રસ્તા પર ઢોળાયેલો સફેદો (જુગલકિશોર વ્યાસ)


રસ્તા પર ઢોળાયેલો સફેદો

પુત્રની સાથે એના બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે જોયું તો એક ચાર રસ્તા ઉપર મોટા પ્રમાણમાં સફેદ રંગનો ઓઇલ પેઇન્ટ ઢોળાઈ ગયેલો હતો. પહેલી નજરે તો આટલા મોટા પ્રમાણમાં થયેલા બગાડનો જ વિચાર આવે, પરંતુ બાઈક જેમજેમ આગળ વધતું ગયું તેમતેમ એ સફેદ રંગના આછા થતા જતા લીસોટાએ મનને પકડી લીધું.

આરંભે, જ્યાં સફેદો ઢોળાયો હતો ત્યાં આખા રસ્તે ફેલાઈને ઘાટો સફેદ રંગ આખી સડકને  કાળીમાંથી સફેદ બનાવી ચૂક્યો હતો ! પણ જેમજેમ સડક પર આગળ વધતા ગયા તેમતેમ એ રંગ આછો થતો ગયેલો જોવા મળતો હતો. સડક પણ આગળ જતાં કાળાશ પકડતી જોવા મળતી હતી. જેમજેમ કાળાશ વધતી જતી હતી તેમતેમ સફેદાઈ ઘટતી જઈને કાળાશને માર્ગ દેતી જોવા મળતી હતી.

હકીકતે જોવા જઈએ તો રંગ તો ચાર રસ્તા પાસે જ ઢોળાયો હતો. એ સફેદાઈ તો ત્યાં જ અટકી જવી જોઈતી હતી, પરંતુ સડક પરથી પસાર થઈ ગયેલાં વાહનોનાં પૈડાં એ સફેદાઈને પોતાની સાથે ચિપકાવી દઈને યથાશક્તિ આગળ સુધી લઈ ગયેલાં તેથી ઢોળાયેલો સફેદો ચાર રસ્તા સુધી સીમિત ન રહેતાં દૂર સુધી ફેલાઈ ગયો હતો.

આ રસ્તેથી વાહનો તો અનેક નીકળ્યાં હશે. કોઈ મોટાં, કોઈ નાનાં; કોઈનાં પૈડાં મોટાં ને કોઈનાં નાનાં; કોઈનાં પાતળાં, કોઈનાં જાડાં. કોઈ વાહનની ઝડપ ઓછી હશે, તો કોઈની વધુ પણ હશે. પણ આ બધાં ટાયરોએ એ જેમાં ફિટ થયેલાં હતાં એ વાહનની ઝડપ મુજબ સફેદાને રસ્તા પરના ડામરના કાળા રંગને સફેદાઈમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો હતો ! એ પણ જોવા મળ્યું હતું કે સફેદ રંગ આગળ જતાં ધીમેધીમે જુદાજુદા આકારમાં ફેરવાતો ગયો હતો ! રસ્તાની જમણી બાજુનાં વાહનો (ભારતમાં ડાબી બાજુ હંકારવાના હોવાના નિયમે કરીને) સ્વાભાવિક રીતે જ મોટાં અને ઝડપી હોય ને તેથી એનાં મોટાં પૈડાં પર સફેદો વધુ પ્રમાણમાં ચોંટીને વધુ દૂર સુધી લઈ જઈ શકે. વળી જમણી બાજુનાં પૈડાંની ઝડપ પણ – વાહનની ગતિના નિયમો અનુસાર – વધુ હોય તેથી વધુ સમય સુધી (અને વધુ અંતર સુધી પણ) સફેદાને ફેલાવી શકે…(‘સ્થળ–કાળ’નો શાશ્વત સંદર્ભ પણ અહીં યાદ આવી ગયેલો !)

છતાં જે જોવા મળ્યું તે જરા ‘હટકે’ હતું ! સાઇકલનાં ટાયરો કે જે છેક ડાબી બાજુ ચાલનારાં હોય છે, ઓછી ઝડપનાં હોય છે, પાતળાં હોવાથી સફેદાઈને ઓછી સ્વીકારનારાં હોય છે / હોઈ શકે છે, તો પણ મેં જોયું કે, ક્યાંકક્યાંક આ પાતળાં, ઓછી ઝડપવાળાં ને ઓછું સંગ્રહી–સ્વીકારી–ચોટાડી શકનારાં ટાયરો દ્વારા સફેદાઈ બહુ દૂર સુધી પહોંચી ગઈ હતી !!

આ નાનાં ટાયરોની કામગીરી જોતાં મને સમજાયું કે તેણે દૂર સુધી સફેદાઈને લઈ જવાનું જે કામ કર્યું તેનું એક કારણ એ હતું કે, એણે ક્યાંકક્યાંક મોટાં વાહનોનો લાંબા અંતર સુધી લઈ જવાયેલો સફેદ રંગ પણ પોતાના ટાયરો પર લગાડીને આગળ સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું !!!

રસ્તા પરની એ સફેદાઈ છેવટે સાવ પૂરી થઈ ગઈ. રસ્તો હતો તેવો જ પાછો થઈ ગયો – કાળોમેશ !! પણ વીચારો તો લાંબા ચાલ્યા. હું કલ્પનાના ચક્ષુઓથી જોઈ શક્યો કે ડામર તો શું, ખુદ રસ્તો પણ જાણે કોઈ ‘લીલા’નો માર્યો અદૃશ્ય થઈ ગયેલો દેખાયો. રસ્તા પછી શહેર પણ ક્યાંક ખોવાઈ જતું દેખાયું !! અહા, અહો, આ જગત પણ આમ જ, એક દી’ ??!

અવતારી વ્યક્તિઓ – એને ભગવાન કહો ન કહો – પણ તેઓ દરેક વખતે આવીઆવીને કાળા રસ્તા પર સફેદાઈ ઢોળી જતાં હોય છે. ત્યાં એમનું અવતાર–કાર્ય પૂરું થઈ જાય છે. સફેદાઈને સૌ કોઈ અનુયાયીઓ યથાશક્તિ/મતિ આગળ લઈ જતાં હોય છે કે લઈ જવા મથતાં હોય છે. કાળાશ કેટલોક સમય નામશેષ થાય છે. પણ કાળ ભગવાન (સમય) અને જગત (સ્થળતા – સ્થૂળતા) એને પાછી લઈ આવે છે !! આ જ સાચો ક્રમ છે. આસ્તિકો, નાસ્તિકો પોતપોતાની બુદ્ધિ અનુસાર એકબીજાને ગાળો દીધાં કરે એટલું જ, બાકી તો જે શાશ્વત છે તે તો કાળાશ પણ નહીં, સફેદાઈ પણ નહીં ! રસ્તો પણ નહીં, શહેર પણ નહીં !

જગત તો એક દી’ નથી જ નથી.

તો જે રહેવાનું છે; ન દેખાતું છતાં “રહેલું” “છે” તે શું ???

બાઇક પર બેઠાંબેઠાં – એ પણ પાછાં “કોઈ અન્ય”ના બાઇક પર !– કેટલુંક વિચારી શકાય ?! “ક્યાં સુધી” વિચારી શકાય ?!

પણ એક વાત નક્કી. ઢોળાયેલો સફેદો આજ સુધી, અહીં સુધી, મને લઈ આવ્યો….!

 

6 thoughts on “રસ્તા પર ઢોળાયેલો સફેદો (જુગલકિશોર વ્યાસ)

  1. સરસ અવલોકન. જુ. ભાઈ એ ચાળે ચઢ્યા – એ ગમ્યું.
    જીવનની રોજબરોજની ચહલ પહલમાં સાવ સામાન્ય લાગતી ચીજો પણ આપણને વિચારતા કરી શકે છે.

    Liked by 1 person

  2. જુ’ભાઇની કાળા રસ્તા પર સફેદો…વાંચી
    અને બહાર જોયું તો આ વસંતે હજુ પણ અમારા કાળા રસ્તા પર સફેદ સ્નો દેખાય ! તેના પર પસાર થતા વાહનો જુદા જુદા આકાર સર્જે પણ બ્લેક આઇસ ખરાબ ગણાય…
    યાદ આવે અમારા કાળા વાળ કોઇ કોઇ જગ્યાએ સફેદ થતા કહેવાતું કે આ સફેદ ધજા ફરકી !
    હવે સંધી કરવાનું જ વલણ રાખવું.
    છાપામા જોયું તો સમાચાર -‘અમદાવાદના યુનિવર્સિટી રોડ પર આવેલા દાદા સાહેબના પગલા ચાર રસ્‍તા પર આવેલ ઝિબ્રા ક્રોસિંગના કલરને લઇને ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે ઝિબ્રા ક્રોસિંગ સફેદ અને કાળા રંગનો હોય છે, પરંતુ અહીં લાલ અને સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે !

    Liked by 1 person

  3. સુરેશભાઈ, આ તો બહુ જુનો મારો શોખ છે. ૧૯૬૭ આસપાસ કેટલુંક લખાયેલુંં…..પણ પછી ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલું ! આ લખાણ પણ જૂનું જ છે જે નેટગુર્જરી પર પ્રગટ થયેલું…..આભાર.

    Liked by 1 person

  4. દિવ્યપુરુષો કાળાશ પર સફેદો ઢોળી દે એને પ્રસારવાનું તો નાના મોટા વાહનો (નાના મોટા સંતો પોતાના ગજા પ્રમાણે ) કરતાં હોય છે.

    Liked by 1 person

  5. really ju’bhai has explained great phylosophy of AVATAR …and
    કાળાશ કેટલોક સમય નામશેષ થાય છે. પણ કાળ ભગવાન (સમય) અને જગત (સ્થળતા – સ્થૂળતા) એને પાછી લઈ આવે છે !! આ જ સાચો ક્રમ છે.

    Like

  6. જુ’ભાઇના ડાબે હાથે………………….?
    યાદ અપાવ્યું
    હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
    હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.
    અને
    ડાબે હાથે ઓરું સાજન લાપસી
    જમણે હાથે ચોળું રે કંસાર
    હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….
    ડાબા હાથ ઉત્પન્ન થતી પીડાને હૃદય સાથે…

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s