બાર્ગેઇન દેવતા (હરનિશ જાની).


બાર્ગેઇન દેવતા

પરણ્યો ન હતો, ત્યાં સુધી માનતો કે મારી બા જેવું બાર્ગેઇનિંગ કોઇ ન કરે. નસિબનો બળિયો કે પત્ની અમદાવાદની મળી.એટલે મારા જીવનમાં ભાવતાલ તો રહ્યા જ. હવે અમદાવાદ એ ગામનું નામ નથી. અમદાવાદ એ સ્વભાવ છે. કદાચ એમ હોય કે અમદાવાદ હમેશાં વેપારી ગામ રહ્યું છે. વળી એ છે, બધી જાતના વેપારથી ધમધમતું ગુજરાતનું મુખ્ય નગર. અને વેપારીઓનો ધર્મ નફો કરવાનો- કોઇ પણ પ્રકારે. બાર્ગેઇન  એ વેપારનું જ એક અંગ છે. અમદાવાદમાં વેપારીઓ તો હતા જ અને એમાં ભળ્યા પોલિટિશીયનો જેમનો ધર્મ પણ નફો કરવાનો.એટલે બાર્ગેઇનની વાત આવે તો ગુજરાતને અમદાવાદ યાદ આવે ! ખરેખર તો અમદાવાદ કંજુસાઇ માટે વખણાય છે. અમદાવાદે આપણને કંજુસાઇના જોક્સ આપ્યા.અને તે અમદાવાદીઓએ જ બનાવ્યા છે .એટલે એમ કહેવાય કે અમદાવાદીઓમાં સેંસ ઓફ્ હ્યુમર તો છે જ.

મારી બાની વાત કરીએ તો એને માટે કહેવાય કે એણે જીવનમાં કોઇ પણ વસ્તુને  વેપારીએ કહેલી પહેલી કિંમતે કદી લીધી નથી. એણે હમેશાં  ભાવતાલ કરીને ઓછી કિંમતે વસ્તુ લીધી છે. એમ કરતાં વેપારીનો જીવ લેવો પડે તો તે લે. હવે મારી પત્ની પણ તેમ કરે છે. ઇંડિયામાં  નહી પણ  અમેરિકામાં. પત્નીને બદનામ નથી કરતો પરંતુ વખાણ કરું છું આ એક ગુણ છે.પત્ની જ શા માટે ? હવે તો હું પણ કશું સેલમાં ન હોય તો નથી ખરીદતો. પત્નીએ શિખવાડ્યું છે કે -સેલ વિનાની વસ્તુઓ મૂરખાઓ ખરીદે.અથવા જુવાનિયાઓ ખરીદે કે જે બીજાના પૈસા વાપરે છે.. વધુ પૈસા આપીને લાવનાર પાસે પૈસા વધુ હશે પણ બુદ્ધિતો નથી જ. જો મોટા મોટા સ્ટોર વ્યાજબી ભાવે વસ્તુ વેચતા હોત તો તેમને “સ્પેશિયલ સેલ” કાઢવાનો વારો જ ન આવે. હવે આ સેલ મારા જેવાને ભાવતાલની રકઝકમાંથી બચાવી લે છે.મારી બા કે પત્ની કોઇની સાથે ભાવતાલ કરે તો હું દૂર ખસી જતો -“આ સ્ત્રીને હું ઓળખતો નથી.” એવા ભાવ સાથે. એમના આ વર્તનથી મને શરમ આવતી. તો હવે  અમેરિકામાં , આ સેલ તો મારા જેવા માટે આશિર્વાદ સમાન છે.મારા વ્હાલા -સામેથી જ ભાવ ઓછા કરતા જાય. “ક્રિસ્મસ” અને “થેંક્સ ગીવીંગ” જેવા તહેવારોના સેલથી ન અટકતા તેઓ “મેનેજર્સ સ્પેશિયલ” અથવા “કસ્ટમર્સ એપ્રિશીયેશન સ્પેશિયલ”  સેલના બહાના હેઠળ ભાવ ઓછા કરતા જશે. હવે આ વાત જાણ્યા પછી જો આપણે મૂળ ભાવે લઇને બેસી ગયા હોઇએ તો મૂરખમાં ખપીએ ને !

ત્યારે હું હાઇસ્કુલમાં ભણતો હતો. અમારા ગામમાં,મોટા શહેરોમાંથી ફેરિયાઓ કાપડની ફેરી ફરતા.એક વખતે એક ફેરિયાએ પોતાની ગાંસડી અમારા ઓટલે મુકી. અમારો ઓટલો મોટો અને ચોખ્ખો. ફળિયાની આઠ દસ સ્ત્રીઓ ભેગી થઇ અને માલ જોવા લાગી. તેમાં મારી બા પણ ખરી. મારી બાને એક સાડી ગમી. પેલાએ તેના પિસ્તાલીસ  રૂપિયા કહ્યા. મારી બા કહે કે “પાંચમાં આપવી છે?” બીજી સ્ત્રીઓને થયું કે સુશિલાબહેન મશ્કરી કરે છે. પેલાએ ધીમેથી કહ્યું “ચાલો, તમારા ઓટલે હું બેઠો છું ચાલિસમાં આપીશ.”   મારી બા કહે આ સાડીના પાંચથી વધુ ના હોય.” આ દરમિયાન હું અંદરથી આ ખેલ જોતો હતો. પાંચ મિનીટ પછી પેલો બોલ્યો.”બહેન,ચાલો પાણી પિવડાવી દો તમને ત્રીસમાં આપીશ.” બાના ઇશારે હું પાણી લઇ આવ્યો.મારી બા હવે ઢીલી થઇ.કહે કે”ચાલ છ રુપિયામાં આપ.” અને રકઝક આગળ ચાલી.આ ગાળા દરમિયાન ફેરિયો બીજી સ્ત્રીઓને સાડીઓ વેચતો.અમારા પાડોશી લીલુ કાકીને પણ સાડી ગમી. પેલો ફેરિયો કહે “ચાલો બહેન,વીસ આપજો.” અડધા કલાકે મારી બા કહે કે “મારી ફાઇનલ કિંમત નવ રૂપિયા” ભગવાન જાણે પણ પેલો ફેરિયો માની ગયો.અને કહે કે “ચાલો બહેન બ્રાહ્મણનું ઘર છે.નવ રૂપિયે સોદો નક્કી.” તો મારી બા કહે કે “હવે મારે સાડી નથી લેવી.” ઓટલા પર સૌ ચમક્યા.  મારી બા કહે કે ” જો સાડી પિસ્તાલીસની  હતી તો તું નવમાં આપવા તૈયાર કેમ થયો? સાડીમાં જરૂર કાંઇ ખોટ છે.” આવા ભાવતાલ કરીને મારી બા રિઢી થઇ ગઇ હતી.પછીથી તે સાડી લીલુકાકીએ લીધી હતી. અને બીજે દિવસે ખબર પડી કે તે સાડીમાં વચ્ચે સાંધો હતો. હવે મારી બામાં આ ભાવતાલની આવડત આવી કયાંથી?

મારા દાજીબાપુ,મારી બાના બાપુ, તો છોટાઉદેપુરના.પરંતુ બાર્ગેઇનની બાબતમાં અમદાવાદીને પણ પાછળ પાડે. કંજુસાઇ અને ભાવતાલ એ બે જુદી વસ્તુ છે.ભાવતાલએ હોશિયારીની નિશાની છે. દજીબાપુ તુવેરની દાળ માટે મારા જેવા ઘરના કોઇ છોકરાને મોકલીને પાંચ કરિયાણાની દુકાનોમાંથી દાળના નમુના મંગાવશે.અને તેમાંની પસંદગીની દાળનો ભાવ પૂછાવશે. પછી એ પોતાનો ભાવ ગાંધીની દુકાને કહેવડાવશે.પછી ગાંધી આપણને નવો ભાવ કહેશે. દાજી બાપુ પોતાનો ફાઇનલ ભાવ વેપારીને કહેશે.વેપારી વકિલસાહેબનો બોલ પાડશે.હવે આ બધું કામ ઘરના હિંચકા પર બેસીને આપણી  પાસે કરાવશે .  જયારે મને મોકલે ત્યારે દાજી બાપુ કહેતા કે “આ રીતે ભાણો ભાવતાલ કરતાં શીખે.” અને આ ભાણો એ શીખ્યો કે ભાવતાલ કરીને આપણો સમય અને વેપારીનો મિજાજ બગાડવો નહિ.

હવે આ મારા દાજીબાપુ જ્યારે ખોટી જગ્યાએ ભાવતાલ કરવા જતા ત્યારે એમની ભાવતાલની વૃતિ કંજુસાઇનું સ્વરૂપ પકડી લેતી અને તે હાંસીપાત્ર બનતા.

મારા નાના મામાના લગ્નમાં ક્યું બેન્ડ મંગાવવું તેનો પ્રશ્ન આવ્યો ત્યારે એમણે ગામનાં ત્રણ બેન્ડ જોડે ભાવતાલ કરવા માંડ્યા.રાષ્ટ્રિય બેન્ડ એમને ન ફાવે કારણ કે તે ચાલિસ માણસોનું બેંડ અને ત્રણસો રૂપિયા  માંગે. એમને માટે એ નકામું. ત્યાં ભાવતાલનો તો સવાલ જ નહોતો.અને ત્રણસોમાંથી કોઇ પચાસ પર થોડું આવવાનું છે.? બીજું  હતું “સાબલા મિયાં બેંડ” .તેનું દુ:ખ એ હતું કે તેમાં છ મ્યુઝિશીયન હતા અને તેઓ એક બાપના છ દીકરા હતા.તેમના પર બહુ ભરોસો ન રખાય .બાપને શરદી થઇ હોય તો  કોઇ પણ દીકરા ન આવે.એક વખતે ગણપતિ સ્થાપન વખતે તેમને પતાસા નહોતા મળ્યા ત્યારે રિસાયા હતા.છેવટે લાડુ પુરી જમાડ્વા પડ્યા હતા. એટલે દાજી બાપુની નજર જુવાન છોકરાઓના બંસી બેન્ડ પર હતી એમનો ભાવ સો રૂપિયા હતો પણ વકિલદાદાને કોન્ફીડન્સ હતો કે પચાસ પર લાવી દેશે. બંસી બેન્ડ્નો લિડર એક જુવાનીયો હતો. દાદા ભાવ ઉતારવાની વાત કરતા ત્યારે તે કહેતો કે ” દાદા,બેંડમાં અમે દસ જણ. અમને દસ દસ રૂપિયા તો મળવા જોઇએને!  “દાદા કહે કે”ચાલ બે માણસ ઓછા લાવજે. એંસીએ માની જા.” પછી થયું પણ તેમ જ વરઘોડામાં આઠ માણસનું બેંડ આવ્યું. જયારે બેન્ડે મેરા જૂતા હૈ જાપાની વગાડવાનું ચાલું કર્યું તો બધી બંસરીઓમાંથી તીણા ફૂંકના અવાજ આવતા. બધું બેસુરું લાગતું. આપણને લાગે કે કાંઇક વાગે છે-પણ તે આપણા માથામાં. કોઇને સમજ ન પડે કે આવું સરસ બેંડ એકાએક બેસુરું કેમ થઇ ગયું.પછી સમજાયું કે બેન્ડ માં ડ્રમ અને ઢોલ નહોતા. હવે રિધમ વિના સૂર કયાંથી જામે? અને બંસરી બેન્ડ માંથી બે માણસ ઓછા તો થયા પણ ગીતમાંથી રિધમ પણ ઓછી થઇ.મારા મોટા મામાએ તેમને બીજા ત્રીસ આપ્યા તો બે માણસો અંદર જોડાયા. એમને બોલાવાની બહુ તકલિફ ન પડી તેઓ ગલીને બીજે છેડે બીડી પીતા બેઠા હતા અને બોલાવાની રાહ જોતા હતા.

અમેરિકામાં કંજુસાઇ, હોશેયારીમાં ખપે છે. સિત્તેરના દાયકામાં જ્યારે જગતની સૌથી મોટી બેંકો અમેરિકામાં હતી ત્યારે બેંકોમાં જો ખાતું ખોલાવીએ તો બેંક, ટોસ્ટર કે સુટકેસ જેવી મજાની ભેટ આપતી. એક બેંક તો વળી ફ્ક્ત સો ડોલર જમા કરાવીએ તો  એક ખુરસી ભેટ આપતી. ઘણાં ગુજરાતી ફેમિલિ સો સો ડોલરના જુદા જુદા નામે ખાતા ખોલાવી છ છ ખુરસીઓ લઇ આવ્યા હતા. અને પછી એક ટેબલ લાવી,ડાઇનિંગ સેટ બનાવી દીધા હતા. અને આવી ભેટ આપવાનું બેંકોને આ જમાનામાં ન પોષાય. તેમ છતાં રવિવારના છાપાં જાત જાતની કુપનોથી ભરપુર હોય છે. એટલે બારગેઇનના ચાંસીસ રહેતા નથી,અમુક કુપનો “બાય વન ગેટ વન ફ્રી” ની હોય છે. દુકાનદાર સામેથી જ કહે કે તમારે અડધા ભાવે વસ્તુ જોઇતી હોય તો એકનો પુરો ભાવ આપો અને બીજી વસ્તુ  મફત લો. તમને વસ્તુ અડધા ભાવે પડશે અને અમારી બે વસ્તુ ખપશે. તમે પણ હેપી અમે પણ હેપી અને બારગેઇન દેવતા પણ હેપી.

 

3 thoughts on “બાર્ગેઇન દેવતા (હરનિશ જાની).

  1. બાર્ગેઇન-સોદા ભારતનું અને અમારું અમેરીકાનું માણ્યુ…
    ભારત મા આવા સોદા કરતા અને હુંશિયારીની વાત કરતા -અહીં Exxon – “Put a Tiger in Your Tank વાંચી મોંઘાભાવનો ગૅસ ભરાવતા અને વાઘની પુંછડી ભેટમા લેતા!.શરુઆતમા અમે કુપનો કાપીને સસ્તું ખરીદતા અને વધારાની વસ્તુઓ ખરીદાતી અને હવે જે મોંઘીવસ્તુ લેવાની હોય ત્યારે તેનું રૅટીંગ વગેરે જોઇ ખરીદીએ પણ ખપ કરતા વસ્તુ ન લેવાની કાળજી રાખીએ…
    બાલમુકુંદજી કહે છે,
    અત્તરના સોદા ન કીજીએ. અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.
    હાટડી પૂછીને કોક આવી ચડે તો એને પૂમડું આલીને મન રીઝીએ;
    અને – મરીઝ જી કહે છે
    આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
    આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
    જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
    એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

    Like

પ્રતિભાવ