળી–હોડી–હોળી લખીને મારે “ ગજરાતીલેકઝીકોન” પર ચેક કરવુ પડે. ભલુ થજો શ્રી રતીલાલ ચંદરયાનું કે જેમણે ઘરના લાખો રૂપિયા અને જીવનના વીસેક વરસ ખર્ચી ગુજરાતી સ્પેલચેકર અને કમ્પ્યુટરની આ ડિજીટલ ડિક્ષનરી તૈયાર કરાવી. મારા જેવા નિરક્ષર ગુજરાતીઓ એમના ઋણી રહેશે.
છેલ્લા પાંચ વરસમાં કમ્પ્યુટરે દુનિયા બદલી નાખી છે. અને દિવસે દિવસે બદલી રહ્યું છે. છપાયેલા પુસ્તકો અદ્રશ્ય થવા માંડ્યા છે. સાત ઈંચની એક પાટીમાં લાખો પુસ્તકો પ્રાપ્ય છે. વાંચ્યા જ કરો. એન્સાયકલોપિડીયાના થોંથાં હવે મઠ્ઠીમાં. સોળમી સદીમાં રૉમમાં જે પોપ હતા તે હાથે લખેલા પુસ્તકોના આગ્રહી હતા. તેમને કોઈએ કહ્યું કે હવે પછી હાથે લખેલા પુસ્તકો અદ્રશ્ય થઈ જશે અને છપાયેલા પુસ્તકો આવશે. ત્યારે તેમણે હસી કાઢ્યું હતું. આજે તો કમ્પ્યુટરને કારણે દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે ગુજરાતી ભાષા કયાં જશે .અને કઈ જોડણીમાં હશે તે ભગવાન નહીં –પણ કમ્પ્યુટર જાણે
સાહેબ તમારા બ્લોગનું સરનામું મળતાં ખૂબ જ આનંદિત થઈ ગયો. હવે વારંવાર મળતા રહીશું
LikeLike
એક વખત આવા વિવાદમાં ફસાયેલા આ જણને આ રિયર વ્યૂ મિરર ગમ્યો. ઘણી સારી નરસી યાદો તાજી થઈ ગઈ.
એક વાત નક્કી કે, એ વિવાદમાં ફસાયો ન હોત તો કદાચ લખવાના ચાળે અને રવાડે ન ચઢ્યો હોત. એ પહેલાં જાણીતા કવિઓની ગમતીલી કવિતાઓ જ પોતાના અને બીજાના બ્લોગ/ વેબ સાઈટ પર ચઢાવતો હતો. કદીક જ આવડે તેવાં કવિતડાં જાતે લખવાની હિમ્મત થતી’તી.
ઊંઝા ગુરૂ જુગલભાઈના માર્ગદર્શનથી આ અ-કવિ (!) એ છંદમાં ચપટીક લખ્યું. ઉંઝાથી મોહિત થયેલા એવા જ , હરનિશભાઈના રવાડે ચઢીને નાના નાના હાસ્ય લેખો લખવા માંડ્યા.
પણ જેમ જેમ ઝનૂની પથ્થરો પડવા માંડ્યા, તેમ તેમ ગદ્યમાં લખવાનો હાઈવે મળી ગયો. પહેલી ઈ-બુકની પ્રસ્તાવના આ અનામી જણને કોણ લખી આપે? એટલે આ ‘જાની’ની વ્હારે હર્નિશ ભાઈ આવ્યા, અને સરસ મજાની હર્નિશિયા ઈસ્ટાઈલ પ્રસ્તાવના લખી દીધી. અને બાપુ! આપણું ગાલ્લું તો હાલ્યું હોં! છ ઈ-બુક ચાર વર્ષથી ઓછા ગાળામાં ઝૂડી મારી !
પણ કોણ એ અસ્પૃશ્ય ઊંઝા સર્જનો વાંચે? એટલે આ અદકપાંસળી જણને સ્મશાન વૈરાગ્યના મુડમાં આઝાદ બનવાના ધખારા જાગ્યા, અને શુદ્ધ / અશુદ્ધ સાર્થ જોડણીમાં આઝાદ બનવાની ગાઈડ બુક , પોતાના જ છાપખાનામાં છાપી નાંખી.
ખેર… હવે એ બધા અભરખા ઓસરી ગયા છે. પણ હવે બીજાનું વાંચવામાં ચિત્ત પરોવાયું છે. અને આમ ‘કોમેન્ટર’ બનવાની મઝા જ મઝા પડે છે !
———————–
હર્નિશભાઈની આગવી શૈલીને સલામ સાથે…
માનનીય અને મનનીય શ્રી,. મહેન્દ્ર મેઘાણીએ લીપી – સુધારા માટે જે અનોખી પદ્ધતિ વિકસાવી હતી, તે અંગે બહુ ઓછા લોકોને ખબર છે. વાંચવામાં એ ઊંઝા કરતાં વધારે કઠણ હતું, પણ એ સુધારા ખરેખર બહુ જ વિચારીને તેમણે સૂચવેલા. કમભાગ્યે એ સહેજ પણ પ્રચલિત થઈ શક્યા નહીં . પણ એ હકીકત છે કે, ઊંઝા + મ.મ. લીપી જો અમલમાં આવે અને વ્યાપક બને તો, ભારતની બધી ભાષાઓમાં ગુજરાતી લીપી અને જોડણી લખવામાં સૌથી સહેલો આદર્શ બની જાય. અમારા એક બીજા અમેરિકન ભાષાપ્રેમીના ગુજરાતીને રાષ્ટ્રલીપી બનાવવાના ધખારાને વધારાની, એકદમ સોલિડ દલીલો મળી જાય !
—————————
આ તો ચપટીક ઈતિહાસ ઉખેળ્યો, બાકી …
LikeLiked by 2 people
બે હાથ જોડી, માથું નમાવી સાષ્ટાંગ દંડવત પ્રણામ આપની લખાણ શૈલીને, ભાઈ. આ વિષય પસંદ કરી, પોતાની મશ્કરી ઊડાવતાં, જે ગંભીરતાથી વાચકોને વિચાર કરતાં મૂકી દીધાં!
Sent from my iPhone
>
LikeLiked by 1 person
મા શ્રી હરનિશ જાનીનો અભ્યાસપૂર્ણ લે યાદ આવૅ ગુલઝારજી
ખુશ્બુ જૈસે લોગ મીલે અફસાને મૈ
એક પુરાના ખત ખુલા અંજાને મે
શામ કે સાયે બાલીસ્તો સે નાપે હૈ
ચાંદ ને કીતની દેર લગાદી આને મે
દિલ પર દસ્તક દેને યે કોન આયા હૈ
કીસકી આહટ સુનતા હૂં વિરાને મેં
જાને કીસકા જીક્ર હૈ અફસાને મેં
દર્દ મજે લેતા હૈ જો દોહરાને મેં
અખા ભગત કહી ગયો કે ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર – અને એ શૂરે અમારા લઘુબંધુ મા શ્રી સુજાએ અત્યારસુધીની લાંબામા લાંબી ટીપ્પણી લખી ! બાઢમ . બાઢમ. બાઢમ!
યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ.
મા અનિલજી એ સરસ વાત કહી – “બાકી તો હ્રદયને જોડે તે સાચી જોડણી કહેવાય. ભાષા તો વહેતો પ્રવાહ છે. એને વ્યાકરણના જડ નિયમોમાં બાંધવાનો કોઈ અર્થ નથી”ગુજરાતી જોડણીની સમસ્યા તોડણી હોય તેમ અનેક મતભેદ અને મનભેદ કરે છે તે અંગે ‘જોડણીમાં હશે તે ભગવાન નહીં –પણ કમ્પ્યુટર જાણે…’ વાત બાઢમ્
LikeLiked by 1 person
જુઓને શબ્દની જોડણીમાં પણ તેણે ટાંગ અડાવી ! અરે ખોટું આવડે તો ખોટું લખો પણ આમ બેહુદું વર્તન શામાટે ? તેમને પૂછીએ ‘માતા કોને કહેવાય ? પિતાની પત્નીને. તો પછી માતાને પિતાની પત્ની યા બાપની બૈરી તરિકે બોલાવો ! શો ફરક પડે છે. અર્થ તો એક જ છે. જ્યાં સુધી મારું દિલ અને દિમાગ કબૂલ નહી કરે ત્યાં સુધી ‘ખોટું એ ખોટું ‘ રહેવાનું ‘. એ વિદ્વાનોની ગણતરીમાં કે હરોળમાં બેસવાનો મારો કોઈ ઈરાદો નથી. મને મારી હેસિયત ખબર છે. એક સામાન્ય વ્યક્તિ જે જીવન ‘બસ જીવી’ રહી છે. વ્યર્થ નથી જવા દેવું માટે હમેશા ઉદ્યમશીલ છે.
“ખોટું સહેવાતું નથી, સાચું કહ્યા વગર રહેવાતું નથી !”
કોની રજાથી ? કોના કહેવાથી ? એ લોકોને ભાષા સાથે આવી રમત રમવાનો ઈજારો કોણે આપ્યો ? હા, મારી ભાષા લખવામાં અગણિત ભૂલો થાય છે. માટે શબ્દકોષ વસાવ્યો છે. ખૂબ સાવચેતીથી લખું છું. પણ ભાષા સાથે આવી વાહિયાત રમત !
વાણિયાની દીકરી, સંજોગોને કારણે ‘મા શારદાને શરણે શાંતિ પામી’ ! ‘માએ ચરણમાં વસવાની રજા આપી. ‘ બસ, હે શારદે મા તારો ઉપકાર મરણ પર્યંત માનીશ.
શબ્દ દ્વારા મનની તેમજ દિલની અભિવ્યક્તિ એ એક પ્રકારની પૂજા છે. જે ગુજરાતી ભાષાના શબ્દે શબ્દમાંથી નિતરે છે.
‘મીઠું’ ખારું છે. પણ ઉચ્ચાર કરો તેની મધુરતા જણાશે. તેના વગરનું અન્ન સ્વાદ વગરનું લાગશે.
‘ગોળ’ ગળ્યો છે. ગોળ નથી’ !
મા’ એક જ અક્ષરનો શબ્દ છે. ‘મ’, જેણે કાનાની સહાયતા લીધી છે. ‘કાનો’ જેને સહાય કરે તેની મધુરતા અવર્ણનિય બની જાય ! આ છે ગુજરાતી ભાષાની કમાલ !
આપણી માતૃભાષાને ઊની આંચ પણ નહી આવે. હજારો વર્ષો જૂની આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે.
માતૃભૂમિ, માતૃભાષા અને માતાના આપણે જન્મો જન્મના ઋણી છીએ.
હરનિશભાઈ
તમે રહ્યા જાણિતા અને પ્રસિદ્ધ વ્યક્તિ. આ વિષય પર લખ્યું મને ખૂબ ગમ્યું. શબ્દોની જોડણી વિષે મારું મન પણ વ્યથિત છે. ‘ઉંઝા જોડણી ‘ વિદ્વાનોની શોધ !
પ્રવિનાશ
હ્યુસ્ટન
ટેક્સાસ
LikeLike
હરનિશ જાનીના લેખો તો ફરી ફરીને વાંચીયે તો પણ તરો તાજા જ લાગે.
LikeLiked by 1 person
સરસ ઐતિહાસિક લેખ
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person