ગગનવાલા સવારના પહોરમાં ફોન ખોલીને ‘ડિકશનરી ડોટ કોમ’ નામની ‘એપ’ જુએ છે. એમાં આજે સહસા એક માહિતીલેખનું શીર્ષક જોયું: કળશ! અથવા કલશ કે કલાશ! આ કલાશ પીપલ પાકિસ્તાનમાં વસે છે, અહો! તે લોકો ‘દેવલોક’ તરીકે પૂજાતા મહાદેવ, ઇન્દ્રદેવ અને યમરાજા નામક દેવતાઓથી ખચિત પુરાતન આર્યોનો ઋગ્વેદિક ધર્મ યાને પૌરાણિક હિંદુ ધર્મ પાળે છે! વ્હોટ્ટ? ગગનવાલાના કાન સટાક ઊંચા થાય છે; ગગનવાલા યાહોમ કરીને મારે છે ખલાંગ છલાંગ નેટ–સાગરમાં.
પાકિસ્તાનની ફકત ૪૧,૦૦૦ માથાંની આ બારીક લઘુમતી કલાશ પ્રજા પાકિસ્તાનના ખૈબર–પખ્તુનખ્વા પ્રાન્તની ‘કલાશ દેશ’ કહેવાતી ઘાટીઓમાં વસેલી છે. તેઓ ભારોપીય શાખા કેરી દાર્દિક કુળની બોલી બોલે છે. વીસમી સદીની પહેલાં તેમની સંખ્યા વિશાળ હતી પણ પછીથી બહોળી સંખ્યામાં કલાશ લોકોએ ઇસ્લામ અંગીકાર કરતાં ખાલિસ કલાશ પ્રજા પાંખી થતી ગઈ છે. કલાશ ધર્મનો પરિત્યાગ કરનારને કલાશ કબીલામાં પુન:પ્રવેશ નથી.
કલાશ પુરુષો કોડીઓથી શણગારેલા લાંબા કાળા ડગલા પહેરે છે, અને સ્ત્રીઓ ભરત આભલાનાં વસ્ત્રો ધરે છે. એમને બીજી પ્રજાઓ ‘ચિત્રાલ’ યાને ‘કાળા કાફિર’ કહે છે. ઇસ્લામકેન્દ્રી દેશની વચ્ચે રહેવા છતાં કલાશ સ્ત્રીઓ અને પુરુષો છૂટથી હળેમળે છે. કોઈ પરીણિત લલનાને થાય કે મને મારો નવરો નથી ગમતો ને મારે બીજા નવરા સાથે રહેવું છે તો તે અભિસારિકા પોતાના ઇચ્છિત નવરાને જણાવે. પેલાને નવરાશ હોય તો તેના પતિએ જે કીમત આપી હોય તેથી બમણી આપીને તે લલનાને પોતાની મહેરારુ બનાવી શકે. આ પ્રથા ઠાઠમાઠથી તહેવારોમાં પણ સ્થાન પામેલ છે. કલાશ લોકોનો ‘ચિલમ જોશી’ નામે વાસંતી તહેવાર અને શિશિર ઋતુમાં સૌથી મોટો તહેવાર ‘ચતુર્માસ’ ગાણાંબજાણાં ને નાચણાંથી ઊજવાય છે. કિશોરો દેવોનો વેશ લઈ ‘ઇન્દ્ર મહાલય’ જવા શેરી સરઘર કાઢે છે. મૃત્યુ પામેલા વડીલોના તર્પણાર્થે ડાબા હાથે કાગડાઓને કાગવાસ નંખાય છે.
એમની ગૈર–મુસ્લિમ રહનસહનવાળી આ પ્રજા ઉપર ૧૯૭૦ના દાયકામાં મુસ્લિમ મૌલવાદીઓ અને લડાયક મૌલવીઓ દ્વારા ઘોર અત્યાચાર થયા હતા. તેથી તેમની સંખ્યા ફક્ત ૨૦૦૦ જેટલી થઈ ગઈ હતી. પછી સરકારી સુરક્ષણથી અને બાળમરણનું પ્રમાણ ઘટ્યાથી હવે એમની વસતી ૪૧૦૦ જેટલી થઈ છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં તાલિબાનોએ કલાશ અને ઇસ્માઇલી પ્રજાઓની સરેઆમ કતલ કરવાની હાકલ કરેલી તેથી પાકિસ્તાની લશ્કરે કલાશ ગામડાંની આસપાસ સુરક્ષા ફેલાવીને તેમને રક્ષણ આપ્યું છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઐલાન કર્યો છે કે લઘુમતી પ્રજાઓને અભયદાન આપવાનું પાકિસ્તાનના સંવિધાનમાં અને શરીયતમાં પણ જાહેર કરેલું છે કે જે મુસ્લિમો પરધર્મી લોકોને વખોડશે કે રંજાડશે તે ગુનેગાર ગણાશે.. ઇમરાન ખાન જેવા શાંતિવાદી નેતાઓએ બળજબરીથી ધર્મપરિવર્તન કરાવનારાઓની સખત ટીકા કરી છે. આ કલાશ પ્રજાનો એક હિસ્સો અફઘાનિસ્તાનના નૂરીસ્તાન કે ‘કાફિરીસ્તાન’ નામે પ્રદેશમાં પણ વસેલો છે, પણ ઇસ્લામીકરણના કારણે તેમની સંખ્યા નજીવી થતી જાય છે.
આવડી ટચુકડી પ્રજાની આવી અનૂઠી સંસ્કૃતિથી ગગનવાલા તો બિલકુલ ગાફેલ હતા પણ રડયાર્ડ કિપલિંગ નામે નામીગિરામી લેખક એમનાથી અજાણ નહોતા. કલાશ લોકો ઉપર એમણે એક વિખ્યાત કથા લખેલી, ‘ધ મેન હૂ વુડ બી કિંગ’. તેના ઉપરથી ૧૯૭૫માં શૌન કોનેરી અને માઇકલ કેઇન અભિનીત ફિલ્મ બનેલી. બીબીસીના માઇકલ પેલિને ૨૦૦૪માં કલાશ પ્રજા ઉપર ડોક્યુમેન્ટરી સિરીઝ બનાવેલી જેમાં સોનેરી વાળ અને ભૂરી આંખોવાળા કલાશ લોકો ગ્રીસના સિકંદર મહાનના વંશજ હોવાનું કહેવાયું છે. જ્વલંત નલિન સંપટ નામે લેખકની નવલકથા ‘ધ ટેન્થ અનનોઉન’માં પણ કલાશ પ્રજા ઉપર એક દીર્ઘ પ્રકરણ આવે છે.
પાઠક બંધુગણ અને બાંધવીઓ, ડિક્શનરી–ડોટ–કોમ દ્વારા ગગનવાલાની સવાર સોનેરી થઈ. ઇન્ટરનેટ ઉપર ચરુના ચરુ ભરીને ડિટેલુ ઉપર ડિટેલું છે. પણ અત્રે કેવળ અંધારામાં વીજળી ઝબકે ને દેખાય એટલું કહેવાયું છે. જેમને રસ હોય તે પોતાના બાહુબળે કલાશ પોશાક, વરણાગી પ્રણય પ્રથાઓ, કલાશ ભાષાકલાપ, કલાશ ડીએનએ, વંશાવલિ, સંગીત, વાનગીઓ, ઇતિહાસ અને કલાશ ધર્મ વિશે ગનાન પ્રાપ્ત કરી શકે.
કલાશ પ્રજા- you made us read more about this Laghumati with advance social outlook in Pakistan and happy to note now they are given protection as minority, and less childhood deaths.
ધન્યવાદ
કલાશ પ્રજા અંગે વાત માણી .
આ અંગે ઘણી નવી વાત જાણી વધુ માટે
– وادی کیلاش: کافر حسیناؤں کا …
LikeLike
કલાશ પ્રજા- you made us read more about this Laghumati with advance social outlook in Pakistan and happy to note now they are given protection as minority, and less childhood deaths.
LikeLiked by 1 person